VISHAD YOG - CHAPTER - 33 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વિષાદ યોગ - પ્રકરણ - 33

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

વિષાદ યોગ - પ્રકરણ - 33

નિશીથની કાર પાલીતાણા તરફ દોડી રહી હતી. નિશીથની બાજુમાં કશિશ બેઠી હતી અને પાછળની સીટ પર નૈના બેઠી હતી. તે લોકો હોટલથી નિકળ્યા તેને એકાદ કલાક જેવો સમય થઇ ગયો હતો. ત્રણેય પોતપોતાના વિચારોમાં ખોવાયેલા હતા. કશિશ અત્યારે પણ કાલના વિચાર કરી હતી. કાલે તેણે લોકેટ ખોલ્યું તેમાંથી એક કાગળ નિકળ્યો હતો. આ કાગળ પર એક નકશો દોરેલો હતો. કશિશે કાગળને જાળવીને બેડ પર મુક્યો અને નકશો જોતાજ તે બોલી “આ તો કોઇ નકશાનો અડધો ભાગ લાગે છે.”

“હા, આપણી પાસે આ નો બીજો ભાગ પહેલેથીજ છે.” એમ કહી નિશીથે ઉભા થઇ તેની બેગમાંથી એક કાગળ કાઢ્યો. તે સુરસિંહ પાસેથી મળેલા નકશાનો કાગળ હતો. આ કાગળ ખોલી નિશીથે કશિશને આપ્યો એટલે કશિશે તે કાગળને પણ બેડ પર પેલા કાગળની બાજુમાં મુકી દીધો. હવે તેમની પાસે નકશાના બે ભાગ હતા. એક તેને સુરસિંહ પાસેથી મળેલો હતો અને બીજો લોકેટમાંથી મળ્યો હતો.

જે કાગળ લોકેટમાંથી નિકળ્યો તેની હાલત એકદમ ખરાબ હતી અને તે કાગળ ચારે બાજુથી ખવાઇ ગયો હતો અને વચ્ચેના અમુક ભાગ પર પીળા ધબ્બા પડી ગયા હતા. નકશાના બે ભાગમાંથી કયો ભાગ કઇ બાજુએ આવે છે તે જાણવા માટે કિનારાનો ભાગ દેખાવો જોઇએ પણ તે ભાગ ખવાઇ ગયો હતો અને અમુક ભાગ દેખાઇ તેવી હાલતમાં નહોતો. ચારેય મિત્રોએ ઘણી મથામણ કરી ત્યારે નકશાના બે ભાગને જોડી શક્યા. આ બે ભાગ જોડાયા એટલે તે લોકોએ બાજુમાં ગુગલ મેપ ચાલુ કરી નકશાને તેની સાથે સરખાવા લાગ્યા. પરંતુ ગુગલ મેપમાં અત્યારનો નક્શો હતો જ્યારે આ નકશો વિસ વર્ષ જુનો અને કોઇ જાતના નિયમો વગર હાથે બનાવેલો હતો. આ સિવાય પણ નકશાના અમુક ભાગ દેખાઇ શકે તેમ નહોતા એટલે એકઝેટ રસ્તાઓ કઇ દિશામાં જાય છે તે જાણવું ખૂબ અઘરુ હતું. ચારેય મિત્રોએ કલાક મહેનત કરી ત્યારે માત્ર એટલી ખબર પડીકે આ નકશો ભાવનગરથી જેશર તરફ આગળ વધે છે. જે સ્થાન પર ખજાનાનું વર્તુળ કરેલુ હતું તે સ્થળ પાલીતાણા અને જેશરની વચ્ચેજ હતું પરંતુ નસીબ પણ આ લોકો સાથે રમત રમતુ હોય તેમ આ ભાગ આખો પીળો પડી ગયેલો હોવાથી પાલીતાણાથી જેસર વચ્ચે એકઝેટ ક્યા સ્થળે આ ખજાનો છે તે ખબર પડતી નહોતી. ચારેય મિત્રોએ કેટલીય વાર સુધી મહેનત કરી પણ તે ખજાનાનું ચોક્કસ સ્થળ જાણી શક્યા નહીં. હા, તે સ્થળ પર ટેકરા જેવો ભાગ છે તેટલુજ તે લોકો જાણી શક્યા. નિશીથે ગુગલ મેપમાં જોયું તો જેસર અને પાલીતાણા વચ્ચે તો આવી ઘણી બધી નાની-નાની ટેકરીઓ આવેલી હતી. આ બધી માથાકુટ કરી કંટાળ્યા એટલે તે લોકોએ નક્શાના ફોટા પાડ્યા. આ પછી નિશીથ નકશાને સંભાળીને વાળાવા લાગ્યો ત્યાં અચાનક તેનું ધ્યાન નકશાના પાછળના ભાગ પર પડ્યું. નિશીથે નકશાના બધા ભાગને વ્યવસ્થીત રીતે ઉલટા કર્યા તો પાછળ એક ચિત્ર દોરેલુ હતું. આ ચિત્ર જોતાજ બધાને આશ્ચર્ય થયું કેમ કે આ એજ ચિત્ર હતું જે સુરસિંહ પાસેથી મળ્યું હતું. આ જોઇ નિશીથે કહ્યું “આ ખજાનાની ચાવી જરૂર આ ચિત્રમાં છુપાયેલી છે. જો આ ચિત્ર મળી જાય તો બધુજ મળી જાય.”

“પણ આ ચિત્ર શોધવું કઇ રીતે આ નકશા પરથી તો કોઇ ચોકકશ સ્થળ નક્કી નથી થતું. હવે તો મને શંકા જાય છે કે આટલા વર્ષ સુધી આ સ્થળ કોઇના ધ્યાનમાં આવ્યા વગર કઇ રીતે રહી શકે. કદાચ આપણે આ સ્થળ પર પહોંચી જઇએ તો પણ ત્યાં ખજાનો અત્યાર સુધી હોય તે વાત મને તો ગળે નથી ઉતરતી.” સમીરે તેના મનની વાત કહી દીધી.

“જો આ ખજાનો આપણું મકસદ નથી. આપણે તો આ સ્થળ સુધી પહોંચવું છે કેમકે આ સ્થળનો સંકેત મને સ્વપ્નમાં મળેલો છે. ખજાનો મળે કે ન મળે મારા આ સ્વપ્નનું રાજ મને આ જ સ્થળે મળશે.” નિશીથે આત્મવિશ્વાસથી કહ્યું.

“તો હવે શું કરીશું. આ નકશા પરથી તો કંઇ આગળ વધાય એમ નથી.” કશિશે પુછ્યું.

“જો આ નકશા પરથી એટલી તો ખબર પડે છે કે પાલીતાણાથી જેશર તરફ જવાનું છે. તેમા પણ આપણે આ પીળા પડી ગયેલા ભાગની જ તપાસ કરવાની છે. આ પીળો ભાગનો વિસ્તાર લગભગ દસેક કિલોમિટરનો થાય છે.” ત્યારબાદ નિશીથે ફરીથી ગુગલ મેપ ચાલુ કરી બધાને બતાવ્યો અને બોલ્યો “જો આ 10 કિલોમિટરના એરીયામાં લગભગ આ દસ પંદર ટેકરી આવેલી છે. જો આ દશ પંદર ટેકરી પર આપણે તપાસ કરીએ તો ચોકકશ કઇંક મળશે. તમારુ શું કહેવું છે આ વિશે?” નિશીથે બધાને પુછ્યું.

“ ઓકે, તો બોલ ક્યારે નિકળવું છે?” સમીરે પુછ્યું.

“ના, તારે અને રોમેશભાઇએ અહીંજ રહેવાનું છે. વિરમ ઉર્મિલાદેવીને મળવા ગયો છે તેને મળીને જે કંઇ માહિતી મળે તેના પરથી તમારે આગળ વધવાનું છે. હું કશિશ અને નૈના આ ટેકરીઓ પર તપાસ કરીશું. જો કંઇ જરુર પડશે તો અમે તમને ફોન કરીશું.” નિશીથે સમીરને સમજાવતા કહ્યું.

“આર યુ સ્યોર? તને એવું નથી લાગતું કે ત્યાં મારે સાથે આવવું જોઇએ?” સમીરે નિશીથને પુછ્યું.

“તારી જરુરતો મારે છેજ પણ અત્યારે આપણે બે મોરચે કામ કરવાનું છે. અત્યારે અહીંથી પણ બધું છોડીને જવાય એમ નથી. અહીંથી માહિતી મેળવવી પણ એટલીજ જરુરી છે. એટલે તું અને રોમેશભાઇ અહીં રહો.” નિશીથે કહ્યું. અને પછી થોડું વિચારીને બોલ્યો “ વિરમ અત્યારે ઉર્મિલાદેવીને મળવા જવાનો હતો. કાલે રાતે તેનો ફોન આવ્યો હતો. તે કહેતો હતો કે આજે સવારે તેને ઉર્મિલાદેવીએ મળવા માટે બોલાવ્યો છે. મને લાગે છે કે ઉર્મિલાદેવીને કોઇએ આપણી માહિતી પહોંચાડી દીધી છે. એટલે વિરમ ત્યાંથી શું જાણી લાવે છે? એ પછી જ ખબર પડશે કે આગળ શું કરવું? અને ખાસ એ વાતકે તમે બંને વિરમને મળજો પણ તેના પર પુરો ભરોશો મુકશો નહીં. તમારી સલામતીની પહેલા વ્યવસ્થા કરીનેજ કોઇ આગળ પગલું ભરજો.” આટલું બોલી નિશીથ થોડું રોકાયો અને પછી ઊભો થતા બોલ્યો ચાલ સમીર રોમેશભાઇ સાથે આ ચર્ચા કરી લઇએ. આજે જમીને અમે ત્રણેય પાલીતાણા જવા નિકળીશું.”

અચાનક નિશીથે કારની બ્રેક મારતા કશિશની વિચારયાત્રા રોકાઇ ગઇ. તેણે જોયું તો હવે પાલીતાણા પાંચેક કિલોમિટર દુરજ રહેલું હતું. નિશીથ પણ યંત્રવત કાર ચલાવતો હતો. થોડીવારમાં પાલીતાણા આવી જતા નિશીથે એક પાનના ગલ્લા પાસે કાર ઊભી રાખી. નિશીથે નિચે ઉતરી પાનના ગલ્લે જઇ પુછ્યું “અહીં કોઇ સારી હોટેલ હોય તો જણાવો.” હોટેલનું નામ સાંભળી પાનના ગલ્લાવાળાએ નિશીથ સામે જોયું અને બોલ્યો “અરે હોટેલની શું જરૂર છે? અહીંતો તમને ધર્મશાળા ખુબ સારી મળી રહેશે.” આ સાંભળી નિશીથે કહ્યું “નહીં, કોઇ હોટેલ સારી હોય તો કહોને?” આ સાંભળી પેલા ગલ્લાવાળાએ નિશીથની કાર તરફ જોયું અને પછી બે છોકરીઓને જોઇને તેના ચહેરા પર સ્મિત આવી ગયું. આ જોઇ નિશીથને ગુસ્સો આવ્યો અને તે ત્યાંથી નિકળવાજ જતો હતો ત્યાં પેલા ગલ્લાવાળાએ કહ્યું “અહીં નજીકમાંજ હોટલ ‘ઓમ પેલેસ’ છે. આગળ જતા ડાબી બાજુ પરજ તે હોટેલ આવશે.” તે ગલ્લાવાળો હજુ આગળ કંઇક કહેવા જતો હતો પણ નિશીથને હવે તેના બકવાસમાં રસ નહોતો એટલે તરતજ ત્યાંથી ચાલવા માંડ્યો. નિશીથે કારને આગળ જવા દીધી. થોડે આગળ જતા હોટલ “ઓમ પેલેશ” આવી એટલે નિશીથે કારને હોટલના પાર્કિગમાં જવા દીધી. હોટેલ આમતો ઠીક ઠાક હતી પણ અંદર જતાજ નિશીથને લાગ્યું કે તે પાનવાળો ભલે વધારે બોલતો હતો પણ હોટલ તેણે સારી બતાવી છે. પાલીતાણા જેવા નાના શહેરના પ્રમાણમાં હોટેલ સારી હતી. નિશીથે બે રૂમ બુક કરાવ્યા અને ફરીથી કલાક પછી રિશેપ્શન પર મળવાનું નક્કી કરી નિશીથ તેના રુમમાં ગયો. આજે રાતે અહીંજ રોકાવાનું હતું અને કાલે સવારે અહીથી જેસર તરફ જતા રોડ પર તપાસ કરવાની હતી.

--------------#######------------ -- -----########--------------#########‌‌‌‌-----------------

નિશીથ જ્યારે આ વિચારતો હતો ત્યારે તેની બાજુનાજ રુમમાં બે જણા ફોન પર તેના બોસ પ્રશાંત કામતને રિપોર્ટીંગ કરી રહ્યા હતા. તે લોકો એ જેવુ પ્રશાંત કામતને કહ્યું કે નિશીથ પાલીતાણામાં છે એ સાથેજ પ્રશાંતના ચહેરા પર એક ખુશીનું મોજુ ફરી વળ્યું. તેણે તેના માણસને કહ્યું “સાંભળ તે લોકો હવે કાલનો આખો દિવસ રખડશે. તારે તે લોકો કંઇ કંઇ જગ્યાએ જાય છે તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તે જેવા લોકેશન ચેંજ કરે એ સાથેજ તારે મને જાણ કરવાની છે.” આટલું કહી પ્રશાંત કામતે ફોન મુકી દીધો અને મનોમન બોલ્યો “યસ, હવે હું લક્ષ્યની એકદમ નજીક છું.” ત્યારબાદ તેણે એક ફોન કર્યો અને કહ્યું “હવે, તારે તૈયાર રહેવાનું છે. મારે ગમે તે ઘડીએ પાલીતાણા જવાનું થશે.”

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-----------------

વ્હાલી મમ્મી

મને ખબર છે કે અત્યારે ત્યાં તમારી કેવી હાલત હશે. મને એ પણ ખબર છે કે તમને મારી ચિંતામા રાતે ઉંઘ નહીં આવતી હોય. મમ્મી તમારા જેવી મમ્મી મને મળી એ બદલ હું ભગવાનનો આભાર માનું છું. તારી બધીજ ચિંતા જાણતો હોવા છતાં અને એ બધી ચિતાનું મુળ હુંજ છું એ જાણતો હોવા છતાં હું કંઇજ કરી શકતો નથી આ વાત મને ખુબ ડંખે છે. મમ્મી તને મળવાનું તારા ખોળામાં માથું મુકીને સુવાનું અને તારી સાથે વાત કરવાનું એટલું બધું મન થયું છે કે કયારેક તો એમ થાય છે કે આ બધું છોડી તારી પાસે આવી જઉં પણ પછી મને થાય છે કે આ બધું છોડીને પણ હું શાંતિથી રહી શકવાનો નથી અને મારે આ બધું પાર કર્યા વિના કોઇ આરો નથી. મમ્મી તને ઘણુંબધું કહેવાનું છે પણ શું કરુ તને ફોન પર કહી શક્તો નથી. અમે પુરુષો બાળપણથીજ ઇગો સાથે લઇને જન્મીએ છીએ કે અમારે કંઇ છોકરીની જેમ રડવાનું નહોય. અમારે કંઇ લાગણીના વેવલાવેડા ન કરવાના હોય આને લીધે અમે અંદરથી ખૂબજ ગુંગળાતા હોઇ છીએ. મે પણ ઘણું વિચારીને આ પત્ર તને લખ્યો છે અને સાચું કહું તો આ ઘટના બની તે એક રીતે સારુ થયું આ ઘટનાને લીધે તમારા બંનેથી દુર રહેવાથી મને તમારી જરુરીયાતનું ભાન થયું છે. મા-બાપના પ્રેમને અમે ટેકન ફોર ગ્રાન્ટેડ લઇએ છીએ. આજે મને તમારી લાગણી, પ્રેમ અને કાળજીનું સાચું મુલ્ય ખબર પડ્યું છે. આ બધી વાત હું તને રુબરુ કે ફોન પર ક્યારેય કરી શકવાનો નથી એટલે જ મે નક્કી કર્યુ છે કે તને એક પત્ર લખી મારી બધીજ લાગણી વ્યક્ત કરી દઇશ અને આમ પણ માણસોની મોટા ભાગની સમસ્યાનું મુળ આજે છે કે તે લોકો લાગણીઓની અભીવ્યક્તિ કરવામાં સંકોચ કરે છે. આજે આ પત્ર તને લખવા પાછળના બે હેતુ છે એક અહીંની પરીસ્થીતિથી તને વાકેફ કરવી અને બીજુ મારાથી જે તારી સામે નહીં કહી શકાય તેવી વાત તને પત્ર દ્વારા કરી દેવી.

મમ્મી અહી શું શું બન્યુ એ બધુ તો મે તને કહ્યું છે પણ તે બનાવને લીધે મારી અંદર કેવી લાગણી થાય છે તે હું તને કહેવા માગું છું. હું જયારે ઘરેથી નિકળ્યો ત્યારેજ મને એ ખબર હતી કે અહી મારો ભુતકાળ મારી સામે આવવનો છે પણ જયારે હકિકતે મને ખબર પડી કે મને જન્મ દેનારી મા અહીં મારાથી થોડા કિલોમિટરના અંતરે છે ત્યારે મારી અંદર એક વિચિત્ર પકારની લાગણી જન્મી જે હું શબ્દો દ્વારા વર્ણન કરી શકું તેમ નથી. મને તેના પ્રત્યે પ્રેમની જગ્યાએ તિરસ્કારની લાગણી થઇ. મને જન્મતાની સાથેજ છોડી દેવા માટે મારુ દિલ તેને દોશી માને છે. જ્યારથી તેની વાત મારા મગજમાં આવી છે ત્યારથીજ મારુ મન તેની સરખામણી તારી સાથે કરતું થઇ ગયું છે અને હું નિખાલસ પણે કબુલ કરુ છું કે મે ભગવાનનો આભાર માન્યો છે કે તેણે મને ગમે તેમ કરીને તારા સુધી પહોંચાડ્યો. આ કશમકશમાં હતો ત્યારે મે તારી સાથે ફોન કર્યો અને તે મને સમજાવ્યો હતો તેનાથી મને ઘણી રાહ્ત થઇ હતી. હવે ધીમે ધીમે મારા દિલમાં તે સ્ત્રી માટે કડવાશ ઓછી થઇ છે છતા હજુ તેના પ્રત્યે કોઇ ખેંચાણ થતું નથી. અને આ બધુ લખી હું તને કોઇ સફાઇ આપી રહ્યો છું એવુ ના સમજતી આ બધું તો હું એટલા માટે લખી રહ્યો છું કે તને કહ્યા વિના મને અંદરથી શાંતિ નહીં થાય. મમ્મી તને એકવાત કહેવા માગું છું કે હું તારોજ દિકરો છું અને હું એવુ ઇચ્છુ છું કે આજીવન મારી માતાનું નામ લેવામાં આવે ત્યારે તે સુનંદાબેન જ હોય.

મારે તને બીજી એક વાત પણ કહેવાની છે કે તને કશિશની ચિંતા છે તે મને ખબર છે. હા અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. અને તને એક વાત કહું મને કશિશમાં તારી જલક દેખાય છે. તેને લીધે હું તેના તરફ વધારે ખેંચાતો જઉં છું. કદાચ આ વાંચી તને હસવું આવી ગયું હશે અને તું મનમાં કહેતી હશે કે ખોટા મસ્કા ન માર પણ તને મે જે વાત લખી તે મે સાચેજ ફીલ કરેલી છે. અને હા તને હું એમ કહેતો હતો કે હું અને કશિશ એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ તેને લીધે થોડો રોમાંશ તો કરીએજ છીએ પણ સાથે સાથે અમને બંનેને અમારી લીમિટની ખબર છે એટલે તું કોઇ જાતની ચિંતા કરતી નહીં. તારી પુત્રવધુને હું સુરક્ષિત પાછી લાવીશ. અને હવે તને છેલ્લી વાત કહું છું કે તમે મારી કોઇ ચિંતા કરતા નહીં. હું અહીં સુરક્ષિત છું અને ખૂબ જલદી તમારી પાસે પાછો આવીશ. બાકી પપ્પાને મારા પત્રની વાત કરી દેજે. અને આ નિશીથ તારોજ દિકરો છે એ વાત હંમેશા યાદ રાખજે. લી. તારો લાડકવાયો. “

સુનંદાબેને પત્ર પુરો કર્યો એ સાથેજ ધ્રસકે ધ્રુસકે રડી પડ્યા. સુમિતભાઇએ ઊભા થઇ સુનંદાબેનને પાણીનો ગ્લાસ આપ્યો અને તેની પાસે બેઠા. સુનંદાબેને પાણી પી લીધુ એટલે સુમિતભાઇએ કહ્યું “જોયું, એ તને કેટલી સારી રીતે ઓળખે છે. તે મને કરેલા બધાજ પ્રશ્નોના જવાબ તેણે આ પત્રમાં તો પણ આપી દીધા. તું નકામી ચિંતા કરે છે તે આપણો દિકરો છે તારા સંસ્કાર પર તને ભરોશો નથી?”

“હા, તમારી વાત સાચી છે હું ખોટેખોટા વિચારો કરી દુઃખી થઉં છું પણ શું કરું હું એક મા છું.” પછી થોડૂ રોકાઇ તે બોલ્યા “આટલો સમજદાર અને તેજસ્વી દિકરાને ખોઇ બેસવાની ચિંતા કંઇ માને ન થાય? પણ તમે કહેતા હતા તે સાચું છે. હવે આ પત્ર પછી મને ઘણી રાહત લાગે છે. પણ તમે ગમે તેમ કરી ત્યાં માણસો મોકલો તેની સલામતીની વ્યવસ્થા કરો.” સુનંદાબેને સુમિતભાઇનો હાથ પકડી વિનંતીના સુરમા કહ્યું.

“અરે તારા કરતા મને વધારે ચિંતા છે. જ્યારથી રોમેશ તે લોકો સાથે જોડાઇ ગયો તેજ દિવસથી મે બીજા માણસને ત્યાં મુકી દીધો છે. તું કોઇ જાતની ચિંતા નહીં કર. અને નિશીથને જરુર પડશે ત્યારે એક સાથે પચાશ માણસો તેને મળી જશે.” સુમિતભાઇએ સુનંદાબેનને સમજાવતા કહ્યું.

-------------------------########---------########-------------#######-----------------

રાજમહેલમાંથી ઉર્મિલાદેવીને મળીને આવ્યા પછી વિરમ ક્યાંય સુધી વિચારમાં બેસી રહ્યો. તેની આખી વાત સાંભળી ઉર્મિલાદેવીએ તેને કહ્યું હતું કે “ જો વિરમ તારે હવે મારુ એક કામ કરવાનું છે. પેલા યુવાન પર નજર રાખ અને તે સાચેજ આપણો કુંવર છે કે ખોટું બોલે છે તે તપાસ કરી મને કહે. અને એક વાત ખાસ યાદ રાખજે તે લોકોને આની ભનક ન આવવી જોઇએ. આ તારા માટે રાજગઢનું કર્જ ઉતારવાનો મોકો છે. તારે જે પણ જરુર હોયતે ગંભીરસિંહને કહેજે તને મળી જશે. મારે બે દિવસમાં તે યુવાનની માહિતી જોઇએ. અને આમા કોઇ જાતની ગદ્દારી ન જોઇએ નહીતર એક રાજપુતાણી શું કરી શકે તે તને ખબર જ છે.”

અત્યારે પણ આ વાત યાદ આવતા વિરમના શરીરમાંથી એક હળવી ધ્રુજારી પસાર થઇ ગઇ. હવે શું કરવું તેના વિચાર કરતો તે ક્યાંય સુધી બેસી રહ્યો. તે વિચારવા લાગ્યો કે ઉર્મિલાદેવીની મદદ કરવામાંજ તેનો ફાયદો છે “જો કુવર ન હોય તો તેને તે યુવાનથી ડરવાની કોઇ જરુર નથી અને જો તે કુવર હોય તો ઉર્મિલાદેવી આ કામ બદલ તેને ચોક્કશ કોઇ સારુ વળતર આપશે. અને કમશેકમ ઉર્મિલાદેવીના સાનિધ્યમાં રહીશ તો પેલા કૃપાલસિંહથી મને કંઇ થઇ શકશે નહીં. ઘણીવાર સુધી વિચાર કર્યા બાદ વિરમે ફેસલો કર્યો કે આ યુવાનની સચ્ચાઇ તો જાણવીજ પડશે. તે હજુ વિચાર કરતો હતો ત્યાં તેનો ફોન વાગ્યો અને ફોન ઉંચકતા સામેથી જે કહેવાયુ તે સાંભળી તેના ચહેરા પર એક લુચ્ચુ સ્મિત આવી ગયું.

----------------#######-------------#########--------------####---

ઉર્મિલાદેવી એવુ શું જાણે છે, જે ગંભીરસિંહને ખબર નથી? આ પ્રશાંત કામત કોણ છે? તેને સુરસિંહ અને વિરમ સાથે શો સંબંધ છે? વિલી આ બધામાં કંઇ રીતે જોડાશે? પ્રશાંત કામતને આ બધામાં શું રસ છે? આ બધા પ્રશ્નના જવાબ જાણવા માટે આ નોવેલ વાંચતા રહો. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહીઓ અને મિત્રોને વાંચવાની ભલામણ જરૂર કરજો.
-----------------*****************---------------------------***********************--------------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે.મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલરલવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***************--------------------**************------------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM