Pin code - 101 - 94 in Gujarati Fiction Stories by Aashu Patel books and stories PDF | પિન કોડ - 101 - 94

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પિન કોડ - 101 - 94

પિન કોડ - 101

પ્રકરણ-94

આશુ પટેલ

કાણિયાને ઈશ્તિયાકના વર્તનથી બહુ તકલીફ થઈ રહી હતી તો બીજી બાજુ તેને એ વાતની ચિંતા સતાવી રહી હતી કે પોતે દેશદ્રોહના આરોપ હેઠળ એક વાર અંદર ધકેલાઈ જાય તો પોતાના આર્થિક સામ્રાજ્યના પાયા હચમચી જાય. અને તેની વિરુદ્ધ આતંકવાદી હુમલા માટે સહાય કરવાનો આરોપ સાબિત થઈ જાય તો એ સામ્રાજ્ય તો કડડભૂસ થઈ જ જાય પણ તેણે ફાંસીએ ચડવાનો પણ વારો આવે. ઈશ્તિયાક આ જગ્યા નહીં છોડવાની જીદ પકડીને બેઠો હતો અને બીજી બાજુ સાહિલ અને મોહિની પોલીસ પાસે પહોંચી જાય તો પોલીસ તેના અડ્ડા સુધી પહોંચી જાય એમ હતી.
અપમાન, ચિંતા, ભય અને ઉચાટની એકસામટી લાગણીઓ અનુભવી રહેલા કાણિયાના મગજમાં એક વિચાર ઝબકી ગયો. એ વિચાર જોખમી જરૂર હતો, પણ એમાં સફળતા મળવાની પચાસ પચાસ ટકા શક્યતા હતી. જ્યારે કશું કર્યા વિના બેસી રહેવામાં પોલીસના હાથમાં ઝડપાઈ જવાની સો ટકા શક્યતા હતી.
કાણિયાએ પોતાના મોબાઈલ ફોનથી કોઈને સાંકેતિક મેસેજ મોકલ્યો. એ મેસેજમાં કામ વિશે માહિતી આપ્યા પછી તેણે છેલ્લે લખ્યું: ‘બે.’
વીસ સેકંડમાં જ તે મેસેજનો સાંકેતિક જવાબ આવ્યો. એમાં લખ્યું હતું: ‘પચ્ચીસ. કામ બહુ જોખમી છે. મારે બીજા માણસોને પણ સાચવવા પડશે.’
કાણિયાએ ફરી વાર મેસેજ મોકલ્યો: બહુ વધુ છે, પણ વાંધો નહીં. ઓકે, ‘પચ્ચીસ. પણ કામ થઈ જવું જોઈએ.’
સામેથી જવાબ આવ્યો: ‘ડન. સમજો કે થઈ ગયું. પાંચ એડવાન્સ મુકાવી દો’.
એ મેસેજ વાંચીને કાણિયાએ રાહતની લાગણી અનુભવી. તેણે બીજા કોઈને મેસેજ કર્યો અને સૂચના આપી.
પોણી મિનિટમાં એડવાન્સ માગનારી વ્યક્તિનો મેસેજ આવી ગયો: ‘એડવાન્સ ક્ધફર્મ્ડ. એક કલાક પછી ફરી સંપર્ક કરજો. ત્યા સુધીમાં કામ થઈ ગયું હશે.’
કાણિયા રાહતની લાગણી અનુભવી રહ્યો હતો એ વખતે ઈશ્તિયાકને કલ્પના પણ નહોતી કે કાણિયા કોઈની સાથે શું સોદો કરી રહ્યો છે. નહીં તો તે કાણિયાને એ સોદો કરતાં અટકાવી દેત અને કાણિયાની ઈચ્છા પ્રમાણે બીજી જગ્યાએ જવા તૈયાર થઈ જાત!
જો કે બીજી એક વાત પણ ઈશ્તિયાકના ધ્યાન બહાર રહી ગઈ હતી, નહીં તો ઈશ્તિયાકે સામે ચાલીને કાણિયાને કહ્યું હોત કે આપણે બીજી જગ્યાએ જતા રહીએ. શિયાળ જેવો ખંધો અને ચાલાક ઈશ્તિયાક એક જગ્યાએ થાપ ખાઈ ગયો હતો.
બીજી બાજુ નતાશાને બચાવવા માટે ખુદ વડા પ્રધાને આદેશ છોડ્યો હશે એવું તો ઈશ્તિયાક સપનામાં પણ વિચારી શકે એમ નહોતો. ઈશ્તિયાક અને કાણિયા તેને એક સામાન્ય સંઘર્ષરત મોડેલ-એક્ટ્રેસ જ ગણતા હતા.
અધૂરામાં પૂરું, ઈશ્તિયાકનો વધુ એક માણસ તેની વિરુદ્ધ મેદાને પડવાનો હતો. જે માણસ તરફથી ઈશ્તિયાક નિશ્ર્ચિત હતો એ માણસ તેની સાથે અને ઈકબાલ કાણિયા સાથે ગદ્દારી કરવાનો હતો.
જે પરિસ્થિતિઓ આકાર લઈ રહી હતી એને કારણે ઈશ્તિયાકને જે જગ્યા સૌથી વધુ સલામત લાગતી હતી એ જગ્યા તેના માટે સૌથી વધુ અસલામત બની રહેવાની હતી.
* * *
‘સર. સાહિલનો કોલ આવ્યો હતો. તેની સાથે પેલી વૈજ્ઞાનિક મોહિની મેનન પણ છે.’ સાહિલનો દોસ્ત રાહુલ ડેપ્યુટી કમિશનર મિલિંદ સાવંતને મોબાઇલ ફોન પર કહી રહ્યો હતો.
‘વોટ? તે બન્ને સાથે છે? ક્યાં છે તે બંને અત્યારે?’ સાવંતે ધડાધડ અનેક સવાલો પૂછી નાખ્યા.
‘એ તો ખબર નથી. મેં તેનો કોલ રિસિવ ર્ક્યો એ સાથે તેણે મને બોલવાની તક આપ્યા વિના કહ્યું કે હું બહુ મોટી મુશ્કેલીમાં ફસાઇ ગયો છું. મેં તેને સમજાવવાની કોશિશ કરી કે મુંબઇમાં આતંકવાદી હુમલાઓ થયા છે. અને એમાં તમારું બન્નેનું નામ આવ્યું છે, પણ તેણે આગળ કશું સાંભળ્યાં વિના જ કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો એટલે તેની સાથે મારી વધુ વાત ના થઇ શકી. તેને તો ખબર જ નહોતી કે મુંબઇમાં આતંકવાદી હુમલાઓ થયા છે!’ રાહુલે કહ્યું.
‘તેણે જે નંબરથી કોલ કર્યો હતો તે નંબર મને લખાવ.’ સાવંતે પેન હાથમાં લેતા કહ્યું.
રાહુલે ત્રણ-ચાર સેકંડના પોઝ પછી ફોન નંબર લખાવ્યો. એ નંબર નોંધીને સાવંતે ઉતાવળે કહ્યું: ‘ફરી તેનો કોલ આવે તો મને તરત જ જાણ કરજે અને તેને મારો મોબાઈલ નંબર આપીને કહેજે કે મને કોલ કરે.’
સામાન્ય રીતે બધાને માનાર્થે બોલવા ટેવાયેલા સાવંત સાહિલના દોસ્ત રાહુલ સાથે તુંકારે વાત કરી બેઠા હતા. કટોકટીભર્યા સંજોગોમાં મણસ પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ વર્તન કરી બેસતો હોય છે, ભલે ને પછી તે ગમે એટલો મોટો માણસ હોય.
રાહુલનો કોલ ડિસ્કનેક્ટ કરીને તેમણે પેલો ફોન નંબર લગાવ્યો, પણ તેમને રેકોર્ડેડ મેસેજ સાંભળવા મળ્યો: ‘તમે જે નંબર લગાવવાની કોશિશ કરી રહ્યા છો એ નંબરનો હમણા સંપર્ક થઈ શકે એમ નથી.’
સાવંતે તરત જ તેમના એક જુનિયર અધિકારીને એ નંબર આપીને કામ સોંપ્યું કે તાબડતોબ ચેક કરો કે આ નંબર કોના નામે નોંધાયેલો છે.
તેમના જુનિયર અધિકારીએ થોડી વારમાં જ તેમને માહિતી આપી કે એ નંબર થાણે ગ્રામ્ય પોલીસના એક કોન્સ્ટેબલના નામે લેવાયેલો છે. અને તેના નામે ડઝનબંધ મોબાઈલ નંબર ઈસ્યુ થયેલા છે.
સાવંત અકળાઈ ઊઠ્યા. તેમને એક પત્રકાર મિત્રએ કહેલી વાત યાદ આવી ગઈ કે જે દેશમાં માત્ર ધંધો કરવા બેઠેલી કમ્પનીઝ કે વ્યક્તિઓ સમાજ કે દેશને બદલે પોતાનું જ હિત જોતી હોય એ દેશે અને એ દેશની પ્રજાએ ઘણું ભોગવવું પડતું હોય છે. આ પ્રકારની લાલચું અને સ્વાર્થી વ્યક્તિ કે કંપની તગડી કમાણી કરી લે પણ એવી વ્યક્તિઓ કે કંપનીઝ સમાજને કે દેશને બહુ મોટું અને ઘણી વાર તો અકલ્પ્ય નુકસાન પહોંચાડી દેતી હોય છે. કોઈ એક વ્યક્તિ ડઝનબંધ મોબાઈલ નંબર લે તો જાગૃત કંપનીએ પોલીસને જાણ કરવી જોઈએ. જો કે તેમને તરત યાદ આવ્યુ કે આ કિસ્સામાં તો સંખ્યાબંધ મોબાઈલ નંબર લેનારી વ્યક્તિ પોતે જ પોલીસમાં હતી! સાવંતે એક જુનિયર અધિકારીને તે પોલીસ કોન્સ્ટેબલ વિશે તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપ્યો.
સાવંતને યાદ આવ્યું કે તેમણે એક બીજો અગત્યનો કોલ કરવાનો છે. તેમણે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે પંકાયેલા અને નતાશા નાણાવટીને બચાવવા જતા વરસોવામાં સર્જાયેલા વિવાદને કારણે નોકરીમાંથી બરતરફ થયેલા સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર વાઘમારેને કોલ લગાવ્યો. સાવંતને ખબર હતી કે, ડોન ઈકબાલ કાણિયા અને આઈએસના ખતરનાક આતંકવાદીઓને પહોંચી વળવા માટે વાઘમારે જેવા પોલીસ અધિકારીઓની કેટલી જરૂર હોય છે. વડા પ્રધાને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને મુંબઈના પોલીસ કમિશનરને છૂટો દોર આપ્યો હતો અને કમિશનર શેખે ડીસીપી સાવંતને કહી દીધું હતું કે તમારે જે કરવું હોય એ કરજો. મને પરિણામ જોઈએ છે.
વાઘમારેએ કોલ રિસિવ કર્યો એટલે સાવંતે તેમને કહ્યું: ‘વાઘમારે, આપણે વરસોવામાં ઈકબાલ કાણિયાના અડ્ડામાં ત્રાટકવાનું છે, આજે જ. ઉપરથી આદેશ આવી ગયો છે, આ વખતે કોઈ પણ હિસાબે એ બચવો ના જોઈએ.’
‘થેંક યુ, સર. તમે મને યાદ કર્યો. પણ તમે ભૂલી ગયા કે મને તો બરતરફ કરીને કાયમ માટે ઘરે બેસાડી દેવાયો છે!’ વાઘમારેએ ફિક્કું હસતા કહ્યું.
‘તમને બરતરફ કરી દેવાયા હતા એ મને બરાબર યાદ છે, વાઘમારે. પણ હવે એ વાત ભૂલી જાઓ. તમે હમણાં જ, આ ઘડીથી જ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી છો! મુખ્ય પ્રધાન અને કમિશનર સરની જાણ સાથે જ હું તમને આ કોલ કરી રહ્યો છું.’
‘થેંક યુ, થેંક યુ વેરી મચ, સર.’ વાઘમારે ગળગળા થઈ ગયા.
‘યુ આર વેલકમ, વાઘમારે. વેલકમ ટુ મુંબઈ પોલીસ અગેઈન.’ સાવંતે ઉષ્માભર્યા અવાજે કહ્યું. અને પછી તરત જ તાકીદ કરી કે હું થોડી વારમાં વરસોવા પોલીસ સ્ટેશન પહોંચી રહ્યો છું. તમે પણ તાબડતોબ ત્યાં પહોંચો.’
‘સોરી, સર. પણ તમે આ ઓપરેશનમાં વરસોવા પોલીસને સામેલ ના કરતા.’ વાઘમારેએ વિનંતી કરી.
‘કેમ?’ સાવંતે આશ્ર્ચર્યથી પૂછ્યું.
એના જવાબમાં વાઘમારેએ ભયંકર આક્રોશ સાથે કારણો આપ્યાં. વાઘમારેએ પોતાનો રોષ વ્યક્ત
કર્યા પછી છેલ્લે જે વાત કહી એ સાંભળીને સાવંત સ્તબ્ધ થઈ ગયા.
(ક્રમશ:)