આસક્તિ ભાગ -1
ફરી નીલે ઘડિયાળ જોઈ આજે ખુબ મોડું થયું ધારીણીને, નીલ ક્યારનો તેની રાહ જોઈ રહ્યો હતો અને વારંવાર ઘડિયાળ જોતો હતો. તેણે ફરી મોબાઈલ હાથમાં લઇ ધારીણીને ફોન લગાડ્યો. સતત રીંગ વાગી રહી છેલ્લે બેન બોલ્યા તમે ડાયલ કરેલો નંબર કોઈ ઉપાડતું નથી તે પણ તેણે આખું સાંભળી લીધું.
“ઓહ ભગવાન આજે કેમ આવું થયું, ધારીણી ક્યારેય મોડું નથી કરતી ક્યાં હશે ! આજે આવે એટલે જો તેને બરાબર હેરાન કરું દર વખતે હું પાંચ મિનીટ મોડું કરું તેમાં સમય પાલનનું લાંબુ ભાષણ આપી દેશે આજે હવે તેનો વારો” નીલ વિચારી રહ્યો.
ધારીણી અને નીલ બંનેએ આજે શહેરની બહાર હાઇવે પર એક કાફેમાં મળવાનું નક્કી કર્યું હતું. મોટાભાગે બંનેને અહિયાં બેસવું ગમતું. બંને છેલ્લા છ મહિનાથી મળતા હતા. નીલ થોડો અંતર્મુખી હતો. જયારે ધારીણી ખુબ બોલકી. મોટાભાગે જયારે બંને મળતા નીલ ચુપ જ રેહતો, બંને જાણતા જ હતા કે બંનેને એકબીજા સાથે રેહવું ગમે છે. નીલ હજી સુધી નક્કી નહતો કરી શક્યો કે આ પ્રેમ છે કે નહિ અને ધારીણી તો દુનિયાભરની વાતો કર્યા કરતી. તેને શું ગમે , શું ના ગમે થી માંડીને કેટલી બધી વાતો કરતી!!...ક્યારેક નીલને લાગતું બાપરે કેટલું બોલે છે આ..!! તો ક્યારેક તે ધારીણી ને કેહતો, “બસ હવે થોડો થાક ખા !!” તેની સાથે રેહવાથી નીલને સારું લાગતું, પોતાપણું લાગતું.
“સોરી યાર, આજે મને લગ્ન માટે એક છોકરો જોવા આવ્યો હતો અને તેની સાથેની મિટિંગ હતી તેના લીધે મારે મોડું થયું.” ધારીણી બોલી
“તું અડધી કલાક લેટ છે.” નીલ પોતાના સ્વભાવ મુજબ એટલું જ બોલ્યો
“ હા બાબા મને ખબર છે પણ શું કરું, મને હતું કે એ છોકરા સાથે જલ્દી મીટીંગ પતી જશે પણ આજે જરા વધારે વાર લાગી” ધારીણી બોલી નીલ તેની સામે જોઈ રહ્યો આજે તે ભારતીય પોષાક પેહરીને આવી હતી. તે ખુબ સુંદર લાગતી હતી. ધારીણી એ ક્યારેય તેને કહ્યું જ નહતું કે તે લગ્ન માટે છોકરા પણ જોવે છે. તેને નવાઈ લાગી કે આટલી બધી વાતો કરી અને ક્યારેય કેમ કહ્યું નહિ કે તે....
“નીલ , શું વિચારે છે આટલું બધું?” ધારીણી બોલી
“કઈ નહી કંટાળી ગયો યાર તારી રાહ જોઈને “ નીલ નો મૂડ જરા ઓફ થઇ ગયો. તેને પોતાને નવાઈ લાગી કે ધારીણી જો લગ્ન માટે છોકરા જોતી હોય અને તે કારણથી તે થોડી મોડી આવી હોય તો તેનો મૂડ કેમ ઓફ થઇ ગયો. આજે પેહલી વાર તેને પોતાના વર્તનથી નવાઈ લાગી.
“ તે કહ્યું નથી ક્યારેય કે તું લગ્ન માટે છોકરા પણ જોવે છે ધારીણી “ નીલ બોલ્યો તો ખરો પણ તેને પોતાના આ સવાલથી શરમ આવી. તેને લાગ્યું તે મૂર્ખતાભર્યા સવાલ પૂછી રહ્યો છે !
હા હા હા ધારીણી હસવા લાગી.
“ તે પણ ક્યાં કદી મને પૂછ્યું !“ ધારીણી બોલી
“ તને પૂછીએ એટલું જ તું બોલે છે તેવું તો નથી ધારીણી...આમ તો કેટલી વાતો કરતી હોય છે જયારે મળીયે ત્યારે આખા ગામની” નીલ બોલ્યો
“નીલ હું તો ઘણા સમયથી લગ્ન માટે છોકરા જોવ છુ અને રાહ જોવ છુ કે કોઈ ગમી જાય તો જલ્દી લગ્ન કરી લઉં.” ધારીણી થોડું ગંભીર થઇને બોલી અને ધ્યાનથી નીલની સામે જોવા લાગી.
“અચ્છા કેવો છોકરો ગમે તને?” નીલ ગંભીરતાથી બોલ્યો
ધારીણી હસી પડી તેને પણ આજે નીલના વિચિત્ર વર્તન ને લીધે હસવું આવતું હતું.
“જે મને હસાવી શકે જયારે મને ખાલીપણું લાગતું હોય ત્યારે” ધારીણી બોલી ,
હા ,તેની વર્જીનીટીથી મને કોઈ ફેર નથી પડતો તે ફરી હસતા હસતા બોલી
ધારીણી આમ પણ બોલવામાં શરમ ના રાખતી. નીલ શરમાય ગયો.
“પણ આજે તું કેમ મને આટલું બધું પૂછે છે.. તને શું થયું છે નીલ” ધારીણી બોલી
“મારે તારી સાથે લગ્ન કરવા છે ધારીણી” નીલ એટલી જ ગંભીરતાથી બોલ્યો. ધારીણીને એક ક્ષણ માટે તો ખબર ન પડી કે નીલ આ શું બોલે છે
“વોટ ?!”
“યેસ આઈ વોન્ટ ટુ મેરી યુ”
******************************
એક જોરદાર બ્રેક વાગી અચાનક અને ધારીણીને લાગ્યું આજે તો સીધા હવે ભગવાન પાસે જ આંખ ખુલશે. આજુ બાજુથી લોકો દોડી આવ્યા, ધીમે ધીમે તેની આંખો બંધ થઇ ગઈ સાથે સાથે આજુબાજુના અવાજ પણ ધીમે ધીમે બંધ થઇ ગયા તેના કાનમાં તેને લાગ્યું કે બસ શાંતિ હવે...
“ તે બહુ સીરીયસ છે અમે કોશિષ કરી રહ્યા છીએ” ડોકટરે આવીને અલ્પાબેનને કહ્યું
ખબર નથી કોની નજર લાગી ગઈ મારી દીકરીને અલ્પાબેન આટલું બોલી રડવા લાગ્યા.
************************
“નીલ પણ કેમ અચાનક આવું ? મને ખબર નથી પડતી કે આજે ખાલી હું એક અડધી કલાક મોડી પડી તેમાં તે મને આ...? ના નીલ મારે લગ્ન નથી કરવા અને તારી સાથે તો નહિ જ “ ધારીણી થોડી ડીસ્ટર્બ થઇ ગઈ તે જવા માટે ઉભી થવા લાગી
“ધારીણી એક મિનીટ મારે વાત કરવી છે તારી સાથે - તું બેસ પેહલા” કહીને નીલએ તેને બેસાડી
તે જાણતો હતો કે તેણે અચાનક આવો પ્રસ્તાવ મુક્યો છે તો કોઈને પણ શોક લાગે. તે ધારીણી નું માનસ સમજતો હતો. અને એટલે જ તેણે તેને પેહલા શાંત પડવાનું વિચાર્યું
તેણે ધારીણીનો હાથ હળવેથી પકડ્યો અને બોલ્યો
“આ ખાલી તું મોડી આવી એટલે મેં પ્રસ્તાવ મુક્યો એવું નથી. પણ જયારે મને ખબર પડી- આજે કે તું લગ્ન માટે છોકરા જોવે છે ત્યારે મને એહસાસ થાય છે કે કેમ આપણે એક ના થઇ શકીએ! મને ખબર નથી આ પ્રેમ છે કે નહિ પણ હું તને પસંદ કરું છુ ધારીણી અને મને ખબર છે તું પણ મને પસંદ કરે છે”
“પણ મેં ક્યારેય એ બાબત પર વિચાર્યું નથી નીલ” ધારીણી થોડી લાગણીશીલ થઈને બોલી
“ધારીણી મને ખબર છે, મેં પણ હમણાં જ વિચાર્યું છે આ વિષે “ નીલ થોડું હસીને બોલ્યો
“તને હસવું શેનું આવે છે” ધારીણી બોલી
“તું આજે એટલી સરસ લાગે છે કે ક્યાંક મારી નજર ના લાગી જાય તને” નીલ હસીને બોલ્યો
ધારીણી શરમાય ગઈ ને બીજી બાજુ જોવા લાગી. આટલા વખતમાં નીલ પેહલી વાર આવું બોલ્યો હશે. અને તે પણ પેહલીવાર આવું શરમાય હશે.
વધુ આવતા અંકે