Adhuri Mulakar - 2 in Gujarati Love Stories by Jatin.R.patel books and stories PDF | અધૂરી મુલાકાત ભાગ-2

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

અધૂરી મુલાકાત ભાગ-2

અધૂરી મુલાકાત

ભાગ:-2

"દિલ તમો ને આપતાં આપી દીધું.

પામતાં પાછું અમે માપી લીધું.

માત્ર એકજ ક્ષણ તમે રાખ્યું છતાં.

ચોતરફથી કેટલું કાપી લીધું."

અમદાવાદથી સુરત કંપની નાં કામે જતાં પંક્તિ સાથે થયેલી મુલાકાત ની યાદો ને ધીરે ધીરે હું અંશતઃ ભુલાવી ચુક્યો હતો.કેમકે જો કોઈ વ્યક્તિ એવું બોલે કે એને પોતાનાં પ્રેમ ને ભુલાવી દીધો છે તો એ વ્યક્તિ સાવ ઝુઠું બોલી રહી છે એવું સમજવું.જેમ કાગળ સળગે ને એની રાખ રહી જાય એમ પ્રેમ ની પણ આગ ઠર્યા પછી પણ એની રાખ હૃદય ની સપાટી પર બાઝેલી હોય છે એવું મારું અંગત માનવું છે.

અમદાવાદ ત્યારપછી બીજાં 6 મહિના જેટલું રહ્યું અને પાછો મારાં મૂળ વતન મહેસાણા જતો રહ્યો..આમ પણ અમારે Gj-2 વાળા ને વહેલું ઘર છૂટે નહીં. મહેસાણા આવી ગયાં બાદ મારી અંદર નાં કૃષ્ણ બહાર આવી ગયાં અને અપડાઉન માં મારી લીલાઓ ચાલુ થઈ ગઈ.પંક્તિ વખતે જે ભૂલ થઈ હતી એ ફરી ના થાય એનું ધ્યાન રાખતાં હું જે છોકરી ગમે એની આગળ મારાં મનની વાત રાખવા માંડ્યો.

આપણો એ વખતે એક જ નિયમ હતો કે વધુ માં વધુ કોઈ છોકરી શું કરશે..ના પાડશે..બીજું તો શું.અને હા પાડી દે તો વ્યારા ન્યારા.

આપણો શુક્ર પણ પાછો પ્રબળ નીકળ્યો અને એક પછી એક પ્રપોઝલ નો સ્વીકાર થવા લાગ્યો.ખોટું નહીં કહું પણ એવાં દિવસો પણ આવ્યાં જ્યારે સવાર-બપોર-સાંજ ત્રણ ટાઈમ અલગ અલગ છોકરીઓ જોડે વાતો થવા લાગી.મારાં સીંગલ મિત્રો મારી ઈર્ષા થવા લાગી હતી.હું જે બસમાં અપડાઉન કરતો એનાં કંડકટર પકાભાઈ તો ત્યાં સુધી કહેતાં કે.

"અમારાં સારાં નસીબ કે તને જોઈને એવું લાગે કે અમે આ ઘોર કળયુગમાં પણ કૃષ્ણ નાં દર્શન કરી લીધાં હોય."

હવે પકાભાઈ વખાણ કરતાં કે કટાક્ષ એ આજ સુધી મને નથી સમજાયું..તમને કોઈને સમજાય તો જાણ કરવા વિનંતી.

આમ ને આમ બે વર્ષ જેટલો સમય નીકળી ગયો.ઘણી છોકરીઓ એ મારી જીંદગી માં પ્રવેશ કર્યો પણ કોઈ જીંદગી ના બની શકી.હું જ્યારે કોઈને સાચાં દિલ થી પ્રેમ કરવા લાગતો કે પછી એની સાથે લગ્ન સુધી નું વિચારી લેતો ત્યારે એ છોકરી સાથેનો સંબંધ ઘણી ઝડપથી સમેટાઈ જતો.આનું કારણ એવું હોઈ શકે કે એ લોકો સિરિયસ રિલેશનશિપમાં વિશ્વાસ જ નહોતાં રાખતાં.

ધીરે ધીરે મને પણ પ્રેમ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો અને હું ટાઈમપાસ રિલેશનથી પણ ઉબાઈ ગયો હતો.આમ પણ જે સંબંધ નું ભવિષ્ય ના હોય એને ફક્ત જાતીગત ઈચ્છાઓ પૂર્ણ કરવા જાળવી રાખવો યોગ્ય તો નથી જ.

મહેસાણા માં દોઢેક વર્ષ સુધી નોકરી કર્યા પછી પણ મને મારું ભવિષ્ય ત્યાં મારી મરજી મુજબ નિર્માણ પામશે એ અંગે સંશય હતો એટલે પાછાં બિસ્તરા પોટલાં ભર્યા ને આવી ગયો અમદાવાદ.

આવી ને અમદાવાદ શહેર ને મારાં આવવાની જાણ કરતાં કહી દીધું.

"Ahmedabad I Am Back"

પણ આ વખતે દૃઢ નીર્ધાર કરીને આવ્યો હતો કે કોઈપણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે પણ હવે હું આ શહેર ને કોઈપણ કાળે મુકવાનો નથી.ભુત જાય ને પાછું ના આવે એ માટે ઘરડાં લોકો રાઈ નાંખતા એવું આ વખતે મારાં પપ્પા પોતે કરશે એવું એમને મને કહ્યું હતું..jokes apart.

***

પ્રથમ વખત જ્યારે અમદાવાદ ગયો ત્યારે હું Unmature હતો પણ અત્યારે જે શિવાય અમદાવાદમાં મોજુદ હતો એ Mature થઈ ચૂક્યો હતો. પ્રથમ વખત અમદાવાદ આવ્યો ત્યારે જે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી નોકરી મળી હતી એનાંથી વિપરીત આ વખતે ઘણી સારી લાઈન હાથમાં આવી હતી.ઈચ્છિત ભવિષ્ય ની સંધીયે યોજનાઓ પુરી કરવાની કોશિશ માં મેં હવે કામ માં ઝુકાવી દીધું હતું.

અહીં મારે ઓફીસ પૂરતું મિત્ર વર્તુળ ખરું પણ ઘરે આવીને મેં ઓર મેરી તનહાઈ જેવો ઘાટ નિર્માણ પામતો.આવાં સમયે મારી વ્હારે આવ્યું મારું લખાણ.હા,દોસ્તો આ લેખને મને અમદાવાદ માં ટકી રહેવા માટે ની શક્તિ આપી એવું કહું તો ખોટું નહીં કહેવાય.

ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત Ebook એપ માતૃભારતી અને પ્રતિલિપિ પર હજારો ની સંખ્યામાં વાંચકો મને ફોલો કરવા લાગ્યાં.બંને એપ્લિકેશન પર જોતજોતામાં હું ટ્રેન્ડિંગ ઓથર બની ગયો.પછી તો શું ફેસબુક પર રોજની પચાસ જેટલી ફ્રેન્ડ રિકવેસ્ટ તો whatsup પર રોજ નવાં નવાં નંબર પરથી સેંકડો મેસેજો ની ભરમાર થવા લાગી.

મારી નોવેલ ની સાથે હું પણ વાંચકો માં જાણીતું નામ બની ગયો હતો.પુરુષ વાંચકો કરતાં મારાં સ્ત્રી વાંચકો ની સંખ્યા બમણી હતી જે મેસેજ ની સાથે ક્યારેક મારાં લખાણ નાં વખાણ કરવા કોલ પણ કરી લેતાં. બધાં સાથે વાત કરવાનો તો સમય નથી મળતો પણ દરેક સાથે હું ક્યારેક ક્યારેક મેસેજ થી વાત જરૂર કરી લઉં છું.

મોટાભાગની સ્ત્રી વાંચકો ને હું દીદી કહીને જ વાત કરતો અને એ પણ મને નાના ભાઈની જેમ રાખતાં. મારાં એક વાંચક બેન તો મારાં લગ્ન માટે છોકરી પણ શોધીને લાવ્યાં હતાં. આ બધી વાંચકો માં ઘણી સમવયસ્ક યુવતીઓ પણ હતી જે દેખાવ અને બુદ્ધિશક્તિ બંનેમાં અવ્વલ હોય એવું જણાતું હતું.પણ એક લેખક તરીકે મેં ક્યારેક કોઈની જોડે વાતોમાં લિમિટ ક્રોસ કરી નથી.

એક વખત મારી એક પોએમ માટે એક વાંચક ની કોમેન્ટ આવી કે

"તમારી પંક્તિ બહુ સરસ છે.."

મેં પ્રત્યુત્તર માં એમનો આભાર માન્યો પણ એમની એ કોમેન્ટ કોઈ ભુલાયેલાં પ્રકરણ ની યાદ તાજી કરતી ગઈ..એ કોમેન્ટ નાં શબ્દોને હું જાણે ભેંસ ચારો વાગોળે એમ મનમાં વાગોળતો જ રહ્યો.

"મારી પંક્તિ..કાશ એ મારી જ હોત..પંક્તિ શિવ પટેલ.."

***

ધીરે-ધીરે મને અમદાવાદમાં ફાવી ગયું હતું. construction ક્ષેત્ર ની મારી લાઈન હતી જેમાં હું મકાનો નાં ડ્રોઈંગ કરતો અને એને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં પાસ કરાવી આપતો જેની સારી એવી કન્સલ્ટિંગ ફી રહેતી.

હવે મને મારાં એ કામમાં પણ સારી એવી પકડ આવી ગઈ હતી.જે અમદાવાદ ને હું નફરત કરતો હતો એને પણ મેં હવે "sorry અને i love you" કહી દીધું હતું.માણસ ને હકીકતમાં જોઈએ શું "name and fame".બંને હતાં મારી જોડે છતાંય કંઈક હજુપણ ખૂટતું હતું.

કામ અંતર્ગત મારે અમદાવાદ ની કોર્પોરેશન ની ઝોનલ ઓફિસોમાં જવાનું થતું હતું..આવાં જ એક કામ માટે હું ઉસ્માનપુરા ખાતે આવેલી પશ્ચિમ ઝોન ની ઓફિસે જતો હતો.રિવરફ્રન્ટ થી ઝોનલ ઓફીસ તરફ જતાં રસ્તાના સિગ્નલે હું ઉભો ઉભો સિગ્નલ ખુલવાની રાહ જોઈ રહ્યો હતો.

અમદાવાદ માં પણ ટ્રાફિક ની સમસ્યા દિવસે ને દિવસે વકરતી જાય છે..મુંબઈ જેવું ટ્રાફિક અમદાવાદ માં થવા લાગ્યું હતું.ડ્રાઈવ કરતાં કરતાં રાજ કપુર ની ફિલ્મ મેરા નામ જોકર મુવી નું ગીત સ્ફુરી ઉઠતું.

"એ ભાઈ જરા દેખ કે ચલો..આગે ભી નહીં પીછે ભી..

દાયે ભી નહીં બાયે ભી..ઉપર હી નહીં નીચે ભી.."

ચાલો હવે મૂળ મુદ્દા પર આવીએ,તો ક્યાં હતાં આપણે..હમ્મ..હા યાદ આવી ગયું..હું ઉસ્માનપુરા ટ્રાફિક સિગ્નલ પર રેડ લાઈટ ને ગ્રીન લાઈટ માં બદલવાની રાહ જોઈને ઉભો હતો..સામેની તરફ ડિજિટલ કલોક દર્શાવી રહી હતી કે હજુ 112 સેકન્ડ બાકી હતી એટલે મેં અનાયાસે જ મારી નજર ને આમ તેમ ઘુમાવી.

મારી જમણી તરફ મને એક કોફી કલરની સિયાઝ માં બેઠેલી એક યુવતી દ્રશ્યમાન થઈ..જેનો ચહેરો હૂબહૂ પંક્તિ ને મળતો આવતો હતો.શું સાચેમાં એ પંક્તિ જ હતી કે પછી એ મારો કોઈ ભ્રમ હતો?એની મૂંઝવણમાં સિગ્નલ પર ની સમય અવધિ ઘટીને 46 સેકન્ડ પહોંચી ગઈ હતી.

પંક્તિ અહીં કેવી રીતે..??અરે કેમ ના હોય..??પણ એનો ચહેરો મુરઝાઈ ગયેલો લાગે છે..અરે પણ સાડા ત્રણ વર્ષે માણસ નાં ચહેરામાં થોડું તો પરિવર્તન આવ્યું હોય કે નહીં..??દલા તલવાડી જેવો મારો ઘાટ સર્જાયો હતો.જાતે જ પોતાને સવાલ પૂછતો અને જાતે જ જવાબ આપતો.

આ વિચારો નું ઉભું થયેલું વાવાઝોડું શાંત થાય એ પહેલાં તો રેડ લાઈટ ગ્રીન લાઈટમાં બદલાઈ ચુકી હતી..હું હતો છેક ડાબી તરફ અને એ પંક્તિ જેવી લાગતી છોકરી પોતાની કારને લઈને ઉભી હતી જમણી તરફ..એને જમણી તરફ જુના વાડજ તરફ નું સાઈડ સિગ્નલ પણ બતાવી રાખ્યું હતું..મારે જવાનું હતું સીધી દિશામાં.

હું એ તરફ જવા માંગતો હતો પણ એક પછી એક વચ્ચેથી પસાર થતી અન્ય ગાડીઓએ મારો રસ્તો રોકી રાખ્યો હતો..હું એ યુવતી ની કારને મારી નજરો થી ઓઝલ થઈ જોઈ રહ્યો..શાયદ બીજીવાર પંક્તિ મને હાથતાળી આપી નીકળી ગઈ હતી.હું એ તરફ પણ ગયો પણ અડધો એક મિનિટ નો જે સમય એ દરમિયાન વીતી ગયો એમાં એ યુવતી ક્યાં નીકળી ગઈ એની ખબર જ ના રહી.

હૃદય પર જાણે હજારો ટન નો બોજ આવી ગયો હોય એવું લાગી રહ્યું હતું.માથું ભારે થઈ ગયું હતું અને હાથ-પગ અચાનક કામ આપતાં બંધ થઈ ગયાં નું મહેસુસ થઈ રહ્યું હતું..એક કારણ વગરની ગ્લાની મને અત્યારે સતાવી રહી હતી.

"દિલ ને વગર ચાકુ-છુરીથી કોઈ બારીકાઈથી વેતરી ગયું.

જળ ની હતી ચાહના ને કોઈ મૃગજળ બની છેતરી ગયું.."

***

જેમ તેમ કરી ઘરે તો પહોંચી ગયો પણ હજુ એ કારમાં બેસેલી એ યુવતી નો ચહેરો આંખો ની સામે રહીરહીને આવી જ જતો..જેટલી કોશિશ કરતો હતો કે એને ભૂલી જાઉં એટલી વધુ તીવ્રતાથી એની યાદ દિલ અને દિમાગ પર છવાઈ જતી હતી.

જો એ પંક્તિ જ હશે તો..??શિવ આજે પણ તું એને પોતાનાં દિલની વાત ના કહી શક્યો..??આવી અમૂલ્ય તક તે કેમ ગુમાવી દીધી..??પોતાની જાત ને દોષ દેતાં ઘણાયે સવાલો એકપછી એક મેં મારી જાત ને પૂછે જ રાખ્યાં.રાતનાં એક વાગી ગયાં પણ ઊંઘ નું નામોનિશાન મારી આંખોમાં નહોતું.

આંખો બંધ કરું તો એ યુવતી અને પંક્તિ બંને નો ચહેરો એકપછી એક ફિલ્મ ની રીલ ની માફક દોડતો હતો.નાનાં હતાં ત્યારે ઝગમગ કે બાળ ભાસ્કર ની અંદર ચિત્રો વચ્ચે તફાવત શોધવાની કોશિશ કરતાં એમ આજે હું પંક્તિ અને કારમાં બેસેલી એ યુવતી વચ્ચે ની સામ્યતા શોધવાનાં પ્રયાસમાં લાગી ગયો.બે મિનિટ થી ઓછી સમય સુધી જોયેલાં એ યુવતીના ચહેરા ની સાથે એનાં હાવભાવ કેવાં હતાં એ વિશે પણ વારંવાર વિચારી રહ્યો હતો.

છેલ્લે હું એ નિર્ણય પર આવી ગયો હતો કે એ સિયાઝમાં બેઠેલી યુવતી બીજું કોઈ નહીં પણ પંક્તિ જ હતી..એજ નયનનક્ષ અને મુખાકૃતિ..હા એ પંક્તિ જ હતી એમ હું મનોમન બોલી ઉઠ્યો..પણ જો એ પંક્તિ જ હતી તો આ મારી બીજી મુલાકાત પણ અધૂરી રહી.

શેરબજારમાં કડાકો થાય અને લાખો કરોડો ની મૂડી ધોવાઈ જાય એવાં ઇન્વેસ્ટર જેવી કફોડી હાલત થઈ ગઈ હતી મારી.આગળ શું કરવું એવું વિચારવાની શક્તિ હણાઈ ગઈ હતી.મધદરિયે એવી નાવમાં સવાર નાવિક જેવી દશા હતી જેની નાવ માં પણ કાણું પડી ગયું હતું અને જોડે જોડે મેહુલો પણ મુશળધાર વરસી રહ્યો હતો.

અચાનક એક વિચારે મારી હતાશા ને ગાયબ કરી મુકી. રાખમાંથી ઉભાં થતાં ફિનિક્સ પક્ષી ની માફક હું નિરાશા અને હતાશામાંથી હું પથારીમાં જ બેઠો થયો. મેં વિચારેલી વાત ને હમણાં જ અંજામ આપી દઉં એવું મનમાં થતું હતું પણ રાતે એક વાગે થોડું કોઈ મારી માટે નવરું હશે એમ વિચારી મેં મારી જાત ને સવાર સુધી ધરપત રાખવાની કહી.

"શિવ ચોક્કસ એ યુક્તિ સફળ રહેશે અને તું પંક્તિ ને ત્રીજી વાર મળી શકીશ"એવું મેં મારી જાત ને કહી દીધું હતું.

ઘડિયાળ નો ટીક ટીક કરતો કાંટો જાણે કોઈ ભાર સહન કરતો હોય એમ મંદ ગતિએ આગળ વધી રહ્યો હોય એવું મને લાગતું હતું.આમ પણ જ્યારે તમે સમય વીતી જવાની રાહ જોવો ત્યારે એ કેમેય કરીને વીતતો નથી અને જ્યારે સમય વીતે નહીં એવું વિચારો ત્યારે ઘડિયાળ નાં કાંટા જેટ ની માફક ગતિમાન હોય એવું બનતું.આવું આપણાં દરેક જોડે ક્યારેક ને ક્યારેક બન્યું તો હશે જ.

મન માં સ્ફુરેલો વિચાર યાદ કરી નુસરત ફતેહ અલી ખાન સાહેબ ની અમુક નબ્ઝ યાદ આવી ગઈ અને હું ચહેરા પર એક આછેરી મુસ્કાન સાથે પંક્તિને ફરીવાર મળવાની આશા સાથે સુઈ ગયો.

"રાત યું દિલ મેં તેરી ભૂલી હુઈ યાદ આઈ

જૈસે વિરાને મૈં ચુપકે સે બહાર આ જાયે..

જૈસે સેહરાઓ પે ચલે હોલે સે બાદલસી.

જૈસે બીમાર કો યું બે-વજહ કરાર આ જાયે.."

***

વધુ આવતાં અંકે.

શું સાચેમાં એ યુવતી પંક્તિ જ હતી કે પછી વાંચક ની કોમેન્ટ વાંચ્યા પછી પંક્તિનાં ખ્યાલોમાં શિવ ને એ યુવતી પંક્તિ જેવી લાગી હતી..?? શિવ ક્યારેય પંક્તિને મળી શક્યો હતો કે પછી પંક્તિ સાથે ની એની પ્રથમ મુલાકાત છેલ્લી મુલાકાત બની ગઈ..?? પંક્તિ સુધી પહોંચવાનો શિવ નો આગામી માસ્ટર પ્લાન શું હતો..?? વાંચો આગળનાં ભાગમાં.

આ નોવેલ અંગે આપનાં અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો..સાથે માતૃભારતી પર મારી અન્ય બીજી નોવેલ પણ આપ વાંચી શકો છો.

આખરી દાવ

બેકફૂટ પંચ

ડેવિલ:એક શૈતાન

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ

~જતીન.આર.પટેલ (શિવાય)