Doctor ni Diary - Season - 2 - 18 in Gujarati Motivational Stories by Sharad Thaker books and stories PDF | ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 18

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 18

ડોક્ટરની ડાયરી

ડો. શરદ ઠાકર

(18)

કોઇનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,

ને પછી છાતીમાં દુ:ખ્યું હોય, તે બેસે અહીં

“ઓહ! આ તો સાવ નાનું શહેર છે. આને શહેર કેવી રીતે કહેવાય? બહુ બહુ તો આને મોટુ ગામડું કહી શકાય.”

1971ની વાત. 26-27 વર્ષના યુવાન ડોક્ટર તલોદના રેલ્વે સ્ટેશન પર ઊતર્યા અને જ્યાં નોકરીમાં જોડાવાનુ હતુ ત્યાં જતાં રસ્તામાં આ વાક્યો ઊચ્ચારી ઉઠ્યા.

1971માં કદાચ તલોદ ખેરેખર નાનું જ હશે; નહીં પણ હોય. પરતું અમદાવાદ જેવા મહાનગરમાં જન્મેલા, ઉછરેલા અને સિવિલ હોસ્પિટલમાં ભણીને સર્જ્યન થયેલા ડો. ભરત ભગતને તો એ વખતનુ તલોદ અવશ્ય મોટા ગામડાં જેવું જ લાગ્યું હતું.

એમની સાથે એમનાં બા પણ હતાં. દીકરાને મૂકવા માટે સાથે આવ્યાં હતાં. આટલાં વર્ષ લગી આ લાડકા દીકરાને પોતાની આંખ સામેથી દૂર જવા દીધો ન હતો. હવે એને સાવ એકલો કેવી રીતે મૂકી શકાય! માટે કમળાબા સાથે આવ્યાં હતાં. સાથે મોંઘીબહેન નામની એક સ્ત્રીને પણ રાખી હતી; જે દીકરાને ભાવતા ભોજન રાંધી આપવાની હતી. તલોદમાં દીકરો બરાબર ગોઠવાઇ જાય એ પછી કમળાબા પાછા અમદાવાદ ચાલ્યા જવાના હતાં.

ડો. ભરતભાઇના મુખેથી ઉપરના વાક્યો સાંભળીને કમળાબા ઢીલા પડી ગયાં, “બેટા, તને એવું લાગતુ હોય કે અહીં નહીં ફાવે તો વળતી ટ્રેનમાં પાછા ચાલ્યા જઇએ. આપણે નોકરી નથી કરવી અહીં.”

ભરતભાઇ હસી પડ્યા, “ના, બા! મારે તો ગામડામાં જ કામ કરવુ છે. વડનગરના ડો. વસંત પરીખ અને આપણાં અમદાવાદના ગાંધીવાદી કૃષ્ણવદન જોષી જેવા સંતપુરૂષોની મારા મન પર ઘેરી અસર છે. એ વાત સાચી કે અહીં મને ગમે એવું કશું જ નથી. મને પળે પળે અમદાવાદ યાદ આવશે જ. પણ એનો અર્થ એવો હરગિઝ નથી કે હું નાનાં શહેરમાં ન જ રહી શકું.”

ડો. ભરતભાઇ ભગત આજે તો આખા ગુજરાતમાં જાણીતા છે. એમની સંસ્થા ‘પોલીયો ફાઉન્ડેશન’ આજે દેશભરમાં પ્રસિધ્ધ બની ચૂકી છે. લાયન્સ ક્વેસ્ટના એમના કાર્યોએ ડો. ભરત સાહેબને વિશ્વભરમાં સુખ્યાત કરી દીધા છે. પણ આ ઘટનાતો એ વખતની છે જ્યારે તેમને કોઇ ઓળખતુ ન હતુ. ત્યારે તેઓ હતા માત્ર એક યુવાન જનરલ સર્જ્યન અને પરિવારના લાડકા ભરતભાઇ.

રહેવા માટે સારુ ક્વાર્ટર મળી ગયું. હોસ્પિટલમાં ઘણું બધું વ્યવસ્થિત કરવાનું હતું. જમવાનો તો કોઇ પ્રોબ્લેમ હતો જ નહીં. મોંઘીબહેન હાજર હતાં. થોડાં દિવસ રહીને કમળાબા અમદાવાદ પાછા આવી ગયાં.

તલોદની એ સાર્વજનિક હોસ્પિટલમાં અત્યાર સુધી કોઇ ક્વોલિફાઇડ સર્જ્યન આવ્યા જ ન હતા. ટ્રસ્ટીઓને ખુદને એ વાતની ખબર ન હતી કે એમ.બી.બી.એસ. ડોક્ટર અને એમ.એસ. થયેલા ડોક્ટર વચ્ચે શો તફાવત હોય છે!

ડો. ભરતભાઇએ તો યુવાનીનાં જોશ અને થનગનાટ સાથે કામનો આરંભ કર્યો. ધીમે ધીમે એમના સ્વભાવની સુવાસ પ્રસરવા લાગી. દર્દીઓની ભીડ જામવા લાગી.

ડો. ભરતભાઇએ સ્ટાફને સૂચના આપી, “ઓપરેશન થિયેટરમાં સાફસૂફી કરાવો. બાવાઝાળા દૂર કરો. ફિનાઇલનું પોતું મારાવીને જંતુનાશક દવાનો છંટકાવ કરો. સિસિટરને કહીને ઓપરેશનના સાધનો ‘ઓટોક્લેવ’ કરાવો.”

હોસ્પિટલમાં નવી વીજળીનો સંચાર થઇ ગયો. ડો. ભરતભાઇએ નાના-મોટા ઓપરેશનો કરવાની શરૂઆત કરી દીધી. જેમ જેમ સફળતા મળતી ગઇ તેમ તેમ દર્દીઓમાં એમના માટેનો વિશ્વાસ પણ વધતો ગયો.

પણ શનિવાર આવે અને ડો. ભરતભાઇને અમદાવાદ યાદ આવવા માંડે. મીલોના ભૂંગળાનો આવાજ, રીક્ષાઓનો ધમધમાટ, બજારોનો કોલાહલ, રાયયુર ખાતેનું એમનું ઘર, માતા-પિતા, ભાઇઓ-ભાભીઓ અને પોળના મિત્રો.

તલોદથી છેલ્લી ટ્રેન સાંજે ઉપડે. ડો. ભરતભાઇ એમાં બેસી જાય. વહેલું આવે અમદાવાદ! શનિવારની રાત અને રવિવારના ચોવીસ કલાક અમદાવાદમાં પસાર કરીને ભરભાઇ તાજા-માજા થઇ જાય. સોમવારે વહેલી સવારે ટ્રેનમાં બેસીને પાછા તલોદ પહોંચી જાય. સીધા ફરજ પર હાજર થઇ જાય.

એવી દંતકથા છે કે સાપ-નોળીયાની લડાઇમાં જ્યારે નોળીયો થાકી જાય છે ત્યારે એ જંગલની ઝાડીમાં દોડી જાય છે. આજુબાજુમાં નોળવેલ આવેલી હોય એને સૂંધી આવે છે. એવું કરવાથી નોળીયામાં નવી ઊર્જા આવી જાય છે અને તે ફરીથી સાપની સાથે લડવા માટે તૈયાર થઇ જાય છે.

ડો. ભરતભાઇ માટે અમદાવાદની સાપ્તાહિક મુલાકાત આવી નોળવેલની ગરજ સારતી હતી.

આવું જ એક કાર્યસભર વ્યસ્ત સપ્તાહ વીત્યું અને રાહતનું રૂપ ધરીને શનિવારની સલુણી સાંજ આવી પહોંચી.

ડો. ભરતભાઇ પોતાની બેગ લઇને જવા માટે તૈયાર થયા. દર વખતની જેમ એમના મિત્ર ડો. અરુણ પટેલ એમને સ્ટેશન સુધી વળાવવા માટે હાજર થઇ ગયા. સામાનમાં ખાસ કંઇ હતું નહીં; બંને મિત્રો પગપાળા ચાલીને જતા હતા. બરાબર અડધે રસ્તે પહોંચ્યા હશે ત્યારે અચાનક એક ઘટના બની ગઇ. ઊભી બજારે એક બાપ-દીકરો જતા હતા. ગામડાનો પુરુષ ખરીદી કરવા આવ્યો હતો. એક દુકાન પાસે તે ઊભો રહ્યો. એનું ધ્યાન ભાવ-તાલમાં હતું. એનો દીકરો બાજુમાં પડેલા રેતી-કપચીના ઢગલા પર રમવા માટે ચડી ગયો. અચાનક શું થયું તે એણે ચીસાચીસ કરી મૂકી.

એનો બાપ ગભરાઇ ગયો. પાંચેક વર્ષના દીકરાને ઊંચકી લીધો, “બેટા, કેમ રડે છે? શું થયું?”

છોકરાનો એક હાથ જમણા કાન ઉપર હતો. એણે કહ્યું, “ મારા કાનમાં કંઇક ધૂસી ગયું છે. બહું દુ:ખે છે”

પિતાએ કાનમાં સળી નાખીને એ ‘કઇંક’ બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. પરિણામ એ આવ્યું એ વસ્તુ વધારે અંદર ચાલી ગઇ.

છોકરાની ચીસો સાંભળીને ટોળુ જમા થઇ ગયું. છેવટે નક્કી થયું કે આને ટ્રસ્ટના દવાખાને લઇ જવો જોઇએ; ત્યાં ડો. ભરતભાઇ નામના એક હોશિયાર ડોક્ટર છે એ કાનમાંથી જે કંઇ હશે તે બહાર કાઢી આપશે.

બાળકનો પિતા કંઇ નિર્ણય કરે તે પહેલાં જ ટોળામાંથી બે-ત્રણ જણાંની નજર સામેથી ચાલ્યા આવતા બે ડોક્ટરો પર પડી ગઇ.

“અરે! આ તો ડોક્ટર સાહેબ પોતે જ છે. ચાલો, હવે કામ થઇ હયું સમજો. ભલુ હશે તો ડોક્ટર સાહેબ અહીં રસ્તા વચ્ચે જ ઇલાજ કરી આપશે.” આવી વાતો થવા માંડી.

ત્યાં સુધીમાં બંને ડોક્ટરો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. ડો. ભરતભાઇની નજર ઘડિયાળના કાંટા તરફ હતી. ટ્રેઇન આવવાની તૈયારીમાં જ હતી. સ્ટેશન પર પહોંચવું અત્યંત આવશ્યક હતુંય બીજી તરફ માનવતા એમને અહીં જ અટકાવી રહી હતી. મોટી મોટી વાતો તો બધા કરે; ગામડામાં જઇને અભણ ગરીબ દર્દીઓની સેવા કરવાના આદર્શો તો જ્યાં જાવ ત્યાં હવામાં ઊછળતા રહે છે; પણ અત્યારે સમય આવ્યો હતો એક આદર્શવાદી યુવાન ડોક્ટરની ખરાખરીની કસોટીનો.

“શું કરીશું,અરુણ? આ છોકરાના કાનમાંથી ફોરેન બોડી કાઢવા માટે આપણે હોસ્પિટલમાં પાછા જવું પડશે.”

“હા, પણ પછી તું ઘરે નહીં જઇ શકે. ટ્રેન તો ત્યાં સુધીમાં ઉપડી ગઇ હશે.”

“એક રસ્તો મને સૂઝે છે. બાજુમાં જ એક જનરલ પ્રેક્ટિશનરનુ ક્લિનિક છે. જો એ સહકાર આપે તો.....”

જનરલ પ્રેક્ટિશનરે સહકાર આપ્યો. એણે પાંચ મિનિટ માટે પોતાનું કામ મુલત્વી પાખ્યું. ડો. ભરતભાઇએ ચીસો પાડતા છોકરાના કાનમાંથી નાના ચિપિયા વડે એક અણીદાર કપચીનો ટુકડો બહાર ખેંચી કાઢ્યો. એક પૈસો ન તો એમણે લીધો ન પેલા જનરલ પ્રેક્ટિશનરે લીધો. ઠોકરો હસતો-રમતો થઇ ગયો. એનો પિતા ઝૂકીને પગે લાગવા માંડ્યો. પણ એ ઝીલવા જેટલો સમય કોની પાસે હતો?

ડો. ભરતભાઇ અને ડો. અરુણભાઇ શબ્દશ: દોડવા લાગ્યા. જ્યારે પ્લેટફોર્મ પર પગ મૂક્યો ત્યારે ટ્રેન ચાલવા માંડી હતી. ડો. ભરતભાઇ ટ્રેનની સાથે સાથે દોડ્યા. પછી સળીયો પકડીને એક ડબ્બામાં ચડી ગયા. ડો. અરુણભાઇએ બારીમાંથી એમની બેગ ડબ્બામાં ફેંકી દીધી. ટ્રેનની ગતિ વધતી ગઇ. ડો. ભરતભાઇ પાટીયા પર બેસીને વિચારી રહ્યા: “આ જે કર્યું તે યોગ્ય હતું કે અયોગ્ય? ચાલતી ટ્રેનમાં ચડવા જતાં જો હું પડી ગયો હોત તો શું થાત? આવી રીતે કોઇ દર્દીનુ કામ કરી આપું તો મારી ભાવનાની કદર કોણ કરવાનુ છે? તલોદ જેવડા નાનકડાં શહેરમાં તો કોઇ આ વાતનું મુલ્ય પણ સમજી નહીં શકે. આ તો થેન્કલેસ જોબ જ ગાણાય. કંઇ વાંધો નહીં. મને આત્મસંતોષ થયો એ જ સૌથી મોટું ઇનામ! બીજું શું?”

દોઢ દિવસ અમદાવાદમાં રહીને ડો.ભરતભાઇ ફરી પાછા તલોદ જઇને કામમાં ડૂબી ગયા. જો કે સતત બે-ત્રણ દિવસ લગી એમનો ચચરાટ ચાલુ જ રહ્યો. હોસ્પિટલના એક પણ કર્મચારીને એમના આ કામની જાણ સુધ્ધા થઇ ન હતી.

ચોથા દિવસે એક આધેડ વયનો પુરુષ એમને મળવા માટે આવ્યો. “મે આઇ કમ ઇન ડોક્ટર?” એવું બા-કાયદા પૂછીને ડોક્ટરની સામે ઊભો રહ્યો. ખુરશીમાં ગોઠવાયા પછી એણે વાતની રજુઆત કરી, “ ડો. ભગત! હું અહીંનો રેલ્વેનો સ્ટેશન માસ્ટર છું. ગયા શનિવારે મેં તમને દોડતી ટ્રેનમાં કૂદકો મારીને ચડતા જોયા હતા. મને આઘાત, આશ્ચર્ય અને ગુસ્સો આવ્યો હતો. પછી મેં તપાસ કરી તો તમારા મોડા પડવાનું કારણ જાણવા મળ્યું.”

“આઇ એમ વેરી સોરી, સર. હવે પછી આવું ક્યારેય નહીં થાય. હું વચન આપું છું.” ડો. ભરતભાઇ માફી માગી રહ્યા.

“ન જ થવું જોઇએ. તમારા જેવો ભણેલો-ગણેલો નાગરિક જો આવું કરે તો બીજા લોકો શું નહીં કરે?”

“હું ખરેખર દિલગીર છું, સાહેબ. હવે પછી જો મારે કોઇ ઇમરજન્સી પેશન્ટને માટે રોકાવું પડશે તો હું અમદાવાદ જવાનું રદ કરી નાખીશ. પણ રેલ્વેનો કાયદો નહીં જ તોડું.”

“હવે પછી એવી જરૂર જ નહીં ઊભી થાય.” સ્ટેશન માસ્ટરનો આવાજ આવું બોલતામાં સહેજ કૂણો પડ્યો.

“કેમ, સર? હું સમજ્યો નહીં.”

“ડો. ભગત! હવે પછી દર શનિવારે મારી ટ્રેન તમારા આવવાની પ્રતિક્ષા કરશે. તમે અંદર બેસી જાવ એ પછી જ હું લીલી ઝંડી ફરકાવીશ. કીપ અપ યોર ગુડ વર્ક, ડોક્ટર! આ વાક્ય બોલતી વખતે સ્ટેશન માસ્ટરનો અવાજ ભીનો હતો અને એ સાંભળતી વખતે ડો. ભરતભાઇની આંખો ભીની હતી.

(શીર્ષક પંક્તિ: સ્નેહી પરમાર)

----------