Vasnani Niyati - 12 in Gujarati Love Stories by Nimish Thakar books and stories PDF | વાસનાની નિયતી પ્રકરણ-૧૨

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

વાસનાની નિયતી પ્રકરણ-૧૨

નિમીષ ઠાકર

મો. 9825612221, email: nimishthakar.divyabhaskar@gmail.com

જયદેવ અને તોરલે હવે નાસીને લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે. કેવી રીતે આખી યોજના અમલમાં મૂકવી એ જયદેવ મનોમન નક્કી કરે છે. અને તેને અમલમાં મૂકવા એક્ટિવ થઇ જાય છે. હવે આગળ...

_______________________________________________

નોકરી જોઇન કરતાંજ એક મહિનાની રજા લેવાનું શક્ય નહોતું. આથી તેને એક યુક્તિ અજમાવી. પોલીસ ટ્રેનીંગમાં પોતાની સાથેનાં અને હવે ભાવનગરનાજ પોલીસ સ્ટેશનમાં જેને પોસ્ટીંગ મળ્યું હતું એ મયુરસિંહને તેણે વાત કરી વકીલનો સંપર્ક સાધ્યો. વકીલે તેને કોઇ રસ્તો કાઢી આપવાની ખાત્રી આપી. એટલે મેરેજ રજીસ્ટ્રેશનની ચિંતા પણ ટળી. ત્યારપછી તેણે મંગલપુરથી કેટલા વાગે નિકળવું પડે અને એ માટે તોરલને કેટલા વાગે મેસેજ મોકલવાનો રહે તેની ગણતરી માંડી. તાલાળાથી જે એસટી બસ જયદેવને અનુકૂળ આવે એમ હતી તેને જૂનાગઢ પહોંચતાં 3 કલાક લાગતા. તો વાડીએથી તાલાળા પહોંચાડતા રસ્તે જતા બે કલાક લાગી જતા. જૂનાગઢથી ઉપડતી ટ્રેન વ્હેલી સવારે 6 વાગ્યે ભાવનગર પહોંચાડતી. મેરેજ રજીસ્ટ્રેશન એજ દિવસે ઉઘડતી કોર્ટે કરવાનાં હતા. બધી ગણતરી માંડી તેણે બપોરે સાડા ચાર વાગ્યે પોતાની વાડીએથી તોરલને લઇ બાઇક પર તાલાળા જવા નિકળવાનું નક્કી કર્યું.

તોરલ સાથે સાડા ચાર વાગ્યે મંગલપુર છોડવું હોય તો તેને 1 કલાક પહેલાં બહેનપણી સાથે મેસેજ મોકલવો પડે. ત્યારે એ બધી તૈયારી કરીને બરાબર સમયે પોતાની વાડીએ આવે. એ જમાનામાં ફોન ઘણા હતા. પણ મોબાઇલની તો કોઇ કલ્પના સુદ્ધાં કરી શકે એમ નહોતું.

27 ડિસેમ્બર, હા જયદેવે એજ દિવસે તોરલ સાથે મંગલપુર છોડવાનો પ્લાન બનાવી લીધો. જયદેવનો ભાઇ રાજદિપ એ દિવસે ગામમાંજ હોવાની શક્યતા તેણે ઘેર ફોન કરીને જાણી લીધેલી. હેડક્વાર્ટરમાં આરએસઆઇ પાસેથી 4 દિવસની રજા લઇને એ નિકળી પડ્યો. 27 મીએ તે મંગલપુર પહોંચ્યો અને સીધો જ વાડીએ ગયો. ગામમાં તેણે કોઇને દેખા દેવાની નહોતી. પોતે સામાન પણ નહોતો લાવ્યો. કારણકે, 28 મીએ તો તે પાછો ભાવનગર પહોંચી જવાનો હતો. પોતાની પ્રેમિકાને લઇને. સવારે નિત્યક્રમ પતાવી તેણે રાજદિપને કહ્યું, “ભાઇ મારે આજે તમારું બાઇક જોઇશે.“

“ક્યાં જવું છે તારે ?” રાજદીપને આશ્ચર્ય થયું. એ વાત ખરી કે જયદેવ સ્વભાવે માથાભારે અને મનસ્વી હતો. પણ અત્યાર સુધીમાં તેણે ક્યારેય મોટાભાઇ કે બાપા પાસે પોતાના કામ માટે બાઇક ભાગ્યેજ માંગ્યું હતું. જોકે, તે તોરલના પ્રેમમાં હોવાની ઘરમાં બધાને ખબર હતી. પણ તેની સામે કોઇને વાંધો નહોતો.

“જુઓ ભાઇ, આજે તોરલ મારી સાથે આવવાની છે. અમે રામ મંદિરવાળી ગાળીએથી જવાનાં છીએ. તમે તાલાળામાં દેવાયતની દુકાનેથી બાઇક પાછું લઇ આવજો.”  દેવાયત રાજદિપનો મિત્ર હતો. અને તાલાળામાં તેની દુકાન હતી.0

“ત્યાંથી તમે ક્યાં જશો ?” રાજદિપને થોડો ઘણો ખ્યાલ તો આવ્યો કે, નાનોભાઇ જરૂર કાંઇક પરાક્રમ કરવાનો છે. પણ તેને વારવાનો કોઇ અર્થ નહોતો. વળી તે માનવાનો પણ ક્યાં હતો. આથી તેણે વાત જાણવા પૂછ્યું.

“અમે તાલાળાથી જૂનાગઢની બસ પકડીશું. અને ત્યાંથી રાત્રે ભાવનગરની ટ્રેન. ભાવનગરમાં ઉઘડતી કોર્ટે સિવીલ મેરેજ રજીસ્ટર થઇ જશે. ત્યાંની બધી વ્યવસ્થા થઇ ગઇ છે. અહીં તોરલનાં બાપા કે ભાઇ કાંઇ માથાકૂટ કરે તો તમે સંભાળી લેજો.” જયદેવે ભાઇને બધી વિગતો કહેવા સાથે ભિતી પણ દેખાડી. જોકે, તે રાજપૂતનું ખોરડું હતું એટલે ગામમાં તેને કોઇ બોલાવવાનું નહોતું. જયદેવ જેવો માથાભારે રાજદિપ ભલે નહોતો. પણ તેનામાંયે રાજપૂતી ખમીર તો હતુંજ. કોઇથી તે દબાતો નહીં.

“ક્યારે નિકળશો ?”

“બપોરે સાડા ચાર વાગે અહીંથી કીક મારી દઇશ.”

ભાઇ સાથે બાઇક અને જવાનો સમય નક્કી કરી તે બાજુની વાડીએ કામ કરતી તોરલની બહેનપણી નિતાને મળ્યો. જયદેવને આવતો જોઇ નિતા સામેથીજ તેની પાસે આવી પહોંચી.

“આજે બપોરે સાડા ત્રણ વાગે તોરલને ઘેર જઇને મેસેજ આપી દેજે. કહેજે એકજ કલાકમાં નિકળવાનું છે. સીધીજ મારી વાડીએ આવી જાય.” અાડીઅવળી વાત કરવાને બદલે જયદેવે સીધીજ મુદ્દાની વાત કરી. વધુ વાત કરે તો વધુ માહિતી કોઇના કાને પડી જાય. એ વાત આજે નુકસાન પહોંચાડી શકે એમ હતી.

“ભલે” નિતાએ પણ ટૂંકો જવાબ આપ્યો. અને ત્યાંથી નિકળી ગઇ. અત્યારે તો હજુ માંડ સાડા દસ વાગ્યા હતા. નિતા સાડાબાર વાગે વાડીએથી નિકળીને નદીએ ગઇ. તોરલ તેને ત્યાંજ મળી ગઇ.

“જો આજે સાડા ત્રણ વાગે હું તારી પાસે આવવાની જ હતી. તને જયદેવનો મેસેજ આપવા. પણ હવે તું અહીં મળી ગઇ એટલે હું હવે તારે ઘેર નહીં આવું. સમજી લે આ મેસેજ તને બપોરે સાડા ત્રણ વાગેજ મળ્યો છે. તારે એ પ્રમાણે તૈયાર થઇને જયદેવની વાડીએ પહોંચી જવાનું છે. અને હા, સાડા ત્રણ વગ્યાથી બરાબર એક કલાકનો સમય રહેશે તારી પાસે. જે કાંઇ કપડાં લેવાનાં હોય એ અગાઉથી તૈયાર કરી રાખજે.” નિતાએ પ્રિય સહેલીને તેના પ્રિયતમનો સંદેશો આપી દીધો.

“તારે એક કામ કરવાનું છે. અત્યારે મારી સાથે ચાલ. ઘરની પછીતે ઉભી રહેજે. હું પાછલા વાડાની ડેલીએ આવી તને એક થેલો આપું એ તું જયદેવને આપી દેજે. કદાચ બપોરે કોઇ મને થેલા સાથે જોઇ જાય તો ? અત્યારે સારું રહેશે.” તોરલે સાવચેતી રાખી થેલો અગાઉથી જયદેવને મોકલી દેવાનું વિચાર્યું.

“તો ચાલ.” બંને સહેલીઓએ ન્હાઇ લીધું હતું. અહીંથી બંનેએ થોડે સુધી સાથે જવાનું હતું. અને નિતાએ તોરલના ઘરની પાછળના વાડાની ડેલીએ જવાનું હતું. આથી તેનો રસ્તો જરા જુદો હતો. બંને સહેલીઓ છૂટી પડતી વખતે ભેટી પડી. તોરલની આંખો ભીની બની ગઇ હતી.

ઘેર આવી તોરલે ઝટપટ પોતે તૈયાર રાખેલા કપડાં, પોતાની માર્કશીટ, બર્થ સર્ટીફિકેટ, જેવા જરૂરી દસ્તાવેજો થેલામાં મૂકી વાડામાં જઇ પાછલી ડેલીએ ઉભેલી નિતાને આપી દીધો. ફરી પાછી ડેલી વાસી તે ઘરમાં આવી ગઇ. અત્યારે ઘરમાં કોઇ નહોતું. આથી કદાચ જયદેવની વાડીએ જતાં કોઇ રોકનાર નહોતું. પણ એમાં જોખમ હતું. જો ઘરમાં વ્હેલી ખબર પડી જાય તો આખો પ્લાન વિખાઇ જાય. આથી તેણે ફરજીયાત રોકાઇ જવું પડ્યું.

બરાબર સાડા ત્રણ વાગે તેણે તૈયાર થવા માંડ્યું. બહારગામ જવાનાં કપડાં પહેરે તો જોખમ રહે. આથી ગામમાંજ આંટો મારવા જવાનું હોય એવા રૂટિન કપડાં તેણે પહેર્યા.

“ક્યાં જાય છે લી..?” તોરલને થયું બહાર નિકળતાંજ માએ ક્યાં કારો કરી દીધો.

“મા. જોને કેટલાય દિ થી રૂપલી કહે છે મળવા આવ. અત્યારે કાંઇ કામ નથી તો જાતી આવું.” તોરલે ખુબીપૂર્વક અત્યારે નિતાનું નામ આપવાનું ટાળ્યું. તેને ખબર હતી કે, બે કલાક પછી રૂપલીને ત્યાં તપાસ કરવા આવે અને ત્યાંથી પછી બીજી બહેનપણીઓને ત્યાં ઘરના લોકો તપાસ કરવા જાય તો પોતાને જયદેવ સાથે ભાગવા માટે એટલો વધુ સલામત સમય મળી રહે.

“ઠીક, પણ છ વાગતામાં આવી જજે.” માએ સ્વાભાવિક તાકીદ કરી.

“ભલે” કહી, પગમાં ચંપલ પહેરી તોરલે ઝટ પગ ઉપાડ્યા. તેના ઘરથી જયદેવની વાડીએ ચાલીને પહોંચતાં 10 મિનીટથી વધુ સમય ન લાગતો. આમ તો મંગલપુર ગામનાં એક છેડાથી બીજે ચાલીને પહોંચતાં કોઇને 20 મિનીટથી વધુ સમય ન લાગે. તે ઝડપથી જયદેવની વાડીએ પહોંચી ગઇ. વાડીના ઘરમાં પ્રવેશતાંજ જયદેવની માતાએ તેને કહ્યું, ઉભી રહે કંકુ પગલાં કરીને જ આવ. પછી ક્યારે પાછા આવો. આમ તો આ બધું ઘેર કરવાનું હોય. પણ આ વાડીમાંય આપણે રાતવાસો કરીએજ છીએને ? તોરલે સફેદ કાપડ પર કંકુ પગલાં કર્યા. જયદેવનો મોટો ભાઇ રાજદિપ બપોરે ઘેર જમવા ગયો ત્યારે માતાને ખાસ બોલાવી લાવ્યો હતો. એ વખતે તેણે ઘરમાં કોઇને કાંઇ કહ્યું નહીં, પણ વાડીએ જતા રસ્તામાં બધી વાત કહી દીધી. આથી તેની માતાએ કંકુ પગલાંની તૈયારી ઝટપટ કરવા રાજદિપને જ પાછો ઘેર દોડાવ્યો હતો. ઝટપટ વિધી પતાવી જયદેવે બાઇકને કીક મારી તોરલને તેનો થેલો લઇને બેસી જવા કહ્યું, તોરલ ઘરની બહાર નીકળતી વખતે જયદેવની માતાને ભેટી પડી. જાણે, સાસુ-વહુનું મિલન  જોઇ લો. જયદેવે ખોંખારો ખાઇ કહ્યું, “હવે ઝટ હાલો. આપણી પાસે ઝાઝો સમય નથી.” તોરલ થેલો લઇ જયદેવની પાછળ બેસી ગઇ.

(ક્રમશ:)