Bhaav Zindgi no in Gujarati Short Stories by Manoj Prajapati Mann books and stories PDF | ભાવ જિંદગી નો

Featured Books
Categories
Share

ભાવ જિંદગી નો

" માં , ભાઈ ને કે ને જાય ગામ માં ડેરી એ દૂધ  આપવા, મારે હજુ લેસન પત્યું નથી, 
આટલું કહી ને પાછું પોતાનું લેસન લખવા મા વ્યસ્ત થઇ ગઈ આઠમા ધોરણ માં ભણતી કેશર , 
         માં એ હાકલ મારી ને આંગણા માં રમતા દસ વર્ષ ના ગોવિંદ ને દૂધ ની ઘોબા પડી ગયેલી બરણી પકડાવી લાડ કરતા કહ્યું ' દીકરા આજ નો દી જતો આવ, બેન ને લેસન કરવા દે ,
          ગોવિંદ એ કેશર નો નાનો ભાઈ, બંને ભાઈ બહેન બહુ મસ્તી ખોર,કેશર ભણવા મા બહુ હોશિયાર અને એક જ સપનું, મોટા થઇ ને ડૉક્ટર બની ને પોતાના માં બાપ ને ગામ માં સૌ થી મોટા મકાન માં હીંચકે ઝુલતા જોવા, 
         ગામ થી દૂર ખેતર માં રહેતા સવજી ભાઈ એટલે કેશર ના પિતા અને હેતલ બેન એટલે કેશર ના માતૃ શ્રી , જમીન દોઢ વિઘો જ પણ ગામ થી બહાર શહેર માં રહેતા એક બે મોટા માણસો ની જમીન વાવતા અને પોતાના નાના પરિવાર નું ગુજરાન ચલાવતા, 

        રોજ ની જેમ રાત નું વાળું કરી ને કેશર પોતાના બાપુજી માટે ખાટલો ઢાળતા બોલી, ' બાપુજી આ ઉનાળા માં તો ઠીક પણ શિયાળા મા તો ઘર માં સુવો, અહીં આંગણા મા તમારા વ્હાલા આ લીમડા ના ઝાડ નીચે ટાઢ નથી લાગતી?? સવજી ભાઈ એ ભેંસો ને ચારો નાખતા નાખતા હસતા હસતા જવાબ આપ્યો ' બેટા આપણે તો મહેનતુ એટલે આપણને ટાઢ ના લાગે, અને આમેય મને ખુલ્લા માં સુવાની આદત છે, એમ કહી ખાટલા માં આવી ને બેસી ગયા, કેશર હાથ માં પાણી નો લોટો લઈને ખાટલા નીચે મૂકી ને ફરી બોલી, ' મને ઉલ્લુ ના બનાવો, તમને આખું શરીર અકળાઈ જાય છે તોય બહાર સુવો છો, કેમ કે ભેંસો અને ખેતર ની ચિંતા છે, એટલે તો કહું છું આપડી દોઢ વિધો જમીન વાવી અને શાંતિ થી રઇએ, 
સવજી ભાઈ નું હૈયું ભરાઈ આવ્યું અને તોય કેશર ના માથે હાથ મૂકી ને બોલ્યા મારી કેશર ડૉક્ટર બને એટલે અમારે તો બંગલા માં જ સુવાનું છે ને, અને હજુ તો તારા લગન કરાવીસુ શહેર ના ગાડી વાળા કોઈ ડૉક્ટર સાથે, કેશર કઈ બોલ્યા વગર મોઢું મરડી ને ચાલી ગઈ ઘર માં, કેશર સમજદાર , એને ખબર હતી કે અમારા ભણતર અને ઘર ના ખર્ચા મા બાપુજી પહોંચી નથી વળતા, 
     સવજી ભાઈ સુતા સુતા લીમડા ની ડાળી માંથી ઝીણા ઝીણા દેખાતા આકાશ સામું જોઈ ને , છાતી પર હાથ જોડી ને ભગવાન ને પ્રાર્થના કરવા લાગ્યા ' હે જગત ના નાથ, તું તો મારી દીકરી કેશર ની જેમ અજાણ નથી ને?, જાણે છે ને કે હવે આ ખેતર મા જે કઈ પાક્યું છે એના સિવાય કંઇજ  નથી મારી પાસે, હેતલ ના દાગીના પણ ગીરવે છે, ભેંસ ના દૂધ નો પગાર છોકરાઓ ના ભણતર માં જાય, અને મજૂરી કરીએ એમાં ગુજરાન ચાલે , અને ખર્ચા પણ કેટલા !! 
મારી અરજ એજ છે કે વધુ ના આપે તો કઈ નઈ પણ દીકરી કેશર અને ગોવિંદ ના સપના સાકાર થાય એટલા બજાર 'ભાવ' અપાવજે, 
આમ થાકેલા સવજી ભાઈ ઓઢી ને સુઈ ગયા, 
       સવાર માં વહેલા ઉઠતા જ ફરી રોજ ની જેમ ભેંસો ના છાણ, કચરો, ઘાસ , દૂધ ભરાવા, કામ ચાલુ, સવજી ભાઈ પાવડો લઇ ને ખતરે જવા તૈયાર, પણ સવાર સવાર માં પગ અકળાઈ જવાની તકલીફ એટલે એક પગ ઘસેડી ને ચાલતા જોઈ કેશર બોલી ' બાપુજી આ લીમડો જ કપાઈ નાખવો છે, રોજ એની નીચે સુઈ જાઓ છો, આ ઠંડી માં પણ લીમડો છોડતા નહિ, !!
સવજી ભાઈ હસતા હસતા માથું હલાવી હેતલ ને હાકલ મારી ને કહ્યું ' એ  વેળાસર ચા લઇ ને આવજો ,
      સવજીભાઈ ના ગયા પછી હેતલ બેન કેશર નું માથું ઓળવા બેઠા, ત્યારે સમજદાર કેશર એ હળવા અવાજે પૂછ્યું ' તે હે માં, આ ખેડૂત ને જ કેમ બધું સહન કરવાનું? , ઠંડી, ગરમી, વરસાદ? અને તેમ છતાંય આપણી ભાગે ગાડી નઈ, સારું મકાન નઈ, અમારા સારા દફતર નઈ, અને કોઈ દિવસ સારા કપડાં પણ નહિ? 
      આ સાંભળી હેતલ બેન ની આંખ માં અશ્રુ નીકળે એ પેલા જ એમને કેશર ને માથા માં ટપલી મારી ને કહ્યું ' ઓ ડાહ્યી જા, નિશાળ નું મોડું થશે,અને હા વળતા ગામ માંથી શાકભાજી લેતી આવજે, કાલ દસ રૂપિયા માં પાંચ વધેલા એ આપજે અને આજ ના બાકી રાખજે ! 
    કેશર ના ગયા પછી નિત્ય ક્રમ મુજબ હેતલ ચા લઇ ને ખેતરે જાય છે ,

      (ચારેક મહિના પછી) 

       સવાર સવાર માં સવજી ભાઈ ગામ ના નાકે દુકાન ચલાવતા રામજી ભાઈ ને પૂછે છે ' કેવું છે બજાર?, કેવા પડ્યા ભાવ? 
રામજી ભાઈ ' સવજી ભાવ માં તો ખેડૂત ના ભાગે શું આવે ? , ધૂળ ભાગી ને ઢેફાં? 
એ બધું છોડ , તું મારા પૈસા નું કર કૈક, કેટલા વર્ષ થયા? ભાન છે? ભાઈ મારે પણ બૈરા છોકરા છે, 
અને મારા જેવા કેટલાય લેહણિયાત છે, ક્યારે પૂરું કરીશ?, 
      બંને હાથ જોડી ને સવજી ભાઈ નજર નીચે નાખી ને રામજી ભાઈ ને કહે છે ' શેઠ આ વખતે સારા ભાવ પડે એટલે પાક વેચી ને બધા ના પૈસા ચૂકવી દઈસ,
      રામજી ભાઈ કઠોર અવાજે બોલ્યા ' અલ્યા વાવી ને બેઠો છે આખા ગામ નું, બિયારણ, ખાતર, પાણી ના બિલ બધું ઉધાર છે, એમને ચુકવિસ કે મને આપીસ પૈસા? અને મેં તો સાંભળ્યું છે તારી બૈરી ના દાગીના પણ ગીરવે છે, ! એ છોડાવીસ કે તારી કેશર અને ગોવિંદ ને ભણાવીસ?? 
      જો ભાઈ આ વખતે મને ના મળ્યા મારા પૈસા તો જમીન ઓછી કરી દેજે, મારે અવસર આવે છે ભાઈ !!!
      સવજી ભાઈ મૂંગા મોઢે ડોકું હલાવી ઘેર ગયા , 
રસ્તા માં રામજી ભાઈ ના કહેલા શબ્દો કાન માં વાગતા હતા, 
       જેમ તેમ જાત ને ફોસલાવી અને ઘેર આવ્યા, રોજ ની જેમ પાછા ખેતરે પણ હજુય મગજ માં એજ રટણ, આજે તો પગ પણ ના ઉપડે ,
કેશર બોલી ' બાપુજી કેમ મૂંઝયેલા લાગો છો? , 
સવજી ભાઈ ' કઈ નઈ દીકરી, તું નિશાળે જા અને ગોવિંદ ના સાહેબ ને મળજે , પૂછજે કે આ ભણવા માં ધ્યાન આપે છે કે નઈ, 

      વાત કાપતા હોય એમ કેશર ને ફોસલાવી ને સવજીભાઈ ખેતર તરફ ચાલ્યા, 
       રાતે બધા ભેગા થયા, નિશાળ ની વાતો ને સાંભળી ને હસતા હસતા હેતલ અને સવજી ભાઈ એક બીજા ને જોઈ રહેલા, સવજી ભાઈ એ કેશર અને ગોવિંદ ને બાથ માં લઈને કહ્યું ' આવા ડાહ્યા રહેજો , અને મોટા સાહેબ થાજો,આખો પરિવાર દિવસભર ની વાતો ને વાગોળી ને સુઈ જાય છે, 

     કડકડતી ઠંડી ને ઝાકળ ભરેલી સવાર, થોડું થોડું અજવાળું, ભેંસો દોહવા હેતલ બહાર આવે છે, અને ભેંસો જોડે જઈને ઘાસ ચારો નાખી ને છાણ પાછું કરતા કરતા ' ઓ કેશર ના બાપુ , ઉઠો લ્યા, આજે તો બહુ ઊંઘ્યાં?, દિવસ અવળો ઉગ્યો લાગ્યો છે,એમ કહી ભેંસ દોહવા બેઠા, એટલા માં કેશર દાતણ અને પાણી નો લોટો લઈને દાતણ કરવા બહાર આવી, 
અલી કેશર તારા બાપુ ને ઉઠાડજો, બજાર ના ભાવ પૂછવા જવાનું છે, આ ધાન વેચવાનું છે કે નઈ? બે દિવસ થી રોજ ભાવ પૂછવા ગામ માં જાય ને ધોયા મોઢે પાછા ફરે , ઉઠાડજો એમને , ' હેતલ કડક અવાજ માં સવજી ભાઈ ને ઉઠાડવા ઈશારો કર્યો, 
      કેશર એ ખાટલા પાસે જઇને સવજી ભાઈ ના ઓઢેલાં ધાબળા માં સંતાયેલા પગ હલાવી કહ્યું ' બાપુ ઉઠો, આજે તો મા વેલી ઉઠી ગઈ, એમાં તો જુઓ કેટલો પાવર કરે સે,ઉઠો જલ્દી ',
       લાગે છે બાપુ મજાક કરે છે, લે તું ઉઠાડ, એમ કહી ને કેશર દાતણ કરવા બેસી ગઈ ,

   હેતલ બેન જઈને ગુસ્સા માં ધાબળો ઉઠાવે તો આ શું?, 
મોઢા માં ફીણ, અને ઓશિકા પાસે ઉંદર મારવા ની દવા, હેતલ બેન એ ચિસા ચીસ કરી, હાથ ધ્રુજી ઉઠ્યા , કંઇજ સમજાયું નહિ, 
     કેશર અને ગોવિંદ દોડી ને આવ્યા, બાપુજી, ઓ બાપુજી, ઉઠો ને , હાથ હલાવતા કેશર અને ગોવિંદ બોલ્યા, 
    શરીર સાવ થીજી ગયેલું, વાત ગામ માં ગઈ, ટોળે ટોળાં સવજી ભાઈ ના ખાટલા ની ચોફેર થઇ ગયા, 
       એટલા માં કોઈ બોલ્યું , ' ધબકારા નથી, હવે નથી રહ્યા સવજી ભાઈ, 
આ સાંભળી હેતલ બેન એ ચીસ પાડી ' હે રામ, અને ટોળાં ને વિખેરી ખાટલા પાસે આવી ને સવજી ભાઈ ના મોઢે હાથ ફેરવી ને રોતા રોતા બોલ્યા ' આ શું કર્યું?, હવે મારું અને આપણા છોકરાઓ નું શું? 
હે જગત ના નાથ આ શું થઇ ગયું, ફરી એક જગત નો તાત ચાલ્યો ગયો, !!!
        કેશર ની આંખો તો ઝરણાં ની જેમ વહે જ જતી હતી અને પોતાની માતા ને આશ્વાશન આપતા એટલું જ બોલી કે ' માં, બજાર ના ભાવ તો ના મળ્યા, પણ આપણે મારા બાપુજી ની જિંદગી ના ' ભાવ ' ખોયા !!! 

      સાહેબ જગત નો નાથ અને જગત નો તાત ખુશ હશે ને તો જ આ દેશ, સમાજ, અને દુનિયા ખુશ રહેશે, 

   ' દેશ ના કરોડો ખેડૂતો ને વંદન, '
 

જય જવાન, જય કિશાન 


મનોજ પ્રજાપતિ  ' મન ' 
9537682580
Manojprajapati6@yahoo.com