Aa duniya chalavnar kon in Gujarati Spiritual Stories by Parth Toroneel books and stories PDF | આ દુનિયા ચલાવનાર કોણ

Featured Books
Categories
Share

આ દુનિયા ચલાવનાર કોણ

આ દુનિયા ચલાવનાર કોણ ?

“When I sit down to write a book, I do not say to myself, ‘I am going to produce a work of art.’ I write it because there is some lie that I want to expose, some fact to which I want to draw attention, and my initial concern is to get a hearing.” – George Orwell

વર્ષોથી રૂઢિગત ચાલી આવતી આપણે કેટલીક ગેરમાન્યતાઓને આપણે સાચી સમજી બેઠા છીએ. જેને દૂર કરી, વાસ્તવિકતા તરફ ધ્યાન ખેંચવા એક વિચાર રજૂ કરતો આ પ્રયાસ છે.

તમે કોઈને પણ પૂછશો કે, શું આ દુનિયા ભગવાનની ઇચ્છાથી ચાલે છે?

‘હાસ્તો તો વળી, ભગવાનની ઇચ્છાથી જ તો ચાલે છે. એમાં વળી શું પૂછવા જેવુ છે!’ સાહજિકપણે આ જ જવાબ લોકો પાસેથી સાંભળવા મળતો હોય છે.

ભગવાન જ આ દુનિયા ચલાવે છે એ દ્રષ્ટિથી જોઈએ તો, ––અત્યારે આપણી આજુબાજુ બની રહેલી ઘટનાઓ જેવી કે, પવન વહેવો, વાતાવરણ બદલાવું, ઋતુઓ સમયાંતરે બદલાવી, દિવસ-રાત થવી, ટૂંકમાં પ્રકૃતિમાં થતાં નાના-મોટા કુદરતી ફેરફારો સંબંધિત બધુ જ ભગવાન ચલાવે છે. એમાં કોઈ શંકા નથી. પણ જ્યારે લોકો એમ કહેતા હોય છે કે; આપણાં જીવનમાં જે કઈ બને છે એ પણ ભગવાનની ઈચ્છાથી જ થાય છે. એમની આ વાત વ્યાજબી નથી લાગતી. આ એક લોકોની મોટી ગેરમાન્યતા છે. જેની લેખમાં વિસ્તૃત વાત કરીશું.

લોકોમાં પ્રચલિત ગેરમાન્યતાઓ:-

જો ભઈ!...આ દુનિયા તો ઉપરવાળો ચલાવે છે... એજ બધાનો કર્તા-હર્તા છે... એની મરજી વગરતો એક પત્તુયે નો હલે... આપણાં જીવનમાં જે સારી-ખોટી બધી ઘટનાઓ બને છે એ ભગવાનની મરજીથી જ થાય છે. અને એ પોતે જ એને સુલજાવે છે. આપણે તો માત્ર કઠપૂતળી છીએ અને એને બાંધેલી દોરી ઉપરવાળાના હાથમાં છે... એ જેમ નચાવે એમ નાચવાનું... એ જેમ રાખે એમ રહેવાનુ... એમની ઈચ્છા સામે આપણું બળ્યું શું ચાલવાનું હતું... આ બધી ગેરમાન્યતાઓ દરેકને ગળથૂથીમાં મળી છે, અથવા સાંભળી સાંભળીને મનમાં ઘૂંટાઇ ગઈ છે. જ્યારે કોઈ તકલીફ કે દૂ:ખ આવે ત્યારે સાહજિકપણે આ બધી ગેરમાન્યતાઓ આપણે બોલતા કે સાંભળતા હોઈએ છીએ.

જો ભગવાન જ આ દુનિયા ચલાવતા હોય તો આપણે અહીં શું કરીએ છીએ !!? We should ask this question to our self.

ભગવાને આપણને અહીં જીવન આપ્યું છે એ વાત ચોક્કસ હું માનું છું. પણ આ દુનિયામાં રહીને કેવી રીતે જીવન જીવવું એ ભગવાનના હાથમાં નથી. આપણો જન્મ અને મૃત્યુ ક્યારે થશે એ કર્મમાં નિર્ધારિત છે. એ જ સમયે થશે. એમાં આપણું કશું ચાલવાનું નથી. પણ જન્મ અને મૃત્યુ વચ્ચે કેવું જીવન જીવવું એ ફક્ત આપણાં હાથમાં જ છે. આપણને એમાં પૂરેપૂરી સ્વતંત્રતા અને સ્વઇચ્છા આપી છે. એમાં ભગવાન કશું ના કરી શકે.

જો કોઈ સારું કર્મ કરી એની ક્રેડિટ ઉપરવાળાને આપશો તો એ નમ્રતા કહેવાય કે, ‘હે ભગવાન તે મને આ કામ કરવા બુધ્ધિ સુજાડી એટલે આ કામ કરી શક્યો નહીંતર આ ના કરી શક્યો હોત.’ કર્મ કર્યા પછી જો આ મુજબનો કૃતજ્ઞભાવ જાગતો હોય તો વ્યક્તિ કોઈ કર્મથી ના લેપાય. આ વ્યક્તિની નમ્રતા કહેવાય. જે ગીતામાં કહ્યું છે.

मयि सर्वाणि कर्माणि सन्नयस्याध्यात्मचेतसा ।

निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः ॥ (३०)

*

ભગવાન ક્યારેય કોઈને તકલીફ આપતા નથી કે નથી કોઇની તકલીફ સુલજાવતા. આપણે દૂ:ખમાં કહીએ છીએ ને કે, ‘હે ભગવાન મને આ ભયંકર પરિસ્થિતિમાંથી ઉગાર જે.’ પણ ભગવાન ક્યારેય તમારી સમસ્યા કે ઉલજનોનું નિવારણ કરવા નહીં આવે. કેમ નહીં આવે? તો એના માટે આ ઉદરહણ રહ્યું.

પિન્ટુ પાંચમાં ધોરણમાં ભણે છે. સવારે સ્કૂલે જાય છે. બપોરે સ્કૂલેથી છૂટીને ઘરે આવે છે. થોડીકવાર ફ્રેશ થવા બહાર દોસ્તો સાથે રમવા જાય છે. થાકીને ઘરે આવી હાથ-પગ ધોઈને એની મમ્મી એને સ્કૂલનું લેશન કરવા બેસાડે છે. પિન્ટુ ભણવામાં આળસુનોપીર. લેશન કરતાં કંટાળો આવે એટલે એ જમીન પર સૂઈ જઈ થાકેલા અવાજે બોલ્યો ‘મમ્મે...,આજે બહુ થાક લાગ્યો છે, મને ઊંઘે આવે છે...’

‘ચલ બેઠો થજે, જો હવે થોડુક જ લેશન બાકી છે... આટલું પુરું કરીને પછી સૂઈ જજે બસ...’ મમ્મી એનો હાથ ખેંચી બેઠો કરતા બોલી. ‘ના... મમ્મે..., બહુ ઊંઘ આવે છે... ઊંઘવા દેને...’ આંખો ખોલ્યા વગર ઘેનાતા અવાજે મગરની જેમ પડ્યો પડ્યો બોલ્યો.

‘પછી હોમવર્કની નોટિસ આવશે તો હું સહી નહીં કરી આપું...’ મમ્મીએ બેઠો કરવાનો ડર બતાવતા બોલી.

‘મમ્મે... એટલું થોડુક લેશન તું કરી દેને... પ્લીઝઝ..,’ પિન્ટુ થાકેલા અવાજે પ્લીઝ બોલી સૂઈ ગયો. મમ્મીએ માતૃવાત્છલ્યભર્યો હાથ દીકરા પર ફેરવી મનમાં બોલી: સવારનો સાડા પાંચ વાગ્યેનો ઉઠ્યો છે. સાઇકલ લઈને સ્કૂલ, ટ્યુસન જવાનું-આવવાનું, ત્યાં ભણવાનું. થાકતો લાગે જ ને. મનમાં કહીને પિન્ટુના માથે વ્હાલભર્યો હાથ ફેરવ્યો.

મનીલો કે આ એક સીનમાં મમ્મીએ પિન્ટુનું લેશન કરી દીધું. જોકે ના કરવું જોઈએ છતાં મનીલો કે કરી દીધું. બીજે દિવસે સવારે પિન્ટુએ સ્કૂલમાં લેશન બતાવી દીધું. કોઈ પનીશમેન્ટ થઈ નહીં, કારણકે મમ્મીએ ડીટ્ટો એના જેવા જ અક્ષરમાં લેશન કર્યું હતું. પિન્ટુ મનમાં ખુશ થઈ ગયો.

હવે ધીરે ધીરે પિન્ટુડાના મનમાં એક માન્યતાએ મૂળ નાખી દીધા કે, લેશન કરવાની ઈચ્છા ના હોય ત્યારે જમીન પર ઢળી પડી ‘થાક લાગ્યો છે એટલે ઊંઘ આવે છે...’ આ બહાનું બતાવી દેવાનું. અને સવારે ઉઠો એટલે લેશન પુરું થઈ ગયેલું હોય.

આમ જો થતું રહે તો પિન્ટુ ભણવામાં કાચો પાડવા લાગે. પરીક્ષામાં પરિણામ જ્યારે નબળું આવે ત્યારે એની મમ્મી ગુસ્સે થશે. આવું થવાનું કારણ શું? જ્યારે લેશન કરવાનું હોય ત્યારે એની બાજુમાં બેસીને કરાવાને બદલે એની મમ્મીએ એને કરી આપ્યું, આ સાચી રીત ન જ કહેવાય. બાળકને લેશન કરી આપો તો એ ભણવામાં વીક થવા લાગે. એને જાતે જ એના પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા દો. તો જ એ ઘડાશે. શિખશે. પેરેન્ટ્સની ફરજ માત્ર એને આગળ વધવા સપોર્ટ કરવાની છે. ના કે એની જગ્યાએ બેસીને એનું કામ તમે કરી આપો.

આ જ રીતે આપણાં(બાળક) અને ભગવાન(પેરેંટ્સ) વચ્ચે આવું જ છે. તમે ગમે તેટલી પ્રાર્થના કરો કે જમીન પર આળોટો. એ ક્યારેય તમારા જીવનમાં આવેલી તકલીફ સોલ્વ કરવા નહીં આવે. ક્યારેય નહીં. હા...એ આશીર્વાદ અને કેટલાક સંકેતો જરૂર આપતા રહેશે આગળ વધવા. પણ તમે ઈચ્છો કે આવીને સોલ્વ કરી આપો કે કોઈના થકી મારી સમસ્યા ઉકેલો દો. તો એ શક્ય નથી. કેમ નથી કરતાં? એટલા માટે કે આપણે એ તકલીફદાય પરિસ્થિતિમાંથી પસાર થઈ આવનારી પરિસ્થિતિ માટે ઘડાઈ શકીએ. સક્ષમ થઇ શકીએ. આપણાં ઘડતર માટે આપણે જ સંઘર્ષ કરવો પડે.

ભગવાનનું કામ છે રસ્તો દેખાડવાનો અને એના પર ચાલવા માટે શક્તિ આપવાનો.

*

આ દુનિયા મનુષ્યોના કર્મોથી ચાલે છે. એટલે જે કાંઈ અત્યારે આપણાં જીવનમાં બની રહ્યું છે એ માટે ભગવાન જવાબદાર નથી. આપણે પોતે જ છીએ.

કોઈ વ્યક્તિ પર મોટી તકલીફ આવી પડી હોય ત્યારે લોકો મોટા ભાગે બે પ્રકારની વાત સાંભળવા મળતી હોય છે.

1. આતો બધુ ભગવાનને જે નક્કી કર્યું હોય એ જ થાય. એની ઈચ્છા વગર તો એક પાંદળું પણ હલતું નથી. ભગવાન જે કરે છે એ સારું જ કરે છે. એ દૂ:ખ આપે એની સાથે શક્તિયે આપતો જ હોય છે. આપણે તો માત્ર કઠપૂતળી છીએ. એ જેમ નચાવે એમ નાચવાનું. અને એ જેમ રાખે એમ રહેવાનુ. બધુ કર્તા-હર્તા એ જ છે ભાઈ. (આ સાંભળવામાં સારું લાગે છે, પણ એક મિથ્સ છે. એમાં કોઈ તથ્ય નથી.)

2. જુઓ ભાઈ આતો બધા નસીબ નશીબ ના ખેલ છે, ગયા જન્મારામાં જે આપણે કર્મો કર્યા હોય એને ગમે ત્યારે ભોગવવા તો પડતાં જ હોય છે. એમાં તો તારું કે મારૂ કશું ચાલવાનું નથી. ભોગવે જ છૂટકો છે.

તમે જોજો આ બે જવાબો ઘણા બધા પાસેથી સાંભળવા મળશે. અને પાછા એ સાંભળવામાં પણ સારા લાગે છે.

આ બે જવાબો એકબીજાથી તદ્દન વિરોધી છે. એકમાં ભગવાનને લીધે બધુ થાય છે, અને બીજામાં આપણા નશીબને લીધે આપણાં જીવનમાં બધુ થાય છે. તો સાચું શું છે? કોઈ એક જવાબ સાચો હોવો જોઈએ ને? બંને કેવી રીતે સાચા હોય શકે?

આપણાં જીવનમાં જે કઈપણ બને છે એ કોની ઇચ્છાથી બની રહ્યું છે?

આ પ્રશ્ન દરેકે પોતાની જાતને પૂછી જોવો જોઈએ. બે જવાબો મળશે. ભગવાનની ઇચ્છથી અથવા મારી ઇચ્છથી. આ બંને જવાબોમાં સાચો જવાબ કયો છે એની મૂંઝવણ મોટા ભાગે લોકોમાં પ્રવર્તે છે. અને જો ખબર હોય તો એ વાત પર એમને પૂરી ખાત્રી કે પછી વિશ્વાસ હોતો નથી.

આપણાં જીવનમાં ઘણીવાર સારા અને ખરાબ બન્ને દિવસો આવતા હોય છે. જ્યારે ખરાબ સમય આવે ત્યારે આપણે મોટા ભાગે આપણી ભૂલ માટે બીજાને દોષી ઠેરવતા હોઈએ છીએ. જેમાં ભગવાન પર, નશીબ પર અને આપની આજુબાજુના વ્યક્તિઓ પર આંગળી ચીંધતા હોઈએ છીએ. આપણી ભૂલ કે દૂ:ખ માટે બીજાને જવાબદાર ઠેરવતા હોઈએ છીએ.

આપણાં જીવનમાં જે કશું પણ ઘટી રહ્યું છે. એ બધુ ભગવાનની ઇચ્છથી જ થઈ રહ્યું છે. આ વાતને સાધુ, સંતો, મહાત્મઓએ, ધર્મ પ્રચારકોએ આપણાં માનસમાં એટલી હદે જડબેસલાક ઉતારી દીધી છે કે આપણે જીવનમાં બનતી દરેક ઘટનાઓ માટે ભગવાનને જવાબદાર ઠેરવીએ છીએ.

મનીલો કે આખું ફેમેલી ગાડીમાં બેસીને અમદાવાદથી મુંબઈ જાય છે. ગાડી ચલાવનાર સોંગ્સ ચાલુ કરી જલ્સાથી બાજુમાં વાતો કરતાં કરતાં ચલાવે છે. ગાડીની 140km/h ઝડપે પુરપાટ દોડી રહી છે. ડ્રાઈવર થોડીકવાર બાજુમાં વાતો કરવા જોવે છે, એટલામાં તરત જ સામે ઝાડીઓમાંથી અચાનક ગાય રસ્તા પર આવી ચડે છે. બીજી જ ક્ષણે ગાડી પુરપાટ ઝડપે ગાય સાથે ધડાકાભેર અથડાય છે. ભયંકર અકસ્માતમાં ગાડી ચાર ગોઠમડા ખાઈ જાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલાને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવે છે. જ્યારે એમના સંબંધીઓ ખબર કાઢવા આવતા હોય છે ત્યારે પેલા બે જવાબો જ સાંભળવા મળતા હોય છે.

હવે, આ ઘટના બની એમાં તમારી દ્રષ્ટિએ કોની ભૂલ હતી? કોણ આ ઘટના માટે જવાબદાર હતું?

ભગવાન કે બેદરકાર ડ્રાઇવર?

*

ક્યારેય જીવનમાં કોઈપણ સારી કે ખરાબ પરિસ્થિતિ બને ત્યારે એના માટે જવાબદાર એક જ વ્યક્તિ હોય છે. અને એ ખુદ પોતે.

We are the only responsible for every minor or major acts occurring in our life, not God.

આપણાં જીવનમાં જે બને છે એ માટે આપણે ક્યારેય પોતાને જવાબદાર કે દોષી ઠેરવતા નથી. આપણી આંગળી ક્યારેય આપણાં તરફ ચીંધતા નથી. કેમ? કારણકે આપણને નાનપણથી શિખવાડવામાં આવ્યું છે કે બેટા, આ દુનિયા ભગવાન ચલાવે છે. જે થાય છે એ બધુ ભગવાન જ કરે છે. એમની ઈચ્છાથી જ થાય છે. એટલે આપણે દૂ:ખ આપતી દરેક પરિસ્થિતિ માટે ભગવાનને જવાબદાર ગણીએ છીએ (ખાસ કરીને ખરાબ કામ માટે). બીજાને દોષી ઠેરવવાનો આપણો આ અવગુણ બાળપણમાં જ આપણાં માતા-પિતાએ આપણા મનમાં અજાણતા પ્રોગ્રામ કરી દીધો છે. જેની સ્પષ્ટતા માટે આ એક ઉદારહણ રહ્યું.

કનુભાઈ એમના ડોઢ વર્ષના પૌત્ર ચકાને લઈ ગામના ગોદરે હનુમાનના મંદિરે દર્શન કરાવવા દર શનિવારે લઈ જતા. ચકોયે દાદાની આંગળીને પકડી નાના નાના ડગ ભરતો ડગુમગુ ચાલતો. અને આજુબાજુ આવતા-જતાં લોકોને ચકળવકળ કાળી કીકીમાં વિસ્મયતા ભરી જોયે જતો. થોડે આગળ જતાં ચકાને ચાલતા ચાલતા પથ્થરની ઠેસ વાગી. ડગુમગુ ચાલતા ચકાએ એકાએક બેલેન્સ ગુમાવ્યું. આંગળીની પક્કડ છૂટી અને ચકો રસ્તા પર લાંબો થઈ ગયો. ચકાના ઢીંચણ સહેજ છોલાયા એટલે એ રોવા લાગ્યો. દાદાએ ચકાને તરત જ ઊભો કર્યો. એના ધૂળથી ખરડાયેલા કપડાં અને પગ પરથી માટી ખંખેરી. ઢીંચણ છોલાતા ચકો રડવાનું બંધ નહતો કરતો. એટલે દાદાએ ચકાને છાનો રાખવા એક નુશ્ખો કર્યો. ‘અરે મારા દિકાને આ પથ્થરે વગાડ્યું ને! આપડે એને હત્તી કરીએ...જો.... એએ...લે આ હત્તી..એએ... હત્તી’ કનુભાઇએ હાથથી એ પથ્થર ઉપર બે-ચાર ટપલીઓ મારી બોલ્યા. ચકાનો રડવાનો અવાજ થોડોક ધીમો પડ્યો. ચકો રડતાં રડતાં સહેજ બોખું હસ્યો. ચકાને વધુ ખુશ કરવા દાદાએ ફરીથી બે-ત્રણવાર પથ્થર પર ‘એએ....આ હત્તી કરી...જો એ હત્તી...’ ચકો હવે ખૂલીને બોખલું હસ્યો અને બે હાથે તાળી પાડવા લાગ્યો. દાદાએ ચકાની પાંપણે ચમકતા આંસું લૂછી બોલ્યા ‘આ પથ્થરને હત્તી કરી દીધી ને...!! હવે એ મારા દિકાને નહીં વગાડે...’ પથ્થરને હત્તી કરી એટલે ચકો ખુશ થઈ ગયો. એણે પણ બે-એકવાર એના નાના હાથથી હત્તી કરી બદલો વાળ્યો. પછી કનુભાઈ ચકાને તેડી પથ્થરને દોષ દઈ બોલ્યા ‘મારા દિકાને હવે જો તે ઠેસ વગાડી છે તો તારી ખબર છે... હા....’ બોલી ચકાના ગાલ પર દાદાએ પ્રેમભર્યો બૂચકારો ભર્યો અને ચકો પણ એમના ગળે વળગી પડ્યો. પછી બન્ને હનુમાનના મંદિરે દર્શન કરવા ચાલ્યા.

આ વાર્તામાં જે લખ્યું છે એ દરેકે અનુભવેલું કે જોયેલું જ હશે.

આ વાર્તામાં કનુભાઈએ ચકાને અજાણતાથી અથવા બાલિશતામાં શીખવાડયું કે, ચકાને ઠેસ વાગી એમાં એની ભૂલ નહતી. પથ્થરની ભૂલ હતી. પથ્થર સાલો વચ્ચો વચ્ચ ચાલતા આવી જાય છે. પથ્થરને ખબર ના પડે કે દાદા પૌત્રની સવારી આવતી હોય ત્યારે વચ્ચે ના અવાય! આમ આઘું ખસી જવાય!

આ તદ્દન ખોટી રીત કહેવાય બાળકને સમજાવાની અને શીખવવાની.

શીખવવાની સાચી રીત છે... દિકા રસ્તા પર ચાલતા હંમેશા આગળ નજર રખાય. આજુબાજુ જોવા જઈએ તો કોઇની જોડે ભીટકાઈ જવાય. ક્યારેક પડી જવાય તો વાગી પણ જાય. એટલે સીધું જોઈને ચાલવાનું દિકા... આટલું કહી ગાલ પર એક બચી ભરી લેવાની... આ સાચી રીત કહેવાય. બાળકને સાચી રીતે પ્રેમથી સમજાવવું ખૂબ જરૂરી છે. પથ્થરની ભૂલ કાઢી એને ‘ એ....હત્તી.. એ....હત્તી..’ કરો એમાં બાળકના માનસમાં ખોટું પ્રોગ્રામિંગ થાય. એના અર્ધજાગૃત મનમાં એક માન્યતા બંધાઈ જાય કે: આપણે જે કાંઈ કરીએ છીએ એમાં કોઈ ભૂલ થાય તો વાંક આપણો નથી. વાંક બીજા કોઈકનો છે. ભૂલ બીજાની છે. આવી મનોગ્રંથિ બેસી જાય. This isn’t correct way to teach them.

*

કોઈ દૂ:ખ કે તકલીફ આવે ત્યારે આપણે મદિરમાં જઇને પ્રાર્થના કરીએ છીએ કે; હે ભગવાન મારી આ તકલીફને સોલ્વ કરી દો, એ માટે આપણે માનતાઓ, મુરાદો, ચડાવા, જેવી લોભામણી સ્કીમો મુક્તા હોઈએ છીએ. તમે મારૂ આ કામ કરી દેશો તો હું તમારું આ કામ કરી દઈ તમને ખુશ કરી દઇશ. રાઇટ? આવું જ આપણે કરતાં હોઈએ છીએ. મંદિર બહાર ભિખારીઓ પૈસાની ભીખ માંગતા હોય છે અને આપણે અંદર આપણાં કામ પૂરા કરાવાની ભીખ માંગતા હોઈએ છીએ. બંને છે તો ભિખારી જ. એક બહાર પૈસાની ભીખ માંગે છે, તો બીજો મુર્તિ સામે પોતાની ઈચ્છોઓ પૂરી કરાવડાવાની ભીખ માગે છે. Beggars will always be beggars.

*

આપણાં જીવનમાં જે કશું થઈ રહ્યું છે એ બધુ ભગવાને પહેલાથી જ નક્કી કરેલું છે. એમણે જ આપણું નશીબ લખ્યું છે. એમાં આપણે શું કરી શકીએ? એમની ઇચ્છથી બધુ થાય છે. એજ અખિલ વિશ્વના કર્તા-હર્તા છે. આવું આપણે માનીએ અને બોલીએ છીએ. Think for a second.

જો આપની લાઈફમાં બધુ ભગવાન જ કરતાં હોય તો આપણે શા માટે એમનું કરેલું ભોગવવું પડે છે? આમ તો જે કર્મ કરે એ જ ભોગવે એવું ના હોય..!?! અહી તો ઊલટું છે સાહેબ...!. ભગવાન આપણું નશીબ લખે અને એ બધુ ભોગવવાનું આપણે! આતો એવી વાત થઈ કે, ખાય ભીમ અને જુલાબ મામા શકુનીને થાય.

(Again my dear readers, this article is all about clarify our deep ingrained misconception, that’s all. You can completely disagree with me.)

To be continued…., આવતા ભાગ – 2માં....

***

Writer –– Parth Toroneel.