Breadni vangio in Gujarati Cooking Recipe by Mital Thakkar books and stories PDF | બ્રેડની વાનગીઓ

Featured Books
  • Shadows Of Love - 12

    अर्जुन ने अपने मन को कस लिया। उसके दिल की धड़कन तेज़ थी, लेक...

  • BAGHA AUR BHARMALI - 9

    Chapter 9 — मालदेव द्वारा राजकवि आशानंद को भेजनाबागा भारमाली...

  • Salmon Demon - 1

    पुराने समय की बात है जब घने जंगलों के नाम से ही गांव के लोग...

  • अधुरी खिताब - 45

    एपिसोड 45 — “जब कलम ने वक़्त को लिखना शुरू किया”(सीरीज़: अधू...

  • काला घोड़ा - रहस्य का दरवाज़ा - भाग 2

    काला घोड़ा — रहस्य का दरवाज़ा (भाग 2)लेखक – राज फुलवरेअंदर क...

Categories
Share

બ્રેડની વાનગીઓ

બ્રેડની વાનગીઓ

મિતલ ઠક્કર

બ્રેડ તો લગભગ દરેક ઘરમાં વપરાય જ છે, પરંતુ મોટાભાગના ઘરોમાં બ્રેડનો ઉપયોગ બ્રેડબટર કે સેન્ડવિચ માટે જ થાય છે. વિદેશમાં તો ઘણો વધુ ઉપયોગ છે. ત્યારે અમે સંકલિત કરીને લાવ્યા છીએ બ્રેડમાંથી બનતી અવનવી અને ડિલિશિયસ વાનગીઓ જેને પીરસીને તમે તમારા પ્રિયજનોને જરૂરથી ખુશ કરી શકશો. હંમેશાં જોવા મળ્યું છે કે ડાયેટિશિયન આપણને બ્રાઉન બ્રેડ ખાવાની સલાહ આપતા હોય છે. કેમ કે વ્હાઇટ બ્રેડની તુલમાં એ વધુ હેલ્ધી હોય છે. પરંતુ વ્હાઇટ અને બ્રાઉન બ્રેડ વચ્ચે અંતર જાણી લેવા જેવું છે. બ્રાઉન બ્રેડ ઘઉંમાંથી બનતી હોય છે, જ્યારે વ્હાઇટ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે. રિફાઇન્ડ અનાજની સાથે મુશ્કેલી એ હોય છે કે એમાંથી અનાજનું ઉપરનું પડ કાઢી નાંખવામાં આવે છે. તેના છોડામાં ફાઈબર ઘણી માત્રામાં હોય છે અને તેમાં પોષક તત્વો સારી માત્રામાં જોવા મળે છે. રિફાઇન્ડ અનાજમાં ચોકર અને બીજ નથી હોતા. મેંદામાં અનાજના રિફાઇન્ડિંગની પ્રક્રિયા દરમિયાન અનાજનું બહારનું પડ જેમાં ઉપસ્થિત પોષકતત્વ હોય એ રહેતું નથી. આ કારણે ઘઉંની બ્રેડ વ્હાઇટ બ્રેડ કરતાં વધુ હેલ્થી ગણાય છે. એ વાત પરથી જ ખ્યાલ આવશે કે ઘઉંમાંથી મેંદાની બ્રેડ બનાવતાં ૮૦ ટકા વિટામીન ઇ નો નાશ થાય છે. વ્હાઈટ બ્રેડની સરખામણીએ બ્રાઉન બ્રેડ વધુ ન્યૂટ્રીશિયસ અને હેલ્ધી હોય છે. બ્રાઉન બ્રેડમાં અનેક પ્રકારના વિટામિન જોવા મળે છે. તેને નાસ્તામાં ખાવી આરોગ્ય માટે ખૂબ સારી છે. વ્હાઈટ બ્રેડમાં ખાંડ હોવાને કારણે તેમાં કેલોરી પણ વધુ હોય છે. જો તમે વ્હાઈટ બ્રેડને પસંદ કરો છો તો એટલું ધ્યાન રાખો કે દિવસમાં બે સ્લાઈસથી વધુ બિલકુલ ન ખાશો. જે વસ્તુઓમાં ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછું હોય છે તે વસ્તુ ખાવામાં હેલ્ધી હોય છે. બ્રાઉન બ્રેડમાં ગ્લાઈસેમિક ઓછું છે. બ્રાઉન બ્રેડમાં ફાઈબર વધુ હોય છે. વ્હાઈટ બ્રેડમાં ફાઈબર તો ઓછું હોય છે પણ તેને ખાવાથી બ્રાઉન બ્રેડ કરતા શરીરને વધુ કેલ્શિયમ મળે છે. ઘરે બનાવેલી બ્રેડ વધુ સારી ગણાય છે. સૌપ્રથમ એ રીત ખાસ નોંધી લો.

ઇન્સ્ટન્ટ બ્રેડ પીઝા

સામગ્રી: ગોળ કાપેલી બ્રેડની સ્લાઇસ, ટામેટાની ગ્રેવી અથવા સોસ, બારીક કાપેલા ડુંગળી, ટામેટા અને કેપ્સીકમ જરૂર મુજબ, ચીઝ ટેસ્ટ મુજબ

રીત: બ્રેડને ગોળાકારમાં કાપી લો. તેની ઉપર ટામેટાની ગ્રેવી અથવા સોસ લગાડો. તેની ઉપર બારીક કાપેલા ડુંગળી, ટામેટા અને કેપ્સીકમ મુકો. તેની ઉપર ખમણેલી ચીઝનો થર કરો. હવે એક નોનસ્ટિક પેનમાં થોડું બટર લગાડી બ્રેડને શેકવા માટે ગેસ ઉપર મુકો. ચીઝ ઓગળે ત્યાં સુધી મિડિયમ તાપે શેકાવા દો. ચીઝ ઓગળે અને બ્રેડ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી એક સર્વિંગ પ્લેટમાં બધા બ્રેડ પીઝા ગોઠવી દો. સલાડથી પ્લેટ સજાવો. મોકટેલ અથવા કોલ્ડ્રીંક સાથે સર્વ કરો.

મેયો સૅન્ડવિચ

સામગ્રી: મલ્ટિ-ગ્રેન બ્રેડની છ સ્લાઇસ, છ ચમચા મેયોનીઝ, અડધો કપ મકાઈના દાણા, પા કપ સમારેલાં કૅપ્સિકમ, પા કપ સમારેલા લીલા કાંદા, એક ચમચી દળેલી સાકર, એક ચમચી મલાઈ, એક ચમચી ચિલી ફ્લૅક્સ, એક ચમચી હબ્ર્સ, મીઠું અને મરી સ્વાદ પ્રમાણે, માખણ જોઈતા પ્રમાણે.

રીત: સૌપ્રથમ બ્રેડની સાઇડ કાપી માખણ લગાવી અલગ રાખો. મકાઈના દાણાને બાફી મિક્સરમાં વાટી અલગ રાખો. એક બાઉલમાં મેયોનીઝ લઈ એમાં મકાઈના દાણા, સમારેલાં કૅપ્સિકમ, લીલા કાંદા, સાકર, મલાઈ, ચિલી ફ્લૅક્સ, હબ્ર્સ, મીઠું અને મરી નાખી મિક્સ કરો. આ મિશ્રણને બ્રેડની સ્લાઇસ પર પાથરી સૅન્ડવિચ તૈયાર કરો.

મેક્સિકન બ્રેડ રોલ

સામગ્રી: બ્રેડની આઠ સ્લાઇસ, તળવા માટે તેલ,

ફિલિંગ માટે: ચાર ચમચા બાફેલી મકાઈના દાણા, એક બારીક સમારેલું કૅપ્સિકમ, બે ચમચી મેંદો, એક કપ દૂધ, પા કપ ખમણેલું ચીઝ, બે ચમચા બટર, મીઠું સ્વાદ પ્રમાણે

રીત: ફિલિંગ બનાવવા માટે એક પૅનમાં બટર ગરમ કરો. એમાં મેંદો ઉમેરીને સતત હલાવતા રહો. મેંદો શેકાઈ જાય એટલે એમાં દૂધ ઉમેરીને હલાવો અને જાડો તેમ જ લિસ્સો સૉસ તૈયાર કરો. આ સૉસમાં મકાઈના દાણા, કૅપ્સિકમ, ચીઝ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરીને અલગ રાખો.

બ્રેડની કિનારીઓ કાપી લો. દરેક સ્લાઇસને પાણીમાં બોળો. ત્યાર બાદ એને હાથેથી દબાવીને પાણી નિચોવી લો. બ્રેડની સ્લાઇસ પર એક ચમચી તૈયાર કરેલું પૂરણ લગાવો અને રોલ કરો. રોલ કરી બન્ને સાઇડને બરાબર સીલ કરી દો. બધા રોલ આ રીતે તૈયાર કરો. એક પૅનમાં તેલ ગરમ કરી રોલને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. રોલને ટૉમેટો સૉસ સાથે ગરમ-ગરમ સર્વ કરો. ધ્યાન રાખો કે રોલની અંદર ભરવા માટેનું ફિલિંગ ઢીલું ન હોવું જોઈએ, નહીં તો રોલ બરાબર સીલ નહીં થાય.

ઇન્સ્ટન્ટ મસાલા બ્રેડ ચાટ

સામગ્રી: સાતથી આઠ બ્રેડ સ્લાઇસ, એક કાપેલી કાકડી, બે કાપેલા ગાજર, એક કાપેલી ડુંગળી, એક કાપેલું ટામેટું, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી મરીનો પાવડર, અડધી ચમચી લીંબુનો રસ, સેવ, કાપેલી કોથમીર.

રીત: સૌ પ્રથમ બ્રેડને નાના-નાના ટૂકડા કરી લો. ત્યારપછી બ્રેડ સહિત કાકડી, ગાજર, ટામેટા, મીઠું, મરીનો પાવડર, લીબુંનો રસ લઇને એકસાથે બાઉલમાં મિક્સ કરો અને એક પ્લેટમાં કાઢો. સર્વ કરતા પહેલા તેની ઉપર સેવ, લીલી કોથમીર અને ડુંગળી નાંખી ગાર્નિશ કરો. તૈયાર છે ઇન્સ્ટન્ટ મસાલા બ્રેડ ચાટ. હવે તેને એક પ્લેટમાં કાઢીને સર્વ કરો.

બ્રેડ પકોડા

સામગ્રી: 6 સ્લાઈસ મોટી બ્રેડ, 250 ગ્રામ બેસન, 200 ગ્રામ બાફેલા બટાકા, લીલી ચટણી, મીઠું, મરચુ, અજમો, હિંગ, હળદર, લીલા મરચાં અને લીલા ધાણા સ્વાદ મુજબ. તળવા માટે તેલ.

રીત: બેસનમાં મીઠું અને થોડુંક મરચું નાખીને પ્રમાણસર પાણી નાખી ભજીયા જેવું ખીરુ તૈયાર કરી લો. બટાકાનો મસાલો-બાફેલા બટાકાને મસળીને તેમા મીઠુ, સમારેલા મરચાં અજમો, હિંગ, હળદર, લીલા ધાણા નાખીને સારી રીતે મિક્સ કરી લો.

લીલા ધાણાની ચટણી-100 ગ્રામ ધાણામાં બે ત્રણ લીલા મરચા, મીઠુ નાખીને લીલી ચટણી બનાવી લો. હવે બ્રેડની બે સ્લાઈસ લો. એક સ્લાઈસ પર તૈયાર બટાકાના મસાલાનું પાતળું પડ બીછાવી લો. અને બીજી બ્રેડની સ્લાઈસ પર લીલી ચટણી લગાવી દો. હવે આ બ્રેડ સ્લાઈસને એક પર એક મુકીને દબાવી દો. વચ્ચેથી કાપીને ત્રિકોણાકાર કરી લો.

બ્રેડ ડિલાઈટ

સામગ્રી : ૫-૬ બ્રેડ સ્લાઈસ, ૧ લિટર દૂધ, ૨-૩ લીલી એલચી, બદામ, મેવાવાળો આઈસક્રીમ, ૨ ટીપાં પીળો રંગ, ૨ ટીપાં કેવડાનું એસેન્સ, શુગર ફ્રી અથવા ૧/૨ ચમચો ખાંડ, ઘી ઈચ્છાનુસાર.

રીત : સ્લાઈસોના ટુકડા કરો. એલચી નાખી દૂધ ઉકાળી જાડું કરો. ખાંડ મેળવો. સ્લાઈસ ટુકડાઓને તળી લો અથવા નોનસ્ટિક પેનમાં ફરસાં અને ગુલાબી શેકી લો. સર્વિંગ બાઉલમાં બ્રેડ ટુકડા ગોઠવો. જાડા દૂધમાં રંગ અને એસેન્સ મિક્સ કરો અને ઉપરથી ટુકડા પર નાખો. તે પછી તેને સેટ કરવા ફ્રિજમાં રાખો. સર્વ કરતી વખતે કાપેલી બદામ પાથરો અને ઠંડો જામેલો આઈસક્રીમ ઉપરથી સજાવી સર્વ કરો.

બ્રેડનો હલવો

સામગ્રી: ૮-૧૦ બ્રેડની સ્લાઇસ, એક ચમચો બારીક સમારેલી બદામ, એક ચમચો બારીક સમારેલા કાજુ, એક ચમચી કિસમિસ, પા ચમચી એલચીનો ભૂકો, બે ચમચા સાકર, અડધો કપ છીણેલો માવો, પા કપ દૂધ, સજાવટ માટે ૮-૧૦ તળેલા કાજુ

રીત: બ્રેડની કિનારીઓ કાપી લો અને અલગ રાખો. બ્રેડની સ્લાઇસના નાના-નાના ટુકડા કરો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો અને બ્રેડની કિનારીઓને ઘીમાં તળી એક પેપર પર કાઢી લો. ગૅસનો તાપ ધીમો કરો અને બાકીના ઘીમાં બદામ, કાજુ, કિસમિસ ઉમેરી સાંતળો. એમાં બ્રેડના ટુકડા ઉમેરીને હલાવો અને સાંતળો. બ્રેડનો કલર ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં એલચીનો ભૂકો ઉમેરો. પછી સાકર ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યાર બાદ માવો મિક્સ કરો. છેલ્લે દૂધ ઉમેરીને હલાવો અને પાંચથી સાત મિનિટ સુધી ચડવા દો. ઘી છૂટે એટલે સર્વિંગ બાઉલમાં કાઢો અને બ્રેડની તળેલી કિનારી તેમ જ તળેલા કાજુથી સજાવીને ગરમ-ગરમ પીરસો.

હેલ્ધી સૅન્ડવિચ

સામગ્રી : ૮ સ્લાઇસ બ્રાઉન અથવા વાઇટ બ્રેડ, અડધો કપ ઘટ્ટ દહીં, અડધો કપ તોફુ / પનીર, ૧ ટેબલ-સ્પૂન ઑલિવ તેલ, ૧ ટેબલ-સ્પૂન બટર, ૧ ટેબલ-સ્પૂન બેસિલ લીવ્ઝ, ૧ ટી-સ્પૂન ગાર્લિક મીઠું (ફ્રેશ), ૧ ટી-સ્પૂન મસ્ટર્ડ પેસ્ટ, ૧ ટી-સ્પૂન મરી પાઉડર, અડધો કપ ખમણેલાં ગાજર, કાંદા, કોબી, કૅપ્સિકમ, ટમેટાં (સાઇડ પાર્ટ)

રીત: બ્રેડની સાઇડની કિનારી કાપી લેવી. બ્રેડના ત્રિકોણ પીસ કરવા. એક મિક્સર જારમાં દહીં, તોફુ અથવા પનીર પીસી લેવું. એને બોલમાં કાઢી એમાં તેલ, બટર, બેસિલ લીવ્ઝ, લસણવાળું મીઠું (માર્કેટમાં મળે છે), સ્ટર્ડ પેસ્ટ, મરી બધું સરખું મિક્સ કરવું. બધી શાકભાજીને દહીંવાળા મિશ્રણમાં મિક્સ કરવી. આ મિશ્રણને બ્રેડ ઉપર પાથરી બીજા બ્રેડથી કવર કરવી. જો ટિફિન-બૉક્સમાં સૅન્ડવિચ ભરવી હોય તો બ્રેડને ટોસ્ટ કરી પછી આ મિશ્રણ લગાડી સૅન્ડવિચ બનાવી લેવી. એને ઍલ્યુમિનિયમ ફૉઇલથી કવર કરી બૉક્સમાં ભરવી. કેચપ સાથે સર્વ કરવું.

રશિયન સલાડ સેન્ડવીચ

સામગ્રી : ૧/૪ કપ પાઈનેપલના પીસ, ૧/૪ કપ ગાજર ગ્રેટેડ, ૧/૪ કોબી બારીક સમારેલી, ૧/૪ કપ કેપ્સિકમ ઝીણું સમારેલું, ૧ કપ મેયોનીઝ, ૧/૨ કપ ચીઝ, ઓરેગાનો ૧/૨ ટી.સ્પૂન, ચીલી ફ્લેક્સ ૧/૨ ટી.સ્પૂન, ચાટ મસાલો ૧/૨ ટી.સ્પૂન, ૧ ટી.સ્પૂન ખાંડ, લીંબુંનો રસ, નમક.

રીત : પાઈનેપલ, ગાજર, કોબી, કેપ્સિકમ મિક્સ કરી તેમાં મેયોનીઝ, ચીઝ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, ખાંડ, નમક, લીંબુ રસ નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે બ્રેડ સ્લાઈસ પર બટર લગાવી તેના પર સ્ટફિંગ મૂકી ઉપર બીજી સ્લાઈસ રાખી તેને ગ્રીલરમાં લાઈટ ગ્રીલ કરો. બહુ વધારે ગ્રીલ ન થવા દેવી. ગ્રીલરની ઈમ્પ્રેશન (લાઈન)પડેલી દેખાય એટલે કાઢી લેવી.

બ્રેડનાં દહીંવડાં

સામગ્રી: સેન્ડવીચ બ્રેડની ૮ સ્લાઈસ, ૧ બાફેલાં બટાકું, ૧૦ કિશમિશ, ૧ ચમચો સમારેલા કાજુ, ૧ ચમચી ઝીણા સમારેલાં આદું- મરચાં, ૧ ચમચી ઝીણી સમારેલી કોથમીર, ૧ ચમચી ટોપરાનું છીણ, મીઠું સ્વાદ મુજબ, ૨૫૦ ગ્રામ ફીણેલું ઘટ્ટ દહીં, ચપટી હિંગ, ૧ ચપટી જીરા પાઉડર, ૧/૨ ચમચી લાલ મરચું, સૂંઠ અથવા મીઠી ચટણી સ્વાદાનુસાર.

રીત: બ્રેડ સ્લાઈસ ઉપર વાટકો મૂકી તેને ગોળ- ગોળ કાપી લો. પછી બટાકાં મસળીને તેમાં સૂકો મેવો, કોથમીર, લીલા મરચાં, આદું, ટોપરાનું છીણ તથા મીઠું મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. આમાંથી થોડું- થોડું મિશ્રણ લઈ ૪ ગોળ કાપેલી બ્રેડ ઉપર લગાવી ઉપર બીજી ૪ બ્રેડ મૂકી દબાવી દો. પછી તેના ઉપર દહીં તથા મીઠી ચટણી નાખો. છેલ્લે સૂંઠ, જીરા પાઉડર અને લાલ મરચું ભભરાવી ઠંડા- ઠંડા બ્રેડનાં દહીંવડાં સર્વ કરો.

બ્રેડ ચાટ

સામગ્રીઃ ૬ સ્લાઈસ બ્રેડ, એક વાટકી દહીં, બે બટાકાં, ૧ ટામેટું, ૩-૪ લીલાં મરચાં, થોડી કોથમીર, મીઠું સ્વાદ મુજબ, ૧/૨ ચમચી શેકેલું જીરું, ૧/૨ ચમચી- આંબોળિયાં, ૧/૨ ચમચી સંચળ, એક વાટકી બાફેલા સફેદ ચણા.

રીતઃ એક ગોળ ઢાંકણાની મદદથી બ્રેડની સ્લાઈસને ગોળાકાર કાપી, તળી નાખો. બટાકાં તથા ચણાને બાફી નાખો. દહીંને વલોવી રાખો. હવે બટાકાં, ટામેટાં, કોથમીર તથા લીલાં મરચાંને બારીક સમારો. એક પ્લેટમાં બ્રેડની તળેલી સ્લાઈસ ગોઠવી તેના પર બટાકાં તથા ચણા નાખો. ટામેટાંના ટુકડા પણ નાખો. તેના પર વલોવેલું દહીં રેડો. હવે શેકેલું જીરું, આંબોળિયાં, સંચળ, મીઠું વગેરે ભભરાવો અને છેલ્લે કોથમીર તથા લીલા મરચાંથી સજાવટ કરો. આ બ્રેડ ચાટને ખાતી વખતે જ બનાવવી, નહીં તો બ્રેડની તળેલી સ્લાઈસ પોચી પડી જશે.

***

બ્રેડ બનાવવાની રીત:

સામગ્રી: ૧ કપ મેંદો, ૧ કપ ઘઉંનો લોટ, ૨ ટી-સ્પૂન ડ્રાય યીસ્ટ, ૧ ટી-સ્પૂન મીઠું, ૨ ટેબલ સ્પૂન તેલ, ૩ ટી-સ્પૂન ખાંડ, ૧ કપ પાણી.

રીત: એક પ્યાલામાં હૂંફાળું પાણી લઈ ખાંડ ઓગાળવી. યીસ્ટ નાંખી ઉપર ચપટી મેંદો ભભરાવી ૧૫ મિનિટ માટે ઢાંકીને રાખવું. ફીણવાળું મિશ્રણ થાય એટલે તેમાં તેલ, બંને લોટ તથા મીઠું નાખવા. બરાબર ભેગુ કરી, થોડું મસળી ૪૦ થી ૪૫ મિનિટ માટે ઢાંકીને રાખવું. બ્રેડ બનાવવાના વાસણમાં તેલ લગાવી, ચપટી મેંદો ભભરાવી કણીકને મૂકવી. ફરી ૪૫ મિનિટ માટે આથો લાવવો. ગરમ ઓવનમાં ૧૭૫ થી ૧૮૦ સે. બેઈક કરવું. ૪૦ થી ૪૫ મિનિટમાં બ્રેડ તૈયાર થઇ જશે. હવે વાસણ ઊંધુ પાડી બ્રેડને થોડા સમય માટે જાળી ઉપર રાખવી. તેનો ટોસ્ટ બનાવી બટર ચોપડીને સર્વ થઈ શકે અથવા કોર્ન ઓન ટોસ્ટ, રાજમા ઓન ટોસ્ટ, ચીઝ ટોસ્ટ જેવી અનેક વાનગીઓ બનાવી શકાય.

જો સરસ જાળીવાળા ખમણ, ઈડલી-ઢોંસા, મઠિયા તથા મોહનથાળ જેવી અઘરી ગણાય એવી વાનગીઓ આપણે બનાવી શકીએ તો બ્રેડ શા માટે નહીં એવું નક્કી કરો. ફક્ત થોડો મહાવરો કેળવવો પડે. ઘરની બ્રેડ વધુ સારી રહે છે. ઘઉંમાં જે બેકિંગ ક્વોલિટી છે તે અન્ય કોઈ જ અનાજમાં નથી. કઠણ ઘઉંનું પ્રોટીન ઉચ્ચ ગુણવત્તાવાળું છે. તેમાંથી બનતા લોટમાં પાણીને શોષવાની શક્તિ તથા આવેલા આથાને જાળવી રાખવાની શક્તિ સારી છે. લોટમાં પાણી નાખવામાં આવતા આ પ્રોટીન, રબ્બર જેવો પદાર્થ બનાવે છે. જેને ગ્લુટીનકહે છે. પોચી, જાળીદાર બ્રેડ બનાવવા માટે ગ્લુટીન આવશ્યક છે. લોટ પછી અન્ય સામગ્રી યીસ્ટછે. યીસ્ટ અગત્યનો એન્ઝાઈમ ઝાયમેઝધરાવે છે, જે બ્રેડને ફેલાવે છે. ફર્મેન્ટેશન માટે યીસ્ટની તોલે કોઈ આવી શકે નહીં. યીસ્ટ એ પ્રોટીન, અગત્યના ક્ષારો, ‘બીજૂથના વિટામિન ધરાવતી હોવાથી બ્રેડને પૌષ્ટિક પણ બનાવે છે. મીઠું અને ખાંડ પણ બ્રેડની બનાવટમાં નોંધપાત્ર ફાળો આપે છે. મીઠું સ્વાદ તથા સોડમ તો બ્રેડને અર્પે જ છે ઉપરાંત યીસ્ટની ક્રિયાને નિયંત્રિત પણ કરે છે તે ભેજશોષક હોવાથી બ્રેડ સૂકાઈ જતી નથી. ખાંડનું કાર્ય યીસ્ટને ખોરાક આપવાનું છે. ખાંડની હાજરીમાં યીસ્ટનો વિકાસ થાય છે. અને બ્રેડ ફૂલે છે. ખાંડનું કેરેમલાઈઝેશન થઈ બ્રેડની સપાટીનો રંગ કથ્થઈ બને છે. કેટલીકવાર બ્રેડમાં થોડો સોયાફ્લોર ઉમેરવામાં આવે છે. તેનાથી બ્રેડનું પોષણમૂલ્ય વધે છે તથા ભેજ શોષવાની શક્તિ પણ વધે છે.

***