KAALI 3 in Gujarati Short Stories by Dr Sagar Ajmeri books and stories PDF | કાલી 3

Featured Books
Categories
Share

કાલી 3

કાલી 3

વ્હાઇટ હિન્દુસ્તાન કોન્ટેસા કારમાં બેસી મુંબઈના મરીન ડ્રાઇવ પર સડસડાટ આગળ વધતા કાલીના માનસ પર તેણે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગુજારેલ બાળપણના દિવસોથી લઈ તેના ખોટા રસ્તા તરફ વળવાના દિવસો યાદ આવે છે. શેટ્ટીના જુગાર અડ્ડેથી પાકો જુગારી બન્યા પછી શાળાકાળથી જ દારુની હેરફેરના ધંધે વળગેલ કાલી બાળપણમાં પી.એસ.આઇ. શાસ્ત્રીની એકમાત્ર દીકરી છાયા માટે કૂણી લાગણી ધરાવે છે. તેનાથી છાયાને દૂર કરવા પી.એસ.આઇ.શાસ્ત્રીએ છાયાને મારેલા થપ્પડનો બદલો લેવા પી.એસ.આઇ. શાસ્ત્રીને દારુ રાખવાના ખોટા આરોપસર પોલીસમાં ધરપકડ કરવે છે, પણ છાયા આગળ બધી સાચી વાત જણાવતા છાયા તેની ધરપકડ કરાવે છે. કાલીની નાની ઊંમર હોવાથી તેને બે વર્ષ માટે સુધારગૃહમાં મોકલવામાં આવે છે. બે વર્ષ બાદ સુધારગૃહથી બહાર આવેલા કાલીને શેટ્ટી પોતાની સાથે લઈ જાય છે. શેટ્ટીના પ્રતિસ્પર્ધી જશુભીખાની ગેંગને ખતમ કરનાર કાલીને પોલીસ ધરપકડથી બચાવવા શેટ્ટી તેને મુંબઈમાં તેના મિત્ર બાબાખાનને ત્યાં મોકલાવે છે, જ્યાં ઘણો સમય એક સામાન્ય જીવન જીવતા કાલીનો સામનો મુંબઈની કુખ્યાત ગેંગ ઐયરના ગુંડાઓ સામે થાય છે, જેમાં તે ઐયર ગેંગના ગુંડાઓને રહેંસી નાખી બાબાખાન સાથે ગુનાના ધંધામાં જોડાઇ જાય છે. મુંબઈની અંધારી આલમ પર એકચક્રી શાસન કરનાર ઐયર ગેંગના લીડર કનીયંગમ ઐયર અને તેની આખીયે ગેંગને ખતમ કરી કાલી મુંબઈ અંધારી આલમનો બાદશાહ બને છે. મુંબઈમાં વારંવાર થતાં ગેંગવૉર અને કાળા ધંધા કરનારાઓને ખતમ કરવા મેદાને ઉતરેલા ડી.જી.પી. એ.જે.શાસ્ત્રી અને તેમનો અંગત બાહોશ પી.આઇ. કેશવ કુલકર્ણી કાલીને પકડવા લીટલ હૉમ અનાથાલયમાં જાળ પાથરે છે, પણ વાસ્તવમાં તે બધાં જ પોલીસકર્મી કાલીના પ્લાન મુજબ જ બધું કરી રહ્યા હતા. અહીં કેટલાંક પ્રશ્નો ઊભા થયા છે – શું આ પ્લાનમાં કાલી કોઇ ભૂલ કરી બેસશે..? મુંબઈની અંધારી આલમના બાદશાહ બનેલા કાલીના જીવનમાં કોઇ નવો વળાંક આવશે..? આ જાણવા માણીએ... કાલી 3

સવારથી જ લીટલ હૉમ અનાથાલયની આસપાસ ચહલપહલ વધી ગઈ હતી. લગભગ ચાલીસેક પોલીસકર્મીઓ સીવીલ ડ્રેસમાં આસપાસની બજારમાં ફરવા લાગ્યા હતા. લીટલ હૉમના ગેટની સામે ચારથી પાંચેક એમ્બેસેડર ગાડીમાં સીવીલ ડ્રેસમાં પોલીસકર્મીઓ ગાડીની ચાવી તૈયાર રાખી સજ્જ હતા. આસપાસની બજારમાં ઢગલાબંધ પોલીસકર્મીઓ ગ્રાહક બની એક બીજા તરફ ધ્યાન રાખી ફરી રહ્યા હતા. કેટલાક સામેની કપડાની દુકાનના ઓટલે બેઠા રહ્યાં, તો કોઇ પાસેની ચાની લારીના બાંકડે બેસી ચાની ચૂસ્કી માણતા બેઠાં, તો વળી એકાદ બે સામે કચરો વાળતા સફાઇકર્મી સાથે હાથમાં ઝાડુ લઈ સફાઇ કરતા રહ્યાં, પણ દરેકની નજર એકબીજાની આંખો તરફ રહેતી અને દરેકનું ધ્યાન અનાથાલયમાં મુલાકાતી બની જવા સાદા કપડામાં લાઇનમાં ઊભા રહેલા મૂછોને મરડતાં ડી.જી.પી. એ.જે.શાસ્ત્રી તરફ રહ્યું. લીટલ હૉમની અંદર પણ પોલીસકર્મીઓ સફાઇ કામદાર બનીને ફરી રહ્યા હતા. કાલીને પકડવાની યોજના મુજબ આજે આ અનાથાલયમાંથી દરેક બાળકો અને સ્ટાફને ખસેડી દેવામાં આવ્યા હતાં. અનાથાલયમાં અગાઉ બાળકોની એકસાથે ગવાયેલી પ્રાર્થના પ્રવૃત્તિ ટેપમાં રેકોર્ડ કરી વગાડવામાં આવી રહી હતી, જેથી કાલીને આ વિશે કાંઇ શંકા ના જાય..! અનાથાલયમાં પી.આઇ. કેશવ કુલકર્ણી સતર્ક બની ફરી રહ્યા હતા.

એક એક પળનો હિસાબ બધા પોલીસકર્મીઓ ડી.જી.પી. શાસ્ત્રીને જણાવતા રહ્યા. થોડીવારમાં જ કોઇ એક મોટરસાઇકલ પર મોં પર બુકાની બાંધી એક સવાર લીટલ હૉમના ગેટ આગળ આવ્યો, ત્યાં જ પાછળ બીજા પાંચેક બુકાનીધારી મોટરસાઇકલ પર ગેટ સુધી પહોંચ્યા. તેની પાછળ એક સાઇકલ સવાર મોં પર મફલર વીંટાળી ગેટમાં પ્રવેશવા આવ્યો. એક પછી એક એમ સાતેક અજ્ઞાત માણસો આમ અનાથાલયમાં પ્રવેશ્યા. આ બધાથી બધા પોલીસકર્મીઓ મૂંઝવણમાં મૂકાયા. ડી.જી.પી શાસ્ત્રીના ઇશારે એક પછી એક પોલીસકર્મી પેલા સાતેય અજ્ઞાત માણસોની પાછળ અનાથાલયના ગેટમાં પ્રવેશ્યા. ડી.જી.પી. પણ કમરે રાખેલ રીવોલ્વર પર હાથ અડાડતા આગળ વધવા જાય છે ત્યાં જ તેમની પાસેના પબ્લીક ટેલીફોન બુથમાં રીંગ વાગતા ડી.જી.પી.ના પગ થોભ્યા. કંઇક અકળ વિચાર સાથે તે પાછા ફરી સતત વાગતા પબ્લીક ટેલીફોન બુથ તરફ વળ્યા અને ફોનનું રીસીવર ઉઠાવતાં જ સામેથી અવાજ આવ્યો, “ડી.જી.પી. સા’બ... અગર ઇતની આસાનીસે કાલી મીલ જાતા તો બાત હી ક્યા થી..!”

“કૌન બોલ રહા હૈ...?” ડી.જી.પી. શાસ્ત્રીએ સામે સવાલ કરી ઘડીભરમાં જ જાતે કહ્યું, “કાલી..?”

“સહી પહચાના સા’બ... કાલી..! બતાઇયે... મુજે ક્યૂં ઢૂંઢ રહે થે..?” કાલીએ વાત લંબાવતા કહ્યું.

“તુ તો કાફી ડરપોક નીકલા કાલી...કહાં છીપ કે બૈઠ ગયા રે તુ..?” ડી.જી.પી. શાસ્ત્રીએ કાલીને પડકારતા સવાલ કર્યો. પાસેથી લારી લઈ પસાર થતાં કેળાવાળાએ અમસ્તા જ પબ્લીક પી.સી.ઓ.માં વાત કરતાં ડી.જી.પી. તરફ જોતા ફોન પર વાત કરતાં કરતાં ડી.જી.પી. શાસ્ત્રીએ હાથથી ઇશારો કરી તે કેળાવાળાને આગળ જવા જણાવ્યું.

“હા, તો કાલી....” ડી.જી.પી.એ ફોન પર આગળ વાત ચલાવવા કર્યું, પણ કાલીએ અધવચ્ચે વાત કાપતા કહ્યું, “સા’બ, મેરા ગુસ્સા ઉસ બીચારે કેલેવાલે પે ક્યું નીકાલતે હો..? વૈસે ભી કેલા ખાના અચ્ચા હોતા હૈ... લે લીજીયે..!” કાલીના આ શબ્દો સાંભળતા જ ડી.જી.પી. શાસ્ત્રી ચોંક્યા.

“તુમ.....તુમ કહાં સે દેખ રહે હો મુજે...?” ડી.જી.પી.થી સાહજીકતાથી સવાલ કરાયો. આ સાથે ડી.જી.પી.એ આસપાસની બજાર તરફ બેબાકળા થતા જોવા માંડ્યુ. ડી.જી.પી.એ રસ્તાની બીજી તરફ દેખાતા પી.સી.ઓ. તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. હજુ તો તે ફોન મૂકી તે તરફ દોડવા જ જવા વિચારે છે, ત્યાં જ સામે ફોનમાં કાલી બોલ્યો, “અરે અરે સા’બ...સામને વાલે પી.સી.ઓ.મેં મૈં નહીં હૂં...આપકે લેફ્ટ સાઇડ વાલે રોડ પે આગે દેખો....આપને બોલા થા ના કી મૈં ડરપોક હૂં... મૈં છીપને વાલો મેં સે નહીં હૂં... અબ અગર આપમેં દમ હો, તો મુજે પકડ કે દીખાઓ..!” કાલીએ ડી.જી.પી.ને પડકારતા કહ્યું. ડી.જી.પી.એ કાલીએ જણવ્યું તે દિશા તરફ ધ્યાન દોર્યું, તો દૂર કોઇ અજ્ઞાત વ્યક્તિએ તેમની તરફ હાથ ઊંચો કરી મોટરસાઇકલ પર બેસી હંકારી મૂકી. આ જોઇ ફોનનું રીસીવર એક તરફ નાખી ડી.જી.પી.એ દોડી જઈ તેમની એમ્બેસેડરના ડ્રાઇવરને નીચે ઉતારી જાતે એકલા પેલી મોટરસાઇકલવાળાને પકડવા ગાડી હંકારી.

અજ્ઞાત મોટરસાઇકલવાળાએ પૂર ઝડપે મોટરસાઇકલ આગળ ધપાવી. તેની પાછળ ડી.જી.પી. પણ ગાડી લઈ પાછળ પડ્યા હતા. ટ્રાફિકથી ભરચક રસ્તાઓમાં એક એક ગાડીઓ પાસેથી વણાંક લેતા મોટરસાઇકલ આગળ વધી રહી હતી. ડી.જી.પી. પણ તે મોટરસાઇકલ પર ચાતક દ્રષ્ટિ રાખી તેનો પીછો કરી રહ્યા હતા. ક્યાંય સુધી વચ્ચે ટ્રાફિક નડતા ડી.જી.પી.ની ગાડી ઘણી પાછળ રહી ગઈ હતી. હવે તેમની નજરથી પેલી મોટરસાઇકલ દેખાતી બંધ થતાં રોડની એક તરફ ગાડી ઊભી રાખી ડી.જી.પી. ચોતરફ નજર ફેરવવા લાગ્યા. અચાનક તેમનું ધ્યાન રોડથી સામે આગળ એક તરફ મોટરસાઇકલ ઊભી રાખી ડી.જી.પી. તરફ હાથ ફેલાવતા અજ્ઞાત વ્યક્તિ તરફ પડ્યું. ડી.જી.પી. શાસ્ત્રીએ તે મોટરસાઇકલ તરફ ગાડી હંકારી કે તરત જ પેલી મોટરસાઇકલ પણ સડસડાટ આગળ દોડવા લાગી. અજ્ઞાત મોટરસાઇકલવાળાનો પીછો કરતાં કરતાં ડી.જી.પી. શાસ્ત્રી લગભગ શહેરની બહાર તરફના વેરાન વિસ્તાર સુધી પહોંચી ગયા. આગળના પથરાળ રસ્તા સામેની ઉજ્જડ ગુફાઓ તરફ જતા પેલી મોટરસાઇકલ રાખેલી જોઇ ડી.જી.પી.શાસ્ત્રી પણ પોતાની ગાડીમાંથી નીચે ઉતરી હાથમાં સર્વીસ રીવોલ્વર લઈ ચાપતા પગલે આગળ ચાલ્યા. અચાનક સામેની ગુફામાં કાંઇ સળવળાટ ભાસતા તેમણે ધડામ ધડામ કરતી બે ગોળીઓ તે તરફ છોડી.

“હેલો ડી.જી.પી.....!” બીજી તરફની ખંડેર ગુફામાંથી અવાજ આવતા ડી.જી.પી. તે તરફ વળ્યા. ગુફાના તૂટેલા પથરાળ દરવાજેથી જ અંદર તરફ કાંઇ ખતરો લાગતા ફરી ધડામ ધડામ કરતી બે ગોળીઓ મારી. ગુફામાં છોડેલી આ ગોળીઓના અવાજના પડઘાથી આખી ગુફા ધ્રુજી રહી અને અંદરથી ફફડી ગયેલા કબૂતરોનું ટોળું ગુફા બહાર ભાગ્યું.

“ડરપોક....સામે આવ...આમ સંતાઇને શું ફરે છે..?” ડી.જી.પી.એ ગુસ્સામાં પડકારતા કહ્યું.

અચાનક પાછળથી ડી.જી.પી.ના હાથ તરફ એક પથ્થરનો ટુકડો ફંગોળાતો આવ્યો, પણ ડી.જી.પી.એ ખૂબ ચપળતાથી બચાવ કરી આવા અણધાર્યા હુમલાથી ગભરાઇ તે દિશામાં સર્વીસ રીવોલ્વરમાં બાકી વધેલી બે ગોળીઓ પણ ફાયર કરી દીધી.

ડી.જી.પી.ની રીવોલ્વરમાંથી બધી જ ગોળીઓ વપરાય ગઈ જાણી સામેની અંધીયાર ગુફામાંથી એક ધૂંધળો ચહેરો બહાર આવ્યો. ડી.જી.પી. પણ આતુરતાથી તે ચહેરા તરફ જોઇ રહ્યો.

“ડી.જી.પી. તુને ઇતને પ્યારસે બુલાયા તો....લો, મૈં આ ગયા....!” અજ્ઞાત વ્યક્તિએ ચાલતા ચાલતા આવતા કહ્યું.

“તુ....કાલી...?” ડી.જી.પી.એ હાથમાંની રીવોલ્વર તે વ્યક્તિ તરફ તાકી રાખી હળવેથી સવાલ કર્યો.

“જી હા સા’બ.... મૈં હી કા.....” અધવચ્ચે જ કાલી બોલતા અટકીને ડી.જી.પી.ના ચહેરાને વધુ ધ્યાનથી જોઇ રહી કાંઇક યાદ કરવા મથે છે. તેને આ ચહેરો પરિચિત હોય તેવું લાગ્યું. સફેદ વાળ અને જરા જરા વધી ગયેલી સફેદ દાઢી અને લાંબી મૂછોના કાતરા વચ્ચે કરચલી પડેલો આ ચહેરો તેણે ક્યાંક જોયો હોવાનું ભાસ્યું.

“ડી.જી.પી. શાસ્ત્રી..... એ.જે.શાસ્ત્રી.....અરવિંદકુમાર જુગતરામ શાસ્ત્રી..!” કાલીએ કંઇક યાદ આવતા સહજતાથી ડી.જી.પી.નું નામ બોલતા કહ્યું. મુંબઇમાં ભાગ્યે જ કોઇ પોતાનું નામ જાણતા હોય ત્યારે આ એક નામચીન ગુનેગાર પોતાનું આખું નામ બોલતા જોઇ ડી.જી.પી. ધ્યાનથી કાલીના ચહેરાને તાકી રહે છે, પણ તેને કાંઇ ખાસ ઓળખ પડતી નથી.

“તુમ મુજે કૈસે પહચાનતે હો..?” ડી.જી.પી.એ આતુરતાપૂર્વક સવાલ કર્યો.

“અહમદબાદ ચંડોળા કે પી.એસ.આઇ. શાસ્ત્રી સા’બ....! વાહ રે દેવા વાહ....ક્યા ખેલ ખેલતા હૈ રે તુ.....તુમસે તો બહુત પુરાના રીશ્તા હૈ મેરા..!” કાલીએ વધુ સ્પષ્ટતા કરતા કહ્યું.

“તુ યે સબ કૈસે જાનતે હો...? કૌન હો તુમ ઔર તુમસે મેરા ક્યા રીશ્તા...?” ડી.જી.પી.એ તત્કાળ સવાલ કર્યા.

“તેરી બેટી છાયા....ઉસકો સીર્ફ એક ગીફ્ટ દીયા થા....લેકીન તુને હી ઉસે એક ચાટા દીયા થા.....લાઇફમેં ફર્સ્ટ ટાઇમ મેરી વજહસે હી તો તુ જેલ ગયા થા...યાદ આયા..?” કાલીએ ભૂતકાળની વાત યાદ કરાવતા ડી.જી.પી.ને કહ્યું.

“ઓહ.....તુ વો કુત્તા હૈ..?” ડી.જી.પી.એ કાલીના બાળપણને યાદ કરતા સવાલ કર્યો.

“કુત્તા...? હા....તુમ સબ પુલીસવાલોને મુજે કુત્તે કી તરહ હી પીટા થા...આજ ઉસ સબ કા હિસાબ ક્લીયર કરેંગે....તુજે બહુત કુછ બ્યાજ કે સાથ વાપીસ કરને મેં મજા આયેંગા #&$#$#..!” કાલીએ ગુસ્સે થતાં થતાં કહ્યું.

ડી.જી.પી.એ કાલી તરફ તાકેલી રીવોલ્વરમાંથી ગોળી મારવા કર્યું, પણ રીવોલ્વરમાં કોઇપણ ગોળી બાકી ના હતી તેનો ખ્યાલ હવે તેમને આવ્યો. રીવોલ્વરને એક તરફ ફેંકી દઈ કાલી તરફ ડી.જી.પી. આગળ ધસ્યા. કાલી અને ડી.જી.પી. વચ્ચે હાથાપાઇ શરૂ થઈ. ડી.જી.પી.એ એક પછી એક ત્રણ થી ચારેક વાર કાલીને હાથથી ફટકાર્યો. હવે કાલીએ વલતો પ્રહાર શરૂ કરતાં તે વૃધ્ધ ડી.જી.પી.પર તૂટી પડ્યો. એક પછી એક પ્રહાર કરતાં ડી.જી.પી. અધમૂઆ થઈ નીચે પડી ગયા.

“થક ગયા...? ચલ ખડા હો #&$#$#...!” કાલીએ ડી.જી.પી.ને ઉશ્કેરવા બૂમ પાડી.

વૃધ્ધ ડી.જી.પી.નો હાંફ સમાતો ના હતો. માંડ માંડ ઊભા થઈ તે કાલી તરફ પ્રહાર કરવા ગયા, ત્યાં જ તેમની મોટી થયેલી સજળ આંખો લાલચોળ થઈ ગઈ. વાસ્તવમાં તે જેવા કાલી પર પ્રહાર કરવા આગળ વધ્યા, ત્યાં જ કાલીએ કાયમ પોતાની કમરે ખોસી રાખેલા છરો ખૂબ સીફતાઇથી કાઢી ડી.જી.પી.ના પેટમાં હુલાવ્યો. ડી.જી.પી.ના પેટમાં ખોસેલો છરો બહાર ખેંચી ઉપરા છાપરી એક પછી એક એમ ત્રણથી ચાર વખત તે છરો ડી.જી.પી.ના પેટમાં ઘૂસાડ્યો. ડી.જી.પી. મોંમાંથી નીકળતી આહ સાથે નીચે ફસડાઇ પડ્યા. તેમની નજર સમક્ષ કાળ બની ઊભા રહેલ કાલીના ચહેરા પર ડી.જી.પી.ના લોહીના છાંટા વરસેલા દેખાયા. ડી.જી.પી.ના પેટમાં મારેલ છરા પરથી નીતરતા લોહીને પોતાનું શર્ટ ઉતારી તેનાથી લૂંછી નાંખી ફરી પોતાની કમરમાં ખોસ્યો. ડી.જી.પી.ને તરફડિયા મારતા મૂકી કાલી રસ્તે આગળ ચાલવા ગયો.

આગળ ચાલતા કાલી એકાએક ઊભો રહી ગયો અને પાછળ ફરી તરફડીયા મારતા ડી.જી.પી. તરફ ફરી તેને બાબાખાને ભેટમાં આપેલી 1978 ની અમેરિકન એ.એમ.ટી. બેકઅપ પીસ્ટલ કાઢી ઘવાયેલા ડી.જી.પી. તરફ તાકી એક પછી એક ધડામ ધડામ કરતાં પોઇન્ટ બ્લેન્ક રેંજથી ફાયર કર્યું. તે દરેક ગોળીઓ ડી.જી.પી.ના ઘવાયેલા શરીરની આરપાર વીંધાતા લોહીના ફુવારા ઉછાળતી રહી. ડી.જી.પી.ના મરી ગયા પછી પણ તેમના મૃત શરીર પર કાલીએ એકાદ બે વધારે ગોળીઓ મારી તેમના મૃત શરીર નજીક આવી તેને પગ વડે લાત મારી પોતાની પીસ્ટલ ફરી કમરમાં ભરાવી મોંથી સીટી વગાડતા ચાલી સાવ સાહજીકતાથી પોતાની મોટરસાઇકલ પર બેસી તેના ભડભડાટ અવાજ કરતા ત્યાંથી નીકળી ગયો. ઘણા વર્ષો પછી આજે પોતાના જૂના હિસાબ ચૂકતે કર્યાના સંતોષ સાથે કાલી મોટરસાઇકલ પર આગળ વધી રહ્યો.

ડી.જી.પીના મૃત્યુથી આખી પોલીસ ફોર્સ આઘાતમાં સરી ગઈ. દરેક પોલીસકર્મીના મનમાં કાલી પ્રત્યે ભારોભાર નફરત જાગી હતી, પણ સાથે કાલીના નામનો ખૌફ પણ સૌના મનમાં વ્યાપ્ત થવા લાગ્યો હતો. ડી.જી.પી. શાસ્ત્રીના મૃત્યુ પર તેની દીકરી છાયા જરુરથી આવશે જ અને આ રીતે તે ફરી પોતાના પહેલા પ્રેમને આટલા વર્ષો પછી ફરી જોઇ શકશે તે વિચારથી કાલી ડી.જી.પી શાસ્ત્રીની અંતિમ વિધીમાં બિન્દાસ્ત પહોંચ્યો. આમ પણ કાલીને કોઇએ જોયો ના હતો તેથી તેને તે બાબતે કોઇ ચિંતા જ ના હતી. પોલીસ પલટનની સુરક્ષાના ગઢ સમાન ડી.જી.પી. શાસ્ત્રીના બંગલો પર બધાની નજર વચ્ચે સામાન્ય જનતા માટે દર્શનાર્થે રાખેલા ડી.જી.પી. શાસ્ત્રીના પાર્થિવ દેહના દર્શન કરવાના બહાને કાલી સૌ વચ્ચે ત્યાં આવી પહોંચે છે.

સફેદ શૂટ પેન્ટમાં સજ્જ કાળા ચશ્મા પહેરેલ કાલીની નજર ચોતરફના પોલીસ પહેરાને વીંધી તેની છાયાના ચહેરાને જોવા આતુર બની હતી. ડી.જી.પી.ના પાર્થિવ દેહની પાસે સફેદ ડ્રેસમાં સતત રડી રહેલી છાયાને આટલા વર્ષો પછી જોવા છતાં એક નજરે જ કાલી ઓળખી ગયો. ઘડીભર તે છાયાના સૌંદર્યનું પાન કરી રહ્યો. તે જ સાદગી, તે જ સૌંદર્ય...જ્યારે પી.એસ.આઇ. શાસ્ત્રી વિરુધ્ધ ષડયંત્ર કરવા બદલ તેને બાળપણમાં પોલીસ ફોર્સ ઢસડી પોલીસ વાનમાં બેસાડી જતા હતા ત્યારે પોતાની છાયાને છેલ્લી વાર મન ભરીને જોવા પણ ના મળી હતી, તે આજે આટલા વર્ષો પછી કાલી છાયાને તાકી રહ્યો. છાયાની આંખમાંથી વરસતા આંસુની ધાર જોઇ કાલીને પણ મનોમન ઘણું દુ:ખ થયું, પણ તે જાણતો હતો કે છાયાના આ દુ:ખનું કારણ તે પોતે જ છે, છતાંયે ‘આ ડી.જી.પી.ની અસલીયત તુ જાણતી ના હતી, તેની સાથે આવું જ થવું જોઇતું હતું....બસ હવે હું સદાય તારી સાથે રહીશ’ એમ મનોમન વિચાર સાથે સાવ ધીમેથી બોલાયેલ શબ્દોથી પોતાના કરેલા કર્મોનું કાલી સ્વયં જ સમાધાન વિચારતો રહ્યો. આસપાસની પોલીસ ફોર્સની બધી વાસ્તવિકતાઓ ભૂલી જઈ કાલી નિશ્ચિંત બની ચોધાર આંસુએ રડી રહેલી છાયાને સાંત્વના આપવા જવા પોલીસ ઘેરાને ભેદવા આગળ ચાલવા જાય જ છે ત્યાં જ તેના પગ અચાનક થંભી ગયા. વાસ્તવમાં ડી.જી.પી.ના પાર્થિવ દેહ પાસે રડી રહેલી છાયાને સાંત્વના આપવા ડી.જી.પી.નો સૌથી વિશ્વાસુ અને છાયાનો ખાસ મિત્ર પી.આઇ. કેશવ કુલકર્ણી આગળ આવી તેને ગળે વળગાડી શાંત રાખવા પ્રયત્ન કરે છે, જે જોઇ કાલીના કપાળ પરની રેખાઓ બદલાવા લાગી. સોનાની વીંટીઓથી ભરેલી તેની આંગળીઓ ગુસ્સામાં આપોઆપ વળી જઈ મુઠ્ઠી ભીડાઇ. કાળા ચશ્માની પાછળ કાલીની આંખ લાલઘૂમ થઈ ગઈ, પણ પરિસ્થિતીને સમજી રહી તે ગુસ્સાને મનમાં ગળી રહી સૌ સામાન્ય નાગરિકોની હરોળમાં આગળ વધી જઈ ડી.જી.પી.ના પાર્થિવ દેહ પાસે રાખેલી છાબડીમાંથી થોડા ફૂલ હાથમાં લઈ પાર્થિવ દેહને અર્પણ કર્યા, પણ તેનું ધ્યાન છાયાની પાસે બેઠેલા પી.આઇ. કેશવ કુલકર્ણી તરફ જ રહ્યું. હવે કાલીના જીવનનો એક ઉદ્દેશ્ય મળી ગયો...તેની છાયા..!

શું કાલી છાયાની નજીક જઈ શકશે..?

છાયા કાલીની વાસ્તવિકતા જાણીશું કરશે..?

પોતાના ગુરુ એવા ડી.જી.પી. શાસ્ત્રીના મોતનો બદલો પી.આઇ. કેશવ કુલકર્ણી લઈ શકશે..?

આ દરેક પ્રશ્નોના ઉત્તર મેળવવા ટૂંક સમયમાં આવે છે અંતિમ ભાગ... કાલી 4

**********