VISHAD YOG- CHAPTER-9 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વિષાદ યોગ- પ્રકરણ-9

Featured Books
  • Operation Mirror - 4

    अभी तक आपने पढ़ा दोनों क्लोन में से असली कौन है पहचान मुश्कि...

  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

Categories
Share

વિષાદ યોગ- પ્રકરણ-9

“મને લાગે છે કે હવે આપણે નિશીથને સાચી વાત જણાવી દેવી જોઇએ?” સુમિતભાઇએ કહ્યું

“હા, મને પણ એવુજ લાગે છે. આમ પણ હવે આ વાત તેનાથી વધુ સમય છુપાવી શકાય તેમ નથી. પણ મને ડર લાગે છે કે તે આ સત્ય જીરવી શકશે કે નહી?” સુનંદાબેન મનમાં રમતી વાત કરી દીધી.

“આમ પણ તેણે ક્યારેક તો આ સાચી હકીકતનો સામનો કરવોજ પડશે ને? જેટલી વહેલી વાત કરશું તેટલી તેને સહેવી સહેલી બનશે? અને ક્યાંક કોઇ બીજી જગ્યાએથી તેને ખબર પડશે તો તે આપણા માટે ગેરસમજ કરશે. આપણી સામે હશે તો, તેને સંભાળવો પણ સહેલો થશે.” સુમિતભાઇએ પરિસ્થિતિને સમજાવતાં કહ્યું.

“ પણ તમે કાલે જોયું ને કે પેલા સાધુની વાત સાંભળી તેણે શું કહેલું? મે તેને સમજાવવા માટે કહેલું કે 21મી સદીનો યુવાન થઇ આવી વાતોમાં વિશ્વાસ કરે છે? તો તેણે મને કહેલુ કે મમ્મી આ મને વારંવાર આવતું એકજ સપનું, મારા હાથ પર દોરેલ આ વિચિત્ર ટેટું અને આ ભવિષ્યવાણી. તને નથી લાગતું કે આ બધુંજ કોઇનેકોઇ રીતે એકબીજા સાથે જોડાયેલું છે? તું મારાથી કંઇ છુપાવતીતો નથીને?” ત્યારે તેની આંખમાં રહેલ ભાવ જોઇ હું તો ધ્રુજી ગઇ હતી.” આટલું બોલી સુનંદાબેન રોકાઇ ગયાં.

“ એટલેજ તેનો આ શક વધુ મજબૂત થાય તે પહેલાજ આપણે તેને સત્ય કહી દેવું જોઇએ. આમપણ તેનાથી કોઇ ફેર પડવાનો નથી. તે થોડો સમય દુઃખી થશે, આપણે તેને સંભાળી લઇશું. અને તું તેની એકદમ ક્લોઝ છે. તે તારી સાથે ખુલીને વાત કરે છે એટલે મને નથી લાગતું કે કોઇ મોટો પ્રોબ્લેમ થાય.

આશ્રમમાં પેલા સાધુ આવ્યા પછી જે ઘટના બની તેને લીધે સુનંદાબેન અને સુમિતભાઇ ખૂબ ચિંતિત થઇ ગયાં હતાં. ત્યાં ફરી પાછું નિશીથને રાત્રે પેલું સપનું આવ્યું. જેને લીધે નિશીથ એકદમ ગભરાઇ ગયો. તેની આ દશા જોઇ સુનંદાબેન અને સુમિતભાઇ પણ ખૂબ દુઃખી થઇ ગયાં હતાં. નિશીથની હાજરીમાં તો તે બંને સ્વસ્થ હોવાનોજ દેખાવ કરતા રહ્યા પણ બીજા દિવસે નિશીથ નહોતો ત્યારે તે બંને પોતાનો ડર વ્યકત કરતા હતાં.

“પણ મને લાગે છે કે હજુ આપણે થોડી રાહ જોઇએ. મને લાગે છે કે નિશીથ અને કશિશ બંને એકબીજાને ચાહે છે. મને પણ કશિશ સારી છોકરી લાગે છે. જો તે બંને એકબીજાને પસંદ કરીલે તો પછી આ પરિસ્થિતિમાં નિશીથને સંભાળવો સહેલો થઇ જશે. હું તો એવુ વિચારુ છું કે આપણે થોડી રાહ જોઇએ. આમપણ હવે આટલા વર્ષ રાહ જોઇ છે તો થોડી વધારે.” સુનંદાબેનનું મન કોઇને કોઇ બહાને આ વાતને પાછળ ઠેલવા માંગતુ હતું. તેને ડર હતો કે નિશીથ હકીકત જાણ્યા પછી કઇ રીતે વર્તશે? તેમની વચ્ચેના સંબંધમાં આ વાતને લીધે કોઇ અડચણ તો નહીં આવે ને? આ વાતને લીધે નિશીથનાં મગજ પર કોઇ અવળી અસર તો નહીં થાયને? સુનંદાબહેનને આવા ઘણા વિચારો આવી ગયાં. તે સાયકોલોજીના જાણકાર હતાં. આવા સદમાને લીધે તેણે ઘણા લોકોના માનસિક સ્વાસ્થ્ય ખરાબ થઇ જતાં જોયાં હતાં એટલેજ તે જેમ બને તેમ આ વાતને હમણા ટાળવા માંગતા હતાં.

અંતે સુમિતભાઇએ પણ સંમતિ આપતા કહ્યું “ગમે તે થાય પણ કૉલેજ પૂરી થાય એટલે નિશીથને આ વાત કરી દેવી પડશે. ત્યાં સુધી હું તારી વાત માનું છું.” એ પછી બંને ઘણીવાર સુધી વિચારતા બેસી રહ્યાં.

--------------********---------*****************---------************----------

આમનેઆમ નિશીથની કૉલેજ પૂરી થઇ ગઇ. નિશીથ અને કશિશનો સંબંધ હવે બધાએજ સ્વિકારી લીધો હતો. તેના બંનેના ઘરનાઓ પણ હવે સમજી ગયાં હતાં કે આ બંને હવે એક થઇને જ રહેશે. બંનેના પરિવાર પણ હવે એકબીજા સાથે સંબંધ રાખતા હતાં. કૉલેજ પૂરી થઇ જતા સુનંદાબેન અને સુમિત ભાઇએ નિશીથને કહ્યું “હવે તારી અને કશિશની સગાઇ કરી નાખીએ. આમપણ તમે એક દિવસ તો આ બંધનમાં જોડાવાનાજ છો. કશિશના મમ્મી પપ્પાની બહુ ઇચ્છા છે કે સગાઇ કરી નાખીએ. તમે આમ એકબીજા સાથે ફરો છો તે કરતા સગાઇ કરી નાખી એ જેથી સમાજમાં કોઇ ખરાબ વાત ન થાય.”

“ પણ મમ્મી સગાઇ માટે એટલી બધી ઉતાવળ શું કામ? અમે ક્યાં કંઇ ખરાબ કરીએ છીએ? અમારા વચ્ચે તો એકદમ પવિત્ર સંબંધ છે. અમે એવું કોઇ કામ નથી કરતા જેને લીધે તમારે શરમ અનુભવવી પડે. હજુ તો અમારે અમારું કેરિયર બનાવવાનું છે. મારી ઇચ્છાતો જર્નાલિઝમ કરી પ્રત્રકારત્વ ક્ષેત્રમાં આગળ વધવાની છે. આમા આ સગાઇની એટલી બધી ઉતાવળ શું છે?” નિશીથે દલીલ કરતા કહ્યું.

“જો દીકરા આપણને કોઇ પ્રોબ્લેમ નથી પણ દીકરીના માબાપને બહું ચિંતા હોય છે. તું અને કશિશ સાથે ફરો છો તેના લીધે તના મમ્મી પપ્પાને સમાજમાં ઘણું સાંભળવું પડતું હશે. આમ પણ દિકરીના મા બાપને આ વાતમાં વધું નીચા જોણુ થાય. તારે જે કરવુ હોય તે કરજેને આપણે ક્યાં લગ્ન કરવા છે. આ તો તમારો સંબંધ આપણે ઓફીસિયલી બનાવી દેવો છે.” સુનંદાબેને નિશીથને સમજાવતાં કહ્યું.

આ બે વર્ષના કૉલેજકાળ દરમિયાન કશિશ અને નિશીથ એકદમ નજીક આવી ગયાં હતાં. તે બંને મોટાભાગે સાથેજ હોય. બંને એકબીજાને ઉત્કટ પ્રેમ કરતા હોવા છતા તેણે કોઇ લિમિટ ક્રોસ કરી નહોતી. તે બંને પોતપોતાની મર્યાદા જાણતાં હતાં. અને આ વાત બંનેના મમ્મી પપ્પા પણ જાણતાં હતાં. હવે કૉલેજ પૂરી થઇ જતાં, કશિશના મમ્મીએ સુનંદાબહેનને સગાઇ માટે કહ્યું હતું.

“ઓકે મને કોઇ વાંધો નથી પણ મેરેજ તો હું જ્યારે કહીશ ત્યારેજ કરવાના. અમને બંનેને એકબીજા ઉપર પૂરો વિશ્વાસ છે એટલે અમારે મેરેજની કોઇ ઉતાવળ કરવી નથી.”

આ વાત સાંભળી સુનંદાબેન ખુશ થઇ ગયાં. તેણે નિશીથને કપાળ પર કિશ કરી અને બોલ્યા દીકરા આ સગાઇતો મારી જિંદગીનો અમૂલ્ય પ્રસંગ બની રહેશે. તું જો હું આ પ્રસંગ કેવો ધામઘૂમથી કરું છં. પણ સુનંદાબેન નહોતા જાણતાકે હજુ તો આગળ તેની જિંદગીમાં કેવો વળાંક આવવાનો છે.

------------------------************---------------***************--------------------

ત્યારબાદ તો બંનેના પરિવારે સાથે બેસી સગાઇ માટે સગાઇની તારીખ નક્કી કરી. તે પછી એક દિવસ રાત્રે સુનંદાબહેન અને સુમિતભાઇએ નિશીથને પોતાના રૂમમાં બોલાવ્યો અને કહ્યું “બેસ દીકરા તારી સાથે અગત્યની વાત કરવી છે.”

નિશીથ બેડની બાજુમાં રહેલ સોફા પર બેઠો એટલે સુમિતભાઇએ ઇશારાથી સુનંદાબેનને વાત ચાલુ કરવા કહ્યું

“ જો દીકરા, અમે આજે તને જે વાત કરવા જઇ રહ્યા છીએ તે ખૂબ મહત્વની છે. તું શાંતિથી સાંભળજે.” સુનંદાબેને કહ્યું.

---------------------*******------------------***************--------------------------

સુરતની અને નવસારીની વચ્ચે આવેલ લાજપોર ગામ તેની જેલને લીધે પ્રખ્યાત હતું. ગુજરાતના બધાજ ગુનાઓની સજા માટે કેદીઓને અહીં રાખવામાં આવતાં. આ લાજપોર જેલના તોતિંગ દરવાજા હઠીલી નારીના હોઠની જેમ સજડ બીડાયેલા હતા. આ દરવાજા જાણે વર્ષોથી ખુલ્યાજ ન હોય તેમ અડીખમ ઊભા હતા. આ દરવાજાની વચ્ચે નાની બારી જેવડો એક દરવાજો હતો તે ખોલી સુરસિંહ જેલમાંથી બહાર નિકળ્યો. બહાર નિકળી તેણે આજુબાજુ નજર ફેરવી અને જાણે પાછળા જેલના 20 વર્ષની આળસ ઉડાડતો હોય તેમ જોરથી આળસ મરડી. તે થોડીવાર એમજ ઊભો રહ્યો પછી સામે આવેલ નાના પાનના ગલ્લા પાસે જઇ એક બીડી લીધી અને જેલરે જેલના કરેલા કામનું મહેનતાણું આપેલુ તેમાંથી પૈસા કાઢી ગલાનાં માલિકને આપ્યાં. બીડી પીતા-પીતા તે બસ ડેપો તરફ ચાલ્યો. આજુબાજુ બેઠેલા બધા તેનો દેખાવ જોઇ તેના તરફ તાકી રહ્યા હતા પણ સુરસિંહને તે કોઇની પડી નહોતી તે તો પોતાની મસ્તીમાં બસ ડેપો પહોંચ્યો. બસ ડેપોમાં પડેલી એક સુરતની બસમાં તે બેસી ગયો. ઘણા દિવસોની વધી ગયેલી ડાઢી લઘર વઘર કપડા અને કરડો ચહેરાવાળા સુરસિંહને જોઇ બીજા મુસાફરોએ મો ફેરવી લીધા. જોકે અહીંના લોકો

આવા દૃશ્યોથી ટેવાયેલા હતા. રોજ કોઇનેકોઇ કેદી જેલમાંથી છુટતો અને આ રીતેજ અહીંથી બસમાં જતો. કંડક્ટરે પણ જાણે તેનાથી જલદી છુટકારો મેળવવો હોય તેમ સુરસિંહ બેસતાજ ટંકોરી વગાડી એટલે બસ ડ્રાઇવરે બસ ચાલુ કરી. બસ ચાલુ થતાજ સુરસિંહ વિચારમાં ખોવાઇ ગયો. તેની નજર સામે છેલ્લે કરેલી હત્યા અને તેને લીધે થયેલી સજાના દ્રશ્યો પસાર થવા લાગ્યા. આ વિચાર સાથેજ એક સવાલ મગજમાં થયો કે હવે હું શું કરીશ? જેનાં લીધે જેલમાં આવવું પડ્યું છે તે તો અત્યારે બહું મોટો માણસ બની ગયો છે. તે તો કદાચ હવે મને મળશે પણ નહી. ચાલ પહેલા ઘરે તો જાવ. પછી જોઇશું. જોકે ઘરનાને મળીને નોકરી માંગવા તો તેની પાસેજ જવું પડશે. ભલે જેલના વીસ વર્ષો દરમિયાન તે એક પણ વાર મળવાં નથી આવ્યાં, પણ મે તેના માટે જે કરેલું છે તે મને સામે જોઇને તો તેને યાદ આવશેજ ને. પણ શું મે તેના કહેવાથી અને પૈસાની લાલચથી જે કામ કર્યુ તે યોગ્ય હતું? જેલના વીસ વર્ષમાં લાખો વાર તેણે પોતાની જાતને આ પ્રશ્ન પૂછ્યો હતો અને દર વખતે અંદરથી તેને ન ગમતોજ જવાબ આવેલો કે તે એક મહાન પાપ કર્યુ છે. જેલના જીવન કરતાં પણ આ પ્રશ્નેજ તેને વધુ દુઃખી કરેલો. આજે ફરીથી આ પ્રશ્ન યાદ આવતા તેના ચહેરા પર વિષાદ છવાઇ ગયો. કરેલા કર્મનો પડછાયો હંમેશા સાથેજ રહે છે. આ કર્મનો પડછાયોજ તેને છોડતો ન હતો. રાત્રે તેની નજર સામે તે દૃશ્ય રમતુ. જેલની એક પણ રાત્રી એવી નહોતી કે જેમાં તેને તે દૃશ્ય યાદ ન આવ્યુ હોય. તે ઘણીવાર અનિષ્ઠનાં એંધાણથી ધ્રુજી જતો. આજે પણ તેને એજ અનુભુતિ થઇ પણ તે મનને મકમ કર્યુ અને વિચાર્યુ કે ચાલ પહેલા ઘરે તો જાવ પછી જોઇએ શું કરવું છે? આમનેઆમ વિચાર કરતો હતો ત્યાં સુરત સ્ટેશન આવતા તે બસમાંથી ઉતર્યો અને બસ સ્ટેશનની બહાર નીકળી તે સામે આવેલ રેલ્વે સ્ટેશનમાં ગયો. સ્ટેશનમાં જઇ તેણે ટિકિટબારી પરથી ભાવનગર એક્સ્પ્રેસની સિહોરની ટિકિટ લઇને તે ત્રિજા નંબરના પ્લેટફોર્મ પર આવીને બેઠો. પ્લેટફોર્મ પર આવેલ ચા અને નાસ્તાની લારી પર જઇને નાસ્તો કર્યો. ત્યાં ભાવનગર એક્સ્પ્રેસ આવી જતાં તે ટ્રેનમાં જઇને એક ખાલી સીટ પર બેસી ગયો. તેણે આંખ બંધ કરી એ સાથેજ તેની સામે તે રાતનાં દૃશ્યો પસાર થવા લાગ્યા આજથી વીસ વર્ષ પહેલાની તે ગોઝારી રાતે તે અને વિરમ જીપ લઇને આચાર્યને શોધતા તેની પાછળ નીકળ્યાં હતાં. આચાર્ય યાદ આવતાજ તેના હાથ જોડાઇ ગયાં. જેલના વર્ષો દરમિયાન તેણે અસંખ્યવાર મનોમન આચાર્યની માફી માગી હતી. ગામ આખાના પ્રિય અને પૂજ્ય એવાં શિવમંદિરનાં તે આચાર્ય કેટલા અદભુત હતાં. એકદમ સાદો પણ પ્રભાવશાળી દેખાવ, શિવની પુજા અને અર્ચના કરતી વખતે કપાળમાં કરેલું ત્રિપુંડ. કેટલી ભવ્ય મુખાકૃતિ માથે સફેદ વાળ અને લાંબી સફેદ દાઢી જોતા જ અહોભાવ જાગે તેવું મોઢા પર તેજ અને તેટલોજ રાજ્યમાં તેનો પ્રભાવ, છતા ગામના દરેક માણસના સુખ-દુઃખમાં સાથે રહે. તે રાતે આવા પ્રેમાળ અને દિવ્ય માણસની પાછળ જીપ લઇને તે અને વિરમ દોડતા હતાં તે યાદ આવી ગયું. થોડીવારમાં તો જીપ આચાર્યની નજીક પહોંચી ગઇ આચાર્ય નદીના પટમાં એક હોળી પાસે ઊભાં હતાં. આ જોઇ સુરસિંહે ગોળી છોડી, જે આચાર્યને લાગી અને આચાર્ય નદીમાં નીચે પડ્યાં. તે બંને નદીનાં પટમાં ચાલતા-ચાલતા આચાર્ય પાસે પહોંચ્યા. ફરીથી સુરસિહે આચાર્યને બીજી ગોળી મારી તે સાથેજ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. ત્યારબાદ વિરમ હોડીમાં ચડ્યો અને હોડીમાં સુતેલાં બાળકને મારવા માટે તેણે તલવાર ઉગામી એ સાથેજ સુરસિંહે બૂમ પાડી વિરમને રોકી દીધો. ત્યારે તેણે વિરમને કેમ રોક્યો હતો તે આજ સુધી સુરસિંહને સમજાયું નહોતું. સુરસિંહને અચાનક અંદરથી એક સાદ સંભળાયો કે આ પાપ છે અને તેણે વિરમને રોકી દીધો. ત્યારબાદ તેણે વિરમને સમજાવ્યો કે આ છોકરો ક્યાં કોઇને કશું કહી શકવાનો છે તેને નથી મારવો. વિરમે દલીલ કરી કે જો બાપુને ખબર પડશે તો આપણને જીવતા નહીં છોડે. ત્યારબાદ બંને વચ્ચે થોડી ચર્ચા કરી અને પછી તે લોકોએ આચાર્યની તલાશી લીધી પણ તેની પાસેથી કંઇ ના મળ્યું. ત્યાં અંધારું હોવાથી તે બંનેએ આચાર્યની લાસ ઉંચકી જીપમાં નાખી અને થોડા આગળ એક ખેતરમાં લાઇટ દેખાઇ ત્યાં લઇ ગયાં. આ તે બંને ની એક મોટી ભૂલ હતી અને આ ભૂલને લીધે આખી એક જુદીજ ઘટના આકાર લઇ રહી હતી. વિધાતા પણ ક્યારેક એવા ખેલ ખેલે છે કે એક નાની સરખી ઘટના ઇતિહાસ રચી દે છે. આ બંનેની ભૂલ પણ ભવિષ્યમાં તેના અને બીજા ઘણા બધા માટે મુશ્કેલી સર્જવાની હતી. પણ ભાગ્યમાં લખેલુ હોય કે ન હોય પણ કર્મ કોઇને છોડતું નથી એ ન્યાયે જ તે બંનેએ ખેતરમાં જઇ આચાર્યની ફરીથી તલાશી લીધી પણ તેને જોઇતી કોઇજ વસ્તું મળી નહીં. આ જોઇ બંને અકળાયા કે હવે શુ કરવું? આ લાસને ક્યાં ઠેકાણે પાડવી? ત્યાં અચાનક વિરમ બોલ્યો “ આચાર્યે પેલા છોકરાના કપડામાંતો તે છુપાવ્યું નહીં હોય ને?” તે બંનેને હવે છોકરાની તલાશી ન લેવા માટે પસ્તાવો થયો. તે બંને આચાર્યની લાસને ત્યાંજ મૂકી જીપ લઇ નદી તરફ ગયાં. પણ તે બંને ને ખબર નહોતી આ તેની બીજી મોટી ભૂલ હતી. આ ભૂલજ તેને ભારે પડવાની હતી. જો તે દિવસે તે બંને આચાર્યને ત્યા મૂકીને ગયાં ન હોત તો આજે સુરસિંહની સ્થિતિ કંઇક અલગ હોત.

----------------***********-----------------*******---------------********------------

બાબાએ કહેલ આગાહીનો નિશીથ સાથે શું સંબંધ હશે? આ સુરસિંહ કોણ છે? તેને નિશીથ સાથે શું સંબંધ છે? આપ્રશ્નોના જવાબ જાણવા માટે આ નવલકથા “વિષાદ યોગ” વાંચતા રહો. મિત્રો આ વાર્તા વાચી રેટીંગ ચોક્કશ આપજો અને શક્ય હોય તો તમારો પ્રતિભાવ પણ આપજો. તમને જો આ નોવેલ ગમી હોય તો તમારા સગા સંબંધી અને મિત્રોને પણ આ વાંચવાની ભલામણ કરજો.

------------------------------------------------------------------------------------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે.મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા whattsapp number પર જરૂરથી આપજો.


HIREN K BHATT :- 9426429160

અEMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM