Baazigar - 12 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બાજીગર - 12

Featured Books
  • Mujh se Miliye

    कहानी मेरी है… मैं एक पेन हूँ…  जी हाँ, आपने सही पढ़ा है…  ...

  • The Subscriber

    The subscriberरात के ठीक बारह बजे थे।मोबाइल की स्क्रीन पर सि...

  • नेहरू फाइल्स - भूल-98-99

    भूल-98 ‘लोकतंत्र’ नेहरू की देन?—असत्य है आपको यदा-कदा ही ऐसे...

  • वो शहर, वो लड़की

    की वो भागती-दौड़ती शामें।ट्रैफिक की लंबी कतारें, हॉर्न की आव...

  • समर्पण से आंगे - 7

    ‎‎भाग – 7‎जब बदनामी ने दरवाज़ा खटखटाया‎समाज जब हारने लगता है...

Categories
Share

બાજીગર - 12

બાજીગર

કનુ ભગદેવ

૧૨ - કિરણનું ખૂન...!

સુધાકરના અવસાનને આઠ દિવસ વીતી ગયા હતા.

એના અંતિમ સંસ્કારમાં અતુલ વિગેરેની સાથે સાથે અનુપે પણ ભાગ લીધો હતો.

સમય પસાર થતો જતો હતો.

આઠ દિવસ દરમ્યાન કોઈ જાતનો અનિચ્છનીય બનાવ નહોતો બન્યો.

જે બનાવ બન્યો હતો, તેના વિશે કોઈ જાણતું નહોતું.

બાજીગરને પકડવાની નાગપાલની દોડધામ ચાલુ જ હતી.

સાંજના સાડા પાંચ વાગ્યા હતા.

કાશીનાથ પોતાના ખંડમાં બેસીને સિગારેટ ફૂંકતો કોઈક ઊંડા વિચારમાં ડૂબેલો હતો.

એના ચહેરા પરથી હજુ પણ સુધાકરના મૃત્યુનું દુઃખ ઓછું નહોતું થયું.

તે આ જિંદગીથી ખુબ જ થાકી-કંટાળી ગયો હતો.

એણે પણ સુધાકરની જેમ જીંદગી ટૂંકાવી નાખવાનો વિચાર કર્યો હતો.

પરંતુ પછી તરત જ તેની નજર સામે વિધવાના લિબાસમાં રહેલી કિરણનો માસુમ તથા ભલોભોળો ચહેરો તરવરી ઉઠ્યો...એ બિચારી જિંદગીનો પૂરો આનંદ માણ્યા પહેલા જ વિધવા બની ગઈ હતી....એના પેટમાં સુધાકરનું બાળક ઉછરતું હતું...! આ દુનિયામાં કાશીનાથ સિવાય હવે તેનું બીજું કોઈ નહોતું રહ્યું. એનો બાપ રાજનારાયણ, અંકલ પ્રભાકર તથા આંટી વીરા મૃત્યુ પામ્યા હતા.

આ સંસારમાં તેના સગાના નામ પર હવે માત્ર કાશીનાથ, અતુલ તથા મંદાકિની જ રહ્યા હતા.

ના...પોતે મૃત્યુ પામશે તો કિરણ પણ જીવ આપી દેશે....! સાથે જ એના પેટમાં ઉછરી રહેલું સુધાકરનું બાળક પણ મૃત્યુ પામશે...! પોતે બબ્બે ખૂનના પાપનો ભાગીદાર બનશે...!

આ વિચાર આવતા જ કાશીનાથે આપઘાત કરવાનો વિચાર માંડી વાળ્યો હતો.

પરંતુ સુધાકરના મૃત્યુનું દુઃખ તેનાથી કેમેય કરીને ભુલાતું નહોતું.

અત્યારે તે સિગારેટના કસ ખેંચતો બાજીગર વિશે જ વિચારતો હતો.

બાજીગર વાસ્તવમાં કોણ છે...?

પોતે એનું શું બગાડ્યું છે ?’

એ શા માટે આવાં ષડયંત્રો રચે છે ?

પોતાને એની સાથે શું દુશ્મનાવટ છે ...?

આ બધા સવાલો હથોડાની માફક તેના દિમાગ પર ઝીંકાતા હતા.

પરંતુ હાલ તુરત આ સવાલોનો કોઈ જવાબ તેની પાસે નહોતો.

સહસા ટેલીફોનની ઘંટડીના અવાજથી તેની વિચારધારા તૂટી.

એણે સિગારેટના ઠુંઠાને એશટ્રેમાં પધરાવ્યું.

પછી ઉભા થઇ, થાકેલા પગલે આગળ વધીને રિસીવર ઉચક્યું.

‘હલ્લો...કાશીરામ સ્પીકિંગ...!’

‘કાશીનાથ...!’

‘કોણ બાજીગર...?’

‘ભલા માણસ હું બાજીગર નહીં, પણ ધરમદાસ બોલું છું....! બાજીગર તારા મગજ પર છવાઈ ગયો હોય એવું મને લાગે છે.’

‘ઓહ...ધરમદાસ...! તારી વાત સાચી છે...! ફોન આવ્યો એ પહેલાં હું બાજીગર વિશે જ વિચારતો હતો.’

‘એટલા માટેજ તું મને બાજીગર માની બેઠો ખરું ને ?’

‘હા...ખેર, શા માટે ફોન કરવો પડ્યો ?’

‘કાશીનાથ, હું આજે રાત્રે તારે ત્યાં નહીં આવી શકું !’

‘કેમ...?’

‘મારી મંદારગઢવાળી ફેકટરીમાં અચાનક શોર્ટ સરકીટને કારણે આગ લાગી છે એટલે મારે તાબડતોબ ત્યાં જવું પડે તેમ છે.’

‘ઓહ... હમણાં તો આપણા નસીબમાં આવા માઠા સમાચાર સાંભળવાનું જ લખ્યું છે. ખેર, તું ક્યારે આવીશ ?’

‘કાલે બપોર સુધીમાં આવી જઈશ અને સાંભળ, અતુલને આ બાબતમાં કશું જ જણાવીશ નહીં. નાહક જ એ ચિંતા કરશે. મેં તેને એમ જ કહ્યું છે કે હું એક ધંધાકીય કામ અંગે બહારગામ જઉં છું.’

‘ભલે...’

‘વારુ, બીજું કંઈ...?’

‘ના...’

‘સારું ત્યારે કાલે મળીશું.’

‘ઓ.કે...’ કહીને કાશીનાથે રિસીવર મૂકી દીધું.

ત્યારબાદ એણે એક સિગારેટ સળગાવી અને પછી રામલાલને બુમ પાડી.

થોડી પળો બાદ રામલાલ તેના ખંડમાં પ્રવેશ્યો.

‘રામલાલ...કિરણ ક્યાંય દેખાતી નથી..ક્યાં છે એ ...?’ કાશીનાથે પૂછ્યું.

‘એ તો અતુલ સાહેબને ત્યાં ગઈ છે !’ રામલાલે જવાબ આપ્યો.

‘ક્યારે ગઈ છે...?’

‘સાડા ચાર વાગ્યે...!’

‘ઓહ...સાડા છ વાગી ગયા...! કાશીનાથે દીવાલ પર લટકતી ઘડિયાળ સામે જોતાં કહ્યું, ‘અત્યાર સુધીમાં તેને પાછા આવી જવું જોઈતું હતું. શહેરમાં હમણાં હમણાં ગુંડાગીરીએ માઝા મૂકી છે !’

‘પણ સાહેબ...’

‘હા, હા બોલ અટકી શા માટે ગયો ?’

‘કિરણ મેમસા’બ તો કદાચ રાત્રે ત્યાં જ રોકાવું પડશે એમ કહેતી હતી. એણે આપને કોઈ જાતની ફિકર ન કરવાનું પણ કહ્યું છે.’

‘ઓહ...તો તો કંઈ વાંધો નહીં...! મંદાકિની પાસે રહેશે તો તેનો જીવ પણ થોડો છૂટો થઇ જશે. એ ત્યાં ગઈ તે સારું જ થયું છે.’

‘જી, સાહેબ...!’

‘હવે તું મારે માટે પીવાનો સામાન લઇ આવ...!’

રામલાલ હકારાત્મક ઢબે માથું હલાવીને ચાલ્યો ગયો.

***

રાતના દસ વાગ્યા હતા.

અતુલ તથા મંદાકિની હજુ જાગતાં હતાં.

સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.

અતુલે આગળ વધીને રિસીવર ઊંચક્યું.

‘હલ્લો...અતુલ સ્પીકિંગ...!’

‘મિસ્ટર અતુલ...! હું તમારો એક શુભેચ્છક બોલું છું...!’

‘શુભેચ્છક ...?’

‘હા...’

‘બોલો...!’

‘તમારી સાથે એક ભયંકર બનાવ બનવાનો છે મિસ્ટર અતુલ...!’ સામે છેડેથી આવતો અવાજ એકદમ ગંભીર અને શાંત હતો.

‘આ તમે શું બકો છો મિસ્ટર...?’

‘હું બકતો નથી, પણ સાચું જ કહું છું...!’

‘મારી સાથે વળી કયો ભયંકર બનાવ બનવાનો છે ?’

‘તમને કિરણના ખૂનમાં સંડોવવાની બધી તૈયારીઓ પૂરી થઇ ગઈ છે !’

‘શું...?’ અતુલે ડઘાઈને પૂછ્યું, ‘શું કિરણનું ખૂન થઇ ગયું છે ?’

વળતી જ પળે એનો ચહેરો ધોળો પૂણી જેવો થઇ ગયો.

અતુલના મોંએથી કિરણના ખૂનની વાત સાંભળીને મંદાકિની એકદમ હેબતાઈ ગઈ.

એના ધબકારા એકદમ વધી ગયા.

વળતી જ પળે એના મોંમાંથી ચીસ નીકળી ગઈ.

અતુલે તેને ચૂપ રહેવાનો સંકેત કર્યો.

‘હા, અતુલ...!’ આ વખતે સામે છેડેથી તેને એકવચનમાં સંબોધીને કહેવાયું, ‘બંદર રોડ પર કાલી માતાના ખંડેરની પાછળ કિરણનો મૃતદેહ પડ્યો છે અને મૃતદેહની બાજુમાં જ તારી રિવોલ્વર પડી છે.

‘ન...ના...’

‘મારા પર ભરોસો રાખ દોસ્ત...! હું સાચું કહું છું.’

‘પણ તમે છો કોણ?’

‘મેં કહ્યું તો ખરું કે હું તારો શુભેચ્છક છું...!’

‘તારું નામ શું છે ?’

‘શુભેચ્છકના કોઈ નામ નથી હોતા દોસ્ત...! તારું અહિત થાય એમ નથી ઈચ્છતો. જો ઈચ્છતો હોત તો ક્યારેય તને આ હકીકતથી વાકેફ ન કરત ! સવાર પડતાં જ રિવોલ્વરને કારણે તું પોલીસની નજરમાં આવી જાત ! જો તારે કાયદાની ચુંગાલમાં ન જકડાવું હોય તો અત્યારે જ જઈને કિરણના મૃતદેહ પાસેથી તારી રિવોલ્વર કબજે કરી લે અને તને ફસાવવાની ખૂનીની ચાલબાજી નિષ્ફળ બનાવી દે ! જો એની યોજના સફળ થશે તો તારી ગરદનમાં ફાંસીનો ગાળિયો ભેરવાઈ જશે. દુનિયાની કોઈ તાકાત તને ફાંસીના ગાળિયામાંથી નહીં બચાવી શકે !’

‘ના...’ અતુલના મોંમાંથી સિસકારો નીકળી ગયો.

એના ચહેરા પર ભય, ખોફ અને દહેશતના હાવભાવ છવાઈ ગયા હતા.

;હું સાચું જ કહું છું દોસ્ત...!’

‘વારુ, કિરણનું ખૂન કોને કર્યું છે એની તને ખબર છે ?’

‘હા...’

‘કોણે...?’

‘બાજીગરે...!’

‘શું...?’

‘હા, અતુલ...! એ કમજાતે તારા કુટુંબ સાથે અંગત દુશ્મનાવટ છે ! એ શેઠ કાશીનાથ એટલે કે તારા સસરાના કુટુંબને પણ પોતાના ષડ્યંત્રનો શિકાર બનાવી ચુક્યો છે અને તારા કુટુંબને શિકાર બનાવવા માંગે છે. હું પણ એ કમજાતના ષડ્યંત્રનો શિકાર બની ચુક્યો છું. જો હું તને કોઈ રીતે મદદરૂપ નીવડીશ તો મને આનંદ થશે...! છેવટે તો એક દુઃખી જ બીજા દુઃખીને કામ આવે છે ! તારા બચાવનો પ્રયાસ કર અતુલ...! ગુડ નાઈટ...!’

વળતી જ પળે સામે છેડેથી સંબંધ કપાઈ ગયો.

કહેવાની જરૂર નથી કે ફોન કરનાર બાજીગર પોતે જ હતો.

અતુલે પણ રિસીવર મૂકી દીધું.

એનો ચહેરો એકદમ ઉતરી ગયો હતો.

‘શું વાત છે અતુલ...? કિરણને શું થયું છે ?’ મંદાકિનીએ પૂછ્યું.

જવાબમાં અતુલે ફોન પર થયેલી વાતચીતની બધી વિગતો તેને જણાવી દીધી.

‘અતુલ...!’ મંદાકિની બોલી, ‘મને તેની વાત પર જરા પણ ભરોસો નથી બેસતો.’

‘કિરણનું ખૂન મારી રિવોલ્વરથી થયું છે, એ વાત જાણતી હોવા છતાં પણ તું આમ કહે છે.’

‘હા...ચાલ, પહેલાં તારી રિવોલ્વર છે કે નહીં એની તપાસ કરી લઈએ.’

અતુલે આગળ વધીને કબાટ ઉઘાડ્યો. મંદાકિની તેની સાથે જ હતી.

એના ભારે અચરજ વચ્ચે રિવોલ્વર કબાટમાંથી ગુમ થઇ ગઈ હતી.

‘બોલ, હવે તારે શું કહેવું છે ?’ એણે મંદાકિનીને ઉદ્દેશીને પૂછ્યું.

‘અતુલ કાલીમાતાના ખંડેરમાં કિરણનો મૃતદેહ તથા તારી રિવોલ્વર, આ બંને વસ્તુઓ પડી હશે એ વાત હું કબુલ કરું છું. પણ...’

‘પણ, શું...?’

‘તને ફોન કરનાર શુભેચ્છક બાજીગર પોતે પણ હોઈ શકે છે !’

‘ના...’ અતુલે નકારમાં માથું હલાવતાં કહ્યું, ‘તારી અ વાત મારે ગળે નથી ઉતરતી.’

‘કેમ...?’

‘એક વાત તો તું કબુલ કરે જ છે ને કે બાજીગરનો હેતુ કિરણના ખૂનમાં મને સંડોવવાનો છે ?’

‘હા...’

‘કિરણના મૃતદેહ પાસે મારી રિવોલ્વર પડી છે. આ સંજોગોમાં હું વહેલો મોડો કાયદાની ચુંગાલમાં જકડાઈ જ જવાનો છું. તો પછી બાજીગર મને રિવોલ્વર કબજે કરી લેવાની સુચના શા માટે આપે ? મારી રિવોલ્વર કિરણના મૃતદેહ પાસે પડી રહે એમાં જ મને ફસાવવાનો તેનો હેતુ પાર પડી શકે તેમ છે. એટલા માટે જ કહું છું કે મને ફોન કરનાર બાજીગર નહીં, પણ મારો કોઈક શુભેચ્છક જ છે !’

અતુલની વાતમાં તથ્ય હતું.

મંદાકિની આ તથ્યનો ઇનકાર કરી શકે તેમ નહોતી.

‘મારે તાબડતોબ જઈને કિરણના મૃતદેહ પાસેથી મારી રિવોલ્વર કબજે કરી લેવી જોઈએ મંદાકિની...! નહીં તો મને કાયદાની ચુંગાલમાં જકડાતા દુનિયાની કોઈ તાકાત નહીં બચાવી શકે !

‘જો અત્યારે પિતાજી હોત તો કેટલું સારું થાત...!’ મંદાકિનીનો સંકેત ધરમદાસ તરફ હતો, ‘તેઓ આપણને યોગ્ય સલાહ આપત...! આ ઉપાધિમાંથી બચવાનો કોઈક ઉપાય બતાવત...!’

‘હું જઉં છું માંદાકીની...!’

‘હું પણ તારી સાથે આવું છું અતુલ...!’

‘શું ?’

‘હા...’

‘તારું ત્યાં શું કામ છે ? હું હમણાં જ રિવોલ્વર લઈને આવું છું. વધુમાં વધુ એક કલાક થશે.’

‘હું તને એકલો નહીં જવા દઉં અતુલ !’

‘તું પણ કમાલ કરે છે...!’

‘કોણ જાણે કેમ મારો જીવ ગભરાય છે અતુલ...! જરૂર કંઇક અજુગતું બનશે એવું મને લાગે છે..!’

‘કિરણના ખૂનથી મોટું અજુગતું બીજું શું હોઈ શકે...? તું અહીં જ રહે...! હું રિવોલ્વર લઈને આવું છું.’

‘અતુલ, જો તું મને સાથે ન લઇ જા તો તને મારા સોગંદ છે અતુલ...!’

અતુલના ચહેરા પર લાચારીના હાવભાવ છવાઈ ગયા.

થોડી પળો બાદ તેમની કાર બંગલાના ફાટકમાંથી બહાર નીકળી.

ડ્રાઈવીંગ સીટ પર અતુલ બેઠો હતો.

મંદાકિની તેની બાજુમાં બેઠી હતી.

તેમના બંગલાની સામે એક વૃક્ષની ઓટ પાછળ છુપાયેલા દીપકે કારને બંગલામાંથી બહાર નીકળતી જોઈ. એના ચહેરા પર રહસ્યમય સ્મિત ફરકી ગયું.

વળતી જ પળે તે સામે દેખાતા એક પબ્લિક ટેલીફોન બુથમાં ઘુસી ગયો.

એણે ગજવામાંથી એક રૂપિયાનો સિક્કો કાઢીને ઝડપભેર એક નંબર મેળવ્યો.

‘હલ્લો...’ સામે છેડેથી જવાબ મળતાં જ એણે સિક્કાને કોઈન બોક્સમાં પધરાવ્યો. પછી બોલ્યો. ‘ઇન્સ્પેકટર સાહેબ હું પોલીસનો મદદગાર બોલું છું.’

‘બોલો...’

‘શેઠ કાશીનાથની વિધવા પુત્રવધુ કિરણનું ખૂન થઇ ગયું છે ઇન્સ્પેકટર સાહેબ...!’

‘શું...?’ સામે છેડેથી ઇન્સ્પેકટર વામનરાવનો આશ્ચર્યમિશ્રિત અવિશ્વાસભર્યો અવાજ તેને સંભળાયો, ‘ના...તમે ખોટું બોલો છો...આવું બને જ નહીં...!’

‘હું સાચું કહું છું ઇન્સ્પેકટર સાહેબ ! કિરણનું ખૂન શેઠ ધરમદાસના પુત્ર તથા પુત્રવધુ એટલે કે અતુલ અને મંદાકિનીએ કર્યું છે. બંદર રોડ પર કાલીમાતાના ખંડેર પાછળ તેમણે કિરણને શૂટ કરી નાખી છે. અત્યારે તેઓ કિરણના મૃતદેહને ઠેકાણે પાડવાનો પ્રયાસ કરતા હશે. જો તમારે રેડહેન્ડેડ પકડવા હોય તો તાબડતોબ કાલીમાતાના ખંડેરમાં પહોંચી જાઓ. ક્યાંક એવું ન બને કે તેઓ મૃતદેહને ઠેકાણે પાડીને પોતાની વિરુદ્ધના પુરાવાઓનો નાશ કરી નાખે !’

આટલું કહીને એણે રિસીવર મૂકી દીધું.

ત્યારબાદ એ બુથમાંથી બહાર નીકળીને એક તરફ આગળ વધી ગયો.

એના ચહેરા પર પૂર્વવત રીતે રહસ્યમય સ્મિત ફરકતું હતું.

-બીજી તરફ –

અતુલે પોતાની કાર કાલીમાતાના ખંડેરથી ઘણી દુર ઉભી રાખી.

પછી તે તથા મંદાકિની પગપાળા જ આગળ વધ્યા.

અતુલના હાથમાં ટોર્ચ જકડાયેલી હતી, જેના પ્રકાશમાં આગળ વધતાં હતા.

પંદર મિનિટ પછી તેઓ ખંડેરની પાછળ પહોંચી ગયા.

અતુલે મૃતદેહ શોધવા માટે ચારે તરફ ટોર્ચનો પ્રકાશ ફેંક્યો.

ટોર્ચના પ્રકાશ વર્તુળમાં કિરણનો મૃતદેહ આવતાં જ મંદાકિનીના કંઠમાંથી ચીસ સરી પડી.

કિરણનો મૃતદેહ જમણા પડખાભેર પડ્યો હતો.

એના લમણામાં ગોળીનું છેદ દેખાતું હતું. છેદમાંથી લોહી વહેતું હતું. જાણે થોડી મીનીટો પહેલાં જ તેનું ખૂન કરવામાં આવ્યું હોય એવું લાગતું હતું.

કિરણનો મૃતદેહ ખુબ જ ભયંકર દેખાતો હતો.

અતુલ આગળ વધીને મૃતદેહ પાસે પહોંચ્યો.

એણે રિવોલ્વર શોધવા માટે મૃતદેહની આજુબાજુમાં ટોર્ચનો પ્રકાશ ફેંક્યો.

રિવોલ્વર કિરણના માથાથી બે-ત્રણ ફૂટ દુર પડી હતી.

એણે પળનોય વિલંબ કર્યા વગર રિવોલ્વર ઊંચકી લીધી.

સહસા વાતાવરણમાં સર્ચલાઇટોનો પ્રકાશ ફેલાઈ ગયો.

બંને એકદમ ચમકી ગયા.

તેમના ચહેરા પર ભય, ગભરાટ અને દહેશતના હાવભાવ છવાઈ ગયા હતા.

પોતાને પોલીસે ઘેરી લીધા છે, એ વાત સમજતા તેમને જરા પણ વાર ન લાગી.

એ જ વખતે હાથમાં રિવોલ્વર સાથે ઇન્સ્પેકટર વામનરાવ તેમની પાસે પહોંચ્યો.

‘મિસ્ટર અતુલ...!’ એ ગંભીર અવાજે બોલ્યો, ‘કોઈ પણ જાતની તીડીબાજીનો પ્રયાસ કરશો નહીં. કિરણનું ખૂન કરવાના આરોપસર હું તમારા બંનેની ધરપકડ કરું છું.’

‘ઇન્સ્પેકટર સાહેબ...! અતુલે ભયભીત અવાજે કહ્યું, ‘કિરણનું ખૂન અમે નથી કર્યું !’

‘દરેક ગુનેગાર પકડાઈ ગયા પછી આ જ કક્કો ઘૂંટે છે...! પરંતુ થર્ડ ડીગ્રીનો ઉપયોગ થતાં જ પઢાવેલા પોપટની માફક ફટાફટ ગુનો કબુલ કરી લે છે !’

‘ઇન્સ્પેકટર સાહેબ મારા પર ભરોસો રાખો...! હું સાચું જ કહું છું...!’ અતુલ રડમસ અવાજે બોલ્યો, ‘ખરેખર જ કિરણનું ખૂન અમે નથી કર્યું !’

‘હા...એ તો તમારા હાથમાં જકડાયેલી રિવોલ્વર પરથી જ દેખાઈ આવે છે !’ વામનરાવના અવાજમાં ભરપુર કટાક્ષ હતો.

‘ઇન્સ્પેકટર સાહેબ, તમે મારી વાત પર ભરોસો શા માટે નથી કરતા...’ અતુલ ધૂંધવાતા અવાજે બોલ્યો, ‘કિરણનું ખૂન અમે નહીં, પણ બાજીગરે કર્યું છે !’

‘શું ...?’ વામનરાવે ચમકીને પૂછ્યું.

‘હા, ઇન્સ્પેકટર સાહેબ આ ખૂન અમે નહીં પણ બાજીગરે કર્યું છે અને એ પણ મારી રિવોલ્વરથી ! અમે બંને એ કમજાતના ષડ્યંત્રનો ભોગ બન્યા છીએ. હવે જ મને સમજાય છે કે અહીંથી મારી રિવોલ્વર કબજે કરી લેવાની સલાહ આપનાર મારો શુભેચ્છક નહીં પણ બાજીગર પોતે જ હતો.’

‘એટલે...?’

જવાબમાં અતુલે શુભેચ્છકના ફોનની વિગતો તેને જણાવી દીધી.

એની વાત સાંભળીને વામનરાવે માથું હલાવ્યું.

‘મિસ્ટર અતુલ...!’ એણે ગંભીર અવાજે કહ્યું, ‘તમારી વાત હું સમજુ છું પરંતુ બધા પુરાવાઓ તમારી વિરુદ્ધમાં છે એટલે ન છૂટકે મારે તમારા બંનેની ધરપકડ કરવી પડશે.

અતુલ એક ઊંડો શ્વાસ લઈને રહી ગયો.

જયારે મંદાકિનીની આંખોમાં આંસુ ચમકતાં હતાં.

***

રાતના બાર વાગ્યા હતા.

કાશીનાથ પોતાના શયનખંડમાં નશામાં ચકચૂર બનીને ગાઢ ઊંઘમાં સુતો હતો.

ફોનની ઘંટડી રણકતી હતી.

છેવટે એની ઊંઘ ઉડી.

એણે ક્રોધસભર નજરે ટેલીફોન સામું જોયું.

અત્યારે ફોનનું આગમન તેને જરા પણ નહોતું ગમ્યું.

પરંતુ ઘંટડી અટકવાનું નામ જ નહોતી લેતી.

અનિચ્છાએ પલંગ પરથી નીચે ઉતરી આગળ વધીને એણે રિસીવર ઊંચક્યું.

‘હલ્લો...કાશીનાથ સ્પીકિંગ...!’

‘મિસ્ટર કાશીનાથ, હું નાગપાલ બોલું છું.’ સામે છેડેથી નાગપાલનો ગંભીર સ્વર તેને સંભળાયો.

નાગપાલનો અવાજ પારખીને કાશીનાથની ઊંઘ કપૂરની જેમ ઉડી ગઈ.

‘બોલો નાગપાલ સાહેબ....!’ એણે કહ્યું.

‘તમારે માટે એક દુઃખદ સમાચાર છે મિસ્ટર કાશીનાથ...!’

‘શું...?’ કાશીનાથે ધબકતા હૃદયે પૂછ્યું. એનો ચહેરો ભયથી પીળો પડી ગયો.

‘તમારા દિકરી-જમાઈએ તમારી વિધવા પુત્રવધૂનું ખૂન કરી નાખ્યું છે...!’

‘ના...’ કાશીનાથ પર જાણે કે વીજળી ત્રાટકી. એ જોરથી ગર્જી ઉઠ્યો, ‘આ...આ ખોટું છે..તમે બકો છો....! અતુલ અને મંદાકિની સપનામાં પણ કિરણનું ખૂન કરી શકે તેમ નથી, તો સાચેસાચ કરવાનો સવાલ જ ક્યાં ઉભો થાય છે ? તેઓ કદાપી આવું કરે જ નહીં...!’

‘તમારી વાત કદાચ સાચી હશે પરંતુ ઇન્સ્પેકટર વામનરાવે બંનેને રેડ હેન્ડેડ પકડ્યા છે.

‘શું...?’

‘હા...’

ત્યારબાદ સામે છેડેથી નાગપાલે કયા સંજોગોમાં વામનરાવે એ બંનેને પકડ્યા તેની વિગતો તેને જણાવી દીધી.

‘નાગપાલ સાહેબ...!’ બધી વાત સાંભળ્યા પછી કાશીનાથ થાકેલા અવાજે બોલ્યો, ‘કિરણનું ખૂન અતુલ તથા મંદાકિનીએ નહીં પણ બાજીગરે કર્યું છે. એ કમજાતે અતુલ તથા મંદાકિનીને પોતાના ષડ્યંત્રનો શિકાર બનાવ્યા છે. આપને જો ધરપકડ કરવી જ હોય તો બાજીગરની કરો...!’

‘મિસ્ટર કાશીનાથ...!’

‘હા, નાગપાલ સાહેબ...!’ કાશીનાથ ઉત્તેજિત અવાજે બોલ્યો, ‘અતુલ તથા મંદાકિની કિરણના ખૂની નથી. આ વાત હું સોગંદપૂર્વક કહું છું...!’

‘તમારી બધી વાત સાચી મિસ્ટર કાશીનાથ ! પરંતુ કાયદો સોગંદ નહીં પણ પુરાવામાં મને છે ! અતુલ તથા મંદાકિની ખૂની નથી એ વાત હું પણ સમજુ છું. તેમને ખૂનના આરોપમાં સંડોવવામાં આવ્યા છે... તેઓ વાસ્તવમાં બાજીગરના ષડ્યંત્રનો શિકાર બન્યું છે એની મને ખબર છે પરંતુ બનાવના સ્થળેથી મળેલા પુરાવાઓ તેમની વિરુદ્ધમાં છે એટલે કાયદાને નજર સામે રાખીને વામનરાવે ન છૂટકે તેમની ધરપકડ કરી છે. અત્યારે એ બંને પોલીસ કસ્ટડીમાં છે !’

‘પણ...’

‘તમે બેફિકર રહો મિસ્ટર કાશીનાથ...! હું પગ પર પગ ચઢાવીને નથી બેઠો. બાજીગરને પકડવાના મારા પ્રયાસો ચાલુ જ છે !’

‘નાગપાલ સાહેબ..! આપ બાજીગરને ઓળખતા નથી...આપે તેને ક્યારેય જોયો પણ નથી તો પછી તેને કેવી રીતે પકડશો ? કિરણના ખૂનના આરોપસર અતુલ અબે મંદાકિની ફાંસીના માંચડે લટકી જસ્જે એવું મને લાગે છે !’

‘તમારે આમ આટલી જલ્દી નિરાશ થઇ જવાની જરૂર નથી મિસ્ટર કાશીનાથ ! મારા પર ભરોસો રાખો.’

વળતી જ પળે સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઇ ગયો.

કાશીનાથે એક ઊંડો શ્વાસ લઈને રિસીવર મૂકી દીધું.

એની આંખોમાં આંસુ ધસી આવ્યા હતાં.

જાણે હમણાં જ ધ્રુસકે ધ્રુસકે રડી પડશે એવું તેની હાલત પરથી લાગતું હતું.

એ આખી રાત એણે જાગતી હાલતમાં જ પસાર કરી.

પોલીસે અતુલ તથા મંદાકિનીની ધરપકડનાં સમાચાર તેને આપી દીધા હતા. પરિણામે એ મંદારગઢનું કામ અધૂરું મુકીને વિશાળગઢ પાછો ફર્યો હતો.

આવતાવેંત જ એણે કાશીનાથને ફોન કર્યો.

‘હલ્લો કાશીનાથ...!’ સામે છેડેથી જવાબ મળતાં જ એણે કહ્યું, ‘ હું ધરમદાસ બોલું છું.’

‘બોલ, ભાઈ...!’

‘આ બધું શું થઇ ગયું ?’

‘જે નહોતું થવું જોઈતું એ થઇ ગયું...!’

‘કાશીનાથ...તું તાબડતોબ અહીં મારે ત્યાં આવ...!’

‘ભલે આવું છું...!’

થોડીવારમાં જ કાશીનાથ તેને ત્યાં પહોંચી ગયો.

ધરમદાસ શરાબ પીને પોતાનું દુઃખ ભૂલવાનો પ્રયાસ કરતો હતો.

બંને મિત્રો એકબીજાને વળગીને રડી પડ્યા.

માંડ માંડ તેમને પોતાની જાત પર કાબુ મેળવ્યો.

સ્વસ્થ થઈને બંને સોફા પર બેસી ગયા.

‘કાશીનાથ...!’ ધરમદાસને પોતાનો જ અવાજ અજાણ્યો લાગ્યો.

‘દોસ્ત...!’ કાશીનાથ નંખાઈ ગયેલા અવાજે બોલ્યો, ‘કિરણનું ખૂન અતુલ તથા મંદાકિનીએ નથી કર્યું એની મને ખબર છે. એનું ખૂન બાજીગરે કર્યું છે...! એ કમજાતે અતુલ તથા મંદાકિનીને પોતાના ષડ્યંત્રના શિકાર બનાવ્યા છે. હવે એ બંને કિરણનું ખૂન કરવાના આરોપસર ફાંસીના માંચડે લટકી જશે અને આપણે આ દુનિયામાં એકલાઅટુલા રહી જશું. મારો દીકરો-વહુ મૃત્યુ પામ્યા છે...તારા પણ મરી જશે...!’

‘ભગવાનને ખાતર આવી અશુભ વાતો ન કર કાશીનાથ...?’

‘હું અશુભ નહીં પણ જે હકીકત છે, એ તરફ તારું ધ્યાન દોરવા માંગું છું.’

‘છતાં પણ...’

‘તું જોઈ લેજે ધરમદાસ...!’

‘શું જોઈ લઉં ...?’

‘જરૂર આમ જ બનશે...અતુલ તથા મંદાકિની પણ સુધાકર અને કિરણની જેમ આપણો સાથ છોડી દેશે. કમજાત બાજીગર કોણ જાણે આપણી સાથે કયા ભવનું વેર વાળે છે !’

‘તારે જરા પણ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી કાશીનાથ...!’ ધરમદાસે તેને આશ્વાસન આપતાં બોલ્યો, ‘આપણે અતુલ તથા મંદાકિનીના બચાવ માટે દેશનો હોશિયારમાં હોશિયાર વકીલ રોકીશું. એ તેમને એક દિવસની સજા પણ નહીં થવા દે...! માનભેર એ બંનેને નિર્દોષ છોડાવી લેશે. વકીલની ફી ચુકવવા માટે આપણે ભલે આપણી મિલકત વેચી નાખવી પડે પરંતુ એ બંનેને તો સજા નહીં જ થવા દઈએ.’

‘ધરમદાસ...’

‘બોલ...’

‘એક વાત તું ભૂલી જતો લાગે છે...!’

‘કઈ વાત...?’

‘એ જ કે બધા પુરાવાઓ એ બંનેની વિરુદ્ધમાં છે.’

‘હા, તો...?’

‘આ વાત જાણતો હોવા છતાંય તું તેમના નિર્દોષ છૂટી જવાની આશા રાખે છે ?’

‘આશા અમર છે દોસ્ત...! આશા પર જ આ દુનિયા ટકેલી છે. આશા જ જીંદગી છે અને નિરાશા મોત...! તારે જરા પણ નિરાશ થવાની જરૂર નથી.’

કાશીનાથ પોતાને માટે પેગ બનાવવા લાગ્યો.

‘મારે માટે મોટો પેગ બનાવજે કાશીનાથ...!’ ધરમદાસે કહ્યું.

‘આપણે ગમે તેટલો શરાબ પીએ તો પણ આપણા પર તેની કંઈ જ અસર નહીં થાય ! માણસનું માન જયારે દુઃખી હોય ત્યારે તેના પર કોઈ નશાની અસર નથી થતી.’

ધરમદાસે ધીમેથી માથું હલાવ્યું.

સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.

બંનેએ પ્રશ્નાર્થ નજરે એકબીજાની સામે જોયું.

છેવટે ધરમદાસ એક ઊંડો શ્વાસ લઈને ઉભો થયો અને થાકેલા પગલે ટેલીફોન તરફ આગળ વધ્યો.

નજીક પહોંચીને એણે રિસીવર ઊંચક્યું.

‘હલ્લો...ધરમદાસ સ્પીકિંગ...!’

‘ધરમદાસ...!’ સામે છેડેથી બાજીગરનો પૂર્વપરિચિત બરફ જેવો ઠંડો અને બરછીની ધાર જેવો તીખો અવાજ તેના કાને અથડાયો.

વળતી જ પળે એના ચહેરા પર બાજીગર પ્રત્યે ઘોર નફરતના હાવભાવ છવાઈ ગયા.

‘તું....?’ એણે ક્રોધથી દાંત કચકચાવતા કહ્યું.

‘અત્યારે તને મારા પર ખુબ જ ક્રોધ ચડ્યો હોય એવું મને લાગે છે નીચ માણસ...!’

‘મારા ક્રોધની વાત પડતી મૂકી દે બાજીગર ! તેં તારા મનનું ધાર્યું કરી લીધું છે. હવે તું શું ઈચ્છે છે ?’

બાજીગરનું નામ સાંભળીને કાશીનાથ પેગ બનાવવાનું ભૂલી ગયો.

એ ભયભીત નજરે ધરમદાસના ચહેરા સામે જોવા લાગ્યો.

‘તું અને કાશીનાથ પણ ઈશ્વરના દરબારમાં પહોંચી જાઓ એમ હું ઈચ્છું છું કમજાત...!’

‘ન...ના...’ ધરમદાસ હેબતાઈને બોલ્યો.

‘કેમ...? મોતનું નામ સાંભળતા જ તું ગભરાઈ ગયો...?’

‘અમે ...અમે તારું શું બગાડ્યું છે બાજીગર...?’ ધરમદાસે કરગરતાં અવાજે પૂછ્યું.

‘તેં અને કાશીનાથે તો મારું ઘણુબધું બગાડ્યું છે હરામખોર...! હું કાશીનાથના પુત્ર સુધાકર, પુત્રવધુ કિરણ, તારા પુત્ર અતુલ તથા પુત્રવધુ મંદાકિનીને મારા ષડ્યંત્રનો શિકાર બનાવી ચુક્યો છું તો તમને બંનેને પણ છોડી દઈશ એવું તમે કેવી રીતે માની લીધું ? મારા અસલી દુશ્મન કુલ ત્રણ જણ હતા... એક તો તું, બીજો કાશીનાથ અને ત્રીજો પેલો નેતાનો દીકરો રાજનારાયણ...! રાજનારાયણ જેવા શરીફ અને સજ્જન માણસની આ ધરતી પર કંઈ જરૂર નહોતી એટલે હું તેને ઉપર, ઈશ્વરના દરબારમાં નવી જાતના ભાષણની પ્રેક્ટીસ કરવા માટે મોકલી ચુક્યો છું પરંતુ કાલે જ મારા પર તેનો ફોન આવ્યો હતો. એ બિચારાને ત્યાં તમારા વગર સાવ એકલું લાગે છે. એટલે મેં તમને ટૂંક સમયમાં જ તેની પાસે મોકલી આપીશ એવું વચન એને આપ્યું છે. તમે બંને તમારી પરલોક યાત્રાની તૈયારી કરી લેજો...!’

‘ઈશ્વરને ખાતર અમારા પર દયા કર બાજીગર...! જોઈએ તો અમારી બધી મિલકત લઇ લે, પણ મહેરબાની કરીને અમારો પીછો છોડી દે...!’

‘ના, ધરમદાસ ના...! મારી ડિકસનેરીમાં તમારા જેવા નીચ માણસ માટે નફી, દયા કે રહેમ જેવા શબ્દો નથી. એટલે હું તમારા પર દયા રાખીશ કે તમને માફ કરી દઈશ એ વાત તો મગજમાંથી સાવ કાઢી જ નાખજો.’

‘બાજીગર...!’ ધરમદાસ રડમસ અવાજે માત્ર આટલું જ બોલી શક્યો.

‘હવે તું અને કાશીનાથ પરલોક યાત્રાએ જવાની તૈયારી કરી લેજો...! ટીકીટ મેં બુક કરાવી લીધી છે...! અને સાંભળ, આ વખતે હું પોતે જ તમને પરલોક યાત્રાની ટ્રેનમાં મુકવા આવીશ...! ઉભો રહે..મારી વાત તને નહીં સમજાય...! સાંભળ, હું તમને બંનેને મારા ષડ્યંત્રનો શિકાર નહીં બનાવું. હું મારા સગા હાથેથી જ તમારું ખૂન કરીશ સમજ્યો ?’ આટલું કહેતાંની સાથે જ સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઇ ગયો.

જાણે અચાનક જ લકવાનો હુમલો થયો હોય એમ એના હાથમાંથી રિસીવર છટકી ગયું.

એની નજર સામે બાજીગરના કલ્પિત રૂપમાં સાક્ષાત મોત નાચતું હતું.

એના ધબકારા એકદમ વધી ગયા હતા.

‘ધરમદાસ...!’ કાશીનાથે આગળ વધીને તેના ખભા પર હાથ મુક્યો.

‘હૂં...’ ધરમદાસના ગળામાંથી હુંકાર નીકળ્યો.

‘બાજીગર શું કહેતો હતો ?’

‘એ આપણને પોતાના ષડ્યંત્રનો શિકાર બનાવવાને બદલે, સગા હાથેથી જ આપણા ખૂન કરશે.’

‘શું...?’

‘હા, દોસ્ત...! એણે આમ જ કહ્યું છે !’ કહીને ધરમદાસે તેને બધી વિગતો જણાવી દીધી.

એની વાત સાંભળીને કાશીનાથનો ચહેરો ધોળો પૂણી જેવો થઇ ગયો.

‘બાજીગરથી બચવાનો એક જ ઉપાય છે કાશીનાથ ?’

‘શું ?’

‘આપણે હંમેશને માટે વિશાળગઢ છોડીને ક્યાંક દુર ચાલ્યા જઈએ.’

‘ધરમદાસ, આપણે દુનિયાના કોઈપણ ખૂણામાં જઈશું તો પણ આપણું કશું જ નહીં વળે ! એ આપણને કોઈ કાળે નહીં છોડે ! એને બે નહીં પણ અનેક આંખો છે. આ આંખો ચોવીસેય કલાક ઉઘાડી રહે છે. એને ક્યારે, કોણ, શું કરે છે તેની બધી જ ખબર હોય છે.’

‘તો પછી આનો એક જ અર્થ થયો કાશીનાથ, કે આપણને એના હાથેથી મરતાં દુનિયાની કોઈ જ તાકાત નહીં બચાવી શકે !’

‘નાગપાલ સાહેબ તેને પકડી લે એ બનવાજોગ છે.’

‘એ વહેમ મગજમાંથી કાઢી નાખ કાશીનાથ...! તેઓ ક્યારેય બાજીગરને નહીં પકડી શકે.’

કાશીનાથે ભયભીત બનીને એકી શ્વાસે પોતાનો પેગ ખાલી કરી નાંખ્યો.

ધરમદાસ નિર્જીવ મૃતદેહની જેમ સોફા પર ફસડાઈ પડ્યો.

જાણે દુનિયાના સૌથી વધુ કમનસીબ માત્ર તેઓ જ હોય તેમની હાલત પરથી લાગતું હતું.

***