Saraswati Chandra in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 1

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 1

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૧.૧

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧. સુભદ્રાના મુખ આગળ

તાંજા ઘાસ ઊગી આ રહે, ન

ગાય ગર્ભિણી આવી ચરે તેેઃ

એવાં તીરવનોમાં ફરવા

ગામલોક જતા મદ ધરવા.

-ભવભૂતિ

સુભદ્રા અને સમુદ્રના સંગમ આગળનો પ્રદેશ બારે માસ આવો રમણીય રહેતો. એ સુંદર સંગમ આગળ વચ્ચોવચ્ચ આછ માસ એક નાનોસરખો રેતીનો બેટ બની રહેતો અને તેની બે પાસ સાગર અને સરિતાનો સંગમ નિરંતર થયા કરતો, ને ત્યાં આગળ એ સંગમથી રુપાની ઘંટડીઓ જેવોકુમુદસુંદરીના સ્વર જેવો ઝીણો સ્વર મચી રહેતો હતો. સમુદ્રની ભરતી આવે ત્યારે વચલા બેટમાં ઢીંચણ સુધી પાણી ભરાતું, અને ચાતુર્માસમાં નદીના પૂરના પ્રસંગે ત્યાં ત્રણ ત્રણ માંથાં પાણી ભરાતું. આ બેટને બધી વસતિ ‘બેટ’ નામથી જ ઓળખતી.

નદીની ઉત્તર પાસે એટલે સુંદરગિરિની પાસે એને તીરે મોટું મેદાન હતું, અને દક્ષિણ પાસે રેતીની પ્રવત જેવી ઊંચી ભેખડો હતી, અને તેની ઉપરનાં ઝાડોના માત્ર શિખરભાગ દેખાતા. દક્ષિણ પાસેનું મેદાન ઘણું વિશાળ હતું અને તેના મોટા ઢોળાવ ઉપર નદીની પાસે પ્રથમ માત્ર રેતીવાળો પ્રદેશ, તેથી ઉપર જતાં બારે માસ લીલા રહેતા ધાસવાળો પ્રદેશ, તેથી ઉપર જતાં ઝાડની ઘટાઓવાળાં વન ઉપર વન, અને અંતે સુંદરગિરિનાં શિખર અને તેને ઘેરી લેતા આકાશનો ઘેરો ઘુમ્મટ ઊભો હતો. એ ઘુમ્મટ પશ્વિમ દિશામાં સમુદ્રના સપાટ વિસ્તાર ઉપર ઊતરી પડતો હતો અને માણસની દૃષ્ટિને કહેતો હતો કે ‘તારાથી જવાય એટલે દૂર જા અને જોવાય એટલું જો-અને તેની સાથે એ પણ જોઈ લે કે તારી મર્યાદા કેવી છે.’ નદીના પૂર્વ ભાગમાં નદીનો પ્રવાહ વાંકોચૂકો થતો અને આગળઆગળ જોઈએ તેમ નાનોનાનો દેખાતો, એક પાસની ભેખડો અને બીજી પાસના ઢોળાવ વચ્ચે એક ઝીણીં સેંથી જેવો-લીટી જેવો-વાળ જેવો લાગી અંતે અદૃશ્ય થઈ જતો હતો.

‘બેટ’ ને મધ્યભાગે એક ઊંચો છોબંધી ઓટલો હતો. ઓટલા ઉપર વાંસ દાટેલો હતો અને વાંસ ઉપર ઝીણી ધજા હતી. વાંસને નીચલે ભાગે એક ભગવા ખાદીના કપડાની રાવઠી જેવું હતું. તેમાં કોરી ઋતુમાં એક બાવી રહેતી અને એક નાના પથરા ઉપર માતાની મૂર્તિ કેતરી સિન્દૂર આદિથી પૂજતી હતી. સુરગ્રામની વસતિ એને બેટનાં માતાને નામે ઓળખતી. નદી અને તીરનાં મેદાન ઉપર, ભરવાડો, રબારીઓ અને ગોવાળ લોક આખો દિવસ ફરતા અને પાસેની લીલોતરીમાં પોતાનાં ટોળાંને ચરાવતા. ગામના લોક યાત્રાઓને દિવસે, રવિવારે અને બીજા દિવસોએ સવારસાંજ માતાનાં દર્શન નિમિત્તે આ સ્થળે આવતા અને સૃષ્ટિને રમણીયતાને પવિત્ર ધર્મસંસ્કારો દ્રારા ભોગવતા.

માતાની બાવી યુવાવસ્થાના પૂરમાં હતી પણ વૈરાગ્યની સુંદરતા તેના મનમાં રમી રહી હતી અને સાંસારિક વિકારોને હડસેલી નાખી ભક્તિરસની ટોચ ઉપર નિરંકુશ વૃત્તિથી ફરકતી હતી. જે દિવસે કુમુદસુંદરી તણાઈ તે દિવસે સુંદર સ્વરથી બાવી ગાતી હતી અને ઓટલા આસપાસ ગામની સ્ત્રીઓ તે ઝીલતે ગરબે ફરતી હતી.

‘મા ! સુંદરગિરિથી ઊતર્યાં, બિરદાળી મા !

મા ! નૌતમ બાળે વેશ, ઝાંઝર વાગે મા !

આ પ્રાતઃકાળે આભલાં, બિરદાળી મા !

તુજ ઘાટડીએ વીંટાય, ઝાંઝર વાગે મા !

આ સૂરજ સન્મુખ લટકતો, બિરદાળી મા મા !

મા ! સામી આરસી સ્હાય, ઝાંઝર વાગે મા !

આ ચકવાચકલી હંસલા, બિરદાળી મા !

તુજ પગલે ભમતાં ગાય, ઝાંઝર વાગે મા !

આ સાયર પાસે નાચતી, બિરદાળી મા !

મા નદીમાં આવી ના’ય ઝાંઝર વાગે મા !

અમ સમી સહુ નાની બાળકી, બિરદાળી મા !

એને હૈયે વસતી માત, ઝાંઝર વાગે મા !

આ અખિલ વિશ્વમાં વ્યાપતી, બિરદાળી મા !

મુજ કાળજડામાં માય, ઝાંઝર વાગે મા ! ’

એક બ્રાહ્મણી ગાતીગાતી નદીના મૂળ સામું જોતી હતી તે વચ્ચે બોલી ઊઠી અને ગરબામાં ભંગ પાડવા પ્રયત્ન કર્યો :

‘સાધુ મા ! આ આઘે શું દેખાય છે ?’

બાવીએ નાકે આંગળી મૂકી તેને ચૂપ કરી અને ગરબો વાઘ્યો અને બદલાયો :

‘આ બપોરને બપ્પોરિયે તમે દર્શન દો છો, માત રે !

ત્યાં સાયર ને નદી ઊછળે એમ જોબન ધરતાં માત !

જોબનરૂપ ધરો !

મા જોબનવતાં ! કરે આરતી સૂરજ ભભૂકી તમ આજ રે,

ઘંટા જેવી સરિતા વાગે, સાયર નોબત થાય

ગાજે ઘોર ઘણો.

દશે દિશા માની જોગણીઓ લગાડી રહી છે લાય રે !

હરિ હર બ્રહ્મા નમી પડ્યા ને સ્તોત્ર શક્તિનાં ગાય !

માનાં બાળક સહુ !

સંસારને રૂવેરૂવે કંઈ ઊઠી રહી એ આગ રે,

રાંક દીકરીઓ, માવડી, તારી ! લાગે ન એને આંચ,

પાલવ તુજ સાહ્યો !

હરિ હર બ્રહ્મ ને સહુ પુરુષો- તેને કરીએ શું ય રે ?

માવડી પાસે ગોઠડી કરતાં વળે દીકરીને હૂંફ,

અમે મા ! તુજ ખોળે !

તુજ ખોળે પડી રહીએ ત્યારે ભાગે ભવની ભાવટ રે,

જમકિંકરની બીક ન લાગે, તરી જઈએ ભવસાગર,

એમાં તુ હોડી છો.’

ગરબો આટલે સુધી આવ્યો ત્યાં સમુદ્રની ભરતી વધતી વધતી માતાના ઓટલા સુધી આવી, એટલે નીચે ગરબો ઝીલનારીઓને પગે પાણીની છોળે વાગી, અને સહુ ગરબો બંધ કરી ઉતાવળાં ઓટલા ઉપર ચડી ગયાં.

બાવી ઓટલાને છેડે ફરી ભરતીનો રમણીય ઉત્સાહ પવનખાવા લાગી, અને સમુદ્ર તથા નદીનાં પાણી ઉપર ફરતી લાંબી દૃષ્ટિ નાખે છે ત્યાં પૂર્વભાગમાંથી આવી કોઈક લાંબી વસ્તુ ઓટલે અથડાઈ અને ભરતીના બળથી પાછી નદીમાં ધકેલાઈ. નદી અને સમુદ્રનાં પાણી એકબીજાને ધકેલતાં હતાં ત્યાં આગળ એ વસ્તુ સ્થિર થઈ પાણી ઉપર તરી રહી. સમુદ્રનું કોઈ ચમત્કારી માછલું હોય એવું સૌને લાગ્યું. એ માછલા જેવાની એક પાસે કાંઈક લટકતું હતું અને આગળ પાણીમાં લાલાશ આવતી હતી. એટલામાં લાંબી ઝીણી દૃષ્ટિ કરનારી બ્રાહ્મણી બોલી ઊઠી : ‘માજી ! કહો ન કહો પણ એ માછલું નથી-કોઈ છોકરીનું મડદું છે.’

સ્વર નીકળવામાં એક ગોવાલણ પાટલીનો કચ્છ મારી પાણીમાં કૂદી પડી અને એ તથા એની પાછળ બીજી બેત્રણ સ્ત્રીઓ તરતી તરતી તરનાર વસ્તુ ભણી જોતજોતામાં વેગભરી વહી ગઈ.

એ સહુની પાછળ જોતીજોતી બાવી બોલી : ‘માતાજીનો પરચો એવો છે કે નદીમાં આવતી વસ્તુ નદી ભણી અને રત્નાકરમાં આવતી વસ્તુ રત્નાકર ભણી માના બેટને અઠીંગી ખડી રહે અને ડૂબી ન જાય. તેમાં માજી પોતાની દીકરીઓને તો આંચ આવવા દેતાં જ નથી. આપણે આટલે છેટે છીએ તોયે આ નીતરેલાં નિર્મળ પાણીમાં આ છોકરીને જોઈ શકીએ

છીએ અને માની મરજી હશે તેથી જ એને ઉગારવામાં વાંધો નહીં પડે.’

‘ઈશ્વર એને ઉગારો.’ એક બાઈ બોલી.

‘જો વળી આ ઈશ્વરવાળી ! બાપુ, તને ખબર છે કે માજીની છાયામાં પુરુષ પણ સ્ત્રી થઈ જાય છે અને હરિ હર બ્રહ્મા માજીને ઘરે ઘોડિયામાં ભરાઈ ગયા ત્યાં કોઈ ઈશ્વરને સંભારે તો માજીને કૂંડુ પડે. ઈશ્વર અને ઈશ્વરી જુદાં નથી. એ બેનાં સ્વરુપ એક જ છે. પણ સ્ત્રીનાથી પુરુષરૂપ નારાયણ પાસે વાત કરતાં મનનો પડદો ઊઘડે નહીં અને મરજાદ છૂટે નહીં માટે આપણી દૃષ્ટિએ ઈશ્વર ઈશ્વરી થઈ દેખાય છે, બ્રહ્માજી વિધાત્રી થાય છે, વિષ્ણુ લક્ષ્મીજી થાય છે, શિવાજીનાં ઉમાજી થાય છે, અને એ સર્વ પુરુષરૂપોનો આત્મા એક નારાયણ છે તેમ નારાયણ અને એ સર્વ દેવદેવીઓનો આત્મા નારાયણી શક્તિ છે. મેં અને તે. સ્ત્રીનો અવતાર ધર્યો ત્યાંથી એ શક્તિને ખોળે છીએ. માટે માજીના મંદિરમાં પુરુષની વાત કરવી નહી.જો છોકરીને લઈ સહુ પાણી ઉપર તરતાં તરતાં આણી પાસે આવે. માજીના મંદિર પાસે એની દીકરીઓ મૂએની જીવતી થાય છે- આ છોકરી પણ જીવશે.’

‘ખરી વાત- સ્ત્રીનો વૈરાગ્ય સર્વ સંસાર અને સંસારના દેવોને સ્ત્ર ીમય દેખે છે.’

બીજી બાઈ બોલી.

‘હા,-આ તરતાંતરતાં સહુ આવ્યાં,’ બાવી બોલી. તરતાંતરતાં છાછર પાણી આવતાં તરનારી સ્ત્રીઓ પાણી વચ્ચે ઊભી થઈ પગે ચાલી આવવા લાગી. તેમાંની બે જણીઓએ હાથ ઉપર શબતુલ્ય કુમુદસુંદરીને ચતી રાખી ઝાલી હતી. સમુદ્ર વચ્ચે ડોકિયાં કરી ઊભેલા ખડકોનાં શિખરોનાં વચાળાંમાંથી વચલે ભાગે ઊભેલી સુંદર નાજુક લીલોતરી દેખાઈ આવે તેમ આ સ્ત્રીઓની વચ્ચે તેમના હાથ ઉપર રહેલી કુમુદસુંદરી દેખાતી હતી. એને ઊંચકનારી સ્ત્રીઓના પગ આગળ નીતરેલું છાછર પાણી પોતાની નીચેના પૃશ્વીતળને બાઝી રહેલું લાગતું હતું, તેના ઉપર ધીમાં સ્થિર લાગતાં મોજાં એ પૃથ્વીને ચાંપી દેતાં લાગતાં હતા, અને એ પૃથ્વીની કોમળ રેતી અને ઊંચાનીચા ભાગો પાણીમાંથી દીસી આવતા હતાં; તેમ જ પૃથ્વી પેઠે પડી રહેલી કુમુદના શરીર ઉપર પાણીથી લદબદતું વસ્ત્ર બાઝી ગયું હતું, એ વસ્ત્રની ભીની કરચલીઓ એના શરીર ઉપર ચંપાઈ ગઈ હતી, અને સૂક્ષ્મતાએ અને પાણીએ પારદર્શક કરેલા અને બાઝી ગયેલા વિલાયતી ગવનમાંથી શરીરના ઊંચાનીચા ભાગ સ્પષ્ટ દેખાઈ આવતા હતા. માતાના મંદિર પાસે આવતી પુત્રીની શરીરઅવસ્થાને પુરુષદૃષ્ટિએ નિર્મેલી મર્યાદાઓ અપવિત્ર લાગતી હોય તેમ આ બાળકીની આ અવસ્થા નિર્ભયપણે ઉદય પામી લાગતી હતી. એના વસ્ત્રમાંથી ચારે પાસથી નીકળતું પાણી ચારે પાસનાં પાણીમાં પજતું હતું અને એના મનનાં દુઃખ અને વિકાર તેમ એના કર્મવિપાક માતાના પ્રતાપથી ઓગળી જઈ જાતે જ એને છોડી નીચેના મહાસાગરમાં સરી પડતા હોય એમ એ પાણીની ધારાઓ એના શરીર પાસેથી સરી નીચે ટપકી જતી હતી. આ મનુષ્યદેહનું આયુષ્ય ખૂટી રહ્યા પછી પરમાત્મારૂપ જગદંબાનું પારલૌકિક સાન્નિધ્ય પામતાં પહેલાં વચગાળે શરીરને શબરૂપ થઈ શબવાહિની ૧, ઉપર ચડવું પડે તેમ અત્યારે કુમુદસુંદરી સ્ત્રીઓના હાથ ઉપર ચડેલી હતી, અને આ સુંદર ચિત્તપવિત્ર ધામ ભણી અદૃશ્ય ઈશ્વરી ઈચ્છા એને ગુપ્ત આકર્ષક કિરણો વડે ખેંચી લેતી હતી. દુષ્યન્તને ત્યાં અનભિજ્ઞાન અને તિરસ્કાર પામેલી શકુન્તલા પતિમંદિરની બહાર નીકળી કે દયાવત્સલ માતૃજ્યોતિ એને આ પૃથ્વી ઉપરથી અધ્ધર ઉપાડી ગયેલું મહાકવિએ ગૂઢ મર્મ રાખી વર્ણવેલું છે તેમ એવા જ ગહન દુઃખને વિશે નિર્વાસન ૨ પામેલી આ રંક અનાથ પુત્રીને ઉપાડી શરણવત્સલ નિરંજન માતૃજ્યોતિ જ માતૃગૃહમાં ૩ આજ તાણી લેતું હતું અને વિધાતાની ગતિ ન સમજતાં મંદબુદ્ધિના સુવર્ણપુરમાં ચારે પાસથી પવનની ફૂંક ઉપર ચડી આકાશવાણી ઘણાક કાનમાં કહેતી હતી કે

*સા નિન્દન્તી સ્વાની ભાગ્યાનિ બાલા

બાહુત્ક્ષેપં ક્રદિન્તુ ચ પ્રવૃતા !

સ્ત્રીસંસ્થાનં ચાપ્સરસ્વતીર્થમારા-

દુત્ક્ષિપ્યૈનાં જ્યોતિરેકં જગામ !!

૧.ઠાઠડી

૨.દેશવટો

૩.માતૃગૃહ-મહિયર.

* ‘એ બાળા પોતાના ભાગ્યને નિંદતી હાથ ઊંચો કરી રોવા લાગી, એટલામાં અપ્સરાતીર્થ પાસેથી સ્ત્રીવેશ ધરનારું એક જ્યોતિ એને ઉપાડી લઈ જતું રહ્યું.’ - અભિજ્ઞાનશાકુન્તલમ્‌