GARIMA PART 2. in Gujarati Love Stories by NILESH MURANI books and stories PDF | ગરિમા ભાગ ૨.

Featured Books
Categories
Share

ગરિમા ભાગ ૨.

ગરિમા ભાગ ૨

ગરિમા એના માબાપની એકની એક દીકરી હતી. અમારું ડેટિંગ સેટિંગ એક વર્ષ ચાલ્યું. એક વર્ષ પછી એનું બી.એડ પૂરું થયું એટલે એના સમાજમાંથી એના માંગા આવવા લાગ્યા. એનું ટ્યુશન બંધ થયું. એ દરમિયાન ગરિમા પણ મારી સાથે લગ્ન કરવા ઉતાવળ કરવા લાગી, પણ સાહેબ મારી નાની બેહેનનું પણ મારે જોવાનુંને? એ પણ મારી જવાબદારી હતી. અને એ જવાબદારીને મારે પ્રાથમિકતા આપવી મારી નૈતિક ફરજ હતી. બસ એ વાતને લઈને અમારે વાંકું પડી ગયું હતું.”

“જયેશભાઈ એ દિવસે તમે જે શાયરી બોલ્યા હતા એ તો અરવિંદભાઈને સંભળાવો! એ પણ વાર્તામાં ઉમેરી દેશે.” વચ્ચે પપ્પુ બોલ્યા વગરનો રહી ગયો હતો..

“હા હા જયેશભાઈ બોલો બોલો હું પણ શાયરી વગેરેનો શોખીન છું.” અરવિંદભાઈએ કહ્યું..

“ઈર્શાદ.” ચેતન એની આદત પ્રમાણે ભસ્યો.

“बस इक वक्त का खंजर मेरी तलाश में है।

जो रोज भेष बदलकर मेरी तलाश में है।

में एक कतरा हु तो क्या हुआ?

हुआ करे जो समंदर मेरी तलाश में है।

में जिसके हाथ मे फूल देकर आया था,

आज उसी के हाथ का पत्थर मेरी तलाश में है।

“વાહ વાહ.. “

આ અરવિંદભાઈ પણ ચેતન અને પપ્પુ જેવા થઇ ગયા હતા..

“પછી તમારું સમાધાન થયું કે નહી?”

“અરે ના સાહેબ ના. બસ અહીંથી તો અમારી લવ સ્ટોરીમાં ટ્વીસ્ટ આવી. એની સગાઇ થઇ ગઈ, લગ્ન થવા આવ્યા. હું ખુબ દુઃખી રહેવા લાગ્યો, આ તો મારા મિત્રો હતા એ સમયે મારી સાથે તો મને સંભાળ્યો. હું મજબુર હતો, મારી પણ એક બહેન હતી. જો મારી બહેન ન હોત તો હું એને ભગાડીને લાવ્યો હોત. મને દુનિયાની કોઈ તાકાત ન રોકી શકતી.જે દિવસે એની પીઠી હતી, એ દિવસે સાંજે અમે ત્રણેય ગેરેજમાં બેઠા હતા ત્યારે ગરિમાએ મને ફોન કર્યો હતો. એ ખુબ ગભરાયેલી હતી..

“હેલ્લો જયેશ.”

“હા ગરિમા બોલ, કેમ બધું બરાબરને?”

“બરાબર? કશું જ બરાબર નથી. હવે તું મને લેવા આવે છે કે નહી? બસ એ પૂછવા તને છેલ્લો ફોન કર્યો છે.”

“પણ ગરિમા તને તો મારી પરિસ્થતિ ખબર છે. આ મુદ્દે આપણે પહેલા પણ વાત કરી ચુક્યા છીએ. સોરી ગરિમા. મને માફ કર ડીયર.”

“સમજી શકું છું તું મજબુર છે, તો હું પણ મજબુર છું. હવે મારો પણ આખરી નિર્ણય સાંભળી લે. કાલે હું અહીંથી વિદાઈ લઈને જતી રહીશ. પણ એટલું યાદ રાખજે, લગ્નની પહેલી રાત્રે હું આત્મહત્યા કરી લઈશ.”

“હેલ્લો.... હેલ્લ્લો..”

સામેથી ફોન કપાઈ ગયો હતો. અરવિંદભાઈ એ દિવસે એક તો હું ચિંતામાં હતો, ઉપરથી ગરિમાએ આ રીતે ફોન કરીને મને વધારે ચિંતામાં મૂકી દીધો. ચેતન અને પપ્પુ મારો ચહેરો જોઇને સમજી ગયા હતા.

જો ચેતન અને પપ્પુ ન હોત તો હું ક્યારેય ગરિમા સાથે પરણી ન શક્યો હોત. એ દિવસે અમે આખીરાત ગેરેજમાં વિતાવી. ચેતન અને પપ્પુ ગરિમાને કિડનેપ કરીને લઇ આવવવા અવનવી યોજનાઓ ઘડી રહ્યા હતા. રાત્રે ગેરેજમાં પડેલું એક ગ્રાહકનું બાઈક લઈને ચેતન છ નંગ બીયરના ટીન લાવ્યો હતો. રાત્રે અમે ખુબ બીયર પીધો. હું ત્રણ ટીન બીયર પીને ટલ્લી થઇ ગયો હતો. અને ચેતન અને પપ્પુએ મારી ઊંઘનો લાભ ઉઠાવી બંને એ રાત્રેજ એક યોજના ઘડી કાઢી હતી.

બીજા દિવસે સવારે હું ઉઠ્યો ત્યારે ચેતન અને પપ્પુ બંને ઊંઘી રહ્યા હતા.

“ચેતનભાઈ, પપ્પુભાઈ શું યોજના ઘડી કાઢી હતી તમે?” અરવિંદભાઈએ ચેતન તરફ જોતા પૂછ્યું.

“એ તો વાર્તાનો હીરો પોતે એના મોઢાથી કહેશે સાહેબ, શાંતિ રાખો. હવે કહાનીમાં ટ્વીસ્ટ આવશે.” પપ્પુ હસતા હસતા બબડ્યો.

“હા તો જયેશભાઈ પછી શું થયું?”

“એ દિવસે સાંજે ગરિમાની વિદાય થવાની હતી, દુઃખી હોવાના કારણે મેં એ દિવસે ગેરેજ પણ નહોતું ખોલ્યું, સાંજે પાંચ વાગ્યે ચેતન અને પપ્પુ બને મારું અપહરણ કરી ગયા!”

“ઓહ વાતો તો ગરિમાના અપહરણની કરતા હતા, અને તમારું અપહરણ કર્યું?”

અરવિંદભાઈ એ પૂછ્યું.

“હા, સાલ્લા નફફટ છે આ મારા મિત્રો, મને પટાવી ફોસલાવી અને હાઈવેની એક હોટલ ઉપર લઈ ગયા. ત્યાં પહેલાથી જ એમના પંદર વીસ ટપોરી મિત્રો અમારી વાટ જોતા હતા. અરે સાહેબ એ બધા ટપોરીએ એ દિવસે મારો શ્વાસ અદ્ધર કરી મુક્યો હતો. મને તો કશી ખબર પણ ન હતી કે આ ટપોરી ગેંગ શા માટે ભેગી થઇ હતી, અને મારું અપહરણ શા માટે કર્યું હતું? સાંજે સાત વાગ્યા સુધી મને આ ટપોરી ગેંગે હાઈવેની એ હોટલ ઉપર નજર કેદ રાખ્યો. મને ખુબ ગુસ્સો આવી ગયો હતો. ચેતન અને પપ્પુ બંને મને રેઢો નહોતા મુકતા. ત્યારે મેં ચેતન ને કહ્યું હતું.

“જો ચેતન તમને એમ લાગતું હોય કે ગરિમાના લગ્ન થયા એના દુઃખમાં હું કોઈ અવળું પગલું ભરી બેસીસ, તો એ વાતમાં કોઈ દમ નથી.”

“હા અમને ખબર છે તમે એટલા તો વેવલા નથી કે આત્મહત્યા જેવું પગલું ભરો.”

“તો પછી મને અહિં શા માટે લાવ્યા છો?”

“આપણે હાઈવે ઉપર એક રીહર્સલ કરવાનું છે.” પપ્પુએ કહ્યું.

“કેવું રીહર્સલ?” મેં ઉત્સુકતાવસ પૂછ્યું,

પણ બંને નીચ નફફટ સાલ્લાઓ મોઢામાંથી કાંઈ બોલતા જ ન્હોતા. સાંજે સાત વાગ્યે ગરિમાની વિદાઈ થઇ ગઈ એવો પપ્પુના મોબાઈલ ઉપર ફોન આવ્યો, ત્યારે મને થોડી થોડી શંકા તો ગઈ, પણ મને કશું સમજમાં નહોતું આવતું. ફોન આવ્યો ને તરતજ બધાજ ટપોરીઓએ પોતપોતાનું બાઇક ઉઠાવ્યું. અમે લગભગ વીસ જણા હતા, ચેતને મને એક બાઈકમાં પાછળ બેસાડ્યો અને પપ્પુ મારી પાછળ બેસી ગયો, જાણે કેમ હું ભાગી જવાનો હોઉં! ચેતને પુરપાટ જડપે બાઈક હાઈવે ઉપર ચલાવવા માંડી, અને પેલી ટપોરી ગેંગ અમારી પાછળ પાછળ આવી રહી હતી.

“ઓહ કોઈ મોટી ધાડ મારવાનો પ્રોગ્રામ બનાવ્યો હશે, નહી?” અરવિંદભાઈ વચ્ચે બોલ્યા.

“અરે સાહેબ, આ ચેતન અને પપ્પુ જેટલા માસુમ અને ભોળા દેખાય છે ને, એટલા ભોળા છે નહી. આગળ તો સાંભળો.આ બંને જણાએ કેવો ખેલ કર્યો હતો!”

“જી સંભળાવો,” એમ કહેતા અરવિંદભાઈએ એના જભ્ભાના ખીસામાંથી મયુર બીડીનું બંડલ અને માચીસ કાઢી બબડ્યા..

“ગેરેજમાં હું સ્મોકિંગ કરું તો કોઈ પ્રોબ્લેમ તો નથીને.”

“અરે નાના, તમે આરામથી સળગાવો.” મેં કહ્યું.

અરવિંદભાઈએ બીડી સળગાવી અને, મેં ફરી મારી લવ સ્ટોરી આગળ વધારી.

“હાઈવે ઉપર અમે લોકો જઈ રહ્યા હતા, ચેતન અને પપ્પુ હાઈવે ઉપરથી પસાર થતી બધીજ ગાડીઓને નોંધી રહ્યા હતા. અને અચાનક મારી પાછળ બેઠેલો પપ્પુ બોલ્યો હતો..

“એ આવે જો.” એમ કહેતા પપ્પુએ બાઈક ઉપર જતી પેલી ટપોરી ગેંગને પણ હાથથી ઈશારો કર્યો.

ત્યારે મને આ ચેતન્યાનો અને પપ્પુડાનો પ્લાન સમજતા વાર ન લાગી, અરે આ બેય લબરમુંછીય કોઈ ખેલ કરવાના છે એની ગંધ તો મને ત્યારેજ આવી ગઈ હતી જયારે આ લોકોએ મારું અપહરણ કરીને મને હાઈવેની એ હોટલ ઉપર નજરકેદ રાખ્યો હતો.”

“હા આ બંને નટખટ તો છે જ એમાં શંકાને કોઈ સ્થાન નથી.” ચેતન અને પપ્પુ સામે જોતા અરવિંદભાઈ બોલ્યા.

“જી જયેશભાઈ આગળ શું થયું?” બીડીનો છેલ્લો દમ લગાવતા અરવિંદભાઈ ફરી બોલ્યા.

“હા, એ બસમાં ગરિમા અને એનો પતિ તેમજ જાનૈયાઓ બેઠા હતા, એ બસ પુરપાટ જડપે અમારી તરફ આવી રહી હતી. અમારી સાથે રહેલી ટપોરી ગેંગની આગેવાની અમારા નટખટ પપ્પુભાઈ કરતા હતા. પપ્પુના એક ઇશારા ઉપર આખી ટપોરી ગેંગ હાઈવેની વચોવચ ગોઠવાઈ ગઈ અને સામેથી પુરપાટ જડપે આવતી બસ ને આંતરી લીધી.

“ઓહ! ખુબ સાહસ ભર્યું કામ કર્યું હો તમારા બને મિત્રોએ.” અરવિંદભાઈએ કહ્યું.

“બસ હાઈવે ઉપર ઉભી રહી ગઈ, બે ચાર યુવા છોકરાઓ અને બે ત્રણ વડીલો સાથે મલયના બાપુ બસમાંથી નીચે ઉતર્યા. અને પપ્પુને પૂછ્યું.”

“મલય?” અરવિંદભાઈએ પૂછ્યું.

“મલય મારી કહાનીનો વિલન એટલે ગરિમાનો પતિ.” મેં કહ્યું.

“શું તકલીફ છે ભાઈ તમને?” મલયના બાપુએ પૂછ્યું.

“જુઓ કાકા સાવ ટૂંકમાં જણાવી દઉં, અમે ગરિમાને લેવા માટે આવ્યા છીએ. અને એ અમારા મિત્ર જયેશને પ્રેમ કરે છે.”

“શું બકવાસ કરો છો તમે લોકો? હટો અહીંથી ચાલો. અમને મોડું થાય છે.”

“કાકા એમ તો અમે હટવાના નથી. તમે ભલે બસ અમારી ઉપર ચડાવી દો.” ચેતન ફિલ્મી અદામાં બોલ્યો.

“હું પોલીસને બોલાવું.” મલયના બાપુએ કહ્યું.

“અરે સાત પોલીસને બોલાવી લો, પોલીસને બોલાવસો તો અમારું કામ વધારે સરળ થઇ જશે, બોલાવો બોલાવો તમતારે, પપ્પુએ કેટલા આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું સાહેબ.

વધારે હોબાળો મચી ગયો પછી તો મલય અને ગરિમા પણ બસમાંથી નીચે ઉતરી પડ્યા. મલયનાં બાપુ પોલીસને ફોન કરતા હતા ત્યાં વચ્ચે મલયે એમને અટકાવ્યા અને પૂછ્યું.

“શું પ્રોબ્લેમ છે પપ્પા.”

“અરે આ ટપોરીઓ સાલ્લા સમજે શું છે? મજાક છે શું?”

એ સમયે બસમાંથી ઉતરેલી ગરિમા અમારા ટોળામાં મને શોધી રહી હતી, હું છેટ સુધી હું મિયાંની મીંદડી બનીને મારો ચહેરો છુપાવીને ટપોરી ટોળામાં ઉભો હતો, પણ ગરિમાને જોઇને મારામાં હીંમત આવી ગઈ, અને ગરિમા પણ દોડીને બધાની પરવાહ કર્યા વગર જેમ નાગ ચંદનના ઝાડ સાથે વીંટળાઈ જાયે એમ મને ચોંટી પડી. બસ ગરિમાની આ હરકત આ મામલો શાંત પાડવા માટે કાફી હતી. ત્યારે હું પણ જોશમાં આવી ગયો, અને મેં મલયને જોતા કહ્યું.

“જો ભાઈ તારા લગ્ન ગરિમા સાથે થયા છે, પણ તું વિચાર કર ગરિમા બે ચાર મહિના રહીને ભાગીને મારી પાસે આવી ગઈ તો તું શું કરીશ? અને હા બીજું તને એ કહેવાનું કે જો ગરિમાએ ત્યાં તમારા ઘરે પહોંચીને આત્મહત્યા કરી લીધી પછી તું શું કરીશ?”

આ સમયે બસમાંથી બધાજ નીચે ઉતરી આવ્યા હતા અને મારી ડાયલોગબાજી માણી રહ્યા હતા. અને આખા ટોળામાં એક સન્નાટો છવાઈ ગયો હતો, તેમજ હાઈવે ઉપર ટ્રાફિક જામ થઇ ગયો હતો. મલય અને એના બાપુના મોઢા ઉપર ઘેરી ઉદાસી છવાઈ ગઈ હતી. એ બંને થોડીવાર માટે ટોળાથી અલગ દુર જઈને વાતો કરવા લાગ્યા અને થોડીવારમાં મલય ટોળાની વચ્ચે આવ્યો અને કહ્યું..

“જો ભાઈ.”

“જયેશ, મારું નામ જયેશ છે,”

“જો જયેશ આ બાબતે હું કોઈ નિર્ણય લેવા નથી માંગતો, પણ હું આ બાબતે ગરિમા ઉપર છોડીશ, એ શું કહેવા માંગે છે?”

હવે આખો મામલો ગરિમાના હાથમાં હતો, જાનમાં સાથે આવેલી મહિલાઓ ગરિમાને સમજાવવા લાગી,

“તારા બાપની આબરૂનો તો વિચાર કર!”

“શરમ વગરની છો?”

“અક્કલનો છાંટો નથી તારામાં.”

વગેરે વગેરે ગરિમાને સંભળાવવા લાગ્યા, અને પછી વારો આવ્યો ગરિમાનો બોલવાનો.

“હું જયેશને પ્રેમ કરું છું. હું મારું સર્વસ્વ જયેશને સોંપી ચુકી છું. તનમન અને ધનથી હું ફક્ત અને ફક્ત જયેશની છું. મારે વધારે કહેવાની જરૂર નથી. ટૂંકમ સમજી જાવ તો સારું છે. પછી તો જેમ જયેશે કહ્યું એમ હું જયેશ માટે કંઈ પણ કરી શકું છું.”

ગરિમાની વાત સાંભળીને મલયના બાપુ ગરિમાના બાપુને ફોન લગાવવા લાગ્યા, પણ એ સમયે મલયે સમજદારી વાપરીને એમને ફોન કરતા અટકાવ્યા, અને ગરિમાનો હાથ મને સોંપી દીધી. અને પછી અમે બધાજ એ ટપોરી ગેંગ સાથે હાઈવે ઉપર આવેલા એક મંદિર ઉપર ગયા, અરે સાહેબ લગ્ન માટેની બધીજ તૈયારીઓ આ બેય નટખટે ટપોરી ગેંગ સાથે મળીને કરી રાખી હતી. ગરિમાની કોલેજના અમુક મિત્રોને પણ એ મંદિરે બોલાવી રાખ્યા હતા.”

“ઓહ! અદભુત કહેવાય. સાચેજ ચેતન અને પપ્પુ જેવા મિત્રો દરેકને હોવા જોઈએ.” અરવિંદભાઈએ કહ્યું.

“અરે સાહેબ આ તો એ દિવસે બધીજ યોજનાઓ સીધી પડી. જો એ સમયે ગરિમાએ એમ કહી દીધું હોત કે નાં હું તમારી સાથે આવવા તૈયાર નથી, તો અમારી હાલત શું થતી? બસ એ દિવસે અમારા લગ્ન થયા, આજે એક વર્ષ થયું, અમારા લગ્નને, પણ એની એક માઠી અસર મારા ઉપર થઇ.”

“કેમ કેવી માઠી અસર?”

“અમે સમાજમાં બદનામ થઇ ગયા. આજે પણ મારી નાની બહેન મિનાક્ષી માટે કોઈ સારા ઘરના માંગા આવે છે, પણ એ ઘટનાને લઈને બધા ડરી જાય છે. એ દિવસથી મારી છાપ એ ટપોરી ગેરેજવાળો જેવી પડી ગઈ હતી.”

“જયેશભાઈ બધું સારું થઇ જશે, એને પણ એના યોગ્ય પાત્ર મળી જશે, પણ તમારી કહાની ખરેખર દમદાર છે, હું કેટલો નસીબદાર! કે તમારી વાર્તા લખવાનો મને મોકો મળશે. તમારી કહાનીનો એક સુખદ અંત આપી શકાય એમ છે. વાચકોને મજા પડશે વાંચવાની.”

“બસ આટલું લખીને તમે વાર્તાનો સુખદ અંત આપી દેશો?”

ક્રમશ:

નીલેશ મુરાણી.

મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯

ઈમેઈલ:- nileshmurani@gmail.com