...Ane off the Record - Part-13 in Gujarati Adventure Stories by Bhavya Raval books and stories PDF | ...Ane off the Record - Part-13

Featured Books
Categories
Share

...Ane off the Record - Part-13

પ્રકરણ ૧૩

‘...અને..’

ઓફ ધી રેકર્ડ

લેખકનો પરીચય :-

ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ..જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.

ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે.

લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.

પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.

આથી પ્રસ્તુત છે યુવા નવલકથાકાર ભવ્ય રાવલની પવિત્રતા, પાગલપણા અને પેશનથી ભરેલા સાહિત્ય અને પત્રકારત્વ જગતની વિષયવસ્તુ પર આધારિત પેજ-થ્રી પડદાં પાછળની જમીની હકિકતને બેબાક દિલધડક રીતે રજૂ કરતી નવલકથા – ‘…અને’ – ઑફ ધી રેકર્ડ

‘...અને’ – ઑફ ધી રેકર્ડ

સંબંધોનાં પળેપળ બદલાતા પલડાઓની ઊંચ-નીચ અને યશ, ધન, સત્તા અને પદની અંદરથી ખવાઈ અને બહારથી ખોવાઈ ગયેલી જિંદગીઓની દાસ્તાન..

રાજકીય મહોરાઓની ચાલ અને ખોખલા કાયદાનાં ષડયંત્ર વચ્ચે સરસ્વતી અને લક્ષ્મીનાં ઉપાસકો અને આરાધકોની સંઘર્ષકથા..

વિબોધ જોષી અને સત્યા શર્મા નામનાં બે શૂરવીરની સાહસકથા.

‘…અને’ બીજું ઘણુંબધું ‘ઑફ ધી રેકર્ડ’ નવલકથામાં..... ભવ્ય રાવલની કલમે.......

Bhavya Raval

ravalbhavya7@gmail.com

પ્રકરણ ૧૩

‘...અને..’

ઑફ ધી રેકર્ડ

...અને કોર્ટમાં અનેક દલીલો વચ્ચે વિબોધ જોશીની હત્યા કરવાના આરોપસર સત્યા શર્માનાં જામીન અરજી નામંજૂર થયા. કોર્ટએ જામીન અરજીની આગળની સુનાવણી માટે તારીખ પાડતા ફરી સત્યાને સાત દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપી, સાથોસાથ સરકારી વકીલની નવી નિમણૂક સાથે પોલીસ ડિપાર્ટમેન્ટને નક્કર પુરાવાઑ એકઠા કરી જલ્દીથી ચાર્જશીટ બનાવી કેસ ઓન બોર્ડ આગળ વધે તેવી કાર્યવાહી કરવા સૂચવ્યું.

સત્યાની જામીન અરજી અદાલતે ફગાવતાં તેનાં સાથીદારોમાં આઘાત-પ્રત્યાઘાતનું મોજું ફરી વળ્યું. બધાની આશાથી વિપરીત સત્યાના જામીન નામંજૂર થતાં વિબોધનાં ચાહકોમાં ખુશીની લહેર દોડી ગઈ. એક સમયે સત્યા અને વિબોધનાં સાથીદારો એક હતા જે વિબોધ પર સત્યાનાં ફાયરિંગ કરાયાની ઘટના બાદ બે વિરોધી જૂથમાં પરિવર્તિત થઈ ગયા હતા.

આ સમગ્ર ઘટના દરમિયાન વિબોધ જોશીનો પી.એમ. રિપોર્ટ બનાવનાર સરકારી વકીલની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી. સરકારી ન્યાયાધીશની બદલી થઈ ગઈ. વિપક્ષ અને અન્ય નાની-મોટી રાજનીતિ પાર્ટી દ્વારા આ કેસ સી.બી.આઈ.ને સોંપવામાં આવે તેવી માંગણી થઈ.

સત્યાનું મૌન, વિબોધની હત્યા બાદ વધુ એક હત્યા, સુદર્શન અખબારનું સુકાન ઈલાક્ષીનાં હાથમાં, કોર્ટનું વલણ, ઝડપથી પુરાવાઓ એકઠા કરી ચાર્જશીટ બનાવી સત્યાને દોષી પુરવાર કરવામાં નાકામ પોલીસ વગેરે મુદ્દાઓ અને મીડિયાના અનેક સવાલોએ કેસને ઉલજાવી નાંખ્યો હતો. હવે આવનારી કોર્ટની સુનવણીમાં શું થશે તેના પર સૌની બાજ નજર ફરી મંડાઈ ગઈ.

સત્યાને રાજકોટ મહિલા કારાવાસ કેન્દ્રમાં લઈ જવામાં આવી. જ્યાં તેની પાસેથી શારીરિક જડતીની તપાસ દરમિયાન સિગારેટ, લાઈટર, પેન, ડાયરી, મોબાઈલ વગેરે વસ્તુઓ જમા કરાવી લેવામાં આવી. જેલની બંધિયાર લાગતી દિવાલોની અંદરનો ઠંડો અંધકાર તેના શરીરમાં ભયનું એક લખલખું પસાર કરી ગયો.

વિધિ વિવિધ રીતે વિચિત્ર રમત રમી રહી હતી.

સુદર્શન અખબારની માલકણ હવે અંડર ટ્રાયલ (યુ.ટી) કેદી બની ચૂકી હતી. સત્યાને કાચા કામના કેદીઓની આફ્ટર બેરેક નંબર ૧૩માં રાખવામાં આવી. જ્યાં સત્યાની તમામ ખ્યાતિ, સ્ટેટસ અને ગુડવિલ જાણે ફરાર થઈ ગયા.

આખી જિંદગી ક્રાઈમની સ્ટોરી કરી ગુનેગારોને જેલના હવાલે કર્યા હતા એ લૉકઅપમાં સત્યા ત્રણસો બે નંબરની કલમ હેઠળ પૂરાયેલી બેઠી હતી. જોગ-સંજોગ અને નસીબ નામની વસ્તુ જીવનમાં અટવાઈ ગઈ હતી.

નાનકડી કોઠડીનાં અંધકારમાં ગરક ચાર દિવાલનો વચ્ચેની નિર્જનતા અને સૂનકાર ચીરતો લોખંડી દરવાજો કિ...ચૂ....ડ કર્કશતા પાથરતો ખૂલ્યો. મહિલા જમાદાર દ્વારા એક સ્ત્રીને પકડી સત્યાની બેરેકમાં ધક્કો મારી નાખવામાં આવી. ધડામ થઈ લોખંડી સળિયાનો દરવાજો બંધ થઈ બહારથી પિત્તળનું મોટું તાળું લાગી ગયું.

એક તરફની દિવાલનાં ખૂણામાં સૂક્ષ્મ પાતળી જાળીવાળી બારી પર બેઠલા કબૂતરો કંપન સાથે પાંખોની ફડફડાટ કરવા લાગ્યા.

સત્યા સામે જમીન પર એક સ્ત્રી પટકાઈને પડી હતી. સત્યાએ તેને ઊભી કરી કપડાં ખંખેર્યા. ધૂળ ઉડાડતા, ‘આર યુ ઓકે?’

‘યેહ. આઇ અમ ફાઇન.’

‘ઓહ... યુ સ્પીક ઈંગ્લીશ વેરી વેલ. માય સેલ્ફ સત્યા.’

‘થેંક્સ. નતાશા.’

બંને ખૂણામાં પત્થરની પાટલી પર બેઠા.

‘સત્યા શર્મા! ટ્રુથ ઇઝ સ્ટ્રેન્જર ધેન ફિકશન.’ નતાશા કુતૂહલભરી નજરે સત્યા સામે જોઈ હસી. ‘ખૂની સત્યા!’ પછી આગળ કહ્યું, ‘ભલભલા ભડવીરોને પી-પી કરાવી દેતી સત્યા તમે જ છો? હા... હા... હા...’

સત્યાએ નતાશાનાં વાળ પાછળથી પકડી ખેચ્યાં, ‘એ...ય બે પાવલીની છોકરી માઇન્ડ યોર લેંગવેજ.’ સત્યાનો અવાજ ખાલીખમ ઓરડામાં મોટેથી પડઘાયો. ‘મારી મશ્કરી કરે છે?’

નતાશા ગભરાઈ. સત્યાની પકડમાંથી છૂટી. ‘મને ઓળખતી નથી તું... સત્યા નામ છે મારુ. સત્યા શર્મા. ત્રણસો બેની કલમ લાગી છે મારા પર...’ આજુબાજુનાં બેરેકમાં સત્યાનો અવાજ સાંભળી બીજી મહિલા કેદી ચહલપહલ કરવા લાગી.

‘સૉરી. મારો ઈરાદો તમારી મજાક કરવાનો ન હતો.’ નતાશાએ સત્યા સામે હાથ જોડ્યા. ‘બહુ સારી રીતે ઓળખું છું. હું ક્લાસ વન ઓફિસર છું. અને મને પણ તમારી જેમ ફસાવવામાં આવી છે.’ નતાશા નજર ફેરવી નિરાશાથી બોલી, ‘લાંચ-રુશ્વત લેવાના આરોપસર.’

સત્યા કંઈ બોલ્યા વિના ચૂપ રહી.

સન્નતાનું વાતાવરણ ચીરતો બેરેકનો દરવાજો ખૂલ્યો. સત્યાને મહિલા વૉર્ડર પકડીને મુલાકાત રૂમમાં લઈ આવી.

ઈલાક્ષી મુલાકાત રૂમમાં સત્યાને ભેટી ખભ્ભા પર માથું ઢાળી પીઠમાં હાથ ફેરવવા લાગી.

અને ભય, શરમ, અપમાન, બદનામી અને તિરસ્કાર. પસાર થતાં સમયની સાથે સત્યાનો જુસ્સો અંદરથી ઠંડો પડતો જતો હતો એવું ઈલાક્ષીને લાગ્યું. તેણે સત્યાને હિંમત આપવાનો એક નિર્બળ પ્રયત્ન કર્યો.

થોડા સમયનાં ગાઢ આલિંગન બાદ, ‘મે જેલર સાથે વાત કરી લીધી છે.’ ઈલાક્ષીએ સત્યાને હાથમાં સિગારેટ, લાઈટર અને વિબોધની ડાયરી આપી. ‘તું ચિંતા ન કરતી. બધું બરાબર થઈ જશે. તને કોઈ પ્રકારનું ટોર્ચર અહીંયા નહીં થાય.’ સત્યા સન્ન રહી ઈલાક્ષીને સાંભળતી રહી.

‘આગળ શું કરવું છે? વકીલ? જામીન? વિબોધ આવશે?’ સત્યા ઈલાક્ષીને એકપણ સવાલના ઉત્તર આપ્યા વિના અબોલ-અજાણ બની મુલાકાત રૂમમાંથી નીકળી પોતાની બેરેકમાં પરત આવી ગઈ. નાનકડી પત્થરની પાટલી પર નતાશાની બાજુમાં બેસી સત્યા સિગારેટ જલાવી ઊંડા કશ લેવાના શરૂ કર્યા.

‘સમાધાનવાદીઓ ગુજરાતની આબોહવામાં લજામણીનાં છોડની જેમ ઊગતા રહે છે.’ હાથથી પોતાના મોઢા પર આવતો સિગારેટનો ધુમાડો ઉડાડતા નતાશા બોલી, ‘અત્યાર સુધી સાંભળ્યું હતું જેલમાં બધી સુવિધા મળે આજ જોઈ લીધું.’

‘તું સિગારેટ નથી પીતી?’

‘ના. મેડમ.’

‘મને મેડમ ના કહીશ. મારું નામ મેડમ નથી.’

‘ઓહ હા, સત્યા શર્મા નામ છે તમારું. રાઈટ.’

બંને એકબીજાને કરુણ સ્મિત આપ્યું. સત્યા અને નતાશા વચ્ચે વાતોવાતોમાં પરિચય કેળવાતો ગયો.

ભૂતકાળનાં ગૌરવને પીડાની જેમ સહલાવી મનનાં ગુપ્ત છેડામાં ધરબી રાખેલી સ્ત્રી-લક્ષણા વાતો થતી ગઈ.

સત્યાનો અવાજ અને વિચારો જેલની છુપાયેલી શાંતિને, આજુબાજુનાં બેરેકની કેદીઓને આંદોલિત કરતાં જતાં હતા.

સાહિત્ય અને પત્રકારત્વની અંદરથી કાટ અને ઉપરથી રાખ જામેલી દુનિયા વિશે બોલતાં બોલતાં એ વિબોધની ડાયરી થકી વિબોધનું સ્મરણ કરવાનું ચૂકતી ન હતી.

‘આ બેરેકમાં ભૂત થાય છે એવી મને જાણ થઈ છે.’

‘હા... હ... હા..’ સત્યા મોટેથી હસી. તેનું ખુલ્લુ, નગ્ન હાસ્ય જેલમાં પડઘાતું હતું. ‘રોબોર્ટના જમાનામાં ભૂતો પર વિશ્વાસ કરે છે ગાંડી ગર્લ.’

‘હું સાચું કહું છું. શું તમને ક્યારેય ભૂત-પ્રેતનો અનુભવ થયો નથી?’ નતાશાની નજર સત્યાના હાથમાં રહેલી ડાયરીનાં એક પાનાં પર પડી. એ વધુ ડરી, ‘જુઓ આમાં પણ લખ્યું છે – ભૂતનાથ.’

સત્યા જોરજોરથી હસી. એટલું ખૂલીને કે તેના તમામ દાંત જોઈ શકાય. ‘અરે... પાગલ આ ડાયરી વિબોધની છે. તેમાં ભૂતો વિશે નહીં. ‘ભૂતનાથ’ નામની જગ્યા વિશે લખ્યું છે.’

‘ભૂતનાથ?’

‘હા. મને પ્રથમવાર વિબોધ ભૂતનાથ ડેઈટ પર લઈ ગયો હતો. તારે જાણવું છે એ વિશે?’

સત્યાનાં સવાલનો નતાશાએ જવાબ આપતા કહ્યું, ‘હા.’

સત્યાએ વિબોધની ડાયરી વાંચવાની શરૂ કરી.

ક્રમશ: