Saraswatichandra - 4.4 - 11 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 11

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 11

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૪

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૧ : પુત્રી

‘મારી માવડી ! શાને તું આમ

આંસુડાં ઢાળે રે ?’

એક તંબુમાં માનચતુર, ગુણસુંદરી, સુંદર અને ચંદ્રાવલીની વાતો ચાલી. બીજામાં બે બહેનોની ચાલ. એક ઠેકાણે ચંદ્રાવલી જ બોલતી હતી. બીજામાં કુમુદ જ બોલતી હતી. દસ વાગ્યા, અગિયાર વાગ્યા, બાર વાગ્યા ને ભોજનની વેળા થઈ. ચંદ્રાવલીએ ગુણસુંદરીને બુદ્ધિધનના ઘરના કાળથી માંડી આજની સવાર સુધીની કુમુદની કથા કહી દીધી ને ગુણસુંદરી ભૂતકાળનો શોક છોડી શાંત થઈ, પુત્રી નીતિથી ભ્રષ્ટ નથી થઈ જાણી નિવૃત્તિ પામી, અને માત્ર ભવિષ્યના વિચારમાં પડી. એ વિચાર ભોજન પછી કરવાનો ધાર્યો.

કુમુદ પોતાની વાત અર્ધી પણ પૂરી કરી શકી નહીં અને પોતાને થયેલાં સ્વપ્નનો ઇતિહાસ સરસ્વતીચંદ્રે લખેલો આણ્યો હતો તે બહેનને બતાવવાનો તો બધો યે બાકી રહ્યો. ભોજનવેળા થઈ ને તેડું આવ્યું.

ત્યારે કુસુમે કહાવ્યું : ‘તમે બધાં ત્યાં જમી લ્યો અને અમારે માટે જોડેની રાવઠીમાં બે થાળીઓ ભરીને મૂકો.’ સુંદર તંબુ બહાર તેડવા આવી ઊભી - કુમુમ બહાર જઈ બોલીઃ ‘બહેનને હજી પોતાનું મોં બતાવવાનો અધિકાર મળ્યો નથી. કાકી, અમારી થાળીઓ મોકલો. તે જમવું હશે તો જમીશું ને નહીં જમવું હોય તો જે જમનાર સુંદરગિરિ ઉપર અભ્યાગત ઘણા બોલાવીએ એમ છે. બહેન વટલી તો કુસુમ પણ વટલે - બહેન મોઈ જાણી તો કુસુમને પણ એવી જ જાણજો ! કાકી મારું હવે ત્યાં કામ નથી.’

સુંદરગૌરી : ‘હું તમને બેને બોલાવાને આવી છું.’

કુસુમસુંદરી : ‘કામ વગર બોલાવો તે નકામું ને અધિકાર વિના આવીએ તે ખોટું.’

સુંદરગૌરી : ‘બોલાવીએ તે અધિકાર ને જમવાનું એ કામ.’

કુસુુમસુંદરી : ‘મન વગરનું માન ને નામ વગરનો પરોણો એ દૂરથી જ નમસ્કાર કરવા જેવાં છે.’

સુંદરગૌરી : ‘તું નહીં માને. મારી કુમુદ માનશે - મને માંહ્ય આવવા દે.’

કુસુુમસુંદરી : ‘અમે બે જણ જઈએ ત્યારે આવજો. હવે કુમુદબહેનને મારી કહેવાનું ખાલી સવાસલું નહીં જોઈએ.’

સુંદર કુસુમને હડસેલી નાખી તંબુમાં ગઈ. કુમુદ ઊઠી સામી આવી. કાકીભત્રીજી ભેટી પડ્યાં ને રોઈ પડ્યાં ને સુંદરે કુમુદને છાતીસરસી દાબી દીધી. બે છૂટાં પડ્યાં ને એક કોચ ઉપર બેઠાં. કાકી સામી આંખો કાઢતી કુસુમ એક પાસ સામી ઊભી. થોડી વાર ત્રણમાંથી કોઈ બોલ્યું નહીં. અંતે સુંદર બોલી : ‘કુમુદ ! અમે તને બહુ દુઃખી કરી, ખરું?’

કુુમુદસુંદરી : ‘ના, કાકી. હું હવે સાધુસંગતિમાં પરમ સુખી છું, પણ મોઈ જાણેલી દીકરીને જીવતી જાણી સૌને જે ક્લેશ થયો તેનું હું કારણ થઈ પડી.’

સુંદરગૌરી : ‘બેટા, હવે એ ગઈગુજરી જવા દે. ચંદ્રાવલીએ ભાભીજીના હૃદયમાં અર્ધું અમૃત રેડ્યું છે ને બાકીનું રેડવું એ તમે બે બહેનોના હાથમાં છે. તમારા વિના કોઈ જમે એમ નથી - કહે તો તારી ગુણિયલને પોતાને મોકલું, ને ગમે તો તે બોલાવે છે માટે મારી જોડે ચાલ.’

કુમુદસુંદરી : ‘કાકી, હું સાધુઓ ભેગી જમી છું ને મારી હયાતી પ્રકટ કરવાથી સૌને સુખ છે કે દુઃખ તે જોવાનું બાકી છે.’

સુંદરગૌરી : ‘તે સૌનું થઈ રહેશે. હમણાં તો તું ચાલ. નક્કી તું કુસુમ જેવી કઠણ નથી.’

બે જણ ગયાં. ગુણસુંદરી એની વાટ જોઈ ઊભી હતી. કુમુદ પાસે ગઈ ને માતાને ચરણે માથું મૂકી એને પગે પડી, પણ બોલાયું નહીં.

હાથવેંત એને ઉઠાડતી ઉઠાડતી ગુણસુંદરી બોલી : ‘ઊઠ, કુમુદ ! ઘેલાં ન કાઢ. જેને માથે પુરુષો, અને તેમાં પણ વડીલ જેવા વૃદ્ધો, છત્રની પેઠે વરસાદ અને તડકામાંથી રક્ષણ કરનાર છે તેવી સ્ત્રીઓએ પોતાનાં બાળકની પણ ચિંતા કરવી અયોગ્ય છે. તારે ને મારે બેને પગે લાગવાનું સ્થાન વડીલ છે માટે તેને પગે લાગ.’

કુમુદ ઊઠ્યા વિના રોતે થડકાયેલે સ્વરે બોલી : ‘તેમને તો પ્રથમથી જ પગે લાગી ચૂકી છું.’

ગુણસુંદરી : ‘તેમને પગે લાગી તો મને હજાર વાર તું પગે લાગી. હવે તો મારે તેમને પગે લાગવાનું બાકી રહ્યું છે કે મારે માથે એમના જેવું છત્ર છતાં મારું હૃદય હાથમાં ન રહ્યું. ગમે તેટલું પણ હું યે સ્ત્રી તે સ્ત્રી જ.’

માનચતુર પાસે આવી કુમુદને ઉઠાડવા લાગ્યો : ‘કુમુદ ! બેટા, હવે ઊઠ - હવે તો જેટલી વધારે વાર તું પગે પડી રહીશ એટલી ગુણિયલંને શિક્ષા થાય છે.’

કુમુદ તરત ઊઠી ને રોતી રોતી નીચું જોઈ સામી ઊભી રહી. એની આંખોમાં અને ગાલો ઉપર આંસુ છલકાઈ રહ્યાં હતાં.

માનચતુર : ‘કુમુદ ! ચંદ્રાવલીએ તારા દુઃખની જે વાત કરી છે ને તારા સદ્‌ગુણની જે વાત કરી છે તે પછી મારે કે ગુણસુંદરીએ તને કાંઈ કહેવાનું રહ્યું નથી. હવે થઈ ગયું ભૂલી, કરવાનું શું તે જ વિચારવાનું છે. માટે આપણે જમી લઈએ તે પછી તારે જે કહેવું હોય તે કુસુમને કહી દેજે ને ચંદ્રાવલી પણ અહીં જ ભોજન લેશે. તેમણે જ અમને તને જિવાડીને સોંપી છે તો તારી ચિંતા કરવામાં તેમને પૂછ્યા વિના ડગલું નહીં ભરીએ. સુંદર ! ત્યારસોરાં સંભારજો કે ચંદ્રકાંતને પણ બોલાવીએ ને આપણા વિચારમાં એમને ય ભેળવીએ.