Vevishal - 33 in Gujarati Short Stories by Zaverchand Meghani books and stories PDF | વેવિશાળ - 33

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

વેવિશાળ - 33

વેવિશાળ

ઝવેરચંદ મેઘાણી

૩૩. વિજયચંદ્રનો વિજય

ખુશાલના ગયા પછી થોડી વાર સુધી આ બેઉની સમાધિ ચાલુ જ રહી. સમાધિ જ્યારે છૂટી શકી ત્યારે ચંપક શેઠે દુભાતે સ્વરે કહ્યું:

“ગઠિયા—કાઠિયાવાડમાંથી આવા બધા ગઠિયા જ આંહીં મુંબઈમાં ભરાણા છે. પોલીસને આ ગઠિયા જુગારમાંથી ઊભે ગળે ખવરાવે, ને આબરૂદારોની આબરૂ પાડતા ફાટ્યા ફરે.”

“આપણા કામને એની કશી અસર થતી નથી.”

“ના, મેં તો ઊલટાનું એને આવીને લઈ જવાનું કહેલું; પણ આ તો તેમની નાણાં કઢાવવાની રીત છે. મૂળ આ આવેલો લાંચ ખાવા.”

“ખેર.” વિજયચંદ્ર પોતાની અધીરાઈને છુપાવતો છુપાવતો પણ મૂળ વાતના તૂટેલા ત્રાગડા સાંધવા ઊતાવળો થયો. કેમ કે એના પરના મુકદ્દમાની તો ઘરમેળે માંડવાળ જ થઈ ગઈ હતી.

“તમે મારી સુશીલાને સુખી કરી શકશો? તમને ખાતરી છે?” ચંપક શેઠે વાર્તાલાપ આગળ ચલાવ્યો.

“હું પોતે જ શા માટે છતી આંખે મારું કે કોઈ બીજાનું જીવતર હોળીમાં હોમું? આ જુઓ.”

એટલું કહેતે વિજયચંદ્રે ગજવામાંથી કાગળોની થોકડી કાઢીને ચંપક શેઠની સામે ધરી કહ્યું: “આટલાં કહેણ છે. મારા માથે તરપીટ પડે છે. પોલીસે કેસ ઊભો કર્યા પછી પણ આવેલા આ કાગળ જુઓ.”

ચંપક શેઠે કદાચ જોવા યત્ન કર્યો હોત તોપણ એ કાગળોની બનાવટને ન પકડી શકત. જુદા જુદા હસ્તાક્ષરોમાં ને નોખનોખી શાહીઓ વડે લખેલા એ કાગળો હતા. પ્રત્યેક કાગળમાં એક એક કુંવારી કન્યાનો પિતા કાકલૂદી કરતો હતો: વિજયચંદ્ર જો પાણિગ્રહણ કરે તો તેમાંનો કોઈક પિતા પાંચ હજાર ગજવે ઘાલવા, તો કોઈક બીજો પિતા પોતાનો સમસ્ત વારસો એને ચરણે ધરવા તૈયાર હતો. એ બધા પિતાઓની હયાતી વિજયચંદ્રના ગજવા ઉપરાંત પૃથ્વી પર કોઈ ઠેકાણે હતી કે કેમ, એ પ્રશ્ન પૂછવો કોઈને ન સૂઝે. ઉંમરલાયક બનેલી પુત્રીના પિતાઓ આ જગતમાં વધુમાં વધુ લાચાર માનવીઓ હોય છે.

“મારી બડાઈ હાંકવા કે આપની આંખો આંજી દેવા માટે હું આ નથી બતાવતો. આજ સુધી નથી બતાવેલ તેનું એ જ કારણ હતું. હું આપની સંકડામણનો ગેરલાભ લઉં તો મારી કેળવણી ને મારું કુળ બેઉનો દ્રોહી બનું. આજે બતાવું છું તે તો આપને મારા હૃદયની ખાતરી કરાવવા. કેમ કે મારી મથરાવટી આજે મેલી થઈ છે. મારી જે રક્ષા આજે આપે કરી છે, તેનો બદલો હું એક જ રીતે વાળી શકું તેમ છું: આપને આપવા જેવું મારી પાસે મારું સ્વતંત્ર જીવન છે, તે હું આપી દઈશ. આપના આખા કુટુંબની એકમાત્ર જે મૂંઝવણ, તેને હું મારા માથા પર ઉઠાવી લઈશ. થોડા દિવસ પર હું આપની પાસે મારી શરતો મૂકીને દબાવતો હતો, આજે હું પોતે જ જે કહો તે શરત નીચે દબાવા તૈયાર છું.”

“તાત્કાલિક લગ્ન કરી શકશો?”

“પૂછો છો શા માટે? આજ્ઞા જ કરો.”

“વિલાયત ક્યારે જવું છે?”

“આપ રજા આપો ત્યારે.”

“એકલા જશો કે?”

“હવે એકલા વિલાયત જવાની મારી હિંમત જ નથી. આપ રજા દેશો તો જ અને સાથે મોકલશો તો જ મારે જવાનું છે, નહીં તો જવું નથી.”

એક પ્રતિષ્ઠાવંત મિલમાલિકના પ્રતિનિધિ બનીને વિલાયત જનારા જમાઈની અને એ ફૂલહારે લચી પડતા જમાઈને પડખે ગળાબૂડ ગુલાબના હારોમાં શોભતી પોતાની પુત્રીની—બેલાર્ડ પિયર પરના એક ‘પી. એન્ડ ઓ.’ મેઈલ-જહાજ પર ચડતી – એવી બે પ્રતિમાઓ ચંપક શેઠની કલ્પનામાં રમી રહી. પોતે કલ્પના કરી, ને પોતાની કલ્પનામાં નિહાળી પોતે જ આભો બની રહ્યો. પોતાની એકોતેર પેઢીઓને પોતે એ કલ્પના વડે તારી રહ્યો હતો. એ કલ્પના સાચી પડશે ત્યારે અમારી કીર્તિનો રથ પૃથ્વીથી સવા વેંત ઊંચેરો ચાલશે. ગામડાંનાં સગાંવહાલાં અને જ્ઞાતિભાઈઓ ‘ધન્ય છે! ધન્ય છે!’ બોલશે. મિલોવાળા શેઠિયા અને દેશીપરદેશી સાહેબો તે દિવસ અભિનંદન આપવા આવશે કે ‘ચંપક શેઠ, તમારું કુટુંબ આટલું સંસ્કારી છે એની તો અમને ખબર જ નહીં.

આ તે શું ફક્ત સંતાનહીન પિતાના હૈયાના ગુપ્ત મનોરથો હતા? કે પોતાની અસલ જમીનમાંથી એકાએક ઊખડી પડીને શ્રીમંતાઈના ફૂલબાગમાં રોપાયેલાં સુવર્ણનાં ઝાડવાં સમાં માનવીનાં આ ઘેલાં હતાં? પોતાની ધરતી તો વછૂટી ગઈ, પરાઈ અને અજાણી ભોમમાં જરીક મૂળિયાં બાઝયાં—પછી શું માનવીના વલવલાટો આવા કોઈ સાફલ્યને શોધતા હશે? વારસહીનોના, પુત્રહીન વાંઝિયાઓના એ વલવલાટ! ઓચિંતી આવી પડેલી લક્ષ્મીની એ વ્યાકુળતા! એ પોતાની સાર્થકતા શોધે છે. એ જગતના કાન પર દાંડી પીટી પીટી ઘોષણા કરવા ચાહે છે કે, ‘જુઓ, જુઓ, હું જે છું તે અસ્વાભાવિક નથી, ક્ષુદ્ર નથી, ઉપેક્ષા કરવા લાયક નથી. હું છું, હું કંઈક છું, હું ઘણું બધું છું.’

“એક વાતે તમને ચેતાવું,” ચંપક શેઠે બેલાર્ડ પિયર પરથી કલ્પનાને પાછી વાળીને વિજયચંદ્રને યાદ આપ્યું: “સુશીલાના મગજ ઉપર કાંઈક માઠી અસર તમારાં ઓલ્યાં બેનના બોલવાથી થઈ છે એટલે…”

“એ બન્યું ત્યારે હું જરા મોડો પહોંચ્યો હતો. મને એ જાણ થઈ તે ઘડીથી જ મેં એ મિત્રની ને એમનાં પત્નીની—જેને હું ધર્મની બહેન માનતો તેની—સોબત છોડી છે, તેમના ઘરનો માર્ગ પણ છોડી દીધો છે. હું કબૂલ કરું છું કે ઘણાં વર્ષો સુધી હું છેતરાયો જ હતો. મારા ભોળપણ ઉપર કહો કે મારી મૂર્ખાઈ પર કહો—એ બેય જણાં આબાદ રમત રમી ગયાં છે. પણ એ તો સારું થયું છે. મારો મદ ભાંગ્યો છે. હું મને પોતાને ઘણો હોશિયાર ને ચતુર માની બેઠેલો, પણ એમણે મને ફૂંકી ફૂંકી ફોલી ખાધો તે તો મેં બહુ મોડું જાણ્યું. ને મારી આંખો ઉઘડાવનાર પણ આપનાં પુત્રી જ બન્યાં—તે દિવસથી જ મને થયા કર્યું છે કે મારા જેવા બેવકૂફ ભોળા પુરુષને સદા સાવધાન રાખે એવી સ્ત્રીની જ જરૂર છે. મારે કાંઈ મૂંગી મૂંગી પૂજા કરનારી ને હામાં હા ભેળવનારી ગુલામડી નથી જોઈતી. એ જ્ઞાન થયું છે ત્યારથી તો મને પશ્ચાત્તાપ જ થયા કર્યો છે, કે એમને ભણાવવા-ગણાવવાની ને સંસ્કારો પાડી મારે લાયક બનાવવાની કેવી શેખી હું કરી બેઠો! ઊલટાનું હવે તો મને મારી પોતાની લાયકીનો વિચાર થાય છે.”

છેલ્લા છ મહિનાના સમાગમમાં કોઈ અદ્ભુત ભાત પાડનારું આ જુવાનનું માનસિક પરિવર્તન ચંપક શેઠની આંખોમાં કામણ કરી રહ્યું. મનમાં થયું કે એ જૂના જમાનાની જડમૂર્તિ, જૂના વેવિશાળનો જિદ્દી પક્ષપાત કરતી એ મારી બોથડ ને મીંઢી બાયડી જો અત્યારે આંહીં આ સાંભળવા હાજર હોત તો એને ખાતરી થાત. મારી સુશીલા જો છૂપીને આ જુવાનના શબ્દો સાંભળી શકી હોત તો એના મનમાંથી એની જૂનવાણી ભાભુએ ભરાવેલ ડૂચા ક્યારના નીકળી જાત. એ બધાંને દીવા જેવું દેખાત કે મારી આંખોમાં ઠરેલો છોકરો નાલાયક નીવડે નહીં. છેલ્લા બેચાર દિવસોનો ખળભળાટ નાહક આડે આવ્યો, પણ ફિકર નહીં. રૂપાવટીવાળો એ હરામખોર વાણિયો નક્કી આ ભાભુ-ભત્રીજીને રસ્તામાંથી જ આડુંઅવળું સમજાવી ઘેરે લઈ ગયો હશે. હવે જ્યારે એણે એનું પોત પ્રકાશ્યું છે ત્યારે તો એની છાતી માથે થઈને જ મારે લગન કરવાં છે. હવે ન્યાતની મંજૂરી લેવાની શી જરૂર છે? ન્યાત થોડો દંડ કરશે એટલું જ ને! ચૂકવી આપીશ.

વિજયચંદ્રને એણે પૂછ્યું:

“ઉતાવળે લગ્ન પતાવી નાખીએ તો ન્યાતનો તમને ડર છે ખરો કે?”

“મારે ક્યાં કોઈ ભાઈ કે બેનને પરણાવવા ન્યાતનું શરણ લેવાનું છે?”

“તો ચાલો. પરમ દી સવારે જ ઊપડવું છે.”

“એક વાત પૂછવાની રહે છે.”

“શી વાત?”

“દુ:ખ નહીં લગાડો ને?”

“ના.”

“આપનાં પત્નીને આ બધું ગમશે કે કેમ તે…”

“ન ગમે તો રસ્તા મોકળા છે. એક હાક માર્યા ભેગી તો આંખમાંથી દડ દડ ધાર નહીં છૂટી પડે? હું એવો બાયડીવશ ધણી નથી! પરમ દિવસ સવારની ગાડીમાં તમે બેસજો દાદરથી ને હું બેસીશ બોરીવલીથી. હવે પગથિયાં નથી મૂકવાં. સારા કામને સો વિઘન નડે. આ ખુશાલિયો પણ કાંઈક ખટપટ કરે એવો સંભવ છે.”

વિજયચંદ્ર સ્થિર નયને તાકી રહ્યો. એવી રીતે તાકવાથી એની આંખોમાં જળ ઝબૂક્યાં. રેશમી રૂમાલમાં એ જળનો છંટકાવ થયો. આભારમાં આકુલ બનતી બે મૂંગી આંખો બતાવીને એણે વિદાય લીધી.

***