Bhool - 10 in Gujarati Fiction Stories by Kanu Bhagdev books and stories PDF | ભૂલ - 10

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

ભૂલ - 10

ભૂલ

કનુ ભગદેવ

પ્રકરણ - 10

દિલીપની તપાસ...!

ભગત, મનમોહન, પ્રતાપ, દિવાન અને સુરેશ...!

પાંચેય પરસેવે રેબઝેબ બની ગયા હતા.

શિયાળાની કડકડતી ઠંડી હોવા છતાં પણ તેમનાં શરીર તપતાં હતાં.

જાણે માઈલોના માઈલો દોડ્યા હોય, અને પાણી પીવા ન મળ્યું હોય એમ તેમના ગળામાં શૂળ ભોંકાતા હતા.

મનમોહને બોટલ ઉઘાડીને તેમાંથી વ્હીસ્કીનો એક મોટો ઘૂંટડો ગળે ઉતાર્યો.

‘ભગત...!’ એ ધીમેથી બબડ્યો, ‘તેં એનું ખૂન કરીને સારૂ નથી કર્યું!’

‘કુલકર્ણીનું ખૂન જરૂર પરચો બતાવશે!’ દિવાને સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું, ‘એ કેપ્ટન દિલીપ અને ઈન્સ્પેક્ટર વામનરાવનો સહકારી હતો...ઉર્ફ...એ બંને હવે આપણા દુશ્મનો બની ગયા છે!’ વાત પૂરી કર્યા પછી એના ચ્હેરા પર ભય મિશ્રિત ગભરાટના હાવભાવ છવાઈ ગયા હતા.

‘સાંભળો...!’ ભગત મક્કમ અવાજે બોલ્યો, ‘તમે લોકો મારી વાત સમજવાનો પ્રયાસ કરો...! મેં કંઈ જ ખોટું નથી કર્યું? કુલકર્ણી આ બંગલાની તલાશી લેવા પર ઊતરા આવ્યો હતો. જો એણે તલાશી લીધી હોત, તો આપણે બચી શકત ખરા...? ના...બચવાનો સવાલ જ ઊભો નથી થતો. ન છૂટકે જ મારે એનું ખૂન કરવુ પડ્યું છે!’

‘આપણે પકડાઈ જાત એટલું જ ને...?’ પ્રતાપે કહ્યું, કમસેકમ આપણા પર એક પોલીસના ખૂનનો આરોપ તો ન મૂકાત...!

‘પ્રતાપ...!’ ભગતના મોંમાંથી ઘૂરકાટભર્યો અવાજ નીકળ્યો, ‘આ પહેલાં પણ આપણે અનેક ખૂનો કરી ચૂક્યો છીએ, એ વાત તું શા માટે ભૂલી જાય છે? આ કંઈ આપણા હાથેથી પહેલું જ ખૂન નથી થયું.’

‘એ તો બધું ઠીક છે...!’ મનમોહન બોલ્યો,‘ પણ...’

એનું વાક્ય અધૂરૂ રહી ગયું.

‘ચૂપ મર...!’ ભગતે મનમોહનનું વડકું ભરતાં કહ્યું, ‘આપણા માથા પરથી જોખમની તલવાર હજુ પણ એમ ને એમ લટકે છે?’

‘એટલે...?’

‘એટલે એમ કે, કુલકર્ણીનું ખૂન થયું છે, તેને અકસ્માત નથી નડ્યો, એ વાત સમજવામાં દિલીપને વાર નહીં લાગે. વામનરાવની ગેરહાજરીમાં એ જ આ કેસ સંભાળે છે. કુલકર્ણી અહીં શા માટે આવતો હતો, એની દિલીપને ખબર જ હશે અને એ પણ જરૂર અહીં આવશે!’

‘શ...શું...?’ મનમોહનનું મોં નર્યા અચરજથી પહોળું થઈ ગયું.

‘હા...’

‘તો પછી અહીં રહેવામાં સોએ સો ટકાનું જોખમ છે...!’ દિવાન કંપતા અવાજે બોલ્યો, ‘આપણે જેમ બને તેમ જલ્દી અહીંથી ઉચાળા ભરી જવા જોઈએ.’

‘ભોંયરામાં લૂંટનો માલ પડ્યો છે! એને સમેટીને આમ આટલી મોડી રાત્રે ક્યાં જઈશું? રોન મારતા સિપાહીઓને જો રજ માત્ર પણ શંકા આવશે તો પછી આપણે નહીં બચી શકીએ!’ ભગત ધીમેથી બોલ્યો.

‘ભોંયરામાં લૂંટના માલની સાથે એક બાળકનો મૃતદેહ પણ પડ્યો છે! એ મૃતદેહ કે જેને આપણે એસિડના ટાંકામાં નથી પધરાવી શક્યા! એ ખૂનનો...’

‘તો પછી તમે શું ઈચ્છો છો?’ ભગતે ઊંડો શ્વાસ લેતાં પૂછ્યું.

‘આપણે લૂંટનો માલ અહીં જ પડતો મૂકીને નાસી છૂટવું જોઈએ!’ સુરેશ બોલ્યો.

‘શાબાશ...! ધન્ય છે તારી જનેતાને...!’ ભગતના અવાજમાં કટાક્ષનો સૂર હતો.

‘કેમ...?’

‘કેમના દિકરા, પોલીસ અહીં આવીને લૂંટનો માલ કબજે કરી લેશે તો...?’

‘તો...તો શું...?’

‘તો બોસ આપણને પાતાળમાંથી પણ શોધી કાઢીને મારી નાખશે બેવકુફો...!’ ભગતે એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું.

‘ઓહ...’ સુરેશ બબડ્યો.

‘આગળ કૂવો અને પાછળ ખીણ એના જેવો ઘાટ આપણા માટે થયો છે!’ મનમોહન બોલ્યો,‘જો અહીં રોકાઈએ તો દિલીપનો ભય અને નાસી છૂટીએ તો બોસ આપણને નહીં છોડો! હા, જો માલ સલામત રહે તો...’

‘તો તો પછી એક જ ઉપાય બાકી રહ્યો છે!’ ભગતે રૂક્ષ અવાજે કહ્યું.

સૌની ઉત્સુક્તાભરી પ્રશ્નાર્થ નજર તેના ચ્હેરા પર જડાઈ ગઈ.

‘આપણે લૂંટના માલ સાથે જ નાસી છૂટીએ...! સો ટકા જીવતા રહેવા માટે આપણે એમ જ કરવું પડશે.’

વાતાવરણમાં થોડી પળો માટે બ્લેડની ધાર જેવો તીખો સન્નાટો છવાઈ ગયો.

સૌ ચૂપ હતા.

છેવટે સુરેશે ચૂપકીદીનો ભંગ કર્યો.

‘હવે વધુ કંઈ વિચારવાનો સમય નથી. ભગત સાચું કહે છે. માલ સમેટીને અહીંથી ગચ્છન્તિ કરી જવામાં જ આપણું કલ્યાણ છે.!’

ત્રણે યે સહમતિસૂચક ઢબે માથાં હલાવ્યાં.

‘એ તો બધુ ઠીક છે, પણ રાજુના મૃતદેહનું શું થશે...?’ કંચનનું શઉં કરવાનું છે?’ મનમોહને પૂછ્યું.

‘એ ચુડેલને ઠેકાણે પાડી દઈએ!’ પ્રતાપ દાંત કચકચાવતાં બોલ્યો. કંચનની યાદ આવતાં જ અનાયાસે એની નજર પોતાના પાટો બાંધેલા આંગળા પર ચાલી ગઈ.

‘ના...હવે વધુ કોઈનું ખૂન નથી કરવું!’ મનમોહન હવામાં હાથ નચાવતાં કહ્યું, ‘આમે ય આપણે માટે હવે તે નકામી છે...! એ ગાંડી થઈ ગઈ છે...!’

‘બરાબર છે...પરંતુ એનું ગાંડપણ ગમે ત્યારે દૂર થઈ શકે તેમ છે! એ જિંદગીભર ગાંડી જ રહેશે તેની કોઈ ખાતરી નથી. ગમે ત્યારે તે સાજી થઈ શકે તેમ છે. એણે આપણાં ચોકઠાં જોઈ લીધાં છે, એ વાત આપણે ન ભૂલવી જોઈએ. એ પોલીસને આપણા ચ્હેરાનું વર્ણન જણાવી દેશે તો તેના આધારે પોલીસ આર્ટીસ્ટ આપણા ફોટાઓ ચીતરી કાઢશે. આમ કરવામાં તેને જરા પણ મુશ્કેલી નહીં પડે’ સુરેશ બોલ્યો.

‘સુરેશની વાત સાચી છે.’ દિવાને તેની વાતને સમર્થન આપતાં કહ્યું, ‘આપણી પાછળ પૂરાવો છોડવાની કોઈ મૂર્ખાઈ આપણે અત્યારે કરી શકીએ તેમ નથી.’

‘તો પછી એનું ખૂન કરી નાખો...!’ જાણે પાનવાળાની દુકાનેથી પાન લાવવાનું કહેતો હોય એવા અવાજે ભગત બોલ્યો.

‘કાણ કરી નાખે...?’ મનમોહને થોથવાતો અવાજે પૂછ્યું.

‘તું...!’ ભગતે ખંજરની જેમ તેની છાતી પર આંગળી ખૂંચાડતાં જવાબ આપ્યો.

‘હું...?’

‘હા...’

‘હું જ શા માટે...? તું કે બીજું કોઈ શા માટે નહીં...?’ મનમોહન ઘુરકતા અવાજે બોલ્યો.

‘એટલા માટે કે, કંચનનું ખૂન કરવાની વાત સૌથી પહેલાં તેં જ ઉચ્ચારી હતી.’

‘તો શું થઈ ગયું...? આપણે બધાં ખૂની હોવાં છતાંય આપણામાંથી કોઈ કંચનનું ખૂન કરવા માટે તૈયાર નથી.’ પ્રતાપ વચ્ચેથી બોલી ઊઠ્યો.

‘પરંતુ એ ગાંડી થઈ ગઈ છે...! અને મેં આજ સુધીમાં કોઈ ગાંડીનું ખૂન નથી કર્યું!’ મનમોહને મોં મચકોડતાં કહ્યું.

‘આપણે અંદરોઅંદર ઝઘડીને નાહક જ આપણો સમય વેડફીએ છીએ!’ સુરેશ બોલ્યો, ‘એના કરતાં તો આપણે એક કામ કરીએ. મને એક એવો ઉપાય સૂઝે છે કે જેનો અમલ કરવાથી, આપણામાંથી કોઈ ને ય મન દુઃખ નહીં રહે!’

‘શું...?’

‘આપણે પાંચેયના નામથી ચિઠ્ઠી બનાવીને ફેંકીએ...! ત્યારબાદ એમાંથી પહેલી ચિઠ્ઠીમાં જેનું નામ લખેલું હોય, એણે કંચનનું ખૂન કરવાનું. બોલો, આ ઉપાય કેવો છે?’

‘ઉત્તમ...!’

‘તમને કોઈને વાંધો તો નથી ને?’

‘ના...’જાણે આ ઉપાય કરવાથી પોતાને ખૂન નહીં કરવું પડે એની ખાતરી હોય એમ ચારેય બોલ્યા.

સુરેશ ઝપાટાબંઝ પાંચ ચબરખીઓ પર પાંચેયનાં નામ લખ્યાં.

નામ લખીને કોઈનેય અવિશ્વાન ન રહે એટલા ખાતર એણે બધી ચબરખી સોને બતાવી.

પાંચેય ચબરખી પર, તેમનાં જ નામ લખેલાં હતા. અર્થાત્ કોઈ એક જ માણસનું નામ પાંચેય ચબરખી પર નહોતું લખ્યું.

ત્યારબાદ સુરેશે પાંચેય ચબરખીની ગોળીઓ વાળીને તેને બંધ હથેળી વચ્ચે ફેરવી.

પછી એણે પાંચેય ગોળીઓને ટેબલ પર નાખી દીધી.

‘દિવાન...તું આમાંથી કોઈ પણ એક ચબરખી ઉપાડી લે! એ ચબરખી પર જેનું નામ લખ્યું હશે, એણે જ કંચનનું ખૂન કરવાનું છે.’

દિવાને કંપતા હાથે એક ચબરખી ઉપાડી.

પછી એણે તેના ગડી ઉકેલી.

બાકીની ચારેયની નજર એની સામે જ સ્થિર થયેલી હતી.

દિવાનના ચ્હેરા પર પહેલાં આશ્વર્યના અને પછી ખોફના હાવભાવ છવાયા.

‘કોનું નામ લખ્યું છે દિવાન...?’ સુરેશે ઉત્સુક અવાજે પૂછ્યું.

‘મ...મારું...’ એણે કંપતા સાદે જવાબ આપ્યો.

એનો જવાબ સાંભળીને ચારે યે રાહતનો શ્વાસ લીધો.

જ્યારે દિવાનનો ચ્હેરો ભયથી ધોળો પૂણી જેવો થઈ ગયો.

‘દિવાન...!’ ભગત ધૂરકતા અવાજે બોલ્યો, ‘હવે મોડું કર્યા વગર ભોંયરામાં જા અને...’

પરંતુ એની વાત અધૂરી રહી ગઈ.

સહસા ડોરબેલ રણકી ઊઠી.

પાંચેયની આંખોમાં ખોફ રૂપી સર્પ ફેણ ચડાવીને બેઠો થઈ ગયો.

દેહ કંપવા લાગ્યા.

જીભ તાળવે ચોંટી ગઈ.

થોડી પળો સુધી તો કોઈ કશું જ ન બોલી શક્યું.

ડોરબેલ સતત રણકતી હતી.

પછી જાણે તોડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય એમ જોરથી બારણું ધમધમાવવામાં આવ્યું.

‘કોણ હશે...?’ સુરેશ બબડ્યો.

‘દિલીપ જ હોવો જોઈએ!’ ભગતે પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવતાં કહ્યું.

‘બારણું ઉઘાડો...નહીં તો મોડું થવું જોઈ ને નાહક જ એ નાલાયકને શંકા ઉપજશે!’ પ્રતાપ બોલ્યો.

ભગત જાણે કે ભાનમાં આવ્યો.

‘કોણ છે...?’ એણે ઊંચા અવાજે બૂમ પાડી.

દ્વાર ખટખટાવવાનું અને ડોરબેલ રણકવાનું બંધ થઈ ગયું.

‘પોલીસ...’ એક કઠોર અવાજ તેમને સંભળાયો.

પાંચેય સર્વાંગ ધ્રુજી ઊઠ્યા.

તેમના કપાળ પરથી આવી ઠંડીમાં પણ પરસેવાની ધાર નીતરવા લાગી.

ભગતે પોતાની જાત પર કાબૂ મેળવી, ઊભા થઈને બારણું ઉઘાડ્યું.

બહાર દિલીપ ઊભો હતો.

એના હાથમાં જકડાયેલી રિવોલ્વરની નળી ભગતની છાતી સામે જ સ્થિર થયેલી હતી.

પોતે શા માટે ન ઢળી પડ્યો એનું જ ભગતને આશ્વર્ય થયું.

દિલીપની બાજુમાં જ એ વિસ્તારનો સબ-ઈન્સ્પેક્ટર ભીમસેન ઊભો હતો.

ભગત તેને સારી રીતે ઓળખતો હતો. બંનેની વચ્ચે ગાઢ સંબંધ હતો.

‘મારું નામ કેપ્ટન દિલીપ છે...!’ દિલીપ રૂક્ષ અવાજે બોલ્યો. ‘હું અહીં થોડી પૂછપરછ કરવા માટે આવ્યો છું.’

‘પણ...આ રિવૉલ્વર...!’ ભગતે ભયભીત નજરે રિવૉલ્વર સામે તાકી રહેતાં કહ્યું.

‘આ રિવૉલ્વર મેં મારી સલામતિ માટે મારા હાથમાં રાખી છે.’ દિલીપ વચ્ચેથી જ એની વાતને કાપીને બોલ્યો, ‘હું કંઈ અહીં તમને મારી નાખવા માટે નથી આવ્યો.’

વાત પૂરી કર્યા પછી, તે ભગતને એક તરફ હડસેલીને અંદર દાખલ થઈ ગયો.

ભીમસેન પણ તેની સાથે જ હતો.

રૂમમાં મોઝૂદ બાકીના પાંચે ય પથ્થરના પૂતળા જેવા બની ગયા.

‘ઓહ...જરૂર કોઈક ખાસ કામ ચાલતું લાગે છે!’ દિલીપે વારાફરતી ચારેયના ચ્હેરાનું અવલોકન કરતાં કહ્યું, ‘નહીં તો આટલી મોડી રાત્રે તો શરીફ માણસો પોતાની જાતને પલંગના હવાલે કરીને મીઠી ઊંઘ માણતા હોય છે!’

‘માફ કરજો મિસ્ટર દિલીપ!’ ભગત કટાક્ષભર્યા અવાજે બોલ્યો, ‘રાત્રે ન ઊંઘવાથી પણ કાયદાની કોઈક કલમનો ભંગ થયો છે, એવા ભ્રમમાં જ તમારા આગમન પહેલાં હું રાચતો હતો. હું મારે ઘેર મારા સાથીદારો સાથે ઊજાગરો કરતો હોઉં તો એમાં કાયદાના કપાળ પર કરચલી ન પડવી જોઈએ.’

‘બરાબર છે મિસ્ટર ભગત...!’ પરંતુ ઉજાગરો કરવા પાછળ પણ કોઈક કારણ હોય છે!’ ભીમસેન ભાવહીન અવાજે બોલ્યો. આજ પહેલાં જાણે ભગતને કદાપી જોયો જ ન હોય એવા હાવભાવ તેના ચ્હેરા પર છવાયેલા હતા. જ્યારે વાસ્તવમાં તો તે કેટલીયે વાર આ બંગલામાં ઉજાગરો કરી ચૂક્યો હતો.

‘ખાસ કોઈ કારણ નહોતું ઈન્સ્પેક્ટર સાહબે...!’ ભગતે પોતાના ગભરાટ પર કાબૂ મેળવતા કહ્યું.

‘છતાં ય...’

‘બસ, આજે પીવાનાં મૂડમાં હતા...!’

‘આટલી મોડી રાત સુધી...?’

‘ના...સાથે સાથે પાનાં પણ ટીચતા હતા...!’

‘જુગાર રમતા હતા...?’

‘હા...’ ભગતના અવાજમાં ખમચાટ હતો.

‘આ તો ગુનો છ...! હું તમને જુગાર રમવાનો આરોપસર પકડી શકુ તેમ છું.!’

‘ના..તમે અમને પકડી શકો તેમ નથી...’

‘કેમ...?’

‘એટલા માટે કે અમે જુગાર રમતા હતા, એ વાત તમે પુરવાર કરી શકો તેમ નથી!’ ભગત ગભરાટ ભર્યા અવાજે બોલ્યો, ‘અમે જુગાર રમતા હતા, એ વાત મેં જ તમને જણાવી હતી.’

‘વેરી ગુડ...!’ દિલીપ સોફા પર અડીંગો જમાવતાં બોલ્યો, ‘મિસ્ટર ભગત, ખૂની પોતાનો ગુનો કબૂલી લે તો એની સજા માફ નથી થઈ જતી સમજ્યા તમે?’

‘મિસ્ટર દિલીપ, ખૂન કરવુ અને જુગાર રમવો આ બંને ગુનાઓમાં ઘણો ફર્ક છે!’ ભગતે થૂંક ગળતાં કહ્યું.

‘જરૂર, પરંતુ બંને છેવટે તો ગુનાો જ છે ને?’ દિલીપે તીવ્ર અવાજે પૂછ્યું.

ભગત થોથવાઈને રહી ગયો.

‘છેવટે વાત શું છે મિસ્ટર દિલીપ ?’ પ્રતાપે હિંમત એકઠી કરીને પૂછ્યું.

‘વાત માત્ર એટલી જ છે મિસ્ટર કે સહકારી સબ ઈન્સ્પેક્ટર કુલકર્ણી થોડી વાર પહેલાં અહીં પૂછપરછ કરવા માટે રવાના થયો હતો પરંતુ અત્યારે એનો મૃતદેહ અહીંથી અડધો કિલોમીટર દૂર તેની જીપમાં પડ્યો છે. એના ખૂનને અકસ્માતનું રૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.’

‘હે...ઈશ્વર..!’ કૃત્રિમ આશ્વર્ય વ્યક્ત કરતાં બોલ્યો, ‘કોઈક તમારા સહકારીનું ખૂન કરી નાખ્યું છે એમ તમે કહેવા માંગો છો?’

‘હા...એ તમને થોડી પૂછપરછ કરવા માટે તમારી પાસે આવતો હતો.’ દિલીપ કઠોર અવાજે કહ્યું. એની આંખો ક્રોધના અતિરેકથી લાલઘુમ થઈ ગઈ હતી.

ભગત કંપી ઊઠ્યો.

‘મિસ્ટર દિલીપ...!’ દિવાન રોષભર્યા અવાજે બોલ્યો., ‘તો તમારા સહકારીનું ખૂન ભગતે કરી નાખ્યું છે, એમ તમે કહેવા માંગો છો...? જો તમે એવું માનતા હો તો તમારી માન્યતા ખોટી છે કારણ કે ભગત અહીંથી એક પળ માટે પણ ક્યાંય બહાર નથી ગયો, એ વાતના અમે સાક્ષી છીએ. તેમ તમારો કોઈ સહકારી પણ અહીં નથી આવ્યો.’

‘મિસ્ટર, જો કુલકર્ણી અહીં આવ્યો હતો તો તેનું ખૂન પણ અહી જ થયું હશે એ તો દિવા જેવી સ્પષ્ટ વાત છે. આ સંજોગોમાં તમે મિસ્ટર ભગતના સાથી નહીં, પણ ખૂનના ગુનામાં ભાગીદાર પુરવાર થાઓ છો!’ દિલીપે કઠોર અવાજે કહ્યું.

દિલીપની દલીલમાં વજન હતું.

અને આ વાત ભગત પણ સમજતો હતો.

‘આ તમારી ગેરસમજ છે મિસ્ટર દિલીપ! પ્રત્યક્ષમાં એ બોલ્યો,‘તમારો સહકારી ખરેખર જ અહીં નથી આવ્યો.’

‘એ પછી જોયું જશે...! હાલલ તુરત તો હું તમને તમારી કાર વિશે થોડા સવાલ પૂછવા માંગુ છું.’

‘મારી કાર ગેરેજમાં જ પડી છે...!’

‘આજે પડી છે...શું થોડા દિવસો પહેલાં પણ એ તમારા કબજામાં જ હતી?’

‘ના...’

‘તો...?’

‘વચ્ચે મારો એક મિત્ર થોડા દિવસ માટે મારી કાર લઈ ગયો હતો. એ મુંબઈથી આવ્યો હતો.’

‘અત્યારે તમારો એ મિત્ર ક્યાં છે?’

‘અમેરિકા ગયો છે....!’ ભગત આરામથી બોલ્યો, ‘શું મારી કાર વડે એણે કોઈ અકસ્માત કરી નાખ્યો હતો?’

‘વેરી ગુડ...!’ રિવૉલ્વરને ખોળામાં મૂકીને તાળી પાડતાં કહ્યું, ‘તમારી વાત અને તર્કનો કોઈ જવાબ નથી. હું કંઈ તમારી જુબાનીની ખાતરી કરવા માટે અમેરિકા તો જઈ શકું તેમ નથી!’

‘તો તો પછી એ તમારું કમનસીબ જ કહેવાય! બીજું શું?’

‘હા...’ દિલીપે વેધક નજરે તેની સામે જોતાં પૂછ્યું, ‘વારૂ, આજે આખો દિવસ તમે ક્યાં હતા...?’

‘હુ તો અહી જ હતો...’

‘સવારથી જ...?’

‘હા...તમને મારી વાત પર ભરોસો ન બેસતો હોય તો મારા નોકરને પૂછી જુઓ.’ કહીને ભગતે પ્રતાપ તરફ સંકેત કર્યો.

‘તમારો નોકર તો કંઈ તમારી વિરૂદ્ધ બોલશે જ નહીં! મારે તમારા નોકરને કંઈ નથી પૂછવું!’

‘હવે તમે શું ઈચ્છા છો...?’

‘ફિલ્મ અભિનેત્રી માધુરી મારા ભાઈ સાથે લગ્ન કરી લે એમ હું ઈચ્છું છું...બોલો, કરાવી આપશો તમે...?’

‘જ...જી...’ ભગત થોથવાયો.

‘આ કામ તમારાથી થઈ શકે તેમ નથી ખરું ને? આ તમારા હાથની વાત નથી બરાબર ને?’

‘એ તો સ્પષ્ટ જ છે!

‘તો પછી તમારા હાથની વાત હોય, એ જ કહું?’

‘હા...’

‘તો સાંભળો...હું તમારા બંગલાની તલાશી લેવા માગુ છું!’ દિલીપ કઠોર અવાજે બોલ્યો.

‘તલાશી...?’

‘હા...’

‘શા માટે...?’

‘એ તમને તલાશી લીધા પછી જાણવા મળી જશે!’

‘તલાશી લેવા માટેનું વૉરંટ છે તમારી પાસે?’

‘હા, છે...’

‘બતાવો’

‘લો...જોઈ લો...!’ દિલીપે ખોળામાંથી રિવૉલ્વર ઊંચકીને આંગળી વચ્ચે ફેરવતાં કહ્યું, ‘આ જ મારું વોરંટ છે!’

‘મજાક તો બહુ સારી કરી જાણો છો તમે...!’ દિવાન નાટકીય ઢબે બોલ્યો, ‘જો અમે તલાશી લેવા સામે વિરોધ કરીશું તો શું તમે અમને ગોળી ઝીંકી દેશો...?’

‘હા...’ દિલીપ મક્કમ અવાજે કહ્યું, ‘ તમારામાંથી જે કોઈ વિરોધ કરશે, અને ઈજા પહોંચાડતા મને જરા પણ સંકોચ નહીં થાય!’

‘મિસ્ટર દિલીપ...!’ મનમોહન જીદ ભર્યા અવાજે બોલ્યો, આ દેશમાં કાયદો અને ન્યાય નામની પણ કોઈક ચીજ છે, એ વાત તમે ભૂલી જતા લાગો છો...! અમે તમારી સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવીશું!’

‘જરૂર...તમે તમારો આ શોખ પણ પૂરો કરી લેજો...! હું તમને ક્યાંય રોકવા માટે આડો નહીં આવું. પરંતુ અત્યારે એકે ય કોર્ટ ખુલ્લી નહીં હોય! અને કદાચ હશે તો પણ તમારી હાલત કોર્ટ સુધી પહોંચવા જેવી નહીં હોય...! અહીંથી બહાર નીકળીને તમે કોર્ટ જવાને બદલે ઓર્થોપેડીક હોસ્પિટલ તરફ જ દોડશો...! હું તમારા પાંચેયનાં હાડકાં-પાંસળી એક કરી નાખીશ એટલું તમે યાદ રાખજો...’

‘તો અમે તલાશીનું કામ પૂરું થયા પછી કોર્ટમાં જઈશું...’

‘એમ...?’ દિલીપે ઠાવકા અવાજે પૂછ્યું.

‘હા...’

‘જરૂર જજો...! ત્યાં સુધીમાં હું આજની તારીખનું સર્ચ વોરંટ મેળવી લઈશ!’ દિલીપ કટાક્ષભર્યા અવાજે બોલ્યો.

એની વાત સાંભળીને પાંચયના ચહેરાનો રંગ ઊડી ગયો.

પોતાના ખેલ ખતમ થઈ ગયો છે એવું તેમને લાગતું હતું.

હમણાં દિલીપ તલાશી લેશે...!

અને પછી લૂંટનો માલ અને રાજુના મૃતદેહની સાથે ઈજાગ્રસ્ત કંચન મળી આવશે.

અને પછી...?

પછી જેલના સળીયા અને ફાંસીનો ગાળીયો...!

પળભરમાં જ પાંચેયે આમ જ વિચારી લીધું.

‘ભીમસેન...!’ દિલીપ પોતાની સાથે આવેલા સબ-ઈન્સ્પેક્ટરને ઉદ્દેશીને બોલ્યો, ‘હું આ બંગલાની તલાશી લઉં છું. તું મારી રિવોલ્વર હાથમાં જ રાખ. અને જો આ પાંચેયમાંથી કોઈ કશી યે ચૂંચા કરે તો જરા પણ ગભરાયા વગર બેધડક ગોળી ઝીંકી દેશે...’

‘પણ...’ ભીમસેન એના હાથમાંથી રિવૉલ્વર લેતાં કંઈક કહેવાનો પ્રયાસ કર્યો.

‘આ મારી સર્વિસ રિવોલ્વર છે.’ દિલીપે વચ્ચેથી જ તેને અટકાવતાં કહ્યું, ‘આ રિવૉલ્વર વડે જો તું આમાંથી કોઈ નેય ગોળી ઝીંકી દઈશ તો એનો આરોપ મારા પર જ આવશે. કારણ કે રિવૉલ્વર મારી છે અને છૂટેલી ગોળી પરથી એ વાતે પુરવાર થઈ જશે. પરંતુ આ પાંચેય ખૂબ જ સજ્જન અને ખાનદાન છે એટલે ગોળીનો ગરમ સ્વાદ ચાખવો પડે એવું કોઈ કામ તેઓ નહીં જ કરે એની મને પૂરી ખાતરી છે.’

ભીમસેને ઈચ્છા ન હોવા છતાં પણ સહમિતસૂચક ઢબે માથું હલાવ્યું.

‘તમે પાંચેય કોઈ તીડીબાજી નહીં કરો એવી મને આશા છે!’ દિલીપ ભગત વિગેરે તરફ ફરીને બોલ્યો.

પાંચે ય મનોમન સમસમીનો રહી ગયા.

રિવોલ્વરની નળી સામે તેમનું કોઈ જોર ચાલે તેમ નહોતું.

દિલીપ લાંબા લાંબા ડગલાં ભરતો અંદરના ભાગમાં ચાલ્યો ગયો.

લગભગ પીસતાળીસ મિનિટ પછી એના ડ્રોઈંગરૂમ તરફ આવતાે એના પગલાનો અવાજ ગુંજી ઊઠ્યો.

પાંચેય શરીર પરસેવાથી તરબતર થઈ ગયા.

આંખોમાં નરી ઉજ્જડતા છવાઈ ગઈ હતી.

પગમાં જાણે કે તાકાત નહોતી રહી.

સામેના ભાગમાં લટકતો પડદો ખસેડીને દિલીપે ડ્રોઈંગરૂમમાં પગ મૂક્યો.

એના ચહેરા પર નિરાશાભરી ગંભીરતા છવાયેલી હતી.

એની આ હાલત પારખીને પાંચેયના ચરેહા પર રોનક ફરી વળી.

‘કંઈ મળ્યું સાહેબ...?’ ભીમસેન પ્રશ્નાર્થ નજરે દિલીપ સામે જોતાં પૂછ્યું.

‘બંગલાના ભોંયરામાં કંઈક હતું જરૂર! પરંતુ આ સજ્જનોએ એ વાંધાજનક ‘કંઈક’ ને આપણા આગમન પહેલાં જ ગુમ કરી દીધું છે.’ દિલીપે ક્રોધથી સળગતી નજરે ભગત સામે તાકી રહેતાં જવાબ આપ્યો.

ભોંયરાનું નામ સાંભળીને પાંચેયના હોંશ ઊડી ગયા.

ભોંયરામાં જ લૂંટનો માલ હતો..! રાજુનો મૃતદેહ હતો...! ગાંડી થઈ ગયેલી કંચન હતી...!

શું દિલીપને ત્યાંથી કંઈ જ નથી મળ્યું....?

જો દિલીપની વાત સાચી હોય તો લૂંટનો માલ ક્યાં ગુમ થઈ ગયો...?

રાજુનો મૃતદેહ અને કંચન ક્યાં ને કેવી રીતે ગુમ થઈ ગઈ?

શું કંચન રાજનો મૃતદેહ અને લૂંટના માલ સાથે નાસી છૂટી છે...?

આ બધા સવાલો હથોડીની માફક તેમના દિમાગમાં ઝીંકાતા હતા.

‘મિસ્ટર દિલીપ...!’ દિલીપને નિરાશ થયેલો જોઈ ને ભગત નીડર અવાજે બોલ્યો, ‘મેં તો તમને પહેલાં જ કહ્યું હતું કે અહીં કશું જ નથી...તમે નાહક જ આટલી તકલીફ લીધી.’

‘ના મિસ્ટર ભગત...’ દિલીપ નકારાત્મક ઢબે માથું હલાવીને મક્કમ અવાજે બોલ્યો, ‘તમારા આ બંગલાના ભોંયરામાં કંઈક તો જરૂર હતું જ...!’

‘એમ...?’

‘હા...’

‘આ વાત તમે આટલી ખાતરીથી ક્યા આધારે કહો છો...?’

‘આધાર તો ઘણા બધા છે!’

‘શું?’

‘ભોંયરામાં જામેલી ધૂળ પર પગલાંની તાજી છાપો છે! ત્યાં કોઈક સામાન પણ મૂકવામાં આવ્યો હતો. અને અત્યારે તમે જે બ્રાન્ડની સિગારેટ પીઓ છો, એ બ્રાન્ડની સિગારેટનાં ઠૂંઠાં પણ પડ્યાં છે.’

‘લે, કર વાત...! માળુ...આ તો ભારે કૌતુક કહેવાય...!’ ભગત ઠાવકા અવાજે બોલ્યો, ‘મિસ્ટર દિલીપ, આ બંગલો મારી માલિકીનો છે...એટલે એ નાતે હું અહીં ગમે ત્યાં જઈ શકું છું....મને મન થાય તો ભોંયરામાં જઉં....અને મન ન થાય તો અગાશીમાં પણ જઉ...! એમાં મને કોઈ જ અટકાવી શકે તેમ નથી. રહી વાત સિગારેટ પીવાની! તો મેં ભોંયરામાં સિગારેટ પીધી હોય તો એનાં ઠૂંઠાં તમને કંઈ બહાર સડક પરથી નથી મળવાના...! ભોંયરામાંથી જ મળશે! શું ભોંયરામાં સિગારેટ ફૂંકવી એવું કાયદાની એકે ય કલમમાં ક્યાંય લખ્યું છે ખરું...?’ વાત પૂરી કરીને ભગતે પોતાના પગમાં વ્હીસ્કી ભરીને પેગ મોંએ માંડ્યા પછી એક શ્વાસે તેને ખાલી કરી નાખ્યો.

‘ના...નથી લખ્યું...’

‘તો પછી...?’

‘તમે ભોંયરામાં શા માટે ગયા હતા એ હું જરૂર જાણવા માગું છું...!’ દિલીપે આગળ વધીને હાથના પંજા વડે તેના ગરદન પકડતાં કઠોર અવાજે કહ્યું.

‘હું ત્યાં મૃતદેહોનો ઢગલો ખસેડવા માટે ગયો હતો...! દાણચોરીનો કરોડો રૂપિયાનો માલ સગેવગે કરવા ગયો હતો...તમે પુરવાર કરી બતાવો...! અંધારામાં તીર છોડવાથી કંઈક લાભ નહીં થાય મિસ્ટર દિલીપ! હું લોકોમાંનો નથી કે જેઓ પોલીસની વર્દી જોઈને થરથરી ઊઠે છે...! મારું નામ રાધેશ્યામ ભગત છે....હું એક શરીફ અને સજ્જન નાગરિક છું. એટલે તમે મને આ રીતે ધમકીઓ ન આપો તો સારુ...!’

‘ઓહ...તો હવે માંકડને પણ આંખો આવી એમ ને...? મિસ્ટર ભગત, તમે ભોંયરામાં છૂપાયેલો માલ ગુમ થઈ ગયો છે! અને તમારી જાણ માટે...! હું તમને પૂછપરછ કરતો હતો, ત્યારે જ આ માલ ગુમ થયો છે! બંગલાનું પાછળના ભાગનું દ્વાર ઉઘાડું હતું અને પાછળના ફાટકની બહાર કોઈક કારના ટાયરનાં નિશાનો પણ છે. હું તમારી સાથે વાત કરતો હતો ત્યારે એ દરમિયાન તમારા જ કોઈ સાથીદારે માલ ત્યાંથી ખસેડ્યો છે!’

‘મિસ્ટર દિલીપ...! આ વાત મારે માટે ખૂબ જ આશ્વર્યજનક છે! બંગલાનું પાછળનું દ્વાર ઉઘાડું છે, એનો અર્થ એ થયો કે કોઈક ચોર અહીં આવ્યો હતો. એ ભોંયરામાં મેં છૂપાવીને રાખેલા બે લાખ રૂપિયા ચોીરને નાસી છૂટ્યો છે! ભગત ધીમા અવાજે બોલ્યો.

‘ભોંયરાનાં પગથિયાં પર કોઈક વસ્તુ ઘસડવામાં આવી હોય એવાં નિશાનો પણ છે!’

‘શું...?’

‘હા...કોઈક ઈજા પામેલી સ્ત્રીને ભોંયરામાં કેદ કરી રાખવામાં આવી હતી એવી મને શંકા છે!’

‘સ્ત્રી અને એ પણ ભોંયરામાં કેદ...?’

‘હા...’

‘આવી શંકા તમે ક્યા આધારે વ્યક્ત કરો છો મિસ્ટર દિલીપ..?’

ભોંયરાના બારણાંના હેન્ડલ પરથી મને ત્રણ-ચાર વાળ મળી આવ્યા છે. આ લાંબા વાળ કોઈક સ્ત્રીના જ છે એવું સ્પષ્ટ રીતે પુરવાર થઈ જાય છે!’

‘મિસ્ટર દિલીપ, હું ગર્લફ્રેન્ડને અવારનવાર ભોંયરામાં લઈ જઉં છું. એટલે એના વાળ બારણાના હેન્ડલ પર ચોંટી ગયા હોય એ સ્વાભાવિક જ છે!’

‘મિસ્ટર ભગત, તમે તમારી ગર્લફ્રેન્ડને તમારા બેડરૂમમાં લઈ જઈ શકો છો, ભોંયરામાં નહીં સમજ્યા...?’ દિલીપ રોષભર્યા અવાજે બોલ્યો, ‘મન મારો બિઝનેસ ન શીખવાડો!’ ખેર, તમે હજુ પણ મારી શંકાની પરિધિમાં જ છો એટલું યાદ રાખજો...’ વાત પૂરી કરીને એણે તેની ગરદન છોડી દીધી.

‘તમારો બિઝનેસ જ શંકા કરવાનો છે!’

‘મિસ્ટર ભગત...!’ દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, ‘કુલર્ણી અહીં આવ્યો હતો, એ વાત હું પુરવાર કરી શકું તેમ છું.’

‘એ અહીં આવ્યો જ નથી તો કેવી રીતે પુરવાર કરશો?’

‘તમારા બંગલાના ફાટકથી પોર્ચ સુધી લાલ માટી પાથરેલી છે. કુલકર્ણીના બૂટના તળીયામાં આ માટીના કણો ચોંટેલા છે આ સિવાય એની વર્દી પર દીવાલ પર લગાડેલા ડિસ્પમ્પરના, ગુલાબી રંગના નિશાન છે. આ રૂમની દીવાલ પણ ગુલાબી કલરના ડીસ્ટમ્પરથી રંગવામાં આવી છે. અર્થાત્ કુલકર્ણી અહીં આવ્યો. ત્યારે અજાણતાં જ એની વર્દી દીવાલ સાથે ઘસાઈ હતી. પરિણામે એની વર્દી પર દીવાલ પર લાગેલા ડીસ્ટમ્પરના ગુલાબી ડાઘ પડી ગયા.’ દિલીપે ભગતની આંખોમાં પોતાની આંખો પરોવતાં કહ્યું.

ભગતનું દિમાગ ચકરાવે ચડી ગયું.

દિલીપની બુદ્ધિને એણે મનોમન દાદ આપી.

‘મિસ્ટર દિલીપ...તમે નાહક જ આવા ભ્રમમાં રાચો છો....! શું આવડા મોટા વિશાળગઢમાં એક મારા બંગલાની દીવાલો જ ગુલાબી કલરના ડીસ્ટમ્પરથી રંગેલો છે...? ઉપરાંત કંપાઉન્ડમાં લાલ માટી પાથરેલી હોય, એવા ઓછામાં ઓછા બસો-પાચસો બંગલાઓ તમને જોવા મળી જશે!’

‘જરૂર...પરંતુ કુલકર્ણી અહીં આવવા માટે નીકળ્યો હતો...બીજે ક્યાંય જવા માટે નહીં.!’

‘તમારો સહકારી રસ્તામાં પોતાના કોઈક મિત્રને ત્યાં રોકાયો હોય, અને તેના એ મિત્રના બંગલામાં આ જાતની દીવાલ તથા માટી હોય એ બનવાજોગ છે.’

‘અત્યારે તમારી આ દલીલ મારે ગળે ઊતરે તેવી નથી તો પણ પરાણે ઊતારવી પડે છે.’

‘તો હવે તમે શું ઈચ્છો છો?’

‘મિસ્ટર ભગત, જો તમે વિશાળગઢની બહાર જવા માંગતા હો, તો મને તેની જાણ કર્યા પછી જ જજો.’

‘ભલે, બીજુ કંઈ...?’

‘ના...’

‘ઓ. કે...’

દિલીપ તથા ભીમસેન ચાલ્યા ગયા.

તેમના ગયા પછી કેટલીયે વાર સુધી રૂમમાં સન્નાટો છવાયેલો રહ્યો.

છેવટે પ્રતાપે આગળ વધીને બારણું બંધ કર્યું.

ભગત બંને હાથે પોતાનું માથું પકડીને બેસી ગયો હતો.

ભોંયરૂં તેમને માટે ફાંસીનો ગાળીયો બનવાને બદલે મુક્તિનું સર્ટિફિકેટ કેવી રીતે બની ગયું, તે એને કંઈ નહોતું સમજાતું.

બાકીના ચારેયને પણ આ જ સવાલ અકળાવતો હતો.

‘લૂંટનો માલ ભોંયરામાંથી ક્યાં ગુમ થઈ ગયો...?’ દીવાન ધીમા અવાજે બોલ્યો.

‘માલ ગયો જહાન્નમમાં...!’ મનમોહન ધૂંધવાતા અવાજે ક્હ્યું.

‘કેમ...?’

‘શું, કેમ...?’

‘તું જ બોલ ને...!’

‘અક્કલના બારદાનો...!’ મનમોહન પૂર્વવત્ અવાજે બોલ્યો, માલની સાથે સાથે રાજુનો મૃતદેહ અને કંચન ક્યાં ગુમ થઈ ગયા? અને આ બધું ક્યારે થયું?’

‘આપણો આવો મદદગાર કોણ ટપકી પડ્યો, એ મને નથી સમજાતું.’ સુરેશે રૂંધાતા અવાજે કહ્યું, ‘એક રીતે જે કંઈ થયું છે તે સારું જ થયું છે. આજે આપણે ફાંસીના માંચડે પહોંચતા પહોંચતા બચી ગયા છીએ.’

‘મને એક શંકા આવે છે.’ સહસા પ્રતાપ બોલ્યો.

‘શું?’

‘ક્યાંક આ કામ બોસનું તો નથીને?’

‘બોસની નજર આપણા પર હશે જ એ તો શંકા વગરની વાત છે...પરંતુ આ કામ બોસનું હોય એવું મને નથી લાગતું.’ સુરેશ બોલ્યો.

‘જેણે પણ આ કામ કર્યું છે, આપણે બચવાનો કોઈ ઉપાય નહોતો સૂઝતો, ત્યારે જ કર્યું છે.’ પ્રતાપ ઊંડો શ્વાસ લેતાં બોલ્યો, ‘પરંતુ તે કોણ છે, એ જાણવું આપણે માટે ખૂબ જ જરૂરી છે.’

‘જો આપણને ટૂંક સમયમાં જ તે કોણ છે એની ખબર નહીં પડે તો બોસના હાથેથી કૂતરાના મોતે મરવાનો વખત આવશે.’

‘મને તો ખરેખર જ કોઈક ચોર હોય એવું લાગે છે!’ મનમોહનના અવાજમાં શંકાનો સૂર હતો.

‘તારી અક્કલ ઘાસ ચરવા ગઈ છે?’ દિવાન ધૂંધવાતા અવાજે બોલ્યો, ‘ચોર ભોંયરામાંથી બેંકલૂંટનો માલ લઈ ગયો, એ વાત તો સમજાય તેવી છે. પરંતુ એ પોતાની સાથે કંચન અને રાજુના મૃતદેહને શા માટે લઈ ગયો? એ ધારત તો તે બંનેને અહીં જ પડતાં મૂકી શકે તેમ હતો.’

‘આ રીતે એ આપણને ખૂબ જ જોખમમાં પણ મૂકી શકે તેમ હતો.’ ‘ભગત ધીમેથી બોલ્યો, ‘આપણે રાજુના ખૂનના આરોપસર આરામથી પકડાઈ જઈ શકીએ તેમ હતા.’

‘ક્યાંક આ કામ કંચનનું તો નથી ને?’ મનમોહને ચમકીને કહ્યું.

‘ના...’ ભગત નકારાત્મક ઢબે માથું હલાવતાં બોલ્યો, ‘આ કામ કંચનની ગજા બહારનું હતુ.’

‘એ ગાંડપણનું નાટક કરતી હોય એવું ન બને?’ મનમોહને આંખો પટપટાવતાં પૂછ્યું.

‘મનમોહન, તું કદાચ દિલીપની વાત ભૂલી જતો લાગે છે. બારણા પરથી તેને કોઈક સ્ત્રીના વાળ મળી આવ્યા હતા. આ સ્ત્રી કંચન સિવાય બીજી કોઈ ન હોઈ શકે. એ કદાચ આઘાતથી બેભાન થઈ ગઈ હતી. એના બેભાન દેહને ઘસડીને બહાર લઈ જવામાં આવ્યો હશે. આ કારણસર જ ઘસડવાનાં નિશાનો અંકિત થઈ ગયાં છે.’

‘મારી મતિ તો એકદમ મુંઝાઈ ગઈ છે. બધા બનાવો એટલી ઝડપથી બન્યા છે કે...ઉફ...’ દિવાને પોતાનું માથું પકડી લીધું.

‘પરંતુ અત્યારે શું થઈ શકે તેમ છે?’ પ્રતાપ રૂક્ષ અવાજે બોલ્યો, ‘આપણે પાંચેય હવે ભયંકર જોખમ વચ્ચે ઘેરાઈ ગયા છીએ. લૂંટનો માલ ગુમ થઈ જવાને કારણે બોસ આપણો દુશ્મન બની જશે. દિલીપને પણ આપણા પર શંકા આવી ગઈ છે. એ આપણને ક્યાંય નહીં જંપવા દે! આપણા પર ત્રીજું જોખમ, જે માણસે અહીંથી લૂંટનો માલ, કંચન અને રાજુના મૃતદેહને ગુમ કરી દીધો છે. તેના તરફથી છે. આપણે ત્રણ-ત્રણ જોખમોથી ઘેરાયેલાં છીએ.’

‘જે કંઈ થયું, એમાં આપણો કોઈ વાંક નહોતો, કોઈક માણસ પહેલાંથી જ આપણી જ વાટ જોતો બેઠો હતો. આપણે બોસનું બધું જણાવી દઈએ, તો વધુ યોગ્ય રહેશે!’ દિવાને પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું.

‘એવી મૂર્ખાઈ ભૂલેચૂકે ય કરીશ નહીં....! નહીં તો આપણા મૃતદેહનો પણ ક્યાંયથી પત્તો નહીં લાગે! બોસ ક્યારેય, કોઈ પણ સંજોગોમાં આપણી વાત પર ભરોસો નહીં કરે!’ ભગત કઠોર અવાજે બોલ્યો.

‘તો હવે શું કરવાનું છે?’

‘ધાડપાડુઓને ઘેર ધાડ પાડીને નાસી છૂટ્યો છે, એ માણસને આપણે શોધી કાઢવાનો છે, એની પાસેથી માલ કબજે કરીને આપણે તેને હંમેશને માટે ઠેકાણે પાડી દેવાનો છે.’ ભગતે કહ્યું.

‘બરાબર છે...પરંતુ આ દરમિયાન જો બોસ લૂંટના માલ વિશે પૂછશે તો?’

‘બોસને હું દસ-બાર દિવસ માટે ઠેકાડી દઈશ...! પરંતુ આ દરમિયાન આપણે કોઈ પણ સંજોગોમાં માલ કબજે કરી લેવો પડશે.’

‘ભલે...આપણે આપણાથી બનતા તમામ પ્રયાસો કરી છૂટીશું.’ સુરેશે ઉત્સાહભર્યા અવાજે ક્હ્યું.

ચારે યે સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.

તેમની પાસે દસ-પંદર દિવસનો સમય હતો અને આ સમયગાળા દરમિયાન પોતે એ રહસ્યમય માનવીને શોધી કાઢશે એવી તેમને આશા હતી.

***