21 mi sadi nu ver - 23 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | 21મી સદીનું વેર - 23

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

21મી સદીનું વેર - 23

21મી સદીનું વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

કિશન તેની મમ્મીને મળી હોસ્પિટલના ગેટ તરફ જતો હતો ત્યાં તેને યાદ આવ્યુ કે બીલ કાઉન્ટર પર પૈસા જમા કરાવવાના છે. કિશન જ્યારે પણ આવતો ત્યારે એડવાન્સ પૈસા જમા કરાવી જતો. હમણા 20 દિવસથી આવ્યો નહોતો તેથી અમુક બિલના પૈસા ચુકવાના બાકી હતા. અને એડવાન્સ પણ જમા કરાવવાના હતા. તેથી તે કેસ કાઉન્ટર તરફ ગયો. ત્યાં પહોંચી કિશનને કલાર્કને કહ્યુ મારી મમ્મી શ્રીમતી જશોદાબેન પંડ્યાના એકાઉન્ટમાં પૈસા જમા કરાવવાના છે. ક્લાર્કે કોમ્પ્યુટરમા ચેક કરી કહ્યુ કે જશોદાબેન પંડ્યાના એકાઉન્ટમાં તો એડવાન્સ જમા થઇ ગયેલ છે. આ સાંભળી કિશન સ્તબ્ધ થઇ ગયો. હજુ તો દશ દિવસ પહેલા હોસ્પિટલમાંથી કોલ આવ્યો હતો કે તમારા એડવાન્સ પૈસા પુરા થઇ ગયા છે અને અમુક બિલનુ પેમેન્ટ પણ બાકી છે તો આવીને જમા કરાવી જજો તો પછી પૈસા કોણ જમા કરાવી ગયુ. કિશને ક્લાર્કને કહ્યુ સર જશોદાબેન કૃષ્ણકાંત પંડ્યા વોર્ડ નંબર 1 બેડ નંબર-21 નુ એકાઉન્ટ ફરીથી ચેક કરોને. આ સાંભળી ક્લાર્કે ફરીથી કોમ્પ્યુટરમાં ચેક કરી કહ્યુ હા સર તેનાજ એકાઉન્ટમાં એડવાન્સ 25000 જમા છે. આ સાંભળી કિશન વિચારમાં પડી ગયો કે કોણ હોય શકે? જે મને ખબર ના પડે તે રીતે પૈસા જમા કરાવી ગયુ. કિશને કલાર્કને પુછ્યુ આ પૈસા કોણ જમા કરાવી ગયુ છે તે કહી શકશો? આ સાંભળી ક્લાર્કે કહ્યુ કે અહી તો ઘણા લોકો પૈસા જમા કરાવવા આવે છે. તેમા કોણ, કોના પૈસા જમા કરાવી ગયું તે તો કેમ યાદ રહે? અને પૈસા જમા કરવતી વખતે એવી કોઇ વિગત માંગવાની પણ મનાઇ છે.

કિશને કહ્યુ કે ક્યારે જમા થયા તે કહી શકશો?

ક્લાર્કે ફરીથી કોમ્પ્યુટરમાં ચેક કર્યુ અને કહ્યુ કે એક અઠવાડીયા પહેલા જમા થયેલા છે.

કિશને વિચાર્યુ કે હોસ્પિટલમાંથી મારા પર ફોન આવ્યો પછી બે ત્રણ દિવસમાંજ કોઇ આવી પૈસા જમા કરાવી ગયુ. કિશને વિચાર્યુ કે કદાચ મમ્મીને ખબર હોય કે કોણ પૈસા જમા કરાવી ગયુ છે? તેથી તે ત્યાંથી નીકળી ફરીથી વોર્ડનંબર 1 તરફ ગયો અને તેની મમ્મીના બેડ પાસે ગયો તો નર્સે કહ્યુ કે હવે મળવાનો સમય પુરો થઇ ગયો છે.

કિશને નર્સને કહ્યુ સિસ્ટર બેજ મિનીટ વાત કરવી છે.

આ સાંભળી નર્સે કહ્યુ પણ બેજ મિનીટ હો નહીતર પછી ડોક્ટર વિઝિટમાં આવી જશે તો મને ખીજાશે. ત્યાર બાદ કિશને તેની મમ્મીને આખી વાત કરી અને કોઇ તેની જાણ વગર પૈસા જમા કરાવી ગયુ છે તે વાત કરી અને પુછ્યુ કે તને ખબર છે કે કોણ પૈસા જમા કરાવી ગયું? પણ તેની મમ્મીએ તો કંઇજ જવાબ ના આપ્યો અને આગળની જેમજ છત તરફ તાકીને જોતી રહી. આ જોઇને કિશનને ખુબજ ગુસ્સો આવ્યો પણ તેણે કંઇ કહ્યુ નહી અને વોર્ડની બહાર જતો રહ્યો. કિશન બહાર નીકળ્યો ત્યાં નર્સ તેને મળી.

કિશને નર્સને કહ્યુ સિસ્ટર અઠવાડીયા પહેલા મમ્મીને કોઇ અજાણ્યુ મળવા આવેલુ? આ સાંભળીને નર્સે કહ્યુ ના મે તો નથી જોયું. પણ ગયા શનિવારે હું રજા પર હતી તેથી ત્યારે કોઇ આવ્યુ હોય તો ખબર નથી.

નર્સે પુછ્યુ કેમ શુ થયુ? ત્યારબાદ કિશને તેને બધી વાત કરી તો નર્સે કહ્યુ કયારેક કોઇ સેવાભાવી માણસો હોસ્પીટલને ડોનેશન આપી જાય છે તેવા કોઇએ તમારૂ બીલ ભર્યુ હોય તેવુ બની શકે. કિશને નર્સને થેંક્યુ કહ્યુ અને ત્યાંથી નીકળી ગયો.

હોસ્પિટલથી નીકળી કિશન ગેસ્ટહાઉસ પર આવ્યો અને બેડ પર લાંબો થઇને વિચારવા લાગ્યો કોણ હોઇ શકે? જે મને પુછ્યા વગર આટલી મોટી રકમ જમા કરાવી જાય. કિશનને લાગ્યુ મમ્મી બધુજ જાણે છે પણ મારાથી છુપાવે છે. અને મારા કોઇ પ્રશ્નોનો જવાબ ન આપવો પડે એટલેજ તે બોલતી બંધ થઇ ગઇ છે. કિશને નર્સની વાત પર વિચાર કર્યો તો તેને લાગ્યુ કે કોઇ હોસ્પીટલમાં ડોનેસન આપે તે તો બરાબર છે પણ મારુ બિલ કોઇ શુ કામ ભરી આપે. તેથી નર્સની વાત તેને ગળે ના ઉતરી. તે અચાનક ઉભો થયો તેની બેગ પેક કરી રૂમને લોક કરી અને રીશેપ્શન પર ગયો અને બિલ ચુકવી જુનાગઢ જવા નિકળી ગયો. તે આમતો આજે જામનગર રોકાવાનો હતો પણ તેની મમ્મીના વર્તનથી તેને ખુબ ગુસ્સો આવ્યો હતો. તેથી તે હવે ત્યાં રોકાવા માગતો ન હતો. તેણે ગેસ્ટહાઉસની બહાર નીકળી રીક્ષા કરી મહાસાગર ટ્રાવેલ્સની ઓફીસ ગયો અને ત્યાંથી જુનાગઢની બસમાં બેસી ગયો. જુનાગઢ ઉતરી ને સીધોજ રૂમ પર ગયો. રસ્તે હોટલ પર વોલ્ટ થયો ત્યારે કિશને નાસ્તો કરી લીધો હોવાથી તે રૂમ પર જઇ ઉંઘી ગયો.

સવારે તે આરામ થી 9 વાગે ઉઠ્યો અને તૈયાર થઇ ઓફીસ જવા નીકળ્યો. તેણે રસ્તામાંથી નેહાને ફોન કરી ચાવી લઇ ઓફીસ પર આવી જવા કહ્યુ. કિશન ઓફીસ પહોચ્યો ત્યાં નેહા ઓફીસ ખોલી અને અંદર સાફ સફાઇ કરતી હતી. કિશને ઓફીસ પહોંચી પહેલા ઓફીસમાં રાખેલ તેના મમ્મી પપ્પાના ફોટાને પગે લાગ્યો. આ તેનો રોજનો નિત્યક્ર્મ હતો. તે પછી તેણે દીવાબતી કર્યા અને પછી પોતાની ખુરશી પર બેઠો. કિશને નેહાને કહ્યુ હવે તું જા હુ કામ પતાવીને પછી નીકળી જઇશ. આ સાંભળી નેહાએ કહ્યુ હું ઘરે મમ્મીને કહીને આવી છું કે કંઇ કામ હશે તો થોડીવાર લાગશે. તમારે કંઇ કામ હોય તો કહો હું કરી આપુ પછી ઘરે જઇશ.

આ સાંભળી કિશને હસતા હસતા કહ્યુ નેહા મને ખબર છે તને એક રવિવારેજ ઘરે મમ્મી સાથે રહેવા મળે છે. એટલે હું તને રોકુ તે બરાબર ન કહેવાય. અને મને વિશ્વાસ છે કે મારે કામ પડે તો તું અડધી રાતે પણ ઓફીસ પર આવી જશે.

આ સાંભળી નેહાને કિશન પર માન થઇ ગયું આજના જમાનામાં બોસ કેટલી કેટલી રીતે હેરાન કરતા હોય છે તેના બદલે કિશન તેનો કેટલો ખ્યાલ રાખે છે.

ત્યાર બાદ નેહા જતી રહી અને કિશન કામ કરવા લાગ્યો. થોડીવાર બાદ તેણે ઇશિતાને કોલ કર્યો પણ ઇશિતા એ કોલ રિસિવ ન કરતા તે ફરીથી કામ કરવા લાગ્યો. ત્યાં મોબાઇલમાં તેનુ ફેવરીટ સોન્ગ વાગ્યુ જે તેણે ઇશિતા માટે રીંગટોનમાં સેટ કરેલુ હતુ. કિશને કોલ રિસિવ કરી તરતજ કહ્યુ શું મેડમ અત્યાર સુધી ઉંઘતા હતા?

આ સાંભળી ઇશિતાએ કહ્યુ ના તૈયાર થતા હતા.

કિશને કહ્યુ, રવિવારે તૈયાર થઇને મેડમ કોની સાથે ડેટ પર જવાના છે?

આ સાંભળીને ઇશિતાએ હસતા હસતા કહ્યુ હા, હવે એક બોયફ્રેન્ડ છે જે કદી મળવા આવતો નથી તો વિચારુ છુ કે બદલી નાખુ.

કિશને હસતા હસતા કહ્યુ બિચારો તારો બોયફ્રેંન્ડતો તને એકદમ સિધી છોકરી માને છે અને તુ આવુ કરે છે.

ઇશિતાએ કહ્યુ બોયફ્રેન્ડ કંઇ સીધો નથી. તેને તેની આટલી સરસ ગર્લફ્રેન્ડ ની કંઇ પડીજ નથી.

આ સાંભળી કિશને કહ્યુ, અરે બિચારો તારો બોયફ્રેન્ડતો રોજ સવાર સાંજ તારા ફોટાની આરતી ઉતારે છે.

આ સાંભળી ઇશિતા ખડખડાટ હસી પડી અને બોલી.

એલા,ક્યાંક મારા ફોટાને હાર તો પહેરાવી નથી દીધોને?

આ સાંભળી કિશન બોલ્યો, ના તારા ફોટાને તો હાર નથી પહેરાવ્યો પણ જો તું માને તો મંદિરમાં જઇ તને હાર પહેરાવવાની મારી બહુજ તીવ્ર ઇચ્છા છે.

ઇશિતા થોડી શરમાઇ ગઇ. તે થોડુ રોકાઇને બોલી એ માટે તો તારે એમ. એલ. એ મૌલીકભાઇ પટેલ સાથે વાત કરવી પડશે.

આ સાંભળી કિશને હસતા હસતા કહ્યુ અરે બાપરે, ખાલી હાર પહેરાવવા માટે એમ. એલ. એ સાથે વાત કરવાની. તો તો પછી સુહાગરાત મનાવવા માટે તો મારે પ્રાઇમ મિનીસ્ટર સાથેજ વાત કરવી પડેને?

આ સાંભળી ઇશિતા ખડખડાટ હસી પડી અને બોલી કિશન, તુ એકદમ નફ્ફટ થઇ ગયો છો હો.

ત્યારબાદ કિશને તે જામનગર ગયો હતો તે અને ત્યાં બનેલી બધીજ વાત ઇશિતાને કરી.

આ સાંભળી ઇશિતા પહેલા તો ચુપ થઇ ગઇ. થોડીવાર રહીને તે બોલી કિશન તું ધીરજ રાખ મમ્મી તારાથી છુપાવે છે તેની પાછળ જરૂર કોઇક કારણ હશે. સમય આવ્યે તે જરૂર સામેથી બતાવશે.

આ સાંભળી કિશન બોલ્યો લે હવે તું પણ મમ્મીનો પક્ષ લે છે.

ઇશિતાએ કહ્યુ હા કારણકે હું પણ એક સ્ત્રી છું અને હુ તેમની પરિસ્થિતી સારી રીતે સમજુ છુ. પણ એ તું હમણા નહી સમજી શકે. થોડી શાંતિ રાખ સમય આવ્યે તને જરૂર કહેશે.

કિશને કહ્યુ સારૂ તું કહે છે તો મને કંઇ ઉતાવળ નથી. અને આમ પણ રાહ જોવા સિવાય મારાથી થઇ પણ શું શકે એમ છે.

ઇશિતાએ વાતાવરણ હળવું કરવા કહ્યુ કે આમા તો મને નુકશાન છે કે ક્યાંક કોઇ તારા પર ફીદા થઇ ગયુ હોય તો મારૂ પત્તુ કપાય જાય. કિશન તારા શુભેચ્છકો વધતા જાય છે. તે દિવસે એકે ફોન કરેલો અને આજે બીજીએ બિલ ચુકવી આપ્યુ. શુ વાત છે કિશન પંડ્યા ક્યાંક મારૂ પત્તુ કાપવાનો તો ઇરાદો નથીને ?

હવે કિશનની રહી સહી ઉદાસી પણ જતી રહી અને તે ખટખડાટ હસી પડ્યો. અને બોલ્યો જો વાત આડે પાટે નહી ચડાવ અને તું તૈયાર થઇ ને ક્યાં જતી હતી તે તો ના કહ્યુ. મને તો એવુ લાગે છે કે તું જ મારૂ પત્તુ કાપી નાખીશ. અને તારા જેવી હોટ અને બ્યુટીફુલ છોકરી પર તો કોઇ પણ ફીદા થઇ જાય.

ઇશિતા એ કહ્યુ એય બહુ મસ્કા ન માર. અને કિશન એક સાચી વાત કહુ કોઇ પણ છોકરો મને મળે તો મારાથી તેની તારી સાથે સરખામણી અજાણતાજ થઇ જાય છે પણ મને ગર્વ છે કે હજુ સુધી તારી સરખામણીમાં કોઇ ટકી શકે એમ નથી.

આ સાંભળી કિશને કહ્યુ એતો તું મને પ્રેમ કરે છે એટલે એવુ લાગે બાકી હું કંઇ પુર્ણ પુરૂષોત્તમ ભગવાન ક્રિષ્ન નથી. અને જો ઇશિતા તું ત્યાં બધાથી અતળી અતળી ન રહેતી મિત્રો બનાવજે. અને બધાજ પુરૂષો કંઇ ખરાબ નથી હોતા. સારા મિત્રો બનાવજે. મને તારા પર પુરો વિશ્વાસ છે.

આ સાંભળી ઇશિતાએ કહ્યુ કિશન તુ મારી નસ નસમાં છવાઇ ગયેલો છે. એટલે હવે મારામા કોઇ માટે જગ્યા જ ક્યાં રહી છે?

થોડીવાર બન્ને કંઇ બોલ્યા નહી. થોડી વાર ફોન પર શાંતિ છવાઇ ગઇ બન્ને કંઇ બોલવા નહોતા માંગતા કેમકે બન્ને ને ડર હતો ક્યાંક તેનાથી રડાઇ જશે.

થોડીવાર બાદ ઇશિતાએ જ શરૂઆત કરી હા કિશન એક ખુશ ખબર આપવા માટે જ તને ફોન કરેલો પણ તે મને આડાપાટે ચઢાવી દીધી.

આ સાંભળી કિશન બોલ્યો મારા માટેતો એક જ ખુશ ખબર હોઇ શકે કે તુ અહી આવતી હોય.

ઇશિતાએ કહ્યુ હું ત્યાં તો નહી આવી શકુ પણ અમારે સુરતના કોઇ એન. જી. ઓ સાથે એક ઇવેન્ટ કરવાની છે અને તેથી દશ દિવસ પછી અમે સુરત એક અઠવાડીયુ રોકાવાના છીએ. તો તું મને સુરત મળવા આવીશને?

આ સાંભળી કિશન તો ખુશ થઇ ગયો અને બોલ્યો અરે એ કંઇ પુછવાની વાત છે. આ તો તેજ મને ના પાડી હતી બાકી હું તો બેંગ્લોર પણ આવી ગયો હોત.

ઇશિતાએ કહ્યુ તું બેગ્લોર આવીને જતો રહે પછી મને તારા વગર બેગ્લોરમાં રહેવુ અઘરુ પડી જાય એ માટેજ મે તને ના પાડી હતી. પણ તુ સુરત આવજે.

ત્યાર બાદ ઇશિતાએ કહ્યુ ચાલ હવે હુ ફોન મુકુ છુ. કિશને કહ્યુ ચાલ બાય. અને ફોન મુકી દીધો.

કિશને ફોન મુક્યા બાદ થોડી વાર બેઠો અને ત્યાર બાદ નીકળવાની તૈયારીજ કરતો હતો ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી કિશને ફોન રિસિવ કર્યો તો સામે નેહા હતી તેણે કહ્યુ કિશનભાઇ તમે કયાં છો?

કિશને કહ્યુ ઓફીસે જ છુ અને હવે નીકળવાની તૈયારી કરૂ છુ, કેમ કંઇ કામ હતુ?

નેહા એ કહ્યુ હા, તમે જતા નહી હું હમણા આવુ છુ.

ત્યાર બાદ ફોન કટ કરી નાખ્યો

કિશને વિચાર્યુ હમણા તો નેહા અહીથી ગઇ છે એટલીવારમાં શુ કામ પડ્યુ હશે?

થોડીવાર બાદ નેહા અને તેનો ભાઇ આવ્યા. નેહાના હાથમા મોટી બેગ હતી તે તેણે બાજુના ટેબલ પર મુકી.

કિશને કહ્યુ બોલ શુ કામ હતુ?

નેહાએ બેગમાંથી ટીફીન કાઢ્યુ અને બોલી તમારા માટે જમવાનું લાવી છુ.

આ જોઇ કિશન બોલ્યો અરે,નેહા આવી તકલીફ શુ કામ લીધી? હું હમણા જમવા જતોજ હતો.

નેહાએ કહ્યુ એમા કંઇ તકલીફ જેવુ નથી અને આ તો મારા મમ્મીએ તમારા માટે મોકલ્યુ છે.

ત્યારબાદ નેહા એ કિશનના ટેબલ પરની ફાઇલ વ્યવસ્થિત જગ્યા પર મુકી અને ટેબલ પર ન્યુઝપેપર પાથર્યુ અને ટીફીન ખોલ્યુ.

કિશને જોયુ તો જમવામાં પુરણ પોળી દાળ ભાત શાક અને રાયતુ હતુ. આ જોઇ કિશન બોલ્યો અરે પુરણપોળી તો મારી ફેવરીટ સ્વિટ છે.

નેહાએ કહ્યુ મને ખબર છે કે તમને પુરણપોળી બહુજ ભાવે છે તેથી મે જ માને બનાવવાનું કહ્યુ હતુ.

આ સાંભળી કિશને કહ્યુ તને કેમ ખબર કે મને પુરણપોળી બહુજ ભાવે છે?

આ સાંભળી નેહાના મો પર એક સ્મિત આવી ગયુ અને તે બોલી એ તો સિક્રેટ છે.

કિશને કહ્યુ હમણા તો મારી સામે બધે સિક્રેટ જ આવે છે.

કિશનને ભુખ લાગી હતી અને સામે પુરણપોળી પડી હતી તેથી તેણે વધુ કંઇ પુછ્યા વગર ખાવાની શરૂઆત કરી. કિશનને ઘણા સમયે ઘરનું જમવાનુ મળ્યુ હતુ. કિશનતો જમવા પર ટુટી પડ્યો.

જમતા જમતા કિશનની આંખમાં આંસુ આવી ગયા. તે જોઇ નેહા બોલી કેમ શુ થયુ? કંઇ તિખુ લાગ્યું? નેહાએ કિશનને પાણીનો ગ્લાસ આપ્યો.

કિશને ના પડતા કહ્યુ કંઇ તિખુ નથી બધીજ વાનગી ખુબજ સરસ છે આતો પુરણપોળી ખાતા ખાતા મમ્મી અને પપ્પાની યાદ આવી ગઇ. મારી અને પપ્પાની બન્નેની પુરણપોળી ફેવરીટ હતી. અને બન્ને ને મમ્મી પુછે કે જમવાનું શુ બનાવુ એટલે હું અને પપ્પા એક બીજા સામુ જોઇ અને હસી પડીએ એટલે મમ્મી તરતજ કહે કે પુરણપોળી તો બનાવવાની જ નથી. અને અમે બન્ને પાછા જોરથી હસી પડીએ કેમકે અમને ખબર જ હોય કે બપોરે અમારી થાળીમાં પુરણપોળી હશેજ.

આ કહેતા કહેતા કિશન એકદમ લાગણીશીલ થઇ ગયો.

કિશને નેહા ને કહ્યુ તુ નસીબદાર છે કે તને મમ્મીની હાથની રસોઇ જમવા મળે છે.

ત્યાર બાદ કિશને જમી લીધુ એટલે નેહાએ ટીફીન ભેગુ કરી બેગમાં મુકી દીધુ અને ટેબલ સાફ કરી નાખ્યુ.

કિશને નેહાને કહ્યુ નેહા મારા તરફથી તારા મમ્મીને થેંક્યુ કહી દેજે. અને હા, તારો પણ આભાર કે તે મને મારી ફેવરીટ ડીશ ખવડાવી. ભલે તે કહ્યુ નહી કે તને કોણે કહ્યુ.

આ સાંભળી નેહાએ હસતા હસતા કહ્યુ તમે અમારા માટે કેટલુ કરો છો તેની સામે આ તો કંઇ ના કહેવાય.

ત્યારબાદ નેહા જતી રહી અને કિશન પણ ઓફીસ બંધ કરીને રૂમ પર ગયો.

બીજા દિવસે કોર્ટ પરથી આવી કિશન તેની ઓફીસમાં બેઠો હતો. ત્યાં શિખર આવ્યો તેને જોઇને કિશન ઉભો થઇ ગયો અને તેની સાથે હાથ મિલાવ્યા. કિશને શિખરને બેસવાનુ કહ્યુ અને પુછ્યુ કે શું લેશો ચા કે કોફી?

શિખરે કહ્યુ કંઇ જરૂર નથી.

કિશને કહ્યુ અરે એમ ચાલતુ હશે તમે પહેલી વાર મારી ઓફીસ પર આવ્યા છો કંઇક તો લેવુ જ પડશે.

શિખરે કહ્યુ ચા ચાલશે. એટલે કિશને ફોન કરી બે સ્પેશિયલ ચાનો ઓર્ડર આપ્યો.

ત્યાર બાદ બન્ને એ થોડી ઔપચારીક વાતો કરી અને કિશને તેના બિઝનેશ વિશે પુછ્યુ તો શિખરે કહ્યુ અમે કંન્સ્ટ્રંક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનુ કામ કરીએ છીએ. અને અમારી સાઇટ ગુજરાતના 15 મોટા શહેરોમાં ચાલે છે અને આ બધાજ સીટીમાં અમારી ઓફીસ પણ છે. તે લોકો વાતો કરતા હતા ત્યાં ચા આવી ગઇ એટલે બન્ને એ ચા પીધી.

કિશને નેહા ને શિખર જાય પછી જ આવવાનું કહ્યુ હતુ જેથી શિખરને પોતાની વાત કરતા સંકોચ ન થાય અને તે બધીજ વાત કરે.

આમ પણ કિશનની એ ખાસીયત હતી કે તે તેના અસીલ સાથે શરૂઆતમાં એકદમ હળવી વાત કરીને તેનો વિશ્વાસ જીતી લે. તેથી અસીલને સંકોચ ન થાય અને તે બધીજ વાત કંઇ પણ છુપાવ્યા વગર કરે.

ચા પીધા બાદ કિશને વાતની શરૂઆત કરતા કહ્યુ જુઓ હવે તમે મને તમારી વાત કરો અને હા બધીજ વાત વિગતે કરજો. નાનામાનાની વાત પણ યાદ કરીને કહેજો કેમકે કયારેક નાની વાતજ કેસ જીતી આપતી હોય છે. અને તમે જે પણ વાત કહેશોતે હું આ મારા ટેપરેકોર્ડરમાં રેકોર્ડ કરૂ છુ જેથી હુ તે ગમે ત્યારે સાંભળી શકુ. અને હા મને તમારા પર ભરોશો છે પણ તમે જે પણ હોય તે સાચુ કહેજો જેથી હું તમારો કેસ પુરા આત્મવિશ્વાસથી લડી શકુ. આમ કહી કિશને ટેપરેકોર્ડરની સ્વીચ દબાવી દીધી અને શિખરે તેની વાત કહેવાની શરૂઆત કરી.

ક્ર્મશ:-

શું હશે શિખરની સ્ટોરી? કિશન કેસમાં શુ કરશે? કોણે કિશનની મમ્મીનું બીલ ચુકવી દીધુ? કિશન અને ઇશિતાની વાત કોણે રેકોર્ડ કરી હતી? હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાય છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર . મિત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ

whatsapp no-9426429160

Mail id – hirenami. jnd@gmail. com