Gir: Sorathi Dharti Nu Heer - 1 in Gujarati Travel stories by Kintu Gadhavi books and stories PDF | Gir: Sorathi Dharti Nu Heer - 1

Featured Books
Categories
Share

Gir: Sorathi Dharti Nu Heer - 1



ગીર : સોરઠી ધરતીનું હીર-૧



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

ગીર : સોરઠી ધરતીનું હીર-૧

સૌરાષ્ટ્રમાં અને એમાંય ખાસ સોરઠમાં તો એવું કહેવાય છે કે જ્યાં સુધી જુવાની જામતી હોય ત્યાં સુધી ગીરના ગોહરને દરેક યુવાને ખુંદવા જોઈએ. જે જુવાને સાવજની ડણકો સાંભળી છે એની છપ્પન ઈંચની છાતીમાં ક્યારેય ભયનો ફડકો પેસતો નથી. મિત્રો, આજે ગુજરાતનો જગજાહેર વિસ્તાર એવા ગીરની સહેલગાહ કરીએ. અમિતાભ બચ્ચને તો ગીરને સુંદર રીતે વર્ણવીને આ વિસ્તારમાં આખા દેશના પ્રવાસીઓને ઠલવી દીધા. પરંતુ જ્યાં સામાન્ય પ્રવાસીઓ અવર જવર કરે છે તે તો ગીરનો ઉપર ઉપરનો વિસ્તાર છે. ગીરનો અંતરીયાળ વિસ્તાર તો ઘણો સોહામણો અને સુંદર છે. ટ્રેકિંગ કરતાં કરતાં સતત આંખોને આંજી દે તેવા સુંદર દ્રશ્યોવાળો આ ગીરનો પટ્ટો દરેક માટે એક લ્હાવો છે.

ગીરનું જંગલ બે હિસ્સામાં વહેંચાયેલું છે, એક જુનાગઢ જિલ્લામાં અને બીજું અમરેલી જિલ્લામાં. ગીરનો પૂર્વભાગ અમરેલી સાથે જોડાયેલો છે જ્યારે પશ્ચિમ ભાગ જુનાગઢ સાથે જોડાયેલો છે. સામાન્ય રીતે મોટા ભાગના લોકો ગીરની મુલાકાત સાસણ ગીરથી કરે છે. કારણ કે આ વિસ્તારમાં સરકારના વનવિભાગ દ્વારા સિંહ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. જુનાગઢથી તાલાળા જતા સાસણગીર વચ્ચે આવે છે. અહીં બે પ્રકારે સિંહ દર્શન કરી શકાય. એક તો અહીં બનાવેલા ફેન્સિંગ મોટમાં જઈને સિંહને જોઈ શકાય છે. સાસણ પાસે આવેલા દેવળીયામાં કેટલાંક ચોક્કસ એકર વિસ્તારમાં જ સિંહોને રાખવામાં આવ્યા છે જેથી સિંહ જોવાની ગેરેન્ટી સાથે જ તમે સિંહ દર્શન કરી શકો છો. પરંતુ જંગલના અસલ તરાહમાં જો સિંહ જોવો હોય તો અહીંથી ઉપડતી જંગલ સફારીના કોઈપણ ટ્રેકને પસંદ કરીને તમે સિંહ દર્શન કરી શકો છે. પરંતુ સફારીમાં સિંહ જોવા મળશે જ તેની કોઈ જ ગેરેન્ટી નથી. આ ઉપરાંત હમણાં જ ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા ધારી પાસે આવેલા આંબરડી ગામે પણ સિંહ દર્શન માટે એક ચોક્કસ ફેન્સીંગ કરેલો વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે. સ્વાભાવિક રીતે જ ગીરમાં પ્રવેશતાની સાથે જ સિંહની આભા સતત મનમાં ચાલ્યા કરે છે. આંખો સતત આ દૈવી પ્રાણીને શોધ્યા કરે છે. ઘણાં યુવાનો તો અઠવાડીયા સુધી સિંહને શોધતા હોય છે તો વળી ઘણાં નસીબદારને એક અડધો કલાકની ટ્રીપમાં પણ સાવજના દર્શન થઈ જાય છે. જો કે ગીરમાં સિંહ સિવાય પણ ૨૫૦થી વધુ પ્રકારના પક્ષીઓ છે. આ ઉપરાંત દીપડા,ચિત્તલ, સાબર, જરખ, સાહુડી, રોઝ, ચિંકારા, કાળીયાર, શિયાળ, જંગલી કુતરાનો સમાવેશ થાય છે. અહીં જંગલમાં નીચે ઉતરવાની મનાઈ છે. છતાં કેટલાંક અંતરીયાળ સ્થળો એવા છે જ્યાં જંગલખાતાની પરવાનગી સાથે મુલાકાત લઈ શકાય છે.

ગીરમાં ત્રણ મુખ્ય રસ્તા છે...એક તો ઉના તુલસીશ્યામથી આવતો અને ધારીને જોડતો રસ્તો, બીજો ધારી-દલખાણીયાથી જામવાળા ગીર જતો રસ્તો અને ત્રીજો ધારી-વિસાવદર જતો રસ્તો. આ ત્રણેય રસ્તાઓમાંથી પહેલો રસ્તો એટલે તુલસીશ્યામ અને ધારીને જોડતા ગીરના રસ્તાની આપણે ચર્ચા કરીશું. આજના આ ભાગમાં આપણે ગીરની માત્ર આટલી જ વાત કરીશું અને આવતાં અંકે તેના બીજા વિસ્તારની વાત કરીશું. ગીરથી તુલસીશ્યામ જવાના રસ્તે અનેક પ્રકારની લીલોતરી જોવા મળે છે. આ વિસ્તારમાં કાંટાળા ઝાડ વધુ છે. અહીં ડુંગરાઓ અને વૃક્ષોની ગીચતા પણ વધુ છે. છતાં આ રેન્જમાં સિંહોની વસ્તી સૌથી વધુ હોવાનું માનવામાં આવે છે. જો કે સિંહની વસ્તી તો સતત બદલાયા કરે છે. તે તેના વિસ્તાર અને શિકાર પર નિર્ભર કરે છે. પરંતુ ધારીથી તુલસીશ્યામ-ઉના જવા માટે પ્રયાણ કરીએ એટલે પહેલા જળજીવડી, જીરા,ખીસરા જેવા ગામો બાદ દુધાળા ગામની સીમ પૂરી કર્યા પછી ગીરના જંગલી ઝાડવાઓની છાંય પડવા લાગે અને જંગલનો મુખ્ય દરવાજો આવી જાય. મુખ્ય દરવાજે એક નાનકડી પાવતી ફડાવીએ એટલે આપણો પ્રવાસ આગળ જાય. જો કે આ વિસ્તારમાં પણ નીચે ઉતરવાની સખ્ત મનાઈ ેછે. જો કોઈ પકડાય તો વનવિભાગ દ્વારા ભારે દંડ વસુલવામાં આવે છે. તુલસીશ્યામ સુધી વચ્ચે જંગલમાં ક્યાંય ના ઉતરવું એ આપણી સલામતી છે. અહીં ધીમે ધીમે ગાડી ચલાવતા ચલાવતા સુંદર નેસ, પર્વતો, પ્રાણીઓ અને પક્ષીઓની મજા માણી શકાય છે. ઉનાળાના સમયમાં પણ સુંદર હરણોના ટોળા ઘડીભર તમારો રસ્તો રોકશે અને મનને પ્રફુલ્લિત કરી દેશે. તો વળી ક્યાંક ક્યાંક એકલ-દોકલ સાબર કે રોઝ પણ અચૂક જોઈ શકાય છે. આસુન્દ્રાળી અને ઘૂડજિંજવા નેસમાં માલધારીઓના વસવાટ હોવાના કારણે આસપાસના વિસ્તારમાં ક્યારેક સિંહ પણ જોવા મળી જાય તો નવાઈ નહીં અને ઢળતી સાંજે આ રોડ પર દીપડો પણ રોડની સમાંતરે જોવા મળ્યાના અનેક પ્રવાસીઓના દાખલા છે. તુલસીશ્યામ જતા પહેલા ભીમચાસ નામની એક સુંદર જગ્યા છે. અહીં ભીમે ગદા મારીને ભગવાન શીવને પ્રસન્ન કર્યા હતા. અહીંથી વહેતી રાવલ નદીના પાણીમાં ચોમાસાના સમયે મગરો પણ જોઈ શકાય છે. ભીમ ચાસ પછી અને તુલસીશ્યામ પહેલા એક જાદુઈ ઢાળ આવે છે. જ્યાં તમારી ગાડી રીવર્સમાં ચાલી શકે છે. એવું મનાય છે કે આ વિસ્તારમાં કોઈ મેગ્નેટિક ઉર્જા છે. ઘણાં સ્થાનિક યુવાનો આ વિસ્તારમાં પોતાની ગાડી લઈને આવો અખતરો કરતા જોવા મળે છે. ત્રીસેક કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આખરે ભગવાન શ્યામસુંદરનું પવિત્ર યાત્રાધામ આવે છે. અહીં રોકાણ માટેની સુંદર વ્યવસ્થા છે. સાથે અહીં મંદિર પાસે આવેલી રૂક્ષમણી ટેકરી પર માતા રૂક્ષમણીનું સુંદર મંદિર છે. આ જગ્યાએ ટ્રેકિંગની સાથે ગીરના ડુંગરાઓને જોવાની અને માણવાની અનોખી મજા છે. તુલસીશ્યામ મંદિરે ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. તુલસીશ્યામથી આગળ વધતા જ અંતરીયાળ ભાગમાં ખજૂરી નેસ આવેલો છે જ્યાં કવિ કાગે અને ઝવેરચંદ મેઘાણીએ બેસીને ગુર્જર સાહિત્યમાં શીરમોર ગણાતું એવાં... ચારણ કન્યા કાવ્યની રચના કરી હતી.

તુલસીશ્યામથી દિવ માત્ર એક જ કલાકના અંતરે આવેલું હોવાથી અનેક પ્રવાસીઓ અહીંથી દિવ જઈને દરિયાની મજા માણે છે. આ વિસ્તાર એકંદરે ઘણો ઠંડો છે. તુલસીશ્યામથી લગભગ પંદર કિલોમીટર બાદ ગીરનું જંગલ પૂરું થાય છે. અને જસાધાર ગામ આવે છે. જસાધારથી અંતરીયાળ રસ્તે રાવલ ડેમ જઈ શકાય છે. રાવલ નદી પર આવેલો રાવલ ડેમ એક સુંદર જગ્યા છે. પરંતુ સાવધાન, અહીં સીધા જ પાણીમાં પગ મૂકવો ખતરાથી ખાલી નથી, કારણ કે અહીં પાણીમાં અનેક મગરો તરતા હોય છે. ઘણીવાર સાંજના સમયે મગરો રીતસરના કિનારા પર સૂતેલા પણ જોવા મળે છે. રાવલ ડેમની આસપાના વૃક્ષોમાં સુંદર પક્ષીઓ જોઈ શકાય છે. બર્ડ વોચિંગનું પુસ્તક લઈને દૂરબીનથી એક પછી એક પક્ષીઓને ઓળખવાની અનોખી મજા છે. તુલસીશ્યામથી ઉના પહોંચતા જ સંખ્યાબંધ નાળીયેરના વૃક્ષો અને જુનાગઢનો લીલી નાઘેરનો વિસ્તાર ચાલુ થઈ જાય છે. ગીરનો આ નાનો અને ટૂંકો છતાં રળીયામણો પંથ માણવા લાયક છે. હવે આવતા અંકે ગીરના મધ્યભાગ એવા દલખાણીયા, સાપનેસ અને જામવાળા ગીરની વિસ્તૃત ચર્ચા કરીશું.