Saraswati Chandra in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 14

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 14

સરસ્વતીચંદ્ર

ભાગ : ૩

રત્નનગરીનું રાજ્યતંત્ર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૧૪

મણિરાજનો શોક અને પિતૃદર્શન

પિતાની પાછળ સિંહાસન ઉપર બેસવાના કરતાં ત્યાં પિતાની પાદુકાઓ મૂકી પોતે હજી યુવરાજ જ હોય તેમ રાજ્ય કરવાનો પિતૃભક્ત મણિરાજને વિચાર થયો, અને એ વિચાર સર્વને જણાવી દીધો. સૂતકનો કાળ વીતવા આવ્યો પણ તેના મુખ ઉપરથી શોકની છાયા ઊતરી નહીં, અને સિંહાસન પર ચડવાનું મુહૂર્ત એણે જોવડાવ્યું નહીં. નવા આવેલા બસ્કિન્‌સાહેબને એણે પિતાના સમાચાર લખ્યા પણ પોતાના સમાચારમાં કાંઇ લખ્યું નહીં, સામંત, જરાશંકર, વિદ્યાચતુર અને કમળારાણી કોઇની વાતોનો એણે ઉત્તર દીધો નહીં, જૂના રાજાનો શોેક નવાના અભિષેક સાથે ઊથરે એ વાણી એના મંદિરમાં અસિદ્ધ થઇ. પોતાને ‘મહારાજ’ શબ્દથી સંબોધન કરવા આવનારનું એ અપમાન જ કરતો. આ સર્વ સમાચાર બસ્કિન્‌સાહેબને પહોંચ્યા. એ સાહેબે મણિરાજને હેતભરેલું પત્ર લખ્યું અને ભૂતકાળ ભૂલી વર્તમાન ધર્મ પાળવા માર્ગ દર્શાવ્યો અને સર્વ પિતાનો પિતા અમર છે તેના ચરણમાં દૃષ્ટિ રાખી, ઐહિક પિતાના સિંહાસનને એ ઉભય પિતાઓનો પ્રસાદ ગણી સ્વીકારવામાં જ તે બેની આજ્ઞાનું અનુલ્લંઘન છે એમ જણાવ્યું. અભિષેક કરવા સાહેબ પોતે સત્વર આવવાના છે તે પમ તેમાં હતું.

આ પત્ર વાંચી મણિરાજે ખીસામાં મૂક્યો ત્યારે તે પોતાના આરામાસન ઉપર એકલો હતો અને રાત્રિના સાત વાગ્યા હતા. તેની આંખમાંથી એકાંત અશ્રુધારા ટપકતી અને એ દશામાં તે બેઠો બેઠો નિદ્રાવશ થઇ ગયો ત્યાં સ્વપ્નોદય થયો.

પોતે કોઇ મહાસાગરમાં એકલો એક નાની હોડીમાં બેઠો છે, સાગર તોફાન કરી રહ્યો છે, હોડી ચાર હાથ ઊછળે છે, પવન ફૂંકતો ચીસો પાડે છે, ચંદ્રમાં મધ્યાકાશમાં ઝૂલી રહ્યો છે, વાદળાંની લહેરો ચંદ્રને ચારે પાસથી ઘેરે છે - ચંદ્રના તેજથી વધારે ઊજળી થાય છે ને વેરાઇ જાય છે, અને ઊછળતી હોડી બે પાસ વાંકી વળી જાય છે અને પાણી અંદર આવવાનું થાય છે પણ આવતું નથી ને પોતે એ હોડીમાં માત્ર ચંદ્રને જોતો જોતો ચત્તો પડી રહ્યા છે એવું એને સ્વપ્ન થયું.

થોડી વારમાં મલ્લરાજનો દેહ ચંદ્રમાંથી ઊતરી મણિરાજના સામો એની હોડીમાં આવ્યો અને બેઠો. મણિરાજના કારને એણે પાસે લીધો, બગલમાં લીધો, અને માથે હાથ ફેરવી, બોલવા લાગ્યો :

‘કુમાર, સામંત છેલ્લે સુધી મારી પાસે હતો તેથી હું તમને બધો ઉપદેશ કરી શક્યો નથી. તે કરવાને આજ એકાંત શોધી આવ્યો છું.’

‘મરતી વખતે એની અપ્રીતિ લેવી ઠીક લાગી નહીં તેથી એટલું મૌન ધાર્યું. મારી રાજનીતિનું રહસ્ય તે તમને જ કહેવાનું છે તે સાંભળી લ્યો.’

‘સામંત અને મૂળરાજના ઉપર સર્વ રીતે પ્રીતિ કરજો, પણ અંગ્રેજના સંબંધનું રહસ્ય તેમને ખબર નથી તે પરલોકમાં ઊભો ઊભો હું તમને કહું છું.’

‘સીતાજી લંકામાંથી આવ્યાં, અગ્નિદેવે સ્વહસ્તે રામજીને સોંપ્યાં, અને પછી અયોધ્યા જવા સ્વામીની સાથે વિમાનમાં ચડ્યાં ત્યારે સુગ્રીવ, અંગદ અને હનુમાનજી ત્રણે જણ હાથ જોડી ઊભા અને પૂછવા લાગ્યા કે સમુદ્ર પર અમે બાંધેલી પાળનું શું કરીએ ?

‘સીતાજી કહે : પુત્રો ! એ પાળની હવે જરૂર નથી અને વિભિષણના રાજ્ય પર કોઇ એ પાળથી ચડી આવે નહીં માટે એને તોડી નાંખો. માત્‌ એનો રહેવા દેજો કે દર્મકાર્યે તમે બાંધેલા આ ધર્મસેતુનું નામનિશાન સમૂળગું નાશ પામે નહીં. એ કટકો યાવચ્ચંદ્રદિવાકર રહેશે અને સર્વ ધર્મમાં પવિત્ર ગણાશે.

‘સીતાજી અયોધ્યા પહોંચ્યાં તે પછી ત્રણે જણ પોતાને દેશ જવાને માટે સીતાજીની રજા લેવા ગયા ત્યારે તેમણે તેમને આશીર્વાદ દીધો કે તમે દૈવી સંપત્તિના અવતાર છો અને આ યુગમાં ધર્મસેતુ બાંધી તમે ધર્મનો વિજય પ્રવર્તાવ્યો છે માટે કળિયુગમાં તમે મનુષ્યરૂપે અવતાર પામજો અને મારી ભૂમિમાં બીજું રામરાજય કરજો.

‘મણિરાજ ! કૃષ્ણાવતારમાં શ્રીકૃષ્ણ રીંછકન્યા જામ્બુવતીને પરણ્યા અને અર્જુનના રથ ઉપર કપિધ્વજ હતો. જ્યાં જ્યાં કપિધ્વજ ઊડ્યો છે ત્યાં ત્યાં ધર્મ અને વિજય પ્રવર્ત્યા છે અને શ્રીકૃષ્ણે એ કપિકેતન રથનું સારથિપણું કર્યું છે.

‘મણિરાજ ! ભવિષ્ય જાણનારાઓ વર્તારો કરી ગયા હતા કે કળિમાં તામ્રમુખ લોક રાજ્ય કરશે. સીતાજીનો આશીર્વાદ અને આ વર્તારો સાથેલાગા ફળ્યા છે. એ જ વર્તારાથી અને જ આશીર્વાદથી અંગ્રેજ લોક આજ રાજય કરે છે. સુગ્રીવજીની સેનાના વાનરો ઇન્દ્રાદિક દેવતાઓના અવતાર હતા અને તે જ દેવાના અંશ આજના અંગ્રેજોના દેહમાં છે.

‘મણિરાજ ! મેં એમને શાથી ઓળખ્યા ? જુઓ ! આપણી ભૂમિના આપણા લોકોના હાથમાં સત્તા આવી ત્યાં પરસ્પર વિગ્રહનો અને અધધર્મનો યુગ ઊભો થયો અને રાવણનાં દશ માથાં જેવાં હજારો અધર્મી અને ભયંકર માથાં આ ભૂમિમાં ડોલવા લાગ્યાં ! એ રાવણનાં રાવણાંઓથી આ રંક ભૂમિ રાત્રિદિવસ ધ્રૂજી રહી ! મણિરાજ ! તમે એ કાળ જોયેલો નહીં, પણ મેં અનેકધા પ્રત્યક્ષ કરેલો ! એ રાવણોનાં માથાં ઉપર સીતાજીનાં માનીતાં રીંછ અને વાનર મેં દીઠા.

‘મણિરાજ ! રાજા વગરના રાજ્યકર્તાઓે કંઇ દીઠાં છે ! વ્યાપાર કરતાં કરતાં રાજ્યકર્તા થઇ ગયેલી જાત મેં દીઠી ! કોણ રામ ને કોણ સુગ્રીવ ? એકલા પડેલા અથડાતા રામનું કામ કરવા રીંછ અને વાનર દોડ્યા ! આ ભૂમિમાં એકલા પડેલા આથડતા ધર્મનું કામ કરવા એ વ્યાપારીઓ દોડ્યા !

‘મણિરાજ ! સામંત તમને અવળું સમજાવશે. પણ તે માનશો મા. હજાર માથાંનો રાવણ આ નવા વાનરોએ અને રીંછોએ હણ્યો છે અને રામરાજ્ય પ્રવર્તાવ્યું છે.

‘મણિરાજ ! મેં એ પરદેશી પરજાતિના લોક સાથે શું જાણી સંબંધ બાંધ્યો ? મેં સ્વદેશી સ્વજાતિના લોકનો તિરસ્કાર કરી આ પરાયાઓનો કેમ વિશ્વાસ કર્યો ? આ પ્રશ્નો તમે મને પૂછશો અને સામંત તમને પૂછી પૂછી અવળા ઉત્તર દેશે પણ તે માનશો મા.

‘મણિરાજ ! ભાઇઓ મોટા કે મોટો તે ધર્મ ? માતા જેવી સ્વભૂમિ મોટી કે મોટો તે ધર્મ ? ભાઇની વાત વિભીષણને પૂછો ! માતાની વાત ભરતજીને પૂછો ! કોઇ પણ મહાત્માને પૂછો ! શાસ્ત્રને પૂછો ! શ્રુતિને પૂછો !

‘મણિરાજ ! જ્યાં ધર્મ ત્યાં વિજય ! રામજીએ એમ જ માન્યૂું ! વિભીષણે એમ જ માન્યું ! પાંડવોએ એમ જ માન્યું. શ્રીકૃષ્ણે પણ એમ જ માન્યું !

‘મણિરાજ ! મેં કેમ જાણ્યું કે અંગ્રેજોને જય મળશે ? મહાભારતમાં બે અક્ષૌહિણી સેનાઓ આકાશનાં વાદળાં પેઠે એકબીજા અથડાતી હતી તે કાળે ત્યાં ધર્મ પણ જણાયો ને વિજય પણ કેમ જણાયો ?

‘મણિરાજ ! મણિરાજ ! એ વાદળાંઓ વચ્ચે-એ સેનાઓ વચ્ચેજ્યાં જ્યાં કપિધ્વજ ઊડતો હતો અને જ્યાં જ્યાં એ ધ્વજની કપિમૂર્તિની ચીસો ઊઠતી હતી ત્યાં ત્યાં ધર્મ અને વિજય ઉભયને મેં સાથે ઊડતા દીઠા ? સામંતે ન દીઠા ! શું તમે એમ પૂછો છો કે અંગ્રેજે અધર્મ કર્યો નથી ? મણિરાજ ! આ સંસારમાં મધ્યકાળ જોવો જ નહીં ! દુર્યોધનને ગદા ક્યાં વાગી તે જોવું જ નહીં ! આરંભે વસ્ત્રહરણ એ અધર્મ ! વનમાં ગયા તે ધર્મબંધનથી બંધાયેલા જ એ ગયા તે ધર્મ ! અંતમાં જીત્યા તે ધર્મ !

‘મણિરાજ ! એ વાનરોએ મને હેરાન નથી કર્યો ? એ રીંછોએ મને નથી અમૂંઝાવ્યો ? સામંત મારી વાતો કરી કરી તમને ભરમાવશે ! પણ તે માનશો મા !

‘હું હેરાન નથી થયો ! હું તો માત્ર એ સેનાની હૂપાહૂપ સાંભળી બાળક પેઠે ભડક્યો છું, ને લૂંટાયા છે તે તો અધર્મીઓ ! હું અમૂંઝાયો નથી ! હું તો માત્ર રીંછનો ઉગ્ર વેશ જોઇ બાળક પેઠે બીન્યો છું, અમૂંઝાયા છે તે તો અધર્મીઓ ! જીત્યા છતાં ફુલાયા નથી તે ધર્મીઓ ! જય પામી નમ્ર થયા તે ધર્મીઓ !

‘મણિરાજ ! લંકા આગળનો ધર્મસેતું ત્રુટ્યો છે. પણ આપણી ભૂમિમાં નવો ધર્મસેતું બંધાય છે, અને તેના પથરા પાણીમાં તરશે ને તેને વાનરો સમુદ્રની પેલી પારથી આણશે !

‘મણિરાજ ! આપણા રાજાઓને એ સેતુ ઉપર ચડવું છે ! એ કપિધ્વજ પાછળ ધાવું છે ! એના શત્રુ તે તમારા શત્રુ, અને તમારા શત્રુ તે એના શત્રુ, એવો શંખનાદ નાગરાજ મહારાજ કરી ગયા છે ! મણિરાજ, વાણિયા પેઠે દ્રવ્યનો વિચાર કરશો મા, બ્રાહ્મણ પેઠે જીવવાનો વિચાર કરશો મા ! એ સેતુ અને એ કપિધ્વજ બેને આશ્રયે દોડશો તો જીતશો. મણિરાજ ! વાનર સામાં દાંતિયાં ન કરશો. વાનરને રમાડીને જીતજો !

‘મણિરાજ ! સામંતનું કહ્યું માનશો મા ! પણ એનાં બાળકને તમારી આંગળીએ લઇ કપિધ્વજના સાથમાં દોડાવજો ! તેમનામાં જીવ ન હોય તો તેમના શાલિવહન થજો અને તેમનામાં જીવ મૂકી સાથે દોડાવજો ! કપિધ્વજનો મહારથી જેના સામાં અસ્ત્ર ફેકે તેના સામાં તમે પણ ફેંકજો -ને દોડજો. કપિલોક સાથે દોડશો તો ફાવશો. નહીં દોડો તો પાછળ રહી જશો, ને દોડતાં છતાં હારશો તો એ તમને ખભે લઇ દોડશે.’

મલ્લરાજની છાયા આટલું બોલી અદૃશ્ય થઇ ગઇ, હોડી ઊડી ગઇ, સાગરની ગર્જનાઓ શાંત થઇ ગઇ, અને સાગરનું સ્વપ્ન છોડી મણિરાજ સુષુપ્તિમાં પડ્યો. થોડીક વારે નિદ્રા પુરી થઇ છતાં આંખ મીંચી થયેલા સ્વપ્નના વિચાર કરતો કરતો પડી રહ્યો. અંતે માત્રે ‘કપિધ્વજ’ અને ‘ધર્મસેતુ’ના સંસ્કાર વિચારમાં રહ્યા, અને તે વિચારમાંથી જાગી અકબરના સ્વપ્નની કવિતા બોલતો બોલતો આંખ ચોળતો ચોળતો ઊભો થયો, અને હેરાફેરા કરવા લાગ્યો..

‘મહારાજના ચિત્તમાંનો ધર્મસેતું તે આ પથરાઓનો ! એ બાંધવામાં ભાગ લેવાનો આ સ્વપ્નોદેશ !’ આળસ મરડી જુએ છે તો એક પાસ કમળારાણી છાતી ઉપર હાથ મૂકી ઊભી હતી તે પાસે આવી.

‘આપની અવસ્થા જાણી માતાજીનો શોક વધ્યો છે. તમને આશ્વાસન આપવાનું મૂકી દઇ આપ જ શોકમાં પડ્યા ત્યાં તેમના શોકને ઉતારવા કોઇ સમર્થ નથી.’

‘ખરી વાત છે. મહારાજનો સહવાસ એમના આગળ મારે તો આજકાલના જેવો જ. થોડા શોકવાળાએ વધારે શોકવાળાને આશ્વાસન આપવું, પુત્ર માતાને આપવું, અને પુરુષજાતિ સ્ત્રીજાતિને આપવું - એ ધર્મ મહારાજને મુખે સાંભળેલો છે.’ મણિરાજે છેટેથી ઉત્તર આપ્યો.

કમળાએ મણિરાજને ખભે હાથ મૂક્યો. મણિરાજે તે ઘણે દિવસે સ્વીકાર્યો. રાણી ઉત્તેજન પામી બોલી : ‘સાંભળ્યું છે કે સાહેબ પ્રાતઃકાળે મહારાજનો શોક ઉતારવા આવે છે.’

પ્રથમ જ ‘મહારાજ’ સંબોધનને અભિનંદન પણ ન કરી તેમ તિરસ્કાર પણ ન કરી, મણિરાજ બેઠો, રાણીને પાસે બેસાડી, અને બોલ્યો :

‘મને લાગે છે કે માતાજીનાં દર્શન કરવામાં પ્રમાદ થાય છે.’

‘એ વાત તો ખરી. તેમનાં દર્શનકાળે માતાપુત્ર અને અમ જેવાં સર્વને શાંતિ વળે છે.’

‘તો તે ધર્મ પાળવામાં હું પ્રસાદ ન કરું તે જોવું તમને સોંપ્યું.’ મણિરાજ શૂન્ય દૃષ્ટિ કરી ઊભો.

રાણીએ મણિરાજનો હાથ ઝાલ્યો. તે પાછો ઊંડા વિચારમાં પડ્યો. રાણીએ તેને હીંડોળાપલંગ ભણી દોર્યો.

‘મહારાજ, ઊંડા વિચારમાં પડ્યા છો.’

કેટલીક વારે મણિરાજ બોલ્યો. આ દીવાને લીધે આપણી છાયાઓ ઘડીમાં આપણી સાથે આ ઘડીમાં આગળ ચાલતી દેખાય છે તે જોઇ ?’

‘હા જી, આપણી બેની છાયાઓએ પણ પ્રેમસંકેત જ કરેલો છે.’

‘એ છાયામાં જાડા પગ પાતળા થાય છે, પણ દસ ગણા લાંબા થાય છે. તમારી છાયાનો આ હાથ પણ એવો જ થઇ ગયો.’

‘એમ જ.’

‘પણ જુઓ, આ આપણાં માથાંને સ્થાને છાયાઓમાં તો પલંગ જેવડાં માથાં થઇ ગયાં !’

‘ઇશ્વરની માયા એવી જ છે ! આ જુઓ !’

‘હવે તો માથાં વગરનાં ઘડ ચાલે છે.’

મણિરાજ તે જોઇ રહ્યો અને અટક્યો.

‘રાણી ! સ્વપ્નની માયા એવી જ છે !’ મણિરાજ પોતાના સ્વપ્નને ઉદ્દેશી બોલ્યો.

‘મહારાજ, સંસાર પણ એવો જ છે.’ મણિરાજનો શોક ઉતારી તેનું મન અન્યત્ર ખેંચવા ઇચ્છનારી, પણ તેને આવેલું સ્વપ્ન ન જાણનારી રાણી બોલી.

મણિરાજ - ‘નાનોસરખો વિચાર સ્વપ્નમાં મોટો જાય છે તેમાં ઢંગ પણ નહીં ને ઘડો પણ નહીં !’

કમળા - ‘ખોટી ખોટી વાતો સંસારમાં પણ સાચી લાગે છે.’

મણિરાજ - ‘આ એક જેવી અનેક છાયાઓ સ્વપ્નમાં ભમે છે.’

કમળા - ‘કરોળિયાની જાળ જેવી સંસારની રચના થઇ જાય છે.’

મણિરાજ - ‘ભમરીઓના મધપૂડાં જેવું સ્વપ્ન બંધાય છે અને જાગીએ ત્યાં ભમરીઓ અને મધ ઉભય અદૃશ્ય થાય છે, અને થોડા ઘણાક સ્મરણનું ખોખું લટકેલું રહે છે.’

કમળા - ‘કાલનો સંસાર આજ નથી દેખાતો અને આજનો કાલ નથીી રહેવાનો.’

મણિરાજ - ‘એમ જ ! પળ ઉપરનું સ્વપ્ન અત્યારે પૂરું પાંસરું સાંભરતું નથી.’

આટલી વાતો કરતાં કરતાં કમળાવતીએ મણિરાજને હીંડોળા ઉપર લીધો હતો અને પોતાના ખોળામાં તેનુંં માથું મૂકી એના હ્ય્દય ઉપર પ્રીતિનો કોમળ હાથ ફેરવતી હતી અને પગ વડે હીંડોળો જુલાવતી હતી.

‘માણસોનાં મોં પણ સ્વપ્નમાં જુદાં જણાય છે. સૂતો સૂતો મણિરાજ બોલ્યો.’

કમળા - ‘સંસારમાં તો માણસોની બુદ્ધિઓ પણ ક્ષણમાં એક અને ક્ષણમાં બીજી થાય છે - વીજળીના ચમકારા જોઇ લો. મોં પણ તેવી જ રીતે સર્વાવસ્થામાં એક રહેતાં નથી. બાળપણમાં તો ઘડી ઘડી બદલાય છે.’

મણિરાજ - ‘જીવ છતાં જે સ્વભાવ અને વિચાર માણસમાં હોતા નથી તેવા સ્વભાવ ને વિચાર ધરી મરેલાં માણસ સ્વપ્નમાં આવે છે, અને પોતે કદી બોલેલાં ન હોય એવાં વચનનો ઉદ્‌ગાર કરે છે.’

કમળા - ‘મહારાજ, એવા સ્વપ્નાંની ભ્રમણાને હ્ય્દયમાં ભટકવા દેશો મા.’

મણિરાજ - ‘રાણી, કદી કદી જાગ્રત કરતાં સ્વપ્નાંની મીઠાશ જુદી જ લાગે છે !’

મણિરાજની આંખ મીંચાવા માંડી. તેની નિદ્રાને અસ્વપ્ન કરવા રાણી ધીમે સ્વરે ગાતી કરકમલ ફેરવવા લાગી. અંતે એ વેલી પણ નિદ્રાપવનની લહેરથી ઝૂકવા લાગી.

‘વહાલા ! સ્વપ્ન તારાં થાઓ ઘણાં મીઠડાં જો !

મેં યે સ્વપ્ન તારાં છે જ ઘણાં દીઠડાં જો - વહાલા !

પિતામાતાને ખોળે તું રમ્યો લાડમાં જો,

રમે જેમ મીઠાં આભલાં અસાડમાં જો. - વહાલા !

મહારાજ જોગી ને તપસ્વી એ હતા જોસ,

મહારાજ પરમ ધામ કૃપાનું હતા જો. - વહાલા !

ગયું છત્ર એવું ઊડી ઊંચે સ્વર્ગમાં જો,

ઊંડા ઘા જ પડ્યા રાણીજીના મર્મમાં જો. - વહાલા !

માતિપાતાનો ભક્ત તું તો રાજવી જો,

ધારા આંસુડાંની રહી હવે ઢાળવી જો. - વહાલા !

પિતામાતાના ગુણો ન વિસારે પડે જો,

તેના અંશઅણું જેવું ખોળ્યું ના જડે જો. - વહાલા !

એવા કાળમાં વિચાર, વહાલા ! ધર્મને જો,

શોધી લેની હરિઇચ્છા તણા મર્મને જો. - વહાલા !

મહારાજની પ્રજા અનાથ આ બની જો,

તને સોંપીને સનાથ પિતાએ ગણી જો. - વહાલા !

હવે મોહ છોડી, છોડી હર્ષશોકનને, જો,

પુરુષ ! ધારા ધુરા રાજ્યની સદા ખભે જો. - વહાલા !

માતા ને પ્રજાને શોકથી ઉદ્ધારજે જો, બધે સુખ ને સમૃદ્ધિને વસાવજે જો. - વહાલા ! ભ્રમર ! ભમજે વને વને ફૂલે ફૂલે જો, મધુર મધુર મધુ શોધજે ને ગુંજજે જો ! - વહાલા ! ગિરિ, સાગર, અરણ્ય, ને હવેલીઓ જો, સાધુ, સંત ચતુર્વર્ણ, પુરુષ ને સ્ત્રીઓ, જો. - વહાલા ! એ તો તરસ્યાં છે સર્વ તુજ મધુ તણાં જો, વાટ જુએ તારી લેવાને ઓવારણાં જો. - વહાલા ! રાજા ! જાગજે સજાગ પ્રજાને કરી જો ! રાજા ! લેજે આશિષ, પ્રજા દે ઠરી જો. - વહાલા !’ નિદ્રાયમાણ રાણીને રાજાનાં, ને રાજાને પ્રજાનાં, સ્વપ્ન બીજાં સંસારમાં રમાડવા લાગ્યાં.