AKASH - 12 in Gujarati Detective stories by ધબકાર... books and stories PDF | આકાશ - ભાગ - ૧૨

Featured Books
Categories
Share

આકાશ - ભાગ - ૧૨

ખાસ નોંધ :-

આ વાર્તા ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલી એક કાલ્પનિક વાર્તા છે. એમાં પાત્રો, સ્થળ અને મિશન બધું જ કાલ્પનિક છે. આ વાર્તા દ્વારા અમે દેશના વીર જવાનોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એનો થોડો ચિતાર આપીને એક નાનકડી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે. અમારાથી કોઈ ભૂલ થાય તો અમારું ધ્યાન દોરીને અમારા આ પ્રયાસને યોગ્ય માર્ગે વાળવા વિનંતી.  

*****

આપણે અગિયારમાં ભાગમાં જોયું કે આકાશના જાંબાજોની તૈયારીઓએ આતંકીઓને વિચારવાનો એકપણ મોકો આપ્યો નહીં. જે રીતે પુલવામામાં આતંકીઓએ આપણા જવાનોને શહીદ કર્યા હતા બસ એમ જ આતંકીઓને મારવામાં આવી રહ્યા હતા. હજુપણ ટોપ મોસ્ટ આતંકીઓ બાકી છે. એ આતંકીઓનો અંત અને આકાશ ટીમ કઈ રીતે ભારત પાછી આવે છે. આ બધીજ રોમાંચકતા માણવા વાંચતા રહો આકાશ... 

*****

રાવતમાં ગોળીબાર અને હેનડગ્રેનેડથી થયેલા હુમલાથી બચવા થોડા આતંકીઓ એમ્બ્યુલન્સમાં બેસીને ઘટના સ્થળ છોડવા પ્રયત્ન કરે છે પણ કરણ યાદવે પહેલેથીજ એમાં explosive પ્લાન્ટ કરી રાખ્યા હોય છે જેના ધમકાથી એમાં બેઠેલા તમામ આતંકી માર્યા જાય છે. ઝેરની અસર વાળા આતંકીઓને લઈ જતી એમ્બ્યુલન્સ અને સાથે જઈ રહેલો સિક્યુરિટીનો કાફલો જેમાં થોડા હોંશમાં રહેલા આતંકીઓ પણ હોય છે એ આ અવાજ સાંભળે છે અને એમના હોશ ઉડી જાય છે. પાર્ટીના સ્થળ  રાવતથી તેઓ ૧૦ કિલોમીટર દૂર હતા છતાં આટલો મોટો અવાજ સાંભળીને એ લોકો એક્દમ ગભરાઈ જાય છે.

આર્યન, કરણ યાદવ અને ઇમરાન પણ આ અવાજ સાંભળે છે અને રાહતનો શ્વાસ લે છે. હુમલો એક્દમ સફળ રહ્યો એવો મેસેજ A-set ને મોકલે છે. આખરી ત્રણ તબક્કામાંથી પહેલો તબક્કો પૂર્ણ થતાંજ NSA અને આકાશની ટીમ ખુબજ ખુશ થાય છે. છતાં પણ હજુ મુશ્કેલ બે તબક્કા બાકી છે. મુખ્ય આતંકીઓનો સફાયો અને આકાશ ટીમ સહી સલામત ભારત પરત આવે. 

શાયોના ફરી એના આગળના કામમાં લાગી જાય છે. આતંકીઓને કોઈજ બેકીંગ સપોર્ટ ના મળે એના માટે એ વધુ સ્ટ્રોંગ રીતે જેમ એમ્બ્યુલન્સ અને આતંકી ગાડીઓ આગળ વધતી જતી હોય છે એમ એમના કમ્યુનિકેશન સિગ્નલ જામ કરતી જાય છે.

આ આખો કાફલો વિસ્ફોટનો અવાજ સાંભળીને જેવો રોકાય છે કે તરતજ એક બીજો અવાજ સંભળાય છે. સિક્યુરિટી ભરેલી આગળની ગાડીને ઇસ્લામાબાદ હાઇવે ઉપર સામેથી આવતી ટ્રકે અડફેટે લઈને ઉંધી કરી નાખી હોય છે અને ટ્રક આગળ નીકળી જાય છે. આ એક્સિડન્ટ એટલો ભયાનક હોય છે કે કાર બે - ત્રણ પલટી ખાઈને રસ્તાની સાઇડમાં ઝાડ જોડે મોટા ધડાકા સાથે અથડાય છે ને એમાં આગ લાગે છે.

આ જોઈ એમ્બ્યુલન્સની પાછળ આવતી કારનો સિક્યુરિટી સ્ટાફ અને આતંકીઓ ફટાફટ બહાર નિકળે છે અને સળગતી કારની નજીક જઈને એમાં બેઠેલા લોકોને બહાર કાઢવાની કોશિશ કરે છે. એ તકનો લાભ લઈને આર્યન રાજપૂત, કરણ યાદવ અને ઇમરાન એમ્બ્યુલન્સની પાછળ સંતાઈને એમની ઉપર હુમલો કરી દે છે. એક પછી એક બનતી ઘટના અને અણધાર્યા હુમલાથી એ લોકો રીતસર ડઘાઈ ગયા હોય છે. તરત જાતને સાંભળીને એ લોકો વળતો ગોળીબાર ચાલુ કરી દે છે પણ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હોય છે. 

વિસ્ફોટ થયેલી કારમાં કોઈના બચવાની ઉમ્મીદ નથી હોતી અને આ લોકો પણ ટપોટપ કરીને એક પછી એક મરવા લાગે છે. અને ત્યારે ક્યાંકથી અચાનક એક આતંકી આર્યન પર પાછળથી હુમલો કરે છે. જાન બચાવવાની કોશિશમાં એના હાથમાંથી હથિયાર પડી ગયા હોય છે પણ એ આર્યન ફરતે બે હાથથી એક દમ મજબૂત ગાળિયો બનાવે છે, એમાં આર્યનના હાથમાંથી ગન નીચે પડી જાય છે. કરણ અને ઇમરાન આ જોઇને આર્યનને બચાવવા દોડે છે પણ આર્યન એમને ઇશારાથી જ ત્યાં રોકી દે છે. 

ફક્ત થોડી જ ક્ષણો ચાલેલી આ દિલધડક ફાઇટમાં બંને જણ ઘાયલ થાય છે પણ જાંબાઝ આર્યન સામે આતંકી બહુ ટકી નથી શકતો અને ડોક ઉપરના જોરદાર પ્રહારથી મૃત્યુ પામે છે.

એના મરતા જ આર્યનના મોઢામાંથી ગુસ્સા સાથે નીકળી જાય છે, 

" जन्नत की हूर देखने की ख्वाइश थी, 
भेज दिया नापाक कमीनो को हूर के पास.."

અને તરત જ આર્યન અને ટીમ ત્યાંથી એમ્બ્યુલન્સ લઈને આગળ નીકળી જાય છે. ફક્ત થોડો સમય ચાલેલા આ હાઇ પ્રોફાઈલ ડ્રામા પત્યા પછી ધીમે ધીમે ઇસ્લામાબાદ હાઇવે ઉપર ટ્રાફિક જામ થઇ જાય છે. શાયોનાએ નેટવર્ક જામ કર્યું હોવાથી બધાજ ફોન નકામા બની જાય છે. 

આર્યન અને ટીમ ત્યાંથી બીજા ૧૦ કિલોમીટર આગળ વધી એક ખુલ્લા મેદાનમાં બધીજ એમ્બ્યુલન્સ લઈ જાય છે અને એમાં આતંકીઓને લોક કરીને પહેલેથી તૈયાર રાખેલી ગાડીમાં ગુંડા સાથીદારોને બેસાડી આગળ જવા નીકળી જાય છે. એ બંધ બોડીની ગાડીમાં બેસતા જ એ ગુંડાઓ રાહતનો દમ લે છે અને આ કયો ખેલ હતો એ વિશે પૂછપરછ કરે છે. કરણ બહુ સિફતતાથી આખી વાત ને બીજો વળાંક આપી દે છે અને એમને કામના ડબલ પૈસા અને સાથે સેલિબ્રેટ કરવા શરાબ આપે છે. આટલા બધા પૈસા અને મોંઘામાનો શરાબ જોઈને ગુંડાઓ લાલચમાં આવી જાય છે. આ શરાબમાં બેભાન થાય એવી દવા પહેલેથી કરણ યાદવે ભેળવી દીધી હોય છે એટલે જેવો શરાબ પીવે છે થોડી વારમાં બધા ગુંડાઓ બેભાન થઈ જાય છે. આર્યન, કરણ અને ઇમરાન ઈસ્લામાબાદથી થોડે દૂર એમને એક અવાવરુ જગ્યાએ ગાડી સાથે મૂકી બીજી ગાડીમાં ઇસ્લામાબાદ જવા આગળ વધે છે. 

A-set દ્વારા NSA ને આ મેસેજ પાસ કરે છે અને પ્લાનમાં આગળ વધવાનું સિગ્નલ આપે છે. અને આર્યન, કરણ અને ઇમરાન બધાં ઇસ્લામાબાદ આગળના પ્લાનમાં શામેલ થવા પહોંચી જાય છે. 

ઇસ્લામાબાદ... 

અત્યાર સુધી બધું પ્લાન મુજબ બરાબર ચાલતું હોય છે. હવે એક્શન લેવાનો વારો એહમદ ખાન અને શાયોનાનો હતો. હવે જે ઘટના બનવાની હતી એની ઉપર આખી દુનિયાની નજર જવાની હતી. આ દિવસ પાકિસ્તાનના ઇતિહાસમાં કાળી શાહીથી લખવાનો હતો. એક કાંકરે બહુ બધા પક્ષી મારવાના હતા. દૂતાવાસમાં રહેલા ગદ્દારને મારવાનો અને એ પણ પોતાની ઉપર શક ના પડે એમ, પાકિસ્તાનમાંથી સહી સલામત નીકળવાની વ્યવસ્થા કરવાની અને પાકિસ્તાનને દુનિયાની સામે બદનામ કરવાનું.

શનિવારની રજામાં શાયોનાએ એક મોટું કામ પતાવી દીધું હતું અને એ હતું દૂતાવાસના રેકોર્ડ બદલવાનું. ઇમરાનને હવે પાકિસ્તાનમાં રાખવાથી એની જાન ઉપર જોખમ થઈ શકે એમ હતું એટલે એણે આર્યન, કરણ અને ઇમરાન ત્રણેય ને દૂતાવાસના કર્મચારી બતાવી દીધા અને એને લગતા ડોક્યુમેન્ટ પણ RAW એ એમને પહોંચતા કરી દીધા. એ મુજબ એ ત્રણેય કાયદેસર ભારતીય દૂતાવાસના કર્મચારી હતા. 

આજ સમય ગાળામાં એહમદ પોતાની ઓળખ બદલીને એક આતંકી ગૃપને મળ્યો હતો. આ મીટિંગ ગોઠવવી ખૂબ જ મુશ્કેલ કામ હતું પણ એના માટે NSA ચીફ મનજીત સિંહે એમના પૂરા કોન્ટેક્ટ વાપર્યા હતા. એહમદે આ આતંકી જોડે મસલત કરી અને એમને ભારત વિરૃદ્ધ બરાબરના ઉશ્કેરીને રૂપિયા આપી કામ માટે રાજી કરી લીધા. આ કામ હતું દૂતાવાસના કર્મચારીઓના ક્વાર્ટર્સ ઉપર ગોળીબાર કરવાનો. આમાં કોઈની પણ જાન જવાનું જોખમ હતું એટલે એ સમયે એહમદે ક્વાર્ટર્સની પાછળ આવેલા એક ગ્રાઉન્ડમાં ગેટ ટુ ગેધર રાખ્યું હતું. જેથી એ સમયે કોઈ હાજર ના હોય અને જાનનું નુકશાન ન થાય. આ કામ કરાવવાનો આશય ફક્ત અફડાતફડીનો માહોલ ઉભો કરવાનો હતો જેથી બધાને ભારત પાછા ફરવામાં આસાની રહે.

હવે શાયોના અને એહમદના પ્લાનને અમલમાં મૂકવાનો સમય થઈ ગયો હતો. એહમદ અને શાયોના એટલે કે અર્જુન સિંઘલ અને સ્મિતા સિંઘલના વેલકમ માટે ગેટ ટુ ગેધરની પાર્ટી ચાલુ થઈ ગઈ હોય છે.  પ્લાન મુજબ એહમદ પાર્ટીની વચ્ચે વિક્રમ આહુજાને વાત કરવા માટે અલગ લઈ જાય છે અને આતંકીઓએ સિગ્નલ મોકલી દે છે. જેવા એહમદના સિગ્નલ મળે છે એવાં આતંકીઓ સામેના બિલ્ડિંગમાંથી દૂતાવાસના ક્વાર્ટરર્સ ઉપર ગોળીબાર ચાલુ કરી દિધો. 

આ સાંભળીને પાર્ટીમાં ભેગા થયેલા લોકો ગભરાઈ જાય છે પણ શાયોના ત્યાં પરિસ્થિતિ સંભાળી લે છે. બીજી બાજુ એહમદ, વિક્રમને ગોળી મારી દે છે અને વિક્રમ ત્યાને ત્યાં જ મરી જાય છે. થોડી વાર પછી જ્યારે ગોળીબાર બંધ થાય છે ત્યારે એહમદ આતંકીઓની ગોળીથી વિક્રમ મરાયો એની જાહેરાત કરે છે. અને એ જ અરસામાં શાયોના પોતાના ખાસ રૂમમાં જઈને બધા બોમ્બ લેપટોપથી કમાન્ડ આપી એક્ટિવેટ કરી દે છે અને એનું લેપટોપ ત્યાજ છોડીને ફટાફટ બહાર નીકળી લોકો જોડે ભળી જાય છે. થોડી જ વારમાં પહેલા દૂતાવાસમાં, ક્વાર્ટર્સના ક્લબ હાઉસમાં અને છેલ્લે શાયોનાના રૂમમાં બોમ્બ બ્લાસ્ટ થાય છે. આ છેલ્લા બ્લાસ્ટ સાથે આ મિશનને લગતા બધાજ નિશાનો પણ નાશ પામે છે. ક્વાર્ટર્સના કલબ હાઉસમાં પહેલા ગોળીબાર અને બ્લાસ્ટ થવાથી બધા કર્મચારીઓ ગભરાઈ જાય છે અને ત્યાં તો એમને દૂતાવાસમાં પણ બોમ્બ બ્લાસ્ટ થવાના ન્યૂઝ મળે છે. 

ક્વાર્ટર્સની બહાર પણ અફડાતફડી મચી ગઇ હોય છે. આર્યન, કરણ અને ઇમરાન કે જે ઇસ્લામાબાદ પહોંચી ગયા હોય છે તેઓ આ અફડતફડીમાં અંદર ઘુસી જાય છે અને બધા કર્મીઓ સાથે ભળી જાય છે. આ અણધાર્યા હુમલાથી પાકિસ્તાની ન્યૂઝ ચેનલો ત્યાંનું કવરેજ કરવા પહોંચી જાય છે. સાથે પાકિસ્તાની સરકાર પણ ભારતીય કર્મચારીઓને બચાવવાના કામમાં લાગી જાય છે. 

*****

ઈસ્લામાબાદ હાઇવે ઉપર ટ્રાફિક જામ થતાં ત્યાં સ્થાનિક પોલિસ પહોંચી જાય છે અને મરેલા આતંકીઓને ખસેડવાના કામમાં લાગી જાય છે. એમાં એક જીવતો રહી ગયેલો આતંકી પાકિસ્તાની પોલિસને રાવતની ઘટના અને અહીં બનેલી ઘટના કહે છે અને સાથે એ પણ કહે છે કે અબ્દુલ ઝફર, સરફરાઝ હુસેન, ઝાફર ખાન અને મનસૂર એઝાઝ એમના કબ્જામાં છે. 

આ સમાચાર સાંભળી પોલીસના હોશ ઉડી જાય છે અને તે પાકિસ્તાન સરકારને આ વાતની જાણ કરે છે. પાકિસ્તાન સરકાર એક તરફ ભારતીય દૂતાવાસ ઉપર થયેલો હુમલો અને બીજી તરફ પોતાના ટોપ મોસ્ટ આતંકીઓ ગાયબ થવાની વાત સાંભળી હેબતાઈ જાય છે. 

એક તરફ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ભારત પાકિસ્તાનને ભારતના દૂતાવાસની સિક્યોરિટીમાં ચૂક કરી એ મામલે ઘેરશે અને બીજી તરફ ટોપ મોસ્ટ આતંકીઓ ગાયબ થયા એ વાત પણ નાપાક માટે ઝટકા સમાન હતી. 

ચારે તરફ ન્યૂઝ ચેનલોમાં ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસ ઉપર હુમલો અને આતંકીઓ દ્વારા ભારતીય દૂતાવાસના કર્મીનું મોત થયું એ સમાચાર પ્રસારિત થઈ રહ્યા હતા. સત્તાવાર રીતે સમાચાર મળે એની રાહ જોઈને બેઠેલી ભારત સરકાર પાકિસ્તાન ઉપર આક્ષેપબાજી કરીને દબાણ ઉભુ કરે છે. અને એ સાથે જ પાકિસ્તાન બધા ભારતીય કર્મીઓને સુરક્ષિત સ્થળે ખસેડવના કામે લાગી જાય છે.

બીજી તરફ પાકિસ્તાની સરકારે અબ્દુલ ઝફર, સરફરાઝ હુસેન, ઝાફર ખાન અને મનસૂર એઝાઝ ને શોધવા માટે આર્મીની ટીમ અને હેલીકોપ્ટરોને રાવત ઇસ્લામાબાદ હાઇવે ઉપર કામે લગાડી દીધા. 

અંતિમ અપડેટ A-set ને આપી AKASH ની ટીમ પોતાની પાસે રહેલા સિગ્નલ ગેજેટનો નાશ કરે છે. 


*****

ટોપ મોસ્ટ આતંકીઓનું શું થશે? 
AKASH ની ટીમ સલામત ભારત પરત ફરશે?
આર્યન અને શાયોના એકબીજા સાથે લાગણીઓ વહેચશે? 

આ બધાજ સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો AKASH. ફરી એકવાર જલ્દી મળશું આ AKASH ની સફરમાં ત્યાં સુધી પ્રતિભાવો આપતા રહો. 

*****

આ વાર્તા અમારો સહિયારો લખવાનો પ્રથમ પ્રયાસ છે. આ પહેલાં માતૃભારતી ઉપર અમારી સફળ વાર્તાઓ "અનંત દિશા" ભાગ ૧ -૨૧ (રોહિત પ્રજાપતિ) અને "પ્રેમની પેલે પાર..."  (શેફાલી શાહ અને સખી) છે એને વાંચી અને પ્રતિભાવો જરૂરથી આપશો.  

જય જિનેન્દ્ર
શેફાલી શાહ

આ વાર્તા AKASH ની PDF કોપી ફ્રીમાં મેળવવા કોન્ટેક્ટ કરી શકો છો.

Whatsapp (Rohit Prajapati) :- 8320610092
Face book :- #sweetbeatfrdzzzzz (Sweet Beat Frdzzzzz)
Insta :- rohit_jsrk

સદા ખુશ રહો... 
સદા જીવંત રહો... 
સદા સંબંધો મહેકાવતા રહો... 
જય શ્રી કૃષ્ણ...

રોહિત પ્રજાપતિ

©Rohit Prajapati & Shefali Shah

જય શ્રી કૃષ્ણ... જય જીનેન્દ્ર...