Rajvada in Gujarati Classic Stories by Bhupendrasinh Raol books and stories PDF | રજવાડા

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

રજવાડા

રજવાડા

- લેખક -

ભુપેન્દ્રસિંહ રાઓલ

અનુક્રમણિકા

1 - ચંદ્રગુપ્ત મૌર્ય4

2 - જરાસંધ7

3 - બિમ્બીસાર10

4 - સમ્રાટ અશોક13

5 - સમ્રાટ સમુદ્રગુપ્ત16

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

READ MORE BOOKS ONwww.matrubharti.com

1 - ચંદ્રગુપ્ત મૌર્ય

રાજા બિમ્બીસાર અને અજાતશત્રુ પછી ઉદયન, અનિરુદ્ધ, મુંડ, અને દર્શક નામના રાજાઓએ મગધ ઉપર રાજ કર્યું. ત્યાર પછી આવેલા નાગદશક રાજાએ અજાતશત્રુથી પિતાની હત્યા કરી રાજા બનવાની પરમ્પરા એણે સારી રીતે નિભાવી હતી. એણે એના પિતાની ખૂબ ક્રુરતાપૂર્વક હત્યા કરી અને ૨૦ વર્ષ રાજ કર્યું. છેવટે પ્રજાએ બળવો કર્યો અને શીશુનાગને ગાદી પર બેસાડ્યો. ઈસા પૂર્વે ૪૧૩માં શીશુનાગ રાજવંશ ચાલુ થયો. ખરેખર તે રાજા નાગદશકનો અમાત્ય હતો. તેના સમયમાં હાલના તામીલનાડુ, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, અફઘાનિસ્તાન અને બાંગલાદેશ ને બાદ કરો તો બાકીના ભારતવર્ષ ઉપર શીશુનાગનું રાજ હતું. કહેવાય છે ત્યાર પછી ઈસા પૂર્વે ૪૧૫ સુધીમાં તો સિંધ, મુલતાન, કાબુલ સુધી એના વાવટા ફરકતા થઈ ગયેલા. એના પછી કાક્વર્ણ, ક્ષેમધર્મ, ક્ષત્રુજસ, નન્દીવર્ધન અને મહાનંદન રાજાઓ થયા. મહાનંદનનો પુત્ર પહપદ્મ નંદ રાજા થયો જે નંદ સામ્રાજ્યનો સ્થાપક ગણાય છે. નંદ રાજાઓની શ્રેણીમાં છેલ્લો નંદ ધનનંદ રાજા થયો જે ઈતિહાસ પ્રસિદ્ધ છે. પ્રસિદ્ધ એટલા માટે છે કે ચાણક્યે એના દરબારમાં એનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધેલી. એનું સૈન્ય બહુ મહાન હતું તેવું કહેવાય છે. બે લાખ ઇનફનટ્રી, ૨૦,૦૦૦ કેવલરી, ૨૦૦૦ રથ, અને ખાસ તો ૩૦૦૦ હજાર હાથીઓ. ગ્રીક ઇતિહાસકાર પ્લુટાર્ક ધનનંદનું લશ્કર આનાથી પણ વધુ નોંધે છે. એના હિસાબે ધનનંદનું લશ્કર ૨૦૦૦૦૦ ઇનફનટ્રી, ૮૦,૦૦૦ કેવલરી, ૮૦૦૦ રથ અને ૬૦૦૦ હાથીઓ વડે સુશોભિત હતું. ખેર એના મૃત્યુ વિષે ઇતિહાસ બહુ ચોખ્ખો નથી. કોઈ કહે છે ચંદ્રગુપ્ત મૌર્યે એને મારી નાખેલો અને અમુક ઈતિહાસકારો કહે છે એને દેશવટો અપાયેલો. તો અમુક કહે છે દેશવટા દરમ્યાન ચંદ્રગુપ્તને નડે નહિ માટે ચાણક્યની આજ્ઞાથી મારી નાખવામાં આવેલો.

ખેર મહાન ચંદ્રગુપ્ત મૌર્યનો સમયકાળ ઈસા પૂર્વે ૩૨૧ થી ૨૯૭ ગણાય છે. તે માહન મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક ગણાય છે. ગ્રીક લોકો એને સેન્ડ્રોકોટસ કે એન્ડ્રોકોટસ તરીકે ઓળખતાં. આ પહેલો એવો રાજા હતો જેણે લગભગ આખા ભારતવર્ષને એકચક્રી બનાવ્યું હતું. બંગાળ થી બલુચિસ્તાન, અફઘાનિસ્તાન, કાશ્મીરથી કર્ણાટક, સુધી એનું રાજ હતું. એણે ગ્રેટ સિકંદરના સરદાર સુબા સેલ્યુકસને હરાવ્યો હતો. સેલ્યુકસે એની પુત્રી હેલન ચંદ્રગુપ્ત જોડે પરણાવી રાજકીય સંબંધો બનાવ્યા હતા. આમ એણે પશ્ચિમી જગત સાથે વૈપારિક સંબંધ પણ શરુ કરેલા. ગ્રીક એલચી મેગસ્થીનીસ એની રાજધાની પાટલીપુત્રમાં આવેલો પણ ખરો. એકવાર લગભગ આખું ભારત એના હાથનીચે આવી ગયા પછી એને ચાણક્ય અને એના અર્થશાસ્ત્ર મુજબ ગજબનું અફસરો અને અધિકારીઓનું નેટવર્ક બનાવી ભારતને એક જબરદસ્ત આર્થિક મજબૂતાઈ આપી દીધી હતી. એના પુત્ર બીન્દુસારને રાજા બનાવી પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શ્રવણબેલગોડામાંતિમ શ્વાસ લીધેલા એવું કહેવાય છે.

ચંદ્રગુપ્તના પૂર્વજો વિષે ખાસ ઈતિહાસ મળતો નથી. ગ્રીક, લેટિન સાહિત્ય કે જેમાં તેને સેન્ડ્રાકોટસ કે એન્ડરાકોટસ તરીકે ઉલ્લેખે છે તેમાંથી થોડો પ્રકાશ પડે છે અથવા સંસ્કૃત સાહિત્ય દ્વારા થોડી ઘણી માહિતી મળે છે. મુદ્રરાક્ષસ નામના નાટકમાં તેને કુલહીન કહેવાયો છે. આ નાટકનું ભાષાંતર કરનાર ભારતેન્દુ હરીશચન્દ્રનાં મતે તે નંદવંશના રાજા મહાનંદનો પુત્ર હતો પણ એની માતા એક હજામની પત્ની હતી ને એનું નામ મોરા હતું. આ મોરા પરથી એની અટક મૌર્ય પડી હતી. તો બૌદ્ધ સાહિત્ય પ્રમાણે પિપ્પલીવનનાં મૌર્ય જાતિના ક્ષત્રિયનો વંશજ હતો. તો કોઈ ભગવાન બુદ્ધની શાકય શાખાનો વંશજ હતો એવું કહે છે.

પ્લુટાર્ક, ગ્રીક ઇતિહાસકાર કહે છે ચંદ્રગુપ્ત પંજાબમાં એકેઝાંડર સિકંદરને મળેલો.

Androcottus, when he was a stripling, saw Alexander himself, and we are told that he often said in later times that Alexander narrowly missed making himself master of the country, since its king was hated and despised on account of his baseness and low birth.

— Plutarch, Parallel Lives: Life of Alexander 62.9

સિકંદર ભારત આવ્યો ત્યારે ચાણક્ય તક્ષશિલામાં શિક્ષક હતા. તક્ષશિલા અને ગાંધારે તે સમયે સિકંદર સાથે શાંતિ મંત્રણાઓ કરી લગભગ પરાજય સ્વીકારી લીધેલો. સિકંદરને પંજાબના રાજા પર્વતેશ્વર (પોરસ) સિવાય કોઈ ચેલેન્જ કરે તેમ નહોતું. સિકંદરનું આક્રમણ ખાળવા ચાણક્ય વિશાલ સૈન્ય ધરાવતા મગધના ધનનંદ પાસે મદદ માંગવા જાય છે પણ તે ના પાડે છે. તે જ વખતે ચાણક્ય નક્કી કરે છે પરદેશી આક્રમણો ખાળવા એક મહાન મજબૂત વિશાલ મહાન સામ્રાજ્યની જરૂર છે. તે સમયે ધનનંદે મદદ કરી હોત તો સિકંદર વહેલો ભાગી ગયો હોત. ધનનંદના લશ્કરી બળના આંકડા પ્લુટાર્કે વર્ણવેલા તે પ્રમાણે સિકંદરનું સૈન્ય ભારતમાં આગળ વધવા માંગતું જ નહોતું. ખેર ફક્ત ૨૦ વર્ષની ઉંમરે ચંદ્રગુપ્તે મહાન મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી લીધી હતી. સેલ્યુકસ જેવા ગ્રીક સરદારને સમાધાન કરવા એની દીકરી ચંદ્રગુપ્ત જોડે પરણાવી પડી હતી. ૬લાખનું પાયદળ, ૩૦,૦૦૦ કેવલરી અને ૯૦૦૦ હાથીઓની સેના જોઈ વિદેશીઓની ફાટી જતી હતી.

But the Prasii surpass in power and glory every other people, not only in this quarter, but one may say in all India, their capital Palibothra, a very large and wealthy city, after which some call the people itself the Palibothri,--nay even the whole tract along the Ganges. Their king has in his pay a standing army of 600,000-foot-soldiers, 30,000 cavalry, and 9,000 elephants: whence may be formed some conjecture as to the vastness of his resources.

— Pliny, Natural History VI, 22.4

યાદ્ નથી પણ ક્યાંક વાંચ્યું હતું કે ચંદ્રગુપ્ત હમેશાં ત્રણસો સ્ત્રી તીરંદાજ બોડીગાર્ડ સાથે બહાર નીકળતો હતો. ભારતવર્ષનો આ મહાન રાજા પોતાના પુત્ર બિન્દુસાર માટે રાજગાદી છોડી દઈ જૈન ધર્મ અપનાવી શ્રવણબેલગોડામાં કાયમી વિશ્રાંતિ પામે છે.

ચંદ્રગુપ્ત વગર ભારતવર્ષનો ઈતિહાસ હમેશાં અધુરો ગણાય.

જેમ બીમ્બીસાર અને બિન્દુસાર વિષે ગેરસમજ થાય છે તેમ ચંદ્રગુપ્ત વિષે પણ ગેરસમજ થાય છે. આ ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક હતો ગુપ્ત સમ્રાટ નહિ. આ મહાન રાજા અશોકનો દાદો હતો. આ બિન્દુસાર પણ બીમ્બીસારના પુત્રની જેમ અજાતશત્રુ મતલબ કોઈ શત્રુ જ ના હોય તેમ જાણીતો હતો. બિન્દુસાર મૌર્ય સામ્રાજ્યનો બીજો રાજા હતો. ગ્રીક લોકો એને અમીત્રોકેટસ તરીકે ઓળખાતા હતા. એના પણ ગ્રીક લોકો સાથે બહુ સારા સંબંધો હતા.

ચાલો રાજા બીન્દુસારનું નામ બિન્દુસાર કઈ રીતે પડ્યું તે કહું. ચાણક્ય બહુ હોશિયાર હતા. રાજાને ઝેર આપી મારી નાખવાનો તે સમયે ધારો હશે. પણ ઝેર સામે શરીરમાં જ ઈમ્યુન સિસ્ટમ પેદા થાય તો ઝેર અસર કરે નહિ તે ચાણક્ય જાણતા હતા. માટે ચંદ્રગુપ્તને ભોજનમાં નિમ્ન માત્રામાં રોજ ઝેર આપવામાં આવતું હતું તે રાજાને ખબર નહોતી. રાની ગર્ભવતી હતી અને રાજાને ખબર નહિ પોતાનું ઝેરયુકત ભોજન અજાણતા રાણીને ખવડાવી દીધું. રાણી પાસે તે ઝેર પચાવી શકવાની શક્તિ નહોતી. તે બેભાન થઈ ગઈ અને મૃત્યુને શરણે ચાલી નીકળી. તે સમયે અચાનક આવી ચૂકેલા ચાણક્યે રાણીનું પેટ ચીરી બાળકને બચાવી લીધું પણ તે દરમ્યાન ઝેર બાળકના કપાળે પહોચી ચૂક્યું હતું અને કપાળમાં એક બિંદુ રૂપે ચિન્હ બનાવી ચુક્યું હતું. માટે તે બાળકનું નામ બિન્દુસાર રાખવામાં આવેલું.

બિન્દુસાર ફક્ત ૨૨ વર્ષનો હતો અને એના હાથમાં લગભગ આખું ભારત આવી ગયું હતું ખાલી કલિંગ, પાંડય ચોલા અને ચેરા સિવાય. બીન્દુસારે પણ ૨૭૨ BCE માં પોતાના પુત્ર અશોક માટે ગાદી છોડી દીધેલી. બીન્દુસારે હાલના ઓરિસા એટલે તે સમયના કલિંગ અને તામીલનાડુ સિવાય આખું ભારત કબજે કરેલું. ખેર ચંદ્રગુપ્ત ભારતવર્ષનો મહાન રાજા હતો અને હમેશા રહેવાનો છે.

***

2 - જરાસંધ

આપણે પુરાણો લખ્યા ઇતિહાસ નહિ. પુરાણોમાં ક્યાંક તો ઇતિહાસ છુપાયેલો હોવો જોઈએ. જરાસંધ મગધનો મહાન રાજા હતો. મગધનો ઇતિહાસ આપણે નંદ સામ્રાજ્યથી જાણીએ છીએ. જરાસંધને semi-mythical king of Magadha સમજો.. ભગવાન શિવના મહાન ભક્ત બૃહદ્રથ રાજવંશ (Dynasty-ડિનસ્ટી) શરુ કરનાર રાજા બૃહદ્રથનો પુત્ર જરાસંધ હતો. જરાસંધ પણ શિવનો મહાન ભક્ત હતો પણ યાદવ વંશનો દુશ્મન હોવાથી તેને હંમેશા નકારાત્મક પ્રસિદ્ધિ જ મળી.

જરાસંધ બે શબ્દોનું જોડાણ છે. જરા નામની રાક્ષસી હતી જેણે બે ભાગમાં મળેલાં એક બાળકના બે ટુકડા ભેગાં કરેલા. સંધિ એટલે જોડાણ. બૃહદ્રથ મગધનો રાજા હતો. તેને બે રાણીઓ હતી અને બંને વારાણસીના રાજાની જોડિયા બહેનો હતી. બંને સંતાન પેદા કરવા અસમર્થ હતી. ચંડકૌશિક નામના ઋષિએ એમની સેવાના બદલામાં રાજાને એક ફળ આપ્યું કે રાણીને ખવડાવશો ગર્ભવતી થઈ જશે. ઋષિને ખબર નહોતી રાજાને બે પત્નીઓ છે. બૃહદ્રથે ફળના બે ભાગ કરી બંને રાણીઓને ખવડાવી દીધાં. આવી પૌરાણિક વાર્તાઓને કોઈ વૈજ્ઞાનિક સમર્થન હોય નહિ. પણ આપણે વાંચીને ખુશ થવાનું. બંને રાણીઓ ગર્ભવતી થઇ અને બંને રાણીઓએ પુરા મહીને અડધા અડધા ભાગમાં બાળકોને જન્મ આપ્યો. આવા ભયંકર અડધાં અડધાં જન્મેલાં બાળકોના ફાડિયા જોઈ રાજા ગભરાઈ ગયો ને બંને ફાડીયા જંગલમાં ફેંકવાનો આદેશ આપી દીધો. જરા નામની રાક્ષસીને બંને ફાડીયા જડ્યા. જરાએ બંને હાથમાં બંને ફાડિયા લીધાં પણ અકસ્માતે બંને હાથ નજીક લાવતાં બંને ફાડિયા જોડાઈ ગયાને એક આખું બાળક બની ગયું. બાળક જોર શોરથી રડવા લાગ્યું. જીવંત બાળકને ખાઈ જવાનું હ્રદય આ રાક્ષસી ધરાવતી નહોતી. છવટે તે એક સ્ત્રી હતી. એણે બાળક રાજાને આપી શું બન્યું બધો ઇતિહાસ જણાવી દીધો. રાજા ખુશ થયા. ચંડકૌશિક ઋષિ પણ આવ્યા અને રાજાને કહ્યું આ પુત્ર વિશિષ્ટ થશે અને ભગવાન શિવનો પરમ ભક્ત થશે.

જરાસંધ ખુબ પ્રસિદ્ધ ને શક્તિશાળી રાજા હતો. મગધનો આ મહાન સમ્રાટ મહારથી હતો અને નરકાસુર, પુન્દ્ર વાસુદેવ, ચેદી રાજા શિશુપાલ સાથે રાજકીય સંબંધ ધરાવતો હતો. આ બધા એના મિત્ર રાજાઓ હતા. મથુરાના રાજા કંસ જોડે પોતાની બે પુત્રીઓ પરણાવી એક વધુ રાજાને પોતાનો મિત્ર બનાવ્યો હતો. કૃષ્ણે કંસને મારી નાખ્યો ત્યારે ક્રોધે ભરાયેલા જરાસંધે ૧૭ વખત મથુરા પર ચડાઈ કરેલી અને દરેક વખતે કૃષ્ણ-બલરામને ભાગવું પડેલું. એમાં તો કૃષ્ણનું નામ રણછોડ પડી ગયેલું. છેવટે કૃષ્ણને દ્વારકા નામના બેટ ઉપર રાજ્ય સ્થાપવું પડ્યું જ્યાં જરાસંધ જઈ શકે તેમ નહોતો. કૃષ્ણ-બલરામને ૧૭ વખત ભગાડનાર જરાસંધ કેટલો જબરો હશે? કૃષ્ણે જરાસંધનો પાવર ઓછો કરવા એના મિત્ર રાજાઓને એક પછી એક ઓછા કરવા માંડ્યા. કાલયવન, નરકાસુર, હંસ, ડિંબક, અને યુધિષ્ઠિરનાં રાજસૂય યજ્ઞ સમયે શિશુપાલને હણી નાખ્યો. જરાસંધે દ્રૌપદી સ્વયંવરમાં પણ ભાગ લીધેલો. જરાસંધે હસ્તિનાપુરના દુર્યોધન ઉપર પણ હુમલો કરેલો. એની જીંદગીમાં પહેલીવાર જરાસંધ દુર્યોધન મિત્ર કર્ણ સામે હારેલો. કરણની યુદ્ધ કાબેલિયત જોઈ એની સરાહના કરી કર્ણને એણે માલિની નામનું શહેર ભેટ આપેલું.

જરાસંધે ભગવાન શિવને ખુશ કરવા ૧૦૦ રાજાઓનો બલી ચડાવવાનું નક્કી કરેલું. એમાં ૯૫ રાજાઓ તો એણે હરાવીને કેદ કરી રાખેલા હતા ફક્ત પાંચ રાજાઓ ખૂટતા હતા. કૃષ્ણ માટે રાજસૂય યજ્ઞ કરાવીને યુધિષ્ઠિરને ચક્રવર્તી રાજા બનાવવામાં જરાસંધ એકલો આડે આવતો હતો. એટલે ભીમ અને અર્જુનને લઇ બ્રાહ્મણ વેશે કૃષ્ણ મગધ પહોચ્યા. કર્ણની જેમ જરાસંધ પણ દાનેશ્વરી હતો. શિવ પૂજા પછી બ્રાહ્મણો જે માંગે તે આપી દેવા તે પ્રખ્યાત હતો. એમાં કૃષ્ણે ભીમ અથવા અર્જુન બેમાંથી એક સાથે યુદ્ધ માટે જરાસંધ સાથે માંગણી કરી લીધી. સૈન્ય અને મિત્ર રાજાઓ સાથે જરાસંધને હરાવવો મૂશ્કેલ હતો. જરાસંધે પણ બાહુબલી ભીમ સાથે યુદ્ધ કરવાનું સ્વીકારી લીધું. જરાસંધ પણ પોતે મલ્લયુદ્ધમાં નિષ્ણાંત હતો. ભીમ અને જરાસંધ વચ્ચે ૧૪ દિવસ મલ્લયુદ્ધ ચાલ્યું. જરાસંધ હારતો નહોતો. છેવટે જરાસંધના જન્મ સમયે હતા તેમ શરીરના બે ભાગ કરી નાખ્યા ત્યારે તે મરાયો.

તેના મૃત્યુ પછી પાંડવોએ પેલા બંદી ૯૫ રાજાઓ મુક્ત કર્યા. જરાસંધના પુત્ર સહદેવને ગાદી પર બેસાડ્યો. મુક્ત કરાયેલા ૯૫ રાજાઓ સહીત મગધ સમ્રાટ સહદેવ પાંડવોના મિત્ર રાજાઓ બન્યા અને મહાભારતના યુદ્ધ સમયે બધા સંયુકતપણે પાંડવોના પક્ષે રહીને કૌરવો સામે લડેલા. જરાસંધ પુત્ર સહદેવનો સંહાર ગુરુ દ્રોણે કરેલો.

જૈન સાહિત્ય પ્રમાણે જરાસંધ નવમો અને છેલ્લો પ્રતિ-વાસુદેવ કહેવાય છે. જૈન સાહિત્ય પ્રમાણે આ નવમાં અને છેલ્લા પ્રતિ-વાસુદેવનું મૃત્યુ નવમાં અને છેલ્લા વાસુદેવ કૃષ્ણને હાથે થાય છે. જૈન સાહિત્ય પ્રમાણે જરાસંધ કૃષ્ણ ઉપર તેના ભયંકર હથિયાર સુદર્શન ચક્ર વડે હુમલો કરે છે. મતલબ સુદર્શન ચક્ર જરાસંધ પાસે હતું. પણ સુદર્શન ચક્ર પોતે કૃષ્ણની આણ સ્વીકારી કૃષ્ણને બદલે જરાસંધની હત્યા કરે છે તેવું જૈન સાહિત્ય કહે છે. જૈન સાહિત્ય પ્રમાણે મહાભારતની લડાઈ કૃષ્ણ અને જરાસંધ વચ્ચે છે કૌરવ પાંડવો ફક્ત એમાં ભાગ લેનારા મહારથીઓ છે.

મહાભારત અને પુરાણો પ્રમાણે જરાસંધના પિતા બૃહદ્રથ ચેદીનાં કુરુ વંશના રાજા વસુના સૌથી મોટા પુત્ર હતા. એમની માતાનું નામ ગીરીકા હતું. બૃહદ્રથનું નામ ઋગ્વેદમાં પણ છે. આધુનિક ઇતિહાસકારોના મતે જરાસંધનો સમયકાળ 1760 BCE થી 1718 BCE હોવો જોઈએ. અને તેના પુત્ર સહદેવનો સમયકાળ 1718 BCE થી 1676 BCE હોવો જોઈએ. સહદેવના પુત્ર અને જરાસંધના પૌત્ર સોમપીનો સમય કાલ આધુનિક ઇતિહાસકારોના મતે 1676 BCE થી 1618 BCE હોવો જોઈએ, અહીં આપણા મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ જુદા પડે છે. એમના હિસાબે સોમપીનો સમયકાળ ૩૦૦૯ BCE થી ૨૯૫૧ BCE હોવો જોઈએ. મને આધુનિક ઇતિહાસકારો કરતા આર્યભટ્ટ વધુ સાચા લાગે છે તેનું એક કારણ છે. મહાભારત અને હરિવંશ પુરાણમાં કૃષ્ણના જન્મ સમયના આકાશી ગ્રહોની સ્થિતિનું અને મહાભારતના યુદ્ધ સમયના ગ્રહોની આકાશી સ્થિતીનું વર્ણન છે. હવે આ આકાશી ગ્રહોની સ્થિતિ ડૉ નરહરિ આચર( પ્રોફેસર ઓફ ફિજીક્સ, યુનિવર્સિટી ઓફ મેમ્ફિસ, ટેનેસી) આધુનિક પ્લેનેટોરીયમ સોફ્ટવેરમાં નાખી ચકાસીને રિસર્ચ કરીને કૃષ્ણના જન્મની સાલ ૩૧૧૨ BCE અને મહાભારતના યુદ્ધની સાલ ૩૦૭૬ BCE કાઢે છે. તે પ્રમાણે મહાભારતના યુદ્ધ સમયે કૃષ્ણ ૪૬ વર્ષના હોવા જોઈએ. આધુનિક સોફ્ટવેર પ્રમાણે ૩૦૭૬ BCE વખતે થયેલા મહાભારતના યુદ્ધમાં સહદેવ મરાયો હોય તો એના પુત્રનો સમયકાળ ૩૦૦૯ BCE થી ૨૯૫૧ BCE વધુ બંધ બેસતો થાય છે. સોમપી પછી શ્રુતસર્વ, અપ્રતીપ, નીર્મિત્ર, સુક્ષત્ર, બ્રુહત્સેન, સેનાજીત, શ્રુતંજય, વિધુ, સૂચી, ક્ષેમ્ય, સુબ્રત, સુનેત્ર, નિવૃત્તિ, ત્રિનેત્ર, મહત્સેન, નેત્ર, અબલા અને રીપુન્જય નામના રાજવીઓ મત્સ્યપુરાણ પ્રમાણે થયા એવું મનાય છે. એમનો સમય કાલ સંયુકતપણે આધુનિક ઈતિહાસકારો પ્રમાણે ૧૪૯૭ BCE થી ૮૩૨ BCE ગણાય અને આર્યભટ્ટ પ્રમાણે ૨૯૫૧ BCE થી ૨૧૨૨ BCE ગણાય છે.

ત્યાર પછી આ મહાન બૃહદ્રથ મગધ રાજવંશનો નાશ થયો અને પ્રદ્યોત રાજવંશ ચાલુ થયો પણ એમનું મુખ્ય મથક મધ્યપ્રદેશનું અવંતી હતું. અવંતી, કૌશમ્બી અને મગધ ત્રણે ઉપર આ સમ્રાટો રાજ કરતા હતા. પ્રદ્યોત, પાલક, વિસખાયુપ, સુર્યક, અને છેલ્લે નન્દીવર્ધન રાજા સાથે પ્રદ્યોત રાજવંશ સમાપ્ત થયો. તેમનો સમયકાળ આધુનિક ઈતિહાસકારો પ્રમાણે ૬૬૭ BCEમાં અને આર્યભટ્ટ પ્રમાણે ૨૦૦૦ BCEમાં સમાપ્ત થયો.

આમ જરાસંધ એક મહાન રાજા હતો, મહારથી હતો, મલ્લયુદ્ધ અને ગદાયુદ્ધમાં નિપુણ હતો. એ જમાનામાં શારીરિક રીતે બળવાન બાહુબલી હોય તે રાજા બની શકતા આજના જમાનાની જેમ વોટ મેળવી કોઈ માયકાંગલો રાજા બની જાય નેતા બની જાય તેવું નહોતું.

***

3 - બિમ્બીસાર

આપણે જોઈ ગયા કે બૃહદ્રથ અને જરાસંધ થી શરુ થયેલ મગધના રાજવંશની આણ પ્રદ્યોત રાજવંશ આવતાં સમાપ્ત થઈ પણ તે વંશનું રાજ અવંતિ ઉપર ચાલુ હતું અને મગધ ઉપર હર્યંક વંશનું રાજ ચાલું થઈ ગયું હતું. ઇસાની પહેલા છઠ્ઠી સદીના મધ્યભાગમાં રાજગૃહને રાજધાની બનાવી રાજા ભટ્ટીય હર્યક વંશના સ્થાપક બન્યા પણ એમનો પુત્ર રાજા બિમ્બીસાર વધુ પ્રસિદ્ધિ પામ્યો હતો. રાજા બિમ્બીસાર ૧૫ વર્ષે રાજગાદી પર બેસી ચૂકયો હતો. બિમ્બીસારનાં પિતાનું નામ પુરાણો પ્રમાણે હેમજીત અથવા ક્ષેમજીત હતું. તો તિબેટીયન સાહિત્ય પ્રમાણે એનું નામ મહાપદ્મ હતું.

રાજા બિમ્બીસારે જુદા જુદા રાજાઓની કુંવરીઓ સાથે લગ્ન કરી એના રાજ્યની સરહદો વધારી અને સુરક્ષિત કરેલી. જૈન શાસ્ત્રો પ્રમાણે રાજગૃહનાં રાજા શ્રેણિક તરીકે પ્રખ્યાત છે. તે ભગવાન મહાવીરનો સમકાલીન અને શિષ્ય હતો. જૈન શાસ્ત્રો પ્રમાણે તે આગલા જન્મમાં કૃષ્ણના ભાઈ બલદેવ હતા અને ભગવાન મહાવીર પછી નવી અવધિમાં બિમ્બીસારનો આત્મા પહેલી તીર્થંકર બનશે.

તે સમયની કથા પ્રમાણે વૈશાલીના રાજા ચેતકને ચેલના નામની ખૂબ સુંદર પુત્રી હતી. ભરત નામના ચિત્રકારે રાજકુંવરી ચેલનાનું એક ચિત્ર બનાવ્યું અને રાજા શ્રેણિક એટલે બિમ્બીસારને બતાવ્યું. રાજા શ્રેણિક ચિત્ર જોઇને જ રાજકુંવરીનાં પ્રેમમાં પડી ગયો. તો કુંવરી ચેલના પણ એક દિવસ નગરી રાજગૃહમાં આવી અને રાજાને જોયોતો એ પણ રાજાના પ્રેમમાં પડી અને બંનેના શીઘ્ર લગ્ન પણ થઈ ગયા. પ્રશ્ન એ હતો કે રાણી ચેલના જૈન હતી અને રાજા બૌદ્ધ ધર્મથી પ્રભાવિત હતો. આમ તો રાજા મોટું હૃદય ધરાવતો હતો એટલે રાણીના જૈન હોવા વિષે ઉદાર હતો પણ મનમાં એને સંતોષ નહોતો. અહિંસાની જૈન ફિલસૂફી એની સમજમાં અને માનવામાં નહોતી આવતી. તો રાણી આનાથી દુઃખી રહેતી.

એક દિવસ રાજા આખેટ પર ગયો ત્યાં એણે કોઈ જૈન સાધુને ઊંડા ધ્યાનમાં મગ્ન બેઠેલાં જોયા. રાજાએ એમના ઉપર પોતાના શિકારી કૂતરા છોડી મૂક્યા. પણ સાધુને કોઈ અસર થઈ નહિ ઉલટાના સાધુની શાંતિ જોઈ કૂતરા પોતે શાંત થઈ બેસી ગયા. રાજા ગુસ્સે થયો. એણે સાધુ ઉપર બાણ વર્ષા કરી પણ બાણ પોતે સાધુને ટાળી ઈજા કર્યા વગર બાજુમાં થઇ જતાં રહેતાં હતાં. રાજા વધુ ગુસ્સે થયો ને એક મરેલો સાપ સાધુને ગળે વીંટાળી પોતાના મહેલ તરફ રવાના થયો. મહેલમાં આવી તેણે રાણીને આખો પ્રસંગ કહ્યો. રાણી ખુબ દુઃખી થઈ અને રાજાને યેનકેન પ્રકારે સમજાવી પેલા જૈન સાધુ યમધર પાસે લઈ આવી. હવે મરેલો સાપ ગળા પર વીંટળાયેલો હોવાથી એને ખાવા પુષ્કળ કીડીઓ આવી ચૂકી હતી અને સાધુના શરીર પર ડંખ મારતી ફરી રહી હતી. પણ સાધુ ઉપર એની કોઈ અસર નહોતી. એ સ્થિતપ્રજ્ઞ ધ્યાનમાં ડૂબેલા જ હતા. રાણીએ સાપ દૂર કર્યો, કીડીઓ દૂર કરી અને સાધુના ઘાવ પર ચંદન લેપ કર્યો. સાધુની સહનશક્તિ જોઈ રાજા ખુબ પ્રભાવિત થયો. થોડા સમય પછી સાધુની આંખ ખુલી એણે દુઃખ દેનાર અને મદદ કરનાર વચ્ચે કોઈ ભેદ રાખ્યા વગર બંનેને આશીર્વાદ આપ્યા. રાજા ત્યાર પછી ભગવાન મહાવીરનો પરમ ભક્ત બની ગયો.

બૌદ્ધ શાસ્ત્રો પ્રમાણે રાજા બિમ્બીસાર આખી જીંદગી ભગવાન બુદ્ધનો શિષ્ય રહ્યો હતો અને બૌદ્ધ રીતે જ્ઞાન પણ પામ્યો હતો. બર્મિઝ ચિત્રકલા મુજબ રાજા બિમ્બીસાર પોતાનું રાજ્ય ભગવાન બુદ્ધને અર્પણ કરે છે તેવા ચિત્રો પણ મળે છે. બિમ્બીસાર જુદાજુદા રાજાઓની કુંવરીઓ સાથે લગ્નો કરી પોતાની સ્થિતિ મજબૂત કરતો હતો. તેની પહેલી પત્ની કોશલાદેવી કોશલના મહારાજા મહાકોશલની કુંવરી હતી, જે પ્રખ્યાત પ્રસેનજીતની બહેન હતી. આ કુંવરી દહેજમાં કાશી નગરી લઈને આવી હતી. બિમ્બીસારની બીજી રાણી ચેલ્લના વૈશાલીની લિચ્છવી રાજકુંવરી હતી જે મહાવીરના કાકાની દીકરી હતી. બિમ્બીસારની ત્રીજી રાણી ક્ષેમા પંજાબના મદ્ર વંશની કુંવરી હતી.

કથા કહે છે બિમ્બીસારને એના દીકરા અજાતશત્રુએ કેદ કરી રાજ કબજે કરેલું. રાજાનું મસ્તક ધડથી દૂર કરવાનો હુકમ દીકરો અજાતશત્રુ આપી ચૂક્યો હતો. પછી એને ભાન થયું કે બહુ ખોટું કરી રહ્યો છે ત્યારે તે રોકવા ગયો પણ બહુ મોડું થઈ ગયું હતું. આમ એક મહાન રાજાનો અંત એના દીકરાના હાથે જ આવ્યો.

અજાતશત્રુ પણ બુદ્ધ મહાવીરનો સમકાલીન હતો. તેના સમયમાં તેનું રાજ્ય ખુબ વિસ્તાર પામેલું. એણે વજ્જીઓ અને લીચ્છવીઓ સામે ભયંકર યુદ્ધો કરી લોકશાહી વૈશાલીનો નાશ કરી નાખ્યો હતો. આમ્રપાલી વૈશાલીની નગરવધુ હતી અને તે એના પ્રેમમાં પડેલો હતો. સુનીલદત્ત અને વૈજયંતીમાલાની આમ્રપાલી ફિલ્મ જોઈ હશે મિત્રોએ.. અજાતશત્રુએ કાશી, કોશલ અને બીજા અનેક નાના રાજ્યો જીતી લીધાં હતાં. તે સમયે મગધ ઉત્તર ભારતનું સૌથી વધુ શક્તિશાળી રાજ્ય હતું. અજાતશત્રુ કુનીકા વૈદેહીનો પુત્ર તરીકે જાણીતો હતો. જૈનોના આગમ અને બૌદ્ધોના ત્રિપિટકમાં એનું નામ છે. જૈન ગ્રંથો પ્રમાણે એની માતા ચેલના છે તો બૌદ્ધ ગ્રંથો પ્રમાણે એની માતા કોશલાદેવી છે.

જૈન કથા પ્રમાણે અજાતશત્રુની માતા રાણી ચેલના ગર્ભવતી હતી ત્યારે એને રાજા બિમ્બીસારનું હ્રદય શેકીને ખાવાની અને દારુ પીવાની તીવ્ર ઈચ્છા જાગેલી. વિચારો એક જૈન અને મહાવીરની ભક્ત સ્ત્રીને કેવી ઈચ્છા જાગેલી? તે સમયે રાજા બિમ્બીસાર અને એની બીજી રાણી નંદાના વિચક્ષણ પુત્ર અભયકુમારે હ્રદય આકારનું કોઈ જંગલી ફળ શેકીને રાણી ચેલનાને ખાવા આપી દીધું. પછી રાણી આવા રાક્ષસી વિચારો આવવાથી ખૂબ શરમજનક અનુભવવા લાગી. એને થયું આ બાળક જન્મીને કુટુંબનો નાશ કરશે. એટલે એનો જન્મ થયોને તરત મહેલ બહાર કચરામાં ફેંકાવી દીધો. પણ રાજા બિમ્બીસારને ખબર પડતા તરત તે પાછો લઈ આવ્યો પણ તે દરમ્યાન કુકડાએ એની ટચલી આંગળી કોરી ખાધેલી અને એમાંથી લોહી ટપકતું હતું. એક બાપનું હ્રદય જુઓ લોહી બંધ નાં થાય ત્યાં સુધી રાજાએ તે આંગળી મોમાં મૂકી રાખી. આજે પણ આપણે આંગળીએ કશું વાગે તો એને પહેલા મોમાં મૂકી દઈએ છીએ. ખેર ઘવાયેલી આંગળીને લીધે એનું નામ કુનીકા પડેલું. બૌદ્ધ કથા પણ આવી સરખી જ છે એમાં ખાલી રાણી ચેલનાને બદલે રાણી કોશલા છે. અને રાણીને રાજાનું હૃદય નહિ પણ રાજા બિમ્બીસારનાં હાથનું લોહી પીવાનું મન થયેલું. અને રાજા બિમ્બીસારે પાકેલી આંગળી મોમાં લઈ એને રાહત આપેલી અને એનું પરુ સુદ્ધાં ગળી ગયેલા.

જૈન કથા પ્રમાણે રાજા બિમ્બીસારે આપઘાત કરેલો પણ બૌદ્ધ કથા પ્રમાણે એમની દર્દનાક હત્યા થયેલી, તે પણ એમના વહાલસોયા પુત્રના હુકમથી. જૈન વાર્તા પ્રમાણે અજાતશત્રુ એના તાજા જન્મેલા પુત્રને ખોળામાં લઇ જમવા બેઠો હતો. એનો પુત્ર થાળીમાં મૂતરી ગયો, પણ પુત્રપ્રેમ વશ થઈ એણે થાળી બદલી નહિ અને પુત્રનું મૂત્ર કિંમતી વસ્ત્ર વડે લુછી નાખ્યું. આ જોઈ અજાતશત્રુની માતાએ જુનો પ્રસંગ વર્ણવ્યો કે તેના પિતા બિમ્બીસારે પણ ઘવાયેલી પરુયુક્ત આંગળી મોઢામાં લઈને રાહત આપેલી. અજાતશત્રુનું હૃદય પીગળી ગયું. અને હાથમાં કુહાડી લઇ કેદ રાજા બિમ્બીસારની ઝંઝીરો કાપવા ચાલ્યો પણ બિમ્બીસારને લાગ્યું કે પુત્ર નિર્દય છે મને મારવા જ આવી રહ્યો છે તો એના હાથે મરવાને બદલે પોતાની વીંટીમાં રાખેલું કાલકૂટ ઝેર ચૂસી લીધું અને મૃત્યુ મેળવી લીધું અને તે સમયે આંખો બંધ રાખી બોલ્યા હતા “ કેવલી પન્ન્તો ધમ્મ્મ શરણં પવજ્યામી”.

બૌદ્ધ કથા પ્રમાણે પિતાને હથિયાર વડે મરાય નહિ તેવીં માન્યતાને લીધે અજાતશત્રુ રાજા બિમ્બીસારને ભૂખે મારી નાખવા માંગતો હતો. એટલે કેદ પિતાને કોઈ ખાવાનું આપવામાં આવતું નહિ. રાણી કોશાલાદેવી એક જ ખાલી મળવા જઈ શકતા. તે સંતાડીને થોડું થોડું ખાવાનું લઈ જતા. પણ ચોકીદારના હાથે પકડાઈ જતા તે પોતાના વાળમાં સંતાડીને લઇ જવા માંડયા. તેમાં પણ પકડાઈ ગયા તો પગરખામાં લઈ જતા, તેમાં પણ પકડાઈ ગયા તો પોતાના શરીર પર મધના ચાર ચાર લેપ લગાવીને જતા અને તે મધ ચાટી રાજા ક્ષુધા તૃપ્તિ કરતા. પણ એમાં ય પકડાઈ જતાં રાણીનું રાજાને મળવાનું સદંતર બંધ કરી દેવામાં આવ્યું. રાજા મારતો નહોતો તો અજાતશત્રુએ હજામને એમના પગ કાપી ગરમ તેલ રેડવાનો હુકમ કર્યો, છેવટે રાજા મૃત્યુ પામ્યા. આવી વિવિધ કથાઓ હોવા છતાં એક તારણ નીકળે છે કે રાજા બિમ્બીસારને એના પુત્ર અજાતશત્રુએ જ મારી નાખેલો.

બૌદ્ધ કથા પ્રમાણે અજાતશત્રુનાં પુત્ર ઉદયભદ્રે જ એના પિતાની રાજ્ય માટે હત્યા કરેલી. જે હોય તે અજાતશત્રુના સમયમાં લગભગ આખાય ઉત્તર ભારત ઉપર એનું રાજ હતું. જૈન અને બૌદ્ધ બંને સંપ્રદાયો એને પોતાનો અનુયાયી સમજતા હતા. ભગવાન મહાવીર સાથેના એના સંવાદો નોંધાયેલા છે. એવું પણ બની શકે કે તેણે બૌદ્ધ અને જૈન બંને સંપ્રદાયોને રાજકીય આશરો આપ્યો હોય. પણ બંને સંપ્રદાયો સાથે મહાવીર અને બુદ્ધ સાથે એના સારા સંબંધો હતા તે નક્કી.

***

4 - સમ્રાટ અશોક

દીવ્યવદાન નામનો એક સંસ્કૃતમાં ગ્રંથ છે તેમાં જુદી જુદી બૌદ્ધ સાધુઓએ લખેલી વાર્તાઓ છે. એમાં અશોકાવદાન નામનું એક પ્રકરણ પણ છે જે આખું મૌર્ય સામ્રાજ્યના મહાન સમ્રાટ અશોકનું જીવન ચરિત્ર જ છે. તેમાં આ મહાન રાજા બૌદ્ધ સમ્રાટ તરીકે રજુ થાય છે. ખેર અશોકે એની પાછલી જિંદગીમાં બુદ્ધ ધર્મનો ખુબ ફેલાવો કરેલો અનેક સ્તૂપ બાંધેલા તે ઐતિહાસિક હકીકત છે. આ ‘અશોકાવાદાન’નું ચીની પ્રવાસી ફા હિએન દ્વારા ચાઇનીઝ ભાષામાં અનુવાદ પણ થયેલો છે. Jean Przyluski દ્વારા ૧૯૨૩માં ફ્રેંચ ભાષામાં અને John S. Strong દ્વારા ૧૯૮૩માં અંગ્રેજીમાં અનુવાદ થયેલો છે.

‘અશોકાવદાન’ પ્રમાણે આગલા જન્મમાં અશોક ભગવાન બુદ્ધને ખોરાક સમજી કૈક કચરા જેવું અર્પણ કરે છે. ભગવાન બુદ્ધ આગાહી કરે છે આ છોકરો બીજા જન્મમાં મહાન ચક્રવર્તી રાજા બનશે. અશોક મહાન ચંદ્રગુપ્તના પુત્ર બીન્દુસારનો પુત્ર હતો. પણ કદરૂપો હોવાથી બિન્દુસારને બહુ ગમતો નહિ. અશોકે એના ઓરમાન ભાઈઓને મારીને રાજગાદી કબજે કરેલી. તે એક ક્રૂર રાજા હતો એના ભયંકર ગુસ્સા માટે જાણીતો હતો. વાર્તા પ્રમાણે એણે ૫૦૦ મંત્રીઓને વફાદાર નહિ લાગતા મારી નાખેલા. એના હરમમાં અનેક રાણીઓ હતી એમાની કેટલીકને જીવતી બાળી નાખેલી તેવું પણ કહેવાય છે. એણે એક ટોર્ચર ચેમ્બર પણ બનાવેલી એનું નામ ‘પૃથ્વી પરનું નરક’ આપવામાં આવેલું. એને ‘અશોકનું નરક’ પણ કહેવાતું. કોઈ બૌદ્ધ કે જૈન ધર્મ ના પાળતો હોય તેવા આજીવકે બુદ્ધ મહાવીરના ચરણે પડ્યા હોય તેવું ચિત્ર બનાવ્યું હશે. આજીવક એટલે મખ્ખલી ગોશાલના નાસ્તિક લોકો. ચંદ્રગુપ્તના સમયમાં એમનો સુવર્ણકાળ હતો. દરેક પદાર્થ અણુનો બનેલો છે તેવી વૈશેષિક દર્શન વિચારધારામાં માનતા આજીવક બહુ બુદ્ધિશાળી મનાતાં. પણ હવે બુદ્ધ મહાવીરના ચરણે? કોઈ બૌદ્ધ સાધુએ ફરિયાદ કરી રાજા અશોકને. એ તો જીવથી ગયો પણ બીજા ૧૮,૦૦૦ આજીવકોને સૂળીએ ચડાવી દીધા. થોડા સમય પછી બીજા કોઈ જૈને આવું ચિત્ર ફરી બનાવ્યું તો અશોકે એના આખા કુટુંબ સહીત એના ઘરમાં જ સળગાવી દીધો. તો કોઈ નિર્ગ્રંથનું માથું કાપી લાવે તો એને સોનામહોર આપવાનું પણ ચાલુ કર્યું. એમાં કોઈએ એના ભાઈ વિતશોક ને જ મારી નાખ્યો સોનામહોરોની લાલચમાં.

સમ્રાટ અશોકનો સમયગાળો ઈસા પહેલાનો ૩૦૪ થી ૨૩૨ વચ્ચેનો ગણાય. હાલના તમિલનાડુ અને કેરલ સિવાય ઉત્તરમાં અફઘાનિસ્તાન સુધી અને ગુજરાત થી બંગાળ સુધી એનું રાજ હતું. એની રાજધાની પાટલીપુત્ર હાલના બિહારમાં હતી. એની બીજી બે પેટા રાજધાનીઓ ઉજ્જૈન અને તક્ષશિલા હતી. આશરે ઈસા પહેલા ૨૬૦માં હાલના ઓરિસ્સામાં આવલા કલિંગ ઉપર ચડાઈ કરી જે એના પૂર્વજો કદી જીતી શક્યા નહોતા. કલીન્ગના યુદ્ધમાં આશરે બે લાખ માણસો માર્યા ગયા હતા તેવું કહેવાય છે. ત્યાર પછી આ મહાન ક્રૂર રાજા કલિંગનાં યુદ્ધનો સર્વનાશ જોઈ દ્રવી ઉઠ્યો અને એણે બૌદ્ધ ધર્મ અપનાવી લીધો.

અશોકનો અર્થ થાય શોક રહિત મતલબ painless, without sorrow. તે દેવાનામ્પ્રિયા અને પ્રિયદર્શી પણ કહેવાતો હતો. એની માતાનું નામ શુભદ્રાંગી અથવા જનપદ કલ્યાણી હતું. તેને બીજી માતાઓ વડે ઘણાબધા ભાઈઓ હતા. પણ એનું યુદ્ધ કૌશલ અજોડ હતું. તેને નાનપણથી જ સખત ટ્રેનિંગ આપવામાં આવેલી. તે એક નિર્ભય શિકારી હતો. કહેવાય છે એણે લાકડીથી એક સિંહને મારી નાખેલો. તે સમયે સિંહ આખા હિન્દુસ્તાનમાં હતા. તે એક ડરામણો યોદ્ધો અને ક્રૂર સેનાપતિ હતો. અવંતીમાં થયેલા તોફાનો દબાવી દેવા સમ્રાટ બિન્દુસારે એને મોકલ્યો હતો. બિન્દુસાર એના પુત્ર સુશીમને રાજગાદી સોપવા માંગતો હતો. પણ બિન્દુસારનાં મંત્રીઓ અશોકને ગાદી પર બેસાડવા માંગતા હતા. એમાં રાધાગુપ્ત નામના મંત્રીએ મહત્વનું કામ કરેલું. અશોકે રાજા બની રાધાગુપ્તને મુખ્ય અમાત્ય બનાવવાનું કામ કરેલું. ‘દીપવંશ’ અને ‘મહાવંશ’ ગ્રંથો પ્રમાણે અશોકે તેના ૯૯ ભાઈઓને મારી નાખેલા, ફક્ત એક વિતશોક નામના ભાઈને જીવતો રહેવા દીધેલો. આમ એના ક્રૂર સ્વભાવ પ્રમાણે એનું બીજું નામ ચંડઅશોક પણ હતું. રાજગાદી મળ્યા પછી એણે આઠ વર્ષ એનું રાજ્ય વિસ્તારવામાં કાઢ્યા હતા. હાલના આસામથી બલોચિસ્તાન સુધી અને ઉત્તરમાં અફઘાનીસ્તાનના પામીર નોટ થી દક્ષિણમાં કેરાલા અને તમિલનાડુ સિવાય બાકીનું તમામ હિન્દુસ્તાન એણે કબજે કરેલું. અશોકની જિંદગીનો પૂર્વાર્ધ લોહીયાળ રહ્યો છે. પણ કલિંગનાં યુદ્ધ પછી તે સાવ બદલાઈ ગયો હતો. સૌથી ક્રૂર રાજા સૌથી વધુ દયાળુ બની ગયો ને ભારતવર્ષના ઇતિહાસમાં મહાન રાજા બની ગયો. આજે ભારતનું રાષ્ટ્રીય ચિન્હ ચાર સિંહ અને અશોક ચક્ર છે તે એની દેન છે. થાઈલેન્ડ અને શ્રી લંકા સુધી બૌદ્ધ ધર્મનો ફેલાવો એણે કર્યો.

બ્રિટીશ સામ્રાજ્યનાં શરૂઆતના દોરમાં અશોક સાવ ભુલાઈ ગયો હતો. જેમ્સ પ્રીન્સેપ, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાઈરેક્ટર જનરલ જોહન હૂબર્ટ માર્શલ સર એલેક્ઝાન્ડર કુનીઘામ જેવા બ્રિટીશ આર્કીયોલોજીસ્ટ અને લશ્કરના એન્જીનીયર જેવા મહાનુભાવોએ અશોકના ઈતિહાસને પાછો ખોદી નાખ્યો. એમનો મુખ્ય રસ સારનાથ અને સાચીનાં સ્તુપોમાં હતો, એમને રસ હતો મહાબોધિ મંદિરમાં. બ્રિટીશ આર્કિયોલોજીસ્ટ મોર્ટીમેર વ્હીલરે તક્ષિલાનાં અશોકના ઐતિહાસિક પ્રમાણ ખોદી કાઢ્યા. અશોક વિષે જે પણ આજે જાણીએ છીએ તેમાં આ બ્રિટીશ મહાનુભવોનો બહુ મોટો ફાળો છે તો બીજો મહત્વનો ફાળો પાલી ભાષામાં લખાયેલા શ્રી લંકાના દીપવંશ અને મહાવંશ નો છે.

અશોકે ઠેર ઠેર અશોક સ્તંભ બનાવેલા હતા. આવા ૩૩ અશોક સ્તંભ મળ્યા છે. એમાં ઘણું બધું લખેલું છે જેતે સમયની ભાષામાં. મહાવંશ શ્રી લંકાના રાજાએ લખેલી પાલી ભાષામાં લખેલી કવિતા છે. જેમાં કલિંગનાં રાજા વિજય થી રાજા મહાસેન (543 BCE to 361 BCE) ના સમયગાળાનું વર્ણન છે. તો દીપવંશ શ્રી લંકાના ઇતિહાસનો સૌથી જુનો ઐતિહાસિક રિકોર્ડ છે. બૌદ્ધ, જૈન, બ્રાહ્મણ અને આજીવક તમામને પાછળથી સપોર્ટ કરતો પણ એનો મુખ્ય ધર્મ બૌદ્ધ બની ચૂક્યો હતો. વેદિક પશુબલિદાન ઉપર તેણે પ્રતિબંધ મૂકી દીધેલો. એણે અસંખ્ય સ્તૂપ, સંઘરામ, વિહાર, અને ચૈત્ય બનાવેલા હતા. એની એકની એક પુત્રી સંઘમિત્રા અને પુત્ર મહેન્દ્રને બૌદ્ધ ધર્મના ફેલાવા માટે શ્રી લંકા મોકલી આપેલા. એણે પ્રખ્યાત બૌદ્ધ સાધુઓ અને સ્થવિરોને દેશવિદેશ મોકલ્યા હતા. માધ્યમિક સ્થવીરને કાશ્મીર અને અફઘાનિસ્તાન મોકલ્યા હતા તો મહારક્ષિત સ્થવીરને સીરિયા, પર્શિયા, ઈરાન, ઈજીપ્ત, ગ્રીસ, ઇટલી અને તુર્કીમાં મોકલ્યા હતા. મસ્સીમ સ્થવીરને નેપાળ ભૂતાન ચીન અને મંગોલિયા મોકલ્યા હતા. સોહનઉત્તર સ્થવીરને કમ્બોડિયા, લાઓસ, બારમાં, થાઈલેન્ડ અને વિએતનામ મોકલ્યા હતા. મહાદ્ધમ રખ્ખીતા સ્થવીરને મહારાષ્ટ્રમાં અને મહારખ્ખિત સ્થવીરને દક્ષિણ ભારતમાં મોકલ્યા હતા. એણે બુદ્ધ સાધુઓને ગ્રંથો રચવા પણ ખુબ મદદ કરેલી.

અશોકનો મિલીટરી પાવર ખુબ મજબૂત હતો પણ બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી તે દક્ષિણ ભારતના ચેરા, ચૌલા અને પાંડય રાજાઓ જોડે મૈત્રીપૂર્ણ રહ્યો. એણે ઠેર ઠેર ખુબ રોડ રસ્તાઓ, વાવો, કુવાઓ બનાવ્યા. પુષ્કળ વૃક્ષો પણ વવડાવ્યા. પશુઓના બલિદાન બંધ કરાવ્યા પણ સામાન્ય માંસાહાર પ્રત્યે એને કોઈ વિરોધ નહોતો. એણે માદા બકરીઓ, ઘેટાઓની કતલ પર પ્રતિબંધ મુકેલો. છ મહિનાના પશુબાળ ઉપર પણ પ્રતિબંધ હતો. ચાતુર્માસ વખતે પણ પશુઓની કતલ ઉપર પ્રતિબંધ મૂકેલો હતો. એણે એના હાથ નીચેના તમામ રાજાઓને પણ શિકાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધેલો હતો. એના રાજ્યમાં પશુઓ એક સામાન્ય નાગરિકની જેમ જીવી શકતા અને માનવો જેવા તમામ હક મળતા તો તેમના માટે સ્પેશલ દવાખાના હતા. આ દુનિયાના ઇતિહાસમાં કદાચ પહેલી અને છેલ્લીવાર બન્યું હશે.

૨૪ આરી વાળું અશોકચક્ર બીજું કાઈ નહિ ધર્મ ચક્ર હતું. જે આજે ભારતના રાષ્ટ્રધ્વજમાં છે.

સમ્રાટ અશોકના ઉલ્લેખ વિના ભારતનો ઇતિહાસ, ઇતિહાસ જ ના કહેવાય. ભારતવર્ષમાં અનેક અજોડ મહાન રાજાઓ થઈ ગયા પણ મહાન મૌર્ય ચંદ્રગુપ્ત અને તેના પૌત્ર મહાન અશોકની તોલે આવે એવા કોઈ થયા નથી.

***

5 - સમ્રાટ સમુદ્રગુપ્ત

મૌર્ય વંશના મહાન અશોક પછી મૌર્ય રાજાઓ નબળા પડતાં ગયા. ઈસા પહેલા ૧૮૫માં મૌર્ય વંશના છેલ્લા રાજા બૃહદ્રથનાં બ્રાહ્મણ સેનાપતિ જનરલ પુષ્યમિત્ર શૃંગે એની હત્યા કરીને રાજગાદી પચાવી પાડી. આમ મહાન મૌર્ય ચંદ્રગુપ્ત અને અશોકના વંશની આણ ભારતવર્ષ પરથી કાયમી સમાપ્ત થઈ ગઈ. અશોક જેમ બૌદ્ધ ધર્મનો રખેવાળ અને પ્રચારક બનેલો તેનાથી વિરુદ્ધ પુષ્યમિત્ર બૌદ્ધ ધર્મનો સંહારક બનેલો તેવું કહેવાય છે. એણે બૌદ્ધ સાહિત્યનો, શાસ્ત્રોનો નાશ કર્યો, હજારો બૌદ્ધ સાધુઓની કતલ કરી અને કરાવી ૫૦૦ જેટલા બૌદ્ધ મઠ કાશ્મીરની આસપાસમાં જ નાશ કરી નાખ્યા એવું કહેવાય છે. એક બૌદ્ધ સાધુના મસ્તક સાટે ૧૦૦ સોનામહોરો આપવામાં આવતી તેવું પણ કહેવાય છે. અશોકના સમયમાં જે બૌદ્ધ ધર્મની ભારતમાં બોલબાલા હતી તે કાયમ માટે મટી ગઈ. ત્યાર પછી ભારતમાં ક્યારેય બૌદ્ધ ધર્મનો સૂરજ ફરી કદી ઝળહળ્યો નહિ. આજ સુધી એજ દશા છે. બૌદ્ધ ધર્મ ત્યાર પછી વાયા તિબેટ ચીન અને બીજા દેશોમાં સ્થાનાંતરિત થઈ ગયો. આજે પણ અમેરિકા અને યુરોપના ઘણાબધા લોકો બુદ્ધને ચાઇનીઝ સમજે છે, ભારતના નહિ..

શુંગ વંશનું રાજ ઈસા પૂર્વે ૭૩ સુધી ચાલેલું. ત્યાર પછી કણ્વ વંશ આવ્યો. કણ્વ વંશનો સ્થાપક વાસુદેવ કણ્વ પણ શુંગ વંશના છેલ્લા રાજા દેવભૂતિનો અમાત્ય જ હતો. વચ્ચેનો ઇતિહાસ અસ્પષ્ટ છે. પણ ગુપ્ત સામ્રાજ્યની શરૂઆત સન ૨૪૦ થી થઇ હતી તેવું મનાય છે. ગુપ્ત વંશના સ્થાપક પહેલા રાજા શ્રી ગુપ્ત હતા. કોઈ ઇતિહાસકાર એમને અલ્હાબાદ પ્રયાગ તરફના કહે છે કોઈ અવધના તો કોઈ બંગાળના કહે છે. શ્રી ગુપ્ત પછી એનો પુત્ર ઘટોત્કચ ગાદી પર આવ્યો પણ તે બહુ જાણીતો નથી. ત્યાર પછી ગાદી ઉપર એનો પુત્ર ચંદ્રગુપ્ત પ્રથમ આવ્યો. આ ચંદ્રગુપ્ત પ્રથમનું અશોકના દાદા અને ચાણક્યના ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કન્ફ્યૂજન કરવું નહિ. લિચ્છવી રાજકુમારી કુમારદેવી સાથે લગ્ન કરીને રાજકીય જોડાણ કરી એક નાનકડા રાજ્યની સીમાઓ વધારવાનું કામ આ રાજવીએ કરેલું.

ચંદ્રગુપ્ત પ્રથમનો પુત્ર હતો મહાન સમુદ્રગુપ્ત. સન ૩૩૫ થી ૩૮૦ એનો સમય કાળ. પણ ગ્રેટ મિલિટરી જનરલ એવા આ રાજાએ ગુપ્ત સામ્રાજ્યને નવી દિશાઓ આપવાનું કામ કર્યું. આજુબાજુના નાનામોટા તમામ રજવાડાઓને યુદ્ધો કરી પોતાના રાજમાં ભેળવી દીધા. ઉત્તરમાં નેપાળ પંજાબ દક્ષિણમાં પલ્લવ અને કાંચીપુરમ સુધી એનો કાબુ હતો. સમુદ્રગુપ્ત ચન્દ્રગુપ્તનો સૌથી મોટો પુત્ર નહોતો. એના મોટાભાઈઓ હતા પણ પિતા ચંદ્રગુપ્તની પસંદગીથી એ સમ્રાટ બનેલો. પિતાની પસંદગી ખોટી નહોતી. તે એક બાહુબલી રાજા હતો. એણે બહાર પાડેલા ચલણી ધાતુના સિક્કાઓમાં એનું મજબૂત સ્નાયુબદ્ધ શરીર કોતરવામાં આવેલું છે. એના શરીર પર યુદ્ધમાં સક્રિય ભાગ લેવાના કારણે સેંકડો ઘાવના નિશાન હતા. સમુદ્રગુપ્તના સમયમાં ભારતનો સુવર્ણકાળ શરુ થયો. કલા, સાહિત્ય અને સ્થાપત્યનો સુવર્ણ યુગ શરુ થયો.

સમુદ્રગુપ્તના ઇતિહાસનો મુખ્ય સ્ત્રોત અલ્હાબાદમાં આવેલો એક સ્તંભ છે. ભાલા, બરછી, પરશુ, તીર અને તલવાર જેવા અનેક યુદ્ધ હથિયાર વડે અનેક ઘાવ પામેલા સમુદ્રગુપ્તના આકર્ષક શરીરનું તેમાં વર્ણન છે. તે સમયે કયા પ્રદેશમાં કયા રાજાઓ હતા તેનું પણ વર્ણન છે. સમુદ્રગુપ્ત ચક્રવર્તી રાજા, રાજાધિરાજ કહેવાતો. આ ગ્રેટ મિલિટરી જનરલ રાજાએ બંગાળ, આસામ, નેપાળ, પંજાબ, રાજસ્થાન, પલ્લવ કિંગડમ કાંચીપુરમ બધા ઉપર કાબુ મેળવી લીધો હતો. ઉત્તર ભારતના 9 અને દક્ષિણના ૧૨ રાજાઓને હરાવી પોતાના સામ્રાજ્યના ભાગ બનાવી દીધેલા. કહેવાય છે તે અજેય હતો કદી એક પણ યુદ્ધ હારેલો નહિ. એની પાસે જબરદસ્ત નૌકાદળ પણ હતું.

મહત્વની વાત એ હતી કે સમુદ્રગુપ્તે જુદી જુદી જાતના સોનાના સિક્કા ચલણ તરીકે બહાર પાડેલા. એના પરની કોતરણી પરથી પણ સમુદ્રગુપ્તની મહત્તા જણાય છે. સમુદ્રગુપ્ત કલા અને સાહિત્યનો પોષક રાજા હતો. એણે કવિઓ, સંગીતકારો અને અન્ય કલાકારોનો બહુ મોટો સમૂહ એના દરબારમાં એકત્ર કરેલો. આ મહાન રાજા એક યોદ્ધો, સેનાપતિ, કવિ, સંગીતકાર અને દાનવીર હતો. એની કવિરાજ તરીકેની પણ એક ઓળખ હતી પણ કમનસીબી છે કે એની એકેય કવિતા સચવાયેલી મળતી નથી. વીણા વગાડતા સિક્કાઓમાં એ સંગીતકાર હતો તે છતું થાય છે. એ હિંદુ વૈષ્ણવ રાજા હતો પણ બીજા ધર્મો પ્રત્યે એને કોઈ દ્વેષભાવ નહોતો. વાસુબંધુ નામના બૌદ્ધ વિદ્વાનનો તે બહુ આદર કરતો તો સિલોનના રાજા મહેન્દ્રની વિનંતી ધ્યાનમાં લઈ બોધ ગયામાં બૌદ્ધ મઠ બાંધી આપેલો તે સાબિત કરે છે કે તેને બૌદ્ધ ધર્મ પ્રત્યે કોઈ દ્વેષ નહોતો.

અલ્હાબાદ ઇન્સ્ક્રીપ્શન મુજબ હારેલા રાજા અને પ્રજા પ્રત્યે અનુકંપાથી ભરેલો આ રાજા હજારો ગાયો દાનમાં આપતો. એણે અશ્વમેધ યજ્ઞ કરેલો. એણે બહાર પાડેલા સિક્કાઓ પર અશ્વમેધ યજ્ઞનો ઘોડો કોતરેલો છે. આ રાજાઓ અનેક લગ્નો કરતા. એમાં વિલાસિતા કરતા વિદેશ નીતિ વધુ હતી. આ બહુ લગ્નો મજબૂત વિદેશનીતિનો એક ભાગ રહેતા. ગુપ્ત રાજાઓ બીજા રાજાઓ સાથે, સૌરાષ્ટ્ર કાઠીયાવાડનાં શક અને ક્ષત્રપ રાજાઓ, દક્ષિણના જુદા જુદા રાજાઓનાં રોયલ કુટુંબો સાથે લગ્ન સંબંધ બાંધી મિત્રાચારી વધારી પોતાની સ્થિતિ મજબૂત કરતા હતા.

કહેવાય છે ગુપ્ત રાજાઓ જન્મે ક્ષત્રિય નહિ પણ વૈશ્ય હતા. શૃંગ રાજાઓ જન્મે બ્રાહ્મણ હતા. તે સમયે વર્ણ વ્યવસ્થા આટલી જન્મ આધારિત સખત નહિ હોય પણ કર્મ આધારિત હશે. તકલીફ એ છે કે આપણી પાસે આ રાજાઓનો કોઈ સોલીડ ઇતિહાસ મળતો નથી. ઇતિહાસ લખવાને બદલે આપણે ફિક્શન જેવા પુરાણો જ લખે રાખ્યા છે. જે ઈતિહાસ શોધીએ છે તે શીલાલેખોના આધારે અને ચીની કે બીજા પ્રવાસીઓની નોધો પરથી શોધવો પડે છે. અથવા જે પણ લખ્યો હશે તે મુસલમાન આક્રાન્તાઓએ બાળી નાખ્યો હશે. મૌર્ય રાજાઓ અને અશોકનો ઈતિહાસ વર્ષો સુધી આપણને ખબર જ નહોતી. અશોકના શિલાલેખો અને શ્રી લંકન બૌદ્ધ ગ્રંથો પરથી ઈતિહાસ શોધવો પડ્યો છે. જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં પણ પોતાની મહત્તા બતાવવા જે તે રાજાને જૈન કે બૌદ્ધ દર્શાવેલો હોય છે. જે તે સમયે લખાયેલી કવિતાઓ અને નાટકો પરથી ઇતિહાસ શોધવો પડે છે. આપણો બધો ઈતિહાસ તક્ષશિલા અને નાલંદામાં પુસ્તકો રૂપે જરૂર સચવાયેલો હશે પણ મુસલમાન આક્રમણકારોએ બધું સળગાવી માર્યું એમાં બધું નાશ પામ્યું હશે. નાલંદામાં ત્રણ માળની બહુ મોટી લાઈબ્રેરી હતી. એમાં એટલા બધા પુસ્તકો હતા કે એને મહિનાઓ સુધી તે સળગતા રહેલા.

સમુદ્રગુપ્તનો પ્રમાણિત ઇતિહાસ મળે છે તે અલ્હાબાદ સ્તંભ અશોક સ્તંભ છે. એના પર પહેલા સમ્રાટ અશોક વિષે લખેલું છે પછી સમુદ્રગુપ્ત વિષે કોતરેલું છે પછી મુઘલ બાદશાહ જહાંગીરે કોતરાવેલું છે. મૂળ જગ્યાએ થી અકબરના અલ્હાબાદ કિલ્લામાં પાછળથી ખસેડાયેલો આ સ્તંભ હાલ ભારતીય આર્મીના કબજામાં છે અને સ્પેશલ પરમીશન વગર જોવા મળતો નથી. અશોકના શિલાલેખ મુજબ આ સ્તંભ હાલના સ્થળેથી ૩૦ કિમી દૂર કોશલ રાજ્યના કોશંબી નગરીમાં હતો. મુસ્લિમ રાજકર્તાઓ દ્વારા પાછળથી તે અલ્હાબાદ ખસેડાયો હશે.

ભારતવર્ષના સુવર્ણકાળના ઇતિહાસનો આ મહત્વનો દસ્તાવેજ આ સ્તંભ ૧૩મી સદી સુધી અનેક વાર ધ્વસ્ત કરાયો અને ફરી ફરી ઉભો કરાયો. ૧૮૩૪મા તે અલ્હાબાદના કિલ્લામાં વરસાદમાં પલળતો ભાગેલો તૂટેલો ધૂળ ખાતો આડો પડી રહ્યો હતો, ત્યારે પહેલી વાર એને જોઇને એશિયાટિક સોસાયટીનાં જેમ્સ પ્રીન્સેપ નામના અંગ્રેજના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ હતી. અશોકનું વર્જન બધું બ્રાહ્મી લીપીમાં લખેલું છે જ્યારે સમુદ્રગુપ્ત વિશેનું બધું સરસ શુદ્ધ સંસ્કૃતમાં લખેલું છે. સમુદ્રગુપ્તના એક કવિ તથા મંત્રી હરીસેન દ્વારા આલેખાયેલું છે. જહાન્ગીરનું બધું પર્શિયનમાં લખેલું છે.

ખેર સમુદ્રગુપ્ત ભારતના ઇતિહાસનું અને ભારતના સુવર્ણ કાળનું મહત્વનું અમર પાત્ર હતું અને કાયમ રહેશે. સમુદ્રગુપ્ત અને તેના પુત્ર ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારત જે ઊંચાઈઓ ઉપર પહોચેલું ત્યાં પછી કદી પહોંચી શક્યું નથી તે પણ એક હકીકત છે.

***