Pin code - 101 - 98 in Gujarati Fiction Stories by Aashu Patel books and stories PDF | પિન કોડ - 101 - 98

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પિન કોડ - 101 - 98

પિન કોડ - 101

પ્રકરણ-98

આશુ પટેલ

આપણે પોલીસને આડા પાટે ચડાવવાની છે. ‘એ બન્ને ભલે ભાગી છૂટ્યા, પણ એ બન્નેના ભાગવાનો ફાયદો આપણે ઉઠાવવાનો છે.’ ઈશ્તિયાક પેલા વૈજ્ઞાનિકને કહી રહ્યો હતો.
આ દરમિયાન કાણિયા મનોમન અલ્લાહને ગુજારિશ કરી રહ્યો હતો કે પેલો અધિકારી ઝડપથી સાહિલ અને મોહિનીના મોઢા કાયમ માટે બંધ કરી દે! ગાળો અને મારામારીના અવાજો સાંભળીને તેને આશા બંધાઈ હતી કે કદાચ સાહિલ અને મોહિનીને ઉશ્કેરીને તેમને ગોળીએ દેવાની સૂચના પેલા પોલીસ અધિકારીએ તેના જુનિયર સાથીઓને આપી દીધી હશે. બીજી બાજુ ઈશ્તિયાકે તે બન્નેના મોઢે ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવડાવ્યા એટલે પણ તેને થયું હતું કે તે બન્નેને મારવા માટે પોલીસને કારણ મળી ગયું છે.
ઈશ્તિયાક સાહિલ અને મોહિનીને જીવતા રાખીને પોલીસને અવળા રવાડે ચડાવવા તેમનો ઉપયોગ કરવા માગતો હતો અને કાણિયા તે બન્ને જલદી ખતમ થાય એવું ઇચ્છતો હતો.
આ દરમિયાન પેલા વૈજ્ઞાનિકને વિચાર આવ્યો હતો કે સાહિલ અને મોહિનીના વધુ પડતા ઝનૂન અને તેમના મોઢે વધુ પડતા ઉશ્કેરણીજનક શબ્દોથી ક્યાંક મામલો હાથમાથી નીકળી ના જાય. તેનાથી ઈશ્તિયાકને પૂછાઈ ગયું: ‘ભાઈજાન, ક્યાંક પોલીસવાળાઓ ઉશ્કેરાઈને એ બન્નેને ગોળી ના મારી દે!’
ઈશ્તિયાક હસ્યો: ‘એ બન્ને બે-ચાર પોલીસવાળાઓના શરીરમાં ગોળીઓ ધરબી દે તોય પોલીસ તેમને મારી નાખવાનું નહીં વિચારે! એમની પાસેથી શક્ય એટલી માહિતી કઢાવવાની તેઓ કોશિશ કરશે.’
આગળ શુ કરવાનું છે એ વિશે ઈશ્તિયાક તે વૈજ્ઞાનિકને સમજાવવા લાગ્યો. તેની એક વાત સાંભળીને પેલો વૈજ્ઞાનિક ચોંકી ઊઠ્યો. તે અવિશ્ર્વાસભરી નજરે ઈશ્તિયાકના ચહેરા સામે તાકતો રહી ગયો.
* * *
સાહિલ અને મોહિનીના મોઢે ‘અલ્લાહુ અકબર’ના નારા સાંભળીને પોલીસ કર્મચારીઓને બીજો આઘાત લાગ્યો.
તેઓ એ આંચકો પચાવે એ પહેલાં સાહિલે જેને ઇજા નહોતી થઇ એમાંના એક પોલીસમેન સામે રિવોલ્વર તાકીને બરાડો પાડ્યો, ‘વેન ઊભી રખાવ, સાલા કાફર!’
સાહિલની એ બૂમને કારણે કોઈને સંદેશો આપી રહેલો પોલીસમેન પણ ડઘાઈ ગયો. તે હજી તો તેના ઉપરી અધિકારીને સાહિલ અને મોહિની વિશે જાણ કરી રહ્યો હતો. તેણે એ પણ કહ્યું હતું કે આતંકવાદી હુમલાના આરોપીઓ અમારા પર હુમલો કરી રહ્યા છે. તે પોલીસમેન હેબતાઈ ગયો હતો એનો ફાયદો સાહિલ અને મોહિનીને મળી રહ્યો હતો.
સાહિલે જેની સામે રિવોલ્વર તાકી દીધી હતી તે પોલીસમેન તો વધુ ગભરાઇ ગયો હતો. તેની નજર સામે થોડી સેક્ધડ પહેલા જ મોહિનીએ એક પોલીસમેનના બે પગ વચ્ચે કચકચાવીને લાત ઝીંકી દીધી હતી અને સાહિલે એક પોલીસમેનનો હાથ ભાંગી નાખ્યો હતો. એ બંને પોલીસમેન વેનના ફ્લોર પર બેસી પડ્યા હતા અને વેદનાથી કણસી રહ્યા હતા. અધૂરામાં પૂરું, સાહિલ અને મોહિનીના લોહીથી ખરડાયેલા કપડાં તથા તેમની આંખોમાં ઊભરી આવેલા ખુન્નસને કારણે પણ સાહિલ અને મોહિનીના ઝનૂનથી બચી ગયેલા બન્ને પોલીસમેન પણ ફફડી ગયા હતા. તેમને સમજાઈ ગયું હતું કે આ બન્ને અત્યારે મરણિયા બન્યા છે અને કઈ પણ કરી શકે એમ છે. તેમની ફરજ હતી કે તેઓ સાહિલ અને મોહિનીને કાબૂમાં લઈએ લે, પણ અત્યારે તેમને ફરજ કરતાં પોતાના જીવની વધુ પડી હતી.
પોલીસ કર્મચારીઓ કઈ વિચારે કે સાહિલ-મોહિની કઈ કરે એ પહેલા પરિસ્થિતિએ એવો અણધાર્યો વળાંક લીધો જેની સાહિલ-મોહિની અને પેલા પોલીસ કર્મચારીઓએ કલ્પના પણ નહોતી કરી.
તે બન્ને પોલીસમેન કશું બોલે કે સાહિલ અને મોહિની કંઇ કરે એ પહેલા જ વેન ધીમી પડી. અને થોડી સેક્ધડમાં હળવા આંચકા સાથે ઊભી રહી ગઇ. સાહિલ અને મોહિનીનું ધ્યાન પોલીસ કર્મચારીઓ પર હતું. તેમના મનમાં ભારે ઝનૂન ઊભરાઇ રહ્યું હતું. તે બંનેને પોલીસ કર્મચારીઓ પોતાના દુશ્મન સમા લાગતા હતા. વેન ઊભી રહી એ સાથે સાહિલ અને મોહિની ફર્યા વિના જ, પોલીસ કર્મચારીઓ તરફ નજર રાખીને, પાછળ તરફ પગલાં માંડીને વેનના પાછળના દરવાજા તરફ સરક્યા. સાહિલે રિવોલ્વર પોલીસ કર્મચારીઓ તરફ ધરી રાખી હતી. વેન ઊભી રહેવાને કારણે સાહિલ-મોહિનીના હુમલાથી બચેલા બન્ને પોલીસમેનના હાથ પણ ફ્રી થયા હતા. જો કે સામે મોહિની અને સાહિલના હાથ પણ છૂટા થયા હતા. વેનમાં ધમાલ મચી ગઇ એટલે તેઓ ઊભા થઇ ગયા હતા, પણ વેન ગતિમાં હતી એટલે તેમણે એક હાથથી વેનની છતમાં લટકતા હેન્ડલનો સહારો લેવો પડ્યો હતો. મોહિનીએ જેને પેડુમાં લાત મારી હતી એ પોલીસમેનને પણ હવે કળ વળી હતી. તે ખુન્નસ સાથે સાહિલ અને મોહિની તરફ તાકી રહ્યો હતો. તે ફરી ઊભો થયો હતો.
મોહિની અને સાહિલે હુમલો ર્ક્યો ત્યારે એ બધાને કલ્પના નહોતી કે આ યુવક-યુવતી પોલીસ વેનમાં જ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવાની હિંમત કરશે.તે બંને પકડાયા ત્યારે તો તેઓ આજીજી કરી રહ્યા હતા, પણ પછી તેમના તેવર અચાનક બદલાઇ ગયા હતા. હવે પોલીસ કર્મચારીઓ એકદમ સાવધ હતા. જેનો હાથ ભાંગ્યો એ સિવાયના પોલીસ કર્મચારીઓની સંખ્યા ત્રણ થઇ ગઇ હતી. જો કે હજી સાહિલના હાથમાં રિવોલ્વર હતી અને તેના ચહેરા પર અને તેની આંખોમાં ભયંકર આક્રમકતા જણાતી હતી તેથી તેની બાજુમાં જવાની એમની હિંમત ચાલતી નહોતી.
સાહિલ અને મોહિની વેનના પાછળના ભાગના દરવાજા પાસે પહોંચ્યા એટલે મોહિનીએ નજર પોલીસવાળાઓ સામે જ રાખીને દરવાજો ખોલ્યો. આ દરમિયાન બહારથી બૂમો સંભળાઇ રહી હતી. મોહિની અને સાહિલ બન્ને દરવાજાથી થોડા ઈંચ જ દૂર હતા. જો કે તે બેય નીચે ઉતરે એ પહેલાં વેન આંચકા સાથે ફરી વાર ગતિમાં આવી. તે બંનેને એવો અંદાજ નહોતો કે વેન ફરી ચાલતી થશે એટલે તે બેય વેનની ગતિ સાથે સંતુલન જાળવવા શારીરિક કે માનસિક રીતે તૈયાર નહોતા. વેન ચાલુ થઇ એ સાથે બંને પીઠભેર વેનમાંથી નીચે પટકાયા. સાહિલને તો બહુ ના વાગ્યું, પણ મોહિનીનું માથું જમીન પર ભટકાયું. તેની આંખે અંધારા આવવા લાગ્યા. તેને એવો ભાસ થયો કે ઘણાં બધાં માણસો તેના તરફ ગન તાકીને ઊભા છે અને બૂમો પાડી રહ્યા છે!
સાહિલને પણ પીઠમાં વાગ્યું હતું, પણ તેણે પોતાનો હાથ જમીન પર ટેકવવાની કોશિશ કરી એટલે તેને ઓછું વાગ્યું હતું અને તેનું માથું બચી ગયું હતું પણ જમણો હાથ જમીન પર ટેકવવાની કોશિશમાં તેનો હાથ મચકોડાઈ ગયો હતો અને તેના હાથમાંથી રિવોલ્વર ફેંકાઇ ગઇ હતી. જો કે તેનાથી વધુ ઝટકો તેને ઉપર તરફ જોઇને લાગ્યો. મોહિનીને માથામાં ઇજાને કારણે આંખે અંધારું ઉતરી આવ્યું હતું, પણ સાહિલને તેની સામે રિવોલ્વર્સ અને રાઇફલ તાકીને ઊભેલા એક ડઝન જેટલા પોલીસમેનને જોઇને એક ક્ષણ માટે ધોળા દિવસે તારા દેખાઇ ગયા! સહેજ આમતેમ નજર ફેરવ્યા પછી એક બોર્ડ વાંચીને તેને સમજાયું કે તે બન્ને રસ્તા પર નહીં, પણ વરસોવા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પટકાયા હતા અને તેમને પોલીસે ઘેરી લીધા હતા. અને અચાનક વેનમાંથી નીચે પટકાવાને કારણે તેને મૂર્છા આવી ગઈ હતી.
જો કે સહેજ કળ વળી એ પછી પોતાની સામે રિવોલ્વર્સ અને રાઈફલ્સ તાકીને ઊભા રહી ગયેલા એક ડઝનથી વધુ પોલીસમેન સામે પીઠભેર નીચે પડેલા સાહિલે જે વર્તન કર્યુ એ તે બધાની કલ્પના બહારનું હતું!

(ક્રમશ:)