Saraswatichandra in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 5

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 5

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૨.૫

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૫ : ચંદ્રકાંત અને કારાગૃહમાં સરસ્વતીચંદ્રનો શોધ

સાધુએ ગુપ્ત રાખવા સૂચવેલી વાત કહ્યા વિના આ પ્રશ્નનો ઉત્તર આપવો જેવો કઠણ હતો તેવી જ કંઈ પણ ઉત્તર આપ્ય વિના ચાલે નહીં એવી પોતાની સ્થિતિ હતી.

‘મારા મિત્રના કંઈ સમાચાર જેવું મળવાનું નિમિત્ત લાગવાથી ઉતાવળમાં હું આમ’

‘કંઈ સમાચાર મળ્યા ?’

‘મળ્યા તે ન મળ્યા જેવા છે ને તેટલા પણ ગુપ્ત રાખવાને હું બંધાઈ ચૂક્યો છું.’

‘કાંઈ ચિંતા નહી. આપ કારાગૃહમાં ચાલો; ત્યાં કેટલાક સમાચાર એકઠા થયા છે. તે જાણી લઈશું ને આપની ઈચ્છા સમજી વ્યવસ્થા કરીશું.’ શંકરશર્માએ કહ્યું.

બંધનપાત્ર ઠરેલા અપરાધીઓને માટે એક કારાગૃહ, અને ન્યાયનિર્ણય થતાં સુધીના બદ્ધ શંકિત જનોને માટે બીજું, એમ બે કારાગૃહ એક મંદિરના આગલાપાછળ ભાગોમાં રાખેલાં હતાં. પ્રથમ ગૃહ અપરાધીઓનું કારાગૃહ-પાકું કેદખાનું-કહેવાતું. અને બીજું શંકિતકારાગૃહ અથવા કાચું કેદખાનું કહેવાતું. અંગ્રેજી રાજ્યમાં શંકિતકારાગૃહ દેશપાલક પોલીસ-અધિકારીઓના હાથમાં હોય છે. પણ તેઓ તેમ કરવામાં બદ્ધ જનો ઉપર ત્રાસ વર્તાવે તે બંધ કરવાના હેતુથી ભીમભવનમાંથી એક આજ્ઞા નીકળી હતી અને તે પછી બે કારાગ-હ એક જ કારાગૃહઅધિકારીને સોંપ્યાં હતા, અને દેશપાલકોને શક્તિકારાગૃહમાં માત્ર શોધનને અર્થે જવાના અધિકાર રાખેલા હતા.

ચંદ્રકાંતને લઈ પ્રવીણદાસ અને શંકરશર્મા શંકિતકારાગૃહના દ્વાર આગળ આવ્યા ત્યાં દેશપાલક વર્ગના બે કનિષ્ઠ અધિકારીઓ સિપાઈઓએમને સામે મળ્યા અને અંતર-અંદર-લઈ ગયા.

વચ્ચે એક ચોક અને ચોપાસ લોખંડના સળિયાથી કરેલી કોરડીઓવાળી ઓસરીઓ હતી. તેમાંની અર્ધી કોટડીઓ ખાલી હતી અને અર્ધીમાં બંદીલોક-કેદીઓ-હતા. તેમાંની એકમાં અર્થદાસ બેઠો હતો, તેને કારાધિકારીએ આંગળી વડે દેખાડ્યો અને સર્વ ચોકના મધ્ય ભાગમાં ખપરશીઓ ઉપર બેઠા. થોડી વારમાં હરભમ, અબ્દુલ્લાખાન અને ફતેહસંગ ત્યાં આવ્યા. તે પછી રત્નનગરીના રાજ્યનો મુખ્ય દેશપાલક કેટલાક પત્રો તથા લખેલાં પુસ્તકો લઈ આવ્યો.

‘સરદારસિંહ ! સરસ્વતીચંદ્ર વિષેના સર્વ સમાચાર પુરાવા સહિત ચંદ્રકાંતભાઈને બતાવો.’ પ્રવીણદાસ મુખ્ય દેશપાલને કહ્યું.

‘હા જી, અને તેની સાથે એમનો પોતાનો પણ કેટલીક વાતમાં પુરાવો લેવો પડશે.’

સરદારસિંહ બોલ્યો.

‘બોલો, બોલો, જેમ નિરુપયોગી વાત ઓછી થાય ને ત્વરા વધારે થાય એમ કરજો.’ શંકરશર્મા બોલ્યો.

એક આહ્નિક-રોજનીશીનું પુસ્તક સરદારસિંહ ઉઘાડવા લાગ્યો અને ઉઘાડતાં ઉઘાડતાં બોલતો ગયો.

‘જી. સરસ્વતીચંદ્ર કેટલા માસ સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધનભાઈને ઘેર અતિથિ હતા અને તેમને કારભાર મળ્યે તે જોઈ બીજે દિવસે ત્યાંથી નીકળ્યા....એ નીકળ્યા તેને બીજે દિવસે કુમુદબહેન નીકળ્યાં. સુવર્ણપુરથી બહાર રાજેશ્વર મહાદેવ છે ત્યાંથી એક ગાડામાં એ બેઠા, અને નીકળતાં પહેલાં પ્રમાદધનભાઈનો ખાનગી માણસ નામે રામસેન એમને મળી આવ્યો હતો. ચંદ્રકાંતભાઈનો એમના ઉપર પત્ર વાંચી, બુદ્ધિધનભાઈ સાથે કેટલીક વાતચીત કરી, ચંદ્રકાંતભાઈ મારા મિત્ર છે એવું કહી, તેમને મળવા જવાને નિમિત્ત એમણે સુવર્ણપુર છોડ્યું.’

ચંદ્રકાંત- ‘ક્યાં મળવાનુમ હતું ?’

સરદારસિંહ- ‘ભદ્રેશ્વરમાં. સુવર્ણપુર રહ્યા ત્યાં સુધી એમણે નવીનચંદ્ર નામ ધાર્યું હતું. બુદ્ધિધનભાઈના ઘરમાં તેઓ રહેતા હતા અને તેજ સંબંધમાં કાંઈ કારણ થવાથી પ્રમાદધનભાઈને ક્રોધ ચડ્યો અને તેમણે ક્રોધમાં સમુદ્રમાં પડી આત્મહત્યા કરી.

ચંદ્રકાંત - ‘શું કારણ ?’

સરદારસિંહ - ‘તે હાલ ઉપયોગનું નથી અને તેથી કથા ગોપ્ય છે. જેટલી વાત કહી તેટલીનો પુરાવો આપણાં માણસોએ સુવર્ણપુરથી જ મેળવ્યો છે. હવે ગાડામાં બેઠા પછીનો પુરાવો છે. તેમની સાથે ગાડામાં અર્થદાસ નામનો પેલો બેઠો છે તે વાણિયો, તેની સ્ત્રી, અને એક બ્રાહ્મણ ડોશી એટલાં હતા. સુરસંગ અને ચંદનદાસે તેમને લૂંટ્યાં. સરસ્વતીચંદ્રે અર્થદાસની સ્ત્રીનું રક્ષણ કરવા પ્રયત્ન કર્યો. તેમ કરવા જતાં તેમને પોતાને મારી પછાડી ચંદનદાસ અને તેના સવાર ઘસડી ખેંચી લઈ ગયા. એટલી વાત નિશ્ચિત છે. હવે પછી જે બન્યું તેની વાર્તા બેત્રણ રુપે આપણી પાસે આવી છે ને જ્યાં સુધી અમે તેનો નિર્ણય કરી શકીએ નહીં ત્યાં સુધી ન્યાયના ધર્માસન પાસે આ કામ વસ્તુતઃ ચાલવું અશક્ય છે.’

ચંદ્રકાંત - ‘એ શી વાર્તાઓ છે ?’

સરદારસિંહ - ‘પ્રથમ વાર્તા પ્રમાણે સરસ્વતીચંદ્રને બહારવટિયાઓએ કતલ કર્યો છે.’ચંદ્રકાંત હ્ય્દયમાં કંપ્યો. બહારથી અવિકારી દેખાયો.

સરદારસિંહ - ‘બીજી વાર્તા પ્રમાણે અર્થદાસ મણિમુદ્રા માટે તેનું ખૂન કર્યું. ત્રીજી વાર્તા પ્રમાણે તેઓ કોઈક સ્થળે વિદ્યમાન છે.’

ચંદ્રકાંત - ‘તે તમારી ત્રીજી જ વાર્તા સત્ય છે. બીજી વાર્તા હું માનતો નથી. ત્રીજી અસત્ય ઠરે તો પ્રથમ સત્ય હોય.’

સરદારસિંહ - ‘પ્રથમ વાર્તા હીરાલાલ નામનો મુંબઈનો માણસ કરે છે. તેના કહેવા પ્રમાણે સરસ્વતીચંદ્રનું ખૂન બહારવટિયાઓને હાથે બ્રિટિશ હદમાં થયું છે. તેમ હશે તો આ કામ ત્યાં ચાલશે.’

ચંદ્રકાંત - ‘હીરાલાલ લુચ્ચો છે - જૂઠો છે.’

સરદારસિંહ - ‘તે અસતુ. અમારાં માણસોની બાતમી પ્રમાણે અર્થદાસે ખૂન કરેલું છે અને તે અમારી હદમાં થયું છે. પણ એ બાતમી જ છે-પુરાવો શોધવો બાકી છે.’

ચંદ્રકાંત - ‘તે બાકી જ રહેવાનો છે.’

સરદારસિંહ - ‘તે અસ્તુ. ત્રીજી વાત અર્થદાસ કહે છે, પણ સરસ્વતીચંદ્રના શરીરનો પત્તો તે બતાવી શકતો નથી.’

ચંદ્રકાંત - ‘પણ તે સત્ય બોલે છે. એ પત્તો આપ મેળવો.’

સરદારસિંહ - ‘તે અસ્તુ. મારો તથા આપનો અભિપ્રાય એક જ છે. પણ શોધવાનું શરીર જડે ત્યાં સુધી સર્વ વાર્તા સાંભળવી ઘટે છે. સરસ્વતીચંદ્રનો સગો ઘૂર્તલાલ મુંબઈના કારાગૃહમાં છે. હીરાલાલ તેનો માણસ ભારે ખટપટી છે. તેણે જિલ્લાના કલેકટરને અરજી કરી છે કે તેની વાર્તાનું શોધન અંગ્રેજી કોર્ટમાં થવું જોઈએ. તેનું લખાણ આ રાજ્ય સાથે પોલિટિકલ એજન્ટ દ્વારા ચાલે છે.’

ચંદ્રકાંત - ‘એની પાસે કંઈ પ્રથમદર્શનીય પુરાવો છે ?’

સરદારસિંહ - દેખાતો નથી. પણ અર્થદાસ અંગ્રેજી પ્રજા હોય અને અપરાધનું સ્થળ પણ અંગ્રેજી હદમાં હોય ત્યારે પ્રથમદર્શનીય પુરાવો હોય ન હોય તેની અમારા પોલિટિકલ એજન્ટ કદીકદી બહુ પરવા નથી કરતા.

ચંદ્રકાંત - ‘તે નથી કરતો પણ તમે કેટલી કરો છો ?’

સરદારસિંહ - ‘આવા પ્રશ્નો અમારે ત્યાં ચક્રવર્તીભવનમાં વિચારાય છે અને ત્યાંની આજ્ઞા પ્રમાણે વર્તન થાય છે. પ્રસ્તુત પ્રસંગમાં બેત્રણ ગૂંચવાડા છે. હીરાલાલ કંઈ કારણથી સરસ્વતીચંદ્રની હત્યા કરવા ઈચ્છે છે અને સરકારી પોલીસમાં પૈસા વેરે છે. પોલીસ કલેકટરને સમજાવે છે ને કલેકટરનો ચિટનીસ પણ હીરાલાલને વશ છે. એજંસીનો શિરસ્તેદાર પણ તેને વશ છે. પ્રધાનજી સાથે સરસ્વતીચંદ્રનો સંબંધ તૂટેલો ગણી તે નિમિત્તે આ પ્રસંગમાં ન્યાય થવાનો અસંભવ ગણી હીરાલાલ આ કામ અગ્રેજી કાર્ટમાં ચાલાવવા ઈચ્છે છે અને સર્વ તેને ટેકો આપે છે. આવાં આવાં કારણોથી એજંસી સાધારણ નિયમ પ્રમાણે પુરાવો બસ છે કે નહીં તેનો નિર્ણય અમારી પાસે કરાવવા ઈચ્છતી નથી.’

શંકરશર્મા - ‘ત્યારે પુરાવો જ ઓછો હોય તો છો ને કામ ચાલતું અંગ્રેજી કોર્ટમાં !ત્યાં શું ખોટું થવાનું છે જે ?’

સરદારસિંહ - ‘ના જી, પ્રથમ તો અર્થદાસ જે શંકિત છે તે જ એ વાત ઈચ્છતો નથી. ધૂર્તલાલના મનમાં એમ છે કે ગમે તેમ કરી સરસ્વતીચંદ્રને મૂએલા ઠરાવવા-પછી કોઈ અપરાધી ઠરો કે ન ઠરો-કારણ તેમને તેમ કરવામાં દ્રવ્યનો લાભ છે. અર્થદાસના મનમાં એમ છે કે હીરાલાલ પોતાના સ્વારથને માટે એને મારી પાડશે, અને અંગ્રેજી હદમાં કામ ચાલવાની અરજી કરવા હીરાલાલ ઘણુંય સમજાવે છે. પણ અર્થદાસ બેનો એક થતો નથી ને અરજી કરતો નથી. હીરાલાલના મનમાં એવો પેચ છે કે અર્થદાસ અંગ્રેજી કોર્ટમાં જઈ સરસ્વતીચંદ્ર મરેલો કબૂલ કરે અને પોતે ખૂન નથી કર્યું પણ બહારવટિયાઓએ કર્યું છે એવું કહે- પછી એની પાસેની મણિમુદ્રાના અનુમાનથી કોર્ટ એને શિક્ષા કરે કે છોડે તેની હીરાલાલને બહુ પરવા નથી. સરકારી પોલીસ ધારે તો સરસ્વતીચંદ્રને શોધી શકે એ નક્કી છે તેટલું જ એ પણ નક્કી છે કે તેઓ સરસ્વતીચંદ્રને શોધવાનું ધારે જ નહીં એટલી હીરાલાલે ચોકસી કરી છે.’

ચંદ્રકાંતે ઓઠ પીસ્યા. ‘ધૂર્તલાલ કેદમાં પડ્યો પડ્યો પણ આટલા દાવ રમે છે ! ઠીક. પણ બગડેલી પોલીસ જેને શોધતી નથી તેની શોધ તમે કેટલે સુધી કરી છે. ?’

હસતો હસતો સરદારસિંહ બોલ્યો : ‘અમે પણ પોલીસ જ છીએ કની ? અંગ્રેજી પોલીસને હીરાલાલનું દ્રવ્ય મીઠું લાગે ને અમને કંઈ કડવું લાગવાનું હતું ?’

ચંદ્રકાંત - ‘હું કંઈ તમારા ઉપર એવો આક્ષેપ નથી કરતો.’

સરદારસિંહ - ‘મુંબઈનગરી ભાષા આક્ષેપવાળી હશે-આપના મનમાં આક્ષેપ નહીં હોય. પણ હશે. હવે આપની આતુરતા યથાશક્તિ તૃપ્ત કરીશું. જુઓ, સાહેબ, અંગ્રેજી કોર્ટમાં આ કામ ચાલે ન ચાલે તેની ચિંતા ચક્રવર્તીભવનને છે- અમારે સાધારણ રીતે ચિંતા નથી હોતી. પણ આ કામમાં તેમ નથી. મુંબઈમાં તેમ અન્યત્ર શુદ્ધ અંતઃકરણવાળી પોલીસની વૃત્તિ એટલી હોય છે કે યખરો અપરાધી હાથમાં આવ્યો તો તેને જવા દેવો નહીં-પછી ખરા આરોપો ઉપરથી કે ખોટા આરોપ ઉપરથી મરે તેની પોલીસને ચિંતા નહી.’

‘તમે પોતે પોતાને સર્ટિફિકેટ તો સારું આપો છો !’- ચંદ્રકાંત હસી પડ્યો ને બોલ્યો. સરદારસિંહ ગંભીર મુખ રાખીને જ ઉત્તર દેતો ગયો.

‘હા જી, ન્યાયાધીશોની આંખોમાં તમે પક્ષવાદીઓ ધૂળ નાખો તે અંજાય તો ભલે, પણ અમે ન અંજાઈએ. પણ આ ચર્ચા પડતી મૂકી માંડેલી કથા પૂરી કરવી સારી છે. બુદ્ધિધનભાઈના ઘરમાં સરસ્વતીચંદ્ર રહેતા હતા તે જ ખંડની જોડે પ્રમાદધનભાઈનો ખંડ હતો. આ સંબંધમાં સુવર્ણપુરમાં અનેક સારીખોટી વાતો ચાલે યછે. અને આ કેસ અંગ્રેજી કોર્ટમાં ચાલશે તો આ વાતનો પુરાવો પાકો હીરાલાલના હાથમાં છે ને તે પુરાવો કોર્ટમાં મૂકી, સરસ્વતીચંદ્રનું ખૂન શા કારણથી થયું અને કોણે કરાવ્યું એટલું પાકે પાયે સિદ્ધ કરી, આરોપ અને શિક્ષા કોને માથે પડવા દેવાં તેની ચિંતા અનુમાનો કરનાર ન્યાયાધીશને માટે હીરાલાલ રહેવા દેવાનો છે; પણ વિના કારણ અમારા પ્રધાનજીના બાળકની ફજેતી અંગ્રેજી કોર્ટમાં થવા દેનાર નથી.’

ચંદ્રકાંત - ‘મારા કામમાં મને પૂર્ણ આશ્રય આપ આપશો એવો હવે મને નિશ્ચય થયો. ચાલો, બોલોજી.’

સરદારસિંહ - ‘હવે સરસ્વતીચંદ્રની વાત કરીએ. જો અર્થદાસનું કહેવું સત્ય હોય તો ત્રિભેટાના વડની પેલી પાસ ઘાસનું બીડ છે તેમાં ચંદનદાસના સવારો સરસ્વતીચંદ્રને ઘસડી આણી પડેલો નાંખી નાસી ગયા હતા. ૧ મણિમુદ્રા લઈ દોડેલો અર્થદાસ રાત્રે એ વડની ડાળોંમાં સંતાઈ રહેલો હતો, અને બહારવટિયાઓ રાત્રે એ જ વડ તળે વાતો કરતા હતા તે અર્થદાસે સાંભળી હતી. આપણા બે માણસ તે રાત્રે એ જ વડમાં હતા અને નીચેથી ઊંચા જતા ભડકાનું તેજ અર્થદાસના હાથમાંની વીંટીના હીરા ઉપર ચળકતું હતું ૨ તે એ બે માણસોએ જોયું હતું. બહારવટિયા વેરાયા એટલે એ બે જણમાંથી એક જણ મનહરપુરીના મુખીને ખબર કરવા ગયું અને બીજું માણસ અર્થદાસની પાછળ પાછળ ચાલ્યું અન તેમાંથી આ મુદ્રાનો પત્તો લાગ્યો છે. જે જગ્યાએ અર્થદાસનો ને સરસ્વતીચંદ્રનો ભેટો થયો હતો ત્યાં પાણી અને ધાબાજરિયાં છે. તેમાંથી પગલાં નીકળેલા માર્ગ ઉપર જાય છે અને ત્યાંથી બીજાં પગલાંઓ ભેગા અદૃશ્ય થાય છે. જે ગાડામાં તેમણે પ્રવાસ કરેલો તે ગાડાવાળાને અર્થદાસે ઓળખાવ્યો છે અને તેમાં બધું લૂંટાતાં એક પોટકું રહી ગયેલું તેમાંના કાગળો જોતાં એ સરસ્વતીચંદ્રનું લાગે છે.’

‘એમ !’-ચંદ્રકાંતે હર્ષમાં આવી ઉદ્‌ગાર કર્યો.

સરદારસિંહ - ‘હા જી, અર્થદાસ કહે છે કે એની સ્ત્રીનું રક્ષણ કરવા સરસ્વતીચંદ્ર ગાડા બહાર કૂદી પડ્યા તેવામાં એ પોટકું ગાડામાં રહી ગયું હશે.’

‘શું મારા મિત્ર એટલું શૌર્ય દેખાડ્યું ? વાહ ! સરદારસિંહ ! અર્થદાસ બોલે છે તે સત્ય જ છે.’ ચંદ્રકાંત વચ્ચે બોલ્યો.

સરદારસિંહ - ‘તે અસ્તુ. પણ વાંધો એટલો આવે છે કે અર્થદાસ એ માણસનું નામ નવીનચંદ્ર કહેતો નથી પણ ચાંદાભાઈ કહે છે.’

ચંદ્રકાંત - ‘એમાં કાંઈ નહીં-જે એક માનમે બદલે તે બીજા નામને પણ બદલે.’

સરદારસિંહ - ‘તે જે હોય તે ખરું. હવે અમે અમારા રાજ્યમાં ગામે ગામે થાણાઓમાં નવીનચંદ્ર અને ચાંદાભાઈને અમુકનિશાનીઓ વડે શોધવા આજ્ઞાઓ મોકલી છે- પણ કોઈ ઠેકાણેથી હજી પત્તો નથી.’

ચંદ્રકાંત - ‘થયું, એનો પત્તો નથી ત્યારે બીજી વાતો ધૂળ ને ધાણી.’

સરદારસિંહ - ‘એમ જ છે, પણ હવે કાંઈક આશા પડે છે.’

ચંદ્રકાંત - ‘શી ?’

સરદારસિંહ - ‘આપણી વાતો થાય ને અમારું કામ થાય એવો માર્ગ હવે લેવાનો છે. આપ અમને સાક્ષ્ય ૪ આપો તે આ માણસ લખશે.’

‘મારું સાક્ષ્ય ! તે શાનું ? આ શી ધાંધલ છે ?’ ચંદ્રકાંત ભડકીને બોલ્યો.

સરદારસિંહ - ‘હા જી. બોલો. હું સંક્ષેપમાં જ પૂછી લઈશ. આપ આજ અપૂર્ણ વસ્ત્રો પહેરી સૌન્દર્યોદ્યાનમાંથી બહાર નીકળ્યા હતા અને ત્યાં કોઈ સાધુ આપને મળ્યો હતો ?’

ચંદ્રકાંત - ‘હા. તમે શાથી જાણ્યું ?’

સરદારસિંહ - ‘એ પ્રશ્ન અકારણ છે. એ સાધુએ સરસ્વતીચંદ્રની વાત કરીને આપને તેને મળવાને બોલાવ્યા છે ?’

ચંદ્રકાંત અટક્યો. સાધુએ જે વાત ગુપ્ત રાખવા કહેલી તે કહેવું જેવું અનિષ્ટ હતું તેવું જ તેનું ગોપન પણ અસત્યભાષણ વિના અસાધ્ય હતું અને અસત્ય તો અનિષ્ટ જ હતું. સરદારસિંહ તેનો ગૂંચવાડો સમજ્યો હોય તેમ બોલ્યો :

‘આપને એ વાત ગુપ્ત હોય તો બલાત્કારે પ્રકટ કરાવવાનું મારે કારણ નથી. મારે એટલું જ કહેવાનું છે કે એ સાધુ આપની પાસે જે વાત ગુપ્ત રીતે કરે તે પૂરેપૂરી ગુપ્ત રાખજો અને આપને પોતાની સાથે કંઈ તેડી જવા કહે તો અમને સમાચાર કહી પછી ખુશીથી જજો અને જેટલી વાત અમને કહેવી તમને યોગ્ય લાગે તેટલી કહેજો ને કહો તે વાળાસર કહેજો. અમે અમારા ચાર મંત્રશોધકો-ડિટેક્ટિવ-મોકલીએ તેના કરતાં આપ આ મંત્ર વધારે સારી રીતે શોધી શકશો. એટલું માત્ર લક્ષ્યમાં રાખજો કે અમને કહેવા જેવું નહીં કહો અથવા વેળા વીત્યા પછી કહેશો તો અમારા હાથમાંથી વાત જતી રહેશે, કોઈ રંક માણસ માર્યો જશે, મુંબઈમાં સરસ્વતીચંદ્રના પિતા અને મિત્રોની યોજનાઓ ઉપર પાણી ફરી વળશે ને સરસ્વતીચંદ્ર અને કુમુદબહેનના શત્રુઓ વિષવાર્તાઓ ભરકોર્ટમાં નિર્ભય થઈ કરશે.’

ચંદ્રકાંત - ‘તે વાતમાં તમને આશ્રય આપવો અને તમારો આશ્રય લેવો એ મારો નિઃશંક ધર્મ છે.’

સરદારસિંહ - ‘એમ જ. પણ બે વાત બીજી યે લક્ષમાં રાખવાની છે. જો આપના સિવાય સરસ્વતીચંદ્રની ભાળ બીજા કોઈને લાગી છે એવું માલૂમ પડશે તો એ મહાત્મા તમને પણ નહિ મળે, અને સુવર્ણપુરથી જ્યાં આવ્યા છે ત્યાંથી બીજે સ્થાને જશે. વળી એ ક્યાં છે એ કોઈ એવા માણસને માલૂમ પડશે અને તેની જીભ હાલશે તો હીરાલાલ જાણશે અને સરસ્વતીચંદ્ર જીવતા માલૂમ પડે તો એમને ઠાર કરાવવા એવી એવી પ્રતિજ્ઞા છે. માટે પણ આ વાત અત્યંત ગુપ્તરાખવી અને માત્ર મને વેળાસર કહેવી કે તે જ્યાં હોય ત્યાં એમના રક્ષણ માટે હું વ્યવસ્થા કરી શકું. છેલ્લી વાત આપને કહેવાની એટલી કે હીરાલાલ પાસેથી આ નાટક કોર્ટમાં ચડે ત્યારે ચડવા દઈ, તે બીજો કાંઈ પુરાવો આપે ત્યાર પહેલાં, સરસ્વતીચંદ્રને તે કોર્ટમાં પ્રત્યક્ષ કરવા, અને તેમને જીવતા સિદ્ધ કરી હીરાલાલની ફરિયાદને જડમૂળથી નષ્ટ કરવી, અને બીજો કાંઈ દુષ્ટ પુરાવો આપવાનો પ્રસંગ તોડવો. આવો મારો સંકેત છે તે સિદ્ધ કરાવવા જેટલી સહાયતા તમે સરસ્વતીચંદ્ર પાસે અપાવશો એટલે આ પોલીસને કે રાજ્યને એમને બીજા કાંઈ પણ સંકોચમાં રાખવાનું કારણ નથી.’

‘મને લાગે છે કે આટલું હું કરીશ.’ ચંદ્રકાંત વિચાર કરતો કરતો બોલ્યો.

‘ચંદ્રકાંતભાઈ! આપના ઘરમાં પણ હીરાલાલની ખટપટ છે તે ભૂલશો મા.’ સરદારસિંહ ઊઠતો ઊઠતો બોલ્યો.

‘મારા ઘરમાં ?’ ચંદ્રકાંત ચમક્યો : ‘મારા ગરીબના ઘરમાં તે શું જડવાનું હતું ?’

‘શ્રીમંતના રંક મિત્રો શ્રીમંત જ સમજવા. આપના મોટાભાઈ અને આપનાં માતા, ગંગાબાને માથે શોક્ય લાવવા પ્રયત્ન કરે છે અને તેમને હીરાલાલનો શેઠ દ્રવ્યની સહાયતા આપે છે.’

‘ધૂર્તલાલને તેથી શું ફળ !’

‘આપ સરસ્વતીચંદ્રને શોધવા મૂકી ઘેર જાઓ તો ધૂર્તલાલ નિશ્ચિત થાય તે એને ફળ.’

‘એ તો સમજ્યો-’ ચંદ્રકાંત કંઈક હસી પડ્યો. ‘મુર્ખ, એમાં તે છેતરવાના. ગંગા મરે તોયે ચંદ્રકાંત હાથમાં લીધેલું છોડવાનો નથી તે બીજી બાયડી કરવાની હોળીમાં પડવા માટે તે આ રત્નની શોધ કરવી પડતી મૂકશે ?’

‘ત્યારે-તો ક્ષમા કરજો-કંઈ વધારે પણ સૂચવવું પડશે.’

‘સરસ્વતીચંદ્રનું મરણ જેઓ ઈચ્છે છે તેઓ જ ગંગાની કાશ પણ કાઢવા ઈચ્છે છે.’

‘કારણ ?’ચંદ્રકાંતને કપાળે પરસેવો છૂટ્યો.

‘કારણ એ જ કે મુંબઈ છોડતી વેળા સરસ્વતીચંદ્રે આપેલા પત્રો તથા દ્રવ્યની કૂંચી તમે અહીં હો ને ગંગાબા સ્વર્ગમાં હોય તો જ તેમને મળે. શોક્યના ડરથી જો ગંગાબા શત્રુનું કહ્યું નહીં કરે તો સ્વર્ગમાં જશે.’

‘એ વાત તો ખરી !અરેરે ! આ ગૂંચવાડો સૌથી ભારે આવ્યો !’ માથું ખંજવાળતો, દાંત પીસતો, ડોકું ધુણાવતો અને હાથપગ પછાડતો ચંદ્રકાંત બબડ્યો.

‘તેની પણ ચિંતા ન કરશો. આપ અમને આપના સ્વહસ્તના અક્ષર આપો કે ગંગાબા માણસ ઉપર વિશ્વાસ રાખે અને તેની જોડે મુંબઈ છોડી અત્ર આવે અથવા આપના કોઈ સમર્થ મિત્ર મુંબઈમાં હોય તો તેને ત્યાં જાય.’

‘તરંગશંકર-ઉદ્વતલાલ-ના-તરંગશંકર ગરીબ છે- ઉદ્વતલાલ પહોંચી વળશે -હા, ઉદ્વતલાલ ઉપર ચિઠ્ઠી આપું છું ને પરભાર્યો પત્ર લખું છું તેને ગંગાને મૂકજો.’

‘ઠીક, તમે ગંગાબા ઉપર પરભાર્યો પત્ર ન લખશો. તે તેના શત્રુના હાથમાં જશે.’

‘બરોબર. પણ તમે આ કામ કેટલા દિવસમાં કરશો ?’

‘ગંગાબાનું કામ પાંચ દિવસમાં કરીશું. ત્યાં સુધી તો કાંઈ ભય નથી.’

‘તો હું ગંગાને તમને સોંપુ છું ને સરસ્વતીચંદ્રને મને સોંપો.’

‘એમ જ. પણ મેં કહેલી વાતો એકએક લક્ષ્યમાં રાથજો. ભૂલશો તો માર ખાશો.’

અહીંથી સર્વ વેરાયા. સરદારસિંહના શબ્દોના ભણકારા ચંદ્રકાંતના કાનમાંથી ગયા નહીં. એક પાસ સરસ્વતીચંદ્રને અને બીજી પાસ ગંગાને માથે ઝઝૂમતાં ભયસ્વપ્નોએ એની સ્વસ્થતાનો નાશ કર્યો. અંતે રાત્રિ પડી. રાત્રિએ ચંદ્રકાંતે બાવાની વાટ જોઈ. પણ તે મળ્યો નહી. સાટે કોઈ વટેમાર્ગુએ તેના હાથમાં ચિઠ્ઠી આપી કે ‘ગુપ્ત વાત પ્રકટ થવાના ભયથી આપણો સંકેત પાર ઉતારવામાં ઢીલ થઈ છે. જો એવો ભય તમે જ ઉત્પન્ન કરશો તો સંકેત નષ્ટ ગણવો. જો ગુપ્ત વાત રાખી શકશો તો ખોયેલો પ્રસંગ પુનઃપ્રાપ્ત થશે..’ સૌંદર્યદ્યાનના દ્વારબહાર અંધકારમાં ચંદ્રકાંત ઊભો હતો ત્યાં એના હાથમાં ચિઠ્ઠી મૂકી વટેમાર્ગુ કંઈક દોડી ગયો. દ્વારના ફાનસના પ્રકાશથી ચિઠ્ઠી વાંચી ગૂંચવાયેલો ચંદ્રકાંત વધારે ગૂંચવાયો, ગભરાયો, ખીજવાયો અને ચિંતામાં પડ્યો. પ્રાતઃકાળે બાવાને શોધવા, ને ન જડે તો એકલા યદુશૃંગ જવા મનમાં ઠરાવ કર્યો. એક સરસ્વતીચંદ્રને તો શોધવાનો હતો તેમાં બીજો બાવો શોધવાનો થયો. વિધાતાની ગતિમાં આવાં વૈચિત્ર્ય જ છે.