VISHAD YOG- CHAPTER-14 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વિષાદ યોગ- પ્રકરણ-14

Featured Books
  • बैरी पिया.... - 59

    अब तक :आयुष ने सुना तो उसका दिमाग घूम गया । उसने अपनी जेब से...

  • साथिया - 130

    सभी आरोपियों को पुलिस वापस ले गई और अक्षत तुरंत वहाँ मौजूद अ...

  • गरीब किसान

    1. बाल कहानी - सोच में बदलावरामू गरीब किसान था। उसके तीन बच्...

  • ग्रीन मेन - 2

    उन्नीस साल पहले…      गुजरात का सोरठ प्रदेश। जूनागढ़ और गीर स...

  • T BHATI INDIAN

    राजू – मुख्य किरदार, जिसका सपना है 1 करोड़ रुपये पाना। मोहन...

Categories
Share

વિષાદ યોગ- પ્રકરણ-14

એક ટાટા સફારી કાર રાજકોટથી ભાવનગર તરફના હાઇવે તરફ દોડી રહી હતી. તે કાર નિશીથ ચલાવી રહ્યો હતો અને તેની બાજુમાં કશિશ બેઠી હતી પાછળની સીટ પર સમીર બેઠો હતો. બધાજ પોતપોતાના વિચારોમાં ખોવાયેલા હતા. નિશીથ પણ વિચારોમાં ખોવાયેલો હતો. જુનાગઢથી આવ્યાબાદ કેટલી ઝડપથી બધી ઘટનાઓ બની હતી. જુનાગઢથી આવ્યા બાદ નિશીથે જ્યારે ઘરમાં વાત કરી કે મારે મારો ભુતકાળને શોધવા જવુ છે. ત્યારે સુનંદાબેને એકદમજ ગુસ્સે થઇ કહ્યું હતું “શું ગાંડા જેવી વાત કરે છે? આ બધુ હંબંગ છે? 21મી સદીના હાઇટેક યુગમાં તું આવી વાત માને છે? મને તો આ કોઇ વાત પર વિશ્વાસ નથી.” નિશીથ સુનંદાબેનનું ફસ્ટ્રેશન અને ચિંતા સમજતો હતો,

એટલે તે ઊભો થયો અને સુનંદાબેનની પાસે બેઠો. “મમ્મી, આપણે ગમે તેટલા આ સત્યથી દૂર ભાગવાની કોશિશ કરીશું પણ તે આપણો પીછો નહીં છોડે તે વાત મને સમજાઇ ગઇ છે. અને તું પણ આ વાત સમજી લે. હું પણ મારા મન સાથે આ બધીજ દલીલ કરીને થાક્યો છું પણ જે સત્ય છે તેનાથી આપણે કેટલો સમય ભાગી શકીશું. તું પણ જાણે છે કે તે દાદાએ જે પણ કહ્યું તે બધુજ સત્ય છે. એટલેજ કહું છું કે તું મને જવા માટે મંજુરી આપ.” નિશીથે સુનંદાબેનને સમજાવતા કહ્યું.

“ મારે કોઇ વાત સાંભળવી નથી. તું ક્યાંય જવાનો નથી બસ.” આમ કહી સુનંદાબેન ઊભા થઇને જતા રહ્યા અને નિશીથ નિઃસહાય હાલતમાં તેને જતા જોઇ રહ્યો. ત્યાં પાછળથી તેના ખભ્ભા પર એક હાથ મૂકાયો નિશીથે પાછળ ફરીને જોયું તો સુમિતભાઇ ઊભા હતા. સુમિતભાઇ નિશીથની બાજુમાં બેઠા અને બોલ્યા “દીકરા તારી વાત તેને પણ સમજાય છે. પણ તે એક મા છે તેના માટે તેનો દીકરો તેનાથી દૂર જાય તે જોવુ ખૂબ દુઃખદાયક છે. તું તેને થોડો સમય આપ. હું તેને સમજાવીશ.” આ સાંભળી નિશીથ સુમિતભાઇને વળગી પડ્યો.

તે દિવસે રાત્રે નિશીથ જ્યારે બહાર ગયો હતો ત્યારે સુમિતભાઇએ સુનંદાબેનને પાસે બેસાડ્યા અને કહ્યું “ સુનંદા તું નિશીથને જવા દે. તે જ્યાં સુધી આ સમસ્યામાંથી બહાર નહીં નિકળે ત્યાં સુધી તેને ચેન નહીં પડે. તું જાણે છે કે તેનું જવુ જરૂરી છે, પણ સ્વિકારી શકતી નથી. તું તો મનોવિજ્ઞાન ભણેલી છો. તને તો મારા કરતા પણ વધારે ખબર પડે છે. તું તારી જીદ છોડી દે.”

આ સાંભળી સુનંદાબેનના આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા અને તે સુમિતભાઇને વળગીને રડતા રડતા બોલ્યાં “ આવું આપણી સાથેજ કેમ થાય છે? કેમ મારા દીકરાનેજ આ પરિસ્થિતિમાં મૂકાવું પડે છે? મારું મન ખૂબ ગભરાય છે. ક્યાંક આપણે નિશીથને ખોઇતો નહીં દઇએને?”

સુમિતભાઇએ સુનંદાબેનને પોતાનાથી અળગા કર્યા અને પછી તેના ચહેરો પોતાની બંને હથેળી વચ્ચે લઇને બોલ્યા “ સુનંદા, શું આપણે જિંદગીમાં ઓછા ઉતાર ચઢાવ જોયા છે કે તું આજે આ રીતે ડરી રહી છે? જો એકવાત સમજ જે નસીબમાં લખ્યું છે તેને તું કે હું રોકી શકવાના નથી. આપણે જો મંજુરી નહીં આપીએ તો નિશીથ અહીં પણ શાંતિ નહીં લઇ શકે. આપણા પ્રત્યે તેને અભાવ થશે. તેના કરતા તેને સાથ આપીને તેની સમસ્યામાં તેની સાથે ઊભા રહીએ તો તે તેની સૌથી મોટી સમસ્યામાંથી બહાર નીકળી શકશે. કોઇ પણ સંબંધને બાંધી રાખવાથી તે ગંધાઇ જાય છે તેના કરતા તેને મુક્ત રીતે વહેવા દઇએ તો તે વધારે મિઠો અને ઉપયોગી થાય છે. તું તો પહેલેથીજ તેને સ્વતંત્રતાથી નિર્ણય લેવા દેવાની હિમાયત કરતી હતી તો પછી આ નિર્ણયમાં પણ તારે તેને સ્વતંત્રતા આપવીજ જોઇએ. અને શું તને તારા સંસ્કાર અને ઉછેર પર વિશ્વાસ નથી? શું આપણો નિશીથ સાથેનો સંબંધ એટલો બધો નબળો છે? કે આમ નાની સરખી વાતથી તે આપણને ભૂલી જાય. હું તો એમ માનું છું કે આવી મુશ્કેલીમાંજ સંબંધો વધુ મજબુત બનતા હોય છે.”

સુનંદાબેન થોડીવારતો કંઇ બોલ્યા નહીં પછી તેણે કહ્યું “તમે જે કહો છો તે બધુ હું સમજુ છું. પણ જ્યારે દીકરાની વાત આવે ત્યારે બધીજ સમજણ જતી રહે છે.” પછી થોડુ રોકાઇને બોલ્યા “ઓકે હું નિશીથને જવા દેવા તૈયાર છું પણ તેની સુરક્ષાની વ્યવસ્થા તમારે કરવી પડશે?”

આ સાંભળી સુમિતભાઇએ કહ્યું “ તને ગમે તો હું તેની સાથે જવા તૈયાર છું પણ મારું માનવુ છે કે હું સાથે હોઇશ તો તે ખુલીને જે કરવુ છે તે નહીં કરી શકે. કદાચ તેના ભુતકાળમાં કોઇ એવી વાત હોઇ જે હું જાણુ તે નિશીથને ન ગમે. આપણે તેને ન ખબર પડે તેમ તેની પાછળ કોઇ માણસ મોકલશું.”

આ વાત સુનંદાબેનને પણ પસંદ આવી એટલે તેણે કહ્યું “હા એજ બરાબર છે. તેની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરીને પછી તેને એકલાને અથવા તે જેને કહે તેને સાથે જવા દેવા.”

ત્યારબાદ થોડીવાર રોકાઇને સુનંદાબેને કહ્યું “પણ પહેલા તેની સગાઇ તો કરી નાખીએ.” આ સાંભળી સુમિતભાઇના ચહેરા પર સ્મિત આવી ગયું અને તે બોલ્યા “ એટલે તું તેને અહીં ખીલા સાથે બાંધીને પછી છુટો મુકવા માગે છે એમને?”

આ સાંભળી સુનંદાબેન પણ હસી પડ્યા અને બોલ્યા “તમે પણ કોઇ પણ વાતને મજાક બનાવી દો છો.”

સુનંદાબેનનો મૂડ થોડો સારો થયેલો જોઇ સુમિતભાઇએ છેલ્લી વાત કરી દીધી “મને નથી લાગતું સગાઇ માટે નિશીથ તૈયાર થાય. તેનામાં તારા અને મારા સંસ્કાર છે. તે કોઇની પણ લાગણી સાથે ક્યારેય દગો કરશે નહીં. તે એવુ પગલું નહીં ભરે જેથી તેના ફાયદા માટે કોઇને નુકસાન થાય.”

“પણ આમાં ક્યાં કોઇની લાગણી દુભાવવાનો પ્રશ્ન છે.” સુનંદાબેને પુછ્યું.

“નિશીથ પોતાની સલામતી માટે કશિશને સંબંધમાં બાંધીને હેરાન કરવા તૈયાર નહીં થાય.” સુમિતભાઇએ કહ્યું. આ સાંભળી સુનંદાબેન વિચારમાં પડી ગયાં. તે દિવસે રાત્રે સુમિતભાઇએ અને સુનંદાબેને નિશીથને બોલાવ્યો અને સુનંદાબેને કહ્યું “ દીકરા તારી વાત મને સમજાય છે. હું તને જવા માટે મંજુરી આપુ છું પણ એક વાત યાદ રાખજે કે તારી મમ્મી તારી અહીં રાહ જોઇ રહી છે. ગમે તે થાય તારે અહીં પાછા ફરવાનું છે.”

આ સાંભળી નિશીથ તેના મમ્મીનો હાથ પકડી અને બોલ્યો “ મમ્મી તને શું લાગે છે. હું ત્યા જઇને તમને ભુલી જઇશ. મમ્મી તું મને શું એટલો ખરાબ માને છે કે કંઇક સારુ મળે તો હું મારા મમ્મી પપ્પાને પણ છોડી દઉં. મમ્મી તું મારી મા કરતા પણ વધારે મારી જિંદગીનો એક એવો હિસ્સો છે કે જેના વિના મારું અસ્તિત્વ જ નથી. મારી કોઇ પણ પરિસ્થિતિમાં તારા સાથ વિના હું ક્યારેય આગળ વધ્યો નથી. તારા અને પપ્પા વિનાનું મારું કોઇ અસ્તિત્વજ નથી. હું મારો ભુતકાળ શોધી ત્યાં રોકાઇ જવા માટે નથી જતો. હું તો માત્ર મારા પર જે ઋણ છે તે ઉતારવા જઉં છું. માણસ ગમે ત્યાં જાય છેલ્લે તો ઘરે જ પાછો ફરે છે તેમ હું પણ આ કામ પતાવી તમારી પાસેજ આવવાનો છું. હવે તો મારું કામ શરુ થાય છે. અત્યાર સુધીતો તમેજ મારા માટે કર્યુ છે હવે તમારા માટે મારે કંઇક કરવાનો સમય આવ્યો છે ત્યારે હું તમને છોડીને કંઇ રીતે જઇ શકું. જ્યારે દુનીયામાં બધાએ મને તરછોડી દીધો ત્યારે તમે મને અપનાવ્યો આ ઉપકાર કંઇ હું ભુલી જઇ શકું.” આમ બોલીને તે સુનંદાબેનને ભેટી પડ્યો. થોડીવાર બાદ સુનંદાબેને તેને અલગ કર્યો અને કહ્યું “ ચાલ હવે બહું મોટો થઇ ગયો છે કે જોયો હવે. મા બાપ કંઇ દીકરા પર ઉપકાર કરતા નથી. હવે તારે એક મારી વાત માનવાની છે. આપણે તારી સગાઇ કરી નાખીએ પછી તારે જ્યાં જવું હોય ત્યાં જા.” આ સાંભળી નિશીથના ચહેરા પર સ્મિત આવીને ગાયબ થઇ ગયુ. તે બોલ્યો “ નહીં મમ્મી આ વાત હું નહીં માની શકું. તને ખબરજ છે કે હું શુ કામ ના પાડુ છું. હું અહી કોઇની લાગણીમાં રીજર્વેશન કરીને જવા માગતો નથી. હું આવું ત્યારે જો બંનેને ઇચ્છા હશે તો સગાઇ કરીશું. તું મને આ બાબતે ફોર્સ નહીં કરતી.”

આ સાંભળી સુનંદાબેન હસી પડ્યા અને બોલ્યા “દીકરા, મને ખબરજ હતી કે તારો જવાબ આજ હશે. તારામાં મારા સંસ્કાર છે તે આજ સાબિત કરી દીધું. પણ આપણે આ વાત તો તે લોકોને કરવી પડશે.”

ત્યારબાદ બીજા દિવસે કશિશ અને તેના પરિવારને બોલાવી આખી વાત કરી તો કશિશે સાથે આવવાની જીદ પકડી. નિશીથ અને સુનંદાબેને તેને ખૂબ સમજાવી પણ તે માની નહીં. એટલે છેલ્લે તેને સાથે લઇ જવાનું નક્કી થયું. છેલ્લે નિશીથે તેના મિત્રો સમીર અને પ્રશાંતને આ વાત કરીતો તે બંને પણ સાથે આવવા તૈયાર થયા. પણ નિશીથે તેમાંથી એકને અહીં તેના મમ્મી પપ્પાની જવાબદારી સોપી અને એકને સાથે રાખવાનું કહ્યું. અને આમપણ અહીનું કંઇ પણ કામ પડે તો એકને તો અહીં રહેવુજ જોઇએ. સમીર સાથે આવ્યો અને પ્રશાંત ત્યાં રહી બંન્નેના સંપર્કમાં રહેશે તેવુ નક્કી કર્યુ અને પછી બે દિવસની તૈયારી બાદ ત્રણેય જણ આજે નિકળ્યા હતા. આ શોધની શરૂઆત ભાવનગર સિંહોર હાઇવે પર આવેલ પેલા અનાથાઆશ્રમથી કરવાની હતી જ્યાંથી નિશીથને સુમિતભાઇ અને સુનંદાબેને દતક લીધો હતો.

-------------------**************-------------------**************--------------------

સુરસિંહ જેવો નિચે રૂમમાં દાખલ થયો એ સાથેજ અંદર જોઇ તે સ્તબ્ધ થઇ ગયો. અંદર જાણે એક મકાનમાં હોય તેવી તમામ સગવડ હતી. કોઇને વિશ્વાસ પણ ન આવે કે આ ખેતરમાં આવેલ નાની ઓરડીની નીચે આવડી મોટી સગવડતાવાળુ મકાન હશે. આ જોઇ સુરસિંહ વિચારવા લાગ્યો કે વિરમને આવી તો શું જરૂર પડી હશે કે તેણે આ બધી સિક્રેટ વ્યવસ્થા કરી હશે? તે હજુ વિચારતો હતો ત્યાં વિરમે પાણીનો ગ્લાસ તેની સામે ધર્યો એટલે તેના વિચાર અટકાવી તે વિરમ સામે જોઇ રહ્યો. આ જોઇ વિરમે તેને સામે પડેલા એક પલંગ પર બેસવા ઇસારો કર્યો અને પછી તે પણ તેની પાસે બેઠો અને બોલ્યો “ મને ખબર છે કે તમારા મનમાં ઘણા પ્રશ્નો અને ઘણો બધો ગુસ્સો છે. પણ પહેલા તમે મને શાંતિથી સાંભળી લો પછી તમારા જે પણ પ્રશ્નો છે તેના જવાબ હું આપીશ.” આટલું કહી તે થોડો રોકાયો અને પછી આગળ બોલ્યો “પહેલા તો હું તમારી માફી માગુ છું કે જેલમાં આટલા વર્ષો સુધી હું તમને મળવા ન આવ્યો તેનું એક કારણ તો તમને ખબર છે કે ખુનમાં તમારો સાથ આપવા માટે મને પણ પાંચ વર્ષની સજા થઇ હતી. તમારા ઉપકારને લીધેજ મને ઓછી સજા થઇ હતી. જેલમાંથી છુટીને મે જે કામ આદર્યુ હતું તેમાં તમને મળવુ મારા અને તમારા બંને માટે સંકટ ઊભુ કરે તેવુ હતું.”

“પણ મારા પર બીજો આરોપ કંઇ રીતે મુકાયો. જે મે કયારેય કર્યુ જ નહોતું તેની સજા મને કોણે કરાવી. મારી જિંદગીનું હવે એકજ લક્ષ્ય છે કે મારે તેને ખતમ કરવો છે જેણે મારા પર જિંદગીનું સૌથી મોટુ આળ ચડાવ્યુ છે.” સુરસિંહ ગુસ્સામાં બોલ્યો.

વિરમ જાણતો હતો કે સુરસિંહનો સૌ પ્રથમ પ્રતિભાવ આજ હશે એટલે તેણે સહેજ પણ વિચલીત થયા વિના કહ્યું “જેલમાંથી છુટયાબાદ મે તેની તપાસમાંજ સમય ગાળ્યો છે. પણ મને જે પણ જાણવા મળ્યુ છે તે એકદમ ચોંકાવી દે તેવુ છે. આ તપાસમાં મે ખુબ મહેનત કરી છે અને છેલ્લે એ તારણ પર પહોંચ્યો છું કે આપણને જે વાત કરવામાં આવી હતી તે તો માત્ર એક જુઠાણુ અથવા તો અધુરી હતી. સાચી વાતતો કંઇક અલગજ હતી. આખી વાત સાંભળશો તો તમારુ ખુન ઉકળી ઉઠશે..” એમ કહી વિરમે સુરસિંહને વાત કરી. જેમ જેમ સુરસિંહ વાત સાંભળતો ગયો તેમ તેમ તેની આંખમાં લાલાશ વધતી ગઇ. આખી વાત સાંભળી સુરસિંહ એ હદે ગુસ્સે થઇ ગયો કે તે અત્યારેજ આ વાતનો ફેસલો લાવવા માંગતો હતો પણ વિરમે તેને શાંતિથી સમજાવ્યો કે “અત્યારે પગલુ ભરશો તો તમેજ જાન ગુમાવશો. આપણે તો સમયની રાહ જોવાની છે. ત્યાં સુધી તેને સહેજ પણ આપણા પર શક ન પડવો જોઇએ. તે લોકો આપણા પર નજર રાખે છે.આપણે તેનાથી સાવચેત રહેવુ પડશે. અને સમય આવ્યે ઘા કરવો પડશે. આ માટે મે ઘણી બધી માહિતી એકઠી કરી છે પણ તેના માટે આપણને કોઇની મદદ જોઇશે. એ વિના તેની સામે લડવુ શક્ય નથી. તમારે હવે એક કામ કરવાનું છે. જાણે કંઇ બન્યુજ નથી તેમ ગંભીરસિંહ પાસે જઇ કામ માગવાનું છે એકવાર તેની નજર આપણા પરથી હટે તો કંઈક થઇ શકશે અને અંદર રહી કોઇ ખુટતી કળી પણ મળી શકે.”

સુરસિંહને પણ વિરમની વાત સાચી લાગી અત્યારે તો તેની પરિસ્થિતિ કોઇ પણ સામે લડી શકાય એમ નહોતી. અને આમ પણ આ વિરમ કેટલું સાચુ બોલે છે તે નક્કી કર્યા વગર કુદી પડવામાં તો પોતાનેજ નુકશાની થશે. આમ બધો વિચાર કરી તેણે રાતે ગંભીરસિંહને મળવાનુ નક્કી કર્યું અને પછી વિરમ તેને ફરીથી બજારમાં ઉતારી ગયો અને પોતાનો કોંટેક્ટ નંબર પણ આપ્યો એજ રાતે સુરસિંહ ગંભીરસિંહને મળ્યો અને સાહેબને મળવું છે એવુ જણાવ્યું તો ગંભીરસિંહે તેને સમજાવ્યુ કે સાહેબ હવે પહેલા જેવા સામાન્ય માણસ નથી રહ્યા તે મિનિસ્ટર બની ગયા છે એટલે તેને મળવુ એમ સહેલુ નથી. છતા તે સાહેબને મળી તારી વાત કરશે. પણ તું હવે અહીં નહીં આવતો હું સામેથી તારો કોંટેક્ટ કરીશ એમ કહી ગંભીરસિંહે સુરસિંહને રવાના કર્યો પણ હવે આ સુરસિંહનુ શું કરવુ તે માટે સાહેબને ફોન કરી પુછ્યુ તો સાહેબે કહ્યું “એક કામ કર તેને થોડા પૈસા આપ અને તેને પેલા આપણે હમણા જે જમીન ખરીદી છે તે અનાથાશ્રમમાં ચોકીદાર તરીકે રાખી દે જેથી તે ગામની બહાર રહેશે તો લોકોને તેની જાણ પણ ઓછી થશે.” પણ ત્યારે સાહેબને નહોતી ખબર કે તે સુરસિંહને પોતાના અને લોકોથી દૂર કરી જે ઘટનાને લોકોના મગજમાંથી ભુસવાની કોશિશ કરી રહ્યો હતો તે ઘટના જે જગ્યાએ આ સુરસિંહને મોકલી રહ્યો છે ત્યાંથીજ ચકરાવો મારીને શરૂ થવાની છે. જે જગ્યાએથી 20 વર્ષ પહેલા વાત રોકાઇ ગઇ હતી ત્યાંથીજ ફરી શરૂ થવા જઇ રહી હતી.

સુરસિંહને પણ નહોતી ખબર કે તેણે અનાયાસે જે દયા કરેલી તે અત્યારે તેને કેટલી કામ આવવાની છે. અને તે જે કરવા માગે છે તેની શરૂઆત આજ જગ્યાએથી થશે.

------------------------------*****--------------********----------------------------

નિશીથ કશિશ અને સમીર ત્રણેય રસ્તામાં પોતપોતાના વિચારોમાં ખોવાયેલા હતા. ત્રણેય જે રસ્તે જઇ રહ્યા હતા ત્યાં હવે એક શતરંજનો ખેલ શરૂ થવાનો હતો અને તેના મહોરાઓ પોતપોતાની રીતે ગોઠવાઇ રહ્યા હતા. પણ આ બધાજ તે બાબતથી અજાણ હતા. જાણે ઇશ્વર કોઇ એક રમત અધુરી હતી તે પુરી કરવા માટે 20 વર્ષ પછી ફરીથી સ્ટ્રેટેજી ગોઠવતો હતો તેમ અત્યારે બધાજ પાત્રો ફરીથી પોતપોતાની જગ્યાએ અજાણ પણે ગોઠવાઇ રહ્યા હતા.

----------------*****************------------------**************------------------- વિરમ અને સુરસિંહનો પીછો કોણ કરી રહ્યું છે અને શુ કામ કરી રહ્યુ છે? કૃપાલસિંહ અને ગંભીરસિંહ કોણ છે? કૃપાલસિંહ કઇ રીતે ગાંધીનગર પહોંચી ગયો? સુરસિંહ અને કૃપાલસિહને એકબીજા સાથે શું સંબંધ છે? આ પ્રશ્નોના જવાબ જાણવા માટે આ નવલકથા “વિષાદ યોગ” વાંચતા રહો. મિત્રો આ વાર્તા વાંચી રેટીંગ ચોક્કસ આપજો અને શક્ય હોય તો તમારો પ્રતિભાવ પણ આપજો. તમને જો આ નોવેલ ગમી હોય તો તમારા સગા સંબંધી અને મિત્રોને પણ વાંચવાની ભલામણ કરજો.

------------------------------------------------------------------------------------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે.મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા whattsapp number પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------------********************----------------------*****************---------------------

HIREN K BHATT :- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM