Paanch koyda - 3 in Gujarati Fiction Stories by ashish raval books and stories PDF | પાંચ કોયડા - 3

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

પાંચ કોયડા - 3

ભાગ 3

કિર્તી ચૌધરી સાથે મુલાકાત

આખરે માર્ચ મહિનો પુરો થયો. ગરમીના શરૂઆતના ફિંગરપ્રિન્ટ દેખાવાના શરૂ થઇ ગયા હતા. એમ પણ અમદાવાદ બીજા શહેરો કરતા વધુ ગરમ લાગે છે. સદનસીબે અમારી સેલ્સ ટીમે કંપનીનુ માર્ચ મહિનાનુ ટારગેટ પુરુ કર્યુ હતુ. બધા જ એમપ્લોઇ ખુશ હતા. અઠવાડિયા પછી સકસેસ પાર્ટી હતી. દરેક જણ કંપની તરફથી જે ઇન્સેંટિવ મળશે તે વિચારીને ખુશ હતુ. સિવાય એક ! હા, એ એક વ્યકિત હું જ છું. મારા બધા પ્રયત્નો પછી હું સેલ્સ ને “ત્રણ લાખ” સુધી જ પહોચાડી શકયો. પંડિત મારી કેવી બેંટીગ કરશે તે લઇને હું ચિંતામાં હતો. કદાચ કંપનીનુ ટારગેટ પુરુ થઇ ગયુ છે તે વિચારીને આ વખતે મને જવા પણ દે! મારી સતત પ્રાથના ચાલુ રહેતી.

અઠવાડિયા પછી અમદાવાદ હાઇવે પર આવેલી ‘હોટલ પ્લેઝર’ માં અમારી સકસેસ પાર્ટી યોજાઇ. સાધના આગળ હું ઘણુ જુટ્ઠુ બોલ્યો હતો, જેમ કે ‘આ વખતે આવી કોઇ સકસેસ પાર્ટી યોજાવાની નથી. કંપનીનુ સેલ્સ ખુબ જ ઓછુ થયેલ છે. અને આજે રાત્રે અહીં આવવા માટે પણ એક મિત્ર ના પપ્પાને હોસ્પિટલ માં દાખલ કરી દિધા હતા. ’ એમ પણ હું જુટ્ઠુ ભાગ્યેજ બોલુ છું, એટલે સાધનાને જલ્દી ખ્યાલ આવતો નથી.

પાર્ટી ની શરૂઆતમાં મુંબઇ થી આવેલા સેલ્સમેનેજરે પંડિત અને તેની ટીમ ને ખુબ ખુબ અભિનંદન આપ્યા, અને સાથે સાથે નવા વર્ષનુ ટારગેટ પણ. પછી સિલસિલો શરૂ થયો એક પછી એક એર્વોડ નો. લોકો સ્ટેજ પર જતા ગયા, શાબાશી મેળવતા ગયા. તમે મારા સ્વભાવની નબળાઇ ગણો કે વધુ પડતી સકારાત્મકતા. મને એ એર્વોડ લેનારાઓની સહેજ પણ ઇર્ષા થતી નથી. ખુણામાં ઉભા-ઉભા હું તાળીઓ મારતો ગયો. મારા ગ્રુપ ના લોકોએ તો મને આજે નોટીસ કરવાનુ પણ છોડી દીધુ.

અને આખરે શરૂ થયુ ડિનર. મારો ફેવરીટ સબ્જેકટ. બીજા કોઇ વિષય માં હું પાસ થાઉ કે ના થાઉં. ખાવાની બાબતમાં હું સો માંથી સો ગુણ લાવી શકુ એમ છું. મારા કોલેજ કાળ ના મિત્રો પણ મારી સાથે નાસ્તાની શરત નહોતા લગાડતા. પણ હારેલો વ્યકિત આટલુ ઠાંસી ઠાંસીને ખાય એ કેવુ લાગશે તે વિચારીને હું મારી પ્લેટ બરાબર તૈયાર કરીને હોટલના બીજા ભાગ તરફ ચાલ્યો. હોટલ માં અમારી કંપની માટે અલગ વિભાગ બનાવવામાં આવ્યો હતો. તેની બીજી બાજુ ગાર્ડન રેંસ્ટોરન્ટ પણ હતુ. આટલે દુર અમારા ગ્રુપ નુ કોઇ આવશે નહિ એમ માની હું ત્યાં જ પહોંચ્યો.

‘ ચલો શાંતિથી ખવાશે !” એમ બબડતા હું એક ડિનર ટેબલ પર ગોઠવાયો. નજીક ના ડિનર ટેબલ પર એક પાંસઠ વર્ષ ની વ્યકિત આછા ગુલાબી શર્ટ અને જીન્સ મા બીરાજમાન હતી. તેની હરકતો પરથી લાગતુ હતુ કે તે થોડીક નશાંમાં પણ હતી. એમ તો ગુજરાતમાં દારુબંધી છે પણ ઘણી હોટેલો પોતાના માનવંતા ગ્રાહકોને સાચવવામાં માને છે. તેમના ડ્રીન્ક ની જરૂરિયાતો પુરી પાડે છે. તેમને ઘર સુધીં પહોંચાડવાની જહેમત પણ ઉઠાવે છે. આખરે ધંધો છે !

મેં ખાવાની શરૂઆત જ કરી હતી. ત્યાં એ સદગૃહસ્થે બુમ મારીને મને કહ્યુ.

“ એય ! જેન્ટલમેન કમ હીયર ! જોઇન વીથ મી. ”

હું પળવાર માટે વિમાસણ માં પડયો. સદગૃહસ્થ થોડા નશામાં લાગતા હતા. આજુબાજુ કોઇ તેમને સંભાળે એવુ પણ ના દેખાયુ. કદાચ તેમને મારી ચિંતાનો ખ્યાલ આવી ગયો હોય તેઓ ફરી બોલ્યા. -‘ ડોન્ટ વરી જોઇન વીથ મી ! આઇ નીડ કંપની’

કોઇ અજ્ઞાત કારણોસર હું મારી ડિશ લઇને તેમના ટેબલ પર ગોઠવાયો. તેમની ઉંમર પાંસઠેક વર્ષ ની આસપાસ હશે. તેમના ગોરા ચહેરા પર દેખાતી કરચલીઓ અને ધારદાર આંખો તેમના વ્યકિતત્વ માં વધારો કરતી. આ વ્યકિત કોઇ ચોકકસ મોટા ધંધા સાથે સંકળાયેલી હશે એવુ મને મારા અનુભવ પરથી લાગ્યુ. તેમના ચહેરાને ધારીને જોયા પછી એવુ લાગ્યુ કે કયાંક મેં તેમનો ચહેરો જોયો છે પણ કયાં ?

‘ તો યંગમેન શુ નામ છે તમારું ?’

મને હસવુ આવ્યુ. હું એકે દિશાથી યંગમેન લાગતો નથી. પણ મેં જવાબ આપ્યો. -“ ગજેન્દ્ર ભાગવત, સર”

“ હું કિર્તી ચૌધરી છું” મારા તરફથી કોઇ પ્રત્યુતર ન અપાતા તેઓ ફરી બોલ્યા.

“લાગે છે કે તમે મારી કોઇ બુક વાંચી નથી. ”

આમ બોલતા તેમણે પોતાના શર્ટના ખિસ્સામાંથી એક નાની સ્ટીલ ની બોટલ કાઢી. બિલકુલ આવી બોટલ મેં સિનેમાના પડદે હિરો પાસે જોઇ હતી. તેમણે તેના બે ધુંટ ગળામાં સેરવ્યા, થોડુક માથું હલાવ્યુ અને પછી બોટલ તેની જગ્યાએ મુકી. એટલામાં મારા મગજમાં પણ તાળો મળી ગયો. મારા સસરાને ત્યાં જોયેલી ચોપડી પર આ જ લેખક નો ફોટો હતો. ચોપડી નુ નામ પણ મને યાદ આવી ગયું. “ KILLER’S KINGDOM” -મેં મારા સસરાને ત્યાં તમારી ચોપડી જોઇ હતી. “ છ મહિના પહેલા જ તે લખી છે, તે વાંચી છે ?” હું થોડીક મુઝવણમાં મુકાયો પણ મેં સ્પસ્ટ કહ્યુ - “ ના !”

“ સરસ ! મને ગમ્યુ ! મારી કોઇ ચોપડી વાંચી ના હોય. મારો કોઇ પ્રશંસક ના હોય તેવા વ્યકિતઓ જોડે ઓછુ મળવાનુ બને છે. તારા વિશે કંઇ જણાય મને”

“ મારા વિશે ! શુ જણાવુ ? હું એક નિષ્ફળ સેલ્સમેન છું. જેની નોકરી ગમે ત્યારે જઇ શકે છે. ” મનમાં ચાલતા વિચારોને કાપીને મેં જવાબ આપ્યો. “ હું વિઝન ફાર્મા ની અંદર સેલ્સ રીપ્રેઝંટટેટીવ છું”

“ બાજુમાં તમારી જ પાર્ટી ચાલી રહી છે ને?”

“ હા, અમારી વાર્ષિક સકસેસ પાર્ટી ચાલી રહી છે”

“ સકસેસ પાર્ટી ! અને તુ અહીંયા ? લાગે છે કે તારુ કોઇ સ્થાન એમાં નથી”

“ હા ! આ વર્ષ મારા માટે ખરાબ રહ્યુ છે. ”

“ ખરાબ વસ્તુઓ જ સારી ઘટનાઓને જ્ન્મ આપે છે, તુ કહે શુ ઇચ્છા ઓ છે તારી ?”

“ એક મધ્યમવર્ગીય પરિવાર ની જે ઇચ્છાઓ હોય શકે તે ! એક સારુ ઘર ! બાળકોનુ ઉતમ શિક્ષણ ! બોસ વગરની લાઇફ અને પુરતો મની પાવર”

મારી વાતો સાંભળીને ત થોડુ મલકયા અને બોલ્યા. -“વર્ષો પહેલા હું પણ આવી જ ઇચ્છાઓ રાખતો હતો. પણ અત્યારે આ બધુ જ નિરર્થક લાગે !”

“ કેમ તમારા જેવા સફળ વ્યકિત ને શુ દુ:ખ હોઇ શકે ?” મને આ માણસમાં રસ પડવા લાગ્યો. “ભાગવત દરેક વસ્તુ માટે કિંમત ચુકવવી પડે છે. સફળતા માટે પણ! ગમે છે ચારે બાજુ કેમેરાથી ઘેરાયેલા રહેવુ. અખબારોના પેજ પર ચમકતા રહેવુ ! તમારુ કોઇ ક્ષુલ્લ્ક સ્ટેટ્મેન્ટ પણ અખબારનુ મથાળુ બની શકે. ચાહકો હજારોની સંખ્યામાં ! પ્રતિષ્ઠા, પૈસો ! આ નશો ગમવા લાગે છે. ત્યાં જ જિંદગી નવો વળાંક લે છે. પ્રખ્યાત કિર્તી ચૌધરી થોડાક જ દિવસનો મહેમાન છે તેવો ખ્યાલ આવે છે” આટલુ બોલતા તેમને અતિશય હાંફ અને ઉધરસ ચઢી. મેં તેમને પાણી આપીને સંભાળ્યા.

“ શું થયુ છે, તમને? ” મારાથી પુછયા વગર ના રહેવાયુ.

“ ભાગવત મને કેન્સર છે. હું બ્લડ કેન્સર ના છેલ્લા સ્ટેજ માં છું. ”

“ તો પછી આ ડ્રિંક ?” “ હવે, આ જ એક સહારો છે. સાચો !” થોડીવાર ફરી પાછા બોટલમાંથી બે ઘુંટ સેરવી તે બોલ્યા. -“ જયારે આ જાણ તદન નજિકના લોકોને થાય છે ત્યારે સિનારીયો બદલાઇ જાય છે. ફેમિલીનુ દરેક સભ્ય મારી પત્ની, મારો પુત્ર, અરે ! મારી દીકરી પણ ફકત એ જાણવા માગે છે કે મારી બેંક ના ખાતામાં કેટલુ બેલેન્સ છે ! કઇ કઇ પ્રોપટી છે અને હું કેટલુ જલ્દી એ બધુ તેમના નામે કરી દઉં” . તેમના ચહેરા પર ફરી હાંફ અને ગુસ્સો હતા તે આગળ બોલ્યા. -“ હું આ બધુ તેમના નામે જ કરી દેવાનો છું. મારે તો જોઇએ છીએ તેમના તરફથી સાચી હમદર્દી. દિલના ખુણામાંથી ઉદભવેલી સાચી લાગણી. મારી પત્ની મને કહે તો છે ‘ ડાર્લિંગ ! આ શુ થઇ ગયુ છે તમને ? હવે મારુ શુ થશે ?’ મને છાતીએ વળગાડે છે. કૃત્રિમ શબ્દોની આપ-લે થાય છે. થોડીક જ વારમાં તે કહે છે. ” કિર્તી , મારે કિટી પાર્ટી માં જવાનુ મોડુ થાય છે. તુ તો જાણે છે કે મારા વગર તે લોકો કશુ હેન્ડલ નથી કરી શકતા. તમારો ખાસ ખ્યાલ રાખવાનુ મેં રેણુકાને કહી દીધેલ છે. ”

દીકરાને પણ જુગાર રમવાનો સમય છે પણ બાપ સાથે બે ઘડી બેસવાનો સમય નથી. આટલુ બોલી તેઓ શ્ર્વાસ લેવા અટકયા અને ફરી બોલ્યા. -“ મને તમારા મધ્યમવર્ગીય પરિવાર ની ઇર્ષા આવે છે. પતિને ગરમ રસોઇ ખવડાવવા મહેનત કરતી ગૃહિણી ! પોતાની નાની નાની સિધ્ધીઓને રજુ કરતો પુત્ર ! માંદગી વખતે દોડમ –દોડ કરતો આખો પરિવાર . ” આ બધુ મારા નસીબમાં નથી. “ અરે ભાગવત ! મારા આ પરિવાર ના લોકોને તો મારા સામાન્ય ફેન જેટલુ પણ દુ:ખ નહિ થાય. એટલે તો અમદાવાદ આવી ગયો છુ. તે બધાથી દુર. હા, તે લોકોએ મુંબઇ છોડયુ નથી. મને બે-ત્રણ દિવસે મળવા જરૂર આવી જાય છે. મને ફીલ કરાવવા, તેઓ મારુ કેટલુ ધ્યાન રાખે છે”

આટલુ બોલી તેઓ અટક્યા. મારી નજર થાળી તરફ ગઇ. થાળીની રસોઇ ઠંડી પડી ગઇ હતી. મને એ વાતે હસવુ આવ્યુ પહેલીવાર કોઇ વાતચીતમાં હું મારા પેટને ન્યાય આપવાનુ ભુલી ગયો. તેમણે જ સામે પક્ષે થી મૌન તોડયુ. ટેબલ પર આંગળીઓ પછાડવા લાગ્યા. આંખોમાં એક પ્રકારની ગમ્મત દેખાઇ. તેઓ બોલ્યા –“ ભાગવત મારી સાથે તુ એક સોદો કરવા તૈયાર છે ?”

“ હું તમારી સાથે શુ સોદો કરુ ?” મેં આશ્ર્ચર્ય થી પુછયુ “ છે એક સોદો! એક થ્રીલર રાઇટર નો અંત પણ તેની વાર્તાઓ જેવો જ રહેશે. ” આમ કહી તેઓ જોશથી હસતા માથુ હલાવતા રહ્યા. મને તેમની હરકતો થી અકળામણ થવા લાગી. પણ થોડીક જ વાર આમને સહન કરવાના છે. તે વિચારી હું ચુપ રહ્યો. તેઓ થોડી વાર રહી અટક્યા. પ્રેમાળ આંખે મારી સામે જોતા બોલ્યા. -“ ભાગવત ! સોદામાં તારે કંઇ ગુમાવવાનુ નથી. ફકત મેળવવાનુ જ છે. હવે તો તને સોદો જાણવામાં રસ છે ને ?”

કદાચ મારુ નસીબ ચમકી ઉઠે એ આશય થી મેં કહ્યુ. -

“ હા “

“ ભાગવત જ્યારથી મને ખબર પડી કે મને કેન્સર છે. થોડાક જ દિવસનો મહેમાન છુ. તે દિવસ થી આજ લગી મેં લખવાનુ બંધ કર્યુ નથી. મારી વાર્તા ના કાલ્પનિક પાર્ત્રો સાથે એકરસ થઇ હું તમામ દુ:ખ ભુલી જાઉ છું. આ સમયગાળા દરમિયાન મેં બે નવલકથાઓ લખી છે. તેમની કોપી મેં મારા પ્રકાશકોને હજુ મોકલાઇ નથી. હું ઇચ્છુ છુ કે મારા મૃત્યુ પછી આ બંને ચોપડીઓની તમામ રોયલ્ટી તને મળે. ” “ મને મળે” હું ચોંકી ઉઠયો. શુ રિએકશન આપવુ મને સમજાયુ નહી. “ હા ! તને જ મળશે. પણ અહીંથી જ મારો સોદો શરૂ થાય છે. આ ચોપડીઓની બંને પ્રતો હું કયાંક સંતાડી દઇશ. એવી જગ્યાએ જયાંથી શોધવી અત્યંત મુશ્કેલ હશે. ”

“ હું વિમાસણ માં પડયો. આ આદમી શુ બોલી રહ્યો છે ? એક બાજુ રોયલ્ટી આપવાની વાત કરે છે. બીજી બાજુ ચોપડીઓ સંતાડવાની વાત કરે છે. ”

“ તુ વિચારતો હોઇશ આવી ડિલ શુ કામ ? એનુ કારણ છે કોઇ વસ્તુ મફત નથી હોતી. દરેક ની કંઇક કિંમત ચુકવવી પડે છે. તારે કિંમત ચુકવવી પડશે તારા સમય ની ! તારી રોજિંદી ઘટમાળ માંથી બહાર આવીને સાહસ કરવાની ! અને મને ખાતરી છે કે તુ એ કામ કરીશ. નહિંતર મારો અને તારો અહિંયા ભેટો જ ના થયો હોત. ”

આ માણસને ચોકકસ વધુ પડતો નશો થઇ ગયો હશે કે થ્રીલર વાર્તોઓ લખી-લખીને લેખકોના મગજ પણ આવા સાઇકો થઇ જતા હશે. હું આ અજીબ માણસને જોતા વિચારતો રહ્યો.

“ તો ડિલ પાકી છે ને ?” કિર્તી ચૌધરીએ મારી સામે હાથ લાંબો કર્યો.

શુ જવાબ આપવો હું વિચારતો હતો. ત્યાં તેઓ ફરી બોલ્યા. -“ જીવનમાં વધુ વિચારનારા લોકો જ તક ગુમાવી દેતા હોય છે. ”

મેં તેમની આંખોમાં જોયુ. આ સમયે મને કોઇ બનાવટ ના લાગી. મેં મારો ભરાવદાર પંજો ઉઠાવીને તેમનો લાંબો કરેલો હાથ પકડી લીધો.

“ હા, ડિલ મને મંજુર છે” –હું બોલ્યો.

ક્રમશ: