9166 UP, Gujarat na ramkhano nu adhuru satya - 1 in Gujarati Fiction Stories by Prashant Dayal books and stories PDF | ‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 1

Featured Books
Categories
Share

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 1

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’

પ્રશાંત દયાળ

પ્રારંભ

મેં ૧૯૮૯માં પત્રકારત્વની શરૂઆત કરી ત્યારે મારા સાથી મિત્રો અને મારા સિનિયરોને અખબારમાં છપાતી તેમની સ્પેશીયલ સ્ટોરીઓના કટિંગ કરતા જોયા હતા અને તેઓ કોઈ નવી નોકરી માટે તંત્રીને મળવા જાય ત્યારે પોતાની ફાઈલ સાથે લઇ જતા હતા. મારા અનેક મિત્રોએ મને પણ મારી સ્ટોરીનાં કટિંગ કાપી ફાઈલ બનાવવાની સલાહ આપી હતી,જે વાત ત્યારે મને ગળે ઉતરતી હતી અને આજે પણ હું તેમની વાત સાથે સમંત નથી. હું એવું માનતો આવ્યો કચું અને માનું છુ કે એક પત્રકાર ને પોતાની જૂની સ્ટોરી બતાવી નવી નોકરી લેવી પડતી હોય તો તે આઉટ ડેટેડ છે. જો કે અહમ્ કે મિથ્યાભિમાન કરતાં મારી માન્યતા છે. સંભવ છે કે કદાચ તેમાં મારી જાત ઉપરનો વિશ્વાસ પણ હશે. અહિયાં જે મિત્રો કટિંગની ફાઈલ બનાવે છે તેને ઉતારી પાડવાનો ઈરાદો નથી. હું એવું માનું છું કે જે પોતાના વર્તમાનથી ખુશ નથી તેવા લોકો સતત પોતાના ભૂતકાળમાં જતા રહે છે અને તેની વાતો કર્યા કરે છે. માન્યતા બધા કિસ્સામાં લાગુ પડતી નથી. સ્ટોરીના કટિંગની ફાઈલ ભૂતકાળ તરફ લઇ જતી હોવાના કારણે તેવા પ્રયાસો મેં કર્યા હતા.

મને કાયમ સારા મિત્રો મળ્યા છે તેના માટે હું ઈશ્વરનો આભાર માનું છુ, કારણ કે મારી પ્રકૃતિને કારણે મારી નોકરી બદલાની ઝડપ ખૂબ હતી. હું જ્યાં પણ નોકરી એ ગયો ત્યાં મને કોઈક અજાણી મદદ મળતી આવી છે. જયારે હુંસંદેશમાં હતો ત્યારે મારીયહ ભી હૈ ઝિંદગીઅને ગુસ્તાખી માફ’ ( જે હું મારા મિત્ર ઉર્વીશ કોઠારી સાથે લખતો હતો.) તેમજક્રાઈમ ડાયરી’ ( જે અગાઉ મારા સિનિયર ભરત લખતરીયા લખતા હતા અને જેમની ગેરહાજરીમાં તે મારા ભાગે આવી હતી.) નામની કોલમ ચાલતી હતી. મેં તે કોલમનાં કટિંગ પણ કાપ્યાં ન હતાં. પણ ત્યાર બાદ હુંનવગુજરાત ટાઈમ્સમાં જોડાયો ત્યારે મને ખબર પડી કે ત્યાં નોકરી કરતા સોલંકીભાઈ મારી કોલમના નિયમિત વાંચક હતા અને તેના કટિંગ પણ કાપતા હતા.જેના કારણે તે કોલમની ફાઈલ મારી પાસે ઉપલબ્ધ છે. ત્યાર પછીનવગુજરાત ટાઈમ્સમાંએક મંત્રીની બે વાતનામની કોલમ શરુ કરી તેના કટિંગ મારા વડીલ મિત્ર જિતુભાઈ ભટ્ટે કાપી તેની ફાઈલ મને આપી હતી, તેના કારણે તેમને મારા ખજાનામાં વધારો કર્યો હતો

ત્યાર પછી મને વર્ષો સુધી મને કોઈ કોલમ લખવાની તક મળી નહોતી,પરંતુદિવ્ય ભાસ્કરમાં જોડાયા બાદ મારા પત્રકારત્વની શરૂઆતના સાથી શકીલ પઠાણે એડિટર શ્રવણ ગર્ગ પાસે જઈ એક કોલમની શરૂઆત કરવી હતી, જેજીવતી વારતાના નામે શરુ થઈ. આ દરમિયાન બન્યું એવું કે મારા એડિટર શ્રવણ ગર્ગ પૂર્તિમાં કોઈ ક્રાઈમ સ્ટોરી લખી શકે તેવા લેખક-પત્રકારની શોધમાં હતા, પણ તેમને કોઈ નામ નહીં મળતા તેમણે મને તે જવાબદારી સોંપી હતી. તેના કારણે બીજા સપ્તાહથીક્રાઈમ સ્પોટના નામે બુધવારનીકળશપૂર્તિમાં તે કોલમ શરુ થઈ હતી, જે વાંચકોને ગમી અને તેમના પત્રો પણ આવતા હતા.ક્રાઈમ સ્પોટમાં મેં જયારે ધારાસભ્ય છોટુ વસાવા અંગે લખ્યું ત્યારે તેમને કંઈક બાબતે માઠું લાગ્યું હતું ,જેના કારણે તેમને મારી ભરૂચ કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી. જો કે તે અંગે છોટુભાઈને ક્યારેય રૂબરૂ મળવાનું થયું નથી, માટે તેમને ક્યાં ઠેસ પહોંચી તેની ખબર નથી. આ કોલમમાં અદાવાદના ડોન લતીફ અંગે લંબાણપૂર્વક સિરિયલ લખી. તેવી જ રીતે આર.ડી.એક્સ. પ્રકરણમાં ઈજ્જુ શેખ અંગે પણ ઘણા હપ્તા લખ્યા હતા. જો કે ત્યારે મારી કોલમ સામે કોઈને વાંધો ન હતો. હુંદિવ્યભાસ્કરમાં ક્રાઈમ રિપોર્ટિંગની સાથે ગોધરાકાંડ અને ત્યાર પછીનાં તોફાનોની તપાસ કરી રહેલા તપાસપંચના રિપોર્ટિંગનું પણ કામ કરતો હતો, તેમજદિવ્ય ભાસ્કરમાં જોડાયો તેની અગાઉ સુરતથી વિક્રમ વકીલન તંત્રી પદેથી પ્રસિધ્ધ થતાહોટલાઈનસાપ્તાહિકમાં હતો. જયારે ગોધરાકાંડની ઘટના બની ત્યાર પછી અમદાવાદની પ્રિન્ટ મીડિયામાંથી ગોધરા પહોંચનાર હું પહેલો પત્રકાર હતો. ત્યાર પછી અમદાવાદમાં થયેલા તોફાનોનો સાક્ષી રહ્યો હતો, તેના કારણે મને લાગ્યું કે મેં એક પત્રકાર તરીકે જે જોયું છે અને અનુભવ્યું છે તે મારેક્રાઈમ સ્પોટનામની કોલમ દ્વારા લોકો સામે મુકવું જોઈએ અને મેં તે કોલમમાં ગોધરાકાંડથી લઇ એક પછી એક ઘટનાઓ લખવાની શરૂઆત કરી. ગોધરા અંગે આઠ હપ્તા લખાઈ ચૂક્યા હતા. દરમિયાન હું બીમાર પડયો. મારા ઉપર એક શસ્ત્રક્રિયા કરાવવી જરૂરી હતી એટલે પંદર દિવસ રજા પર જવું પડે તેમ હતું. મેં રજા ઉપર જતા પહેલાક્રાઈમ સ્પોટઅનેજીવતી વારતાના એડવાન્સ ત્રણ હપ્તા આપી દીધા હતા. હું નહોતો ઈચ્છતો કે મારી બીમારીને કારણે હપ્તામાં ભંગાણ પડે, પરંતુ હું રજા ઉપર ઉતર્યો ત્યરબાદ પ્રથમ બુધવારે મેંકળશપૂર્તિ હાથમાં લીધી ત્યારે મને ખબર પડી કે મારીક્રાઈમ સ્પોટકોલમ જેમાં ગોધરાકાંડની વાત આવતી હતી તે બંધ કરી દેવામાં આવી હતી.

ગોધરાકાંડ અંગે માત્ર આઠ હપ્તા છપાયા બાદ મારી કોલમ બંધ થઈ પણ તપાસપંચ સમક્ષ અસરગ્રસ્તો વતી લડી રહેલા એડવોકેટ મુકુલ સિંહા એ મારા હપ્તા વાંચી મને તપાસપંચ સામે બોલાવવો જોઈએ તેવી અરજી આપી હતી, તેમજ કૉંગ્રેસ વતી હાજર રહેલા એડવોકેટ હીરાલાલ ગુપ્તાએ મારા કટિંગો રેકોર્ડ ઉપર લેવા માટે રજુ કરતા તે હપ્તાઓ રેકર્ડ ઉપર લેવામાં આવ્યા હતાં. મને તપાસપંચ દ્વારા એક સોગંધનામું રજુ કરવા નોટિસ આપવામાં આવી હતી પણ હું તેનો ભાગીદાર બનવા માંગતો નહોતો, કેમ કે મેં આખી સિસ્ટમને બહુ નજીકથી જોઈ હોવાથી સ્વાભાવિક છે કે મારો સિસ્ટમ ઉપર ખાસ ભરોસો ના હોય. તેના કારણે મેં સોગંધનામું કર્યું નથી. આ પુસ્તકમાં એવા કોઈ રહસ્યો કે ગુપ્ત માહિતી નથી કે જે ગોધરાકાંડની ઘટના માટે કોણ જવાબદાર હતું કે ત્યાર પછીના તોફાનો કોણે કરાવ્યા તેનો ઘટફોસ્ટ કરે. આ એક એવું પુસ્તક છે કે જેમાં મેં એક પત્રકાર તરીકે જે જોયું, અનુભવ્યું અને કેટલાક તારણો પર આવ્યો તેની વાત છે. સંભવ છે કે મારી વાત કે તારણો સાથે કોઈ સંમત ના પણ હોઈ, અથવા હું માનું છું કે તે ખોટું પણ હોય; એટલે કે આ પૂરું સત્ય રજુ કરતો દસ્તાવેજ છે તેવો મારો દાવો નથી. અહિયાં ક્યાંય પણ નરેન્દ્ર મોદીની તરફેણ કે વિરોધ કરવાની વાત પણ નથી, તેવી જ રીતે મુસ્લિમોની ટીકા કરવાનો પણ ઈરાદો નથી. છતાં કોઈને ઠેસ પહોંચે તો પહેલાથી ક્ષમા માંગું છું. મેં મારા પત્રકારત્વના અનુભવમાં પહેલી વખત આટલા વ્યાપક પ્રમાણમાં તોફાનો જોયા હતા, જેમાં અનેક વખત હું ડરી ગયો હતો અને લોકોની પીડા જોઈ રડી પડયો હતો. મેં અસર-ગ્રસ્ત હિંદુ-મુસ્લિમોને નજીકથી જોયા હતા. તેમને જોઈ મને આજે પણ વિશ્વાસ થતો નથી કે માણસ આટલો ક્રૂર હોઈ શકે. તોફાનો દરમિયાન હું અનેક હિન્દુ-મુસ્લિમ નેતાઓને મળ્યો, રાજકીય નેતાઓને નજીકથી જોયા તેમજ અમદાવાદના તત્કાલીન સયુંકત પોલીશ કમિશનર શિવાનંદ ઝાને કડકાઈથી કામ કરતા જોયા. આ દરમિયાન એક ખાનગી ગોળીબારમાં ઈશ્વરની કૃપાથી હું બચી ગયો. આવી અનેક નાની વાતો જે હું થોડા વર્ષો પછી ભૂલી જવાનો છું તે આ પુસ્તકમાં છે.

પ્રકરણ

મોત પણ જ્યાં આતંકિત થઈ ગયું હતું

તા. ૨૫મી ફેબ્રુઆરી હતી. અમદાવાદ રેલ્વે સ્ટેશનથી વિશ્વ હિંદુ પરિષદના કારસેવકો સાબરમતી એક્સપ્રેસ દ્વારા અયોધ્યા જવાના હતા. ૧૯૯૨ની બાબરી ધ્વંસની ઘટના પછી રામમંદિરના નિર્માણની વાત હતી, પરંતુ કેન્દ્રમાં ભાજપની સંયુક્ત સરકાર હોવા છતાં ભાજપના નેતા રામ નોપણ બોલી શકતા ન હતા. રામને નામે સતા મેળવ્યા પછી ભાજપના નેતોઓએ બિનસાંપ્રદાયિકતાની ચાદર ઓઢી લીધી હતી. સ્વાભાવિક હતું કે આ વાત વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો અને રામના નામે મત આપનાર મતદારોને પસંદ ન હતી. બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદે અયોધ્યામાં રામમંદિરને લઈને વિવિધ કાર્યક્રમો આપ્યા હતા. તે વખતે અયોધ્યામાં રામનામના જપની પૂર્ણતિથી હતી,તેમાં ભાગ લેવા અમદાવાદથી રોજ ટ્રેન ભરી કારસેવકો ત્યાં જતા હતા. મારે અયોધ્યા જતા કારસેવકોને મળી તેનું રિપોર્ટિંગ કરવાનું હતું અને તેના માટે હું અમદાવાદ સ્ટેશન ઉપર ગયો હતો. સેંકડો કારસેવકો હતા, જેમણે પોતાના માથા ઉપર કેસરી પટ્ટી બાંધી હતી અને તેઓજયશ્રી રામનો જયઘોષ કરતા હતા. તેમની અંદર અયોધ્યા જવાનો એક ઉત્સાહ હતો.તેમની માન્યતા કે શ્રદ્ધાના વિષય સાથે મતભેદ હોઇ શકે પણ તે માનતા હતા તે અંગે તેમના પ્રયાસો પ્રમાણિક હતા. તે વખતે અમદાવાદ સ્ટેશન પર જે માહોલ હતો તે જોતા ખ્યાલ આવતો હતો કે રામમંદિરના મુદ્દે હિંદુઓ કેટલા સંવેદનશીલ છે. કદાચ એટલે જ ભારતીય રાજકારણમાં હિંદુઓની સંવેદનશીલતાનો જે કોઈ જેટલો લાભ ઉઠાવી શકે એટલો ઉઠાવી રહ્યા હતા. સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં હિંદુઓ હતા, તેમજ બહારગામ જઈ રહેલા મુસ્લિમ સ્ત્રી-પુરુષો પણ હતા પણ તેમની વચ્ચે કોઈપણ પ્રકારનો તિરસ્કાર નજરે પડતો ન હતો. તેના કારણે જ મને હજી પણ ગોધરામાં જે બન્યું તેનું આશ્ચર્ય છે.

હું અને મારા ફોટોગ્રાફર ગૌતમ ત્રિપાઠી જયારે સ્ટેશન પહોંચ્યા ત્યારે પ્લૅટફૉર્મ ઉપર મને વિશ્વ હિંદુ પરિષદના નેતા ડો. કૌશિક મહેતા મળી ગયા હતા. સામાન્ય રીતે કોઈ વિશ્વ હિંદુ પરિષદના નેતાની વાત આવે એટલે કોઈ કટ્ટર હિંદુ નેતાનું ચિત્ર આંખ સામે ઉભરી આવે પણ કૌશિક મેહતાને મળો અને થોડી વાર વાત કરો એટલે તમારી તમામ ધારણાઓ ખોટી પડે. શરીરે પડછંદ અને રંગે કાળા કૌશિક મેહતાને જુઓ એટલી પહેલી નજરે તમને તેહિંદુ ભાઈલાગે પણ તેમની સાથે થોડીક ક્ષણ વાત કરો તો લાગે કે તમે તેમને ઓળખવામાં કંઈક ભૂલ કરી છે. તેમના મળ્યા પછી તેમના મુસ્લિમ મિત્રોને પણ એક સહિષ્ણ હિંદુ કેવો હોય તેનો અનુભવ થાય. તેમની સાથે મારે વર્ષોનો નાતો હોવાને કારણે તેમને પ્લૅટફૉર્મ જોતા મને આનંદ થયો. તેમની સથે તેમના સાથી જયદીપ પટેલ પણ હતા. તેઓ પણ કડક હિંદુ હોવા છતાં સ્વભાવે સરળ છે અને પોતાની વાત સાથે સામેની વ્યક્તિને બહુ જલદીથી સમંત કરી દેવાની તેનામાં ક્ષમતા છે. તે બંને સાથે વાત કરી હું કારસેવકોને મળ્યો, જે આમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવતા હતા. જેમાં સ્ત્રીઓ અને નાના બાળકો પણ હતા. હું તેમની સાથે વાત કરતો હતો તેમજ મારા સાથી ફોટોગ્રાફર ગૌતમ ત્રિપાઠી તેમની તસવીરો ખેંચતા હતા. તેટલામાં ગાર્ડની વ્હીસલ સંભળાઈ અને ટ્રેને ધીરેધીરે ગતી પકડી. તે રાતે હું ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે ૧૯૯૨માં બાબરી ધ્વંસની ઘટના પછી જે રીતે અમદાવાદમાં તોફાનો ફાટી નીકળ્યા હતા તે દિવસો યાદ કરતો હતો. ૧૯૯૨માં હું ખૂબ જુનિયર રિપોર્ટર હતો. તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચીમનભાઈ પટેલ હતા. તેમની ઉપર એવો આક્ષેપ હતો કે તેઓ પોતાની સતા બચાવવા માટે સતાનું તુષ્ટિકરણ કરે છે, પરંતુ ત્યારબાદની પહેલી રથયાત્રામાં જે રીતે તોફાનો થયા અને એક તબક્કે અમદાવાદના શાહપુરમાં મુસ્લિમ ગુંડાઓ રથ ખેંચી ગયા હતા ત્યારે ચીમનભાઈ પટેલને મેં પોલીસ અધિકારીઓ પર ગુસ્સે થતા જોયા હતા. પછી પોલીસે જે રીતે કામ કર્યું અને રથ પાછો લઈ આવી તે જોઈ લાગ્યું કે ચીમનભાઈ અંગે જે વાતો સાંભળવા મળે છે તે બધી સાચી નથી હોતી. હું ત્યારેસમભાવમાં નોકરી કરતો હતો. રથયાત્રાનું કવરેજ કરવા માટે હું મારા સાથી મિત્રો પત્રકાર કેતન ત્રિવેદી, જયેશ ગઢવી, અને પ્રશાંત પટેલ સાથે નીકળ્યો હતો પણ જેવા અમે દિલ્હી દરવાજાથી જોર્ડન રોડ તરફ જતા હતા બરાબર તે જ વખતે તોફાન ફાટી નીકળ્યા. ત્યારે લતીફનો તે વિસ્તારમાં દબદબો હતો. યાત્રા ઉપર ચારે તરફથી પથ્થરો, બોટલો અને ખાનગી ગોળીબાર થવા લાગ્યા અને તે દ્રશ્ય મેં મારી નજરે જોયું હતું. અમે બધા જીવ બચાવવા માટે જોર્ડન રોડ તરફથી પાછા દિલ્હી ચકલા તરફ ભાગ્યા. ચકલામાં પોલીસ ઇન્સ્પેકટર એલ. એચ. દેસાઈ ઉભા હતા તે પણ આખી પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ખાનગી ગોળીબાર જોઈ ઇન્સ્પેકટર દેસાઈએ તેમના સ્ટાફને પોતાની રાઈફલ લોડ કરવાની સૂચના આપી અને અમે ત્યાંથી પણ ભાગ્યા. આ તોફાનો લાંબા દિવસો સુધી ચાલ્યાં હતા. ત્યાર પછી ગુજરાતમાં આટલા વ્યાપક પ્રમાણમાં કોઈ તોફાનો થયા ન હતા. કૉંગ્રેસની સરકાર પછી ભાજપની સરકાર આવી પછી પણ નાના છમકલાને બાદ કરતા ગુજરાતમાં શાંતિ રહી હતી. તા. ૨૭મી ફેબ્રુઆરીના રોજ સવારના નવ વાગ્યા હતા ત્યાં મારા પત્રકાર મિત્ર આશિષ અમીનનો ફોન આવ્યો. તેણે મને માહિતી આપી કેગોધરા સ્ટેશન ઉપર સાબરમતી એક્સપ્રેસને આગ ચાંપવામાં આવી છે અને પાંચ-સાત કારસેવકો પણ મૃત્યુ પામ્યા છે.મને એકદમ આંચકો લાગ્યો, કારણ કે હજી બે દિવસ પહેલા જ હું કારસેવકો જઈ રહ્યા હતા ત્યારે સ્ટેશન ઉપર ગયો હતો અને તેમને મળ્યો પણ હતો. મને થોડી ચિંતા થઈ એટલે મેં સૌથી પહેલા કૌશિક મેહતાને ફોન કર્યો. તેમણે ગોધરાની ઘટના બની હોવાની વાતને સમર્થન આપ્યું પણ મોતનો આંક વધુ હોવાની શંકા વ્યક્ત કરી હતી, કારણકે તે ગોધરા સ્થિત વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોના સંપર્કમાં હતા. મેં તરત મારા તંત્રી વિક્રમ વકીલને સુરત ફોન કરી જાણ કરી હતી. તે પણ ઘટનાની જાણકારી મેળવવા માટે પ્રયત્નશીલ હતા. આમ કરતા-કરતા સાડા દસ વાગી ગયા હતા. ત્યારે વિધાનસભા પણ ચાલુ હતી એટલે મારે ગાંધીનગર જવાનું હતું. હું તૈયાર થઈ ગાંધીનગર જવા માટે નીકળ્યો હતો. હજી સાબરમતી પહોંચ્યો ત્યાં આશિષ અમીનનો ફરી ફોન આવ્યો અને તેની પાસે જાણકારી હતી કે મૃત્યુનો આંક ૨૫-૩૦થી વધારે છે, એટલે મેં તરત મારું બાઈક ઉભું રાખી વિક્રમ વકીલને ફોન કર્યો. મને લાગ્યું કે મારે હવે ગોધરા જવું જોઈએ, કારણ કે વાત ગંભીર હતી. મારી વાત સાંભળી વિક્રમે પણ મને ગોધરા જવાની સુચના આપી. હું ત્યાંથી પાછો ફર્યો અને ફોટોગ્રાફર ગૌતમ ત્રિપાઠીને તૈયાર રહેવા માટે કહ્યું. એક વાગે અમે બંને વી. એસ. હોસ્પિટલે પહોંચ્યા, કારણ કે અમારે ટેક્ષી ભાડે કરવાની હતી. અમે બંને વી. એસ. પહોંચ્યા અને ટેક્ષી વાળા સાથે ભાવતાલ હતા ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે હજી સુધી ગોધરાની ગંભીરતાની અમદાવાદમાં ખાસ ખબર નથી, કારણ કે કોઈ ડ્રાઈવરે અમને ગોધરા આવવાનો ઇનકાર કર્યો નહોતો. એક મારુતિ વનના ડ્રાઈવર સાથે અમે ભાડું નક્કી કર્યું અને તેણે આવવાની તૈયારી બતાવી. જો કે મેં તેને ગોધરામાં શું થયું તે અંગે કોઈ વાત કરી ન હતી. મને ડર હતો કે કદાચ તે ડરીને આવવાની ના પડશે. અમારી કાર મણિનગર-જશોદા ચોકડી થઈ મહેમદાબાદ હાઈવે ઉપર થઈ ગોધરા તરફ જઈ રહી હતી. તે રસ્તામાં બધું યથાવત્ જોઈ મને લાગ્યું કે ગોધરામાં જે બન્યું છે તેના પ્રત્યાઘાત પડશે નહી. રસ્તા ઉપરનો ટ્રાફિક અને હોટલો બધું બરાબર ચલાતું હતું. અમારી કાર ગોધરાથી દૂર હતી પણ મારા વિચારો ગોધરા પહોંચી ગયા હતા. આમ તો હિંદુ-મુસ્લિમની દ્રષ્ટિએ ગોધરા કાયમ સંવેદનશીલ રહેલું છે, છતાં તંત્ર એ કેમ કોઈ તકેદારી નહીં હોય તેવા અનેક પ્રશ્નો વચ્ચે હું અટવાયેલો હતો. ત્યાં અચાનક કારની બ્રેક વાગી. મેં બારીની બહાર જોયું તો કાર એક હોટલ પાસે ઉભી હતી. મારા ફોટોગ્રાફર ગૌતમભાઈએ કહ્યું, ‘ભાઈ, ચા-પાણી કરી લે, કદાચ ગોધરામાં કઈ મળશે નહીં.મેં તરત ડ્રાઈવર સામે જોયું. મને લાગ્યું કે ગૌતમભાઈ ગરબડ કરી રહ્યા છે, કારણ કે ડ્રાઈવરને તો ખબર નહોતી કે ગોધરામાં શું બન્યું છે. ડ્રાઈવરે પણ મારી સામે જોયું. જો કે તેના ચેહરા પરથી લાગ્યું કે તેને કઈ ખબર પડી નથી, કારણ કે તેણે મને કોઈ પ્રશ્ન પણ પૂછ્યો ન હતો. અમે ગોધરાની નજીક હતા પણ હું તે પહેલા ક્યારેય ગોધરા ગયો નહોતો એટલે મને એના ભૂગોળની ખાસ ખબર નહોતી. ચા-પાણી પતાવી અમે પાછા કારમાં ગોઠવાયા અને કાર ગોધરા તરફ આગળ વધી. થોડીક જ વારમાં ગોધરાનું બોર્ડ આવ્યું અને એક રસ્તો જમણા હાથે વળતો હોવાથી ડ્રાઈવરે મારી સામે જોયું. મેં તેને કહ્યું, ‘જમણી તરફ થી જવું પડશે.તેણે કાર એ બાજુ લેવા માટે ધીમી કરી ત્યાં મારી નજર પોલીસ જીપ ઉપર પડી. પોલીસની એક જીપ રસ્તાની બાજુ ઉપર ઉભી હતી અને તેની બાજુમાં ચાર-પાંચ પોલીસવાળા ગપ્પાં મારી રહ્યા હતા. મને લાગ્યું કે રોકશે એટલે મેં ડ્રાઈવરને કાર ધીમી કરવાની સૂચના આપી ને મારા ખિસ્સામાં રહેલું આઈડેન્ટી કાર્ડ બહાર કાઢ્યું. અમારી કાર બરાબર પોલીસ જીપની બાજુમાં આવી પણ અમારી તરફ કોઈ પોલીસવાળાની નજર નહોતી. તે બધા પોતાની વાતમાં મશગુલ હતા. મેં ડ્રાઈવરને કાર જવા દેવા હાથથી ઈશારો કર્યો.

હજી કાર માંડ પાંચસો મીટર અંદર ગઈ હશે ત્યાં મને ગોધરામાં શું બની રહ્યું હતું તેનો અંદાજ આવી ગયો હતો. રસ્તાની બન્ને તરફ ઘર સળગી રહ્યા હતા અને દુકાનો લુંટાઈ ગયેલી હતી. તેમાં પણ આગ ચાંપી દેવામાં આવેલી હતી. તેમાંથી હજી પણ ધુમાડો નીકળી રહ્યો હતો. અમે હિંદુ વિસ્તારમાં હતા કે મુસ્લિમ વિસ્તારમાં તેની ખબર જ પડતી નહોતી, કારણ કે એક પણ માણસ અમને નજરે પડતો નહોતો. યુદ્ધ પછીનું કોઈ ભેંકાર શહેર હોઈ તેવું લાગતું હતું. એક ક્ષણ માટે તો મને એવું લાગ્યું કે કોઈ ટોળું આવીને અમને ઘેરી લેશે તો બચાવશે પણ કોણ? હું ડાબી-જમણી તરફ જોઈ રહ્યો હતો બરાબર તે જ વખતે એક એસ. આર. પી. જવાન અમારી કાર સામે આવીને ઉભો રહી ગયો એટલે ડ્રાઈવરે બ્રેક મારી. મેં બારી બહાર ડોકું કાઢ્યું એટલે તેણે પૂછ્યું, ‘ક્યાં જવું છે?’ મેં મારું કાર્ડ બતાવતા કહ્યું, ‘પ્રેસવાળા છીએ, સ્ટેશન જવું છે ભાઈ.તેને મારી વાતથી સંતોષ થયો હોય તેવું લાગ્યું. તેણે મારા કાર્ડ તરફ નજર કર્યા વગર કહ્યું, ‘આગળ જઈ જમણી તરફ વળી જજો.ડ્રાઈવરે ફરી એક્સિલેટર દબાવ્યું અને જમણી તરફ કાર વાળી કે તરત ગોધરા રેલ્વે સ્ટેશન તેવું બોર્ડ નજરે પડયું. સ્ટેશનની પશ્ચિમ તરફ કાર ઉભી રહી. સ્ટેશનના મુખ્ય ગેટ પાસે કેટલાંક બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા, જે દર્શાવતા હતા કે તેમને ધર્મના નામે લડતા લોકોની વાતમાં કોઈ રસ નથી. કારમાંથી ઉતરી હું અને ગૌતમભાઈ મુખ્ય દરવાજામાં દાખલ થયા પણ એક ક્ષણ માટે હું રોકાઈ ગયો. આખું સ્ટેશન સૂમસાન હતું. એકાદ-બે ભિખારી ટૂંટિયું વાળીને પડયા હતા. બાકી કોઈ લોકોની અવરજવર નહોતી. ટિકિટબારીઓ બંધ હતી, જાણે ભૂતિયું સ્ટેશન હોઈ તેવું લાગતું હતું. સ્ટેશનમાંથી હું પ્લૅટફૉર્મ નંબર એક પર પહોંચ્યો. મારી પાસે માહિતી હતી કે સાબરમતી એક્સપ્રેસે પ્લૅટફૉર્મ છોડયું તેની સાથે તેમાં આગ ચાંપી દેવામાં આવી હતી પણ પ્લૅટફૉર્મ નંબર-૧ પણ ખાલી હતું. એક માણસ વગરનું પ્લૅટફૉર્મ મેં પહેલીવાર જોયું હતું. એટલી નિરવ શાંતિ હતી કે તેનો ડર પણ લાગે. કોઈ ટ્રેન નહોતી, કોઈ મુસાફર નહોતો, કોઈ ફેરિયો નહોતો. જાણે કોઈ ફિલ્મના સેટ માટે પ્લૅટફૉર્મ ઊભું કરવામાં આવ્યું હોય તેવું લાગતું હતું. હું કોઈને પૂછવા માંગતો હતો કે ખરેખર ક્યાં બનાવ બન્યો છે, પણ પૂછું કોને ? કારણ કે ત્યાં ન કોઈ માણસ હતો, ન મુસાફર કે ન ફેરિયો. મેં દૂર નજર કરતા પ્લૅટફૉર્મ નંબર-૧ની ડાબી તરફ મને પોલીસ ચોકી નજરે પડી, એટલે હું એ તરફ ગયો. ચોકીની અંદર રેલ્વે પ્રોટેકશન ફોર્સના બે-ત્રણ જવાનો હતા. તે તેમના કામમાં હતા. મેં અંદર જઈ કહ્યું, ‘સાહેબ હું પ્રેસમાંથી આવું છું.એટલે કોઈ કાગળમાં લખી રહેલા એક જવાને કાગળમાંથી મોઢું બહાર કાઢી મારી તરફ જોયું. મેં તેને પૂછ્યું, ‘સાબરમતી એક્સપ્રેસનો બનાવ ક્યાં બન્યો હતો ?’ તેણે કહ્યું, ‘ઓવરબ્રિજ ક્રોસ કરી પેલી તરફ જતા રહો.એટલે હું અને ગૌતમભાઈ ઓવરબ્રિજ ઉપર ગયા અને ત્યાંથી અમે ડાબી તરફ જોયું તો દંગ રહી ગયા, કારણ કે સાબરમતી એક્સપ્રેસનો એસ-૬ નંબરનો કોચ ત્યાં હતો અને તેમાંથી લાશો બહાર કાઢવામાં આવી રહી હતી.

મારા પગમાં ગતિ આવી અને રીતસર હું દોડયો. બ્રીજ પાર કરી નીચે ઉતરી યાર્ડમાં પહોંચી ગયો. હું સ્તબ્ધ બની ગયો, કારણ કે મને મળેલી માહિતી કરતા વધુ મોત થયા હતા. પત્રકારત્વની શરૂઆતમાં લાશ જોઈ જે રીતે લાગણીશીલ થઈ જતો હતો તેવું બનતું ન હતું પણ વર્ષો પછી પહેલી વખત લાશો જોઈ કંપી ગયો હતો, કારણ કે લાશ ઉપરથી કોઈને ઓળખી શકાય તેમ ન હતું. તમામ મૃતદેહ કોલસો બની ગયા હતા. રેલવેના કર્મચારીઓ, સંઘ અને પરિષદના કાર્યકરો તેમજ મંત્રી અશોક ભટ્ટ સળગી ગયેલા કોચમાંથી લાશો બહાર કાઢી રહ્યા હતા. લાશો જોઈ આગની ભયાનકતાનો ખ્યાલ આવતો હતો, કારણ કે લાશો એટલી જર્જરિત થઈ ગઈ હતી કે તેને ઊંચકવા માટે હાથ કે પગ પકડો તો શરીરથી છુટા પડી જતા હતા.

પત્રકારત્વમાં આવ્યા પછી લાંબા સમય બાદ હચમાચવી મુકે તેવી ઘટના મારી સામે હતી. હું માની શકતો ન હતો કે માણસ આટલી હેવાનિયત ઉપર ઉતરી શકે છે અને તેનું કૃત્ય જોઈ શેતાન પણ શરમાઈ જાય. અયોધ્યાથી અમદાવાદ આવી રહેલા કારસેવકોનો ગોધરા સ્ટેશન ઉપર ફેરિયા સથે કોઈ સામાન્ય બાબતમાં ઝઘડો થયો અને માત્ર આટલી અદાવત રાખી મુસ્લિમો એક આખા કોચને સળગાવી મુકે, જેમાં ૫૪ લોકો ખાખ થઈ જાય અને ત્યાં હાજર પોલીસ જવાનો આ આખી ઘટનાને માત્ર જોતા જ રહી જાય તે આશ્ચર્યજનક કેહવાય. તે વાત મને આજે પણ સમજાતી નથી. જો કે ખરેખર ત્યારે શું બન્યું હતું અને તેના માટે કોણ જવાબદાર છે તેના માટે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે બે તપાસ પંચ બેસાડયા છે તેનો અહેવાલ આવશે અને લાઈબ્રેરીમાં મૂકાઈ જશે. આ કેસની તપાસ કરી રહેલી પોલોસ કહે છે કે આ પૂર્વયોજિત આતંકવાદી કૃત્ય છે, તો આટલા માણસો મરી ગયા ત્યાં સુધી પોલીસને તેની આગોતરી કબર કેમ નહોતી. આવી અનેક બાબતો માટે મારી જેમ અનેકને પ્રશ્નો ઉદ્ભવતા હશે, પરંતુ કદાચ તેનો સાચો ઉતર ક્યારેય કોઈને મળવાનો નથી. સામાન્ય રીતે કોઈના પણ સ્વજનનું મૃત્યુ થાય એટલે તેનાં નજીકના સ્વજનો પોક મુકીને રડતા હોય છે પણ ગોધરા સ્ટેશન ઉપર દ્રશ્ય કંઈક જુદું હતું. જેઓ મૃત્યું પામ્યા હતા તેમની લાશો કતારમાં હતી અને તેમના બચી ગયેલાં સ્વજનો પણ ત્યાં હતા પણ તેમની આંખોમાં આંસુ ન હતાં. કારણ કે તે લોકો એટલા સ્તબ્ધ હતા તેમની આંખના આંસુ સુકાઈ ગયાં હતાં.

સાંજના સવાપાંચ થવા આવ્યા હતા ત્યાં યાર્ડ તરફ સરકારી ગાડીનો કાફલો આવી રહ્યો હતો. જો કે તે થોડો દુર ઉભો રહી ગયો હતો. તેમાંથી પોલોસના જવાનોની વચ્ચે ઘેરાયેલા નરેન્દ્ર મોદી બહાર આવ્યા હતા. નરેન્દ્ર મોદીને આવતા જોઈ આખો માહોલ બદલાઈ ગયો. ત્યાં હાજર રેન્જ ડી. આઈ. જી. દીપક સ્વરૂપ અને ડીવાય. એસ. પી. સિમ્પી મોદીની નજીક ગયા હતા. નરેન્દ્ર મોદી સળગી ગયેલા કોચની પાસે આવ્યા અને કોચમાં શું બન્યું હતું તે જાણવા માટે પૂર્વ તરફથી જમણા દરવાજે અંદર ગયાં. તેમની સાથે અશોક ભટ્ટ સહિત કલેકટર જયંતિ રવિ પણ હતાં. કોચનું નિરિક્ષણ કરી નરેન્દ્ર મોદી ડાબી તરફના દરવાજેથી નીચે ઉતર્યા ત્યાં સુધી હિંદુ કાર્યકરોનું ટોળું દરવાજા સુધી ગયું હતું. મોદીના નીચે ઊતરવાની સાથે જ ટોળામાંથી એક કાર્યકરે ગુસ્સામાં મોદીને પૂછ્યું, ‘તમારા જેવા સ્વયંસેવક મુખ્યમંત્રી હોઈ ત્યારે હિન્દુઓની આવી હાલત થાય ?’ બોલો તમે શું કર્યું ?’ મોદી લોકોનો ગુસ્સો સમજ્યા હતા પણ જવાબ આપવામાં ગોથું ખાઈ ગયા, કારણકે તે વધુ પડતા આત્મવિશ્વાસમાં હતા. તેમણે ટોળાની વચ્ચે ઊભા રહીને સરકારી જવાબ આપ્યો કે, ‘તમામ મૃતકોના સગાંને વિધાનસભામાં બે લાખ આપવાની જાહેરાત કરી છે.આ જવાબ સાંભળી કાર્યકરોનો ગુસ્સો ફાટયો, કારણ કે મોદીએ હિન્દુઓના મોતની રૂપિયામાં ગણતરી કરી હતી. અચાનક ટોળામાં ધક્કામુક્કી થવા લાગી. ટોળામાંના કેટલાક યુવાનો મોદી સુધી જવા માંગતા હતા. ત્યાં હાજર પોલીસ અધિકારીઓ પણ ધક્કામાં ફંગોળાઈ ગયા હતા. બધું એટલું જલદી બન્યું કે ખુદ નરેન્દ્ર મોદીને આવી કોઈ અપેક્ષા નહોતી. હું મોદીથી માત્ર ત્રણ-ચાર ફૂટ દુર ઉભો હતો. તેમણે મારી સામે જોયું હતું. તેમના અને મારા સંબંધો સારા કેહવાય તેવા ન હતા, તેના કારણે અમારી વચ્ચે કોઈ સવાંદ થયો નહીં. પોલોસ અધિકારીઓ મુખ્યમંત્રીને ટોળાથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરતા હતા પણ ટોળું પોલીસના કાબુમાં નહોતું. આ વખતે પોલીસ ટોળા ઉપર બળ પ્રયોગ કરી શકે તેવી સ્તિથીમાં નહોતી. મોદીના ચેહરા ઊપર પરસેવાની બુંદ ઊપસી આવી હતી. તેમની આંખોમાં પહેલી વખત મેં ડર જોયો હતો. ટોળું બેકાબુ હતું પરંતુ બપોરથી ઘટનાસ્થળે આવી પહોંચેલા અશોક ભટ્ટ અને હીરા સોલંકીને ટોળા પૈકીના અનેક લોકો ઓળખતા થઈ ગયા હતા. નરેન્દ્ર મોદીનું રક્ષણ કરવું પોલીસ માટે શક્ય ન હતું પણ હીરાભાઈ સોલંકી અને અશોક ભટ્ટે પોતાના બન્ને હાથ આડા કરી મોદીને કોર્ડન કરી લીધા હતા. અશોક ભટ્ટે સમયસૂચકતા વાપરી પોતાના ગાર્ડને સાંકેતિક ચૂચના આપી. પોલીસગાર્ડ ઈશારો સમજી તરત દોડયો અને દૂર પડેલી તેમની સરકારી કાર રિવર્સ કરી નરેન્દ્ર મોદીને ટોળું ધક્કે ચડાવી રહ્યું હતું ત્યાં સુધી લઈ આવ્યો. હીરા સોલંકી અને અશોક ભટ્ટ પોતાની આડાશમાં મોદીને કાર સુધી દોરી અને તેમને ડ્રાઈવરની બાજુની સીટમાં બેસાડી કાર હંકારી મુકવા માટે સૂચના આપી. જો કે ઉશ્કેરાયેલા લોકોએ મોદીની કારના બોનેટ પર ફેંટો મારી હતી. નરેન્દ્ર મોદીને ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે હિંદુઓ ઉશ્કેરાયેલા છે, તેના કારણે તેમણે મનોમન નક્કી કરી લીધું કે હિંદુઓને નારાજ કરવા પરવડે તેમ નથી

કોચની બહાર પડેલી લાશોનું કાયદેસર પોસ્ટમોટર્મ કરવું પડે તેમ હતું, પરંતુ બહુ ઓછા મૃતદેહો ઉપર માંસ અને ચામડી બચ્યા હોવાથી હોસ્પિટલમાં મૃતદેહ લઇ જવાનો અર્થ ન હતો. તેના કારણે સ્થળ ઉપર જ ડૉકટરો તેમના સ્ટાફ સાથે આવી ગયા હતા. જો કે લાશો એટલી બળેલી હાલતમાં હતી કે મરનાર સ્ત્રી હતી કે પુરુષ તેની જાણકારી માટે હોસ્પિટલનો વર્ગ ચારનો કર્મચારી મૃતદેહમાં ગર્ભાશયની તપાસ કરતો અને તેના આધારે જ જાતી નક્કી થતી હતી. કેટલાક મૃતદેહના માત્ર હાડકા જ હતાં. જેની ઉપર મંગળસૂત્ર કે પછી હાથના હાડકા ઉપર બંગડીઓ હતી. આ આખી ઘટના જોઈ રહેલા મારી કરના ડ્રાઈવરે મને પૂછ્યું, ‘સાહેબ રાત્રે આપણે ગોધરામાં રોકાવાનું છે ?’ મને તેના પ્રશ્નમાં રહેલો ડર સમજતો હતો. મને લાગી રહ્યું હતું કે હજી પણ ગોધરાની સ્થિતિ બગડવાની છે, તેથી મેં તેને કહ્યું, ‘ના રાત્રે આપણે નીકળી જઈશું.

ઘટનાસ્થળેથી અમે ગોધરા સિવિલ પહોંચ્યા, જ્યાં ઈજાગ્રસ્તોને રાખવામાં આવ્યા હતાં. ત્યાં પણ લોકોના ટોળા હતાં. રાત્રે નરેન્દ્ર મોદી ત્યાં આવી પહોંચ્યા ત્યારે ત્યાં પણ ઉશ્કેરાયેલા હિન્દુઓએ તેમની સામે બુમો પાડી ગુસ્સો ઠાલવ્યો હતો. હોસ્પિટલમાંથી બહાર નીકળતા તેમણે પોતાની સાથે રહેલા જન સંપર્ક અધિકારી જગદીશ ઠક્કરને કેટલીક સૂચના આપી અને કારમાં ગોઠવાઈ ગયા. નરેન્દ્ર મોદી ગોધરા હેલિકોપ્ટરમાં આવ્યા હતા પણ રાત થઇ જતાં હેલિકોપ્ટર ઉડી શકે તેમ નહોતું. તેના કારણે તે રોડ માર્ગે અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. અમદાવાદ આવી રહેલા નરેન્દ્ર મોદીના મનમાં ઘમાસાણ થયું હશે, કારણ કે તેમને ગોધરા આવ્યા પછી જે ગંભીરતા સમજાઈ હતી તે કદાચ ગાંધીનગરમાં સમજાઈ ના હોત. મેં સુરત ફોન કરી વિક્રમ વકીલને આખી વાતની જાણકારી આપી. તેણે મને સલાહ આપી કે મારે સુરત જઈ મારી કોપી ફાઈલ કરવી, માટે અમે તે જ રાતે ગોધરાથી સુરત જવા નીકળ્યા હતા. ત્યારે ગોધરા શાંત હતું.

***