“નવલી નવરાત”
પરમ શક્તિ મા નવદુર્ગાની અરાધનાનું પર્વ નવરાત્રી. ધરતીકંપ, દુષ્કાળ, સુનામી, અતંકવાદ જેવા માનવસંહારનાં અવસાદ પછી નવરાત્રી જેવા ઉત્સવને વાજતે-ગાજતે ઉલ્લાસ સહ ઉજવવાનું મન ન થાય એ સ્વાભાવિક છે. ઉપાસના, જપ-તપ-અનુષ્ઠાન દ્વારા સચરાચરમાં વ્યાપ્ત આ શક્તિને વંદન કરીએ. દેવીનું શાંત મને સ્મરણ કરવાથી સર્વજીવોના ભય દૂર થાય; સદ્દબુધ્ધિ આવે, દારીદ્રતા દૂર થાય.
બહુચરાજી, અંબાજી, ચામુંડા અને કચ્છની ધણી મા આશાપુરાનાં ધામ તરફ પદયાત્રીઓ માતાજીનાં નામનો “જયકાર”નો નાદ બોલાવતાં “ગતિસ્ત્વં ત્વમેકા ભવાની”ના ભાવ સાથે આગળ ધપતાં જાય.
પ્રથમ નવરાત્રે મટોડીનાં ગરબા થકી ઘટસ્થાપન થાય. આ ગરબો આપણાં પિંડ અને બ્રહ્માંડનું પ્રતિક છે. અખંડ જ્યોતની સાક્ષીએ નવરાત્રીના પાવન અવસરે વિશ્વ શાંતિ, આરોગ્ય, સંમૃધ્ધિની પ્રર્થના કરીયે. “હે દેવી! હે જગદંબા! આપ હંમેશા સૌ પર ઉપકાર કરનાર; હે દયાળુ માતા, તમને વંદન કરીયે છીએ.”
આ અર્વાચિન યુગમાં હવે તો નવરાત્રીએ આનંદોત્સવ બનીને વિશ્વવ્યાપી તહેવારમાં સ્થાન જમાવ્યું છે. સંગીતનાં સૂર, નાદ અને તાલે ચોમેર રમઝટ જમાવી છે. નવરાત્રી દરમિયાન માતાજીનાં નવલાં નવ સ્વરુપનું વર્ણન અને પૂજન અર્ચન કઈ રીતે કરવું એ જાણવું ખૂબ રોચક છે. અવતારોની ઉત્પત્તિ અને એમની કરવામાં આવતી ભક્તિ વિશે પુરાણોમાં કઈંક કેટલુંય લખાયું છે. એવાં આ નવદુર્ગાનાં નવલાં સ્વરૂપની મહિમા અને માહત્મય વાંચીએ.
કુંજલ પ્રદિપ છાયા
kunjkalrav@gmail.com
પ્રથમ વંદન શૈલ પુત્રી શક્તિને
નવદુર્ગાનાં નવ રૂપોમાંથી પ્રથમ રૂપ-શૈલપુત્રીનું છે. પર્વતરાજ હિમાલયનાં ખોળે જનમ્યાં હોવાથી શૈલપુત્રીનામ પડ્યું. વૃષભવાહિની આ શક્તિનાં એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં કમળ-પુષ્પ છે. તેઓ પોતાનાં પૂર્વ જન્મમાં પ્રજાપતિ દક્ષને ખોળે પ્રગટ થયાં ત્યારે એમનું નામ સતી હતું. તેઓ ભગવાન શિવનાં પત્ની હતાં.
એકવાર એમનાં પિતાએ મોટો યજ્ઞ કરાવ્યો. ત્યારે બધાં દેવ દેવીઓને નોતર્યા પણ કોઈ કારણસર દિકરી જમાઈને આમંત્રણ આપ્યું નહિં. આ વાતથી તેઓ બહુ દુ:ખી થયાં. પતિને મનની વ્યથા વ્યક્ત કરી. ભોળા મહાદેવે સ્વભાવગત અતિ-ઉદાર જવાબ આપ્યો કે પછી બધી જ વાતની જાણ હોવા છતાં વાતને ટૂંકાવવા કહ્યું, “હે દેવી, પ્રજાપતિ કોઈ કારણસર જ આપણાંથી નારાજ છે. આપણને નોતરું નથી આપ્યું તેથી તમારું પણ ત્યાં જવું યોગ્ય નથી.” પિતાને ત્યાં અવસર હોય અને દિકરીની હાજરી ન હોય; સાસરે બેઠી રહે! મહાદેવનાં જવાબથી સંતોષ ન થયો. સામસામા હઠાગ્રહ બાદ પતિની અનુમતિ લઈ તેઓ પ્રસંગમાં ગયા.
તેમને ત્યાં યોગ્ય આદર સત્કારનો અભાવ લાગ્યો. બહેનો અને મહેમાનોની વાતોમાં વ્યંગ અને ઉપહાસ સંભળાયાં. ફક્ત માતાએ લાગણીવશ ઉમળકો વર્તાવ્યો. પોતાનાં પતિ વિરુધ્ધ પિતાનાં તિરસ્કાર અને અપમાનજનક ઉક્તિઓથી સતીનું મન ક્ષોભ અને ક્રોધથી દુ:ખી થઈ ગયું! તેમણે પોતાનાં સ્વરુપને યોગાગ્નીમાં હોમી દીધું! આ દુર્ઘટનાની જાણ થતાં શિવે પોતાના ગણો દ્વારા યજ્ઞનો ધ્વંશ કર્યો. જે જગ્યાએ શિવની અવગણના થતી હોય ત્યાં મંગલ કાર્ય ન થાય. જે યજ્ઞમાં કલ્યાણકારી શિવની વિશ્વ કલ્યાણની ભાવના ન હોય તે યજ્ઞ અસુરી યજ્ઞ બને! આ પછી બ્રહ્મવિદ્યા યજ્ઞમાંથી ચાલી ગઈ જે હવે ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા જ યજ્ઞ થવા લાગ્યા. સતીનો બીજો જન્મ પર્વતરાજ હિમાલયનાં પુત્રી રૂપે થયો. તેઓ શૈલપુત્રી પાર્વતી, હેમવતીનાં નામે પણ ઓળખાયાં. આ જન્મે પણ તેમનો વિવાહ ભગવાન શિવ સાથે થયો. તેમનાં અર્ધાંગિની બન્યાં.
નવરાત્રિનાં પૂજનમાં નવદુર્ગામાં શૈલપુત્રીનું પૂજન પ્રથમ નોરતે થાય છે. તેમની ઉપાસનામાં યોગિઓ પોતાનાં મનને મૂળાધાર ચક્રમાં સ્થિર કરે છે. આધ્ય શક્તિ પાર્વતીનાં વિવિધ નવદુર્ગા સ્વરુપોમાંનાં આ પ્રથમ સ્વરુપને શત શત વંદન. આ શક્તિનાં સ્મરણનો મંત્ર છે:
વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધકૃત શેખરાત|
વૃષા રુઢાં શૂલધરાં. શૈલપુત્રી યશસ્વિનીમ||
બ્રહ્મચારિણી-શક્તિ
તપ, ત્યાગ, સદાચાર અને સંયમની વૃધ્ધિ કરનારી મા દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરુપ બ્રહ્મચારિણી છે. અહીં. “બ્રહ્મ” શબ્દનો અર્થ તપસ્યા થાય છે. બ્રહ્મચારિણી એટલે તપ-ચારિણી. તપ કરનાર. કહેવાય છે કે “વેદસ્તત્વં તપો બ્રહ્મ.” વેદ તત્વ અને તપ બ્રહ્મ વાચી છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરુપ પૂર્ણ જ્યોતિર્મય અને ભવ્ય છે. તેમનાં એક હાથમાં જપની માળા અને બીજા હાથમાં કમંડળ છે.
પૂર્વજન્મમાં જ્યારે હિમાલય પુત્રીરૂપ અવતર્યાં ત્યારે નારદજીનાં ઉપદેશથી એમણે ભગવાન શંકરને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે ખૂબ જ કઠિન તપશ્ચર્યા કરી હતી. આ કઠોર તપને કારણે તપશ્ચારિણી, બ્રહ્મચારિણીએ નામે પ્રસિધ્ધ થયાં છે. તેમનું તપ ખરેખર વંદનીય છે. એક હજાર વર્ષ ફક્ત ફળ-ફૂલ ખાઈને અને સો વર્ષ ફક્ત શાકભાજી પર પસાર કર્યાં! ટાઢ, તડકો, વા-વરસાદ અને મહાકષ્ટો સહન કર્યાં. કેટલાંક વર્ષો જમીન પર પડેલાં સૂકાં પાંદડાં ખાઈને તદ્દ્ન જળપાનનો ત્યાગ કરીને છેવટે પાંદડાં ખાવાનું પણ છોડી દેતાં એમનું એક નામ “અર્પણા” પડ્યું.
આવી કઠોર તપસ્યાથી દેવીનું શરીર ક્ષીણ થયું. જેથી તેમનાં માતા મેનાનાં મુખેથી “ઉમા- અરે નહીં; ઓ નહીં.” એવા શબ્દો શરી પડ્યા. તેથી દેવી બ્રહ્મચારિણીનાં પૂર્વજન્મનું એક નામ ઉમા પણ છે. આ ઉમા ગુજરાતમાં “ઉમિયા માતા”નાં નામે પણ પૂજાય છે. બ્રહ્મચારિણીનાં તપથી ત્રણેય લોકમાં હાહાકાર થઈ ગયો. બ્રહ્માજીએ આકાશવાણી કરીને મનોકામનાં પૂર્ણ થાવ એવાં આશિર્વાદ આપી આ તપ હવે ખમૈયા કરો એવી અરજ કરી. તેમનાં પિતા એમને લેવા પહોંચ્યા. પિતાએ સમજાવ્યા અને બ્રહ્માંજીનાં વરદાન બાદ તેમણે સ્વગૃહે પ્રસ્થાન કર્યું.
બ્રહ્મચારિણી મા દુર્ગનું બીજું સ્વરુપ પૂજન-સ્મરણ-અર્ચન કરવાથી કઠોર કર્તવ્ય પાલન નિભાવી ભક્તો અને સિધ્ધોનું મનોબળ વિચલિત થતું નથી. તેને સર્વત્ર સિધ્ધિ અને સફળતા મળે છે. જીવનમાં વાંછિત ધ્યેય પ્રાપ્ત કરવા કઠોર તપસ્યા કરવી પડે. આવા કઠોર તપસ્યાનો મારગ જ સાધકને શક્તિનો સાક્ષાત્કાર કરાવે છે. નવરાત્રી મોજમજા, રઝળપાટ અને જલસા કરી પોતાને શક્તિનાં ઉપાસક કહેવડાવીએ તો એ ભક્તિ નહિં ઢોંગ થાય. નવરારી એ કઈં નવરાઓની રાત્રી નથી; એ તો સંયમ, તપ, ઉપાસનાના માર્ગે આત્માની શક્તિને જગાવી પરમ શક્તિનો સાક્ષાતકાર કરવાનો અવસર છે!
આસો નવરાતનાં બીજાં નોરતે બ્રહ્મચારિણી-સ્વરુપની ઉપાસના થાય, યોગ-તપની ઉપાસના થાય. આ દિવસે યોગ ભક્તિ કરતાં સાધકનું મન “સ્વાશિષ્ઠાન” ચક્રમાં સ્થિર કરે એને દેવીની કૃપા અને ભક્તિ પ્રાપ્ત થાય છે. આ દેવીને સ્મરણ કરવાનો મંત્ર છે:
દધાના કરપદ્માભ્યામ ક્ષમાલાકમંડલ |
દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુંતમો ||
ચંદ્ર ઘંટા – શક્તિશાંતિદાયક – કલ્યાણકારી રૂપ
મા દુર્ગાનાં ત્રીજા રૂપનું નામ છે ચંદ્રઘટા. નવરાતનાં ત્રીજા દીવસનાં ઉપાસનાના દિવસે આ શક્તિનું પૂજન આરાધના થાય છે. “મા-ચંદ્રઘટા”નું રૂપ શાંતિદાયક અને ક્લ્યાણકારી છે. માનાં મસ્તકમાં અર્ધ ચંદ્ર છે તેથી તેમનું નામ ચંદ્રઘટા છે. ચંદ્રઘટા દેવીનાં શરીરનો રંગ સોનાની જેમ ચમકે છે. તેમને દશ હાથ છે. દશ હાથ એટલે દશ ઘણી શક્તિ! તેમનાં દરેક હાથમાં ગદા, ત્રિશૂલ જેવાં વિવિધ હથિયારો ધારાણ કરેલાં છે. તેમનું વાહન સિંહ છે. તેથી તેનો ઉપાસક સિંહ જેવો પરાક્રમી અને નિર્ભય બને છે.
દેવી ચંદ્રઘટાની મુદ્રા યુધ્ધ માટે તૈયારી કરનારી છે. ઘંટાનાદ સાંભળી ભલભલા દૈત્યો, દાનવો, અસૂરો હંમેશા ભયભીત બની દૂર ભાગે છે. નવદુર્ગા ઉપાસનાનાં ત્રીજા દિવસે સાધના શક્તિ દ્વારા સાધક મન “મણિપુર” ચક્રમાં પ્રવેશ કરે છે. મા ચંદ્રઘટાની કૃપાથી સાધકને અલૈકિક વસ્તુઓનાં દર્શન થાય છે. દિવ્ય ધ્વનિઓ સંભળાય છે. જ્યારે આવું બને ત્યારે સાધક માટે તે ક્ષણો ખૂબજ સાવધાન રહેવાની હોય છે. આવા સાચા સાધકના શરીરમાંથી દિવ્ય પ્રકાશવાળા પરમાણુંઓ અદ્રશ્ય રીતે ફેલાઈને વાતાવરણને શાંત અને સુગંધયુક્ત બનાવે છે. મા ચંદ્રઘટાનાં ભક્તો- ઉપાસકો જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં બીજાં લોકો પણ સુખ-શાંતિનો અનુભવ કરે છે!
દુશ્મનોનો અને દુષ્ટો-અનિષ્ટોનો નાશ કરવાની પ્રેરણાં આપનારી શક્તિ સ્વરૂપા ચંદ્રઘટા માતાનું અંત:કરણથી કરેલું ધ્યાન અને શુધ્ધચિત્તે કરેલી ઉપાસના આલોક અને પરલોક બંન્નેને પરમ કલ્યાણકારી અને કૃપાના અધિકારી બનાવે છે. ચંદ્રઘટા શક્તિનો ધ્યાન મંત્રઃ
પિંડજ પ્રવરારુઢ ચંડ્કોપાસ્ત્ર કૈર્યુતા|
પ્રસાદ તનુ તે મહયં ચંદ્રઘટેતિ વિશ્રુતા||
કુષ્માંડા-શક્તિ
ચોથા નોરતાંની અધિષ્ઠાત્રી દેવી નવરાત્રીનાં ચોથો દિવસ મા દુર્ગાનાં નવ સ્વરુપો પૈકી જેનું નામ કુબુધ્ધિનો નાશ કરનાર છે તેવી મા કુષ્માંડાની આરાધના અને ઉપાસનાનો છે. મા કુષ્માંડાએ પોતાનાં મંદ મંદ હાસ્ય દ્વારા અંડ અર્થાત બ્રહ્માંડને ઉતપન્ન કર્યું તેથી તેમનું નામ કુષ્માંડા શક્તિ પડ્યું. આખું બ્રહ્માંડ દેવીની કુખેથી જનમ્યું છે તેથી તે જગત જનની કહેવાય છે. આ શક્તિનાં અસ્તિત્વ પહેલાં બ્રહ્માંદનું પણ અસ્તિત્વ ન હતું. ચારેકોર અંધકાર હતો. મા પોતાનાં “ઈષત” હાસ્યથી આ બ્રહ્માંડની રચના કરી. તેથી નવાણ મંત્રમાં આ શક્તિનો ઉલ્લેખ કરતાં કહ્યું છેઃ
“ઐકારી સૃષ્ટિ રુપા યૈ, હીં-કારી પ્રતિપાલિકા ।
કલી: કારી કામરૂપિણ્ય, બીજ રૂપે નમસ્તુતે ॥
આ માતાજીનો નિવાસ સૂર્યમંડળમાં છે. સૂર્યલોકમાં નિવાસ કરવાની શક્તિ અને ક્ષમતા ફ઼કત આ દેવીમાં જ છે. દેવીનાં શરીરમાં સૂર્ય તેજની ક્રાંતિ છે. દેવીની આઠ ભુજાઓ થકી અષ્ઠાભુજા દેવી તરીકે પૂજાય છે. તેમાનાં સાત હાથમાં ક્રમશ: કમંડલ, ધનુષ્ય, બાણ, કમળ, પુષ્પ, અમૃત, કળશ, ચક્ર અને ગદા છે. આઠમા હાથમાં બધી સિધ્ધિઓ અને નિધિઓ અર્પનારી જપની માળા છે. આ દેવી પણ સિંહની અસવારી છે. જે શક્તિ અને પશુતા પર વશ કરનારી છે.
નવરાત્રીનાં ચોથા દિવસે કુષ્માંડા દેવીની ઉપાસના કરી સાધકનું મન યોગ-સાધના પ્રમાણે “અનાહત” ચક્રમાં આવી જાય છે. સ્થિર અને પવિત્ર મનથી પૂજન કરવાથી રોગ-દોષો દૂર થાય છે. આ દેવી આયુષ્ય, યશ, બળ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. મા કુષ્માંડાની ભક્તિ આધિ-વ્યાધિમાંથી મુક્ત કરી ભવસાગર પાર કરનારી સુખ-સમૃધ્ધિ આપનારી છે. આ દેવીનાં ધ્યાનનો મંત્ર છેઃ
સુરા સમ્પૂર્ણ કલશં રુધિરા લુનમે વય |
દધાના હસ્ત પદ્માભ્યાં કુષ્માંડા શુભદાસ્તુતે ||
સ્કંદમાતા-શક્તિ
કાર્તિકેય સાથે માની ઉપાસના નવદુર્ગાના સ્વરૂપોમાં પાંચમી નવરાત્રીએ સ્કંદમાતાનું પૂજન થાય છે. આ શક્તિ ભગવાન સ્કંદ “કુમાર કાર્તિકેય” શિવના પુત્ર અને સેવોનાં સેનાપતિની માતા છે. પુરાણોમાં તેમને શક્તિધરનાં નામે પણ ઓળખવામં આવે છે. કાર્તિકેયનું વાહન મયૂર છે. સ્કંદ જેવા શૂરવીર પૂત્રની માતા હોવાથી તેમની ઉપાસના નવરાત્રીનાં પાંચમા દિવસે થાય છે. આ દિવસે સાધકનું મન વિશુધ્ધિ ચક્રમાં પહોંચી જાય છે. તપશુધ્ધિથી સાધકનું મન અનહદ આનંદમાં આહવાન કરાવે છે. સ્કંદ માતૃ સ્વરૂપિણી દેવી ચાર ભૂજાઓ છે. જેમાં એક હાથે ખોળામાં કુમાર સ્કંદને બેસાડ્યા છે. બીજા અને ચોથા હાથમાં કમળ; ત્રીજો હાથ વરદ મુદ્રામાં છે.
અત્યંત શુભ્ર વર્ણી દેવી કમળનાં આસને બિરાજે છે અને તેમનું વાહન સિંહ છે. આ સ્વરૂપમાં માતા અને પુત્ર બંન્નેની ઉપાસના થાય છે જે એક વિરલ ઘટના છે! સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવીનં સાધકનાં ચારેય તરફ઼ એક અલૈકિક પ્રભા મંડલ છવાયેલું રહે છે. જે તેમને તમામ અનિષ્ટોથી રક્ષા કરે છે. તેના યોગ-ક્ષેમનું પણ વહન કરે છે. પાંચમાં નવરાત્રીની અધિષ્ઠાત્રી દેવી સ્કંદમાતાનાં સ્મરણનો મંત્ર છે :
સિંહાસનાગતા નિત્યં પદ્માશ્રિત કરદ્રેયા |
શુભદાસ્તુ સદા દેવી સ્કંદમાતા યશસ્વિની ||
કાત્યાયની શક્તિ – મા દુર્ગાનું છ્ઠ્ઠું સ્વરૂપ
કત નામે એક બહુ તપસ્વી ૠષિ હતા. તેમના પુત્ર ઋષિ કાત્યા હતા. આ કાત્યા ગોત્રમાં એક પ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા. જેમણે ભગવતીની ઉપાસના કરી. તેમના ઘરે પુત્રી રૂપે જન્મ લે એવી ઈચ્છા કરી. તેમની શ્ર્ધ્ધા-ભક્તિ જોઈને મા ભગવતીએ પ્રાર્થના સ્વીકારી.
દરમિયાન પૃથ્વી ઉપર મહિસાસુર રાક્ષસનો આતંક વધી ગયો હતો. ત્યારે બ્રહ્માં, વિષ્ણું, મહેશ ત્રણેય દેવોએ તથા અન્ય દેવી-દેવતાઓએ પોતાનું દૈવી તેજ અંશરૂપે આપી મહિસાસુરનો વિનાશ કરવા આપ્યાં. આ પ્રસંગ મહર્ષિ કાત્યાયનના આશ્રમાં બન્યો. અત્યંત પવિત્ર અને શાસ્ત્રોનાં પ્રખર જ્ઞાતા હતા. દેવીનું સ્વરુપ પ્રગટ થતાં તેમણે તેનું પ્રથમ પૂજન કર્યું જેથી તેઓ કાત્યાયની દેવી તરીકે ઓળખાયાં.
મહર્ષિ કાત્યાયનના ઘરે જન્મ લઈ આસો સુદ સાતમ, આઠમ અને નોમ એમ ત્રણ દિવસ સુધી મહર્ષિની પૂજા સ્વીકારી અને વિજ્યા દશમના દિવસે ત્રિલોકમાં હાહાકાર મચાવનાર અસૂરનો વધ કર્યો. અચૂક ફળ આપનારી આ દેવી કાત્યાયની ઉપાસના ભગવાન શ્રી કૃષ્ણને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે વ્રજની ગોપિઓએ કરી હતી. વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેતી રૂપે તેઓ પ્રતિષ્ઠિત છે. અતિ ભવ્ય-દિવ્ય સોના જેવો તેજસ્વી વર્ણ છે એમનો. ચતુર્ભુજ દેવીના એક કર અભયમુદ્રા છે તો એક કરમાં તલવાર; એક હાથ વરદ મુદ્રામાં અને એક હાથ વદમુદ્રામાં છે. સિંહ વાહન છે.
દુર્ગાપુજાનાં છઠ્ઠા દિવસે આ દેવીની આરાધના કરવા સાધક મનમાં આજ્ઞાચક્રમાં સ્થિર કરે છે. માનાં સ્મરણથી ભય, સંતાપ દૂર થઈ જન્મજન્માંતરનાં પાપો આ દેવી હણી લે છે.
મા કાત્યાયનીના શરણાગતની ઉપાસનાનો મંત્ર છે:
ચંદ્રહાસોજ્જવલ કરા, શાર્દુલ વર વાહના |
કાત્યાયની શુભં દધાદેવી દાનવધાતિની ||
કાલરાત્રી-શક્તિ
શુભંકરી ભયંકર સ્વરૂપ મા-દુર્ગાનું સાતમું સ્વરૂપ “કાલરાત્રિ” છે. આ શક્તિનો રંગ રાત્રીના ગાઢ અંધકારની જેમ એક્દમ કાળો છે. વિખરાયેલા વાળ; ગળામાં વિજળી જેમ ચમતી માળા છે. આ શક્તિને ત્રણ નેત્રો છે. બ્રહ્માંડની જેમ ગોળ છે ! તેમનાં નેત્રોમાંથી વિજળી જેવાં ચમકદાર કિરણો નીકળે છે. નાકમાંથી શ્વાસોચ્છવાસમાંથી ભયંકર અગ્નીજ્વાળાઓ નીકળે છે. તેમનું વાહન ગદર્ભ છે. ચાર ભુજાઓ વાળી આ શક્તિનો એક હાથ અભય મુદ્રા અને બીજો હાથ વરદ મુદ્રામાં છે. જ્યારે ત્રીજા હાથમાં લખંડી કાંટાળું હથીયાર તો ચોથા હાથમાં ખડગ કે કટાર છે.
“કાલરાત્રિ” નામ મુજબ ભયંકર રૂપવાળી છે પરંતુ તેઓ હંમેશા શુભ-ફ઼ળ આપનાર છે. દુર્ગાપૂજાનાં સાતમાં દિવસે આ શક્તિની ઉપાસના કરવા સાધકનું મન “સહસ્ત્રધાર” ચક્રમાં સ્થિર કરે છે. સંસારની સમસ્ત સિધ્ધિઓનાં દ્રાર સાધકનાં શરીરમાં ખુલે છે. સર્વ પાપ-વિઘ્નો દૂર થાય છે, સર્વત્ર અમૃતની અમીયલ વહીને જીવન આનંદમય બનાવે છે.
મા “કાલરાત્રિ” દુષ્ટોનું નાશ કરનારી; સ્મરણ માત્રથી દૈત્ય, રાક્ષસ, ભૂત-પ્રેત વગેરે ભયભીત બની નાશ પામે છે! કાલરાત્રી-શક્તિના ધ્યાનનો મંત્ર આ પ્રમાણે છેઃ
એક વેણી જયાકર્ણપૂરા નગ્ન ખરા સ્થિતા |
લંબોષ્ઠિ, કર્ણિકાકણી તૈલાભ્યકતશરીરિણી ||
વામ પાદોલ્લસલ્લોહલતા કંટક ભૂષણા |
વામ ન મૂર્ધ ધ્વજા કૃષ્ણા કાલ રાત્રિર્ભયંકરી ||
મહાગૌરી-શક્તિ
અષ્ટવર્ષા મહાગૈરી સ્વરૂપ નવરાત્રીનાં નવ દિવસોમાં આસો સુદ આઠમનું બહુ મહત્વ છે. દક્ષ રાજાનાં યજ્ઞનો નાશ ભદ્રકાળીએ આ દિવસે કરીને મહાગૈરી રૂપ ધારણ કર્યું. અ દેવીનો વર્ણ શ્વેત છે. એમનાં ગૌરવર્ણની સરખામણી શંખ, ચંન્દ્રમાં અને કન્દ ફ઼ૂલ સાથે થાય છે. પૂર્વજનમમાં મહાગૌરી પાર્વતી હતાં. શિવને વરવા દ્રઢ પ્રતિજ્ઞા સાથે દેવીએ કઠિન તપ કર્યું. તપસ્યાનાં તાપથી તેમનું શરીર કાળું પડી ગયું. તેમની તપસ્યાથી સંતોષ થઈ પ્રસન્ન ભગવાન શિવે તેમનાં શરિરને ગંગાજળથી મસળીને ધોયું ત્યારે તે વિદ્યુતસમ પ્રભાવાન અને કાંતિમાન “ગૌર” થઈ ગયું – જેથી એમનું નામ પડ્યું.
“અષ્ઠવર્ષા બવેદ ગૈરી” મહાગૌરીની ઉંમર આઠ વર્ષ છે; તેથી આઠ વર્ષની કુમારીકા કન્યાને “ગૌરી” કહેવાય છે! ગૌરી વ્રતનો મહિમા આપણાં શાસ્ત્રમાં ઘણો છે. મા મહાગૌરીની ચાર ભુજાઓ છે. તમનું વાહન બળદ છે. એક કરમાં ત્રિશૂળ; બીજો હાથ અભયવર આપનારો, એક હાથમાં ડમરૂ, ચોથો હાથ વરદમુદ્રાવાળો છે. દેવીની મુદ્રા અત્યંત શાંત છે; જે જીવનમાં શાંતિ પ્રદાયિની છે.
મહાગરીની ઉપાસના કરનાર ભક્તનાં દુષકર્મો દૂર થઈ પાપ-સંતાપ; દૈત્ય-દુ:ખ પાસે આવતાં નથી. સાધક તમામ પ્રકારનાં અક્ષય પુણ્યોનો અધિકારી બની જાય છે. મહાગૌરી સાધનાનો મંત્ર આ પ્રમાણે છેઃ
શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતામ્બરધરા શુચિ: |
મહાગૌરી શુભં દધાન્મહાદેવ પ્રમો દધા ||
સિધ્ધિદાત્રી-દુર્ગાશક્તિ
નવમી શક્તિ સિધ્ધિદાત્રી ભગવતીને લાખ-લાખ વંદન કરી માના દિવ્ય ચરિત્રનું સ્મરણ કરીયે. સિધ્ધિદાત્રી-દુર્ગાશક્તિ આપણાં જીવનમાં આઠ પ્રકારની સિધ્ધિઓ આપે છે જેનો માર્કંડ પુરાણમાં ઉલ્લેખ થયો છે. ૧) અણિમા, ૨) મહિમા, ૩) સૃષ્ટિ, ૪) લધિમા, ૫) પ્રાપ્તિ, ૬) પરાક્રમ્ય, ૭) ઈશત્વ, ૮) વશિત્વ.
મા સિધ્ધિદાત્રી ભક્તો-સાધકોને વરદાન આપવામાં સૌથી શક્તિશાળી છે. ભગવાન શિવની આરાધના થકી એમને સિધ્ધિ પ્રાપ્તિની શક્તિ મળી હતી અને મા સિધ્ધિદાત્રીની કૃપાને લીધે ભગવાન શિવનું શરીર અર્ધ દેવી-નારી સ્વરૂપે થયું હતું. જેને લીધે તિલોકમાં “અર્ધનારી નટેશ્વર” નામે પણ ઓળખાયા.
મા સિધ્ધિદાત્રી ચાર ભૂજાઓવાળી છે. માતાજીનું વાહન સિંહ છે. એક હાથમાં ચક્ર, બીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ-પુષ્પ છે. નવમીનાં સવારે સંપૂર્ણ વિધિ-વિધાન મૂજબ પાઠ-પૂજા કરી નૈવેદ્ય અર્પણ કરાય છે. સિધ્ધિદાત્રી માની નિયમબધ્ધ સાધના પછી કોઈ જ ઈચ્છા બાકી રહેતી નથી. અલૈકિક અનુભવ પરમપદે લઈ જાય છે; સાધક મોક્ષ અને ભોગ એમ બાંન્ને પ્રાપ્ત કરે છે. સિધ્ધિદાત્રી માનાં સ્મરણ અને ધ્યાનનો મંત્ર છેઃ
સિધ્ધિગન્ધર્વયક્ષાધૈર સુરૈસ્મરૈરપિ ।
સેવ્યા માના સદાભૂયાત સિધ્ધિદા સિધ્ધિદાયિની ॥