Panch nani addbhut vartao - 4 in Gujarati Short Stories by Anil Chavda books and stories PDF | પાંચ નાની અદભુત વાર્તાઓ - 4

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

પાંચ નાની અદભુત વાર્તાઓ - 4

પાંચ નાની અદ્‌ભુત વાર્તાઓ (ભાગ-૪)

લેખક - અનિલ ચાવડા

***

૧. શેરડીનો સાંઠો

જીવન નામનો એક શેરડીનો સાંઠો એક ખેતરમાં રહેતો હતો. તેની સાથે બીજા પણ અનેક સાંઠાઓ રહેતા હતા. બધા માણસો રોજ શેરડીના સાંઠા ખાવા માટે આ ખેતરમાં આવતા. ક્યારેક જુદાં જુદાં પ્રાણીઓ પણ આ શેરડીના ખેતરમાં સાંઠા ખાવા આવી ચડતાં.

શેરડીના સાંઠાઓ ખૂબ જ રસદાર અને સ્વાદિષ્ટ હતા. બધાને આ સાંઠાઓ ખાવાની ખૂબ જ મજા આવતી, પણ એક તકલીફ પડતી. માંડ મજા આવતી ત્યાં વચ્ચે ગાંઠ આવી જતી. ગાંઠમાં સ્વાદ કંઈ ના મળતો ને ઊલટાની મહેનત વધારે પડતી. એટલે જ્યારે પણ સાંઠો ખાવામાં વચ્ચે ગાંઠ આવતી ત્યારે ખાનાર વ્યક્તિ શેરડીના સાંઠાને ભાંડવા લાગતી. આનાથી શેરડીના સાંઠાને ખૂબ જ દુઃખ થતું.

એક દિવસ એણે ખેતરને કહ્યું- “તમે મને ગાંઠ વગરનો ઉગાડો, તો કંઈ તકલીફ જ ના પડે. લોકોને ખાવાની પણ મજા આવે અને મારો દેખાવ પણ સુંદર અને સીધો સપાટ લાગે.”

ખેતરે તેને તે પ્રમાણે ન કરવા મનાવ્યો, પણ શેરડીનો સાંઠો ખૂબ જ જીદે ચડ્યો હતો. આખરે ખેતરે તે પ્રમાણે કર્યું. પછી જે કંઈ નવા સાંઠા ઊગ્યા તે બધા જ કોઈ પણ ગાંઠ વિનાના સીધા સપાટ ઊગ્યા. આનાથી શેરડીનો સાંઠો તો રાજીનો રેડ થઈ ગયો; પણ આનાથી વળી એક તકલીફ એવી થઈ કે શેરડીનો સાંઠો ઊભો ન રહી શકતો. થોડો ઊંચો થતો કે તરત જ તે નીચે ઢળી પડતો. આથી નીચેની પાણીવાળી જમીન અડવાને લીધે તે ઝડપથી ખરાબ થઈ જતો અને સડી પણ જતો. વળી અગાઉની જેમ એક ચીરમાં જીવાત આવતી તે બીજી ચીર સુધી પહોંચે ત્યાં ગાંઠ આવી જતી. આથી તે રોગ આગળ વધતો નહીં, પણ હવે તો એક જગ્યાએ જીવાત પડતી તો આખો સાંઠો જ બગડી જતો.

શેરડીના સાંઠા સંપૂર્ણપણે મોટા થતા થતા તો સાવ સડી જતા. ધીરે ધીરે શેરડીના સાંઠાને ખાવા આવનારા પણ સાવ ઓછા થઈ ગયા. શેરડીમાં રોગચાળો પણ વધવા લાગ્યો. આથી વળી શેરડીના સાંઠાએ ખેતરને વિનંતી કરી કે પ્લીઝ, મને હતો એવો ને એવો ઉગાડો.

ખેતરે કહ્યું, “મેં તને પહેલાં જ કહ્યું હતું, જીવનમાં માત્ર બધું સીધું સપાટ અને સરળ જ રહે તે જરૂરી નથી, અમુક ગાંઠો કે માઠા પ્રસંગો પણ જરૂરી છે, જીવન ટકાવવા માટે.”

- - - - - - -

૨. માર્કેટ ભાવ

માર્કેટ નામનો એક પૃથ્વીનો ગોળો હતો. એની પર બજારભાવ નામનો એક દરિયો રહેતો હતો. દરિયો કાયમ વધતો જ રહેતો. એના લીધે કાયમ એના કાંઠાનાં નાનાં નાનાં ગામ ડૂબી જતાં. અનેક લોકોને જાનહાનિ થતી. ઘણાને ગામ ખાલી કરીને ચાલ્યા જવું પડતું.

આવું કાયમ થયા કરતું હતું. આથી માણસો આ દરિયાથી કંટાળી ગયા હતા. તેમણે આ દરિયાને વધતો અટકાવવા માટે કોઈ નક્કર ઉપાય કરવાનું વિચાર્યું.

અનેક વિચક્ષણ અને વિદ્વાન તથા બુદ્ધિશાળી લોકો એકઠા થઈને એનો નિર્ણય તારવવા લાગ્યા. આખરે તેઓ એક નિર્ણય પર પહોંચ્યા કે ‘માર્કેટ ભાવ’ નામના આ દરિયાનું બૅલેન્સ જાળવવું હોય તો આપણે એના કાંઠે ઉત્પાદન, આવક-જાવક અને મૂડીનાં વ્યવસ્થિત વૃક્ષો ઉગાડવાં પડશે.

- - - - - - -

૩. બે દુકાનો

બે દુકાનો હતી. આસપાસ રહેતી હતી. એકમાં ફૂલ વેચાતાં હતાં અને એકમાં દારૂ. ફૂલને દારૂની દુકાન ગમતી નહીં. તે હંમેશાં દારૂની દુકાનને હીણપત ભાવે જોતી રહેતી. તે વારંવાર દારૂની દુકાનને ભાંડ્યા કરતી કે તારી દુર્ગંધ મને ગમતી નથી. તું અહીંથી બીજે ક્યાંક ચાલી જા.

દારૂની દુકાન કહેતીં, “મને માફ કરો, પણ હું અહીંથી બીજે ક્યાં જાઉં? બીજે ક્યાંય જવું એ મારા હાથની વાત થોડી છે. મને તો મારા માલિક જ્યાં રાખે ત્યાં રહું.”

દર વખતનો એનો આવો જવાબ સાંભળીને ફૂલોની દુકાન ચૂપ થઈ જતી. ફૂલોની દુકાનને પણ થતું કે જો મારે હાથપગ હોત તો ક્યારની અહીંથી દૂર કોઈ સુંદર જગ્યાએ ચાલી ગઈ હોત, જ્યાં કોઈ દુર્ગંધવાળી દુકાન જ ન હોત.

હવાની લહેરખીઓ ફૂલની દુકાન અને દારૂની દુકાનમાં દરરોજ અવર-જવર કરતી રહેતી હતી.

એક દિવસ ફૂલોની દુકાને એક હવાની લહેરખીને પોતાના દુઃખની વાત કરી.

હવાએ કહ્યું, “તારે એમાંથી મુક્ત થવું હોય તો એક રસ્તો છે.”

“શું?” ફૂલોની દુકાને આતુરતાથી કહ્યું.

હવાએ કહ્યું, “તારી સુગંધ તું એને આપવા માંડ. આપોઆપ તેની દુર્ગંધ ઓછી થઈ જશે.”

- - - - - - - -

૪. બે બહેનો

સ્ટ્રગલ નામની બે બહેનો હતી. બંનેને દોડવાનો ખૂબ જ શોખ હતો. વારંવાર તે દોડ્યા કરતી હતી. ચોવીસે કલાક દોડતા રહેવું એ જ એમનું કામ હતું અને આ રીતે સતત દોડવાનું એમને ગમતું પણ ખરું.

તે જ્યાં રહેતી હતી, ત્યાંથી અનેક રસ્તાઓ પડતા હતા. તે રસ્તાઓ જુદી જુદી દુનિયામાં જતા હતા. જુદાં જુદાં લક્ષ્યો તરફ જતા હતા. એક દિવસ બંને સ્ટ્રગલે એક સાથે દોડવાનું નક્કી કર્યું અને થોડાં વર્ષો પછી આ જ જગ્યાએ પાછા મળવાનું નક્કી કર્યું.

થોડાં વર્ષો પછી બંને નિશ્ચિત કરેલી જગ્યાએ આવીને મળી, પણ આ વખતે બંનેના ચહેરાઓ, હાવ-ભાવ, રહેણી-કરણી, વાતચીત કરવાની લઢણ, હાલચાલ બધું જ બદલાઈ ગયું હતું.

એક સ્ટ્રગલ મોંઘામાં મોંઘી કાર લઈને આવી હતી. જ્યારે બીજી ચાલતાં ચાલતાં પગપાળા આવી હતી. એના કપડાનાં પણ ઠેકાણાં નહોતાં. પગમાં ચપ્પલ પણ બરાબર નહોતાં. દેખાવે સાવ બેહાલ લાગતી હતી એ. એક ક્ષણ તો બંને એકમેકને ઓળખી પણ ન શક્યાં.

પહેલી સ્ટ્રગલે કારમાંથી ઊતરીને પોતાની ઓળખાણ આપી. બંને એકબીજાને ઓળખી ગયાં.

બીજી સ્ટ્રગલે કહ્યું, “કઈ રીતે ભૂલી શકું એ બધું; પણ મને એ નથી સમજાતું કે આપણે બંનેએ એક સાથે જ દોડવાનું શરૂ કર્યું હતું, આપણે બંને એક સરખા જ જુસ્સાથી પણ દોડ્યાં હતાં. છતાં આજે તારી પાસે આટલી બધી સંપત્તિ છે, નામના છે, અને મારી પાસે કશું જ નથી, મારી પાસે તો જે હતું એમાંથી પણ ઓછું થયું છે. આવું કેમ?”

“કારણ કે મેં એક ચોક્કસ લક્ષ્ય નક્કી કરી નાખ્યું હતું.” સંપત્તિવાન સ્ટ્રગલે નમ્રતાથી કહ્યું. “પણ તારી હાલત કેમ સાવ આવી થઈ ગઈ છે?”

બીજી સ્ટ્રગલે કહ્યું- “હું કદાચ તારી કરતાં પણ વધારે જુસ્સાથી દોડ્યા કરતી હતી, પણ રસ્તાની પસંદગી કર્યા વિના. એક રસ્તે ચાલવામાં કોઈ વિઘ્ન આવતું તો એને ઉકેલવાને બદલે અધવચે પડતો મેલીને તરત જ બીજો રસ્તો પકડી લેતી. જેથી નવેસરથી દોડવાનું શરૂ કરવું પડતું. પરિણામે હજી અહીં ને અહીં જ છું. વિચારું છું, હવે કયા રસ્તે દોડું?”

“કોઈ પણ રસ્તે દોડ, પણ વિઘ્ન આવે તો એનાથી ડરીને નવો રસ્તો ન પકડતી. એને ઉકેલીને આગળ વધી જજે.” છૂટાં પડતી વેળાએ પહેલી સ્ટ્રગલે કહ્યું.

- - - - - - - -

૫. બે દીકરીઓની વાત

એક હતી ઘટના. એને બે દીકરીઓ હતી. એકનું નામ હકીકત અને એક અફવા. બંને દીકરીઓ યુવાન થઈ ગઈ હતી આથી બંનેને પરણાવવા માટે ઘટનાને ખૂબ જ ચિંતા થતી હતી.

યુવાન થઈ એટલે અફવાને અસત્ય નામના એક યુવાન સાથે પ્રેમ થઈ ગયો. તે તેની સાથે ભાગી ગઈ. અસત્ય ખૂબ જ બદમાશ અને ગુંડો હતો. અફવા અસત્ય સાથે ભાગી જવાને લીધે આખા ગામમાં ઘટનાની બદનામી થઈ ગઈ. લોકો ઠેર ઠેર તેને ધુત્કારવા લાગ્યા. વારંવારની બદનામીને લીધે ઘટનાનો સ્વભાવ સાવ બદલાઈ ગયો. એ સાવ ચીડચીડી થઈ ગઈ.

હકીકતને પોતાની માતા ઘટનાની ખૂબ જ ચિંતા રહ્યા કરતી હતી. હકીકત પણ યુવાન થઈ ગઈ હતી. એને પણ પરણાવવાની હતી. એક દિવસ સત્ય નામનો એક યુવાન આવ્યો આ ગામમાં. હકીકતને એની સાથે પ્રેમ થઈ ગયો.

ઘટનાએ હકીકતના સત્ય સાથે એટલા ધામધૂમથી લગ્ન કર્યાં કે આખું ગામ એની ખુશીમાં સામેલ થયું અને અફવા અસત્ય સાથે ભાગી જવાથી જે દુઃખ થયું હતું, તે હકીકતના સત્ય સાથે લગ્ન થવાથી દૂર થઈ ગયું.

આ પ્રસંગે બીજી પણ એક ઘટના નામની સ્ત્રી ત્યાં આવી હતી. તેના જીવનમાં પણ આવું જ કંઈક બન્યું હતું. તેણે કહ્યું, “મારે પણ અફવા નામની એક દીકરી હતી, એને પણ અસત્ય સાથે પ્રેમ થઈ ગયો અને તેની સાથે ભાગી ગઈ. મને એ જ નથી સમજાતું કે અફવાને હંમેશાં અસત્ય સાથે જ કેમ પ્રેમ થતો હશે?”

પ્રશ્ન સાંભળીને ઘટના ઘડીભર પેલી આવનાર ઘટના સામે જોઈ રહી અને પછી કહ્યું, “એ તો ખબર નથી, પણ એટલી ખબર છે કે હકીકત નામની દીકરી સત્ય સાથે પરણીને આપણી આબરૂ સાચવી લેતી હોય છે.”