આકાંક્ષા અમોલ નો અવાજ સાંભળી ને બહાર આવી. થોડી વિસામણમાં પડી ગઈ. કૃતિ એ મીઠાઈ નું બોક્સ ખોલ્યું અને એક - એક મીઠાઈ આકાંક્ષા અને અમોલ નાં મોં માં મૂકી દીધી અને કહ્યું ; " કોંગ્રેચ્યુલેશન્સ !!! " દમયંતીબહેન અને ભરતભાઈ એ પણ ખૂબ આશીર્વાદ આપ્યા. એટલા માં ગૌતમ પણ આવી ગયો અને સૌ એ એકબીજા નું મોઢું મીઠુ કરાવ્યું.
દમયંતી બહેને સમાચાર આપવા માટે વડોદરા ફોન કર્યો. બા ની ખુશી નો તો કોઈ પાર જ નહોતો રહ્યો .આખરે એમના વ્યાજનું વ્યાજ આવવા નું હતું. મુંબઈ આવવાની ખૂબ ઇચ્છા વ્યક્ત કરી.
અમોલે એમને લેવા જવા ની વ્યવસ્થા કરવા ની ખાતરી આપી.
અનન્યા ને પણ ફોન લગાવ્યો . એ એના જોબ પર જવા માટે તૈયારી જ કરતી હતી. સમાચાર સાંભળી ને આનંદિત થઇ ગઇ અને ઈન્ડિયા આવવા ની જીદ પકડી ને બેઠી , " ના ! પપ્પા ની તબિયત ખરાબ થઈ ત્યારથી મારે આવવા ની ઈચ્છા હતી . હવે ના ના પાડશો. હું તો આવું જ છું. બધાને મળવાનું ખૂબ જ મન થયું છે!" અને આકાંક્ષાએ પણ અનન્યા ની આવવા ની ઈચ્છા ને આવકારી. આકાંક્ષા નાં પિયરે પણ ફોન કરી ને જણાવ્યું.
સમય ને બદલાતા વાર ક્યાં લાગે છે ! જે ઘર માં થોડા સમય પહેલા ચિંતા નુ વાતાવરણ હતું, ત્યાં આજે ખુશહાલી નું વાતાવરણ ફેલાઈ ગયું . જિંદગી માં કોઈ પણ વસ્તુ કાયમ નથી રહેતી. સમય પણ નદી ની માફક સતત વહેતો રહે છે . કાંઈક લે છે અને કાંઈક મૂકી ને જાય છે અને એ વહેણ સાથે જેને જીવતા આવડી ગયું એણે જિંદગી ની જંગ જીતી લીધી !!!
આકાંક્ષા રસોડું પરવારી ને બેડરૂમ માં ગઈ . બારી આગળ પડદા ની વચ્ચે ની સહેજ જગ્યા માં થી આછો - આછો પ્રકાશ આવી રહ્યો હતો .એણે ફટાક થી પડદો ખોલ્યો અને આકાશ માં નિખરતા પૂર્ણ ચંદ્રમા ને નિહાળી રહી. ચંદ્ર ની શીતળ કિરણો પોતાના શરીર માં ભરી લેવા એણે હાથ ફેલાવ્યા અને પરમ આનંદ નો અનુભવ કરી રહી હોય એમ ચહેરા પર મીઠુ સ્મિત પ્રસરી ગયું.
આમ તો એ આકાંક્ષા ની રોજ ની આદત હતી , બારી આગળ નાં ગ્રેનાઈટ પથ્થર પર બેસીને રોડ પર આવતા - જતા વાહનો નિહાળવા , સામે બાજુ નું ખુલ્લું મેદાન અને થોડે દૂર બિરાજતી પર્વત ની હારમાળા , એ સર્વે એના મન ને મોકળાશ આપતી હતી . આજે તો એ નજારા ને પણ ચાર ચાંદ લાગી ગયા હતા. ' ચંદ્રમા આટલો મનમોહક ક્યારેય નહોતો લાગ્યો ' . મન માં વિચારી રહી.
નજારો જોવા માં એટલી મસ્ત થઈ ગઈ કે અમોલ રુમ માં ક્યારે આવ્યો એની ખબર જ ના પડી. અમોલ પાછળ થી આવી ને આકાંક્ષા ને વળગી ગયો. અને પૂછ્યું ; " શું જોવું છું?"
" ચંદ્રમા ! કેટલો સુંદર લાગે છે આજે !" આકાંક્ષા એ અમોલ નાં ગળે વળગાળેલા હાથ ઉપર હાથ મૂકતાં કહ્યું.
" હા! અને તારો ચહેરો પણ તેજ થી ખીલી ઉઠ્યો છે , અલગ જ ચમક આવી ગઈ છે તારા ચહેરા પર !" કહી અમોલે આકાંક્ષા ને ચુમી લીધી. અને કહ્યું , " થેન્ક્યુ ! આપણી એનિવર્સરી ની એડવાન્સમાં ગિફ્ટ આપવા બદલ !!! હંમેશા મને સાથ આપવા માટે !!! ભરપૂર પ્રેમ આપવા માટે!!!
" તમને પણ થેન્ક યુ !!! મેં મારી જીંદગી જેવી કલ્પી હતી , એનાથી પણ સુંદર આપવા માટે !!!" આકાંક્ષા એ અમોલ ની બાહો માં સમાતા કહ્યું. અને બન્ને એકબીજા માં ઓતપ્રોત થઈ ગયા !!!
બીજે દિવસે ગાયનેકોલોજિસ્ટ ની સલાહ લેવા માટે હોસ્પિટલ માં ગયા. 'સંજીવની હોસ્પિટલ' ત્યાં ની પ્રખ્યાત હોસ્પિટલ હતી. ત્યાં ગયા બાદ ડૉ. ભારતી ને મળવા ગયા. ડોક્ટરે ચેક કર્યું અને કોઈ તકલીફ થતી હોય એ વિશે પૂછ્યું. અમુક ટૉનિક લખી આપી અને અલ્ટ્રાસાઉન્ડ રીપોર્ટ કરાવવા ની સલાહ આપી.
" કાંઈ ચિંતા ની વાત જેવું છે ? " અમોલે પૂછ્યું.
" ના ! ચિંતા કરવા જેવું કંઈ ખાસ નથી. પણ મારા હિસાબે અલ્ટ્રાસાઉન્ડ કરાવવો જરૂરી છે. જે કાલે તમે કરાવી, મને રિપોર્ટ બતાવી જજો. " ડૉક્ટરે કહ્યું. જરુરી ધ્યાન માં રાખવા જેવી સલાહો આપી , જેમ કે ખાવા માં અને ઊંઘવા માટે શું ધ્યાન રાખવું , સામાન્ય કસરત કરવી વગેરે.
આભાર માની અમોલ અને આકાંક્ષા બહાર આવ્યા. સોનોગ્રાફી માટે ની માહિતી લીધી.ઘરે પહોંચી જમવા બેઠા. આકાંક્ષા એ સૌ ને જમવા નું પીરસ્યુ. દમયંતી બહેને પૂછ્યું, " તમારી એનિવર્સરી નો શું પ્લાન કર્યો છે ? "
" પપ્પા ની તબિયત જ્યારથી ખરાબ થઈ હતી ને ત્યાર થી જ અમે નક્કી કર્યું હતું કે એનિવર્સરી સાદાઈ થી જ કરીશું.આપણે ઘર ના જ લોકો ડિનર કરવા બહાર જઈશું. બસ બીજું કાંઈ નહિ. " અમોલે કહ્યું.
" બરોબર છે. ત્યાં સુધીમાં અનન્યા પણ આવી જશે. બા ને લઈ આવવાની વ્યવસ્થા કરી દીધી ને ? " દમયંતી બહેને પૂછ્યું.
" હા! પરમદિવસે લેવા જવું છું. કાલે ફરી થી હોસ્પિટલ જવું પડશે. ડૉક્ટરે સોનોગ્રાફી કરવા કહ્યું છે. " અમોલે જણાવ્યું.
" સોનોગ્રાફી આટલા જલ્દી કાંઈ પ્રોબ્લેમ છે?" દમયંતી બહેને સહેજ ચિંતા વ્યક્ત કરતાં પૂછ્યું.
" ડૉક્ટરે તો કહ્યું કાંઈ ચિંતા કરવા જેવું નથી, પરંતુ સોનોગ્રાફી કરાવી રીપોર્ટ બતાવવા. " અમોલે કહ્યું.
બૅલ વાગ્યો. આકાંક્ષા દરવાજો ખોલવા ગઈ અને જોયું તો ગૌતમ દરવાજા પર ઉભો હતો. આકાંક્ષા એ આશ્ચર્યથી પૂછ્યું , " ગૌતમ ભાઈ ! આટલા જલ્દી આવી ગયા? બધું બરાબર તો છે ને ? "
"હા ! થોડા કામ માટે પુના જવુ પડે એવું છે. રાત ની ટ્રેન છે. એટલે પેકિંગ કરવા જલ્દી આવી ગયો . લગભગ એક મહિનો રોકાવું પડશે ." ગૌતમે ચોખવટ કરતા કહ્યું.
" એક મહિનો ? પછી અમારી એનિવર્સરી પર તો આવી જશો
ને?" આકાંક્ષા એ પૂછ્યું.
"હા ! ચોક્કસ ! પુના ક્યાં દૂર છે? " ગૌતમે ક્હ્યું.
" જમવા બેસી જાવ. મારે પણ જમવા નું બાકી જ છે." આકાંક્ષા એ કહ્યું.
" બે વાગ્યા ! હજી સુધી જમી નથી ?" ગૌતમે આશ્વર્ય થી પૂછ્યું.
" હમણાં થોડીવાર પહેલાં જ હોસ્પિટલ થી આવ્યા. હું થાળી લેતી જ હતી ને તમે આવ્યા." આકાંક્ષા એ કહ્યું. અને થાળી પીરસી.
" સારું તો હું ઑફિસ જાવુ છુ. ગૌતમ ! ધ્યાન રાખજે તારું ! અને એનિવર્સરી પર ચોક્કસ આવવાનું છે. અત્યાર થી જ કહુ છુ. યાદ રાખજે " અમોલે આગ્રહ કરતા કહ્યું .
" ચોક્કસ આવીશ . અહીં કોણ આમંત્રણ ની રાહ જોવાનું છે ! " કહી ગૌતમ હસવા લાગ્યો અને સાથે સાથે અમોલ અને આકાંક્ષા પણ!
ગૌતમ જમીને રૂમમાં પેકિંગ કરવા ગયો. આકાંક્ષા એ પણ પેકિંગ માં મદદ કરી અને સાંજે પુના જવા માટે નીકળી ગયો.
અપોઈન્ટમેન્ટ પ્રમાણે અમોલ અને આકાંક્ષા સોનોગ્રાફી ના રિપોર્ટ કરાવી ને ડૉકટર ને બતાવવા ગયા . ડૉક્ટરે રિપોર્ટ જોયા , પછી અમોલ અને આકાંક્ષા સામું જોયું અને કહ્યું, " મને જે ડાઉટ હતો એ જ છે. અમોલ અને આકાંક્ષા એકબીજા ની સામું જોઈ રહ્યા .
ડૉક્ટરે ધીમે રહી ને કહ્યું ,
" Nothing to worry ! It's twins !!! congratulations both of you once again !!!!!! "
(ક્રમશઃ)