શત્રુંજય ઉપર આવેલ સવા સોમની ટૂંકનો ઇતિહાસ
જૈનોના તીર્થધામોમાં શત્રુંજય પર્વત ઘણો જ પવિત્ર ગણાય છે. ગુજરાતના અમદાવાદથી લગભગ ૨૪૦ કી. મી. દૂર આવેલા પાલીતાણા શહેરમાં તે આવેલો છે. તે તેની નવ ટૂંક માટે જાણીતો છે. તેમાંની એક પર્વતની ટોચ પર આવેલી ચૌમુખજીની ટૂંક છે. અહીં ત્યાં બંધાયેલા મંદિરોની રસપ્રચુર વાર્તા રજુ કરું છું.
૧૬ મી સદીની વાત છે. જ્યારે મોગલ સમ્રાટ અકબર ભારત પર રાજ્ય કરતો હતો ત્યારે ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર પ્રાંતમાં વંથળી નામના નાના શહેરમાં સવચંદ જેરામ નામનો વેપારી રહેતો હતો. તેનો વેપાર ઘણો મોટો હતો. ઇન્ડોનેશિયા અને બીજા દેશોમાં માલની નિકાસ કરવા ઘણાં વહાણનો ઉપયોગ કરતો. મુસાફરી દરમિયાન એક દેશમાંથી માલ ખરીદતા અને બીજા બંદરે વેચતા.
કિંમતી માલ સામાન સાથે એક વખત બાર વહાણનો કાફલો લઈને નીકળ્યા. પરદેશના બંદરે બધો માલ વેચી દીધો અને પાછા ફરતાં એવો જ કિંમતી માલ ખરીદતા આવ્યા. પાછા ફરતાં સમુદ્રના પ્રચંડ તોફાનમાં ફસાયા અને એક ટાપુ પર રોકાઈ જવું પડ્યું. એ દરમિયાન ચોમાસુ બેસી જવાથી તે ટાપુ પર મહિનાઓ સુધી રોકાઈ જવું પડ્યું. લાંબા સમય સુધી વહાણો પાછા ન ફરવાને લીધે સવચંદના વહાણ વિભાગના પ્રતિનિધિએ વહાણો ક્યાં અટવાયાં છે તેની તપાસ શરૂ કરી. ઘણાં પ્રયત્નો કરવા છતાં વહાણનો કાફલો ક્યાં છે તે જાણી નહીં શકવાથી તેમણે વહાણો ગુમ થયા તેની જાણ સવચંદને કરી.
સવચંદને આ ઘણું મોટું નુકસાન હતું. તેણે પરદેશના વેપાર માટે ઘણી મોટી મૂડી રોકી હતી. અને વહાણો પાછા ફરતાં મોટો વેપાર કરી સારું એવું ધન મેળવીને આવશે એવી આશા હતી. વહાણોને કારણે જે નુકસાન થયું તે ઘણું મોટું હતું. તેને પૈસાની તંગી વર્તાવા લાગી. લેણદારોને પૈસા પાછા આપવાની પણ મુશ્કેલી પડવા લાગી. વહાણો ગુમ થયાના સમાચાર લોકોમાં ફેલાયા તેની સાથે લોકો સવચંદે બધું ગુમાવી દીધું છે તેવી વાતો કરવા લાગ્યા. અને પોતાની મૂડી ન ડૂબે તે હેતુથી કડક ઉઘરાણી કરવા લાગ્યા.
સવચંદ ખૂબ જ પ્રામાણિક અને ધાર્મિક પ્રકૃતિનો માણસ હતો. તેની પાસે જે કંઈ બચ્યું હતું. તેમાંથી શક્ય એટલાને તેમની મૂડી પાછી આપવાના પ્રયત્નો કર્યા. વંથલીની નજીક આવેલા માંગરોળનો રાજકુમાર પણ તેમાંનો એક હતો. તેણે રૂ. એક લાખ સવચંદને ત્યાં મૂક્યા હતા. આ ઘણી મોટી મૂડી કહેવાય કારણ કે ત્યારનો એક રૂ. બરાબર આજના ૨૫૦ રૂ. થાય.
જ્યારે રાજકુંવરે સવચંદના વહાણો ડૂબી ગયાનું જાણ્યું ત્યારે તે પણ અધીરો થઈ ગયો અને પોતાની મૂડી પાછી માંગી. સવચંદ આવડી મોટી રકમ તાત્કાલિક આપી શકે તેમ ન હતો. એણે રાજકુમારને પોતે પૈસા મેળવી શકે ત્યાં સુધી થોભવા કહ્યું. પણ રાજકુમારને તો તાત્કાલિક પૈસા જ જોઈતા હતા. સવચંદનું નામ અને આબરુ અત્યારે દાવ પર હતા. પોતાની આબરુ બચાવવા એણે રાજકુમારને પૈસા આપવાનો રસ્તો શોધવાનો હતો.
તે સમયે અમદાવાદમાં સોમચંદ અમીચંદ નામનો વેપારી રહેતો હતો. સવચંદને એની સાથે કોઈ ધંધાદારી સંબંધ ન હતો. પણ તેણે સોમચંદની પેઢી વિશે અને તેની ખાનદાની વિશે સાંભળ્યું હતું. તેના મનમાં એકાએક એક વિચાર આવ્યો. રાજકુમારને સોમચંદની પેઢીના નામે એક હુંડી લખી આપવી જેથી રાજકુમારને શાંતિ થાય. રાજકુમાર તો આ રીતે પણ પૈસા મળતા હોય તો કબુલ હતો. સોમચંદની મંજૂરી વગર તેણે રાજકુમારને સોમચંદની પેઢીના નામે હુંડી લખી આપી. કોઈ ધંધાદારી સંબંધ ન હોવાને કારણે સંવચંદને એવો કોઈ હક્ક ન હતો. તેથી તે ખૂબ ઉદાસ થયો અને તેની આંખોમાંથી આંસુ નીકળીને ગાલ પર રેલાવા લાગ્યા. થોડાં ટીપાં લખેલી હુંડી પર પડીને ફેલાયા. ભારે હૈયે સવચંદે તે હુંડી રાજકુમારના હાથમાં આપી અને સોમચંદની પેઢી પર જઈને વટાવવા કહ્યું.
રાજકુમાર ઘડીનો પણ સમય બગાડ્યા વગર પહોંચી ગયો. અને સોમચંદની પેઢી પર હુંડી વટાવવા માટે આપી. ખજાનચીએ હુંડી હાથમાં લઈને હાથ નીચેના કારકુનને સવચંદનો હિસાબ જોવા કહ્યું. માણસે આખો ચોપડો ઉથલાવી જોયો પણ ક્યાંય સવચંદના નામનું ખાતું ન હતું. કારકુને જણાવ્યું કે સવચંદને કોઈ ધંધાદારી સંબંધ નથી. ખજાનચી સોમચંદ પાસે ગયો અને જણાવ્યું કે વંથલીના સવચંદે હુંડી લખીને વટાવવા મોકલી છે પણ આપણે તેમ કરી શકીએ તેમ નથી.
આ જાણીને સોમચંદ મૂંઝવણમાં પડી ગયો. સવચંદ વંથલીનો બહુ મોટો વેપારી છે અને તેનું નામ બહુ મોટું છે એવું તે જાણતો હતો. સવચંદને મારી પેઢી સાથે કોઈ ધંધાકીય સંબંધ ન હોવા છતાં આટલી મોટી રકમની હુંડી કેમ લખી હશે તે તેને સમજાતું નથી. એણે હુંડી હાથમાં લઈને જોયું તો સવચંદના આંસુથી અક્ષરો ખરડાયેલા હતા. આંસુના ટીપાં પડવાથી તે સમજી ગયા કે સવચંદ કોઈ મોટી મુસીબતમાં હશે અને મરણિયો બની વિચાર્યા વિના લખવા ખાતર લખી હશે.
સવચંદે મારામાં આંધલો વિશ્વાસ મૂકીને આ હુંડી લખી છે તેવું સોમચંદ સ્પષ્ટપણે સમજી ગયા. હવે મારે એ વિશ્વાસ ચરિતાર્થ કરી બતાવવાનો છે. આવી આપત્તિમાં આવી પડેલા ખાનદાન માણસને મદદ કરવા માટે મારી મૂડી કામ ન આવે તો તે મારી સંપત્તિ શા કામની? એણે મદદ કરવાનું નક્કી કર્યું અને ખજાનચીને હુંડીના નાણાં ચૂકવી આપવા કહ્યું. ખજાનચી મૂંઝાયો. સવચંદનું ખાતું તો હતું નહીં તો આ મૂડી કયા ખાતામાં ઉધારવી? સોમચંદે પોતાના વ્યક્તિગત ખાતામાં એ મૂડી ઉધારવા કહ્યું.
હુંડી સ્વીકારાઈ અને રાજકુમારને તેમના પૈસા મળી ગયા. ખરેખર તો રાજકુમારને પૈસાની અત્યારે કોઈ જરૂરિયાત જ ન હતી પણ સવચંદની આર્થિક સદ્ધરતામાં શંકા પડવાથી જ આમ કર્યું હતું. એને સવચંદની આબરુ માટે જે શંકા કરી તેનો પસ્તાવો થવા લાગ્યો. ઘેર જતાં રસ્તામાં સવચંદની પેઢી પર જઈ પોતાની મૂડી અમદાવાદથી મળી ગઈ છે તે જણાવ્યું. સવચંદે ખરા હૃદયથી સોમચંદનો આભાર માન્યો.
આ બાજુ વર્ષાઋતુ પૂરી થતાં વહાણનો કાફલો બધા માલસામાન સાથે પાછો ફર્યો. સવચંદ ઘણો જ ખુશ થયો અને નિરાંતનો શ્વાસ લીધો. એ માલસામાન વેચીને એણે મોટી મૂડી ઊભી કરી. વહાણો ગૂમ થયા પૂર્વે જે આબરુ હતી તેના કરતાં પણ તેની આબરુ વધી ગઈ. સોમચંદને પૈસા પાછા આપવાનો હવે એનો સમય હતો. આ હેતુથી તે અમદાવાદ ગયો અને એક લાખ રૂ. વ્યાજ સાથે પાછા વાળ્યા. સોમચંદના ચોપડામાં સવચંદના ખાતે કોઈ પણ રકમ બાકી બોલતી ન હતી તેથી તેણે તે પૈસા સ્વીકારવાની ના પાડી. દેવું ચૂકવ્યા વિના ઘેર પાછા પણ કેમ જવાય? એણે સોમચંદને ખૂબ દબાણ કરીને સોમચંદ જે રકમ કહેશે તે આપવાની તૈયારી બતાવી. વધુમાં કહ્યું કે જો તે આપવામાં નિષ્ફળ જશે તો હુંડી લખ્યાનો અફસોસ થશે. સોમચંદે જવાબ આપ્યો કે આંસુના બદલામાં તો હુંડી ખરીદી હતી. એ આંસુના બે ટીપાં વાળો માણસ રૂ. બે લાખ કરતાં પણ વધુ કિંમતી હતો. મેં તો રાજકુમારને રૂ. એક લાખ જ આપ્યા હતા. બાકી રૂ. એક લાખ આપવાના તો હજુ બાકી છે.
પણ સવચંદ એ કેમ સ્વીકારી શકે? સોમચંદે પોતાની હુંડી સ્વીકારી પોતાના પર કૃપા કરી છે તેથી તે તેનો ઋણી હતો. સોમચંદ કહે તેટલી રકમ તે આપવા તૈયાર હતો. રકમ સ્વીકારવાને બદલે સોમચંદ તો સામેથી રૂ. એક લાખ તેને હજુ આપવા માંગતો હતો. સવચંદ વારંવાર હુંડીની રકમ સ્વીકારવા કાલાવાલા કરતો હતો. તો સોમચંદ કહેતો કે મારા ચોપડામાં તમારા નામની બાકી રકમ છે જ નહીં તો હું કેમ સ્વીકારું? એક રીતે જોઈએ તો સોમચંદ સાચો હતો કારણ કે હુંડીની રકમ એણે પોતાના વ્યક્તિગત ખાતામાંથી આપી હતી.
રામાયણમાં એક બહુ સરસ પ્રસંગ છે. જ્યારે રામ અને ભરત બંનેમાંથી કોઈ રાજ્ય સ્વીકારવા તૈયાર નથી. બંને એકબીજાને રાજ્ય સ્વીકારવા સમજાવે છે. એના જેવો જ ઘાટ અહીં સવચંદ અને સોમચંદ વચ્ચે થયો છે. બંને જણા બહુ મોટી રકમ એક બીજાને આપવા ઇચ્છે છે પણ બેમાંથી કોઈ તે સ્વીકારવા તૈયાર નથી. સવચંદે તો હુંડીની રકમ સ્વીકારવાની વાત સતત ચાલુ રાખી તો સોમચંદે ના તો પાડી પણ હવે તો બાકીના એક લાખ રૂપિયા પણ સવચંદે સ્વીકારી જ લેવા જોઈએ તેવી જિદ્દ કરી. છેવટે જૈનસંઘને લવાદ તરીકે નીમી તે જેમ કહે તેમ કરવું તેવું નક્કી કર્યું.
અમદાવાદના જૈન સંઘના અગ્રણીઓએ બંનેને સાથે જ બોલાવ્યા. બંનેને શાંતિથી સાંભળ્યા પછી નક્કી કર્યું કે બંનેમાંથી કોઈને તે રકમ સ્વીકારવી નથી તો તે પૈસા સારા ઉમદા કામમાં વાપરવા જોઈએ. બંને જણા સહમત થયા અને તે રકમમાં સારી એવી રકમ ઉમેરી શત્રુંજય પર્વત પર મંદિરો બંધાવવા. વહેલામાં વહેલી તકે બાંધકામ શરૂ કરવાનું નક્કી કર્યું. મંદિરોનું કામ પૂર્ણ થતા ઈ. સ. ૧૬૧૯ માં ખૂબ ધામધૂમથી તેની ઉદ્ઘાટન વિધિ કરવામાં આવી. તેમની સ્મૃતિમાં તે મંદિરો આજે પણ સવા-સોમની ટૂંક તરીકે ઓળખાય છે.