Sumudrantike - 18 in Gujarati Moral Stories by Dhruv Bhatt books and stories PDF | સમુદ્રાન્તિકે - 18

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

સમુદ્રાન્તિકે - 18

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(18)

અહીં આવ્યા પછી મેં પરાશરને ચાર-પાંચ પત્રો લખ્યા છે. તેણે દરેક પત્રના જવાબમાં અહીં આવવાની ઇચ્છા વ્યક્ત કરી, ગમે ત્યારે આવી ચડવાનું વચન આપ્યું છે. પણ આજનો મારો પત્ર વાંચ્યા બાદ તે આવ્યા વગર નહીં રહે. મેં શ્યાલબેટ, ભેંસલો, હાદાભટ્ટ અને અવલની વાત પૂરી વિગતે લખી છે. આટલું લાંબું લખાણ કદાચ મેં પ્રથમ વખત લખ્યું.

મારા મનનો ભાર હળવો થાય તે માટે આ કામ અધૂરું મૂકી પાછા ફરી જવાની મારી ઈચ્છાની જાણ કરી છે, મારો રિપોર્ટ તૈયાર કરવા, જ્યારે જ્યારે લખવા બેસું છું ત્યારે થતી વેદના મેં વર્ણવી છે:

‘જે ક્ષણે લખવા બેસું છું, તે પળે મને અંદરથી કોઈ રોકે છે. આ અચલ છતાં વેગવંત ખડકાળ કિનારો, લહેરાતાં ખારાં પાણી, નાનકડા વીરડામાં તબકતાં નિર્મળ જળ અને એવાં જ નિર્મળ નયનોવાળા ભોળા માનવી. આ બધા એકસામટા આવીને મારા મન પર કબજો જમાવી દે છે.

આ જનહીન ખારાપાટ પર રાત્રીનું ખીચોખીચ તારે મઢ્યું આકાશ પોતાનો ઝળહળતો ખજાનો ખુલ્લો મૂકે છે ત્યારે અહીં અનુપમ સૃષ્ટિનું સર્જન થાય છે. સમુદ્ર, જેમાં હું બાળકની જેમ રમ્યો છું, જેનાં મોજાંઓ પર લહેરાયો છું. આ બધું મને એમ લખવા પ્રેરે છે કે વૃક્ષોનું ન હોવું, ખેડી શકાય તેવી ભૂમિનું ન હોવું, અને પાંખી માનવવસ્તીનું હોવું એટલા માત્રથી કોઈ સ્થળ ઝેરી રસાયણો બનાવવા માટે યોગ્ય નથી બની જતું. પરાશર, વીણા, આ તેમને લખું છું તે હું હવે દૃઢપણે માનું છું. અને મારું કામ મારી માન્યતા-ઈચ્છા વિરુદ્ધનું રહ્યું છે. તમે મને માર્ગદર્શન આપો. અને હું પેલા, મેં અગાઉના પત્રમાં જેના વિશે લખ્યું છે તે બંગાળીને પણ પૂછીશ.’

પત્ર મોકલી પછી મેં બાવાજીને મળવાનું વિચાર્યું. બીજે અઠવાડિયે મને સમય મળ્યો. અને હું નીકળ્યો. ચોમાસા પહેલાંનો વરસાદ પડી ગયે અઠવાડિયું થયું હતું. હવે દશ-પંદર દિવસમાં ચોમાસું શરૂ થશે. જેઠ મહિનાની પૂનમ કદાચ આજે જ હશે. આખે રસ્તે મારા મનમાં વીગત સમયના અનુભવોની વાતો આવ્યા કરી. જે કામ કરવાના ઉત્સાહથી ભરપૂર હૃદય લઈને હું અહીં આવ્યો હતો, આ પ્રદેશને ધમધમતો કરી દેવાનો ઉમંગ લઈને આવ્યો હતો તે ઉત્સાહ, તે ઉમંગ જ્યારે ખરેખર તેવું કરવાનો સમય આવ્યો ત્યારે દરિયાની ઓટમાં ઓસરીને ક્યાંનો ક્યાં જતો કેમ રહે છે?

મારે શું કરવું? મારી અનુભૂતિ માત્ર લાગણીવેડા છે? કેમ મને આવું થાય છે અને આવી અનિર્ણયાત્મક સ્થિતિમાંથી બહાર કેમ આવવું? બાવાજીને મારે આ પૂછવું છે.

બપોરે હું મઢીએ જવા નીકળ્યો. દરિયો મસ્ત બનીને ઝૂલતો હતો. કબીરો ભીની વેળુ પર ખરીઓ દબાવતો દોડ્યો જતો હતો.

મઢીએ પહોંચ્યો ત્યારે બંગાળી ગમાણ સાફ કરતો હતો. ગાયો સવારે ચરવા મોકલી દીધી હોય. તે છેક સાંજે પાછી આવશે.

‘આવ દોસ્ત, બેટ માથે જા કર કે આયા?’ મને જોતાં બાવાએ કહ્યું.

‘તું ઉપર જા. થોડી દેરમેં મૈં આતા હું’ હું મઢીએ જઈને બેઠો. થોડી વારે બંગાળી આવ્યો. ‘બોલ, કૈસા રહા?’

‘બેટ પર મજા આવી.’ મેં બેટના અનુભવો ટૂકમાં વર્ણવ્યા. ભેંસલા અને સમુદ્રના સંબંધ વિશે ત્રિકમની માન્યતાની વાત કરી.

‘હોતા હૈ. ઐસા ભી હોતા હૈ.’ એટલું માત્ર કહીને બંગાળી ચૂપ રહ્યો. મેં વરાહસ્વરૂપમાં જોયેલા મોરની વાત કરી અને પછી મારી મન:સ્થિતિ વર્ણવી.

‘બસ? ઈતની સી બાત પે રોતા હૈ?’

‘હું રડતો નથી. મારા મનની મૂંઝવણનો ઉકેલ શોધું છું.’

‘તો ફીર લીખદે રપટ’ તેણે રેતીમાંથી થોડા કાંકરા હાથમાં લીધા. અને મારી સામે ધર્યા. ‘તેરી યા મેરી કિમત ઈસસે જ્યાદા નહીં હૈ. અપને આપકો ઈતના ઊંચા મત સમજ. જો કામ કરના હૈ, સો કરના હૈ.’

થોડી પળો તે મારી સામે જોઈ રહ્યો. પછી કાંકરા દૂર ફગાવી દીધા અને કહ્યું ‘ચલ થોડા ઘૂમે.’

અમે બન્ને થોડું ચાલ્યા, પછી દરિયાકિનારે એક ભેખડ પર ભેઠા.

‘તું સોચતા હૈ કે તેરે રપટ લીખનેસે યહાં વિનાશ હોગા. ઈસ જગા કા રૂપ બદલ દૈગા તું? ઔર જો કુછ ભી હોગા ઈસકા જીમ્મા તેરે સરપે રહેગા?’

‘કંઈક એવું જ’ હું અચકાયો.

‘ભૂલ જા બચ્ચુ ભૂલ જા.’ બાવાએ મારા ખભે હાથ મૂક્યો અને મસ્તક ધુણાવતા કહ્યું ‘ઈતના ગલત ક્યું સોચતા હૈ? તું ઈસે કુછ નહીં કરેગા તો ભી યે સબ બદલને વાલા હૈ.’ પછી મારી આંખોમાં જોતાં ઉમેર્યું. ‘તું ખુદ ભી બદલા નહીં હૈ?બોલ, જૈસા આયા થા, આજ વૈસા હી રહા હૈ?’

‘બદલા તો હું’ મેં કહ્યું. વિતેલા સમયે મને ક્યાંથી ક્યાં લાવી મૂક્યો છે તેના વિચાર કરતાં મેં બાવાજી સામે જોઈને ઉત્તર આપ્યો.

બાવાએ હાથનો લહેકો કર્યો અને ખોબો બનાવ્યો. ‘ઈસકે અંદર પાની રહેગા તો કીતની દેર તક?’

‘ન રહે’ બાવાજી શું કહેવા લાગે છે તે સમજવાનો પ્રયત્ન કરતાં મે કહ્યું.

‘બસ, યે તેરે કારખાને બનેંગે તો રહેંગે કીતની ચાલ? સૌ? દોસૌ? ઓર અનંત કાલ કે સામને યે સૌ-દૌસો સાલ કી કિમત ક્યા હોગી?’

‘પણ ત્યાં સુધીમાં કેટલુંયે નુકસાન થઈ જશે.’

‘પરિવર્તન હોતા હૈ. અચ્છા હૈ યા બુરા યે તો અપના અપના નજરીયા હૈ.’ કહેતા બાવાજી ઊઠ્યા અને પાછળ હું પણ ઊઠ્યો. અમે રેતીમાં જઈને બેઠા

‘સુન, એક દિન યે ધરતી નહીં થી. ફિર ભી પ્રકૃતિ થી. ફિર ધરતી આગકા ગોલા થી, ફિર પાની આયા, ફિર પેડ-પૌધે આયે, મિટ ગયે, ફિરસે બને. પ્રકૃતિ સદા-સર્વદા મુક્ત હૈ. કોઈ ઈસે બાંધ નહીં પાતા. ઔર ન ઈસે બીગાડ સકતા હૈ. બસ ઈતના સમજ લે. ફિર લીખ દે તેરી ઈચ્છામેં આવે સો. જો તેરા કામ હૈ વો તો તુજે કરના હી હૈ.’ કહેતા તેણે મને ઊભો કર્યો.

લગભગ સાંજ પડવા આવી ત્યાં સુધી અમે કિનારા પર ચાલ્યા. ખેરાનાં ઝૂંપડાં દેખાયાં ત્યાં સુધી અવનવી વાતો કરતા ફર્યા. બાવાજીની, જલદી ન સમજાય તેવી રીતે વાત રજૂ કરવાની, ટેવોથી મારે સ્પષ્ટતા માંગવી પડતી, પણ તેની વાત પર વિચાર કરતાં મને સાંત્વના મળતી હોય તેવું લાગતું.

પાછા મઢીએ પહોંચ્યા ત્યારે સામેની દિશામાંથી પંદર-વીસ યુવાનો, બે-ત્રણ યુવતીઓ અને એક કિશોર મઢી તરફ આવતા દેખાયા. અવલ તે બધાની સાથે હતી.

‘સ્વામીજી, જાત્રાળુ લાવી છું’ અવલ મઢીના ચોગાનની રેતી પર આવતાં બોલી અને પછી પેલા ટોળા તરફ જોતાં કહ્યું, ‘આ આપણો મુકામ હવે અહીં જ રાત રોકાવાનું છે.’

બંગાળી અને હું બન્ને જણા પ્રવાસીઓને તાકી રહ્યા. થાકેલા ચહેરાઓ, મેલા પેન્ટ શર્ટ, જીન્સ, વિખરાયેલા વાળ, આંખ પર તડકો ન પડે તેવી ટોપીઓ, પીઠ પર ભેરવાય તેવા થેલા અને હોકી-લાકડીઓ ‘કોઈ પદયાત્રીઓ હશે.’ મેં વિચાર્યું.

‘દરિયે જાત્રા લીધી છે. બંગલે આવ્યા’તા ત્યાંથી અહીં લઈ આવી. અહીં રાત રોકાશે’ અવલે બાવાજીને ઉદ્દેશીને કહ્યું.

‘તે લાઈ તો તુને અચ્છા કીયા. ઈનકી ફિકર ભી અબ તુ હી કરેગી. મેં તો બાવા હું. બાવે કો ક્યા? ભજન ગાના ઔર બેઠના.’

‘એ બધું થઈ જશે’ અવલે કહ્યું. ‘બધું સાથે લાવી છું.’ અવલના નિર્ણયો હંમેશા તેના આગવા હોય છે. બંગલે બધી જ સગવડ છોડીને આ થાકેલા યુવાનોને તે અહીં મઢૂલીએ શા માટે લઈ આવી? વળી અનાજનાં પોટલાં અને તપેલાં તાણી લાવવાં પડ્યાં તે વધારામાં.

‘બધાને ત્યાં જ રોક્યા હોત તો? ત્યાં બધી જ સગવડ થઈ રહેત.’

‘અહીં જે મળશે તે બંગલે ન મળત’ અવલે તેની આદત મુજબ જવાબ આપ્યો. અને પથ્થરો ગોઠવીને ચૂલો બનાવ્યો. અવલને તૈયારી કરતી જોઈને યુવાનો પણ કામે વળગ્યા. બાવળનાં ઝાંખરા, સૂકાં કરગઠિયાં, વીણી લાવીને ચૂલો સળગાવ્યો. બે મોટાં તપેલાં ચૂલે ચડ્યાં. પોટલાં છૂટ્યાં અને ખીચડી-શાક બનાવવાની તૈયારી થઈ.

અચાનક મને ભાન થયું કે મારું પંદર દિવસનું રેશન એક સાથે ચૂલા પર ચડી ગયું છે. અવલને પોતે કરવા ધારેલા કામ માટે બીજા કોઈની પણ મંજૂરી લેવાની જરૂર ક્યારેય સમજાતી નથી. ‘છોકરાંવ, નાઈ-ધોઈ લ્યો’ કહેતી કમ્મર પર હાથ ટેકવીને ચૂલા પાસે ઊભી છે.

‘વિદ્યાર્થીઓ ઢોળાવ ઊતરી કૂવે ગયા. ડોલ સીંચી સીંચીને નહાયા. કપડાં ધોયાં, હસાહસી, મશ્કરી, પ્રવાસના અનુભવોની વાતો. આ બધી ધમાલ અમે શાંત બેસીને જોઈ રહ્યા હતા.

‘એય લડકોં, અભી શોર-ગુલ મત કરના’ બાવાજીએ કહ્યું. અને ઊભા થતાં નીચે રસ્તા પર જોવા લાગ્યા. ‘મેરી ગાય માતા આવેગી. ઈતના દંગા દેખ કે ડર જાયેગી.’ વિદ્યાર્થીઓ શાંત થઈ ગયા. ગાયો આવી. થોડે દૂર ઊભી રહી. અલવ નીચે ઊતરી. ‘આવી જાવ માવડીયું, બીવા જેવું કાંઈ નથી.’ અને બન્ને ગાયો ટોકરી વગાડતી આવી અને ગમાણમાં ગઈ. પાછળ રબારી આવ્યો, તાંબડી લઈને ગાય દોવા ચાલ્યો ગયો.

છોકરાંએ કૂવેથી પાછા આવ્યાં. બાવાએ બધાંને રેતીમાં બેસાર્યા. ‘અવલ, અબ તું ભજન સુના દે, તબ તક તેરા ખાના તૈયાર હો જાયેગા.’

‘હું શું ગાવાની હતી સ્વામીજી, આ છોકરાવને કહો.’ અવલે તપેલાનું ઢાંકણ ખોલી અંદર નજર કરતાં કહ્યું.

‘પ્રથમ આ બધાનો પરિચય કરાવી દઈએ’ નાયક જેવા લાગતા યુવાને કહ્યું ‘બધા પોતપોતાનો પરિચય ટૂંકમાં આપે.’

‘કયા પરિચય કરાવોગે હેં?’ બાવીજી આંખો વિસ્તારતા બોલ્યા.

‘તું સમઝતા હૈ યહાં કોઈ અનજાના હૈ? ચલો ચલો ગાના ગાવ. ભજન, ગાના જો આવે સો ગાવ.’

અવલે ચૂલાનો અગ્નિ ઠારીને કોલસો પાડ્યા. થોડા કોલસા ઢાંકણ પર મૂકી દરિયા તરફની ભેખડ પર જઈને બેઠી. ચંદ્રોદય થઈ ગયો હતો. પીળાશ તજીને ઉજ્જવલ પ્રકાશ ધારણ કરતો ચંદ્ર ધીમે ધીમે ઉપર આવવા લાગ્યો. ભરતી શરૂ થઈ ગઈ હતી, મોજાં ઊછળી ઊછળીને શિલાઓ પર પછડાતાં હતાં. દરિયા તરફ મોં કરીને બધા છૂટાછવાયા બેઠા.

બાવાજી મઢીમાંથી ઢોલક લઈ આવ્યા અને થાપ આપી. ‘બોલો, કૌન ગાતા હૈ?’

‘જગદીશ, તું ગા ભાઈ.’ અવલ ખડકો પર બેઠી બેઠી બોલી. તેણે અહીં આવતા સુધીમાં આ બધાંની પરીક્ષા લઈ લીધી લાગે છે.

જગદીશે ભજન ગાયું. નીરવ શાંતિમાં તેનો પહાડી અવાજ ગુંજી ઉઠ્યો. જગદીશ પછી બીજા બે-ત્રણે જણે ગાયું. અને છેલ્લે બંગાળીએ ગળું ખોલ્યું. બંગાળી ભાષાનું જ કોઈ ગીત તેણે ગાયું. શબ્દો ન સમજાવા છતાં બધાંનાં મન ડોલી ગયાં. બાવો મસ્તીમાં ઝૂમતો ઊભો થઈને નાચવા લાગ્યો. આટલો અનૌપચારિક, સરળ અને પ્રકૃતિક રાત્રિ નિવાસ આ બધાંને બંગલો ક્યારેય ન આપી શકે. અવલ બધાંને અહીં શા કાજે લઈ આવી તે હવે મને સમજાયું. એક જ કિનારે, થોડા કલાકને અંતરે ઊભેલાં બે સ્થાનો: બંગલો અને મઢૂલી વચ્ચેની મૂળભૂત ભિન્નતા સ્પષ્ટ થઈ ગઈ.

સમુદ્ર માનવદેહ ધરે છે તેવી માન્યતાના પ્રદેશમાં હું વસ્યો છું. મેં પોતે ક્યારેય એ વાત માની નથી. પરંતુ આજે, આ સ્થળે, ચાંદનીના અજવાળે છૂટાછાવાયા બેઠેલા આ યુવાનો, ખડક પર પગ વાળીને ટટ્ટાર બેઠેલી અવલ, રેતીમાં રમતો પેલો કિશોર અને દરિયાકાંઠે ચાંદનીમાં નાચતા સાધુને જોઈ રહેલાં યુવક-યુવતીઓ. આ બધાંને જોઉં છું ત્યારે અચાનક મને શંકા જાય છે કે સમુદ્ર પણ માનવદેહે અમારી વચ્ચે જ ક્યાંક બેઠો છે. કદાચ ઓછા પ્રકાશને કારણે હું તેને ઓળખી શકતો નથી.

અવલ ઊભી થઈ. ‘ચાલો, પીરસી લો અને જમી લો’ તેણે કહ્યું. યુવાનોએ વ્યવસ્થા કરી. અવલ ચૂલા પાસે ઊભી રહી. અમે બધા જમ્યા. થાકેલા પ્રવાસીઓના પેટમાં અનાજ પડતાં જ જેને જ્યાં જગ્યા મળી ત્યાં રેતીમાં સૂઈ ગયા.

‘અબ તું બચ્ચોંકી માયા સે મુક્ત હો.’ બાવાએ અવલને કહ્યું.

‘સબેરે સબકો દૂધ મીલેગા. તું અબ જા. રાતભર ઘર સે બહાર રહેગી નહીં ઔર કિસીકા દીયા ખાવેગી નહીં. અબ જા, ચલી જા.’

‘જી,’ અવલે કહ્યું ‘બને તો તમને જાગતા રે’જો.’

જવાબમાં બાવાએ આકાશ તરફ આંગળી કરી. એ બંનેની આ સંકેત વાર્તા હું ખાસ સમજ્યો નહીં. પણ મને હવે છેક ભાન થયું કે આ દૂબળી-પાતળી નમણી સ્ત્રી હજી દોઢ-બે કલાક ચાલીને ઘેર જશે. પછી ભોજન પામશે. ઘડીભર મને થયું કે અવલ જો અશ્વસવારી કરતી હોય તો કબીરા પર ચાલી જાય. અને હું પાછળ ચાલતો જતો રહું. પણ અવલ એ માટે ક્યારેય કબૂલ ન થાય. અમે બન્ને ટેકરી ઊતર્યા કબીરો પાછળ દોરાયો.

‘ઉપરના માર્ગે ચાલીશું?’ મેં પૂછ્યું.

‘ના, દરિયે’ મારા તરફ ફર્યા વગર આંખના ખૂણેથી મને જોતાં અવલે કહ્યું, ‘આ સાપનો વિસ્તાર છે, અને રસેલ્સ વાઈપરનો ખાસ. દરિયે ચાલીએ તો બીક નહીં. સાંભળ્યું નહીં? મેં સ્વામીજીને જાગવાનું કહ્યું.’

એકાએક અવલનું નવું સ્વરૂપ મારા સામે પ્રગટ થયું. તે સંસ્કૃતના શ્લોકો બોલી જાણે છે તે મને સ્વાભાવિક લાગેલું. કોઈ પણ સ્થળે સંસ્કૃત જાણનારા તો મળી આવે; પરંતુ આજે અવલના મુખે ‘રસેલ્સ વાઈપર’ શબ્દ સાંભળીને મને સ્વાભાવિક લાગ્યું.

‘તું સાપ વિશે જાણે છે?’ ભેખડ પસાર કરીને કિનારે આવતાં મેં પૂછ્યું.

અવલ કંઈ ઉત્તર આપે તે પહેલાં ભેખડ પરથી બાવાની બૂમ સાંભળી. ‘અવલ, મેરે દોસ્તકો સબેરે ભેજ દેના. ઈન લોગો કે સાથ ચલેગા. એકલીયા તક સાથ ભેજ દું એસા સોચતા હું’ અમે ઊભા રહ્યા. ‘જવું છે આ લોકો સાથે ચાલતા? એકલીયા હનુમાન સુધી. ત્યાંથી પાછી બસ મળશે પટવા સુધીની.

‘કેટલું થાય?’

‘એક દિવસનો રસ્તો છે. કિનારે કિનારે, બારેક ગાઉ થાય.’

‘પચીસેક કિલોમીટર કે થોડું વધું’ મેં અંદાજ બાંધ્યો. ‘સારું જઈશ.’ નવો અનુભવ લેવાનો રોમાંચ મારા મનને આનંદિત કરી ગયો.

‘આવી જશે પરોઢિયે’ અવલે જવાબ આપ્યો. અને અમે ચાલ્યા.

‘તો સાપ વિશે તું સારું એવી જાણતી લાગે છે’ મેં અધૂરી વાત આગળ ચલાવી.

‘જાણું છું ને.’ અવલ હસી પડી. ‘પણ મદારી જેટલું નહીં.’

‘એટલે તું કેટલું ભણી છે?’

‘ભણવા જેટલું ભણી છે?’

‘ભણવા જેટલું. પણ સાપ વિશે નથી ભણી. બહારની ચોપડીઓ વાંચીને જાણ્યું.’

અવલની જિંદગી તેની આગવી છે તેનું મેં પૂરેપૂરું ગૌરવ કર્યું છે. કોઈને પણ અવલ વિશે પૂછપરછ નથી કરી. હાદાભટ્ટ અને હવેલી અંગે સાંભળ્યા પછી પણ મેં અન્ય કોઈ પાસેથી અવલની વાત જાણવાનો પ્રયત્ન નથી કર્યો. શા માટે તે આવા વગડામાં એકલી વસે છે? તે ભણી છે તો શું? ક્યાં ભણી છે? આવા ઘણા પ્રશ્નોના ઉત્તર આપમેળે ન મળે ત્યાં સુધી હું ક્યારેય નથી શોધવાનો, તેવું મેં મનથી સ્વીકારી લીધું છે. પરંતુ આજે, આ ચાંદની રાતની સહયાત્રા દરમિયાન આમાંના એકાદ પ્રશ્નનો ઉત્તર મળે તો જાણી લેવાની લાલચ હું રોકી ન શક્યો.

વાતની શરૂઆત કેમ કરવી તે અંગે મેં વિચાર્યા કર્યું. ભીની રેતીમાં ચાલતા ચાલતા શબ્દો ગોઠવ્યા. શું પૂછવું શું ન પૂછવું તે નક્કી કર્યું. અવલ મારાથી આગળ ચાલી જતી હતી.

‘અવલ.’ મેં તેને અવાજ દીધો.

‘બોલો’ પાછળ જોયા વગર ચાલતાં ચાલતાં જ તેણે જવાબ આપ્યો. કોણ જાણે કેમ પણ અવલના સ્વરમાં એવું કંઈક હતું કે મને લાગ્યું કે હવે હું શું બોલવાનો છું તેની તેને ખબર છે. આવી લાગણી થતાં સાથે જ મેં વિચારી રાખેલ આખીએ રજૂઆત હવા થઈને ઊડી ગઈ. અને આખી વાતમાં ક્યાંય ન ગોઠવાયેલો પ્રશ્ન હું પૂછી બેઠો, ‘છોકરાઓ બંગલે ક્યારે આવેલા?’

અવલ બેતમા થઈને ખડખડાટ હસી પડી. હસતાં હસતાં તેણે આગળ નમીને રેતી હાથમાં લઈને ઉડાડી, પછી ફરીને મારા સામે જોઈને ઊભી રહી.

‘તમે ગયા જ હશો ને બધા આવ્યા. વિષ્નો ખરો બી મર્યો.’

‘કેમ? શું થયું?’ મેં અવલ સાથે આગળ ચાલતા પૂછ્યું. તે દરિયા તરફના ભાગે ચાલતી હતી. કબીરો પાછળ ચાલ્યો આવતો હતો.

‘બપોરે વિષ્નો દરિયે રમતો હતો. ત્યાં કોણ હોય? ભાઈ એકલા રમતમાં મશગૂલ હશે, ને આ બધાં આવી ગયાં છેક પાસે. પછી જગદીશે તેને બોલાવ્યો ત્યારે ઊંચે નજર ગઈ.’

‘તો?’

‘બાળરાજા ફાટી પડ્યા હોય એમ ભાગ્યા. બાવળિયામાં છોલાતો છોલાતો આવ્યો વાડીએ. શ્વાસ તો સમાય નહીં. કહે ‘દરિયે બાવા આવ્યા છે. થેલામાં છોકરાં પૂરી દીધા છે. ઓ માડી રે! મને પકડી જાશે.’ કરતો ચીસો પાડીને રડે.’

‘બહુ બી ગયો.’

‘એટલું ઓછું હોય એમ પાછળ પાછળ સરવણ આવ્યો. ‘અવલબા, દરિયે ચરિતર થ્યું છ તમીં હાલો.’ ’ અહીંની લોકબોલી અવલ અસ્સલ અદાથી બોલી શકે છે.

‘ખરી થઈ’ મેં કહ્યું.

‘પછી હું ગઈ દરિયે, બધાને વાડીએ લઈ આવી. વિષ્નોને સમજાવ્યો. એક-એકના થેલા ખાલી કરાવરાવીને બતાવ્યા. કંઈક વાના કર્યા ત્યારે બીતો બંધ થયો. તો ય અત્યારે સાથે ન આવ્યો. સાંજે ને સાંજે સરવણ પટવે મૂકવા ગયો ત્યારે.

વિષ્નો કેવો ડરી ગયો હશે તે વિચારતાં હું ચાલતો રહ્યો.

આ નિતાંત નિર્જન સાગરતટ પર વર્ષોથી બે-ચાર જાણીતા ચહેરાઓ સિવાય કોઈ આવ્યું - ગયું નથી. વિષ્નો, એ નાનકડો બાળક પોતાના એકલાના કિનારા પર પોતાનું મનોસામ્રાજ્ય રચીને તેનો અધિપતિ બન્યો હશે. રેતીના કૂબાના નાનકડા નગરની હદમાં પરીઓ અને સમુદ્રકન્યકાઓ સિવાય કોઈનો પણ પ્રવેશ વર્જ્ય હશે. સ્વપ્નસૃષ્ટિની રચનામાં મગ્ન બાળકે અચાનક આ નવતર પ્રાણીઓ જોયાં હશે. તત્ક્ષણે વિષ્નોને ખાતરી થઈ ગઈ કે દાદીમાની વાર્તા વાળી દુષ્ટ ટોળીઓ અજાણી દિશાએથી, સજીવન થઈને આવી પહોંચી છે. એ ટોળકી તેના સામ્રાજ્યને છિન્નભિન્ન કરી નાંખશે. અને સેનારહિત રાજવીનું અપહરણ હવે હાથવેંતમાં થવાનું.

ભલા! આવું થાય ત્યારે સમ્રાટ સમક્ષ મૂઠીઓ વાળીને ભાગવા સિવાય બીજો વિકલ્પ રહે!

મારી વિચારધારા તૂટી ત્યારે અવલ પાછળની વાડેથી પોતાની વાડીમાં પ્રવેશી. હું હવેલી તરફ ચાલ્યો.

‘સવારે તમારે જવાનું છે. અહીંથી ભાતું લેતા જજો. કબીરાને લઈ જજો મઢી સુધી. ત્યાંથી સરવણભાઈ લઈ આવશે.’ અવલ સૂચના આપીને અંદર જતી રહી.

***