Gumnam sodh - 13 in Gujarati Adventure Stories by Bhavisha R. Gokani books and stories PDF | ગુમનામ શોધ

Featured Books
Categories
Share

ગુમનામ શોધ

ગુમનામ શોધ - એક હ્રદય સ્પર્શી કથા

વિષય : નવલકથા

પ્રકરણ : 13

ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

(આપણે આગળના પ્રકરણોમાં જોયુ કે પ્રતિક્ષાની માનસિક હાલત દિવસે દિવસે ખરાબ બનવા લાગે છે. ઘણો સમય વિતી જવા છતાંય દીપુની કોઇ ભાળ મળતી નથી આથી કંદર્પ અને દીપક શાહ નિવૃત પોલીસ ઓફિસર ગુમાનસિંહની મદદ લેવા જાય છે. શું ગુમાનસિંહ આ કેસમાં કંદર્પની અને શ્રીમાન શાહની મદદ કરી શકશે કે પછી બન્ને પોતાના સંતાનોને ખોઇ બેસશે??? હવે ક્યા મોડ પર પહોંચશે આ લોકોની લાઇફ??? જાણવા માટે વાંચો આગળ)

“હે ભગવાન તારો ખુબ ખુબ આભાર માનુ છું કે આજે ઘણાં સમય બાદ પ્રતિક્ષાએ સારી રીતે વાત કરી સાથે જમી પણ સારી રીતે. તેની તબિયત હવે સુધારા પર લાગે છે.” સુભદ્રાબેન પ્રતિક્ષાની સારવાર કરતી નર્સને કહેવા લાગ્યા. “હા આન્ટી, તમે જોઇ લેજો એક બે દિવસ બાદ હજુ વધુ સારી તબિયત પ્રતિક્ષા મેડમની થઇ જશે. તેને મગજ શાંત થવાની દવા અસર કરે છે. થોડા જ સમયમાં પ્રતિક્ષા મેડમ પહેલાની જેમ જ ચુસ્ત અને તંદુરસ્ત થઇ જશે.” “પણ દવાભર કયાં સુધી ચાલશે? બિચારીને રોજ કેટલી દવાઓ આપીએ છીએ? મારી વહુ જમવા કરતા તો વધુ દવાઓ પર નીભે છે..” “તમારી વાત સાચી છે આન્ટી. આ દવાઓ લાંબો સમય ખાવાથી નુકશાનકારક જ છે. આખી જીંદગી આમ કાંઇ દવા ભર તો ન જ નીકળે. બસ હવે બહેનના દીપુનો કાંઇ પત્તો મળે તો ઠીક નહિ તો........” નર્સના ગળેલા શબ્દો સુભદ્રાબહેનને ચુંભી ગયા અને તે વધારે વખત પ્રતિક્ષા સામે બેસી ન શકયા અને બીજા રૂમમાં જતા રહ્યા. બારણા પાસે ઉભી સ્તુતિ પણ નર્સના આ ઉચ્ચારને જીરવી ન શકી અને તે પણ લાચાર નજરે ભગવાન સામે તાંકી રહી. **********************

“સોરી, શ્રીમાન શાહ હુ તમને ડિસ્ટર્બ કરું છુ.” “અરે કંદર્પભાઇ આવો આવો. સવાર સવારમાં ભુલા પડી ગયા.” “સોરી, તમને આજે રવિવારના દિવસે સવાર સવાર માં હેરાન કર્યા.” “અરે ના એમાં કાંઇ ડિસ્ટર્બ નથી કર્યા. હુ તમારી પરિસ્થિતિ સમજી શકુ છુ. આખરે હુ પણ તે જ પીડાથી પીડાઇ રહ્યો છુ. આંખમાં ઉંઘ અને દિલમાં ચેન નથી. કયાં સવાર અને સાંજ છે ખબર કયાં છે?” “સાચી વાત છે. માતા પિતાનો વિરહ અને દુ:ખ આ બધુ કાયદો કયાંથી સમજી શકે? તે તો બસ ધારા અને કલમો સમજાવે, આપણને ખાલી જુઠ્ઠો દિલાસો આપી દે છે.” “હા કંદર્પ, રાઇટ. તમે તો નસિબદાર છો, તમારો સપોર્ટ કરવા તમારી પાસે પુરો પરિવાર છે, જેની સાથે તમે તમારા વિચારો અને પરિસ્થિતિ વહેંચી તો શકો. મારો તો એક જ આધાર અને જીવન સ્તંભ સમાન મારી કલાને જ તેઓ ઉપાડી ગયા. વધુમાં દિકરીની જાત છે, તેઓ ક્યાંક મારી દિકરીને...............” બોલતા બોલતા દીપક શાહનો ચહેરો ઝંખવાઇ ગયો. “પ્લીઝ કામ ડાઉન મિસ્ટર શાહ તમારી દીકરીને તમારી પાસેથી કોઇ છીનવી નહિ શકે આપણે તેને ગમે ત્યાંથી દિપુ અને કલાનો પત્તો મેળવીને જ રહેશું.” “થેન્ક્યુ મિસ્ટર કંદર્પ થેન્ક્યુ વેરી મચ. જયારે કલાની માતા રેખાએ મારો સાથ છોડી દીધો હતો ત્યારે હુ સાવ ભાંગી પડયો હતો. રેખા માટે મારા પરિવાર અને આખી દુનિયા સાથે સંબંધ કાપી નાખ્યો અને તે મારી સાથે છળ કરીને અચાનક જ મારી સતરંગી દુનિયાને બેરંગ ઉજ્જડ બનાવી મને એકલો મુકીને ચાલી ગઇ.” “મિસ્ટર શાહ ઇશ્વર પાસે કોઇનુ કાંઇ ચાલતુ નથી. મારે કહેવુ તો ન જોઇએ પણ ઇશ્વર જે કરે છે તેમા કોઇ સારા સંકેત હોઇ શકે છે.” “ના કંદર્પભાઇ ઇશ્વરે નહિ મારી કિસ્મતે જ મને હમેંશા દગો દીધો છે. મે જેના પર ભરોસો કર્યો તે મારા પાસેથી છીનવાઇ ગયુ. રેખાએ મારી સાથે મોટુ છળ કર્યુ. તેણે પૈસા માટે મારી સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ તો બહુ સારૂ બનતુ અમારી વચ્ચે તેમા પણ કલાના જન્મ બાદ તો જાણે ભગવાને મારા જીવનમાં ખુશીઓનુ મેઘધનુષ્ય લહેરાવી દીધુ હોય તેમ અમારા જીવનમાં માત્ર સુખ અને માત્ર સુખ જ હતુ. પરંતુ જ્યારે તેને મારાથી પણ વધુ પૈસાદાર એવો મારો એન.આર.આઇ. મિત્ર મળ્યો કે તેણે મને છોડી દીધો, મને તો ઠીક તેણે પોતાની પુત્રી સામે પણ એકવાર ન જોયુ અને ચાલી ગઇ તેના આશિક સાથે.” બોલતા બોલતા દીપક શાહના ચહેરાનુ નુર છીનવાઇ ગયુ હોય તે કંદર્પ જોઇ રહ્યો. “જે બને છે તે આપણા કર્મોનુ ફળ જ હોય છે. બીજુ તો હુ શુ કહી શકુ. બસ તમે હિમ્મત રાખો.” કંદર્પે દીપક શાહની હિમ્મત વધારતા કહ્યુ. “ઓહ, સોરી હુ થોડો વધારે ઇમોશનલ બની ગયો હતો. મારી કહાનીમાં એટલો તે ઊંડો ઉતરી ગયો કે તમારે કોઇ ખાસ કામ છે એ હું ભૂલી જ ગયો.” “ખાસ તો કાંઇ કામ નથી પરંતુ મનમાં બેચેની થતા હું તમને મળવા આવી ગયો. બે ઘડી તમારી સાથે વાત કરું તો મનને શાંતિ મળે એ આશાએ અહી આવી ગયો. ગુમાનસિંહ તરફથી કોઇ માહિતી મળી કે શું? તેમણે સામેથી તો તેમનો સંપર્ક કરવાની ના કહી છે એટલે તમારી પાસે આવ્યો.”

હજુ તો કાંઇ અપડેટ તેમણે આપ્યા નથી, જીવ તો મારો પણ અધ્ધરતાલ છે પણ તેમણે કહેલી શરતોને આધીન આપણે તેને પુછી પણ શકતા નથી. પરંતુ વિશ્વાસ રાખજો તે ખુબ જ કાબેલ વ્યકિત છે અને તેના સ્રોત પણ બહુ પાવરફુલ છે. તે ખુબ જ ઝડપથી ગુનેગાર સુધી પહોંચી જશે. અરે હા, ઇન્સપેકટર સાહેબનો કોલ હતો. કાલે આપણે પોલિસ સ્ટેશને જવાનુ છે તેમને મળવા માટે.” “ઓ.કે. શ્યોર. તો ચાલો હવે હું નીકળું, કાલે મળ્યા.” “બેસો થોડીવાર.” “ના થોડુ કામ છે. હુ નીકળુ હવે.” ***************************** “ઓહ. કંદર્પ તુ અહીંયા?” શોપીંગ મોલમાં ડોક્ટર રહેજાની નજર કંદર્પ પર પડતા જ તેઓ તેને ઓળખી ગયા. “અરે, ડો. રહેજા, વોટ અ ગ્રેટ સરપ્રાઇઝ!!! તમે અહી રાજકોટમાં? “હા કંદર્પ રાજકોટ ઇઝ માય નેટીવ પ્લેસ. હુ મારા પિતા સાથે અહીં જ રહેતો. પિતાની ટ્રાન્સફર થતા અમે બરોડા વસી ગયા. પરંતુ રંગીલુ રાજકોટ કયારેય મારા દીલમાંથી ખસી ન શક્યુ. આથી હવે ફેમિલી સાથે અહીં વસવાનો વિચાર છે. પણ તુ અહીં કયાંથી?” “સર, હુ તો અહીં જ રહુ છુ. બિલ્ડ્રીગ કોંટ્રાકટનો બિઝનેશ છે મારે.” “અરે વાહ, વેરી નાઇસ. તો હવે તારે મારી હેલ્પ કરવી પડશે. અહીં કોઇ સારા એરિયામાં કોઇ સારો બંગલો હોય તો મારે જોઇએ છે. તુ પૈસાની કાંઇ ફિકર ન કરજે, બસ લોકેશન અને એરિયા બન્ને સારા હોવા જોઇએ.” “ઓકે શ્યોર સર, આજે જ તમને શોધી આપુ. આ મારુ કાર્ડ છે પ્લીઝ ટાઇમ હોય તો આજે સાંજે ઘરે આવજો.” કંદર્પે પોતાનુ કાર્ડ આપતા કહ્યુ. “અહીં તો ટાઇમ જ ટાઇમ છે કિલનિક હજુ શરૂ કર્યુ જ નથી એટલે હમણા તો ફ્રી જ છું. ચલો આજે સાંજે આવુ છું તારા ઘરે. સાંજની ચા તારા નામે આજે” કહેતા ડો. રહેજા હસી પડ્યા. “ઓ.કે સર તો સાંજે મળ્યા” *** “મિસ્ટર કંદર્પ એન્ડ મિસ્ટર શાહ તમારા ડી.એન.એ. ટેસ્ટનુ રિઝલ્ટ આવી ગયુ છે. કારમાંના ડી.એન.એ. સાથે મિસ્ટર કંદર્પ તમારા ડી.એન.એ. મેચ થઇ રહ્યા છે. એનો મતલબ એમ છે કે તમારો પુત્ર દીપુ તે કારમાં જ હતો અને તે કાર કિડનેપરની જ હતી.” “થેન્ક્યુ સર ફોર ધીસ ઇન્ફોર્મેશન પણ કારના માલિકોની કાંઇ ખબર પડી? કાર કોની હતી, તે કોણ હંકારતુ હતુ?” “સોરી મિસ્ટર કંદર્પ તેઓ ખુબ જ ચાલાક છે. તે કાર ચોરીની હતી અને નંબર પ્લેટ પણ નકલી હતી. તમારા પુત્રને તેઓ ગુજરાત બહાર લઇ ગયા છે. આસપાસના બધા રાજયની પોલીસ સ્ટેશને ઇન્ફોર્મ કરી દીધુ છે. ડોંન્ટ વરી તેને પુરા ઇંડિયામાંથી ગમે તેમ શોધી લાવીશુ. કાનુનના હાથ બહુ લાંબા હોય છે.” “થેન્ક્યુ સર.” “સર મારી કલા વિશે કોઇ ઇંફોરમેશન મળી છે? શું મારી પ્રીન્સેસ એ કારમાં હતી જ નહી?”

“સોરી મિસ્ટર શાહ. કલા તે કારમાં હતી જ નહી પણ તમે ચિંતા ન કરો જેમ દિપુના અપહરણ બાબતે પુરાવાઓ હાથ લાગી રહ્યા છે તે જ રીતે કલાને પણ અમે શોધીને જ ઝંપ લેશુ. અમારી તપાસ ચાલુ જ છે એ દિશામાં.”

“ઓ.કે. સર પણ પ્લીઝ તમે થોડી ઉત્તાવળ કરો તો સારૂ, મારી દિકરીને ક્યાંક તે હરામખોરો નર્કાગારમાં ધકેલી ન દ્યે.”

“અરે........ પ્લીઝ કન્ટ્રોલ યોરસેલ્ફ દિપકભાઇ. આ રીતે નેગેટીવ વિચાર છોડીને બસ સારૂ થવાનુ છે તેમ જ વિચારો.”

“ઠીક છે.” બસ ચહેરા પર બનાવટી હાસ્ય સાથે દિપક શાહ ઉભા થઇ નીકળી ગયા. કંદર્પ પણ તેની પાછળ તેને દિલાસો આપવા નીકળી ગયો. “મિસ્ટર શાહ, પ્લીઝ કાલ્મ ડાઉન એન્ડ જસ્ટ થીન્ક પોઝીટીવ. કલા મળી જશે. તમે જરા પણ ચિંતા ન કરજો. કલાને શોધવા આખી દુનિયા એક કરી નાખશું આપણે.” “અરે કંદર્પ, કઇ રીતે અને ક્યાંથી દુનિયા ખેડવાની શરૂઆત કરવી એ જ તો સમજ પડતી નથી. આટલો પૈસો છે પણ શું કામનો કંદર્પ. જેના માટે આ પૈસો એકઠો કર્યો છે તે મારા જીગરનો ટુકડો જ આજે મારાથી દૂર છે.” “પ્લીઝ આમ તૂટવાથી કાંઇ ફાયદો નથી, અત્યારે મન અને મગજ શાંત રાખી દિલને કઠોર બનાવવા સિવાય આપણી પાસે અન્ય કોઇ વિકલ્પ જ નથી. ભાવનાઓમાં વહી જવુ તેના કરતા અત્યારે મગજથી વિચારીને સ્ટેપ બાય સ્ટેપ કદમ લેવા એ જ સાચી સમજદારી છે દિપકભાઇ.” “હા તારી વાત સાચી છે કંદર્પ” હજુ બન્નેની વાત ચાલુ હતી ત્યાં દિપકનો ફોન રણકી ઉઠ્યો તેણે જોયુ તો ગુમાનસિંહનો કોલ હતો.

“જય માતાજી ગુમાનસિંહ. શું થયુ? કાંઇ ન્યુઝ હાથ લાગ્યા? મારી કલા મળી ગઇ? તે ઠીક તો છે ને? ક્યાં છે મારી કલા?” બેબાકળા બની ઉઠેલા દિપક શાહે પ્રશ્નોનો મારો ચલાવી દીધો. “જય માતાજી દિપક. તુ જલ્દી અહી આવી જા મારા ઘરે. તારી સાથે એક મહત્વની વાત પર ચર્ચા કરવાની છે.” ગંભીર સ્વરે ગુમાનસિંહે ઓછા શબ્દોમાં વાત કરી ફોન કાંપી નાખ્યો. “કંદર્પ, ગુમાનસિંહનો ફોન હતો. એક ઇમ્પોર્ટન્ટ વાતની ચર્ચા કરવાની છે, તો ચાલ મારી સાથે તુ પણ.” “હાસ્તો. હું પણ આવુ જ છું.” બન્ને દિપક શાહની કારમાં બેસી પુરપાટ નીકળી ગયા.

***

“આવ આવ દિપક, બસ તારી જ રાહ જોતો હતો હું.” ગુમાનસિંહે બન્નેને આવકારતા કહ્યુ. “સર પ્લીઝ તમે મને જલ્દી કહો, તમે શું કહેવા માંગો છો તે જલ્દીથી મને કહો. હવે મારાથી રહેવાતુ નથી.” દિપક શાહ બે હાથ જોડી એકદમ કરગરી ઉઠ્યા.

“દિપક પ્લીઝ તુ બેચેન થવાનુ રહેવા દે. પ્લીઝ શાંત થા પહેલા. મે બધી વાત કરવા માટે જ તને અહી બોલાવ્યો છે.”

“શાંત....... શાંત....... શાંત............... કેટલી શાંતિ રાખુ હવે? આમ ને આમ જ પેલા પોલીસ અને હવે તમે પણ બસ ખોટો દિલાસો જ આપી રહ્યા છો. મને તો લાગે છે હવે ક્યારેય મારી દિકરી...........” જાણે કડવા ઘુંટને ગળી ગયા હોય તેમ દિપકભાઇ ચુપ થતા સોફા પર ફસડાઇ પડ્યા. “કાલ્મ ડાઉન દિપક. લે પાણી પી લે. કુદરતના નિર્ણય અને તેની ઇચ્છા પાસે આપણે વામણા જ છીએ. ત્યાં ગરીબ હોઇએ કે ધનવાન, બધા લાચાર જ છે.”

“હાસ્તો, દિપકભાઇ કુદરતની ઇચ્છામાં કાંઇક સારૂ જ થશે તેમ માનીને જ તમારુ જીવન જીવવામાં જ સાચી સમજદારી છે.” “દિપક, જો હું તને જે કહેવા જઇ રહ્યો છું, તે જાણી તારી ભાવનાઓને કાબુમાં રાખી અને સાંભળજે. મે પુરતી તપાસ કરાવી અને પુખ્તા પુરાવાઓ મેળવ્યા બાદ જ આ તારણ કાઢ્યુ છે. પ્લીઝ ગુસ્સો ડર કે વેદનાના ભાવને શાંત રાખજે પ્લીઝ.” “ઠીક છે.” બહુ ટુંકાણમાં જવાબ આપી દિપકભાઇ ગુમાનસિંહ પાસેથી ફટાફટ બધુ જાણી લેવાની તાલાવેલી સાથે તેની સામે જોઇ રહ્યા. “દિપક મારા અંગત સુત્રો મુજબ કિડ્નેપર્સ તારી પુત્રી કલાને કિડનેપીંગના બે દિવસમાં જ ગુજરાત બહાર લઇને નીકળી મુંબઇ જતા રહ્યા હતા. તેઓનો પ્લાન તારી પુત્રીને વેચી નાખીને અઢળક ધન મેળવી લેવાનો હતો અને તેઓ આ બધી બાબતમાં કામીયાબ થઇ પણ ગયા હતા. નક્કી થયા મુજબ તારી પુત્રીનો વીસ લાખમાં સોદ્દો થઇ ગયો હતો અને પચાસ ટકા રકમ તેમણે એડવાન્સ પણ લઇ લીધી હતી. બીજી રાત્રે તારી પુત્રી તેમને સોંપવાની જ હતી ત્યાં પોલીસની રેડ પડતા કિડ્નેપર્સ ત્યાંથી કલાને લઇને ભાગી છુટ્યા પરંતુ પોલીસ તેમની પાછળ પડી ગઇ હતી. હવે કોઇપણ ભોગે તેમને બચવાનુ હતુ આથી તેઓએ આ બધી ઝંઝટમાંથી છુટવા આખરે તે હૈવાનોએ તારી ફુલ સમાન પુત્રીને રહેંસી..............” “બસ કરો ગુમાનસિંહ બસ હવે બસ. પ્લીઝ સ્ટોપ ધીસ નોન સેન્સ, મારી પુત્રીને કોઇ મારાથી છીનવી નહી શકે. તમારા પુરાવાઓ અને સબુતોને હું માનતો નથી. મારી પુત્રી નહી હોય એ કોઇ બીજુ જ હશે.” “દિપક મારી વાત સો ટકા સાચી જ છે. મે પુરતા પુરાવાઓ મારા હાથે લાગી ગયા છે, બસ એ કાતિલોથી મારા માણસો થોડી દૂર રહી ગયા નહી તો તે પણ આજે જેલના સળિયા પાછળ હોત. તારી વ્હાલસોયી કલાને કાળે આપણી પાસેથી છીનવી લીધી છે. તે પોતાના વ્હાલ સમાન દરિયામાંથી પ્રેમની ભરતી રૂપી મોજા તારા જીવનમાં પથરાવી ગઇ અને હવે બસ તારે એ ભીનાશને આજીવન તારી સાથે હ્રદયમાં સાચવીને રાખવાની છે.” “બાપુ, આવુ હું વિચારી શકુ તેમ પણ નથી અને તમે કહો છો કે મારે મારી પરી વિના આજીવન જીવવુ પડશે???? કલા વિનાની મારી દુનિયાની કલ્પના હું સ્વપ્ને પણ વિચારી શકુ તેમ નથી. તે ફુલ જેવી કુમળી પરીને તે રાક્ષસોએ રહેંસી નાખી ત્યારે એક વખત પણ તેના હાથ ન કાંપ્યા??? તેનો શું ગુનો હતો કે તે ઘાતકીઓએ મારી દિકરીને મોતને ઘાટ ઉતારી દીધી??? કલા...........” બહુ આક્રંદ કરતો દિપક શાહ ત્યાં જમીન પર ફસડાઇ પડ્યો અને લમણે હાથ દેતો તે રડતો બેસી રહ્યો. “દીપકભાઇ પ્લીઝ કામ ડાઉન” કંદર્પે દીપકભાઇના ખબે હાથ મુકતા કહ્યુ. તેનુ હૈયુ પણ આ ન્યુઝ સાંભળીને તુટી ગયુ હતુ પરંતુ તે માંડ શાંત રહી વાત કરી રહ્યો હતો. “હુ મારી પુત્રીના અંતિમ દર્શન કરી શકું?”

વધુ આવતા અંકે.............

અતિ આઘાતજનક સમાચાર!!! માસુમ કલાને કિડ્નેપર્સે મોતને ઘાટ ઉતારી દીધી. શા માટે આટલા કૃર હ્રદયી બને છે આ લોકો? માસુમ જાનને રહેંસી નાખતા તેમના હાથ એકવાર પણ ધૃજ્યા નહી હોય??? હવે દિપુનું શું થશે??? તેનો પત્તો ગુમાનસિંહ કે ફરજ પર તૈનાત પોલીસ મેળવી શકશે કે પછી કલાની જેમ તે પણ...............???? જાણવા માટે વાંચો ગુમનામ શોધનું આગળનું પ્રકરણ..............