Spekturnno khajano - 7 in Gujarati Adventure Stories by Param Desai books and stories PDF | સ્પેક્ટર્નનો ખજાનો - ૭

Featured Books
Categories
Share

સ્પેક્ટર્નનો ખજાનો - ૭

પ્રકરણ:૭ લેમ્સ ટાપુ

ઉપડ્યા પછીનો આ ત્રીજો દિવસ હતો.

રોજ એક નો એક અવાજ સાંભળીને હું હવે કંટાળ્યો હતો. આખો દિવસ કંઈ ખાસ કામ રહેતું નહીં અને ગપ્પાં મારવામાં તે કંઈ બધો ટાઈમ જાય નહીં એટલે એને કારણે પણ શરીરમાં સુસ્તી જેવું થઈ ગયું હતું.

ક્રુઝર પણ હવે ત્રણ દિવસથી સતત ચાલતી હતી એટલે એનાં એન્જિનને પણ આરામની તાતી જરૂર પડશે એવો એક વિચાર આવતાં જ હું આગળની કેબિનમાં પ્રોફેસર બેન પાસે પહોંચ્યો, ‘પ્રોફેસર બેન ! ક્રુઝર સતત ત્રણ દિવસથી આમની આમ ચાલે છે તો એને આરામની જરૂર નહીં પડે ? તમને શું લાગે છે ?’

‘એલેક્સ, મેં એ પહેલેથી નક્કી કરી જ રાખ્યું છે.’ એમણે કહ્યું અને એક ખાનામાંથી “પેસિફિક ઓશિયન”નો નક્શો કાઢીને ખોલ્યો. દરમિયાનમાં થોમસ અને જેમ્સ પણ કુતુહલતાવશ મારી બાજુમાં આવીને ઊભા રહ્યા.

‘જુઓ...’ પ્રોફેસરે નક્શામાં ભૂરા રંગના પાણી દર્શાવતા ભાગ વચ્ચે એક નાનકડા ટપકાં ઉપર આંગળી મૂકતા કહ્યું, ‘આ છે લેમ્સ ટાપુ. ખૂબ જ નાનો છે. આપણે ત્યાં વિસામો કરવાનો છે.’

પ્રોફેસરે એમની આંગળી હટાવી એટલે અમે ત્યાં જોયું. સાવ ટપકાં જેવી જમીન નક્શામાં ચિત્રિત કરેલી હતી.

‘મને લાગે છે કે હવે “લેમ્સ” બહુ દૂર નહીં હોય...’ પ્રોફેસરે તર્ક કરતાં કહ્યું અને પછી બાજુમાં ક્રુઝર ચલાવી રહેલા મેક્સને પૂછ્યું, ‘મેક્સ, શું લાગે છે ? લેમ્સને કેટલી વાર છે ?’ સાંભળીને મેક્સે કંટ્રોલ પેનલમાં રહેલા એક સ્ક્રીન તરફ જોયું. એ સ્ક્રીન લગભગ અક્ષાંશ-રેખાંશ જ બતાવતો હોવો જોઈએ એવું મને લાગ્યું. અલબત્ત પછી  મારું અનુમાન સાચું પડ્યું હતું.

‘હજુ એકાદ કલાકની વાર છે, પ્રોફેસર સાહેબ.’ મેક્સે કહ્યું.

‘ઠીક છે. કેરી ઓન.’ પ્રોફેસર બેને કહ્યું. પછી મારી સામે આછું સ્મિત ફરકાવ્યું. હું પણ એ જ ભાષામાં જવાબ આપીને અંદરના ભાગમાં આવ્યો.

અહીં તો ક્રિક, વિલિયમ્સ અને વોટ્સને મિજબાની જમાવી હતી. મેં કાંડા ઘડિયાળમાં જોયું. લગભગ બપોરના જમવાનો સમય થઈ ગયો હતો. એટલે હું, જેમ્સ અને થોમસ પણ એમની સાથે જોડાયા.

જમી-કરીને પરવાર્યા ત્યારે એક કલાક થઈ ગયો હતો અને હવે “લેમ્સ” ટાપુ આવવાની તૈયારી જ હતી.

વાતાવરણમાં પણ થોડી-ઘણી ઠંડી ભળી ગઈ હતી. જોકે અમે લોકોએ જાકીટ અને મફલર ચડાવી રાખ્યાં હતા એટલે વાંધો નહોતો.

મેક્સે કંટ્રોલ પેનલમાં કંઈક દબાવ્યું અને પછી તેનાં હાથમાં રહેલું ગીયર થોડું પાછળ તરફ ખેંચ્યું. એક હળવા ઝાટકા સાથે ક્રુઝરની ઝડપ થોડી ઘટી. મેં બારીમાંથી નજર કરી. દૂર ધુમ્મસ વચ્ચે એ લેમ્સ ટાપુ એકદમ ધૂંધળો દેખાતો હતો. ટાપુ હજી થોડો નજીક આવે પછી એનો સાચો ખ્યાલ મળી શકે તેમ હતું.

થોડી મિનિટો પછી ક્રુઝર સ્થિર ઝડપે ટાપુની ઘણી નજીક પહોંચી ગઈ. બધા જ બહાર તૂતક પર આવી પહોંચ્યા. સામે જ ટાપુની ખડકાળ જમીન નજરે પડતી હતી. હવામાન ઠંડું હતું.

હવે લેમ્સ ટાપુ ઘણો જ સ્પષ્ટ દેખાતો હતો. એનો ફેલાવો ઓછો હતો. ઉપર નાના-નાના પર્વતો હતા અને જમીન એકદમ ખડકાળ હતી. ઝાડ-પાન અને લીલોતરીનું તો ક્યાંય નામોનિશાન નહોતું. સાવ વેરાન ટાપુ હતો એ.

એક આંચકા સાથે ક્રુઝર સ્થિર થઈને કિનારાની રેતીમાં જરાસરખી ખૂંપી ત્યારે અમને સહેજ ધક્કો લાગ્યો હતો. લેમ્સની જમીન પર પગ મૂક્યો ત્યારે ચારેય બાજુ એકદમ શાંતિ હતી.

લેમ્સ ટાપુનો નજારો કંઈ ખાસ નહોતો. મંગળ ગ્રહ જેવો રેતાળ હતો. કોઈક કોઈક જગ્યાએ ઊંચા-નીચા ખાડા ટેકરાઓમાં પાણીનાં નાનાં-મોટાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. મને થયું કે એમાંથી અમને થોડી-ઘણી માછલીઓ મળી રહેશે. થોડે દૂર બે જુદા-જુદા અંતરે માપસરના ઊંચા કહી શકાય એવા પર્વતો હતા. બસ, એ સિવાય રણમાં ઉગે એવી ટૂંકી-ટૂંકી વનસ્પતિઓ અને સૂકું ઘાસ અમુક જગ્યાએ ફેલાયેલાં હતાં.

‘ઓહ...! આ તો રણ જ છે.’ પ્રોફેસર બેન ઉતરતાં વેંત બોલ્યા. એમની પાછળ મેક્સ સૌથી છેલ્લો ઊતર્યો. એણે દરવાજો બંધ કર્યો અને લંગર નાખ્યું.

અમે તો ઉતર્યા તે ભેગા અલગ અલગ દિશાઓમાં છૂટા-છવાયા થઈ ગયા. હું અને થોમસ પેલા પર્વત તરફ દોડી ગયા તો જેમ્સ, ક્રિક વગેરે પોતપોતાની રીતે અલગ અલગ જગ્યાએ દોડી ગયા.

‘છોકરાઓ ! ધ્યાનથી ! ભૂલા ન પડી જવાય એ ધ્યાન રાખજો.’ પ્રોફેસર બેને દુરથી મોટા અવાજે કહ્યું.

‘હા, પ્રોફેસર સાહેબ ! ડોન્ટ વરી !’ મેં બધા વતી જવાબ આપી દીધો. આમ પણ ટાપુ નાનો હતો એટલે એમ કોઈના ગુમ થવાની કે ભૂલા પડવાની શક્યતા ઓછી હતી.

થોડી વારે અમે એક ખાબોચિયા પાસે પહોંચ્યા તો ત્યાં વિલિયમ્સ માછલી પકડવાના સળિયાને પાણીમાં નાખીને બેઠો હતો. એણે મારી સામે જોયું. પછી સળિયામાં સહેજ સળવળાટ થતાં એનું ધ્યાન માછલી પકડવામાં પરોવાયું. બીજી જ ક્ષણે એણે સળિયો બહાર કાઢ્યો તો એક સરસ ભરાવદાર માછલી સળિયાના હૂકમાં ફસાઈ ગયેલી અને તરફડિયાં મારતી હું જોઈ રહ્યો. એને જોઈને મને અજીબ લાગ્યું. મને થયું કે અમે સાથે પૂરતો ખોરાક લાવ્યા છીએ એટલે એ ખૂટવાની સંભાવના નથી જ, તો પછી આમ બિચારી માછલીઓને હમણાં શા માટે હેરાન કરવી જોઈએ ? એને તડફડતી જોઈને મને દુઃખ થયું એટલે મેં તરત જ વિલિયમ્સને એને છોડી દેવા કહ્યું. વિલિયમ્સને ગમ્યું નહીં. એણે બગડેલાં મોંએ પેલી માછલીને છોડી દીધી એટલે એ કૂદકો મારીને સડસડાટ કરતી પાણીમાં અદ્રશ્ય થઈ ગઈ.

રસ્તામાં ચાલતાં ચાલતાં મેં વિલિયમ્સને સમજાવ્યું ત્યારે એ માન્યો. જેમ્સ અને ક્રિક પણ માછલી પકડવાનાં મૂડમાં હતા. તેમની સામે પણ મેં મારો આ પ્રસ્તાવ મૂક્યો હતો અને સમજાવ્યા હતા.

***

ત્રીજા દિવસની રાત પડી ગઈ હતી. આકાશ સ્વચ્છ હતું અને તારાઓ ટમટમતા હતા. પરંતુ વાતાવરણમાં ઠંડીનું મોજું પથરાઈ ગયું હતું.

સાંજે અમે સાથે લાવેલા ટેન્ટ(તંબુ)ને ચાર બાજુ ચાર ખીલા ખોડીને ઊભો કર્યો હતો અને અત્યારે એમાં અમે આઠેય જણા ભરાઈ બેઠા હતા. ટેન્ટનો આગળનો થોડો ભાગ ખૂલ્લો રાખ્યો હતો ત્યાંથી તારા મઢેલું આકાશ મંત્રમુગ્ધ કરતુ હતું.

ટેન્ટમાં નાનું તાપણું પણ સળગાવ્યું હતું અને એના ફરતે અમે બેઠા હતા.

‘યાર એલેક્સ ! હું શું કહું છું...કે આપણે એકાદ વાર ઈજિપ્તની કે આફ્રિકાના કોંગો પ્રદેશની સફર પણ ખેડવી જોઈએ, નહીં ?’ જેમ્સે વાતનો દોર શરૂ કર્યો.

‘હા જેમ્સ, તારી વાતમાં દમ તો છે !’ હું જવાબ આપું એ પહેલાં તો પ્રોફેસર બેન બોલી ઉઠ્યા, ‘મેં પણ એવું ઘણું-ઘણું વાંચ્યું છે કે ઈજિપ્તના ફારાઓ (રાજાઓ)ની કબરોમાં અને ત્યાંના પિરામીડોમાં મસમોટા ખજાનાઓ હાલમાં પણ ધરબાયેલા છે, અને એમાં પણ અમુક રહસ્યમય જગ્યાઓ એવી છે કે જ્યાં આજ સુધી ન જાણે કેટકેટલા સાહસિકો અને પુરાતત્વ વિભાગના લોકો કોઈક અજાણ્યા અને ભેદી કારણોથી મૃત્યુ પામે છે અને ખજાના સુધી પહોંચી શકતા નથી ! સંશોધકો એના પર રિસર્ચ કરી રહ્યા છે પણ કોઈ ચોક્કસ તાગ નથી મેળવી શકતા. ઉપરાંત આફ્રિકામાં આવેલો “કોંગો” પ્રદેશ પણ કંઈ ઓછો નથી. એ પણ એનાં વિશાળ જંગલોમાં ઠેકઠેકાણે રહેલી હીરાની ખાણો તથા એનાં કારણે થતાં ખૂનખરાબાઓ માટે કુખ્યાત છે. ત્યાંના “ઝુલુ” જાતિના આદિવાસી લોકો તો માણસને કાચેકાચો ખાઈ જાય એવા જંગલી છે.’ કહીને પ્રોફેસર ચૂપ થઈ ગયા. થોડી વાર ડર-મિશ્રિત શાંતિ છવાઈ ગઈ. જેમ્સને પણ થયું કે એણે બોલેલું વાક્ય કેટલે અંશે યોગ્ય હતું. એ બધી જગ્યાઓને આજે પણ ભેદી અને રહસ્યમય માનવામાં આવે છે એ વાત ચોક્કસ છે.

***

પ્રોફેસર બેને અહીં લેમ્સ પર ક્રુઝરને એક આખો અને બીજો અડધો દિવસ – એમ દોઢ દિવસનો આરામ આપવાનું નક્કી કર્યું હતું. મેક્સે ક્રુઝરમાં પાછળની બાજુ ડીઝલનાં બેરલ્સ ખડક્યા હતા એમાંથી અમુક રસ્તામાં વપરાઈ ગયા હતાં.

ટાપુ પર ઉતર્યાના આજે બીજા દિવસની સવાર હતી. આજે બપોરે અહીંથી નીકળી જવાનું હતું.

સવારના પહોરમાં જ મેક્સ અને પ્રોફેસર બેન ક્રુઝરનો પાછળનો ભાગ ખોલીને એનાં એન્જિનની સફાઈ કરવામાં મશગુલ હતા. બસ, હવે અહીંથી ઉપડ્યા પછી ત્રણેક દિવસમાં ‘સ્પેક્ટર્ન’ની જમીન દેખાવાની હતી. મને એ વિચારી વિચારીને રોમાંચ થઈ આવતો હતો.

હું મારા મિત્રો સાથે આજુ-બાજુ ચાલવા નીકળી પડ્યો હતો. પ્રોફેસરે કહ્યું હતું કે ફરતાં ફરતાં એવું કંઈક દેખાય કે જે આપણી સફર માટે કામનું હોય તો એને સાથે લઈ લેવું. જેમ કે ઔષધિઓ, અમુક ફળો કે વનસ્પતિઓ વગેરે.

ચાલતાં ચાલતાં એક જગ્યાએ ઢોળાવ પાસે મેં ભારતમાં ખૂબ જ વપરાતા દાતણનાં બાવળ ઉગેલા જોયા. હું ખૂબ જ હરખાઈ ગયો. બે-ચાર ડાળખાં તોડી લઈને મારા મિત્રોને બતાવતાં મેં કહ્યું, ‘જુઓ દોસ્તો ! આ બાવળનાં ડાળખાંનો ઉપયોગ ઈન્ડિયામાં દાંત ઘસવા માટે ખૂબ જ થાય છે. આ ડાળખું એક ઔષધ સમાન જ છે. એને બ્રશની જેમ દાંતે ઘસવાથી આરોગ્યને બહુ ફાયદો થાય. સ્પેક્ટર્નમાં કદાચ આપણી ટૂથપેસ્ટ ખલાસ થઈ જાય તો પેસ્ટ વગરનું પણ ખૂબ જ ફાયદાકારક આ દાતણ કરી શકાય.’

મારા હાથમાંથી એક-એક જણાએ ચારેય ડાળખાં પકડી લીધાં. તેઓ કૂતુહલતાથી એને જોઈ રહ્યા. અને બીજી જ ક્ષણે એક આખી ડાળી કાપી લઈને વોટ્સને ખભે નાખી, ‘હવે તો આરોગ્ય સારું કરવું જ રહ્યું...!’

અમે બધા એનું વાક્ય સાંભળીને હસી પડ્યા.

બપોરે ત્રણેક વાગ્યે અમે પ્રસ્થાન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. બધો આડો-અવળો સામાન એક પછી એક પેક થવા લાગ્યો અને છેલ્લે મોટો ટેન્ટ સમેટી લેવાયો અને એનાં ખીલ્લા તથા બીજી વસ્તુઓ એનાં યોગ્ય સ્થાને મૂકીને વારાફરતી બધો સામાન ફરી પાછો ક્રુઝરમાં ચડાવ્યો. આ બધું કર્યું ત્યાં ચાર વાગી ગયા હતા.

મેક્સ અને પ્રોફેસર અમારી પહેલા ક્રુઝર પર ચડી ગયા હતા. એ પછી વોટ્સન, વિલિયમ્સ, ક્રિક વગેરે ચડ્યા. સૌથી છેલ્લે અમુક સામાન ઉપાડીને હું ક્રુઝર નજીક પહોંચ્યો ત્યારે મેક્સે એન્જિન ચાલુ કરી દીધું હતું, મેં ઉપર ચડીને તૂતક પર પગ મૂક્યો કે તરત રેતીમાં ખૂંપેલો ક્રુઝરનો આગલો ભાગ સહેજ ઝાટકા સાથે કિનારાથી દૂર થયો. મેક્સે એને ‘રીવર્સ’માં લીધી હતી.

તૂતક પર ઊભા રહીને અવાજમાં મેં ‘લેમ્સ’ ટાપુને છેલ્લી વખત જોઈ લીધો અને પછી અંદરની કેબિનનો દરવાજો બંધ કરીને વિન્ડો સીટ પર બેસી ગયો.

અને...વળી એક હલકા ઝાટકા સાથે ક્રુઝરે ‘લેમ્સ’ની જમીનથી દૂર થવાની વાટ પકડી લીધી ને થોડી જ ક્ષણોમાં ઝડપ પકડવા લાગી.

મેં બારીમાંથી જોયું. ‘લેમ્સ’ ટાપુ ધીમે-ધીમે સાવ ધૂંધળો દેખાતો જતો હતો. આમ તો ‘લેમ્સે’ ઝાઝું કંઈ આપ્યું નહોતું, પરંતુ ક્રુઝરને તથા અમને પૂરા દોઢ દિવસનો આરામ જરૂર આપ્યો હતો.

ક્રુઝરે લેમ્સની ફરતે થઈને પછી પશ્ચિમ તરફ સીધું હંકાર્યું.

જે કંઈ થયું એ બધું સારું થયું અને હવે જે કંઈ થશે એ પણ સારું જ થશે – એવું વિચારીને મારા હોઠ પર મુસ્કાન છવાઈ ગઈ અને મેં બારી પાસેથી નજર ફેરવી લીધી.

‘સ્પેક્ટર્ન’ તરફ પ્રયાણ કરતી ક્રુઝર એ જ ગતિએ ફરી પાછી અગાધ પેસિફિક મહાસાગર પર તરતી આગળ વધી ગઈ.

***