શું કહું તારા વિશે? જેટલું પણ કહીશ એ ઓછું છે. તારા વિશે લખવા માટે મારો શબ્દકોશ પણ ઓછો પડશે છતાં એક નાનો પ્રયાસ જરૂર કરવા માંગીશ. તારા વિશે વિચારવું, વાતો કરવી એ મારા માટે સુખનું કારણ છે તો આ સુખને આજે શબ્દોમાં ઢાળીને એક રચનામાં પરિવર્તિત કરવું છે.
તને જોતા જ માનમાં ઘણા વિચાર આવે છે પણ સૌથી પહેલા ફક્ત એક જ વિચાર આવે છે અને એ વિચાર હોય છે મારા કૃષ્ણનો. મારા કૃષ્ણ, એમને મારા એટલા માટે1 કહું છુ કારણ કે એ ભલે આખા જગતના હોય કે આખું જગત એમણું હોય પણ હું મારી નજરે મારા કૃષ્ણને જોઉં છું તો એ ફક્ત અને ફક્ત મારા છે.
એમ તો કૃષ્ણના જીવનમાં ઘણી સ્ત્રીઓ આવી પણ એમણા જીવનમા આવેલ યે ત્રણ મુખ્ય સ્ત્રીઓ જેમણે એમણા જીવનમા મુખ્ય ભૂમિકા ભજવી અને અજાણતા જ પોતાનુ બધું કૃષ્ણને અર્પણ કરી દીધું અને બસ કૃષ્ણના સહારે જીવન વ્યતિત કરી દીધું. આ ત્રણ સંબંધ કૃષ્ણના જીવનના મુખ્ય સંબંધ બની રહ્યા, એમાંથી પહેલા રુક્મિણી, પછી રાધા અને પછી દ્રૌપદી. આ ત્રણેય સ્ત્રીઓએ કઇ પણ મેળવવાની આશા વીના ફક્ત આપ્યું હતું.
આ ત્રણેયમાં એક કૃષ્ણની પત્ની હતી, બીજી એમણી પ્રિયેસી અને ત્રીજી એમણી સખી. આ ત્રણેયના જીવનનું કેન્દ્ર ફક્ત કૃષ્ણ જ હતા અને પોતાના જીવનનું બધું સુખ એણે જ આપ્યું છે એવી જ રીતે તે આ ત્રણેય સંબંધ તે મને આપ્યા છે. હું તારી સખી પણ છું, પ્રિયેસી પણ છું અને પત્ની, કદાચ બની શકું. કદાચ શબ્દોનો ઉપયોગ એટલા માટે કર્યો કારણ કે તું આ જીવનમાં ફક્ત મારો થઇને રહી નહી શકે અને હું તને બાંધીને રાખવા નથી માંગતી.
કૃષ્ણને પણ કોણ બાંધી શક્યું હતું. એવું નથી કે તારી સરખામણી કૃષ્ણ સાથે કરું છું પણ તું મારી માટે કૃષ્ણ કરતા ઓછો પણ નથી. કૃષ્ણનું સ્થાન મારા જીવનમાં અતુલ્ય છે પણ તારા વિના હું અધુરી છું અને કદાચ અધુરી જ રહેવા માંગુ છું. મારા જીવનનો આધાર તું છે અને તારા જ સહારે જીવન ગાળવાની ઇચ્છા છે.
જેવી રીતે રાધાએ કૃષ્ણને અનન્ય પ્રેમ કર્યો, પુરા સમર્પણ સાથે કૃષ્ણની બની ગઇ અને કૃષ્ણમય થઇ ગઇ. પત્ની બીજાની હોવા છતાં કૃષ્ણને કોઈ પણ હદ વિના પ્રેમ કર્યો અને હંમેશા કરતી રહી. એટલે જ કદાચ જીવનનો ત્યાગ કરતા પહેલા કૃષ્ણએ પણ એની અનુમતિ માંગવી પડી હતી અને રાધાએ ફરીથી એટલી જ સરળતાથી અનુમતિ આપી દીધી જેવી રીતે પહેલા આપી હતી, ગોકુળ છોડતી વખતે. રાધાને ખબર હતી કે હવે ફરીથી કૃષ્ણ સાથે મિલન શક્ય નહી થાય છતા કોઈ પણ આશા વિના કૃષ્ણને ફક્ત આપતી રહી એવી જ રીતે અનુમતિ પણ આપી જ દીધી. એવી રીતે મારામાં હિંમત નથી કે તને મારાથી દુર જવાની અનુમતિ આપી દઉં પણ ક્યારેક તો અનુમતિ1 આપવી જ પડશે. પણ એ વાતની ખુશી છે કે તારા માટે હું રાધા બની શકી.
જેવી રીતે રુક્મિણીએ ફક્ત એક પત્રના સહારે પોતાનું સંપુર્ણ જીવન કૃષ્ણને અર્પણ કરી દીધું. એવી જ રીતે એક આશાના સહારે મારું જીવન પણ તને અર્પણ છે. જાણું છું આપણું મિલન શક્ય નથી છતાંય આ જીવનમાં નહી તો બીજા કોઈ જીવનમાં શક્ય બને. ફરીયાદ નથી બસ એક આશા છે આ જીવનથી અને બસ એને પુરી કરવા માટે ઝંખુ છું.
રુક્મિણીએ ક્યારેય કૃષ્ણને જોયા નહોતા છતાંય એક પત્ર લખી દીધો કે તમને મે મનથી પતિ માન્યા છે અને તમારા સિવાય બીજા કોઈ પણ સાથે લગ્ન કરવા નથી માંગતી. એણે તો એ પણ નહોતી ખબર કે કૃષ્ણ એમને લેવા આવશે કે નહી. બસ એક વિશ્વાસ સાથે એમણે પત્ર લખ્યો હતો અને એવો જ વિશ્વાસ તારા પર છે. તું ભલે મારો ના થઇ શકે પણ એક વિશ્વાસ સાથે હું તારી થઇ ગઇ.
જેવી રીતે દ્રૌપદી એ પણ કૃષ્ણમાં અનન્ય વિશ્વાસ હતો. જ્યારે કોઇએ પણ એનો સાથ ના આપ્યો ત્યારે કૃષ્ણ જ એણે સહાય કરવા માટે તૈયાર હતાં, ક્યારેય એનો સાથ ના છોડ્યો. દ્રૌપદી આમ તો કૃષ્ણની સખી હતી પણ એ કૃષ્ણને અનન્ય પ્રેમ કરતી હતી એટલે જ બધું અર્પણ કરવાની શક્તિ પણ હતી કદાચ અને હકથી માંગી લેવાની હિંમત પણ.
એવી જ રીતે તારી પાસે હકથી માંગી શકું એવું કઇ નથી. તે મને બધું જ આપ્યું છે છતાંય વધારે પામવાની ઇચ્છા છે.
બીજુ કઇ નહીં મને ફક્ત તારો સમય જોઈએ છે. હું તારી માટે આ ત્રણેય બનવા તૈયાર છું. તારે ફક્ત મારા માટે કૃષ્ણ બનવાની જરૂર છે.
- કિંજલ પટેલ (કિરા)