Navi Vangio in Gujarati Cooking Recipe by Mital Thakkar books and stories PDF | નવી વાનગીઓ

Featured Books
Categories
Share

નવી વાનગીઓ

નવી વાનગીઓ

ભાગ-૧

મીતલ ઠક્કર

બહેનો, એક જ પ્રકારની વાનગીઓ બનાવીને અને ખાઇને પરિવારના સભ્યો કંટાળી જાય છે. ઘણી વખત એ જ કારણે આપણે હોટલમાં વધુ જઇએ છીએ. પરંતુ એકાંતરે એક જ પ્રકારની વાનગીઓ ખાઇએ છીએ એ અલગ વાત છે. જો ઘરે જ નવીન વાનગીઓ/ નાસ્તા બનાવવામાં આવે તો એને બનાવવામાં મજા આવે જ છે પણ ખાવાની વધુ મજા આવે છે. એવું બને કે શરૂઆતમાં એક-બે વખત વાનગી યોગ્ય રીતે તૈયાર ના થાય. પણ પછી હાથ બેસી જાય છે. એટલે ભોજન થાળીમાં/નાસ્તાની ડીશમાં અવારનવાર પરિવર્તન લાવવા આપના માટે નવી વાનગીઓ શોધીને લાવી છું. જે મારા- તમારા જેવી ગૃહિણી કે એક્સપર્ટે જ બનાવી છે. આશા છે કે તમે પણ આ વાનગીઓ ઉત્સાહથીબનાવશો અને તેની રીત તમારા સખીમંડળમાં પણ વહેંચશો.

શેઝવાન બાઈટ્સ

સામગ્રી: ૧ કપ કોબી ઝીણી સમારેલી, ૧ નંગ ગાજર ઝીણું સમારેલું, ૩-૪ નંગ ફણસી ઝીણી સમારેલી, ૨ મોટા ચમચા કોર્ન ફ્લૉર, ૨-૩ નંગ લીલા મરચાં ઝીણાં સમારેલાં, ૫-૬ નંગ ઝીણું સમારેલું લસણ, ૨ મોટા ચમચા શેઝવાન સૉસ, સ્વાદ પ્રમાણે મરી પાઉડર, મીઠું અને તેલ.

બનાવવાની રીત: એક બાઉલમાં ઝીણી સમારેલી કોબી, ગાજરનું છીણ, ફણસી લો. તેમાં કોર્ન ફ્લૉર, મરી પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું ભેળવો. જરૂર મુજબ પાણી નાખીને મિક્સ કરી લો. તેલ ગરમ કરો. તેમાં મિશ્રણમાંથી નાના ગોળા બનાવીને તળી લો. બીજી કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં ઝીણું સમારેલું લસણ નાખો. લીલા મરચાં અને શેઝવાન સૉસ નાંખીને બરાબર મિક્સ કરી લો. તૈયાર કરેલા બૉલ્સ નાખીને બરાબર હલાવી લો. કોથમીરથી સજાવીને સર્વ કરો.

*

પાલક રોલ્સ

સામગ્રી : ૨૦૦ ગ્રામ ચણાની દાળ, ૫૦ ગ્રામ બેસન, ૨૫૦ ગ્રામ પાલક (સાફ કરીને) ૫૦ ગ્રામ ફૂદીનો, ૫૦ ગ્રામ કોથમીર, ૧ ચમચી અજમો, જરા હિંગ, મીઠું-મરચું સ્વાદ પ્રમાણે તળવા માટે ઘી.

રીત : દાળને ૪ થી ૫ કલાક પલાળી થોડી મોટી મોટી પીસી લો. તેમાં બેસન નાંખીને કાપેલી પાલક, કોથમીર, ફૂદીનો અને બધો જ મસાલો નાંખીને લાંબાલાંબા મધ્યમ આકારના રોલ બનાવી લો. હવે એક તપેલીમાં પાણી મૂકીને ઉપર ચારણીમાં રોલ્સ મૂકી ઢાંકી દો. જેથી રોલ વરાળથી સીજશે. પાણી અડશે નહિ. લગભગ છથી આઠ મિનિટ બાદ ખોલીને જુઓ ચડી ગયા હોય તો ઉતારીને ઠંડા થવા દો. ઠંડા થયા બાદ નાની નાની સ્લાઈસમાં કાપીને હલકા ગુલાબી રંગના તળી લો. ચટણી અથવા સોસ સાથે ગરમાગરમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

*

તલની કઢી

સામગ્રીઃ ૧/૨ વાટકી તલ, ૧ મોટું ગાજર, ૧ મોટું બટાકું, બે વાટકી ખાટું દહીં, ૧ ચમચો ચોખ્ખું ઘી, ૧/૨ ચમચી જીરું, ૧/૨ ચમચી મરચું, ૧ ચમચી મીઠું, ૧ ચમચી હળદર, બે ચમચી ધાણાજીરું, ચપટી હિંગ.

રીતઃ તલને સાફ કરી કડાઈમાં સોનેરી શેકી લો. પછી એમને મિકસરમાં બારીક વાટી લો. ખાટા દહીંમાં તલનો પાઉડર નાખી બરાબર ફીણી લો. એમાં અડધું મીઠું પણ નાખી દો. ગાજર અને બટાકાને છોલીને મોટા - મોટા ટુકડા સમારી લો. અડધું ઘી ગરમ કરી એમાં હિંગનો વઘાર કરો. એમાં હળદર, ધાણાજીરું, અડધું મીઠું અને ગાજર બટાકા નાખી બરાબર હલાવો. તે ચડી જાય એટલે એમાં દહીં તલનું મિશ્રણ નાખી ખૂબ હલાવતાં રહો. એક ઊભરો આવે એટલે હલાવવાનું બંધ કરી દો. હવે વધેલું ઘી ગરમ કરી એમાં જીરું અને મરચાંનો વઘાર કરો. એ વઘાર કઢીમાં નાખી બરાબર હલાવો. ગરમા-ગરમ કઢી - ભાત મહેમાનોને પીરસો.

*

મિક્સ વેજ જાલફ્રેજી

સામગ્રી : ૧૦૦ ગ્રામ ગાજર, ૧૦૦ ગ્રામ બીન્સ, ૧૦૦ ગ્રામ ફ્લાવર, ૧૦૦ ગ્રામ વટાણા, ૧૦૦ ગ્રામ બટાકાં, ૧૦૦ ગ્રામ મશરૃમ, ૧૦૦ ગ્રામ કેપ્સિકમ, ૧૦૦ ગ્રામ પનીર, ૧ ચમચી હળદર, ૧/૨ કપ ડુંગળી ઝીણી સમારેલી, ૧ કપ ઝીણાં સમારેલાં ટામેટાં, ૧ ચમચો વાટેલું આદું, ૧ ચમચો ધાણાજીરું, ૧-૧ ચમચી લસણ અને કોથમીર ઝીણી સમારેલી, ૧ ચમચી વાટેલું જીરું, ૫૦ ગ્રામ તેલ.

રીત : બધાં શાકભાજીને પાતળાં અને લાંબા સમારી લો. તેને ઊકળતાં પાણીમાં નાખો. હળદર અને મીઠું નાખી થોડીકવાર ઉકાળ્યા પછી નિતારી લો. શાકભાજીને ઠંડા પાણીથી ધોઈ લો, જેથી શાકભાજી વધુ પ્રમાણમાં નરમ ન બની જાય. એક કડાઈમાં તેલ ગરમ કરીને આદું તથા લસણની સાથે ડુંગળીને પણ સાંતળી લો. આછી ગુલાબી થયા પછી ટામેટાં, હળદર, મીઠું, કોથમીર અને ધાણાજીરુંને મિક્સ કરો. મીઠું અને દેગી મરચું નાખો. ટામેટાં પોચા પડે પછી શાકભાજીને મિક્સ કરી લો. હળવા હાથથી હલાવતાં પનીરના લાંબા પાતળા ટુકડા નાખો. ધીમી આંચ પર એક મિનિટ રાંધો. તેને લીલાં મરચાં, કોથમીર તથા આદુંની છીણથી સજાવો.

*

ખટમીઠા ભાત

સામગ્રી : ૨ કપ ભાત, ૨ ચમચા શેકીને અધકચરી વાટેલી મગફળી, ૧ ચમચો સફેદ તલ, ૧ ચમચો ચણાની દાળ, ચપટી હિંગ, ૩/૪ કપ લાલ મરચું, ૮-૧૦ મીઠા લીમડાનાં પાન, ૧/૨ ચમચી રાઈ, ૨ ચમચા છીણેલું નાળિયરે, ૩/૪ કપ આમલીનો રસ, ૨ ૧/૨ ચમચા તેલ, મીઠું સ્વાદ મુજબ.

રીત : એક પેનમાં તેલ ગરમ કરો. પછી રાઈનો વઘાર કરી ચણાની દાળ શેકો. તેમાં હિંગ, મીઠા લીમડાનાં પાન, લાલ મરચું, નાળિયેર, ભાત અને આમલીનો રસ નાખી બે-ત્રણ મિનિટ સુધી બરાબર હલાવો. પછી તલ, મગફળી અને ઈચ્છા હોય તો થોડી હળદર મિક્સ કરી થોડીવાર રહેવા દો. આ ખટમીઠા ભાત ઠંડા ખાવાની પણ ખૂબ મજા આવે છે.

*

મદ્રાસી મસાલાભાત

સામગ્રી : બે કપ તુવેરદાળ, ૧૦૦ ગ્રામ મદ્રાસી કાંદા, ૪૦૦ ગ્રામ વટાણા, ૨૫૦ ગ્રામ ટમેટાં, ૧૨ પાન મીઠા લીમડાનાં, ૪ પાન તમાલ પત્રનાં, ૪ કપ પાણી દાળ માટે, ૨ ચમચાં ઘી, ૨ કપ બાસમતી ચોખા, પ્રમાણસર મીઠું, ૫૦ ગ્રામ કાજુના ટુકડા, ૩ ચમચા તેલ, ૧/૨ ચમચી હળદર, ૧/૨ કપ આંબલી, ૧/૨ કપ ગોળ, ૪ કપ પાણી ઉકાળવા માટે.

પેસ્ટ : એક કપ ખમણેલું નારિયેળ, ૩ ચમચા ચણાની દાળ, ૪ લાલ કાશ્મીરી મરચાં, એક ચમચી મેથી, એક ચમચો ધાણા, ૧ ચમચી જીરું, ચાર કળી લસણ, ૪ ટુકડા તજ, ચાર લવિંગ, ૧ ટુકડો આદું, ૪ લીલા મરચાં.

રીત : આદુ મરચાં સિવાય ઉપરનો બધો મસાલો કોરો શેકવો. આદું-મરચાં નાંખી, પાણી છાંટી ચટણી વાટવી (મિક્સરમાં વાટી શકાય) તુવેળદાળને ગરમ પાણીથી ધોઈ, ચાર કપ પાણી નાંખી, કૂકરમાં બાફવી. સંચો ફેરવવો નહીં, વટાણામાં સહેજ સોડા નાંખી પાણીમાં બાફવા, ટમેટા છાલ કાઢી બારીક કરવા. એક કપ પાણીમાં આંબલી પલાળવી. ચોખાનો છૂટો ભાત બનાવવો. તેલ ગરમ કરવું. લીમડાનાં પાન અને તમાલપત્રનાં પાન નાંખવા, ટમેટા નાખવા, હલાવવું. પેસ્ટ નાંખવી, ૩ કપ પાણી નાંખવું, દાળ નાંખવી. આંબલીનું પાણી નાખવું, ગોળ, મસાલો, કાજુના ટુકડા અને છાલ કાઢી કાંદા નાંખવા, વીસ મિનિટ મધ્યમ તાપે ઉકાળવું. સંભાર સાધારણ ઘટ્ટ થાય ત્યારે રાંધેલા ભાત નાંખી હલકા હાથે હલાવવું, વટાણાં નાંખવા, ઘી નાંખી આપવું. મદ્રાસી બીસી ભેલ ગરમ-ગરમ સરસ લાગશે. એક જ વસ્તુમાં જમણ થઈ શકે. ભાત આપતી વખતે જ ભેળવવો. સંભાર બનાવી રાખી શકાય બાસમતી ચોખાને બદલે કોઈપણ ચોખા વાપરી શકાય. બાસમતી વધારે સારો લાગશે. ઘી આપતી વખતે જ નાંખવું. ભાત અને દાળના સાધારણ પ્રવાહી રહે તે રીતે સંભાર ઉકાળવો. જોઈતું ગરમ પાણી નાંખી શકાય. ગોળ ગમે તો વાપરવો. મદ્રાસી કાંદા લસણની કળીના આકાર જેવા બજારમાં મળે છે. શંખલા જેવા દેખાય છે.

*

ચોળાના ઢોકળા

સામગ્રીઃ ૧ વાટકી ચોળા, ૧ લીલું મરચું, ચપટી હિંગ, ૭-૮ પાન મીઠો લીમડો, ૮-૧૦ આખા ધાણા, થોડી કોથમીર, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી મરચું. સજાવટ માટે ડુંગળી, લીલાં મરચાં, ટામેટાં, કોથમીર.

રીતઃ ચોળાને બે કલાક પહેલાં બાફી નાખો. પછી તેને મિક્સરમાં ક્રશ કરી નાંખો. આ મિશ્રણમાં મીઠું, હિંગ, મરચું, આખા ધાણા ને કોથમીર નાખી એક કપડામાં બાંધી દો અને ઉકળતા પાણીમાં મૂકી ૧૦ મિનિટ બાફો ૧૦ મિનિટ પછી પોટલી ખોલીને ચોળાને ઢોકળાની જેમ ચપ્પુથી કાપો. તેલ ગરમ કરી રાઈ, હિંગ, મીઠા લીમડાનાં પાન અને મરચાંનો વઘાર કરી તેમાં ચોળાના ઢોકળા જેવા ટુકડા નાખો. આને ગરમાગરમ જ, સેલડથી સજાવીને પીરસો.

*

વટાણા દહીંવડા

સામગ્રી : ૨ વાટકી પલાળીને વાટેલી અડદની દાળ, ૨ લીલાં મરચાં ઝીણા સમારેલાં, ૧ ચમચો કોથમીર, ઝીણી સમારેલી, ચપટી હિંગ, ચપટી જીરું, ૧ ૧/૨ ચમચી મીઠું, ૧ ચમચી લાલ મરચું પીસેલું, ૧/૪ ચમચી હળદર, ૧/૨ કપ વટાણા, ૧ ચમચી પીસેલું આદું
સાથે રાખવાની સામગ્રી : દહીં, સૂંઠ, ધાણાની ચટણી.

રીત : પેનમાં ૧ ચમચી તેલ ગરમ કરો. જીરાનો વઘાર કરી વટાણા નાખો. ૧/૪ ચમચી હળદર, ૧/૪ ચમચી મીઠું, અને લાલ મરચું નાખી સાંતળો. થોડું પાણી નાખી વટાણા ચઢવા દો અને ઠંડુ થવા દો. દાળમાં હિંગ, ૧/૨ ચમચી મીઠું અને પીસેલું આદું નાખી દાળ બરાબર ફીણી લો. તેલ ગરમ કરો. એક ચમચામાં પીસેલી અડદની દાળ લઈ વચ્ચે વટાણાનો માવો ભરો. થોડી દાળ ઉપર મૂકી ગરમ તેલમાં ધીમેથી મૂકો. આ રીતે બધાં વડાં વટાણા ભરીને તળી લો. એક વાટકી દહીંમાં થોડું પાણી અને ૧/૪ ચમચી મીઠું નાખી વલોવી નાખો.
વડાં પીરસવાની પ્લેટમાં મૂકી પાતળું દહીં ઉપરથી નાખો. સૂંઠ, લીલી ચટણી, લીલાં મરચાં, કોથમીર ભભરાવી મનગમતી સામગ્રીથી સજાવીને પીરસો.

*

નવરત્ન કરી

સામગ્રી : ૫૦ ગ્રામ કોબી ફ્લાવર, ૪૦૦ ગ્રામ વટાણા, ૧૦૦ ગ્રામ ફણસી, ૧૦૦ ગ્રામ ગાજર, ૨૦૦ ગ્રામ બટાટા, ૨૫૦ ગ્રામ ટામેટા, સાકર, તેલ, મીઠું, ૧ કેપ્સીકમ, પાતળી સળીઓ,૧૦૦ ગ્રામ દૂધનું ક્રીમ, ૧ નાનું ટીન પાઈનેપલ સ્લાઈસ, ૧ સફરજન, ૫૦ ગ્રામ દ્રાક્ષ, ૧૦૦ ગ્રામ કાજુ, ઘી, ૦।। કપ મોળું દહીં, ૧।। કપ દૂધ, ૧ ચમચી માખણ, ૧ ચમચો કોર્નફ્લોર, ૧ લીટર દૂધના પનીરના ટુકડા.

વાટવાનો મસાલો : ૫ લીલાં મરચાં, ૧ ચમચો શાહજીરું, ૧ ચમચો ખસખસ ૧ ટુકડો આદુ

રીત : ૧ ચમચો ધાણા, ૨૦ પાન ફુદીનાનાં આ બધાને વાટી મસાલો તૈયાર કરવો. ફણસી અને ગાજરને બારીક સમારીને તથા વટાણાને ફોલીને સોડાના પાણીમાં બાફી ચારણીમાં નિતારવા. બાફેલા બટાટાના ટુકડા ધોયેલા ફ્લાવરના નાના ટુકડા મરચાંની, પનીરના ટુકડાં અને અડધા કાજુના ટુકડા તળવા. બાકીના કાજુનો ભૂકો કરવો. ચેરીને વચમાંથી કાપવી. સફરજનનાં ટુકડા કરી લીંબુ નીચોવવું. પાઈનેપલના ટુકડા કરવા. ટમેટાના ગરમ પાણીમાં રાખી છાલ કાઢી બારીક સમારવા ઘી ગરમ મૂકવું. તેમાં વાટેલો મસાલો સાંતળવો. ટમેટાં નાંખવા કાજુનો ભૂકો નાંખી પાણી નાખવું. તળેવા અને બાફેલા શાક નાંખવા. કોર્નફ્લોર હલાવી તેમાં ઉમેરવું. પાઈનેપલ, દ્રાક્ષ, સફરજન, અને કાજુના ટુકડા નાંખવા. બે ઉભરા આવે એટલે નીચે ઉતારી, માખણ અને મીઠું નાખવા. પીરસતી વખતે ગરમ શાકમાં દૂધનું ક્રીમ નાંખવું. બાઉલમાં મૂકી ઉપર વરખ પાથરવો.

*

તુવેરદાણાનાં ઢોકળાં

સામગ્રી : ૧ કિલો તુવેરના છોલેલા દાણા, ૨ કિલો ચોખાનો લોટ, ૫૦ ગ્રામ તલ, ૧ લિટર શેરડીનો રસ (જો ન મળે તો પાણીમાં ગોળ નાંખવો), ૧ કપ દૂધ, આદું-મરચાં, હળદર, મીઠું.
રીત : તુવેરના દાણાને બાફવા. શેરડીનો રસ ગરમ કરવો. ઉપરની છારી કાઢી લેવી અથવા એટલું પાણી મૂકી ગોળ નાખી ઉકાળવું. વાટેલા આદું-મરચાં, મીઠું, હળદર નાખવા. બાફેલા દાણાને લોટમાં ભેળવી દઇ ઉકળતા રસમાં ઓરી દેવું. એક કપ દૂધ નાખી ઉપર ઢાંકણ ઢાંકવું. હલાવતા રહેવું. ચોંટવા દેવું નહિ. થોડીવારમાં ચડી જાય એટલે ગોળાવાળી તળી લેવા અથવા માટીના પાટિયામાં (પહોળા મોંઢાની માટલી) તેલ મૂકી ઉછાળીને લસણ, કોથમીરની ચટણી સાથે ખાવા. ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.

*

ભુટ્ટાનો ઓળો

સામગ્રી : ૨ મોટા ભુટ્ટા, ૨ ડુંગળી (સમારેલી) ૧ ૧/૨ ચમચો ટોમેટો પ્યુરી, ૨ લીલા મરચાં (સમારેલાં), ૧ ટુકડોે આદું, (સમારેલું) ૨ ચમચી કોથમીર (ઝીણી સમારેલી), ૧ ચમચો દેશી ઘી, ૧/૪ ચમચી લાલ મરચું.

રીત : ભુટ્ટાને માઈક્રોવેવ ઓવનમાં બરાબર પોચા પડે ત્યાં સુધી શેકો. ત્યારબાદ બહાર કાઢી ઠંડા પડી જાય પછી છોલીને તેને નરમ કરવા હાથથી બરાબર મસળો. તેમાં ડુંગળી સિવાયની તમામ સામગ્રી નાખો. માઈક્રોવેવ ડિશમાં ૫ મિનિટ સુધી ઓળો પકાવો. પછી તેમાં ડુંગળી મિક્સ કરીને બે-ત્રણ મિનિટ સુધી વધુ પકાવો. ગરમાગરમ ઓળો તૈયાર છે. ગરમાગરમ ઓળો બાજરીના રોટલા સાથે જમો અને જમાડો.

*

રસગુલ્લાં કરી

સામગ્રી : બે ડઝન નાનાં રસગુલ્લાં બે નાનાં ટામેટાં, ૧/૨ કપ દૂધ, ૩ મોટા ચમચા તેલ, ૧ ચમચી અથવા સ્વાદ મુજબ મીઠું, ૫૦ ગ્રામ માવો અથવા રબડી.

કરી માટે સામગ્રી : બે મોટી ડુંગળી, થોડું આદું, ૪-૫ કળી લસણ, ૩ લીલા મરચાં, ૩/૪ ચમચી હળદર, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૪ ચમચી ગરમ મસાલો, બે ચમચી જીરું, ૧ મોટો ચમચો આખા ધાણા.
સજાવટ માટે : ૧ નાની ઝૂડી કોથમીર, ૧/૪ ચમચી ગરમ મસાલો.

રીત : રસ ગુલ્લાંને બરાબર નિચોવી, પાણીમાં ધોઈને પાણી ભરેલી તપેલીમાં રાખો. એક કલાક પછી તેને નિચોવીને ફરી પાણીમાં રાખો. આ દરમિયાન રસા માટે મસાલો બનાવી રાખો. આદુ, લસણ, ડુંગળી, જીરું, લીલાં મરચાં અને કોથમીરને વાટી બારીક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ ગરમ તેલમાં આછા બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો. ટામેટાંને ગરમ પાણીમાં બે મિનિટ ઉકળવા દઈને ચાળણીથી ચાળી ગર કાઢી લો. ડુંગળીના મસાલામાં હળદર,લાલ મરચું અને ટામેટાંનો ગર નાખી ખૂબ સાંતળો. તેમાં બે-ત્રણ વાર થોડું થોડું પાણી રેડી મસાલાને બરાબર ચડી જવા દો. હવે તેમાં માવો અથવા રબડી નાખી ઘી છૂટું પડે ત્યાં સુધી મસાલાને ચડવા દો. ત્યારબાદ તેમાં ૧/૨ કપ દૂધ, ૧૧/૨ કપ પાણી અને મીઠું નાખી તૈયાર થયેલા રસાને દસ મિનિટ સુધી આંચ પર ઉકળવા દો. રસગુલ્લાંને બરાબર નિચોવી રસામાં નાખી દો. અને બે-ત્રણ મિનિટ બાદ આંચ પરથી ઉતારી લો.

છેલ્લે કોથમીર અને ગરમ મસાલાથી સજાવટ કરી ગરમાગરમ પીરસો. આ રસગુલ્લાં કરી સ્વાદમાં ઉત્તમ કોફતા જેવી જ લાગે છે.