21 mi sadi nu ver - 28 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | 21મી સદીનું વેર - 28

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

21મી સદીનું વેર - 28

21મી સદીનું વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

કિશન મહાસાગર ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાં જુનાગઢથી સુરત જવા નીકળ્યો. જુનાગઢની બહાર વડાલ પાસે આવેલ મહાસાગર ટ્રાવેલ્સના પેટ્રોલપંપ પર બસ ઉભી ત્યાંથી ડીઝલ પુરાવીને બસ રાજકોટ તરફ ચાલવા લાગી એટલે ડ્રાઇવરે બસની બધીજ મેઇન લાઇટ ઓફ કરી ડીમ લાઇટ ચાલુ કરી દીધી. કિશન પણ પોતાના સોફાની કેબીનનો દરવાજો બંધ કરી અને સોફા પર લાંબો થયો. કિશને ઇશિતાને ફોન કરી પોતે સુરત જવા રવાના થઇ ગયો છે તે જાણ કરી. ત્યારબાદ સુનીલ અને મનિષને ફોન કરી કહી દીધુ કે તમે પણ શનિવારે બપોર સુધીમાં પહોંચી જજો. ત્યાર બાદ કિશને ફોન સાઇલન્ટ મોડમાં કરી દીધો અને આંખો બંધ કરી સુતો રહ્યો. બે દિવસમાં ખુબજ દોડાદોડી કરીને કામ પુરૂ કર્યુ હોવાથી ખુબ થાકેલો હતો. તેથી તે ક્યારે ઉંઘી ગયો ખબરજ ન પડી. બસ લીંબડી પાસે આવેલ દર્શન હોટલ પર રોકાઇ પણ કિશન તો ઉંઘતોજ રહ્યો. સવારે બરોડાથી આગળ પોર ગામ પાસે આવેલ ગેલેક્સી હોટલ પર બસ રોકાઇ ત્યારે કિશન ઉઠ્યો અને નીચે પેશાબ પાણી જઇ ફરીથી ઉંઘી ગયો. કિશન જ્યારે ફરીથી ઉઠ્યો ત્યારે બસ કામરેજ ચોકડી પર પહોંચી હતી. તરતજ બસ ઓવરબ્રીજની નીચેથી જમણીબાજુ વળાંક વળી સુરત તરફના રસ્તા પર દોડવા લાગી. કામરેજ ચોકડીથી સુરત આમ તો 18 કિલોમીટર દુર થાય પણ સુરત ફેલાઇને કામરેજને અડી ગયુ છે. કામરેજથી સુરતના આખા રસ્તા પર બન્ને બાજુ હાઇ રાઇઝ બીલ્ડીંગ અને રહેણાંક એરીયા આવેલા છે. સુરતની ખુબસુરતી જોઇને કિશન ખુશ થઇ ગયો. બસ લસ્કાણા ગામ પસાર કરીને સરથાણા જકાતનાકા પાસે પહોંચીને ઉભી રહી ગઇ આ તેનુ છેલ્લુ સ્ટોપ હતુ. સવારે 8 વાગ્યા પછી બસ અને મોટા વાહનોને સુરત શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ લાગી જતો. તેથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી આવતી બધીજ ટ્રાવેલ્સ અહીજ પેસેન્જરને ઉતારી દેતા. સરથાણા જકાત નાકાની આજુબાજુમાં રહેલ મોટા મોટા ડેલામાં આ બસો આખો દિવસ પડી રહેતી અને ફરીથી સાંજે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાત તરફ રવાના થતી.

કિશન સરથાણા જકાતનાકા પાસે બસ ઉભી રહેતા તેમાંથી ઉતર્યો અને દીલ્લી ગેટ પર આવેલ લોર્ડઝ હોટલની રીક્ષા કરી. કિશને અગાઉથીજ હોટલનું બુકિંગ ઓનલાઇન કરી લીધુ હતુ. કિશન જેવો રીક્ષામાં બેઠો એટલે રીક્ષા દીલ્લી ગેટ તરફ રવાના થઇ. રીક્ષા એક પછી એક ઓવર બ્રીજ ક્રોસ કરી રહી હતી ત્યારે કિશન મંત્રમુગ્ધ થઇ સુરત શહેરની સમૃધ્ધીને જોઇ રહ્યો. કિશને વિચાર્યુ આ શહેરની પાસે તો જુનાગઢ એક મોટા ગામડા જેવુ લાગે. આજુબાજુ ઉભેલા હાઇરાઇઝ બિલ્ડીંગ અને શોપીંગ મોલ જોઇ કિશન ખુશ થઇ ગયો. તેણે તેના ગામના મિત્રો પાસેથી સુરત વિશે ઘણુ સાંભળ્યુ હતુ. પણ સુરતતો તેના કરતા પણ વધારે ભવ્ય હતુ. કિશનની રીક્ષા રેલ્વે સ્ટેશન પાસેથી પસાર થઇ દિલ્લી ગેટ પર આવેલ લોર્ડઝ હોટલ પાસે આવીને ઉભી રહી એટલે કિશન ભાડુ ચુકવી હોટેલમાં દાખલ થયો.

કિશને રિસેપ્શન પર જઇ પોતાનુ નામ અને આઇડી કાર્ડ આપ્યુ એટલે રિસેપ્શનીસ્ટે એક છોકરાને બોલાવી કહ્યુ આ લે ચાવી સાહેબ ને તેના રૂમ પર મુકતો આવ. છોકરાએ રિસેપ્શન ડેસ્ક પરથી ચાવી લીધી અને કિશનની બેગ ઉપાડીને તે છોકરો આગળ ચાલવા લાગ્યો અને કિશન તેની પાછળ ચાલ્યો. બન્ને લીફ્ટમાં બિજા માળે ગયા ત્યાં છોકરાએ એક રૂમ ખોલી અને કિશનની બેગ અંદર મુકીને કહ્યુ” સાહેબ કંઇ પણ જરૂર હોય તો ફોન પરથી 112 ડાયલ કરશો એટલે રૂમ સર્વિશને ફોન લાગી જશે. ” ત્યાર બાદ તે છોકરો રૂમ નો દરવાજો બંધ કરીને જતો રહ્યો.

છોકરાના ગયા પછી કિશને બાથરૂમમાં જઇ સવારનો નિત્ય ક્રમ પતાવ્યો અને ગરમ પાણીથી સાવર લીધો. આખી રાત સરસ ઉંઘ લીધી હોવાથી નાહવાથી તે એકદમ ફ્રેસ થઇ ગયો. બાથરૂમમાંથી નીકળી કિશને વિ-નેક નુ ડિઝાઇનર ટીસર્ટ અને નીચે સ્કાયબ્લ્યુ કલરનુ ડેનીમ પહેર્યુ અને વાળ ઓળીને તૈયાર થઇ ગયો.

કિશન રૂમ લોક કરી હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા બેન્કવેટ હોલમાં નાસ્તો કરવા ગયો. નાસ્તો કરતા કરતા તેણે ઇશિતાને ફોન કરીને પોતે સુરત પહોંચી ગયો છે તે જાણ કરી. તો ઇશિતાએ કહ્યુ હું તો હજુ ચાર વાગ્યાની આસપાસ પહોંચીશ. કિશને નાસ્તો કર્યા પછી તેણે હોટલના રીશેપ્શન કાઉન્ટર પર જઇ કેબ(ટેક્ષી) માટે કહ્યુ. થોડીવારમાં કેબ આવી જતા કિશન પાછળની સીટ પર બેસી ગયો અને ડ્રાઇવરને કહ્યુ કે ગુજરાત ગેસ સર્કલ લઇ લે. કેબ હોટલના ગેટની બહાર નીકળી અને બાજુમાં આવેલ ઓવર બ્રીજ પર ચડી ગઇ અને ફુલ સ્પીડમાં દોડવા લાગી એ સાથે કિશન પણ ભુતકાળના વિચારોમાં ખોવાઇ ગયો. કિશને વિચાર્યુ કે તે દિવસે મે રાઠોડ સાહેબને ફોન કરીને કીધુ હતુ કે સુરતમાં કોઇ કોન્ટેકટ હોય તો કહો.

રાઠોડ સાહેબે કહ્યુ “પોલીશ સ્ટેશનના કોન્ટેક્ટની જરૂર છે કે બીજી કોઇ”

કિશને કહ્યુ” ના આતો એક વ્યક્તિ ની તપાસ કરાવવી છે”

રાઠોડ સાહેબે કહ્યુ “ તેના માટે તો મારો એક મિત્ર સુરેશ પાલ તને ખુબ ઉપયોગી થશે. તે પોતેજ પ્રાઇવેટ ડિટેક્ટિવનું કામ કરે છે. અને સુરતમાં ખુબ પ્રખ્યાત છે. તેની પોતાની “સુરત સ્પાઇ સર્વિસ “ નામની ઓફીસ સુરતના પોસ વિસ્તાર અડાજણમાં ગુજરાત ગેસ સર્કલ પાસે આવેલી છે. હું તેનો મોબાઇલ નંબર તને લખાવુ છુ. 953756348. આ નંબર પર સુરેશ પાલને મારૂ નામ આપજે એટલે તારૂ કામ કરી આપશે. ”

ત્યાર બાદ કિશને સુરેશ પાલને ફોન કરી કહ્યુ કે “મને રાઠોડ સાહેબે તમારો નંબર આપ્યો છે. ”તો સુરેશ પાલે કહ્યુ “હા, બોલો બોલો રાઠોડ સાહેબ મારા ખાસ મિત્ર છે. ”

કિશને તેને શિતલ વિશે વાત કરી અને તેના વિશે હજુ વધુ માહિતી જોઇએ છે તેમ કહ્યુ.

સુરેશ પાલે કહ્યુ “તમે મારૂ મેઈલ આઇ ડી લખીલો તેના પર શિતલનો લેટેસ્ટ ફોટો અને તેનુ એડ્રેસ મોકલી આપો સાથે તમારૂ કાર્ડ પણ મોકલી આપજો. અમે તમને મેઇલ દ્વારા વિગત મોકલીશું. ”

અચાનક કેબમાં બ્રેક લાગતા કિશનની વિચાર યાત્રા રોકાઇ ગઇ. કિશને બારીમાંથી બહાર જોયુ તો કેબ સરદાર બ્રીજ ક્રોસ કરી રહી હતી. કિશને ડ્રાઇવરને કહ્યુ મને ગુજરાત ગેસ સર્કલ પર ઉતારીને તમે જતા રહેજો. સરદાર બ્રિજ ઉતરીને સર્કલ ની બાજુમાં આવેલ શિતલ સ્ટુડીઓની પાસે કેબ ઉભી રહી એટલે કિશન તેમાંથી ઉતરી ગયો અને કેબનું ભાડૂ ચુકવી દીધુ. ત્યારબાદ કિશન શિતલ સ્ટુડીઓની હારમાંજ થોડો આગળ ચાલ્યો અને ત્યારબાદ તેજ બીલ્ડીંગમાં પહેલા માળ પર ગયો અને ત્યાં આવેલ “સુરત સ્પાય સર્વિસ”ની ઓફિસમાં દાખલ થયો. કિશને દરવાજાની સામે આવેલ રિસેપ્શન ડેસ્ક પર જઇ ત્યાં બેઠેલી છોકરીને પોતાનું કાર્ડ આપ્યુ અને કહ્યુ મારે મિ. સુરેશ પાલને મળવુ છે. છોકરી એ કહ્યુ તમે સામે બેસો હું તમને હમણા બોલાવુ છું. કિશન રિસેપ્શન ડેસ્ક ની સામે મુકેલી ખુરશીમાં બેઠો. રિસેપ્શનીસ્ટ બાજુંમાં આવેલ ચેમ્બરમાં ગઇ અને તરતજ પાછી આવીને તેણે કિશનને કહ્યુ “ તમે અંદર જાવ”.

કિશન ઉભો થયો અને ચેમ્બરનો દરવાજો ખોલીને પુછ્યુ “મે આઇ કમ ઇન?”

સામેથી સુરેશ પાલે કહ્યુ “આવો આવો કિશનભાઇ”

કિશન અંદર ગયો એટલે સુરેશ પાલે ઉભા થઇ અને કિશન સાથે હાથ મિલાવ્યા અને બેસવાનું કહ્યુ. કિશન બેઠો એટલે સુરેશ પાલે પુછ્યુ ‘બોલો શુ લેશો ચા કે કોફી?”

“અરે અમને કાઠીયાવાડીને કોફીનું પુછવાનુજ ના હોય અમે તો ચાના જ શોખીન હોય. ”

“હા એ વાત સાચી તમારા કાઠીયાવાડની પ્રખ્યાત “ખેતલા આપા” ની ચા હવે છેક સુરત સુધી પહોંચી ગઇ છે. ”

ત્યારબાદ સુરેશે બેલ મારી ચાનો ઓર્ડર આપ્યો ત્યાં સુધી કિશન સુરેશ પાલનુ નિરીક્ષણ કરતો રહ્યો. લગભગ 30 થી 35 વર્ષની ઉંમર, 6 ફુટની ઉંચાઇ, એકદમ ફીટ બોડી, ઉપર બ્લેક કલરનો ખાદીનો સોર્ટ ઝભ્ભો અને નીચે બ્લ્યુ ડેનીમ, આંખ પર રીમલેશ ચશ્મા, અને ચશ્માની પાછળ એક્સરે જેવી વેધક આંખો વાળા સુરેશ પાલની પર્સનાલીટીથી કોઇપણ પ્રભાવિત થયા વિના રહે નહી. કિશને વિચાર્યુ આ વ્યક્તિ તો પોલિટીક્સમાં પણ સફળ થાય એવો છે. ચા આવતા કિશનની વિચાર યાત્રા રોકાઇ ગઇ.

ચા પિતા પિતા સુરેશે પુછ્યુ “ બોલો કિશનભાઇ શુ ચાલે છે બીજુ”

કિશને કહ્યુ “બસ જો રાઠોડ સાહેબ જેવા મિત્રો ને લીધે કામ ચાલ્યા કરે છે. ” એમ કહી કિશને બેગમાંથી એક મિઠાઇનુ બોક્સ કાઢી અને સુરેશને આપ્યુ અને કહ્યુ “આ રાઠોડ સાહેબે તમારા માટે મોકલ્યુ છે”

સુરેશે બોક્સ લેતા કહ્યુ” રાઠોડ સાહેબ પણ મિત્રતા નીભાવવામાં દિલદાર માણસ છે. ”

ત્યારબાદ કિશને મુળ વાત પર આવતા કહ્યુ” તમે મોકલેલા ફોટોગ્રાફ્સ અને બધી વિગત મને મળી” એમ કહી કિશને બેગમાંથી કવર બહાર કાઢ્યુ અને તેમાંથી એક ફોટો હાથમાં લઇ સુરેશને બતાવતા કહ્યુ “ આ ફોટામાં શિતલ સાથે જે છોકરો છે તેના વિશે હજુ વધારે માહિતી જોઇએ છે. અને આ છોકરા સાથે શિતલને કેવા? અને કેટલી હદ સુધીના? અને કેટલા સમયથી સંબંધ છે? એ બધી વિગત મારે જોઇએ છે. ”

“મે તમારા કામ માટે મારા બે સૌથી બેસ્ટ માણસો રોક્યા છે એટલે તમે કહેશો તે માહિતી તમને બે ત્રણ દિવસમાં મળી જશે. તમે અહિ કેટલા દિવસ રોકાવાના છો?”

“ હું અહિ પાંચ દિવસ છુ. ત્યાં સુધીમાં માહિતી મળી જાય તો સારૂ. ”

“ હા ચોક્ક્સ અમે તે પ્રયત્ન કરીશુ. ” ત્યાર બાદ સુરેશ થોડુ રોકાઇને આગળ બોલ્યો “કિશનભાઇ જો તમને કોઇ વાંધો ના હોય તો તમારે આ માહિતી શા માટે જોઇએ છે તે કહો તો સારૂ. જેથી અમારે એક્ઝેટ કઇ રીતે કામ કરવુ તે ખબર પડે. અને કેવી માહિતી મેળવવી તે પણ નક્કી કરી શકીએ. જેથી એક્ઝેટ તમારે જે જોઇએ છે તેજ તમને મળે. ”

“ અરે સુરેશભાઇ તમને વાત કરવામાં મને કોઇ વાંધો નથી. આ તો ફોન પર આવી વાત કરવાની મજા ન આવે એટલા માટે ત્યારે કોઇ વાત નહોતી કરી” આમ કહી કિશને શિખરના નામનો ઉલ્લેખ કર્યા વગર આખી વાત સુરેશને કરી અને છેલ્લે કહ્યુ “ મારો અસીલ આ છોકરી શિતલને ખુબ જ પ્રેમ કરે છે. એટલે આ શિતલને કોઇએ ફસાવી છે કે પછી આ બધો શિતલનો જ પ્લાન છે તે મારે જાણવું છે?”

આખી વાત સાંભળ્યા બાદ સુરેશે કહ્યુ “ કિશનભાઇ, હવે તમે બેફિકર રહો. તમને જોઇતી માહિતી બને તેટલી જલદી હુ તમને પહોંચાડીશ. માહિતી મળશે એટલે હું તમને ફોન કરીને જાણ કરીશ. અને હા હવે જ્યારે ફરી મળવા આવો ત્યારે આપણે સાથે જમીશુ. એટલે એ રીતે ટાઇમ લઇને જ આવજો. ”

ત્યારબાદ કિશન ત્યાંથી બહાર નીકળ્યો. કિશન પાસે હવે કોઇ કામ નહોતુ તેથી તેણે ચાલતા ચાલતા સુરતનુ સોંદર્ય જોવાનુ નક્કી કર્યુ અને સરદાર બ્રીજ પર ચાલવા લાગ્યો. સરદાર બ્રીજ પર પહોંચતાજ નીચે તાપી નદીના દર્શન થયા. નીચે તાપીનુ પાણી હોવાથી પવન ઠંડો આવતો હતો. આ આહલાદક વાતાવરણથી કિશન ખુશ થઇ ગયો. ત્યાજ થોડીવાર રોકાઇ તે તાપીની સુદરતાને જોતો રહ્યો . તાપી જાણે સુરતના એક એક કણમાં સમાયેલી હોય તેમ શહેરની મધ્યમાંથી પસાર થાય છે અને તે સુરતના બે ભાગ કરે છે. તાપી પર સુરતની મહાનગરપાલીકાએ પાંચ બ્રીજ બનાવેલા છે. અને એક કોઝવે જે નદીના પટમા બનાવેલો છે. કિશનને સુરતની આ સમૃદ્ધિ પાછળ તાપી મૈયાના આશિર્વાદ જ કારણભુત લાગતા હતા. કિશને વિચાર્યુ જો આવી એક જીવાદોરી સમાન નદી જો જુનાગઢમાંથી પસાર થતી હોત તો જુનાગઢ પણ સુરતની જેમ સમૃધ્ધ હોત.

ત્યારબાદ કિશન સરદાર બ્રીજ ઉતરી અઠવાગેટ સર્કલ પર પહોચ્યો અને ત્યાથી આગળ જતા “ગૌરસ રેસ્ટોરન્ટમાં” તે જમવા માટે ગયો. રેસ્ટોરન્ટમાં જઇ કિશને ગુજરાતી થાળીનો ઓર્ડર આપ્યો. જમવામાં ચાર જાતના શાક હતા. તેમા સુરતી ઉંધીયુ જોઇ કિશનના મોઢામાં પાણી આવી ગયું. એ સિવાય સ્વિટમાં ક્રિમ ફ્રુટ સલાડ, મગનો હલવો અને પુરણપોળી હતા. ફરસાણમાં સુરતી ખમણ, ઇદડા હતા આ સિવાય સલાડ અને ચટણી, દાળ અથવા કઢી. આમ આખી થાળી ભરાઇ ગઇ. કિશને તો માત્ર બધી વાનગી ચાખી ત્યાંજ તેનુ પેટ ફુલ થઇ ગયું. કિશને સુરતી ઉંધીયુ તો ચમચીથી બે વાટકી ખાઇ ગયો. કિશને વિચાર્યુ સુરતી જમણ પ્રખ્યાત છે એમા આ ઉંધીયાનો ખુબ મોટો ફાળો હશે. કિશન ત્યાંથી જમીને બહાર નીકળ્યો ત્યારે 12-30 વાગી ગયા હતા એટલે રીક્ષા કરી હોટેલ પર ગયો. કિશને રિસેપ્શન પર જઇ કહ્યુ “મારે સાંજે પાંચ વાગે એક બાઇક જોઇએ છે. ” રિસેપ્શનીસ્ટે કહ્યુ “ઓકે સર તમે પાંચ વાગે અહિથી ચાવી લઇ લેજો. ” ત્યારબાદ કિશન રૂમ પર ગયો અને નાઇટડ્રેસ પહેરી બેડ પર લાંબો પડ્યો અને ઇશિતાને કોલ કરી કહ્યુ “તુ જ્યારે ફ્રી થા ત્યારે મને કોલ કરજે હું તને ત્યાંથી લઇ જઇશ. ”

ઇશિતાએ કહ્યુ “હું લગભગ ચારેક વાગે સુરત પહોચીશ અને ત્યારબાદ અમને અઠવાલાઇન્સની પાસે અમારી સુરતની એન. જી. ઓનું ગેસ્ટ હાઉસ છે ત્યાં અમને ઉતારો આપ્યો છે. ત્યાં જઇશુ. અને પછી ફ્રેશ થશુ. એટલે છ વાગી જશે. ”

કિશને કહ્યુ” તુ જ્યારે પણ ફ્રી થાય ત્યારે મને કોલ કરજેને એટલે હું આવી જઇશ”

ત્યારબાદ કિશન ફોન મુકી બેડ પર લાંબો થયો. કિશન આજે લગભગ 10 મહિના પછી ઇશિતાને મળવાનો હોવાથી ખુબજ એક્સાઇટેડ હતો. આંખો બંધ કરતાજ કિશનની આંખ સામે ઇશિતા છવાઇ ગઇ. કિશનને પહેલેથીજ એકદમ ગોરી છોકરી પસંદ નહોતી. ઇશિતાનો રંગ ઘઉવર્ણો હતો. એકદમ બ્રાઉન આંખ, કાળા અને લાંબા વાળ અણીદાર નાક અને હશે ત્યારે ગાલમાં ખંજન પડે. વાળની એક લટ આગળ હોય જે તે વારેવારે હાથથી કાન પાછળ નાંખ્યા કરે. પાતળુ નહી પણ ભર્યુ ભર્યુ શરીર. ઇશિતાની આ બધીજ લાક્ષણિકતાઓ એવી હતી કે જાણે કિશને ભગવાનને ઓર્ડર આપી ઇશિતાને બનાવડાવિ હોય. આ કિશન ઘણીવાર એક ગીત દ્વારા ઇશિતાને કહેતો કે “તુમ્હે ઝમી પર બુલાયા ગયા હે મેરે લીયે” અને ઇશિતા હસી પડતી. કિશનને ક્યારેક એવુ પણ થતુ કે જેના પર આખી કોલેજ ફીદા હતી તેણે મને કેમ પસંદ કર્યો? કિશને ઘણી વાર ઇશિતાને આ સવાલ કરતો, તો ઇશિતા હસીને કહેતી “તુ પણ એટલો જ છોકરીઓમાં લોકપ્રિય હતો. આ તો મે પહેલેથીજ તને રિઝર્વ કરી લીધેલો એટલે કોઇ તને પુછવાની હિંમત નહોતુ કરતુ,

કિશન હંમેશા ઇશિતા જેવી સુંદર છોકરીનો સાથ આપવા બદલ ભગવાનનો આભાર માનતો. જોકે કિશન ઇશિતાના માત્ર બાહ્ય સૌંદર્યથીજ આકર્ષાયો નહોતો તેને ઇશિતાની આંતરીક સોંદર્ય જ વધારે આકર્ષી ગયુ હતુ. ઇશિતા એમ. એલ. એ ની છોકરી હતી છતા તેનામાં કોઇ પણ જાતનુ અભિમાન કે છીછરાપણુ નહોતુ. તે એકદમજ લો પ્રોફાઇલ રહેતી. અને જ્યાં સુધી બને ત્યાં સુધી તેના પપ્પા એમ. એલ. એ છે તેનો ઉલ્લેખજ કરતી નહી. આ વાત જ કિશનના દિલને સ્પર્શી ગઇ હતી.

આમને આમ ભુતકાળમાં ઇશિતા સાથે ગાળેલ મિઠ્ઠી પળો ને યાદો કરતો કરતો કિશન કયારે ઉંઘી ગયો તેને ખબરજ ના પડી.

ક્ર્મશ:

હવે કિશને કોની સાથે ફોન પર વાત કરી હતી? કિશને ગણેશને કોનો પીછો કરવાનું કામ સોંપ્યુ હતુ? શું શિખર કંઇ છુપાવતો હશે ? શિતલે શિખર પર લગાવેલો આરોપ સાચો હશે? કોણે કિશનની મમ્મીનું બીલ ચુકવી દીધુ? કિશન અને ઇશિતાની વાત કોણે રેકોર્ડ કરી હતી? હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાય છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર. મિત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160

Mail id – hirenami. jnd@gmail. com