Hashtag love - 21 in Gujarati Fiction Stories by Nirav Patel SHYAM books and stories PDF | હેશટેગ લવ - ભાગ - ૨૧

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

હેશટેગ લવ - ભાગ - ૨૧

"હેશટેગ લવ" ભાગ- ૨૧

મારા ખભે મુકાયેલો એ હાથ મેઘનાનો હતો. મેં એકદમ પાછળ વળી ને જોયું. તો મેઘના અને શોભના ઊભા હતાં. મેઘનાએ મને કહ્યું :

"કેમ હજુ બગીચામાંથી મન ભરાયું નથી ? મને તો એમ હતું કે તું આવી જઈશ પણ તું ના આવી એટલે મને સમજાઈ ગયું કે તું બગીચામાં જ હોઈશ. એટલે અમે તને શોધવા માટે અહીંયા જ આવી ગયા."
અજય જેવી દેખાતી વ્યક્તિ અજય જ છે એ જોવા માટે મારે બગીચામાં જવું હતું. પણ શોભના અને મેઘના આવી ગયા હોવાના કારણે હું અંદર પાછી ના જઈ શકી, પણ મનમાં હવે અજય વિશે એક શંકા ઘર કરી ગઈ. શોભના અને મેઘના સાથે પાછું બગીચામાં જવું કે નહીં એ દુવિધા હતી. જો એમની પાસે જઈશ અને અજય જ હશે તો તકલીફ મને થશે. માટે પાછું જવાના બદલે સીધું હોસ્ટેલ પર જ જવાનું વિચારી લીધું. 
બગીચા પાસેથી જ રિક્ષામાં અમે ત્રણ હોસ્ટેલ પહોંચ્યા. રાત્રે બગીચામાં ઘટેલી ઘટનાનાં જ વિચારોમાં મન ચકરાવે ચઢ્યું. કઈ સમજાઈ રહ્યું નહોતું. "અજયે તો મને મુંબઈની બહાર જવાનું કહ્યું હતું. તો પછી એનું સ્કૂટર બગીચાની બહાર કેવી રીતે આવ્યું ? શું પેલા બાળકને ઝુલો ઝુલાવતી વ્યક્તિ અજય જ હશે ? જો એ અજય જ હોય તો એની બાજુમાં આવીને ઉભેલી એ સ્ત્રી કોણ હતી ?" આ બધા પ્રશ્નો મને મૂંઝવી રહ્યાં હતાં. જેના કારણે ઊંઘ પણ આવતી નહોતી. પડખા બદલી બદલી ને એજ વિચારતી રહી કે "હવે હું શું કરીશ ? કેવી રીતે જાણીશ ?" કઈ સમજાતું નહોતું. જેમ તેમ કરી સુવાનો પ્રયત્ન કર્યો. ઊંઘ પણ આવી ગઈ.
સવારે ઉઠી મેઘનાએ સાંજે મોલમાં જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. બહાર નીકળે આમ પણ ઘણો સમય થઈ ગયો હતો. સુસ્મિતાના અવસાન બાદ ક્યાંય બહાર જવાનું મન જ નહોતું થયું. શોભનાએ પણ જવા માટે તૈયારી બતાવી. મારુ જવાનું મન નહોતું. પણ ગઈકાલે બનેલી ઘટનાના કારણે મગજમાં આડા અવળા વિચારો ચાલી રહ્યાં હતાં. માટે એ લોકો સાથે જઈ મન હળવું કરવાનું વિચાર્યું.
બપોરે જમી થોડીવાર આરામ કર્યો. પછી મોલ જવા માટે તૈયાર થયા. સીટી બસમાં મોલ પહોંચ્યા. ખરીદી ખાસ નહોતી કરવાની પણ ખરીદીના બહાને થોડું ફરી લેવાય એ બહાને જ નીકળ્યા હતાં. શોભના અને મેઘના મોલની વસ્તુઓને જોઈ રહ્યાં હતાં. અને હું એમની પાછળ ચાલી રહી હતી. મારે કઈ લેવું નહોતું. છતાં મેઘના મને કેટલીક વસ્તુઓ બતાવી રહી હતી. હું હસીને એ વસ્તુ હાથમાં પકડતી અને પછી એની જગ્યાએ પાછી મૂકતી. બે કલાક જેવું મોલમાં ફર્યા. ગઈકાલની ઘટના હજુ મનમાં સળવળતી હતી. છતાં મેઘના અને શોભના સાથે હોવાના કારણે ધ્યાન એમનામાં રહેતું. અને ગઇકાલની વાત વિચારોની બહાર નીકળી જતી હતી. 
થોડી ખરીદી કરી મોલની બહાર નીકળ્યા. બહાર એક બેન્ચ ઉપર અમે ત્રણ બેઠા. મોલમાં બે કલાક ફર્યા હતાં. જેના કારણે થોડો થાક પણ લાગ્યો હતો. બેન્ચ ઉપર બેઠા બેઠા આજુબાજુનો નજારો જોવા લાગ્યા. મેઘનાએ થોડે દૂર એક વ્યક્તિને જોઈને શોભનાને કહ્યું :
"શોભના !!! જો પેલો અરુણ."
શોભનાએ એ તરફ જોયું અને કહ્યું : "હા, એજ છે."
હું અજયના વિચારોમાં ખોવાયેલી હતી. મેં એમના તરફ કોઈ ધ્યાન ના આપ્યું. પણ શોભના થોડા ગુસ્સા ભર્યા સ્વરે બોલી રહી હતી ;
"સાલો, નલાયક. નવી કોઈને ફસાવી હશે. આપણી પાસે તો કઈ ના વળ્યું. પોતાના સારા દેખાવનો ફાયદો ઉઠાવી સારી છોકરીઓને ફસાવે છે અને પછી પોતાની જરૂરિયાત પૂરી કરી છોડી દે છે."
મેઘનાએ શોભનાના ગુસ્સા ઉપર હસી ને કહ્યું : "મને લાગે છે કે એ એની વાઈફ છે, જો સાથે કોઈ બાળક પણ છે."
"આવા લોકો તો પરણેલી સ્ત્રીઓને પણ ફસાવી લે. કોને ખબર કોણ હશે ? જવા દે. આપણે શું ?"
શોભનાએ મેઘનાને કહ્યું.
હું ચુપચાપ એ લોકોની વાતો સાંભળી રહી હતી. એ જેની વાત કરતાં હતાં એને મેં હજુ જોયો નહોતો. પણ મારાથી રહેવાયું નહિ. મારે જાણીને કોઈ કામ નહોતું છતાં મને પૂછવાની ઈચ્છા થઈ.
"કોની વાત કરો છો તમે ?"
મેઘનાએ થોડે દૂર આઈસ્ક્રીમના કાઉન્ટર પાસે ઉભેલા એક વ્યક્તિ તરફ ઈશારો કરતાં મને કહ્યું :
"જો સામે પેલો ઉભો છે એની."
મેં પાછું વળીને જોયું તો ત્યાં અજય ઉભેલો દેખાયો. અને હું ચોંકી ગઈ. એની નજર મારા તરફ નહોતી. પણ મેઘના કોની વાત કરે છે એ સ્પષ્ટ ના થયું. કારણ કે ત્યાં બીજા લોકો પણ ઊભા હતાં. મારા મનમાં પ્રશ્નો વધુ ઉદ્દભવ્યા. મેઘનાએ તો અરુણનું નામ લીધું હતું. અને ત્યાં અજય દેખાયો. મેં વધુ સ્પષ્ટતા કરવા માટે મેઘનાને પૂછ્યું :
"ત્યાં તો ઘણાં બધાં ઊભાં છે, તું કોની વાત કરે છે ?"
મેઘનાએ વધુ ફોડ પાડતાં કહ્યું : "જો સામે પેલો ચેકસ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરીને ઊભો છે એ." 
મેઘનાના જવાબથી હું હસચમચી ઉઠી. કારણ કે એને જે વ્યક્તિની વાત કરી એ અજય જ હતો. મને શું કરું એ સમજાઈ રહ્યું નહોતું. "શું અજયે મને છેતરી છે ? મેઘના એ તો એનું નામ પણ અરુણ કહ્યું. શું એક જેવી દેખાતી બે વ્યક્તિ હશે ?" આ બધા સવાલોના જવાબ ક્યાંથી શોધું એ જ સમજાઈ રહ્યું નહોતું. આ ક્ષણે તો એમ પણ થયું કે સામે ઉભેલા અજયને જઈને જ હકીકત શું છે એ જાણી લઉં. પણ શોભના અને મેઘના સાથે હતાં. એટલે હમણાં કઈ કરવું યોગ્ય નહોતું. મારી જાત ઉપર થોડો કાબુ કરીને એ જેણે અરુણ કહેતી હતી અને હું જેને અજય માનતી હતી એના વિશે વધુ પૂછવાનું નક્કી કર્યું. મેઘનાને પૂછ્યું :
"તમેં બન્ને કેમના એને ઓળખો છો ?"
મેઘનાએ જ જવાબ આપ્યો.
"આ છોકરો પહેલાં અમારી પાછળ પડ્યો હતો. પહેલા શોભના ઉપર ટ્રાય કર્યો. પણ એ હાથમાં ના આવી એટલે મારી પાછળ પડ્યો. મને તો એને પોતાનું નામ પણ સાહિલ કહ્યું હતું. હું પણ એની ચાલમાં ફસાઈ જ જતી. પણ એક દિવસ શોભનાએ અને સુસ્મિતાએ મને એની સાથે જોઈ લીધી. અને સુસ્મિતાએ એની બધી હકીકત મારી સામે લાવી આપી. એટલે હું બચી ગઈ."
મેઘનાની વાતો દ્વારા મને સમજાયું કે હું પણ એના ચૂંગલમાં ફસાઈ ચુકી હતી. પણ હજુ મારે એના વિશે જાણવું હતું. જાણવા માટે મેં મેઘનાને પૂછ્યું :
"સુસ્મિતા એ તને બચાવી ? એ પણ આના વિશે જાણે છે ?"
"હા, સુસ્મિતા એની કૉલેજમાં ભણતાં એક છોકરાને પ્રેમ કરતી હતી. તેનું નામ વિવેક હતું. વિવેક અને આ અરુણ બન્ને મિત્રો હતાં. હું શોભના અને મેઘના જ્યારે ક્યાંક ફરવા જઈએ ત્યારે વિવેક અને અરુણ પણ ત્યાં આવતા. એ બંને અમારી પાસે તો ક્યારેય નથી આવ્યા. પણ સુસ્મિતા કોઈ બહાને દૂર જઈ ને વિવેક ને મળી આવતી. ત્યાં જ અરુણની નજર અમારાં ઉપર પડી હતી. પહેલાં એને શોભના પાછળ પડવાનું વિચાર્યું. થોડા દિવસ એનો પીછો કરતો રહ્યો. પણ શોભનાને તું ઓળખે જ છે. એ આ બધામાં પડે જ નહી. એને અરુણની કોઈ બાબત ઉપર ધ્યાન જ ના આપ્યું. પણ શોભનાને શક તો થઈ જ ગયો હતો કે એ મારી પાછળ પડ્યો છે. શોભના પાછળ મહેનત કરવા છતાં કઈ ના વળ્યું એટલે એને મારા ઉપર ટ્રાય કરવાનો શરૂ કર્યો. જૂહુ બીચ ઉપર જ અમે બેઠા હતાં. ત્યાં એ મારી સાથે ટકરાયો. અને ત્યારે હું એને ઓળખતી નહોતી એટલે એ મને ગમી પણ ગયો. થોડા દિવસ સુધી એના જ વિચારો મનમાં ચાલવા લાગ્યા. અને અચાનક એક દિવસ એ મને મળી ગયો. પછી એ રોજ મળવા લાગ્યો અને મને એની મીઠી વાતોમાં ફસાવી લીધી. એ તો મને જાણે સાચો પ્રેમ કરતો હોય એમ જ બતાવવા લાગ્યો. હું પણ એમ જ સમજતી કે એ બહુ સારો છે અને એની સાથે લગ્ન કરી જીવન વિતાવીશ. મારા દિલ દિમાગમાં સાહિલ સાહિલ થઈ ગયું હતું. પણ એક દિવસ કૉલેજથી નીકળી એને મળવા ગઈ. સાંજે મોડું થયું એટલે એ મને હોસ્ટેલ મુકવા માટે આવ્યો. એજ સમયે શોભના અને સુસ્મિતા ઘરે ફોન કરવા માટે STD ગયાં હતાં. એમને મને એની સાથે જોઈ લીધી. પછી તો રાત્રે હોસ્ટેલ ઉપર આવી બન્ને મને સમજાવવા લાગ્યા. સુસ્મિતાએ જણાવ્યું કે 'એનું સાચું નામ તો અરુણ છે. અને બહુ બદમાશ છે. ઘણી છોકરીઓને પોતાના પ્રેમ જાળમાં ફસાવી ચુક્યો છે.' પણ એના પ્રેમનો નશો મને એવો ચઢી ગયો હતો કે એ લોકોની વાત પણ મને માનવામાં આવતી નહોતી. પણ પછી મેં મારી જાતે જ તપાસ કરવાનું નક્કી કર્યું. બીજીવાર જ્યારે એ મને મળવા માટે કૉલેજની બહાર આવ્યો ત્યારે મેં એને હકીકત પૂછી. પણ એ સાચું બોલતો જ નહોતો. મેં એનું ડ્રાઇવિંગ લાઇસન્સ જોવા માટે માંગ્યું. પણ એને બહાનું બતાવ્યું. તેના ઘરે મને લઈ જવા માટે કહ્યું તો પણ એ બહાના કાઢવા લાગ્યો. તેના ઘરનો ફોન નંબર માંગ્યો તો પણ ના આપ્યો. પછી મને સમજાઈ જ ગયું કે સુસ્મિતા અને શોભના સાચા હતાં. અને મેં એજ દિવસથી સંબંધ તોડી નાખ્યો. સારું હતું કે મેં એને મારુ શરીર સોંપ્યું નહોતું. નહિ તો એ મારી સાથે લગ્ન કરવાનો જ છે એમ માની હું એને મારુ બધું જ સોંપી દેવા માટે તૈયાર હતી. એના પ્રેમમાં પાગલ બની ચુકી હતી. પણ શોભના અને સુસ્મિતાએ મને બચાવી લીધી."
મેઘનાની વાતો સાંભળી મારી આંખો છલકાવવાની તૈયારીમાં જ હતી. પણ મારા આંસુઓને મેં રોકી લીધા. મેઘનાને તેને જેમ ફસાવી હતી એમ જ એને મને ફસાવી હતી. એ પણ મને જુહુ બીચ ઉપર ટકરાયો હતો. અને પછી જ મને એ ગમવા લાગ્યો. એના જ વિચારો મારા મગજમાં દોડવા લાગ્યા હતા. એને મળવાની ઈચ્છાઓ મને જાગી હતી. અને એ મને મળ્યો પછી એની વાતોમાં જ હું આવી ગઈ. આ બધી મને ફસાવવાની ચાલ હતી. એ કાવતરા કરી આયોજન પૂર્વક જ એને મને ફસાવી હતી. મેઘના તો તેને શરીર સોંપતા પહેલા જ બચી ગઈ. પણ મેં તો મારું સર્વસ્વ તેને સોંપી દીધું હતું. હવે હું શું કરું ? કઈ સમજાઈ રહ્યું નહોતું. શોભના અને મેઘનાને આ વાત કરવી કે નહીં એ પણ સમજાતું નહોતું. હૈયામાં દાવાનળ ફૂટી નીકળ્યો હતો. તે કોઈ કાળે શાંત થાય એમ નહોતો. અજય હવે અજય નહોતો એ તો અરુણ હતો. તેને પણ મને પોતાનું નામ જુઠ્ઠું કહ્યું. જેમ મેઘના ને કહ્યું હતું. મેં પણ એની સાથે લગ્ન કરવાના સપનાં જોયા હતાં  મારા બધા જ સપના જાણે એ ક્ષણે ચકનાચૂર થઈ નીચે પડી રહ્યા હોય એમ દેખાઈ રહ્યું હતું. મેઘનાને લાગ્યું કે હું કઈ વિચારી રહી છું. એટલે એને મને મારા પ્રશ્નોમાં ઘેરાયેલી દુનિયામાંથી બહાર કાઢી.
"શું થયું કાવ્યા ? ક્યાં ખોવાઈ ગઈ ?"
મેઘનાને જવાબ આપતાં મેં કહ્યું :
"કઈ નહિ, તારી વાત સાંભળીને હું પણ વિચારતી હતી. કે કેવા કેવા લોકો આ દુનિયામાં છે ? જે પોતાના મોજ શોખ માટે ભોળી છોકરીઓને પોતાના વશમાં કરી લે છે. જેમ કેરી માંથી રસ ચૂસી ગોઠલાને ફેંકી દે એમ છોકરીઓને પણ પોતાની વાસનાનો શિકાર બનાવી છોડી દે છે."
"હા, અને એ ઘટના બાદ મેં પણ નક્કી કર્યું કે આજ પછી કોઈના ઉપર વિશ્વાસ કરવો નહીં. આ તો મુંબઈ છે અહીંયા તો ઘણાં અરુણ આપણા જેવી છોકરીઓની રાહ જોઇને જ બેઠા છે."
મેઘનાએ મને સમજાવતાં કહ્યું. 
અમે ત્યાંથી નીકળી હોસ્ટેલ પહોંચ્યા. વિચારોના કારણે મારી તબિયત બગડવા લાગી હતી. આખું શરીર તપવા લાગ્યું હતું. શરીરે પરસેવો પણ વળતો હતો. શોભનાએ હોસ્ટેલ પહોંચી મને રૂમમાં જ જમવાનું લાવી આપ્યું. જમવાનું મન નહોતું છતાં મને જમાડી અને તાવની ગોળી આપી સુઈ જવા માટે કહ્યું. પણ મારી આંખ સામે તો અજયને મળવાથી લઈ ને આજે બનેલી ઘટનાઓના ચિત્રો દોડવા લાગ્યા હતાં. શું કરવું એજ સમજાઈ રહ્યું નહોતું. હું ફસાઈ ચુકી હતી. અરુણે મને અજય બનીને છેતરી હતી. મારા શરીર સાથે રમ્યો હતો. મારી લાગણી, મારી ભાવના મારા પ્રેમને તેને મઝાક જ બનાવી હતી. દિલ માનવ માટે તૈયાર નહોતું કે અજય આમ કરી શકે છે, પણ મેઘનાએ જે હકીકત કહી એજ મારી સાથે બની હતી. અને એને બીછાવેલી જાળમાં જ હું ફસાઈ ચૂકી હતી. આ સમયે મને સુસ્મિતાની યાદ આવવા લાગી. મેં સુસ્મિતા, શોભના કે મેઘનાને આ વાત પહેલાં કરી હોત તો કદાચ હું આ બધામાંથી બચી જતી પણ હવે તો પાણી ગળાની ઉપર આવી ગયું હતું. સુસ્મિતાએ પણ આવા જ કોઈ કારણ ના લીધે આત્મહત્યા કરી હતી. મને પણ સુસ્મિતાએ જીવ આપવાના લીધેલા નિર્ણય ઉપર ચાલવાનું યોગ્ય લાગ્યું. આ ચૂંગલમાંથી બચવાનો મને એજ ઉપાય યોગ્ય લાગ્યો. મારા બેડમાંથી ઊભી થઈ હું બાથરૂમ તરફ મારો દુપટ્ટો કબાટમાંથી કાઢી ચાલવા લાગી. 

(અજય સાચે જ અરુણ છે એની તપાસ કાવ્યા કરશે ? કે પછી કાવ્યા પણ સુસ્મિતાની જેમ પોતાના જીવની આહુતિ આપી દેશે ? આ વાર્તા આગળ કેવા મૂકામ ઉપર જઈને પહોંચશે ? જાણવા માટે વાંચતા રહો "હેશટેગ લવ" ના હવે પછીના રોમાંચક પ્રકરણો !!!)

લે. નીરવ પટેલ "શ્યામ"