ખાસ નોંધ :-
આ વાર્તા ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલી એક કાલ્પનિક વાર્તા છે. એમાં પાત્રો, સ્થળ અને મિશન બધું જ કાલ્પનિક છે. આ વાર્તા દ્વારા અમે દેશના વીર જવાનોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એનો થોડો ચિતાર આપીને એક નાનકડી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે. અમારાથી કોઈ ભૂલ થાય તો અમારું ધ્યાન દોરીને અમારા આ પ્રયાસને યોગ્ય માર્ગે વાળવા વિનંતી.
*****
આપણે બારમાં ભાગમાં જોયું કે ટીમ AKASH ખુબજ સફળતા પૂર્વક એક પછી એક આતંકીઓનો સફાયો કરી રહી હતી. પાકિસ્તાનને સરહદથી લઈ પોતાના ઘરમાં ઘેરી લીધું હતું. મુખ્ય આતંકીઓનું શું થાય છે અને ટીમ AKASH કઈ રીતે પરત ફરે છે એ રોમાંચ અનુભવવા વાંચતા રહો આકાશનો અંતિમ ભાગ...
*****
ચારે તરફ ન્યૂઝ ચેનલોમાં ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસ ઉપર થયેલા હુમલાના સમાચારો પ્રસારિત થતાં હોય છે. ત્યાંજ ભારતીય હેકરો દ્વારા પાકિસ્તાની મીડિયા અને પાકિસ્તાન સ્થિત આંતરરાષ્ટ્રીય મીડિયામાં રાવત અને ઈસ્લામાબાદ હાઇવેના ફોટા ઈમેલ દ્વારા મોકલવામાં આવે છે.
આ પાકિસ્તાનને ઘેરવાનો અને ધાર્યું કરાવવાનો ભારતનોજ એક ગુપ્ત પ્લાન હોય છે. પાકિસ્તાની મીડિયામાં રાવત અને ઇસ્લામાબાદ હાઇવે ઉપર આતંકવાદી હુમલો થયાના ન્યૂઝ ફ્લેશ થવા લાગ્યા. પાકિસ્તાની સરકાર ચોતરફ ઘેરાઈ ગઈ હતી કે શું કરવું અને શું ના કરવું.
ભારતના વિદેશ મંત્રીએ પાકિસ્તાન ફોન કરી પાકિસ્તાનને ભારતીય દૂતાવાસના કર્મીઓને સુરક્ષા આપવાનું કહ્યું અને ભારતનો એ નિર્ણય પણ કહ્યો કે અત્યારેજ પાકિસ્તાન વ્યવસ્થા કરી ભારતીય કર્મીઓને ભારત મોકલી આપે અથવા ભારત પોતાનું વિમાન મોકલી કર્મીઓ પરત લઈ આવશે.
ચોતરફ ઘેરાયેલા પાકિસ્તાન સચિવને આ વખતે કોઈજ બીજો રસ્તો ના દેખાતા અને પોતાની શાખ બચાવવા કહ્યું કે અમે વ્યવસ્થા કરી દૂતાવાસ કર્મીઓને મોકલી આપીશું અને ત્યાં સુધી એમને સુરક્ષિત રાખીશું.
ભારત A-set દ્વારા આતંકીઓને જે મેદાનમાં એમ્બ્યુલન્સમાં લોક કરી રાખ્યા હતા એની ઉપર નજર રાખી રહ્યું હતું. કોઈપણ કાળે આ આતંકીઓ બચવા ના જોઈએ અને નાપાકને જોરદાર સબક આપવો એ જ એક લક્ષ્ય બાકી રહ્યું હતું.
પાકિસ્તાની પોલીસને એ મેદાન મળી ગયું જ્યાં આતંકીઓને રાખવામાં આવ્યા હતા. પાકિસ્તાન સરકારની મદદથી આર્મી બોલાવી એ મેદાન કોર્ડન કરી લેવામાં આવ્યું હતું. મિડીયા પણ આ સ્થળનું કવરેજ કરવા તત્પર હતું પરંતુ પાકિસ્તાન સરકારે આ સ્થળથી બે કિલોમીટર બધાને અટકાવી રાખ્યા હતા.
પાકિસ્તાન આર્મી જાણતી હતી કે આ મેદાનમાં કાંઈપણ થઈ શકે છે એટલે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને પણ ત્યાં બોલાવવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા એ જાણવા મળ્યું હતું કે મેદાનમાં ઘણી બધી જગ્યાએ લેન્ડ માઇન છે. આથી સલામત રીતે આગળ વધવા એ બધા નિષ્ક્રિય કરવા પડશે અને પછીજ આતંકીઓ વાળી એમ્બ્યુલન્સ સુધી પહોંચી શકાશે.
આ તરફ મીડિયામાં અનેક પ્રકારની સ્ટોરી ચાલી રહી હતી કે પાકિસ્તાની સરકાર શું છુપાવી રહી છે..!? ભારતીય દૂતાવાસ ઉપર હુમલો કરનાર આતંકીઓ અને રાવત ઉપર હુમલો કરનાર આતંકીઓ એક છે..!? શું આ આતંકી સંગઠનોની અંદરની કોઈ લડાઈ છે..!? આ બધીજ બાબતો વચ્ચે NSA હેડ ક્વાર્ટરમાં બધાની નજર એ મેદાન ઉપર ચાલતી હિલચાલ ઉપર હતી. આની વચ્ચે પાકિસ્તાન સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે આજે રાત્રે જ અમે તમારા કર્મીઓને સુરક્ષિત ભારત પહોંચાડી દઈશું.
આખી દુનિયાની મિડીયાનું ધ્યાન અત્યારે આ ભારત પાકિસ્તાન ઉપર હતું. આ તરફ ભારત દ્વારા સરહદે ગોળીબારી વધારી દેવામાં આવી હતી. દુનિયાની નજરમાં જાણે યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા. ભારત જાણે આજેતો પોતાનું ધાર્યું કરવામાં જ મસ્ત હતું.
આતંકીઓ સાથેની એમ્બ્યુલન્સ જ્યાં હતી તે મેદાન આસપાસ લશ્કરી છાવણીમાં તબદીલ થઈ ગયું હતું. મીડિયા પણ બે કિલોમીટર દૂરથી આ ઘટનાનું કવરેજ કરી રહ્યું હતું કે આખરે વાત શું છે.!?
જેવું પાકિસ્તાની આર્મી બચાવ કાર્યનું પ્લાનીંગ કરવા અસ્થાયી કેમ્પમાં ભેગી થઈ ત્યાંજ એક બ્લાસ્ટ થયો. પાકિસ્તાની આર્મી તરતજ હરકતમાં આવી પણ ત્યાંજ મેદાનમાં એક પછી એક લેન્ડ માઇન બ્લાસ્ટ થવા લાગ્યા. AKASH ટીમે એક્દમ પરફેક્ટ પ્લાનિંગ કરી એક IED બ્લાસ્ટ થાય એવું પ્લાનિંગ કરી રાખ્યું હતું અને એનાથી લેન્ડ માઇન કનેક્ટ કરી રાખ્યા હતા.
એક પછી એક લેન્ડ માઇન બ્લાસ્ટ થઈ રહ્યો હતો જાણે ભારતની દિવાળી અને નાપાકનો માતમ છવાઈ રહ્યો હતો. મિડીયાનું ધ્યાન પણ આ તરફ જતા Live કવરેજ બતાવવાનું ચાલુ કરી દીધું હતું. અને જાણે નાપાકની નાક નીચે જ નિસહાય નાપાક દેખાઈ રહ્યું હતું.
એટલામાં જ એક જોરદાર વિસ્ફોટ થયો અને નાપાકની આર્મી અને પોલિસ એ સ્થળેથી પાછા ભાગવા લાગ્યા. કાંઈજ પોતાના હાથમાં નહોતું. જ્યાં જુવો ત્યાં આગ અને ધૂળ. એક પછી એક ચારે એમ્બ્યુલન્સમાં જોરદાર મોટા વિસ્ફોટો થયા અને એ પણ આખી દુનિયા Live કવરેજ જોઈ રહી હતી. ચારે તરફ વેર વિખેર એમ્બ્યુલન્સના ભાગો પડ્યા હતા અને લાશ તો માત્ર કહેવા માત્રની બચી હતી. આતંકી હેડ ઝાફર ખાન અને મનસૂર એઝાઝ તથા અન્ય આતંકીઓ અબ્દુલ ઝફર, સરફરાઝ હુસેન, સહિત ટોપ બધાજ બધાજ આતંકીઓ જન્નતની હુર પાસે પહોંચી ગયા હતા.
આ તરફ મિડિયા માટે આ TRP વધારવાનો મોકો હતો અને નાપાક સરકાર માટે યુદ્ધ વગરની હાર. પાકિસ્તાની સરકારે તાત્કાલિક Live કવરેજ બંધ કરાવી દીધું. ત્યાં સુધીમાં તો આખી દુનિયામાં આ વાત ફેલાઈ ગઈ હતી. અને આ બોમ્બની વિનાશકતા જોઈ રહ્યા હતા. જાણે પુલવામા હુમલા જેવોજ હુમલો દેખાઈ રહ્યો હતો.
NSA હેડ કવાર્ટરમાં આ વિડિયો જોતા જ એક ખુશીની લહેર ઉઠી અને એકબીજાને ભેટી ઉઠયા. પાકિસ્તાનની લુચ્ચાઈ વચ્ચે આપણા ભારતના આક્રોશની આ જીત હતી. PMO પણ ખુશ હતું. AKASH ટીમ અને મનજીત સિંહનું પરફેક્ટ પ્લાનિંગ આ મિશનની સફળતા માટે કામમાં આવ્યું હતું.
પાકિસ્તાની સરકાર એટલી બધી ઘેરાઈ ગઈ હતી અને ડરી ગઈ હતી કે કાંઈજ સુજતું નહોતું. તાત્કાલિક મિડીયા કવરેજ ઉપર પ્રતિબંધ તો કર્યો જ હતો. ત્યારબાદ ઇન્ટરનેશનલ લેવલે બહુ જવાબો ના આપવા પડે એથી ભારતીય દૂતાવાસ કર્મીઓને તાત્કાલિક ભારત રવાના કરી દેવામાં આવ્યા હતા.
NSA હેડ ક્વાર્ટરમાં ખુશી જ ખુશી છવાઈ ગઈ મિશન AKASH એક્દમ સફળ રહ્યું હતું. Zero Casualty સાથેનું એક એવું સફળ ઓપરેશન જ્યાં ભારતના સાહસિક વીરો, વિરાંગના સાથે A-set ની ટેક્નોલોજીનો સમન્વય કરી નાપાકને એનીજ ભાષામાં જવાબ આપી આતંકનો એવો સફાયો કરવામાં આવ્યો જ્યાંથી એમણે ઊભા થતા વર્ષો વીતી જશે.
આ ઘટનાઓના ઉંડાણમાં નાપાક એજન્સીઓ ઉતરીને આ બધું reconstruct કરશે તો પણ પોતાની નિષ્ફળતાઓ સિવાય એમાં કાંઈજ મળશે નહીં. ફરી ક્યારેય આપણા વીર જવાનો ઉપર પુલવામા જેવો હુમલો કરવાનું સપનામાં પણ નહીં વિચારે. સાચા અર્થમાં આ જ એક રીત હતી વીર યોદ્ધાઓને સાચી શ્રદ્ધાંજલિ આપવાની.
નાપાકમાં માતમ અને ભારતમાં ભારતીય દૂતાવાસ કર્મીઓનું આગમન આ એ પળ હતી જ્યાં મિશન AKASH એના ઉચ્ચ સોપાનો સર કરી પરત ફર્યું હતું. ભારતીય દૂતાવાસ કર્મીઓને ત્યાંથી સીધા મિડિયાથી દૂર સુરક્ષિત ગુપ્ત જગ્યાએ લઈ જવામાં આવ્યા. અને મિડીયાને કહેવામાં આવ્યું કે એ લોકો ડરી ગયા છે એટલે સારવાર હેઠળ છે.
પુલવામામાં જે કંઈ બન્યું એ બદલી તો નહતું શકાય એવું પણ NSA ચીફ મનજીત સિંહ ના પ્લાન હેઠળ આકાશની ટીમે જે સફળતા મેળવી હતી એના માટે એ લોકો પ્રસંશાને પાત્ર તો હતાજ. એટલે જ મનજીત સિંહે આર્યન રાજપૂત, કરણ યાદવ, એહમદ ખાન અને ઇમરાનને દિલ્હી એરપોર્ટ પરથી સીધા શિમલા મોકલવાની વ્યવસ્થા કરી હતી. લોકોની નજરથી બને એટલા બચાવવા એમનો ઉતારો હોટેલની જગ્યાએ એક ઘરમાં કરવામાં આવ્યો હતો. ત્યાં પહોંચીને બધા જુવે છે તો હનુમંત ગુર્જર પહેલેથી જ ત્યાં હાજર હોય છે.
મિશનની સફળતાની ખુશી એમના થાક ઉપર હાવી થઈ રહી હતી. એકબીજા જોડે ભલે ઓછો સમય વ્યતિત કર્યો પણ એક અલગ જોડાણ થઈ ગયું હતું બધાની વચ્ચે અને હવે ઇમરાન પણ એમનો જ હિસ્સો બની ગયો હતો. હનુમંત અને એહમદ બંને શાયોના તરફ એમણે દાખવેલા વર્તન માટે માફી માંગી લે છે અને કાન પકડી લે છે કે હવે એ ક્યારેય કોઈ સ્ત્રીને ફક્ત સ્ત્રી હોવાના લીધે અબળા નહી ગણે.
રાત જામતી જતી હતી અને બધા પોતાના અલગ મૂડમાં હતા. આર્યનને પોતાની પત્ની રાજવીની યાદ આવતી હોવાથી થોડો સમય એકાંત જોઈતું હતું. આથી એ બાલ્કનીમાં જઈને ઊભો રહે છે. થોડી વાર પછી શાયોના બે કોફીના મગ લઈને ત્યાં જાય છે.
એક મગ આર્યન સામુ ધરતા શાયોના બોલે છે, "કેવું સુંદર આકાશ દેખાય છે નહી અહીંયા !? બાકી મોટા શહેરમાં તો પોલ્યુશનના લીધે આવો વૈભવ માણવા જ ના મળે."
આકાશમાં ચાંદ તારા જોઈ એમાં ક્યાંક પોતાની રાજવી શોધવામાં ખોવાઈ ગયેલો આર્યન એક દમ ચોંકી જાય છે. અને કોફીના મગ હાથમાં લેતાં બોલે છે, "હું અને રાજવી કલાકો સુધી આકાશમાં આમ તાકતા અને એકમેકમાં ખોવાઈ જતા. એ આજે સાથે હોત તો કેટલી ખુશ થઈ હોત." અને એની આંખમાંથી ટપકાં સરી પડે છે.
ત્યાંજ શાયોના આર્યનના હાથ ઉપર હાથ મૂકી સાંત્વના આપવા જાય છે. આબેહૂબ જાણે રાજવીનો સ્પર્શ હોય એવો જ આર્યનને અહેસાસ થાય છે. એ જ ઘડી આકાશમાં એક ખરતો તારો જોઈ બંને ની નજર એક થાય છે જાણે કોઈ નવા અધ્યાયની શરુવાત અને રાજવીની આ સહમતી.
" બહુ પ્રેમ કરો છો ને સર તમે રાજવી મેમ ને!? તમારો પ્રેમ જોઈને લાગે છે કે રાજવી મેમ ખૂબ જ સુંદર અને પ્રેમાળ હશે..!" શાયોનાએ કહ્યું.
આર્યન પર્સમાં રાખેલો રાજવીનો ફોટો બતાવતા કહે છે કે, "સુંદરતાની વ્યાખ્યા પ્રમાણે તો એ સામાન્ય કરતાં થોડી વધારે સુંદર કહેવાય. પણ મારી નજરમાં મારી મા પછી એ દુનિયાની સૌથી સુંદર સ્ત્રી હતી. એક દમ પ્રેમાળ... મારી મમ્મીની એ પસંદ બહુ જલ્દી મારી પસંદ બની ગઈ અને મારી દુનિયામાં આવ્યા પછી ક્યારે એ મારી દુનિયા બની ગઈ એ ખબર જ ના પડી મને. એક દમ પ્રેમાળ..."
" બ્યુટીફુલ આઈઝ સર..." ફોટામાં દેખાતી રાજવીની ભાવવાહી આંખો જોઈને શાયોના બોલી ઉઠી.
"આપણું મિશન તો પતી ગયું છે નઇ!?" આર્યને પૂછ્યું.
સવાલ સાંભળીને શાયોના થોડી ઝંખવાઈ ગઈ એને થયું કે કદાચ આર્યનને નથી ગમ્યું એની જોડે આમ વાત કરવું એટલે એ બોલી ઉઠી, " સોરી સર, આતો તમને એકલા જોયા એટલે વાત કરવા આવી. really sorry..."
આમ બોલીને શાયોના અંદર જવા જતી હોય છે અને આર્યન એને હાથ પકડીને રોકતા બોલે છે, "મને સરની જગ્યાએ આર્યન કહેશે તો વધારે ગમશે. આપણી અંગત જિંદગીમાં શું આપણે મિત્ર ના બની શકીએ!?"
શાયોનાને તો થોડી પળો જે સાંભળ્યું એની ઉપર વિશ્વાસ જ નહતો આવતો. જેવી એને કળ વળી એ તરતજ આર્યનના દોસ્તી માટે લંબાયેલા હાથમાં પોતાનો હાથ મૂકી દે છે. જાણે મૂક સહમતી હતી એકબીજાને જીવનભર સાથ આપવાની.
જેમ જેમ રાત વધતી હતી એમ એમ વાતાવરણમાં થોડો ઠાર વધતો જતો હતો. શાયોના ઠંડીથી સંકોચાતી જતી હતી જે તરત જ આર્યનની નજરમાં આવી ગયું અને એ બોલ્યો, " કોફી પતી ગઈ છે હવે આપણે અંદર જવું જોઈએ. "
અંદર જઈને જુવે છે તો બધા પોતપોતાના રૂમમાં જઈને ઊંઘી ગયા હોય છે. રૂમ થોડો અસ્તવ્યસ્ત પડ્યો હોય છે. શાયોના ફટાફટ બધું સરખું કરવા લાગી જાય છે એ જોઈને આર્યન હસી પડે છે એટલે શાયોના પ્રશ્નાર્થ થી એની સામુ જોવે છે. ના માં ડોકું ધુણાવીને આર્યન પણ એને મદદ કરવા લાગી જાય છે. દસ મિનિટમાં તો આખો રૂમ પહેલા જેવો વ્યવસ્થિત થઈ જાય છે.
" હમમ, રાજવી મેમ ખરેખર નસીબદાર કહેવાય કે એમને તમારા જેવા જીવનસાથી મળ્યા. બાકી પુરુષો ને તો રૂમ અસ્તવ્યસ્ત કરતા જ આવડે અમરની જેમ..." શાયોનાને અમરની યાદ આવી જાય છે અને એની આંખોમાં ઉદાસી ઘેરી વળે છે.
આર્યનને લાગે છે કે અત્યારે એણે એક મિત્ર તરીકે એણે સાથ આપવો જોઈએ એટલે એ શાયોનાને બીજા એક કપ કોફી માટે પૂછે છે. જેનો શાયોના અસ્વીકાર નથી કરી શકતી અને જેવી એ કોફી બનાવવા ઉભી થતી હોય છે આર્યન હાથ પકડીને એને બેસાડી દે છે અને પોતે કિચનમાં કોફી બનાવવા જાય છે.
ઘણા સમય પછી આમ કોઈ પુરુષે શાયોના ઉપર હક જતાવ્યો હોય છે. પહેલા અમર હંમેશા એની ઉપર આમ હક જતાવતો. એ પાછી અમરની યાદોમાં ખોવાઈ જાય છે.
"તમારી કોફી હાજર છે મેમ..." શાયોના સામે કોફીનો મગ ધરતા આર્યન બોલે છે.
એની બોલવાની સ્ટાઇલ સાંભળીને શાયોના હસી પડે છે.
" આખરે તમારા ફેસ ઉપર હસી દેખાઈ તો ખરી. ત્યાં કાયમ એક પ્રકારની ઉદાસી અને ખાલીપો જ જોયો છે મેં. બહુ સુંદર લાગો છો, આમ જ હસતા રહો." આર્યન બોલ્યો.
" આ તો હું તમારા વિશે પણ કહી શકું ને!?", શાયોના એ કહ્યું.
"હા પણ હવે તમને કારણ ખબર છે.", આર્યન બોલ્યો.
"હમમ... દરેકના જીવનની ઉદાસી પાછળ કોઈ કારણ તો હોય જ..." શાયોનાએ કહ્યું.
પર્સમાંથી એક લેટર કાઢીને શાયોના તરફ કરતા આર્યન બોલે છે, "અને તમારી ઉદાસીનું કારણ આતો નથી ને..!?"
શાયોના તરત જ એ લેટરને ઓળખી જાય છે અને પોતાના હાથમાં લેતાં, "ઓહ.." ખાલી એમજ બોલે છે.
"સોરી, મારે આમ કોઈનો અંગત લેટર ના વાંચવો જોઈએ પણ તમારી આંખોમાં દેખાતો ખાલીપો મને એના માટે પ્રેરી ગયો." આર્યને માફી માંગતા કહ્યું.
શાયોના ચૂપ જ રહી એટલે આર્યને પોતાની વાત આગળ વધારી, " તમને નથી લાગતું કે જૂનું ભૂલીને તમારે આગળ વધી જવું જોઈએ. હજી તમે નાના છો. અને એક ખરાબ અનુભવથી કોઈ ધારણા ના બંધાય."
"આ વાત તો હું પણ કહી શકું ને કે તમે આગળ વધો. કોઈ બીજી સ્ત્રીને તમારા જીવનમાં સ્થાન આપવાનો અર્થ એતો નથી કે તમે રાજવી મેમને અન્યાય કરી રહ્યા છો. એમ કઈ એમના માટે તમારો પ્રેમ ઓછો નહિ થાય..! એક પ્રેમને હૃદયમાં જીવંત રાખીને જો તમે બીજી વ્યક્તિને પણ એની યોગ્ય જગ્યા આપી શકો તો એવા પ્રેમની બરોબરી કોઈ ના કરી શકે." અને કોફીનો ખાલી મગ ત્યાં મૂકતા આર્યનને વિચારતો મૂકી શાયોના ત્યાંથી ઊંઘવા માટે જતી રહી.
આ એક અઠવાડિયાના વેકેશનમાં આર્યન અને શાયોના એકબીજાની એટલી નજીક આવી ગયા કે ક્યારે તમે પર આવી ગયા એની ખબર જ ના પડી. આર્યનના મનમાં સતત શાયોનાના શબ્દો ઘૂમરાયા કરતા હતા. બંને ને એકબીજા માટે ખાસ લાગણી બંધાઈ ગઈ હતી બસ હવે પહેલ કોણ કરે એની જ વાર હતી.
દિલ્હી એરપોર્ટ પર બધા ટેક્સીની રાહ જોતા ઊભા હતા. આર્યન અને શાયોનાને છોડીને બધા મસ્તીના મૂડમાં હતા. એ બંને એક ખૂણામાં ઊભા રહીને બધું જોતા હતા. જાણે જુદા પડવાનો ભાર વર્તાઈ રહ્યો હતો. એટલામાં એમની લાગણીનો એક માત્ર સાક્ષી કરણ ત્યાં ગુલાબ લઈને આવે છે અને આર્યનને આપે છે. બંને વચ્ચે આંખો આંખોમાં કંઈ વાત થાય છે અને શાયોના કંઇ સમજે એ પહેલા તો આર્યન એના પગ આગળ ઘૂંટણીયે બેઠો હોય છે.
" Will you marry me." લાલ ગુલાબ શાયોનાને આપતા આર્યન બોલે છે.
" Marry..!! આને over confidence કહેવાય." શાયોના મજાકના અંદાઝમાં બોલી.
" ના, આ મારો વિશ્વાસ છે.. તારી ઉપર... તારા પ્રેમ ઉપર..." આર્યન હજી પણ એમજ બેઠો હતો.
હવે ત્યાં ઉભેલા બધાની નજર શાયોના શું જવાબ આપે છે એની ઉપર હતી.
અને આર્યનના હાથમાંથી ગુલાબ લેતા શાયોના ફકત "હા" એટલું જ બોલી શકી અને ઘૂંટણિયે બેસીને આર્યનને વળગી પડી. આમ આજે આર્યન અને શાયોના વચ્ચે એક નવા જીવન સફરની શરુવાત થઈ અને ઘણું બધું મેળવી લીધું.
આ એક અઠવાડિયામાં પાકિસ્તાન સરકારની ઉચ્ચ સ્તરીય કમિટીનો રિપોર્ટ આવ્યો અને રિપોર્ટમાં ખુબજ ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા કે કેટલી પ્લાનિંગ સાથે ભારતે આ મિશન પાર પાડયું હતું. આ માત્ર એક સ્ટોરી હતી કે આવું કર્યું હશે કોઈજ એના પુરતા પ્રમાણ કે પુરાવા હતા નહીં.
ન્યૂઝ ચેનલો પણ પાકિસ્તાનમાં થયેલા આ હુમલાઓમાં પાકિસ્તાનની નિષ્ફળતાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે બતાવી રહ્યું હતું. પાકિસ્તાની સરકારના અમુક અધિકારીઓએ અને નેતાઓએ ત્યારે શાણપણ દેખાડવા અને પાકિસ્તાનના હિતમાં આ કમિટીનો રિપોર્ટ દબાવી અને ભારત સાથે સહકારથી રહેવા અને આતંકવાદી પ્રવૃતિઓને રોકવાનું નક્કી કર્યું.
ભારત માટે આ ખરી જીત અને સૈનિકોને શ્રદ્ધાંજલિ હતી. જેવા સાથે તેવાની આ નીતિએ ભારત માટે આગળ વધવાના અનેક દ્વારા ખોલી આપ્યા હતા. ભારત વિકસિત દેશોની શ્રેણીમાં જવા જાણે તૈયાર હતું.
જય હિન્દ...
વંદે માતરમ્...
*****
શેફાલી શાહ....
હું, લખાણમાં ખૂબ જ ઓછો અનુભવ ધરાવતી એક નવોદિત લેખિકા છું. બહોળો વાંચનનો અનુભવ પણ નથી, પણ એક દિવસ લખવાની ઈચ્છા થઈ અને મારી આ સફર ચાલુ થઈ.
એકધારી અમુક ભાગ સુધી ચાલતી વાર્તા લખવી અને એમાં પણ વાંચકને ટકાવી રાખવા ખરેખર અઘરું કામ છે અને એમાં પણ આકાશનો સંવેદનશીલ વિષય... ઘણા મિત્રોએ સીધું એમજ કહી દીધું કે આવી મારધાડ વાળી વાર્તા અમે નહિ વાંચીએ.
એક તબક્કે અમને થોડી નિરાશા પણ થઈ, તો પણ મનના એક ખૂણામાં એક સંતોષ હતો કે કંઇક અલગ કરી રહ્યા છીએ. અને એજ સંતોષ અમારા માટે પ્રેરણા બનતો. એ પ્રેરણામાં ત્યારે વધારો થયો ત્રિભુવન ગઢવી સાહેબ અને વીર દીપસિંગ ( સિંગ સાહેબ) જેવા દેશના ખરા હીરોએ આ વાર્તાને વાંચીને એને વાસ્તવિકતાની ઘણી નજીક કહીને વખાણી અને જરૂર પડે મદદની પણ તૈયારી બતાવી. અને આમ જ પાંચ થી સાત ભાગમાં પૂરી કરવા ધારેલી વાર્તા આજે તેરમા ભાગે એની મંઝિલે પહોંચી.
આપણે કહીએ ને તૈયાર ભાણે જમવા બેસવું..! આ વાર્તા મારા માટે એમ જ હતી. આ વાર્તાનું બીજ રોહિત પ્રજાપતિના વિચારોની દેન હતું. મારે તો એમાં થોડું ખાતર અને પાણી નાખીને વૃક્ષ બનાવવામાં સહયોગ જ આપવાનો હતો. આકાશની વાર્તાનો પ્લોટ સાંભળીને એક વાર તો હું અચકાઈ હતી કારણકે આના માટે ઘણી બધી ઝીણવટ ભરી માહિતી અને જ્ઞાન જોઈએ અને એ બધું રોહિત પ્રજાપતિ જોડે પૂરતા પ્રમાણમાં હતું. હા... હું ઘણી વાર ગૂગલની મદદ લઈ લેતી.
અને અંતમાં આ આકાશની સફરમાં મને સહયાત્રી બનાવવા માટે રોહિત પ્રજાપતિ અને અમને વાંચીને પ્રોત્સાહિત કરવા માટે વાંચકગણનો ખૂબ ખૂબ આભાર.
જય જિનેન્દ્ર...
*****
રોહિત પ્રજાપતિ...
પહેલીજ વાર્તા અનંત દિશા સફળ થયા પછી બધાજ વાચક મિત્રો અને સ્નેહીઓની અપેક્ષાઓ હતી કે હું કાંઈક બીજી સ્ટોરી લખું. મારા મગજમાં બે વાર્તાના પ્લોટ હતાજ પણ સમયના અભાવમાં હું એને આખરી ઓપ આપી શક્યો નહીં. અને આ જ અરસામાં પુલવામા હુમલો થયો. મારું મગજ કાંઈજ કામ કરતું નહોતું.
ત્યાંજ મને થયું કે ભલે પેલી બે વાર્તા હું લખી શકતો નથી પરંતુ મારે આ દુખદ ઘટના આધારિત વાર્તા લખી આક્રોશ ઠાલવવો છે. એટલે મેં મને વાર્તા લખવામાં મદદ કરી શકે એવા પાર્ટનરની શોધ કરી અને એ પૂર્ણ થઈ શેફાલી શાહના સાથ થકી. એકજ દિવસમાં એણે વિચારીને મને હા કહી.
સ્વભાવે ખુબજ સરળ અને મદદગાર હોવાથી બહુજ ઓછી તકલીફો સાથે શેફાલી શાહના સાથ થકી આ સફળ વાર્તા પુર્ણ કરી. હા પણ એને તકલીફો જે પડી એ એ જાણે. આમ તો વધુમાં વધુ પાંચ ભાગમાં પૂર્ણ કરવાની વાર્તા તેરમાં ભાગ સુધી પહોંચી અને અણધારી સફળતા મળી.
વાર્તામાં આવેલા અણધાર્યા વળાંકો અને એક્દમ ઝીણવટ પૂર્વકની માહિતીઓ શેફાલી શાહના જ ખુરાફાતી મગજથી જીવંત થઈ આ વાર્તામાં ઢાળી શક્યો. થોડીક નોક ઝોક થઈ પણ ફાઇનલી એક અલગ અલગ વિચારો, સ્વભાવ અને સંસ્કાર વાળા બે વ્યક્તિત્વ આ વાર્તા લખી શકયા અને પૂર્ણ કરી શક્યા એ જ એક અદ્ભુત વાત છે.
મારા વિચારોને વાર્તામાં ઢાળવામાં મદદ કરી અને પોતાનો વિચાર બનાવી આકાશની અદ્ભૂત સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવવા બદલ ખુબ ખુબ આભાર. આ સાથે મારા વહાલા વાંચક મિત્રો અને સ્નેહીઓ કે જે આ સફરમાં સાચા અર્થમાં સાથે રહી પ્રોત્સાહિત કર્યા એ બદલ એમનો ખુબ ખુબ આભાર.
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...
*****
આ વાર્તા અમારો સહિયારો લખવાનો પ્રથમ પ્રયાસ હતો. આ પહેલાં માતૃભારતી ઉપર અમારી સફળ વાર્તાઓ "અનંત દિશા" ભાગ ૧ -૨૧ (રોહિત પ્રજાપતિ) અને "પ્રેમની પેલે પાર..." (શેફાલી શાહ અને સખી) એને વાંચી અને પ્રતિભાવો જરૂરથી આપશો.
જય જિનેન્દ્ર
શેફાલી શાહ
આ વાર્તા AKASH ની PDF કોપી ફ્રીમાં મેળવવા કોન્ટેક્ટ કરી શકો છો.
Whatsapp (Rohit Prajapati) :- 8320610092
Face book :- #sweetbeatfrdzzzzz (Sweet Beat Frdzzzzz)
Insta :- rohit_jsrk
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...
રોહિત પ્રજાપતિ
©Rohit Prajapati & Shefali Shah
જય શ્રી કૃષ્ણ... જય જીનેન્દ્ર...