Raja, Mathapati ne mantri - 2 in Gujarati Short Stories by Dhumketu books and stories PDF | રાજા, મઠપતિ ને મંત્રી (2)

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

રાજા, મઠપતિ ને મંત્રી (2)

રાજા, મઠપતિ અને મંત્રી (ચાલુ)

રાજા ભીમદેવ જવું કે ન જવું તેનો વિચાર કરતો ત્યાં ચમકીને ઊભો રહી ગયો. દામોદર પણ વિચારમાં પડી ગયો. તેને લાગ્યું કેજો રાજા થોડીવારમાં કોઈ પણ નિશ્ચયાત્મક પગલું લઈ લેશે તો પછી આ કોયડો વધુ મુશ્કેલ બની જશે. એક વખત એ એવું પગલું લેશે, મઠપતિ મહારાજનું ગૌરવ ખંડિત કરવા જેવું એને હાથે થી જશે, તો એ વાત માત્ર આંહીં જ દબાઈ નહિ જાય. એ વાત તરત જ પ્રગટ થઈ જશે. એ રા’ને પવનવેગે મળી જશે. રા’ એનું કારણ જાણશે, એ જાણે તો છે જ. તો છેવટે વાત વીફરશે. એમાંથી મહારાજ માટે આંહીં એક નવો જ ભયંકર કોયડો ઊભો થશે. પોતાની યોજના એળે જશે. વીરોનો સંકલ્પ નિરર્થક બનશે. ધૂર્જટિના શબ્દોનું સૂચન પણ દામોદરને અત્યારે ઘણું ભયંકર પરિણામ લાવનારું જણાયું હતું. એ સૂચન તો નિત્ય ઘર્ષણ જન્માવનારું હતું. એમાંથી રાજાનું ગાદીગૌરવ જ હણાઈ જવાનો પ્રસંગ ઊભો થઈ જાય. રા’ને છટકવાનો સંભવ પણ ઊભો થાય. ભીમદેવના એક શબ્દે, એક પગલે, સોમનાથના નવા મંદિરનો પાયો જ હલબલી ઊઠે. અત્યારે દેવનર્તિકા વિશે રાજા મઠપતિને કાંઈ પણ ગૌરવભંગ જેવું બોલે, એમાં મહાન આપત્તિ હતી. રાજા ભીમદેવના ઉત્કટ પ્રેમને એ જાણતો હતો, એ જાગ્રત થયો હતો. એની શૂરવીરતાની પેઠે એનો પ્રેમ પણ અલૌકિક હતો. આ મહાન પરાભવને સહન કરવાનું બળ અને પ્રેરણા જ્યાંથી મળવાનું તેને લાગ્યું ત્યાં, એ આધાર માટે, વળી ગયો હતો. એ તદ્દન જ સ્વાભાવિક હતું. ચૌલાને એણે નાનપણથી જાણી હતી. એ એના હૃદયમાં હંમેશાં રહી હતી. અત્યારે એ ફરીને પ્રગટી હતી. ધૂર્જટિના શબ્દો સ્પષ્ટ હતા. એમાં ચૌલાને મહારાણીપદે સ્થાપવાનો ચોખ્ખો આદેશ જ જાણે હતો. દેવપુષ્પ તરીકે એ હવે ન રહી શકે, એ મઠપતિની વાત હતી. એને એણે પણ માન્ય રાખી હતી. પણ દેવનર્તિકા તો, રાજાને એક ચક્રવર્તી આદર્શ માટે તૈયારી કરવાનું સૂચવી રહી હતી. દામોદરે એ વાત ત્યાં ખડકોમાં ઊભાં ઊભાં સાંભળી હતી. એટલે એ દેવનર્તિકા શું રાજાના પ્રેમનો અત્યારે સ્વીકાર પણ કરે ? ન જ કરે. પણ એ ઉપરથી જો રાજા ભીમદેવ, અત્યારે કોઈ સાહસભરેલું પગલું ભરી બેસે, તો ભયંકર ઘર્ષણ થાય. અને રાજાની બેપરવાઈ શૂરવીરતા એવું જ પગલું ભરાવે એ કુદરતી હતું. તેમ જ પોતે અપરાધી છે. એ વિચારવાયુમાં જઈ ચડે તો પણ નિરુત્સાહી થઈ જાય. રાજા કદાપિ પણ એવું પગલું લઈ શકતો નથી. એ વાત ભીમદેવને અત્યારે જ સ્પષ્ટ રીતે કહી દેવાનો દામોદરે નિશ્ચય કરી લીધો. એક શબ્દ બોલીને બંનેનું ધ્યાન ખેંચવા તે તૈયાર થઈ ગયો.

એટલામાં ધૂર્જટિ ફરીને કાંઈક કહેતો સંભળાયો : ‘જુઓ મહારાજ ! આ દેવનર્તિકા ચૌલા એ સામાન્ય નારી નથી. એ તો પહેલાં તમારા દેવત્વને પિછાનશે. પછી તો એ શબ્દ બોલશે. હા, જો એને મહારાણીપદે સ્થાપવામાં મહારાજ સફળતા મેળવે, તો કોઈ દૂર દૂરના ભવિષ્યમાં...’ ધૂર્જટિ આંખો મીંચીને જાણે ગગનમાં કાંઈ જોતો હોય તેમ અવશપણે હવે બોલી રહ્યો હતો. દામોદર એ જોઈને ચકિત થઈ ગયો. ધૂર્જટિના શબ્દો જાણે બોલાતા ન હોય, પણ આવતા હોય તેમ લાગતું હતું. ‘તો દૂર દૂરના ભવિષ્યમાં, કોઈ મહાન પ્રતાપી રાજવંશવેલાનું, અનુપમ ફુલ્લ-પ્રફુલ્લ પરિમલભર્યું અદ્‌ભુત પુષ્પ પ્રગટતું હું જોઈ રહ્યો છું...’

‘પંડિતજી, શું કહ્યું તમે ? તમે મને અત્યારે જ... મારો નિશ્ચય કરવામાં... મદદ...’

‘બસ મહારાજ ! હવે મને વધુ કાંઈ પણ સૂજતું નથી.’ ધૂર્જટિએ આંખો ખોલી નાખી. એના શબ્દો પણ સામાન્ય શબ્દો બની ગયા, ‘મેં તમને શું કહ્યું, તે પણ મને યાદ નથી. પણ મહારાજ, મને લાગે છે આ દેવનર્તિકા એ અસામાન્ય નર્તિકા છે. એણે તમને કહેવરાવ્યું નથી - પહેલાં તમે દેવ જેવા બનો. પછી જ દેવનર્તિકાની છાયા જોવા મળે !... મહારાજ ! અને તો એના આ નૃત્યની યાદી, ત્યાં, સિંધના રેતરણમાં પણ, જાણે પ્રાણવાયુ આપતી હવામાં પ્રગટશે. અતિ સુંદર દૃશ્યનાં સંસ્મરણોમાં શુંનું શું ભર્યું છે એ અનુભવ હું તમને શી રીતે આપું ? પણ જે મેં માનસરોવરના તરંગોમાં જોયું છે, જે કૈલાસમાં જોયું છે, એ અનુપમ સૌંદર્ય આંહીં દેવનર્તિકાની ગતિમાંથી વહેતું જોયું છે. એ આ દેવનર્તિકા છે, એ જેવી તેવી નથી.’

દામોદરને નવું જ દૃષ્ટિબિંદુ મળ્યું. એ દૃષ્ટિબિંદુનો ચોક્કસ વિજય એને મઠપતિ સામે પણ સ્થાપવા જેવો લાગ્યો, તે પોતાના સ્થાનમાંથી તરત આગળ વધ્યો. તેના તરફ હજી કોઈનું લક્ષ ગયું ન હતું. મહારાજ ભીમદેવના અંતરમાં ધૂર્જટિના છેલ્લા શબ્દો બેસી ગયા હતા. તેણે ધૂર્જટિને બોલ્યા વિના ત્યાં જ રહેવાની નિશાની આપી. તે મંદિર તરફ બે ડગલાં આગળ વધ્યો. ચૌલા વિષે ગમે તે હોય, ને ગમે તેમ હોય, પણ તેની અખંડ નૃત્યઉપાસના ચાલુ રહેવી જ જોઈએ એવો રાજપદનો નિશ્ચય, એનાં એ બે ડગલાંમાં સ્પષ્ટપણે દેખાતો દામોદરે જોઈ લીધો. દામોદર પોતાના સ્થાનમાંથી તરત ઉપર આવ્યો. હજી તેના તરફ કોઈનું ધ્યાન ગયું ન હતું. રાજા ભીમદેવ બે વધુ ડગલાં લઈ, ઉતાવળે મંદિર ભણી જવાનો નિર્ણય કરી ચૂક્યો હતો. તેણે બે ડગલાં ભર્યા પણ ખરાં, તરત જ દામોદરનો મુરબ્બીવટના ગૌરવથી ભરેલો, માનભર્યો પણ આજ્ઞાવાહી, નિશ્ચયાત્મક, દૃઢ, પણ રાજાનું માન જાળવનારો, સત્તાધીશના સત્તાધીશ જેવો અવાજ આવ્યો : ‘મહારાજ ભીમદેવ ! તમે એ તરફ જઈ શકતા નથી !’

કોણ બોલ્યું, તે જોવા રાજા ભીમદેવે ડોક પાછી ફેરવી. દામોદરને ત્યાં ઊભેલો જોઈને એ ચમકી ગયો. ધૂર્જટિ પંડિત પણ સ્તબ્ધ જેવો ઊભો રહી ગયો. દામોદર બે-ચાર ડગલાં આગળ આવ્યો.

‘બલિરાજાએ ત્રણ ડગલામાં બધું ખોયું હતું. તમે એક જ પગલાંમાં બધું ખોઈ દેશો. તમે મહારાજ ! એ તરફ હવે આગળ વધી શકતા નથી.’

‘શું છે દામોદર ? શાની વાત છે ?’

‘શાની વાત છે તે મારા કરતાં મહારાજ ! તમે પોતે વધુ સારી રીતે જાણો છો !’

‘શું છે ?’ ભીમદેવે કાંઈક ઉતાવળે અવાજે ફરીને કહ્યું.

‘તે હું કહું મહારાજ !’ દામોદર આગળ વધ્યો. તેણે ધૂર્જટિ તરફ એક દૃષ્ટિ કરી. પંડિતને દામોદર મહેતાની હાજરીથી ક્ષોભ થઈ ગયો. પણ દામોદર તેને બે હાથ જોડીને ઘણા જ માનથી વંદન કરી રહ્યો. જે પંડિતને એ ભેટી પડવા માગતો હતો તે પંડિતને એ પ્રેમથી નમી રહ્યો. તે આગળ વધીને મહારાજની સામે આવી પહોંચ્યો. રાજા અને મંત્રીની સામસામી નજરોનજર મળી.

‘દામોદર ! તું આંહીં ક્યાંથી ? શું છે તારે ? શું વાત છે ?’

‘મહારાજ !’ દામોદરે વધુ સ્પષ્ટ ન થવામાં સાચો ઉકેલ જોયો. ‘મહારાજ ! તમારું એક ઉતાવળિયું પગલું બધું જ ઊંધું વાળી દેશે !’

‘હું કાંઈ સમજતો નથી, તું શાની વાત કરે છે ?’

‘તમે બધું જ સમજો છો મહારાજ ! મેં માંડ માંડ બધી વાત ભેગી કરી છે. રા’ નવઘણ ત્યાં આવવાનો છે...’

‘દામોદર !’ ભીમદેવને રા’ નવઘણનું નામ આવતાં દામોદરની એની સાથેની વાત યાદ આવી ગઈ. એ એને ગમી ન હતી. એણે અચાનક આકળા ઉતાવળા સ્વરે કહ્યું : ‘હું સમજી ગયો, તું કેમ આવ્યો છે તે. પણ મારે તારી શિખામણ રાજકારણમાં ખપની છે, મારું ઘરતંત્ર ચલાવવા મારે તારો ખપ નથી. તારા કહેવાથી હું ગમે તેને રાણીપદનું વચન આપી દઉં એમ ? એવો હું મૂરખો નથી. દુર્લભસેન મહારાજનું અપમાન કરનારને ત્યાંથી હું કોઈને રાજપદે બેસારું એમ ? એ નહિ બને, દામોદર ! તેં ભલે ગમે તેટલાં વચન આપ્યાં હોય ! આ મારો નિર્ણય છે !’

દામોદર અચાનક અવાક્‌ જેવો થઈ ગયો. તેને સાંભરી આવ્યું. રા’ નવઘણ સાથેની એની વાતચીત સાંભળી જનાર ચોર મહારાજ પોતેજ હતા. એ સાંભળીને જ એ આંહીં આવી પહોંચ્યા હોવા જોઈએ. તેને ચૌલાના નૃત્યની ખબર સિંહનાદે આપેલી. પંડિત ધૂર્જટિ છેલ્લે મળ્યા હોય. પણ ત્યારે મહારાજ ત્યાંથી જ, ચૌલાદેવી વિષે નિશ્ચય કરીને નીકળેલા એ સ્પષ્ટ થતું હતું. દામોદરને રાજાના અતિ ઉત્કટ અને બળવાન પ્રેમની વધુ પ્રતીતિ મળી. એણે એના એ દૃઢ અવાજે કહ્યું : ‘મહારાજ ! તમારો હાથ મને નાગરાજ મહારાજે સોંપ્યો છે. હું એ છોડવા ધારું તોપણ છોડી શકું નહિ. એના ઉપર ભગવાન સોમનાથની શપથ - મર્યાદા બેઠી છે. હું તમને આ દિશામાં અત્યારે એક પગલું પણ ભરવા દઈ શકું નહિ !’

‘ને હું ભરું તો ?’

‘તમારાથી ભરી શકાય જ નહિ, મહારાજ !’ દામોદરે વધુ દૃઢતાથી કહ્યું : ‘તમે શું સોમનાથ ભગવાનના રખેવાળ નથી ? સોમનાથ ભગવાનની પાસે *રણશય્યા ઢાળવાનું તમારું સ્વપ્ન ક્યાં ગયું ? ચામુંડ મહારાજની આડે વજ્જર કિલ્લા જેમ ઊભનાર જુવાનનું હૈયું ક્યાં ગયું ? તમે મારા શબ્દને ઉથાપી શકો છો. રા’ને અવગણી શકો છો, પણ ભગવાન સોમનાથ મહાદેવ વિષેનું તમારું જીવનપ્રભાતી સ્વપ્ન તમે ઉવેખી શકતા નથી. એને અવગણવું, એ આપઘાત છે. તમે, મહારાજ, એક ડગલું આગળ ભરો તે પહેલાં સૌ ગરણે ગળીને વિચાર કરજો. તમારું એક જ ડગલું તમને રાજા અળસાવી દેશે, વીર રહેવા નહિ દે, માણસ મિટાવી દેશે.’

‘દામોદર ! તું વાતને વધારે પડતી ગંભીર બનાવે છે. એવું એમાં શું છે ?’

‘એ સમજવા જેવું છે મહારાજ ! કહું. આ આપણી સામે ઊભા પંડિતજી, એને તો તમે ઓળખો છો નાં ?’

‘હા, કેમ ?’

‘ના પ્રભુ ! ના, તમે એને ઓળખતા નથી. કોઈ ઓળખતું નથી. હું પણ ઓળખતો ન હતો. હવે કાંઈક જાણું છું. એ કોઈ સામાન્ય પૂજારી નથી. ભગવાન સોમનાથના કૈલાસગિરિના એ અંતેવાસી ગણધર છે. જે એની પાસે હોય તે આમની પાસે છે. જે એની પાસે હોય તે આમની પાસે છે. ભક્તિની પરાકાષ્ઠા. એ કોણ છે જાણો છો ? અત્યારે આખા ગુજરાતની આબરૂ એના હાથમાં છે. તમે એ જાણો છો ? એમનો સંકલ્પ તમે જાણ્યો છે ?’

---------------------

*જુઓ ‘વાચિનીદેવી’નું પ્રકરણ ‘પહેલો ઘા’

ભીમદેવ સાંભળતાં કાંઈક ઠંડો થઈ ગયો. ધૂર્જટિના વીર સંકલ્પને એ જાણતો હતો. એવા મૃત્યુંજયી વીરની પાસે ઊભા રહેતાં એને લાગ્યું કે નૃત્યનર્તિકા, રાજ અને મંદિરમહોત્સવ, કોઈનો એની તુલનામાં કાંઈ જ હિસાબ ન હતો. અત્યારે અપૂર્વ મહત્તા એ વીરપુરુષના એક પગલામાં રહી હતી. પોતાના કોઈ પગલામાં નહિ. દામોદરના આ ધ્વન્યાત્મક વાક્યે એને જાગ્રત કરી દીધો.

‘હા, મેં જાણ્યો છે દામોદર ! એમનો સંકલ્પ, આખા ગુજરાતનું રાજ એને ચરણે ધરો, તોય એ સંકલ્પનું મૂલ્ય ન થાય ! કેવળ સાથ આપીને જ એને મૂલવી શકાય.’

‘સાથ આપીને મૂલવી શકાય ? ના, ના મહારાજ ! સાથ આપીને પણ ન મૂલવાય. એ તો વર્ષોના તપે એમનું સ્વપ્ન ફળે, ત્યારે એની મૂલવણી થાય. તમારે એ કરવાનું હોય, એ કરવું હોય તેને માટે પછી ઘણો વખત છે. તે વખતે એ દેખી લેવાશે. પણ જ્યાં આવું ત્રિલોકવિરલ, મૃત્યુંજયી, મહાન સમર્પણી પગલું ભરનારો વીરભદ્ર સમો વીર આપણી સામે ઊભો છે, ત્યાંશું મઠપતિને આપણે એમ કહેવા દોડીશું કે દેવનર્તિકા નૃત્ય કરશે ને કરશે... એ વાત આની પડખે કોઈ ક્ષુલ્લક હાંસી જેવી લાગણી નથી ? આવી અદ્‌ભુત ભવ્ય સમર્પણની કથાની પડખે, એ એવી રીતે ઉચ્ચારવી શોભે પણ ખરી ? આપણે તો મઠપતિને કહીશું કે પ્રભુ ! શંકરગણ વીરભદ્ર પોતે, દેવનર્તિકાનું નૃત્ય જોવા માગે છે, એ નૃત્ય અટકી શકે નહિ, અટકી શકશે નહિ ! મહારાજ ! આપણે એ દિશામાં એટલા માટે, આવી રીતે પગલું ભરવું નથી. એ ગૌરવહાનિ જેવું છે.’

‘દામોદર !’

‘જુઓ મહારાજ ! હું સમજી ગયો, તમારે શું કહેવું છે તે મેં નવઘણજીને મને ઠીક લાગે તે કહ્યું. એણે ઠીક લાગે તે ગ્રહ્યું. તમને ઠીક લાગે તે તમે કરજો. પણ એ પ્રશ્ન શું અત્યારનો છે ? અત્યારનો પ્રશ્ન તો મહારાજ ! ભગવાન શંકરના ધૂર્જટિ સ્વરૂપ જેવા આ પંડિતજીને વંદના કરવાનો છે. હું તો એની વાત સાંભળીને જ રૂંવે રૂંવે ધ્રૂજી ગયો છું. આપણે યાદ કરો પ્રભુ ! આપણી યોજનામાં આવા વિરલ મૃત્યુંજયીની જ શોધ તો હજી આપણે કરવાની હતી... તે વિના તો આપણી યોજના ફોક થઈ જાત ! ત્યાં એ સામેથી મળ્યા...’

‘દામોદર મંત્રીજી !’ પંડિત પહેલી જ વાર બોલ્યો : ‘મેં કેવળ ભગવાન સોમનાથની આજ્ઞા ઝીલી છે. એને બીજી કોઈ રીતે આપણે બિરદાવીએ એ પણ બરાબર નથી. એમાં કોઈ મૃત્યુંજવી શક્તિની વાત નથી. કેવળ સોમનાથ ભગવાનના કૈલાસ શિખરથી આવતી હવાની વાત છે. હું તો હવાનો હવાઈ આદમી છું. મારી હવા આંહીં છુટ્ટી છુટ્ટી થઈ જાય, કે ત્યાં રેતરણમાં છુટ્ટી છુટ્ટી થઈ જાય, તેમાં શું ફેર પડવાનો હતો ? ભગવાનની આજ્ઞા - ઇચ્છા હશે કે એ હવા ત્યાં વેરાઈ જાય - તો એ ત્યાં વેરાશે, આંહીં નહિ એટલી જ આ વાત છે, બીજું એમાં છે શું કે તમે મને વીરભદ્ર ગણો છો, એટલે હું માની લઉં કે, તમે અમારો સંકલ્પ જાણતા લાગો છો !’

દામોદરે ધૂર્જટિને તદ્દન નિકટથી હમણાં નિહાળ્યો. એના રૂપની જે મોહિની હતી તે કોણ જાણે ક્યાંની ક્યાં ઊડી જતી હતી. પેલી કરુણ રેખા પણ અદૃશ્ય થઈ જતી હતી. કેવળ ભગવાન સોમનાથના પરમ ભક્તની, કોઈ સમજી ન શકે તેવી આત્મસમર્પણની એક જ પરમ જ્યોત, એ મોં ઉપર હવે પ્રકાશી રહી હતી ! દામોદર એ દૃશ્ય જોઈ જ રહ્યો. એના મનમાં એક અવર્ણનીય ભાવ ઊભો થયો. એની હાજરીમાં તમામ લઘુ હોય - પોતે, રાજ, રાજા, મંદિર, મઠપતિ, તમામ લઘુ હોય - એવી એને લાગણી થઈ આવી.

દામોદરે બે હાથ જોડ્યા. એણે ધૂર્જટિને ફરીને પ્રેમથી વંદન કર્યું. અત્યંત માનથી એ બોલ્યો : ‘તમારા શબ્દો સાંભળવાનું મહાન ભાગ્ય મને ત્યાં ખડકકિનારે જ મળ્યું હતું. ધૂર્જટિજી ! હજી પણ હું એ સંભારી રહ્યો છું !’

ધૂર્જટિના ચહેરામાં એક આછું સ્મિત આવીને ચાલ્યું ગયું.

‘થયું ત્યારે,’ તે બે શબ્દો બોલ્યો : ‘તો તો આપણે ક્યારે વિદાય લેવી એ જ સવાલ છે. તમારી યોજના સાથે એ વિદાય સુસંગત બની રહે, હવે એટલું જ જોવાનું રહેશે.’

એ જ વખતે મંદિરમાં કાંઈક મોટેથી ઉચ્ચારાતા શબ્દો દામોદરને કાને પડ્યા. તે શાંત થઈ ગયો. મંદિર તરફથી શબ્દો આવતા હતા :

‘કોણ હું ! હું તો દેવનર્તિકા છું, મઠપતિજી ! નૃત્ય તમારા કહેવા - ન કહેવાથી કરનારી નર્તિકાઓ બીજી મને તો ખુદ ભગવાન શંકર પોતે બોલાવે છે. નૃત્ય કરવા આવ, અને હું નૃત્ય કરવા આવું છું. મારું નૃત્ય બંધ રહેતું નથી. જો શંકર ભગવાનનું ડમરુ બંધ રહે, તો આ નૃત્ય બંધ રહે, એ તો ભગવાનની શંકરલીલાનો એક ભાગ છે. એ બંધ થાય નહિ...’

શંખનાદ સંભળાયો, ડમરુ વાગ્યું, ઘંટાઘોષ થયો; એક તુમુલ અવાજ ઊભો થતો જણાયો.

ભીમદેવ, ધૂર્જટિ પંડિત, દામોદર ત્રણે જણા શું થઈ રહ્યું છે એ જાણવા માટે મંદિર તરફ ઉતાવળે આગળ વધ્યા.