Children Stories in Gujarati Children Stories by MB (Official) books and stories PDF | બાળવાર્તાઓ - ૩૧ ટૂંકી વાર્તાઓ

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

બાળવાર્તાઓ - ૩૧ ટૂંકી વાર્તાઓ


બાળવાર્તા




© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.ઈસપ બોધકથા : સાબરના શિંગડા

૨.એક દેડકી

૩.કાંટાની અણી એક કાંટાની અણી

૪.ડોશી અને તેના દીકરા

૫.નાનીને ઘરે જાવા દે

૬.પંચતંત્ર

૭.અમૂલ્ય વાત

૮.ઊંંટની ગરદન

૯.કૂવાની ચોકી

૧૦.ગધેડો, ગધેડો બન્યો

૧૧.દગો એક વાર

૧૨.પ્રપંચી કાગડો

૧૩.બીકણ સસલી

૧૪.બુલબુલની સલાહ

૧૫.માણસજાત નગુણી

૧૬.માણસનો સાથી

૧૭.યુદ્ધનું મૂળ

૧૮.લોભી પારધી

૧૯.વાંદરાની સલાહ

૨૦.વાઘનો ખજાનો

૨૧.શિયાળ ફાવ્યું

૨૨.સમજુ વાંદરો

૨૩.સાપની કપટવિદ્યા

૨૪.સિંહને ઉઠાડયો

૨૫.સોનાની ચરક

૨૬.મુનિ અને ઉંદરડી

૨૭.સિંહ અને સસલું (ભાગઃ૨)

૨૮.‘ના, હું તો ગાઈશ જ!’

૨૯.મગર અને શિયાળ

૩૦.સમળી મા

૩૧.સોનબાઈ ને બગલો

બાળવાર્તા

ઈસપ બોધકથા : સાબરના શિંગડા

પ્રાચીન સમયની વાત છે. એક ખૂબ ગીચ જંગલ હતું, તેમાં ઘણાં પશુ પક્ષીઓ રહેતા હતાં. એ જંગલની વચ્ચે ઘાસનું એક મેદાન હતું. તેમાં સાબરનું એક ટોળું રહેતું હતું. એક વખત એક સાબર તે ટોળામાંથી વિખુટું પડી ગયું હતું. માર્ગ શોધતાં શોધતાં તે ખૂબ આગળ નીકળી ગયું હવે તે ખૂબ તરસ્યું થયું હતું. તેણે એક તળાવ જોયું. તે રાજી થઈ ગયું. તળાવ કિનારે આવી તે નીચું મોં કરી પાણી પીતું હતું ત્યાં તેની નજર પાણીમાંના પોતાના પ્રતિબિંબ પર પડી, એ પોતાના સુંદર રૂપને ઘડીભર જોઈ રહ્યું. પોતાનો ભરાવદાર સુંદર દેહ અને રૂપાળા શિંગડા તેને ખૂબ ગમી ગયાં. પણ તેણે પોતાના પાતળા અને લાંબા પગ જોયા ત્યારે તેને ખૂબ અફસોસ થયો અને શરમ આવી, તે મનોમન બોલ્યું, “અહા, શું મારા શિંગડા છે, જાણે મારા માથા ઉપર સુંદર મુગટ, આ શિંગડાથી તો હું ખૂબ શોભું છું, આ રૂપાળા શિંગડા મારી શાન છે, પરંતુ આ લાંબા કદરૂપા પગથી તો હું લજવાઈ જાઊંં છું.”

સાબર પાણી પીતું હતું એવામાં કેટલાંક શિકારી કૂતરાઓનો ના ભસવાનો અવાજ એના કાને પડયો. તે સમજી ગયું કે શિકારી કૂતરાઓ પોતાની તરફ આવી રહ્યાં હતાં. સાબર ત્યાંથી જીવ લઈને નાઠું, અને જંગલની ઝાડી સુધી પહોંચી ગયું.

તે સમય દર્મ્યાન પેલા શિકારી કૂતરાઓ પણ ખૂબ ઝડપથી તેની પાછળ પાછળ આવી પહોંચ્યા.કૂતરાઓથી બચવા સાબર આ ઝાડીમાંથી છટકીને આગળ ભાગી જવા માંગતું હતું. પણ એના વાંકાચૂકા શિંગડા ઝાડીમાં ભરાઈ ગયા, એ ઝાડીમાં એવા તે ફસાઈ ગયા કે સાબર ત્યાંથી ભાગી ન શક્યું.

શિકારી કૂતરાઓ ત્યાં આવી પહોંચ્યા, તેમણે સાબરને ફસાયેલું જોયું. તેઓ સાબર તરફ દોડી આવ્યાં. સાબરે પોતાનું સમ્ગ્ર જોર લગાવી ઝાડી તોડી કાઢી અને ભાગવા લાગ્યું. કૂતરાઓ તેની પાછળ પડયાં પણ સાબરથી ઝડપને કારણે તેને નાથી શક્યાં નહી.છેવટે સાબર બચી ગયું. સાબરને વિચાર આવ્યોઃ “મારા કદરૂપા પગ જેનાથી હું લજવાઈ જતું હતું એણે તો મારો જીવ બચાવ્યો, પણ આ વખાણેલા રૂપાળા શિંગડા જેને જોઈને મને ગર્વ થતો હતો એણે જ મને ફસાવ્યું, અને મારા મૃત્યુનું કારણ બન્યાં હોત.”

બોધ - સાચા કે ખોટા સાથીદારનું પારખું સંકટ સમયે જ થાય છે.

* * *

એક દેડકી

એક દેડકી હતી. તે એક દેડકાને પરણી. એક વાર દેડકીબાઈ હાથમાં છાશની દોણી લઈ બજારે છાશ લેવા ચાલ્યાં. ત્યાં રસ્તામાં હાથી મળ્યો. નવી પરણેલી દેડકીએ પોતાના રૂપનું અભિમાન કરી હાથીને કહ્યું :

’છપરા પગના હાથિયા રે !

તું જોઈને ચાલ,

રૂડું રતન ચગદાશે !’

હાથી દેડકીની આવી શેખીથી ખિજાયો અને બોલ્યો :

’ડેફરા પેટની દેડકી રે !

તને દૈવ દેખે છે.’

હાથીએ દેડકીને ડેફરા પેટની કીધી એટલે પોતાના રૂપનું અપમાન થયું જાણી તેણે પોતાના પતિ દેડકાજીને કહ્યું :

’વાડમાં બેઠાં રે રાણા રાજિયા રે !

આ છપરા પગનો હાથીડો,

મને ડેફરા પેટની દેડકી કે’ છે !’

દેડકાએ વિચાર કર્યો કે આ મૂરખી ગુમાનમાં ચગદાઈ જશે. એટલે પોતાનું અને દેડકીનું માન રહે તેમ બોલ્યો :

’ઓરાં આવો, ગોરાંદે પાતળાં !

હાથી જખ મારે છે.’

* * *

કાંટાની અણી એક કાંટાની અણી

તે પર વસે ત્રણ ગામ : બે ઉજ્જડ ને એક વસેલ જ નહિ, વસેલ જ નહિ.

એમાં વસ્યા ત્રણ કુંભાર, બે અણઘડ ને એક ઘડે જ નહિ, ઘડે જ નહિ.

તેણે ઘડી ત્રણ તોલડી : બે કાચી ને એક સાજી જ નહિ; સાજી જ નહિ.

એમાં રાંધ્યા ત્રણ મગ : બે કાચા અને એક ચડે જ નહિ, ચડે જ નહિ.

ત્યાં આવ્યા ત્રણ મહેમાન; બે ઉપવાસી ને એક જમે જ નહિ, જમે જ નહિ.

એને દીધા ત્રણ રૂપિયા, બે ખોટા ને એક સાચો જ નહિ, સાચો જ નહિ.

ત્યાં આવ્યા ત્રણ પારેખ; બે આંધળા ને એક દેખે જ નહિ, દેખે જ નહિ.

* * *

ડોશી અને તેના દીકરા

એક હતી ડોશી. એને ત્રેવીસ દીકરા હતા.ત્રેવીસ જણા એક વાર મુસાફરીએ ચાલ્યા. ચાલતા ચાલતા રસ્તામાં એક કિલ્લો આવ્યો. કિલ્લાના કોઠા નીચે સૌ ભાતું ખાવા બેઠા. કોઠો જૂનો હતો અને પડુંપડું થઈ રહ્યો હતો. તેથી તે પડયો અને નીચે સાત જણા દબાઈ ગયા.

બાકી રહ્યા તે આગળ ચાલ્યા. રસ્તામાં એક નદી આવી. ચોમાસું હતું તેથી નદીમાં પૂર આવ્યું હતું. નદી ઓળંગી જવા જાય ત્યાં તો નવ જણા તણાઈ ગયા.

ખરાબ ભાતું ખાધેલું હોવાથી આગળ જતાં ત્રણ જણને શેરણું થયું અને તેઓ પણ મરી ગયા.

બાકી રહેલા એક ગામમાં પેસતા હતા, ત્યાં એક ગાંડી ભેંસ આવી. તેણે બીજા બે જણને મારી નાખ્યા.

ગામમાં ગયા ત્યાં એકને તાવ આવ્યો એટલે તે મરી ગયો.

છેવટે એક જીવતો રહ્યો તે ઘરે આવ્યો. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેની માએ તેને પૂછ્‌યું : ’કહે ને, ભાઈ ! વાત.’

છોકરો કહે : ’માડી ! કોઠે દાબ્યા સાત.’

મા કહે : ’મેરમૂઆ મદી !’

છોકરો કહે : ’માડી ! નવ તાણી ગઈ નદી.’

મા કહે : ’અરરર !’

છોકરો કહે : ’માડી ! ત્રણ તો ગયા ટરરર.’

માડી કહે : ’હેં હેં ?’

છોકરો કહે : ’બે તો દાબ્યા ભેંહે.’

મા કહે : ’ઓહો !’

છોકરો કહે : ’એક તો મૂઓ તાવે.’

મા કહે : ’અરે !’

છોકરો કહે : ’હું તો આવ્યો ઘરે.’

* * *

નાનીને ઘરે જાવા દે

એક હતું ઘેટાનું બચ્ચું. તે એક વાર તેની મોટી માને ત્યાં ચાલ્યું. રસ્તામાં ચાલતાં તેને એક શિયાળ મળ્યું. શિયાળ બચ્ચાને કહે, હું તને ખાઉં. બચ્ચું કહે,

’નાનીને ઘરે જવા દે,

ખૂબ તાજું થાવા,

પછી મને ખાજે.’

શિયાળ કહે, ’ઠીક.’

બચ્ચું જરા દૂર ચાલ્યું ત્યાં એક ગીધ મળ્યું.

ગીધ કહે, ’હું તને ખાઉં.’

ઘેટાનું બચ્ચું કહે,

’નાનીને ઘરે જવા દે,

ખૂબ તાજું થાવા,

પછી મને ખાજે.’

ગીધ કહે, ’ઠીક.’

ઘેટાનું બચ્ચું તો આગળ ચાલ્યું. ત્યાં વળી રસ્તામાં તેને એક વાઘ મળ્યો. વાઘ કહે, ’હું તને ખાઉં.’

બચ્ચું કહે,

’નાનીને ઘરે જવા દે,

ખૂબ તાજું થાવા,

પછી મને ખાજે.’

વાઘ કહે, ’ઠીક.’

પછી રસ્તામાં એ પ્રમાણે તેને વરૂ, ગરૂડ, કૂતરો વગેરે જનાવરો મળ્યાં ને ઘેટાનું બચ્ચું સૌને ઉપર પ્રમાણે કહી આગળ ચાલ્યું.

પછી ઘેટું તો મોટી માને ત્યાં જઈને મોટી માને કહે, ’મા, મા ! મને ખૂબ ખવરાવ. મેં જનાવરોને વચન આપ્યું છે, માટે એ બધાં મને ખાઈ જવાનાં છે.’

બચ્ચાંએ તો ખૂબ ખાધું, પીધું ને સારી રીતે જાડું થયું. પછી તો મોટી માને કહે, ’મા ! મને એક ચામડાનું ઢોલકું કરી આપો એટલે હું એમાં બેસીને જાઉં, ને મને કોઈ ઓળખે નહિ, મને તેથી કોઈ ખાય નહિ.’

મોટી માએ તો બચ્ચાને માટે એક સારૂં મજાનું ઢોલકું બનાવ્યું, અંદર રૂપાળું રૂ પાથર્યું. પછી તેની અંદર બચ્ચું બેઠું. પછી ઢોલકાને જે ધક્કો માર્યો ને, તે ઢોલકું દડતું ચાલ્યું. ત્યાં રસ્તામાં ગરૂડ મળ્યું. ગરૂડ કહે, ’ભાઈ ! ક્યાંય ઘેટાનું બચ્ચું જોયું ?’

ઢોલકામાંથી બચ્ચું બોલ્યું,

’ક્યાંનું બચ્ચું, ક્યાંનો તું ?

ચલ ઢોલકડા ઢમકા ઢુ !’

આમ જવાબ આપતું આપતું ઘેટું ઘણે દૂર નીકળી ગયું. છેવટે શિયાળભાઈ મળ્યા. શિયાળ કહે, ’ક્યાંય ઘેટાનું બચ્ચું દીઠું ?’

અંદરથી બચ્ચું બોલ્યું,

’ક્યાંનું બચ્ચું, ક્યાંનો તું ?

ચલ ઢોલકડા ઢમકા ઢુ !’

શિયાળ કહે, ’અરે, આમાં તો બચ્ચું લાગે છે ! ચાલ ઢોલકું તોડીને ખાઉં પણ ત્યાં બચ્ચાનું ઘર આવી ગયું ને બચ્ચું ઘરમાં પેસી ગયું. શિયાળભાઈ બારણાં પાસે ઊંભા ઊંભા જોઈ રહ્યા.

***

પંચતંત્ર

ઘણાં વર્ષો પહેલાં મગધની રાજધાની પાટલીપુત્ર પર સત્યવ્રત નામે રાજા રાજ્ય કરતા હતાં. તેઓ ન્યાયી, પ્રેમાળ, સત્યપ્રેમી અને પરાક્રમી હતા. તેમના રાજ્યમાં ખૂબ જ સુખ શાંતિ હતી. તેમના શાસન હેઠળ પ્રજાને કોઈપણ જાતનું દુઃખ ન હતું. બધા સંપીને રહેતા હતા. તેમના દરબારમાં વિદ્ધાનો અને કલાકારોનું સન્માન થતું. દેશવિદેશના વિદ્ધાનો, કલાકારો રાજાના દરબારને શોભવતા હતા.

સત્યવ્રત રાજાને ત્રણ પુત્રો હતા. ત્રણેય કુમારો રંગે ગોરા અને બહાદુર હતા. પરંતુ રાજા-રાણીના અતિશય લાડપ્રેમને કારણે તેઓ બગડી ગયા હતા. આને કારણે રાજાને તેમના ભવિષ્યની ચિંતા ખુબ જ સતાવતી હતી. તેમને થતું કે મારા પછી મારૂં આ રાજ્ય કોણ સંભળશે? રાજાએ આ રાજકુમારોને ભણવવા માટે કેટકેટલા વિદ્ધાનો રોક્યા, કેટલાય આશ્રમોમાં રાજકુમારોને મોકલ્યા;પણ રાજકુમારો સુધર્યા નહિ. તેઓ ભણાવનાર વિદ્ધાનોને ખૂબ જ કનડગત કરીને ભગાડી મૂક્તા. ત્રણેય કુંવરો આખો દિવસ પ્રજાજનોને કંઈ ને કંઈ રીતે હેરાન-પરેશાન કરતા. પ્રજાજનો રાજાના ઉદાર સ્વભાવને કારણે કુંવરોની આ કનડગત સહન કરી લેતા, પણ રાજાને કોઈ ફરિયાદ કરતા નહિ. રાજાને ગુપ્તચરો મારફત ત્રણેય રાજકુમારોની માહિતી મળી જતી. કુંવરોની હરકતો જાણી રાજાને ખૂબ જ દુઃખ થતું.

એક દિવસ રાજ્દરબારમાં રાજાએ પોતાની આ ચિંતા વિદ્ધાનો અને પંડીતો સમક્ષ રજૂ કરી, પરંતુ રાજકુમારોને વિધ્યા આપવા માટે કોઈ તૈયાર ન થયું. બધા નીચા મસ્તકે બેસી રહ્યા. બધાજ રાજકુમારોનાં પરાક્રમો સારી રીતે જાણતા હતા. આથી તેમને ભણાવવાની હિંમત કોઈપણ કરી શક્યું નહિ. બધા ચૂપચાપ થઈને બેઠા રહ્યા.

દરબારમાં આવી શાંતિ જોઈ રાજા નિરાશ થઈ ગયા. તેમણે કહ્યુંઃ " અરેરેરે! મારા દરબારમાં કોઈપણ એવો વિદ્ધાન નથી કે જે મારા કુંવરોને વિદ્યા આપી શકે ?” આ તો વિદ્ધાનો અને પંડિતોની ઈજ્જતનો સવાલ હતો.

દરબારના એક ખૂણામાં બેઠેલા પંડિત વિષ્ણુ શર્માને રાજા ઉપર દયા ઊંપજી. તેઓ પણ રાજકુમારોના તોફાન વિશે સારી રીતે જાણતા હતા.છતાં પોતાની રાજાની ખાતર,રાજ્યના ભવિષ્યની ખાતર તેઓ ત્રણેય રાજકુંવરોને ગુણવાન અને વિધાવાન બનાવવાનું બીડું ઝડપી લીધું. પંડિત વિષ્ણુ શર્માએ કુંવરોને વિધ્યા આપવા માટે રાજમહેલને બદલે એકાંત સ્થળની પસંદગી કરી અને કુંવરોને તેઓ પોતાની સાથે લઈ ગયા.

રાજકુમારોને પંડિત વિષ્ણુ શર્મા સાથે જવું ન હતું, છતાં પિતાજીની આજ્જ્ઞાને વશ થઈને તેઓ પંડિત વિષ્ણુ શર્મા સાથે ગયા. પંડિત વિષ્ણુ શર્માએ કુંવરોને ભણવા બેસાડયા. પરંતુ કુંવરોએ તો પંડિત વિષ્ણુ શર્માને સ્પષ્ટ કહી દીધું કે”અમને ભણવાનું સહેજ પણ ગમતું નથી. અમને તો આ એકાંત સ્થળે ફરવાની રજા આપો.”

“રાજકુમારો ! હું તમને ભણાવવાનો નથી. હું તો તમને જાતજાતની પશુ-પક્ષીઓની વાર્તાઓ કહેવાનો છું,તે તમે સાંભળો.”

“વાર્તા ! અમને પશુ-પક્ષીની વાર્તાઓ સાંભળવી ખૂબ જ ગમે છે.” ત્રણે કુંવરો એકી સાથે બોલી ઊંઠ્‌યા.

“રાજકુમારો, હું તમને દરરોજ જાતજાતની વાર્તાઓ કહીશ. તે તમે યાદ રાખજો અને તેમાંથી બોધ ગ્રહણ કરજો.”

રાજકુમારો વાર્તા સાંભળવા માટે તરત તૈયાર થઈને બેસી ગયા. પંડિત વિષ્ણુ શર્માએ વાર્તા કહેવી શરૂ કરી. આ બોધદાયક વાર્તાઓ એ જ આપણા પંચતંત્રની કથાઓ છે.

***

અમૂલ્ય વાત

મગધ દેશમાં ચક્રપુર નામે સુંદર નગર હતું. નગરમાં સર્વ વાતે પ્રજા સુખી અને સમૃદ્ધ હતી. ચોર-લુંટારાનો ઉપદ્રવ ન હતો. અધિકારીઓ ન્યાય અને સદાચારથી પોતાની ફરજનું પાલન કરતા હતા.

નગરમાં ધનવંતરાય નામનો અત્યંત સમૃદ્‌ધિવાળો અને ગુણવાન નગરશેઠ રહેતો હતો. રાજા પણ તેનું ઘણું માન રાખતા. દેશ-પરદેશમાં નગરશેઠનો વ્યાપાર ચાલતો. તેને ચાર પુત્રો અને એક પુત્રી હતાં. બધા પુત્રો સદાચારી, હોશિયાર અને પરાક્રમી હતા.

નગરશેઠે મોટા ત્રણ દીકરા અને એક દીકરીનાં લગ્ન કરી નાખ્યાં હતાં. ત્રણ ત્રણ વહુઓ અને પૌત્રોથી ઘર ભર્યું ભર્યું રહેતું.

દરેકને બધી વાતે સુખ હોય, પણ એક વાતનું પણ દુઃખ તો હોય, હોય ને હોય જ. નગરશેઠને પણ એક વાતનું દુઃખ હતું. શેઠનો નાનો પુત્ર ગુણસાગર ધૂની અને ખર્ચાળ હતો. ઘણી વાર એ ભારે કીંમત આપી એવી વસ્તુ ખરીદી લાવતો જે શેઠને કોડીનીયે લાગતી નહિ. નગરશેઠ ઘણી વાર તેને સમજાવતા, ઘણી વાર ઠપકો આપતા. પણ તેના વર્તનમાં તલમાત્રનો ફેર પડતો નહીં. તે પોતાનું ધાર્યું જ કરતો.

એક વાર તે એક પુસ્તક લઈ આવ્યો. નગરશેઠે પુછ્‌યું, ’આ પુસ્તક કેટલાનું ?’

’સો સોનામહોરનું.’

’આટલું બધું મોઘું ! ! બતાવ તો... કેવું છે ? કોનું છે ?’ કહીને તેમણે એ પુસ્તક જોવા માગ્યું. ગુણસાગરે પુસ્તક પિતાના હાથમાં મૂક્યું. પિતાએ તે ખોલ્યું. અને બધાં પાનાં ફેરવ્યાં અને પછી ગુસ્સાથી બરાડી ઊંઠ્‌યા : ’આ... વા... પુસ્તકની કિંમત સો સોનામહોર ! આ તો કોરૂં છે ! પૈસા વાપરવાની કંઈ અક્કલ બક્કલ છે કે ? તું એમ માને છે કે આ બધું ધન હરામનું છે ? ફેંકી દેવાનું છે ?’

’ના પિતાજી ! એમ હું માનતો નથી. વળી આ પુસ્તક તદ્દન કોરૂં નથી. એમાં એક પાના પર સોનેરી અક્ષરથી કંઈક લખેલું છે. તમે વાંચો.’

’મારે આ પુસ્તક વાંચવું તો શું... જોવુંય નથી અને મને તારૂં મોઢુંય જોવું નથી.’ આજે શેઠનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો હતો.

ગુણસાગરે પુસ્તક લીધું અને પિતાને પ્રણામ કરી ઘર છોડી ગયો. નગરશેઠ બહુ ગુસ્સામાં હતા એટલે તેમણે પણ તેને રોક્યો નહિ. તેમને થયું, પુત્રને ખોટાં લાડપ્યાર ન કરાવવાં જોઈએ. નહિ તો તેઓ કુમાર્ગી થઈ જાય છે અને કુળને તારવાને બદલે મારે છે. ભલે થોડી ઠોકર ખાતો. જાતે કમાશે તો પૈસા વાપરવાનું ભાન આવશે.

ગુણસાગર પુસ્તક લઈને ચાલવા લાગ્યો.

હવે એ નગરની રાજકુમારી બાજુના નગરમાં મેળો જોવા ગઈ હતી. ત્યાં તેને તે નગરનો રાજકુમાર મળ્યો. રાજકુમારને જોતાં જ તે મોહી પડી. તેણે દાસી મારફત પોતાની ઓળખ આપી, મનનો ભાવ કહ્યો અને વધુમાં કહેવડાવ્યું કે, રાતે ચક્રપુર છુપા વેશે મળવા આવે.

નગરમાં ફરતાં ફરતાં રાત પડી ત્યારે ગુણસાગર રાજકુમારીના મહેલની પાછલી બાજુએથી પસાર થતો હતો. ત્યાં તેની નજરે ઝરૂખામાંથી નીચે પડતું દોરડું દેખાયું. તેને નવાઈ લાગી કે અહીં દોરડું કોણે બાંધ્યું હશે ! તે દોરડાની નજીક ગયો અને તેને હલાવી જોયું. ત્યાં તો ઉપરથી કોઈક ડોકાયું અને તેને ઉપર આવવા ઈશારો કર્યો.

ગુણસાગરને કંઈ સમજાયું નહિ છતાં તે દોરડાને સહારે ઉપર ચઢી ગયો. ઉપર જઈને જોયું તો રાજકુમારી સોળ શણગાર સજીને બેઠી હતી. એ ઉમળકાથી ઊંભી થઈ. પરંતુ રાજકુમારને બદલે બીજા કોઈ પુરૂષને જોઈ ગભરાઈ ગઈ. અને કહેવા લાગી : ’તમે કોણ છો ? ચાલ્યા જાઓ અહીંથી.’

ગુણસાગર તો કંઈ પણ બોલ્યા વગર નીચે ઊંતરી ગયો અને ચાલતો થયો. રાત્રી એણે ધર્મશાળાના ઓટલે વિતાવી દીધી.

સવારે ઊંઠીને એણે હાથ-મોં ધોયાં. અને પાછો નગરમાં ફરવા લાગ્યો.

એક જગ્યાએ લગ્ન થઈ રહ્યાં હતાં. બ્રાહ્‌મણ મંત્રોચ્ચાર કરી રહ્યો હતો. સ્ત્રીઓ મંગળ ગીતો ગાઈ રહી હતી. બધાં લગ્નપ્રસંગમાં વ્યસ્ત હતાં.

અચાનક મહા શોર મચી ગયો. બધાં બૂમાબૂમ અને ભાગાભાગ કરતાં હતાં. ’ભાગો... ભાગો... રાજાનો હાથી ગાંડો થયો છે... ભાગો... ભાગો...’

લગ્નમાં આવેલાં બધાં જ ભાગી ગયાં. ગુણસાગર ત્યાં રહેલા એક વૃક્ષ પર ચઢી ગયો. બધે પળવારમાં સૂનકાર થઈ ગયો. અને એક હાથી સૂંઢ ઉછાળતો આવ્યો. રહી ગયાં ફક્ત પરણનાર વરકન્યા.

બધાંના જીવ તાળવે ચોંટી ગયાં. ખેલ ખલાસ ! બિચારાં પરણ્‌યાં પહેલાં જ પ્રભુના દરબારમાં પહોંચી જશે કે શું ? અને કોઈની તાકાત હતી કે એ બે કોડીલાને બચાવે !

ગુણસાગરે કંઈક વિચાર્યું... ત્વરાથી વૃક્ષની ડાળી તોડી અને સીધો હાથીના માથા પર પડયો. અને તે સાથે જ એણે ડાળીનો તીણો ભાગ હાથીના માથા પર જોરથી દબાવી દીધો.

હાથી ચીસ પાડી ઊંઠ્‌યો... અને ગભરાઈને શાંત પડી ગયો. ગુણસાગરે ડાળ પરનું જોર ઓછું કરી દીધું અને હાથીના મસ્તકે હાથ ફેરવવા માંડયો.

હાથી ધીરે ધીરે રાજાના મહેલ ભણી ચાલવા લાગ્યો. બધા ધીરે ધીરે હાથી પાછળ ચાલવા લાગ્યા. હાથી રાજાના મહેલ પાસે એની જગા પર આવી ઊંભો રહી ગયો. પછી ધીરેથી બેઠો. ગુણસાગર નીચે ઊંતર્યો. મહાવતે હાથીનો કબજો લઈ લીધો. ગુણસાગરે જોયું તો રાજા દરબારીઓ સહિત એના સ્વાગત માટે ઊંભા હતા. કારણ કે રાજાને ખબર પડી ગઈ હતી કે, પોતાના ગાંડા હાથીને કાબૂમાં લઈને એક યુવાન આવી રહ્યો છે.

એ રાજાની નજીક આવ્યો અને રાજાને આદરથી પ્રણામ કર્યાં. રાજાએ પોતાના ગળામાંથી નવલખો હાર કાઢી ગુણસાગરને પહેરાવી દીધો અને કહ્યું :

’યુવાન ! તું જે હોય તે પણ આજે તેં મારી લાજ રાખી લીધી છે. જો કોઈ હાથીના પગ નીચે કચડાઈ જાત તો મને જિંદગી સુધી અફસોસ થાત. મારા માથે કલંક લાગી જાત.... તારૂં બધું વૃત્તાંત મેં સાંભળી લીધું છે. તારા જેવો પરાક્રમી મેં કોઈ જોયો નથી. હું મારી રાજકુમારી તારી સાથે પરણાવવા માગું છું. તને મંજૂર છે ?’

’મહારાજ ! આપની આજ્જ્ઞા મારા આંખ-માથા પર છે. હું આપના જ નગરના નગરશેઠ ધનવંતરાયનો નાનો દીકરો છું.’

રાજા ખુશ થઈ ગયા. સન્માનથી એને અંદર લઈ ગયા પછી નગરશેઠને સંદેશો મોકલ્યો.

નગરશેઠ તો આ સાંભળી આશ્ચર્યમાં પડી ગયા. અને અતિ આનંદિત બની ગયા. તરત જ મુહૂર્ત કાઢી રાજકુમારી સાથે તેના લગ્ન કરવામાં આવ્યાં.

લગ્ન પછી રાજકુમારીએ ગુણસાગરને કહ્યું, ’આપણું કેવું ભાગ્ય છે ! એક વાર તમે આવ્યા તો મેં તમને કાઢી મૂક્યા છતાં તમે ફરી મારા જીવનમાં આવ્યા જ. અને મારાં સૌભાગ્યનાં સ્વામી બન્યાં જ.’

ગુણસાગર બોલ્યો : ’પ્રિયે ! તારી વાત સાચી છે. આ બધો આ પુસ્તકનો પ્રતાપ છે. આ પુસ્તક મેં ખરીદ્‌યું. એટલે જ પિતાએ મને કાઢી મૂક્યો, એટલે જ હાથીવાળો પ્રસંગ બન્યો, તેમાં હું સામેલ થયો અને તું મળી. અને એ પુસ્તકમાં પણ એવું જ લખેલું છે.’

’મને બતાવો, એ પુસ્તક ! એમાં શું લખ્યું છે ?’

ગુણસાગરે પુસ્તક પોતાની પત્નીના હાથમાં મૂક્યું. તેણે જોયું તો આખુ પુસ્તક કોરૂં હતું. તે વિસ્મય પામી. પાનાં ફેરવતાં ફેરવતાં છેલ્લે સોનેરી શાહીથી થોડું લખાણ લખાયેલું હતું. બન્ને પતિપત્નીએ ભેગાં થઈને એ વાંચ્યું :

’નસીબમાં જે લખ્યું હોય છે તે મળે જ છે. અને નસીબમાં નથી લખ્યું હોતું તે મળતું જ નથી. મળે છે તો ફરી ચાલ્યું જાય છે.’

બન્ને પતિ-પત્ની હસી પડયાં.

’હે કુમારો ! ભાગ્ય બળવાન છે. આ વાત હંમેશાં ધ્યાન રાખજો.’ વિષ્ણુશર્માએ કહ્યું.

***

ઊંંટની ગરદન

ઊંંટની પહેલાં સામાન્ય પશુઓ જેવી જ ગરદન હતી. ટૂંકી જ વળી. એનું શરીર મોટું અને ગરદન ટૂંકી. એટલે ખોરાક માટે ખૂબ ફરવું પડતું. આખો દિવસ ફરી ફરીને એની પગ દુઃખી જતાં.

એ કંટાળી ગયું. એટલે એણે પ્રભુની આરાધના કરવા માંડી. અને તપ કરવા માંડયું. એની નિષ્ઠા અને ઉત્કટતા જોઈ પ્રભુ પ્રસન્ન થયા. અને કહ્યું, ’માગ ! માગ ! તું જે માગશે તે આપીશ.’

ઊંંટ તો ખુશ ખુશ થઈ ગયું. તેણે પ્રભુને પ્રણામ કર્યાં અને કહ્યું, ’પ્રભુ ! હું કેવડું મોટું પ્રાણી અને આ ટૂંકી ગરદન ! મને બહુ તકલીફ પડે છે. મારી આ ગરદન લાંબી કરી આપો. બસ ! મારી આટલી ઈચ્છા પૂરી કરો.’

અને ઊંંટની ગરદન પુષ્કળ લાંબી થઈ ગઈ. હવે એ તો એક જગ્યાએ બેસી રહેતો. બસ ! ગરદન લંબાવીને ઊંંચા ઊંંચા ઝાડ પરથી પાન ખાઈ લેતો. જમીન પરથી કુણું કુણું ઘાસ ખાતો. એને તો મજા આવી ગઈ.

આમ ને આમ ઘણો સમય પસાર થઈ ગયો. એક વાર જંગલમાં તોફાન-આંધી ચડી. પુષ્કળ પવન ફૂંકવા લાગ્યો. ચારે તરફ ધૂળની ડમરીઓ ચઢવા લાગી. તેને લીધે છતે દિવસે અંધારૂં થઈ ગયું. વૃક્ષો તો ભૂવાની જેમ જોર જોરથી ડોલવા લાગ્યાં. ઊંંટે પોતાની ગરદનને બચાવવા પોતાની નજીક લાવવા કોશિશ કરી. પણ આટલી લાંબી ગરદન બધી જ કેવી રીતે નજીક આવે ! તેમાં એક વૃક્ષ તેની ગરદન પર જ પડયું. ઊંંટને થયું, ’હાય ! હવે તો જીવ નીકળી જ જશે. વૃક્ષના ભારથી તેની ગરદન ચગદાવા માંડી.’

એટલે આર્તસ્વરે પ્રભુને પોકારવા માંડયા. તરત જ ભગવાન હાજર થયા અને પૂછ્‌યું, ’તેં મને ફરી કેમ યાદ કર્યો ?’

’પ્રભુ.... મારી ગરદન... પેલા ઝાડ નીચે દબાઈ ગઈ છે... એને બહાર કાઢો.’

પ્રભુએ તરત જ વૃક્ષને અધ્ધર કર્યું, એટલે તેની ગરદન બહાર નીકળી ગઈ.

’પ્રભુ ! આ ગરદન તો કોઈ વાર મારો જીવ લેશે. એને ટૂંકી કરો.’

પ્રભુ હસી પડયા અને એની ગરદન ટૂંકી કરી. છતાં પહેલાં હતી તેટલી ટૂંકી નહીં, એનાથી થોડી લાંબી.

ઊંંટે પ્રભુનો આભાર માન્યો. પ્રભુ અદૃશ્ય થઈ ગયા.

બસ ! ત્યારથી ઊંંટની ગરદન હાલ દેખાય છે તેવી જ રહી. હવે આંધી-તોફાન આવે ત્યારે એ પોતાની ગરદન સમેટી શકે છે.

’હે કુમારો ! કોઈપણ વસ્તુ ’અતિ’ ન સારી. માપસરની જ સારી. જે અતિ થાય તે અડચણરૂપ જ થાય.’

***

કૂવાની ચોકી

એક જંગલમાં નાનું ઝરણું વહે. ચોમાસામાં તો એ છલકાઈને નદી જેવડું થઈ જાય. અને શિયાળામાં ઝરણું બની જાય. પણ ઉનાળામાં સાવ જ સુકાઈ જાય.

એ ઝરણું સુકાઈ જાય ત્યારે જંગલમાં રહેતાં પ્રાણીઓને બહુ તકલીફ પડે. પાણી વગર બધાંને જ્યાં ને ત્યાં ભટક્વું પડે. કેટલાંક તો તરસ્યાં મરી જાય.

આથી એક વાર જંગલનાં બધાં પશુ-પંખીઓની સભા મળી. અને એમાં બધાંએ વિચાર્યું કે, એક કૂવો ખોદીએ. એટલે કાયમ માટે પાણીનું સુખ થઈ જાય. બધાંને આ વાત ગમી ગઈ. બધાં કૂવો ખોદવા તૈયાર થઈ ગયાં.

અને એક જગ્યા નક્કી કરી બધાંએ કૂવો ખોદવા માંડયો. ચકલીથી માંડીને હાથી સુધીના જીવ માટી ખોદી ખોદીને દૂર ફેંકવા લાગ્યાં. જોતજોતામાં મોટો કૂવો ખોદાઈ ગયો. જેમ નીચે જતાં ગયાં તેમ તેમ ભીની ભીની માટી નીકળવા માંડી અને એક દિવસ પશુ-પંખીઓની મહેનત ઊંગી નીકળી. કૂવામાં ઝરણ વહેવા લાગ્યાં... કૂવામાં પાણી આવી ગયું. પશુ-પંખીઓ તો આનંદથી નાચવા લાગ્યાં... ગાવા લાગ્યાં... કોલાહલ કરી મૂક્યો. બધાંએ પેટ ભરી ભરીને પાણી પીધું અને પાણીયે કેવું કોપરા જેવું મીઠું... !

પાણી ન પીવા દીધું શિયાળને. શિયાળ બહુ લુચ્ચું. એણે જરાય મદદ ન કરી. આથી બધાંને એના પર ખૂબ ગુસ્સો આવ્યો. બધાંએ નક્કી કર્યું કે, એને પાણી ન પીવા દેવું. ભલે પછી કૂવાની ચોકી કરવી પડે. પણ એને તો પાઠ ભણાવવાનો જ.

પહેલે દિવસ કૂવાની ચોકી કરવા સસલો ગોઠવાયો. રાત જામી. કોઈ પશુ-પંખી કૂવા પાસે ન હતું. સસલો આજુબાજુ ધીરે ધીરે ફર્યા કરતો હતો.

ધીરેથી શિયાળ કૂવા પાસે આવ્યું. અને છાનુંમાનું પાણી પીવા ગયું. ત્યાં સસલાએ એને જોયું, ’એ શિયાળ ! ખબરદાર જો પાણી પીધું છે તો !’ સસલાએ તો બૂમાબૂમ કરવા માંડી : ’ કૂવો ખોદવા તો એકે દિવસ દેખાયો ન હતો અને પાણી પીવા પહેલે દિવસે આવી ગયો કેમ ? પાણી પીવાની ગરજ હતી કૂવો ખોદવા આવવું હતું ને ! બધાંએ નક્કી કર્યું છે કે, તને આ કૂવામાંથી પાણી પીવા ન દેવું. એટલે હવે તારે અહીં આવવું જ નહિ. તને કોઈ સંજોગોમાં પાણી પીવા મળવાનું નથી. તારા લીધે તો આ કૂવા પર ચોકી બેસાડી છે. હવે તું ભાગી જા અહીંથી. નહિ જશે તો હું બૂમાબૂમ કરીને બધાંને બોલાવીશ. અને તારાં હાડકાં ખોખરાં કરાવી નાખીશ.’

’ના, સસલાભાઈ ! એવું નહિ કરતાં. મારે તો કંઈ પાણી પીવું નથી. આ તો તમારા માટે થોડી પાકી પાકી જોઈને બદામ લાવ્યો હતો.’

’બદામ ? ક્યાં છે બદામ ?’ સસલાના મોંમાં પાણી આવ્યું. સસલાને બદામ બહુ ભાવતી હતી.

’પણે પેલા ઝાડની બખોલમાં મૂકેલી છે. સસલો તો ચોકી કરવાનું છોડીને તે ઝાડની બખોલમાં ગયો. અને ત્યાં જોયું તો ખરેખર મીઠી... પાકેલી બદામો હતી. તે તો ચપડ ચપડ... કરતો બદામ ખાવા માંડયો.

આ બાજુ શિયાળે પાણી પીધું અને ભાગી છૂટ્‌યું. સવારે બધાંએ જોયું તો કૂવા તરફ શિયાળનાં પગલાં દેખાયાં, બધાં પશુ-પંખીઓએ સસલાને પૂછ્‌યું, ’તું ચોકી કરતો હતો તે અહીં પેલું શિયાળ આવ્યું હતું ?’

સસલાને થયું કે, હું શિયાળે આપેલી બદામની વાત કરીશ તો આ લોકો મને ઠપકો આપશે. એટલે એણે વાત ફેરવીને કહ્યું,

’મને તો ઝોકું આવી ગયેલું એટલે શિયાળ આવ્યું હોય તો મને ખબર નથી. બાકી આમ તો મેં શિયાળને જોયું નથી.’ બધાંને સસલા પર ગુસ્સો આવ્યો. પણ એ નાનો હતો એટલે બધાએ એને જવા દીધો.

બીજે દિવસે કાચબાનો વારો આવ્યો. બધાંએ તાકીદ કરી કે, હવે તો કોઈ પણ સંજોગોમાં શિયાળ કૂવાની નજીક આવવું ન જોઈએ. કાચબાએ તો કૂવાની બરાબર ચોકી કરવા માંડી.

મધરાત થઈ એટલે શિયાળ આવ્યું.

’કાચબાભાઈ ! કાચબાભાઈ ! બદામ ખાશો કે ?’

’ના ! મારે બદામ નથી ખાવી. તું અહીંથી ભાગ તો ! નહિ તો બૂમાબૂમ કરી બધાંને બોલાવીશ અને તારાં હાડકાં ખોખરાં કરાવી નાખીશ.’ કાચબાએ તો કડકાઈથી કહ્યું.

’કાચબાભાઈ ! તમે કેમ આટલા ગરમ થઈ ગયા છો ! બદામ તો એકદમ પાકેલી અને મીઠ્‌ઠી છે. જુઓ, પેલી બખોલમાં. એક વાર ચાખી તો આવો !’

કાચબો સમજી ગયો કે, આ મને કૂવા પાસેથી દૂર કરવાની કોશિશ કરે છે. કાલે એણે સસલાને પણ આવું જ કહ્યું હશે. અને ચોક્કસ કાલે શિયાળ પાણી પી ગયું હશે. પણ આજે તો એને પાઠ ભણાવવો જ પડશે. કાચબાએ તો બૂમાબૂમ કરી મૂકી. જરા વારમાં બધાં ભેગાં થઈ ગયાં. અને શિયાળને એવો ખોખરો કર્યો... એવો ખોખરો કર્યો કે કૂવાની દિશામાં જોવાનુંયે ભુલાવી દીધું.

બસ ! તે દિવસથી કૂવાની ચોકી કાચબો કરતો આવ્યો છે. જ્યાં કૂવા ત્યાં કાચબો તો હોય જ.

’હે કુમારો ! કામચોરી કદી ન કરવી. બધાંને દરેક વાતમાં સાથ-સહકાર આપવો.’

***

ગધેડો, ગધેડો બન્યો

એક ઘનઘોર વનમાં એક સિંહ રહેતો હતો. એની ઉંમર ધીરે ધીરે ઢળવા આવી હતી. પરંતુ તે હમેશાં અકડાઈથી ચાલતો.તેની શાન ઘટે એ તેને જરાય ગમતું નહિ.

તેણે એક શિયાળને પોતાની સાથે રાખ્યું હતું. એ સિંહની ભરપૂર ખુશામત કરતું. સિંહને પોતાની ખુશામત બહુ ગમતી. સિંહ પોતાના શિકારમાંથી વધ્યુંઘટ્‌યું શિયાળને આપતો. અને શિયાળને પણ હરામનું ખાવામાં આનંદ આવતો હતો. બોલવાથી જ ભોજન મળતું હોય પછી હાથપગ શીદને હલાવવા ! આવી વાત શિયાળની હતી.

એક વાર સિંહ શિકારે નીકળ્યો. ત્યાં એની નજર એક હાથી પર પડી.હાથી અલમસ્ત હતો. સિંહે પોતાની આદત મુજબ હાથી પર તરાપ મારી. પરંતુ સિંહ એ વાત ભૂલી ગયો કે હવે તે ઘરડો થવા આવ્યો હતો. સિંહે તરાપ મારી ત્યારે હાથી સાવધ થઈ ગયો હતો. એણે સિંહનો દાવ ચૂકવી દીધો અને સિંહને કમ્મરેથી પકડી, ઘુમાવી, ઘુમાવીને દૂર ફેંકયો. સિંહ એક પથ્થર સાથે અથડાયો. આથી તેનાં હાડકાં ખોખરાં થઈ ગયાં. હવે હાથી તેની સામે ધસી આવ્યો. સિંહ જીવ બચાવીને નાઠો. અને ગુફામાં ભરાઈ ગયો.

પરંતુ બીજે દિવસે તે ઊંઠી ન શક્યો. તેનું આખું શરીર મારથી પિડાતું હતું. તેણે શિયાળને કહ્યું, ’હે શિયાળ ! આજ સુધી મેં તને બેઠાં બેઠાં ખવડાવ્યું છે. આજે હું બીમાર પડી ગયો છું. મારાથી શિકારે જઈ શકાય તેમ નથી. માટે તું કંઈક લઈ આવ. જેથી હું જલદી સાજો થાઉં અને ફરી શિકારે જઈ શકું.’

શિયાળ ’સારૂં’ કહીને ગુફામાંથી બહાર નીકળ્યું. પરંતુ તેને શિકાર કરવા જવાનો કંટાળો આવતો હતો. હવે શું કરવું ? સિંહની વાત સાચી હતી. એને ખવડાવીએ તો જ એ ફરી શિકારે જઈ શકશે અને ફરી પોતાને બેઠાં બેઠાં ખવડાવી શકશે. એ ધીરે ધીરે ચાલવા લાગ્યો. અને વનની સરહદ પર આવ્યો. ત્યાં તેની નજર એક ગધેડા પર પડી. તે શાંતિથી ચરી રહ્યો હતો.

એ ગધેડા પાસે જઈને કહેવા લાગ્યો, ’અરે ! ગધેડાભાઈ, તમે કેમ છો ?’

’ઠીક છું. મારો માલિક બહુ જુલમી છે. મને ખાવા કંઈ આપે નહિ. આ જંગલ તરફ ધકેલી દે અને સવાર પડતાં વાર છે. કાન પકડી કામે ચઢાવી દેશે. એ... આખો દિવસ પુષ્કળ કામ કરાવે. હું તો બહુ કંટાળી ગયો છું.’

’ગધેડાભાઈ, મારૂં માનો તો આ વેઠમાંથી તમને છોડાવી દઉં.’

’કેવી રીતે ?’ ગધેડાએ ઉત્સુકતાથી પૂછ્‌યું.

’તમે મારી સાથે જંગલમાં ચાલો. અમારા રાજા સિંહને મળો. એ બહુ ભલા છે. એની સેવામાં રહી જાઓ.’

’ના, ભાઈ ! અમે ઘાસ ખાનારા. અને આ બિહામણા જંગલમાં વસે છે માંસાહારી પ્રાણીઓ. તમારો રાજા પણ પૂરો માંસાહારી. એ મને જીવતો છોડે કે ?’

’અરે, અમારા રાજા બહુ ભલા છે. હું સદાય તેમની સેવામાં જ રહું છું. છતાં મને કદી મારે છે ? વળી જંગલમાં સરસ ચરવાનું ઘાસ છે. એટલે તમને ખાવાપીવાની પણ તકલીફ નહિ પડશે. તમે થોડા દિવસમાં ખાઈ-પીને અલમસ્ત બની જશો. અને તાકાતવાન તો બધાંને પહોંચે.’

ગધેડો લલચાઈ ગયો. તે શિયાળ સાથે ચાલવા લાગ્યો. શિયાળ મનમાં રાજી રાજી થઈ ગયું. રસ્તે ચાલતાં તે જંગલનાં સુખનું સુંદર વર્ણન કરવા લાગ્યું. એમ કરતાં કરતાં બન્ને જણાં સિંહની ગુફા પાસે પહોંચ્યાં.

’તમે જરા બહાર ઊંભા રહો. હું રાજાને વાત કરૂં. તેઓ રજા આપે તો જ તેમના આ જંગલના રાજ્યમાં રહી શકાય. નહિ તો તમારે પાછા જવું પડે.’

’સારૂં. પરંતુ ભાઈ ! રાજાને ગમે તેમ સમજાવીને કહેજો કે, મને અહીં રહેવાની રજા આપે.

શિયાળ અદબથી અંદર ઘૂસી ગયું. સિંહ પાસે જઈ ધીરેથી પોતાનું સર્વ વૃત્તાંત જણાવી કહ્યું, ’મહારાજ ! હું એક ગધેડાને બનાવીને લઈ આવ્યો છું. તેને હું તમારી પાસે બેસાડીશ. તમે થોડી વાર સુધી રાજાની જેમ વાત કરજો. અને રહેવાની અનુમતિ આપજો. પછી એ ઊંભો થઈને પાછો વળવા જાય કે તરત જ તેનો શિકાર કરી નાખજો. હું આગળથી તેને પકડવાની કોશિશ કરીશ. જો આ તક ચૂકી જશો તો બીજો શિકાર તાત્કાલિક નહિ મળે.’

સિંહ શિકારની વાત સાંભળી ખુશ ખુશ થઈ ગયો. તે શિયાળના કહેવા પ્રમાણે તૈયાર થઈ ગયો.

શિયાળ ગધેડાને અંદર લઈ આવ્યો. સિંહને જોઈ ગધેડાને બીક લાગી. પણ હવે કોઈ ઉપાય ન હતો. તે શિયાળના કહેવાથી સિંહની સામે બેઠો. અને પ્રણામ કર્યા.

પછી સિંહે તેનું વૃત્તાંત પૂછ્‌યું અને રહેવાની અનુમતિ આપી. સાથે સાથે અભયવચન આપતાં કહ્યું, ’હું આજે જ શિયાળ પાસે રાજ્યમાં કહેવડાવી દઉં છું કે કોઈ તારો શિકાર નહિ કરે.’

ગધેડો તો ખુશ થઈ ગયો. તેને થયું, અહીં આવીને મેં કોઈ ભૂલ નથી કરી.

ગધેડો ખુશ થતો થતો ઊંઠ્‌યો. અને જવા માટે પાછો ફર્યો. ત્યાં જ સિંહે છલાંગ મારી અને ગધેડાને પાડી નાખ્યો. ગધેડો કંઈ વિચારે ત્યાં જ શિયાળે એના મોં પર હુમલો કર્યો. સિંહે એનું પેટ ફાડી નાખ્યું. આમ ગધેડો છેવટે ગધેડો બની ગયો.

’હે કુમારો ! લુચ્ચાઓનો કદી વિશ્વાસ ન કરવો. એ લોકો આપણને છેતર્યા વગર છોડે નહિ.’

***

દગો એક વાર

એક જંગલમાં શિયાળ રહેતું હતું. શિયાળ શરીરે નાનું. નાના નાના શિકાર કરે, તેનાથી એનું પેટ ન ભરાતું. વળી જંગલી મોટાં પ્રાણીઓનો પણ ડર રાખવો પડતો.

એક વાર એ ગામમાં ઘૂસ્યું. એને થયું, અહીંથી કંઈક ખાવાનું મળી રહે. પણ એને કૂતરાનો ખ્યાલ ન આવ્યો. કારણ કે એ પહેલી વાર ગામમાં પગ મૂકતો હતો.

શિયાળ ગામમાં ઘૂસ્યું એટલે કૂતરાં ભસવા માંડયાં. શિયાળ ગભરાયું. આ ગલીમાં દોડે તો કૂતરાં... પેલી ગલીમાં દોડે તો કૂતરાં... સામું દોડે તો કૂતરાં... પાછું વળે તો કૂતરાં... ડાબે જાય તો કૂતરાં... જમણે જાય તો કૂતરાં... ચારે બાજુ ભસાભસ થઈ રહી. શિયાળ બેબાકળું બની ગયું અને એક વરંડામાં ઘૂસી ગયું. ત્યાં એક કૂંડી ભરેલી હતી તેમાં સંતાવા ગયું. તેમાં પાણી હતું એટલે છપાક દઈને અંદર પડયું.

કૂતરાં ભસી ભસીને કંટાળ્યાં. અને ચાલ્યા ગયાં.

એકદમ શાંતિ પથરાઈ ગઈ એટલે શિયાળ કૂંડીમાંથી બહાર નીકળ્યું અને જંગલ તરફ દોટ મૂકી. રાત પૂરી થઈ... સૂર્ય ઊંગ્યો... સવાર પડી એટલે આખું જંગલ રળિયામણું દેખાવા લાગ્યું.

પરંતુ આ શું ?

બધાં પ્રાણીઓ શિયાળને જોઈને ભાગવા લાગ્યાં. શિયાળને નવાઈ લાગી. મને જોઈને બધા ભાગે છે કેમ ? હું કંઈ સિંહ-વાઘ થોડો છું ? અચાનક એની નજર પોતાના શરીર પર ગઈ તો આખું શરીર ભૂરૂં... પગ ભૂરાં, પેટ ભૂરૂં, પૂંછડીએ ભૂરી.

હવે તેને ખ્યાલ આવ્યો કે, રાત્રે એ જે કૂંડીમાં પડેલો તેમાં ભૂરા રંગનું પાણી હશે. અને એમ જ બનેલું.

શિયાળ ઘૂસેલું તે ઘર રંગારાનું હતું. તેણે કૂંડીમાં ભૂરો રંગ તૈયાર કરી રાખેલો. તેમાં શિયાળ પડયું અને ભૂરૂં બની ગયું.

શિયાળ તળાવે ગયું અને પાણીથી રંગ કાઢવા કોશિશ કરી પણ રંગ ન નીકળ્યો.

અચાનક શિયાળનાં મગજમાં એક યુક્તિ સૂઝી આવી. તે તો આનંદથી નાચવા લાગ્યું. પછી ઠાવકું બનીને જંગલમાં ફરવા લાગ્યું. તેને જોતાં જ હરણ, સસલાં, વરૂ, રીંછ બધાં ભગવા માંડયાં. ત્યાં શિયાળે જરા ભારે અવાજ બનાવીને કહ્યું : ’ભાઈઓ ! ભાગો નહિ. ભાગો નહિ. હું તો દેવદૂત છું. શંકર દેવે મને મોકલ્યો છે. આ જંગલ પર રાજ કરવા માટે. મેં તેમની બહુ પૂજા કરી એટલે પ્રસન્ન થઈને તેમણે મને આ વરદાન આપ્યું છે. હવેથી હું આ જંગલનો રાજા છું. હું તમારી રક્ષા કરીશ. તમે ખાધેપીધે સુખી રહો તે જોવાની મારી જવાબદારી રહેશે.’

ધીરે ધીરે આ વાત જંગલમાં ફેલાઈ. બધાં ભૂરાં શિયાળ પાસે આવવા લાગ્યાં. અને એને પગે લાગવા માંડયાં. ગમે તેમ તોયે એ દેવદૂત હતો.

પછી તો પ્રાણીઓએ એને સિંહાસન પર બેસાડી રીતસરનો રાજા બનાવ્યો. અને એને નમસ્કાર કરી કોઈ ને કોઈ વસ્તુ ભેટ આપવા લાગ્યાં.

શિયાળના તો રૂઆબનો પાર નથી. આનંદનો પાર નથી. તેને થયું, તે સાચોસાચ દેવદૂત છે. ભગવાને મોકલેલો આ જંગલનો રાજા છે. તેણે સિંહને મંત્રી બનાવ્યો. વાઘને સેનાપતિપદ આપ્યું. હાથીઓને પાણી લાવવાનું કામ સોંપી દીધું. રીંછોને મધ લાવવાનું કામ સોંપ્યું. મોરને પંખો નાખવાનું કામ સોંપ્યું. બુલબુલને રાજગવૈયો બનાવ્યો. કબૂતરએ સંદેશવાહક બનાવ્યાં. સસલાંને સેવક બનાવ્યાં. ચિત્તા-દીપડાને દ્વારપાળ બનાવ્યા. પણ બધા શિયાળોને જંગલમાંથી તગેડી મૂક્યાં. જંગલમાં એકે શિયાળ ન રહ્યું.

ભૂરૂં શિયાળ તો જંગલનું રાજ કરવા લાગ્યું. અને એશઆરામથી સમય વિતાવવા લાગ્યું. ખાઈ ખાઈને તે તગડું બની ગયું.

એક વાર એક શિયાળ ભૂલથી એ જંગલમાં ઘૂસી આવ્યું. ખાઈ પીને તે મોટે સાદે ગાવા લાગ્યું. તેની લારી સાંભળી જંગલનો રાજા બનેલ શિયાળ પણ ગાવા લાગ્યું. તે ભૂલી ગયું કે, પોતે જંગલનો રાજા છે.

રાજાને શિયાળની જેમ ગાતું સાંભળી બધાં પ્રાણીઓ ચમક્યાં. તેમને થયું, ’અરે ! આ તો શિયાળ છે ! તેણે તો આપણને બધાંને મૂરખ બનાવ્યાં.’

વધારે ખરાબ તો સિંહને લાગ્યું. સિંહ ખૂબ જ ગુસ્સે થઈ ગયો. શિયાળ સમજી ગયું કે, ભૂલમાં પોતે જ પોતાનો ભાંડો ફોડી નાખ્યો છે. હવે એની ખેર નથી રહેવાની. એ તો ભાગ્યું ઊંભી પૂંછડીએ. પણ સિંહ કંઈ ભાગવા દે ! એક જ તરાપ મારી કે શિયાળનું પેટ ફાટી ગયું. સિંહે ગુસ્સામાં ગર્જના પર ગર્જના કરી જંગલને ગજાવી નાખ્યું.

’હે કુમારો ! દગો ક્યારેક જીવનું જોખમ બની જાય છે માટે દગો કરવો નહિ.’

***

પ્રપંચી કાગડો

એક નગરની નજીક રળિયામણું ઉદ્યાન હતું. તેમાં દરેક જાતનાં પંખીઓ અને નિર્દોષ હરણ-સસલાં જેવાં પશુઓ રહેતાં હતાં.

તેમાં એક સફેદ દૂધ જેવી પાંખવાળો હંસ રહેતો હતો. સ્વભાવે પણ વિવેકી, નરમ અને પરગજુ. બધાં સાથે મીઠું મીઠું બોલતો. બધાંને મદદ કરતો. આથી આખા ઉદ્યાનમાં બધાં એને ખૂબ માન આપતાં. જાણે અજાણ્‌યે એ ઉદ્યાનનો રાજા જેવો બની ગયો હતો. છતાં એનામાં રતિભાર અભિમાન ન હતું.

એ જ ઉદ્યાનમાં એક કાગડો રહેતો હતો. રંગે કાળો એટલો જ મનનો કાળો. સ્વભાવે ઉધ્ધત, દ્વેષીલો અને લુચ્ચો. બધાંને કોઈ ને કોઈ વાતે હેરાન કરતો. બધાં પંખી ઘડીક જંપી ગયાં હોય તો કા... કા... કા... કા... કરીને સૂવા ન દેતો. આખું ઉદ્યાન પોતાના કર્કશ અવાજથી ગજાવી દેતો. એની દુષ્ટતાનો કોઈ પાર ન હતો. એને આ હંસ દીઠો ગમતો ન હતો.

ઘણી વાર હંસને પણ પજવતો પણ હંસ એની કોઈ વાત મનમાં લાવતો નહિ. જો કોઈ પક્ષી જોઈ જાય કે આ દુષ્ટ કાગડો હંસને હેરાન કરે છે, તો એ કાગડાને બરાબર મેથીપાક આપતાં. આથી કાગડાને હંસ પર ખૂબ જ વેર. એનાથી એનું સારાપણું જરાય ખમાતું ન હતું. પણ કરે શું ?

હવે એક વાર એવું બન્યું કે, એક વટેમાર્ગુ આ ઉદ્યાનમાં પ્રવેશ્યો. દૂર દૂરથી એ ચાલીને આવ્યો હતો. થાક્થી એના સામ્ધેસાંધા દુઃખતા હતા. પગ તો લથડિયા ખાતા હતા. એને આ ઉદ્યાન અને તેની ઠંડક બહુ ગમી ગઈ. એ એક વૃક્ષ નીચે જ લાંબો થઈને સૂઈ ગયો. સૂતાવેંત જ એને નિદ્રા આવી ગઈ. એને નિદ્રાધીન થયાને ઘણો સમય વીતી ગયો. એટલે સૂર્યનો પ્રકાશ એના મોં પર પડવા માંડયો.

હંસે આ જોયું. એને થયું, બિચારો થાકેલો પાકેલો સૂતો છે. આ સૂર્યના તાપથી જાગી જશે. લાવ એના પર છાયા કરૂં. એણે તો પાંખો પ્રસારીને વટેમાર્ગુના મોં પર છાયા કરી.

હંસની આ ગતિવિધિ પેલો દુષ્ટ કાગડો નિહાળી રહ્યો હતો. એને થયું, આજે તો હંસ સાથે બરાબર વેર લઉં.

એ તો મંડી પડયો કા... કા... કરવા. વટેમાર્ગુ પાસે એણે એટલો બધો અવાજ કર્યો કે, તે જાગી ગયો. કાગડાએ જોયું કે, તે જાગી રહ્યો છે. એટલે એ તરત જ વૃક્ષ પર જઈને બેઠો જેની નીચે વટેમાર્ગુ સૂતો હતો. વટેમાર્ગુ સૂતેલો તેના માથા પરની ડાળી પર જ બરાબર કાગડો બેઠો. ચરક્યો અને ઊંડી ગયો. કાગડાની ચરક સીધી વટેમાર્ગુના મોં પર પડી. એ એકદમ ગુસ્સે થઈ ગયો અને ઊંંચે જોયું તો હંસ પાંખ પ્રસારીને બેઠો હતો. તેને થયું, આ હંસ જ મારા પર ચરક્યો લાગે છે. એણે તો પથ્થર લીધો અને તાકીને માર્યો હંસ પર. હંસના મર્મસ્થાન પર પથ્થર વાગતાં જ તે કળ ખાઈને નીચે પડયો અને તરફડીને મરણ પામ્યો.

વટેમાર્ગુ તો ચાલતો થયો. પંખીઓએ આ જોયું તો તેઓને બહુ જ દુઃખ થયું. તેઓને કાગડા પર બહુ ગુસ્સો આવ્યો. તેમણે બધાંએ ભેગાં મળી કાગડાને ઘેરી લીધો અને ચાંચો મારી મારીને પીંખી નાખ્યો... મારી નાખ્યો.

’હે કુમારો ! દુષ્ટોથી ચેતીને રહેવું. એ લોકો લાગ મળે આપણને નુકસાન કરે જ.’

***

બીકણ સસલી

એક જંગલમાં એક સસલી રહેતી હતી. તે સ્વભાવે ઘણી જ બીકણ હતી. નાનો સરખો અવાજ થાય કે તરત જ સંતાઈ જાય. આથી એ પૂરૂં ખાઈ ન શકે કે પૂરૂં પી ન શકે. એના મનને પળવારનીયે શાંતિ નહિ.

એક વાર એ ખોરાક માટે જંગલમાં ફરી રહી હતી. બીકથી એનું મન ફફડી રહ્યું હતું. પરંતુ ભૂખ એવી કકડીને લાગી હતી કે ખોપ્રાક શોધ્યા વગર છૂટકો ન હતો.

હવે એ જે ઝાડ નીચે ફરી રહી હતી તે બોરનું ઝાડ હતું. એના પરથી એક પાકું મોટું બોર સસલી પર પડયું. તે સાથે જ સસલી ચમકી અને ભાગી. જીવ લઈને નાઠી. એને નાસતી જોઈને ત્યાં ફરતા એક હાથીએ પૂછ્‌યું, ’સસલીબાઈ ! સસલીબાઈ ! ક્યાં ભાગ્યાં ?’

સસલી ભાગતાં ભાગતાં બોલી, ’ભાગો રે ભાગો ! આભ પડયું છે ! સસલી ભાગતાં ભાગતાં બોલી, ’ભાગો રે ભાગો ! આભ પડયું છે !’ એ સાંભળીને હાથી પણ ગભરાયો અને ભાગવા લાગ્યો. પછી તો ગભરાટમાં સસલી ભાગતી જાય અને એક સરખી બોલતી જાય : ’ભાગો રે ભાગો ! આભ પડયું છે !’

સસલી સાથે હાથીને ભાગતો જોઈ, રીંછ ભાગ્યું. એ બન્નેને જોઈ વાંદરાં ભાગ્યાં, અને એ જોઈ પછી તો બધાં જ ભાગ્યા. સિંહ ભાગ્યો, વાઘ ભાગ્યો, વરૂ ભાગ્યો, સુવ્વર ભાગ્યો, ગેંડો ભાગ્યો, ચિત્તો ભાગ્યો, દીપડો ભાગ્યો, બધાં જ પ્રાણીઓ ભાગી રહ્યાં હતાં.

આ બધી ધમાલ શિયાળે જોઈ. એ પૂછવા લાગ્યું, ’તમે બધાં ક્યાં ભાગો છો ?’

બધાં કહે, ’આભ તૂટી પડયું છે. તું પણ ભાગ.’

શિયાળને આશ્ચર્ય થયું. તેણે ઊંંચે જોયું તો આભ તો એની જગ્યાએ જ હતું. તેણે દોડતાં દોડતાં સિંહને પૂછ્‌યું, ’મહારાજ ! તમે જરા ઊંભા તો રહો ! અને ઊંંચે જુઓ. આભ તો એની જગાએ જ છે.’

સિંહ ઊંભો રહ્યો એટલે બધાં ઊંભાં રહી ગયાં. સિંહે ઊંંચે જોયું તો આભ એની જગાએ જ હતું.

’અરે ! પેલી બીકણ સસલીએ તો આપણને ખોટા જ બિવડાવી માર્યા !’ બધાં પ્રાણીઓ હસી પડયાં. અને પોતપોતાને રસ્તે ચાલ્યાં ગયાં.

અને સસલી તો બીકની મારી સંતાઈ જ ગઈ.

’હે કુમારો ! બીકણ માણસો કહે, તે વાતની ખાતરી કરવી. નહિ તો પેલાં પ્રાણીઓની જેમ મૂરખ ઠરવું પડે.’

***

બુલબુલની સલાહ

એક જંગલમાં ઘણાં બધાં વાંદરાં રહેતા હતાં. આખો દિવસ આ ડાળથી પેલી ડાળ, આ ઝાડથી પેલું ઝાડ... બાસ કૂદાકૂદ કરે. મીઠાં મીઠાં ફળ ખાય, ખાટી ખાટી આમલી ખાય. આમ તો એમને બધી વાતે સુખ હતું પણ એક વાતનું બહુ દુઃખ.

શિયાળો આવે એટલે ઠંડીમાં ઠરી જાય. દુઃખી દુઃખી થઈ જાય. ઘર બનાવતાં તેઓ શીખેલાં જ નહિ. વળી શિયાળામાં ઝાડનાં પાન પણ ખરી જાય એટલે એની હૂંફ પણ ઘટી જાય.

એકવાર માગસર મહિનો ચાલે. કુદરત કોપી અને ભયાનક ઠંડી શરૂ થઈ. તેમાં પડયો કમોસમી વરસાદ. ઉપરથી સન... સન... કરતો ઠંડો પવન...

વાંદરાં તો તોબા પોકારી ગયાં. ભીંજાઈ ગયેલા એટલે ઠંડી વધારે લાગવા માંડી. બધાના તો દાંત કકડવા લાગ્યા.

બધાં વાંદરાં ઠંડીથી બચવાનો ઉપાય શોધવા લાગ્યાં. ત્યાં એક વાંદરાની નજરે ચણોઠી ચડી. તેણે કહ્યું, ’આ આગના ટૂકડા લાગે છે. એને ભેગા કરીએ. પછી એનું તાપણું કરીશું એટલે ઠંડી ઊંડી જશે.’

બધાં વાંદરાં સંમત્ર થયાં. અને ચણોઠી ભેગી કરતાં હતાં ત્યાં એક બુલબુલનો માળો હતો. બુલબુલ પોતાના માળામાં બેસી વાંદરાંઓની આ ગતિવિધિ જોયા કરતું હતું. તેને થયું, આ મૂરખ વાંદરાઓને એટલી અક્કલ બથી કે આ ચણોઠી છે. કંઈ આગ નથી કે તેમની ઠંડી ઓછી થાય ! લાવ, હું તેઓને સમજાવું. એટલે આ ચણોઠી ભેગી કરવાની ખોટી મહેનત કરતાં મટે અને ઠંડીથી બચવાનો નવો ઉપાય શોધે.

બુલબુલે એક વાંદરાંને કહ્યું, ’ભાઈ ! આ તો ચણોઠી છે. કંઈ આગ નથી. તમે નાહક એને ભેગી કરવાની મહેનત કરો છો. એનાથી તમને ઠંડી સામે કોઈ રક્ષણ મળવાનું નથી.’

’એઈ લપિયા ! તું તારે ચૂપ રહે. તને અક્કલ છે તે અમને ખબર છે. અમારા કામમાં માથું ન માર.’ વાંદરાએ ગુસ્સે થઈને દાતિયું કર્યું અને કહ્યું :

’અમે આટલાં નાનાં નાનાં પક્ષી છીએ છતાં માળો બનાવી તેમાં રહીએ છીએ. જ્યારે તમે તો આટલા મોટા છો, તમને ભગવાને બે હાથ આપ્યા છે. અક્કલ આપી છે. તો તમે તમારૂં ઘર કેમ બનાવી લેતા નથી ! ઘર હોય તો ઠંડી ન લાગે ને !’

હવે વાંદરાંઓનું મગજ છટક્યું. આટલું વેંતનું બુલબુલ અમને સલાહ આપે ! ખલાસ !

વંદરાંઓએ તો ઝપા મારી બુલબુલને પકડી લીધું અને પીખી મરડીને નીચે ફેંકી દીધું. એનો માળો પણ તોડી હવામાં ઉડાડી મૂક્યો. બિચારા બુલબુલનાં તો તરત જ રામ રમી ગયાં.

’હે કુમારો ! મૂર્ખાઓને કદી સલાહ-સૂચન આપવાં નહિ. નહિ તો તેઓ આપણો જ વિરોધ કરશે અને આપણને જ નૂકસાન પહોંચાડશે.’

***

માણસજાત નગુણી

એક ગામની બહાર નાનું તળાવ હતું. તેમાં એક મગર રહેતો હતો. એ મગરને લીધે કોઈ એ તળાવના પાણીનો ઉપયોગ કરતું નહિ.

એક વાર ચોમાસામાં વરસાદ પડયો નહિ. અને પછી આવ્યો શિયાળો. શિયાળા પછી આવ્યો ઉનાળો. તાપ તો તાપ. તળાવનું પાણી તદ્દન જ સુકાઈ ગયું. મગર ગભરાયો. પાણી વગર કઈ રીતે રહેવાય !

મગરને કંઈ સૂઝે નહિ. એને થયું, આપણા તો રામ રમી જવાના. જાડા રગડા જેવા કાદવમાં એ રહેવા લાગ્યો.

એક દિવસ એ તળાવ પાસેથી એક ખેડૂત પસાર થતો હતો. મગરે એને જોયો. એને થયું, જો આ માણસ મને ઊંંચકીને બીજા કોઈ પાણીવાળા તળાવમાં નાખે તો હું બચી જાઉં. એણે તરત જ તેને બૂમ મારી : ’એ ભાઈ ! મારી વાત સાંભળ !’

ખેડૂતે જોયું તો તળાવમાં રહેલો મગર એને બોલાવતો હતો. એ ગભરાતો ગભરાતો જરા નજીક ગયો.

મગર સમજી ગયો કે, માણસ મારાથી બીએ છે. એટલે નજીક નથી આવતો. એણે કહ્યું, ’ભાઈ ! તું ગભરા નહિ. હું તને શું કરી શકવાનો હતો ? પાણી વગર હું મરવા પડયો છું. તું મારો ભગવાન ! મારૂં એક કામ ન કરે ?

ખેડૂતને મગર પર દયા આવી. બિચારો પાણીનો જીવ. પાણી વગર કઈ રીતે જીવવાનો હતો ! એ વધુ નજીક આવ્યો અને બોલ્યો : ’કહે, તને મારૂં શું કામ પડયું ?’

’તું જુએ છે કે પાણી વગર હું જીવી શકું તેમ નથી. અને હવે આ તળાવ આ બળબળતા તાપમાં થોડા દિવસમાં જ સૂકુંભઠ્‌ઠ થઈ જશે. પછી હું કેવી રીતે જીવીશ ? એક ઉપાય છે કે, તું મને ઊંંચકીને કોઈ વધારે પાણી હોય તેવા તળાવમાં મૂકે તો મારો જીવ બચે.’

’બાપ રે ! તને ઊંંચકીને બીજા તળાવમાં મૂકું ? બીજા તળાવ સુધી જવાનું તો બાજુએ રહ્યું... તને ઊંંચકવા આવું એટલે જ તું મને ચાઉં કરી જાય. તારા જેવા યમદૂત પાસે આવે કોઈ ? તું જીવે ન જીવે, મારાં બાયડી-છોકરાં તો રખડી જ જાય.’ ખેડૂતે તો જવા માટે પગ ઉપાડયા.

’ના, બાપ ના ! જે મારો જીવ બચાવવા આવે એને હું ખાઉં ? તો તો હું બચું જ કેવી રીતે ? તને ખાઉં પછી ? એથી આ તળાવમાં પાણી થોડું આવશે ? એ તો સુકાવાનું જ ! પછી તો મારે મરવાનું જ ને ! તારી જેમ મને મરવાની બહુ બીક લાગે છે. મારો ભરોસો કર. હું તને સહેજે દાંત નહિ લગાડું તો ખાવાની વાત ક્યાં આવી ? તું મારા પર આટલો ઉપકાર કર. જીવતદાન તો સૌથી મોટું દાન છે. હું તને નહિ ખાઉં. ભગવાનના સોગંદ !’ મગર તો પુષ્કળ કાલાવાલા કરવા લાગ્યો.

ખેડૂતને થયું, મગરને જીવવાની ગરજ છે એટલે એ મને ખાશે તો નહિ જ. લઈ જવા દે બિચારાને ! નહિ તો આ સૂકાભઠ્‌ઠ તળાવમાં પાણી વગર રોટલાની જેમ શેકાઈને મરી જશે.

ખેડૂત સાહસિક હતો. એણે વિચાર્યું, આ જંગલની ધાર પર મોટું તળાવ છે. ત્યાં આને મૂકી દઉં. વળી એ નજીક છે. એટલે મારે પણ મગરને બહુ નહિ ઊંંચકવો પડે. આમ વિચારી ખેડૂત મગરની નજીક ગયો. તોય એણે કંઈ ન કર્યું. એટલે સાહસ કરીને મગરને ઊંંચક્યો અને એણે તો મગરને લઈને ચાલવા માંડયું. અને પહોંચ્યો પેલા તળાવમાં. ત્યાં પુષ્કળ પાણી હતું. અને તળાવમાં સહેજ ઊંતરીને ખેડૂતે મગરને નાખ્યો પાણીમાં. તે સાથે જ મગર ઊંછળ્યો અને પાણીમાં ડૂબેલા ખેડૂતના પગને ત્વરાથી પકડી લીધો.

ખેડૂત તો ગભરાયો અને પગ ખેંચવા લાગ્યો પણ મગર કંઈ પગ છોડે ! ખેડૂતથી તો પગ ચસક્યોયે નહિ. હવે ખેડૂત કરગરવા લાગ્યો :

’ભાઈ ! મગર ! મેં ઉપકાર કર્યો અને તને અહીં લઈ આવ્યો તેનો આ બદલો તું આપે છે ! મેં તને જીવનદાન આપ્યું અને તું મારો જીવ માગે છે ! તું મારો પગ છોડ. તેં ભગવાનના સોગંદ તોડી નાખ્યા ! સહેજ તો ભગવાનનો ડર રાખ !’

ત્યાં ખેડૂતની નજર એક લંગડા ઘોડા પર ગઈ. તેના મનમાં આશા જાગી કે, આ ઘોડાને મારા દુઃખની વાત કરૂં. એ મગરને સમજાવે તો કદાચ મગર માની જાય. આમ વિચારીને એણે ઘોડાને બૂમ મારી : ’ઓ ઘોડાભાઈ ! જરા અહીં આવો અને આ મગરને સમજાવો.’

લંગડાતો લંગડાતો ઘોડો ખેડૂત પાસે આવ્યો અને બોલ્યો : ’શું છે ?’

ખેડૂતે બધી વાત ઘોડાને કરી અને કહ્યું, ’ઘોડાભાઈ, તમે મગરને સમજાવો કે, ઉપકાર પર અપકાર ન કરે અને મારો પગ છોડી દે.’

ઘોડો કહે, ’મગરભાઈ ! આ માણસનો પગ છોડતાં જ નહિ. એને ખાઈ જ જાઓ. માણસની જાત એ જ લાગની છે. જુઓને હું આજ સુધી માલિક માટે કેટલું દોડયો ! માલિકને કેટલા બધા પૈસા કમાવી આપ્યા ! પણ મારો પગ તૂટ્‌યો અને હું કામ કરી શકવા માટે નકામો બની ગયો. એટલે તરત જ મને કાઢી મૂક્યો. આટલાં વરસની શરમ ન રાખી ! માણસની જાત તો તદ્દન નગુણી ! માટે તમે આ માણસને નહિ છોડતા.’

ખેડૂત તો ચૂપ જ થઈ ગયો. એને થયું, ઘોડાને બોલાવીને ભૂલ કરી ! એ તો ઊંલટો મગરને ચઢાવવા બેસી ગયો.

ત્યાં ખેડુતની નજર એક ગાય પર પડી. એણે ગાયને બોલાવી : ’ઓ ગાયમા ! ગાયમા ! જરા અહીં આવો.’

ગાય તો ધીરે ધીરે ખેડૂતની નજીક ગઈ. એણે જોયું તો મગરે ખેડૂતનો પગ મોંમાં પકડી રાખેલો. ખેડૂતે પોતાની રામકહાણી ગાયને કહી સંભળાવી અને મગરને સમજાવવા વિનંતી કરી.

ગાયે કહ્યું, ’મગરભાઈ ! આ માણસની જાત તો તદ્દન નગુણી. એને ખેંચી જ જાઓ, તળાવમાં. મેં આખી જિંદગી દૂધ દીધું... રૂપાળાં વાછરડાં દીધાં.. પણ હું વસુકી ગઈ એટલે મારો માલિક મને કતલખાને મોકલતો હતો. માંડ માંડ ભાગીને હું અહીં આવી છું. આવી માણસની જાત પર કેવી દયા કરવાની ? મારી જ નાખો આ ખેડૂતને !’

ખેડૂત તો આભો જ બની ગયો. ગાય પણ મગરના પક્ષમાં ગઈ ! મગર તો ખુશ ખુશ થઈ ગયો હતો. એને થયું, માણસજાત સાથે દગો કરવામાં કંઈ પણ પાપ નથી. આ તો પુણ્‌યનું કામ છે.

ત્યાં જ માણસને શિયાળ દેખાયો. ખેડૂતને થયું, ઘોડો અને ગાય તો માણસ સાથે રહેનારા પ્રાણી, છતાં મારો બચાવ ન કર્યો તો આ તો માણસથી દૂર રહેનારૂં પ્રાણી ! એ શું કામ મારો બચાવ કરે ? છતાં નસીબ અજમાવવા તો દે ! આમે મરવાનું જ છે ને ! એણે તો શિયાળને બૂમ મારી : ’ઓ શિયાળભાઈ ! જરા આમ આવો ને !’

શિયાળ તો ખેડૂત પાસે ગયું. એટલે ખેડૂતે પોતાની આખી વાત શિયાળને કહી સંભળાવી અને કહ્યું, ’શિયાળભાઈ ! આ મગરને સમજાવો અને મને બચાવો !’

શિયાળને થયું, આ ગરીબ ખેડૂતને બચાવવો જોઈએ. મગરે આ ખોટું કર્યું છે, પણ એ એમ કહે કે... ’મગર... મગર ! આ ખેડૂતનો પગ છોડી દે... એથી એ થોડો ખેડૂતનો પગ છોડી દેવાનો હતો ! કંઈક યુક્તિ કરવી જોઈએ એટલે એણે કંઈક વિચારીને મોટેથી કહ્યું, ’અરે ભાઈ ! તારી વાતમાં મને કંઈ સમજણ પડતી નથી. મગરભાઈ ! મને કહો કે વાત શું છે ! આ ખેડુત શું કહે છે !’

મગર તો ઘોડા અને ગાયની વાતથી બહુ ફુલાઈ ગયેલો એટલે એને થયું, શિયાળ પણ મારા કામને જ વખાનશે. એટલે કહેવા દે... મારા પરાક્રમની વાત... !

અને મગરે કહેવા માટે મોં ખોલ્યું... તે સાથે જ... માણસનો પગ છૂટ્‌યો... અને શિયાળે ઈશારો કરતાં જ ખેડૂત અને શિયાળ ભાગ્યાં... બન્ને સીમ સુધી ભાગ્યાં. પાછું વળીને જોવાય ન ઊંભાં રહ્યાં...

ખેડૂતે શિયાળનો ખૂબ ખૂબ આભાર માન્યો અને ગામમાં ચાલ્યો ગયો.

’હે કુમારો ! દુષ્ટ પર ઉપકાર કરો તો તે તેનો બદલો અપકારથી જ વાળશે. માટે દુષ્ટથી દૂર જ રહેવું.’

***

માણસનો સાથી

પહેલાં ઘોડા જંગલમાં જ રહેતા હતા.

એક વાર એક ઘોડાને વિચાર આવ્યો કે, કોઈ શક્તિશાળી મિત્ર બનાવવો જોઈએ. જેથી તે મુશ્કેલીના સમયમાં આપણને મદદ કરે. અને તેની સાથે સમય પણ સરસ પસાર થઈ જાય.

અને આ વિચાર એણે તરત જ અમલમાં મૂક્યો. વધુ શક્તિશાળી જંગલમાં કોણ ? એની ઘોડાને કંઈ ખબર ન હતી. આથી તેણે ત્યાંથી પસાર થતાં વરૂને ઊંભું રાખ્યું, અને કહ્યું, ’વરૂભાઈ ! તમે મારા દોસ્ત બની જાઓ, એક સે ભલા દો.’

’સારૂં.’ વરૂએ કહ્યું. અને બન્ને દોસ્ત બની ગયાં. બન્ને સાથે ફરે. જાતજાતની વાતો કરે અને લહેરમાં રહે.

એક દિવસ ઘોડાને શિકારી પ્રાણીની ગંધ આવી. તે તો જોરમાં ઉછળ્યો. અને હણહણવા મંડયો.

વરૂએ કહ્યું, ’ઘોડાભાઈ ! તમે ચૂપ રહો. રીંછ-બીંછ હશે તો આપણી ચટણી બનાવીને ખાઈ જશે.’

બન્ને ભાગ્યાં. ભાગદોડમાં બન્ને છૂટાં પડી ગયાં. ઘોડાએ વિચાર્યું, આ વરૂ રીંછથી બીએ છે. એનાથી રીંછ વધુ શક્તિશાળી હશે ત્યારે ને !

આપણે તો વધુ શક્તિશાળી હોય તેની સાથે જ દોસ્તી રાખવી.

ઘોડાએ વરૂની દોસ્તી તોડી નાખી. એને એક રીંછ મળ્યું. તેની સાથે દોસ્તી બાંધી. બન્ને સાથે રહેવા લાગ્યાં. સાથે ફરવા લાગ્યાં.

એક દિવસ રાત્રે અચાનક ઘોડાને શિકારી પ્રાણીની ગંધ આવી. તે તો હણહણાટી પર હણહણાટી કરવા લાગ્યો.

રીંછ ગભરાયું. તેણે કહ્યું, ’ઘોડાભાઈ ! ચૂપ રહો. નજીકમાં સિંહ-બિંહ હશે તો તમારો અવાજ સાંભળી અહીં આવી પડશે અને આપણી કચુંબર કરી નાખશે.’

ત્યાં જ સિંહની ત્રાડ સંભળાઈ. બન્ને જીવ લઈને નાઠાં. રીંછ ધીરૂં અને ઘોડો તેજ. એ તો દોડતો દોડતો ક્યાંનો ક્યાં પહોંચી ગયો.

ઘોડાને વળી વિચાર આવ્યો કે, આ રીંછ સિંહથી બીએ છે. માટે એના કરતાં સિંહ વધુ શક્તિશાળી. આપણે તો બસ શક્તિશાળી હોય તેની સાથે જ દોસ્તી રાખવી.

ઘોડાએ રીંછની દોસ્તી તોડી નાખી અને પહોંચી ગયો સિંહ પાસે. સિંહને કહ્યું, ’હે સિંહ ! તું મારી સાથે દોસ્તી કર.’ સિંહ એકલો જ હતો. એને થયું, ચાલો બે જણા હશે તો સમય જલદી વીતશે. એટલે બન્ને દોસ્ત બન્યા. બન્ને પોતાના અનુભવોની વાત કરે અને ફરે.

એક વાર ફરી ઘોડાને કંઈ શિકારી પ્રાણીની ગંધ આવી. એ તો બે પગે ઊંભો થઈ હણહણવા લાગ્યો.

સિંહે કહ્યું, ચૂપ થઈ જા. આટલા તેટલામાં કોઈ માણસ હશે તો આપણા બન્નેનું આવી બનશે.’

ઘોડો વિચારમાં પડી ગયો. આ સિંહ તો માણસથી બીએ છે. માટે માણસ જ સૌથી શક્તિશાળી છે. હું માણસ સાથે દોસ્તી બાંધીશ.

બીજે દિવસે ઘોડો સિંહની દોસ્તી તોડીને ચાલ્યો ગયો. ફરતો ફરતો જંગલના છેડે પહોંચ્યો. ત્યાંથી ગામ શરૂ થતું હતું. ઘોડો આગળ વધ્યો. એણે જોયું તો ત્યાં માણસોની વસ્તી હતી.

અને એણે એક માણસ સાથે દોસ્તી બાંધી.

’હે કુમારો ! બસ ! ત્યારથી ઘોડો માણસ સાથે જ દોસ્તી રાખતો આવ્યો છે.’

***

યુદ્ધનું મૂળ

એક શહેરની બહાર બહુ વિશાળ વડનું ઝાડ હતું. તેની ડાળીઓ ક્યાંને ક્યાં સુધી ફેલાયેલી હતી. તેના પર પુષ્કળ કાગડાઓ રહેતાં હતા. એમાં છેક ઉપર કાગડાઓનો એક રાજા રહેતો હતો. તેની નજીક ગુફાઓમાં ઘુવડો અને એમનો રાજા રહેતો હતો. બન્ને પક્ષીની જાતનાં હતાં પણ બન્ને પ્રજા વચ્ચે સહેજ પણ બનતર ન હતું. તેઓ એકબીજાને જુએ કે મારી જ નાખે. રાત્રે ઘુવડો લાગ મળતાં જ કાગડાનાં બચ્ચાં અને ઈંડાં ખાઈ જતાં.

એમાંયે ઘુવડના રાજાએ તો પોતાની પ્રજાને આદેશ આપેલો કે, જો કોઈ કાગડો નજરે ચઢે તો તરત જ મારી નાખવો. રાત્રે ઘુવડોને કાગડા દેખાતાં એટલે ઘુવડો કાગડાને મારી નાખતાં. તેમનાં ઈંડાં અને બચ્ચાં ખાઈ જતાં. પણ બખોલોમાં સંતાયેલા ઘુવડો કાગડાઓને દેખાતાં નહિ. એટલે એક ઘુવડ કાગડાઓના દાવમાં આવતું નહિ.

એક દિવસ કાગડાના રાજાએ પોતાના મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્‌યું, ’આ ઘુવડો રાત્રે એકલદોકલ કાગડાને મારી નાખે છે. આથી આપણી જાતિને બહુ નુકસાન થઈ રહ્યું છે. આ સિલસિલો ચાલુ રહ્યો તો એક દિવસ આપણી સમસ્ત જાતિનો નાશ થઈ જશે. આપણે તેઓને શોધી શકતા નથી. તેઓ ક્યાં રહે છે તેની આપણને જાણ નથી. એટલે એ લોકોને આપણા તરફથી કોઈ નુકસાન થતું નથી. એટલે હવે આપણે આપણી જાતિના ભલા માટે શું પગલાં લેવાં જોઈએ તે મને કહો.’

પહેલો મંત્રી કહે, ’જો શત્રુ બળવાન હોય તો લડાઈ ન કરવી જોઈએ. સંધિ કરી લેવી જ હિતાવહ છે. કારણ કે પ્રાણ બચી ગયાં હોય તો બધું જ થઈ શકે છે. ગુરૂ બૃહસ્પતિનું કહેવું છે કે, સામ, દામ અને ભેદથી શત્રુને હરાવવા કોશિશ કરવી. આ ત્રણ વાત નિષ્ફળ જાય ત્યારે જ યુદ્ધરૂપી દંડ કરવો. અને વિજયની આશા ન હોય તો સંધિ કરવી સારી.’

પછી રાજાએ બીજા મંત્રીને પોતાનો અભિપ્રાય રજુ કરવા કહ્યું. ત્યારે તેણે કહ્યું, ’હે રાજન્! સંધિ ન કરવી જોઈએ. શત્રુ ઝૂકીને સંધિ કરવા ઈચ્છે તો પણ સંધિ ન જ કરવી. શત્રુ બળવાન હોય તો તેને બળથી નહિ, છળથી મારવો. બુદ્‌ધિ, હિંમત અને ઉત્સાહ મોટામાં મોટા શત્રુઓને હટાવી દે છે.’

એ પછી કાગરાજે ત્રીજા મંત્રીને પૂછ્‌યું, ’મંત્રીવર ! તમે મને શું સલાહ આપો છો ?’

ત્રીજો મંત્રી કહે, ’મહારાજ ! આપણે જાણીએ છીએ કે, શત્રુ ઘણો બળવાન અને અનીતિમાન છે. માટે તેની સાથે યુદ્ધ કરવું પણ ઉચિત નથી. તેમ સંધિ કરવી પણ ઉચિત નથી. શત્રુ પર વિજય મેળવવા માટે એ મૂશ્કેલીમાં હોય ત્યારે હુમલો કરવો. અને એના અન્ન-જળના ભંડારનો નાશ કરવો. જેથી તેને જીતી શકાય છે. માટે કારતક કે ચૈત્ર મહિનામાં હુમલો કરવો.’

રાજાએ ચોથા મંત્રીને પૂછ્‌યું, ’તમારો શો અભિપ્રાય છે ?’

’મહારાજ ! આપણે આપણું નિવાસસ્થાન બદલવું ન જોઈએ. આપણે આપણા સ્થાન પર રહીને જ લડવું જોઈએ. તો અવશ્ય આપણી જીત થશે. બળવાન હાથીને પણ મગર પાણીમાં ખેંચી જાય છે. પણ પાણી બહાર એક કૂતરાથી પણ હારી જાય છે.’

છેલ્લે કાગરાજે પાંચમાં મંત્રીને પોતાનો અભિપ્રાય જણાવવા કહ્યું.

પાંચમા મંત્રીએ કહ્યું, ’આપણે મિત્રોની મદદ માગવી જોઈએ. મિત્રોની સહાય લઈને અધિક બળવાન થવું અને શત્રુને પરાજિત કરવો એ જ બધી રીતે ઠીક ઉપાય લાગે છે.’

એ પછી રાજાએ પોતાના રાજ્યમાં વસતા એક સૌથી ઘરડા કાગડાને બોલાવી પૂછ્‌યું,

’હે વડીલ ! તમે અતિ વૃદ્ધ છો, અતિ અનુભવી છો. પાંચે મંત્રીઓની વાત તમે પણ સાંભળી છે. તો તમે કહો, મારે શું કરવું જોઈએ ?’

ઘરડો કાગડો ઝૂકીને રાજાને કહેવા લાગ્યો. ’હે મહારાજ ! પાંચે મંત્રીઓની વાત નીતિશાસ્ત્ર અનુસાર સાચી અને યોગ્ય છે. જેવો સમય હોય તેવી યોજના બનાવવી જોઈએ. વળી રાજન્! શત્રુ બળવાન હોય ત્યારે યુદ્ધ કે સુલેહ કરીને નિશ્ચિંત બનવું ન જોઈએ. શત્રુના મનમાં વિશ્વાસ પેદા કરીને પણ આપણે તેના તરફ અવિશ્વાસુ રહેવું જોઈએ. લોભ-લાલચથી તેને ખતમ જ કરવો જોઈએ.’

’રાજાએ ગુપ્તચરો દ્વારા આ કામ કરાવવું જોઈએ. સાધારણ પ્રાણી આંખોથી જુએ છે. બ્રાહ્‌મણ શાસ્ત્રોથી જુએ છે. અને રાજા ગુપ્તચરો દ્વારા જુએ છે. જે રાજા ગુપ્તચરો દ્વારા દુશ્મનોની ગતિવિધિ પર ધ્યાન રાખે છે તે કદી હારતો નથી.’

’વડીલ ! ગુપ્તચરો કેવી રીતે મોકલવા જોઈએ ?’ કાગરાજે પૂછ્‌યું.

’મહારાજ ! પહેલાં એ કહો, ઘુવડો અને આપણી વચ્ચે આટલી ભયંકર શત્રુતા કેમ છે ?’

’એની પાછળ એક ઈતિહાસ છે. એક વાર પક્ષીઓની સભા મળી. હંસ, મોર, કાબર, બગલાં, કબૂતર, ચકલી, કોયલ, બુલબુલ, ઘુવડ, બાજ, પોપટ, લક્કડખોદ, વગેરે સર્વ પક્ષીઓ આ સભામાં આવ્યાં હતાં. મારા પરદાદા ત્યારે ક્યાંક ગયા હતા. એટલે તે આ સભામાં ન હતા. બગલા કહે,

’હે પક્ષીઓ ! આપણા રાજા ગરૂડ છે. પરંતુ તે સદા ભગવાન વિષ્ણુના ભક્ત હોવાથી વૈકુંઠમાં જ રહે છે. તેમનો બધો સમય પ્રભુની ભક્તિમાં જાય છે. એટલે તેઓ આપણું સહેજે ધ્યાન રાખતા નથી. આપણા સુખદુઃખમાં ભાગ લેતાં નથી કે આપણને કોઈ મુશ્કેલીમાંથી ઉગારતા નથી. આવા રાજાનો અર્થ શો ?’

મોર કહે, ’જે રાજા પ્રજાનું રક્ષણ કરતો નથી તે યમરાજ સમાન છે. અને રાજાના રક્ષણ વિનાની પ્રજા સમુદ્રમાં સુકાન વગરની નાવ જેવી બની જાય છે. અને છેલ્લે ડૂબી જાય છે. માટે આપણે એવો રાજા પસંદ કરવો જોઈએ, જે આપણા સમાજમાં જ રહેતો હોય, બળવાન હોય, આપણાં સુખદુઃખથી માહિતગાર રહીને આપણી રક્ષા કરતો હોય.’

બધાં પક્ષીઓ બોલી ઊંઠ્‌યાં : ’બરાબર ! બરાબર !’

હવે નવો રાજા બનાવવો કોને ? ત્યારે ઘુવડે કહ્યું, ’હું રાજા બનીશ. અને તમારી રક્ષા કરીશ.’ પક્ષીઓએ તે વાતમાં સંમતિ આપી.

અને આમ ઘુવડને પક્ષીઓનો રાજા બનાવવાની તૈયારી થવા માંડી. ત્યાં જ કાગડો આવ્યો. તે પૂછવા લાગ્યો : ’આટલાં બધાં પક્ષીઓ કેમ ભેગાં થયાં છો ? આજે શું છે ? કોઈ ઉત્સવ છે ?’

ત્યારે ચકલીએ કહ્યું, ’કાગડાભાઈ ! ઘુવડને રાજા બનાવવાનો બધાએ નિર્ણય કર્યો છે.’

’કેમ ?’ કાગડાને આશ્ચર્ય થયું.

કાબરે માંડીને સભામાં થયેલી સર્વ વાત કાગડાને કરી.

’અરે ભાઈઓ !’ કાગડાએ બધાને કહેવા માંડયું, ’આ તમે એકદમ ખોટું કરો છો ! આ ભયાનક દેખાવવાળું પક્ષી આપણો રાજા બને એમાં આપણી ઈજ્જત શું ? વળી તે દિવસે અંધ બની જય છે. તો તે આપણી રક્ષા શું કરવાનું ? આપણે ખુલ્લામાં ફરનારા છીએ જ્યારે આ તો સદા સંતાઈને રહેવાવાળું પક્ષી છે ! આપણા બોલ અને સહવાસ મનુષ્યોને ગમે છે. જ્યારે આનું ડાચું જોવાનુંયે મનુષ્યો પસંદ કરતાં નથી. એના તો અવાજથી બધાં થથરી જાય છે. એ તો તદ્દન અપશુકનિયાળ છે. આને રાજા બનાવવો એ તો મહા મૂર્ખાઈનું કાર્ય છે.’

બધાં પક્ષીઓ આ નિવેદનથી થંભી ગયાં. બધાંને લાગ્યું, કાગડાની વાત સોળ આના સાચી છે. આના તો બધા જ ક્રમ આપણાથી ઊંલટા છે. ઘુવડ તો રાજા બનવા માટે તદ્દન અયોગ્ય છે. બધાંએ ઘુવડને રાજા બનાવવાનું તત્કાળ માંડી વાળ્યું અને ગરૂડને જ રાજા માની બધા પંખીઓ ઊંડી ગયાં.

ઘુવડ કાગડા પર અત્યંત ગુસ્સે થઈ ગયું. તેણે કહ્યું, ’આજે તેં મારૂં બહુ જ બૂરૂં કર્યું છે. અને મને બેઈજ્જત કર્યું છે. તલવારનો ઘા રૂઝાઈ જાય પણ કડવા બોલનો મન પર પડેલો ઘા કદી રૂઝાતો નથી. તેં મારા મન પર ઘા કર્યો છે. આજથી તું મારો મહાશત્રુ છે. મારો સમાજ તારા સમાજને જ્યાં જોશે ત્યાં મારશે.’ કહીને ઘુવડ ચાલ્યું ગયું.

’બસ ! ત્યારથી આપણી અને ઘુવડોની શત્રુતા ચાલતી આવે છે.’

’મહારાજ ! આપના પરદાદાની વાત સાચી હતી. તેમણે સભામાં સત્ય બોલીને પંખીસમાજ પર મોટો ઉપકાર કર્યો છે. ક્યાં સર્વગુણસંપન્ન, શક્તિશાળી અને રૂપવાન વિષ્ણુભક્ત ગરૂડ અને ક્યાં નિશાચર, દુષ્ટબુદ્‌ધિ, કદરૂપું અને અપશુકનિયાળ ઘુવડ ! પંખીઓમાં આપણી જાત વધુ ચાલાક ગણાય છે. આજે આપણી કસોટીનો સમય આવી ગયો છે. આપણે ઘુવડોનો નાશ કરવો જોઈએ. તે માટે હું મારો પ્રાણ પણ આપવા તૈયાર છું.’

’આપણે શું કરી શકીએ ?’

’હું ગુપ્તચર બનીને ઘુવડોની વચ્ચે જઈશ અને તેઓનો નાશ કરીશ.’

’પરંતુ તમે જશો કેવી રીતે ?’

’તેનો એક ઉપાય છે. સંધ્યાકાળે તમે મારી સાથે ખોટો ઝઘડો કરો અને ઘાયલ કરીને ફેંકી દો. હું કોઈ પણ ઉપાયે ઘુવડોના પક્ષમાં ભળી જઈશ. અને તેઓના ભેદ જાણી, તેઓનું રહેઠાણ શોધી, તેઓનો નાશ કરીશ. તમે મને શત્રુ ઘોષ્િાત કરીને આ વૃક્ષ છોડી પહાડો પર ચાલ્યા જાઓ.’

’સારૂં, તમે કહો છો તેમ જ થશે.’ કાગરાજે સંમતિ આપી.

ધીરે ધીરે સાંજ પડી. પક્ષીઓ માળામાં જવા લાગ્યાં. અને ચામાચિડિયાં, ઘુવડો વગેરે નિશાચરો જાગવા લાગ્યાં. ત્યારે કાગડાઓએ પેલા વૃદ્ધ કાગડા સાથે ઝઘડવાનો પ્રારંભ કર્યો. ઝઘડો વધતાં બધાંએ તેને ખાલી ખાલી મારવો શરૂ કર્યો અને તેને ફેંકીને દૂર દૂર પહાડ પર ચાલ્યા ગયા.

રાત્રિ પડી. ઘુવડો ફરવા નીકળ્યાં ત્યાં જ તેમને ઘાયલ પડેલો કાગડો દેખાયો. તેઓ તેને મારી નાખવા ભેગા થયાં. ત્યારે કાગડો બોલ્યો, ’ભાઈઓ ! મારે તમારા રાજાને મળવું છે. પછી ભલે તમે મને મારી નાખો. મારી આટલી વિનંતી માન્ય રાખો.’

ઘુવડોને થયું, આ અધમૂઓ કાગડો ભલે રાજાને મળી લેતો. એ આપણું કંઈ બગાડી શકવાનો નથી. અડધો મરેલા જેવો જ દેખાય છે. આપણે પૂરો મારી નાખીશું.’

ઘુવડો કાગડાને પોતાના રાજા પસે લઈ ગયા.

ઘુવડના રાજાએ પૂછ્‌યું, ’આ દુશ્મનને અહીં કેમ લાવ્યા છો ?’

’મહારાજ ! એ આપને મળવા માગે છે.’ એક ઘુવડે કહ્યું.

’કહે, તું મને કેમ મળવા માગે છે ?’ રાજાએ કાગડાને પૂછ્‌યું.

’મહારાજ ! અમારો રાજા બહુ લુચ્ચો અને સ્વાર્થી છે. મેં જરાક તમારાં વખાણ કર્યાં ત્યાં તો મને મરણતોલ માર મારી ફેંકી દીધો. હવે તો હું તમારા શરણે છું. મને મારવો કે જિવાડવો એ તમારે જોવાનું છે.’

રાજાએ મંત્રીઓને પૂછ્‌યું, ’હે મંત્રીઓ ! મારે શું કરવું જોઈએ ?’

એક વૃદ્ધ મંત્રીએ કહ્યું, ’દુશ્મન એટલે દુશ્મન. એને મારી નાખવો જ ઉચિત છે.’

પરંતુ બીજા જુવાન મંત્રીએ કહ્યું, ’હે રાજન ! આપણા હાથમાં અનાયાસે સોનેરી મોકો આવ્યો છે. શત્રુમાં ફૂટ પડે એ આપણા લાભમાં ઊંતરે છે. આને આપણે ગુપ્તચર બનાવીએ. એ આપણા દુશ્મનોનો ભેદ જાણીને આપણને કહેશે. એટલે આપણે કાગડાઓને મારી નાખી તેમનું નામનિશાન આ પૃથ્વી પરથી મિટાવી દઈશું.’

રાજાને પણ યુવાન મંત્રીની વાત ગમી ગઈ. તેણે ઘાયલ કાગડાને કહ્યું, ’શરણે આવેલાની રક્ષા કરવી અમારો ધર્મ છે. અમે તમારી રક્ષા કરીશું પરંતુ તેના બદલામાં તારે તારા સમાજના, તારા રાજાના અને તારા રાજ્યના ભેદ જાણી લાવવા પડશે. તું આ કામ કરી શકશે ?’

’મહારાજ ! હું જરૂર તમારૂં કામ કરીશ. મને મારા સમાજ અને રાજા પર બહુ ગુસ્સો આવ્યો છે. હું તેઓને ખતમ કરીને જ જંપીશ. જુઓને, તેમણે મને કેવો માર માર્યો છે ! તેમણે મારી બહુ બેઈજ્જતી કરી છે. હું તમને બધા જ ભેદ કહીશ. મને તમારો સેવક સમજો.’

ઘુવડનો રાજા આ સાંભળી ખુશ થઈ ગયો. અને કાગડાને જીવતદાન આપ્યું.

આમ વૃદ્ધ કાગડાની યુક્તિ સફળ થઈ. તે દુશ્મનના પક્ષમાં ભળી ગયો.

પરંતુ વૃદ્ધ મંત્રીને એ ન ગમ્યું. એને કાગડા પર જરાયે વિશ્વાસ ન બેઠો. એ પોતાના પરિવાર, સેવકો અને મિત્રોને લઈને દૂર દૂર ભાગી ગયું. તેના જવાથી કાગડો ખુશ થઈ ગયો. ’ચાલો, બલા ટળી. એ વધારે હોંશિયાર હતો. અહીં રહ્યો હોત તો મારી યોજનાને ઊંંધી વાળી દેત. હવે જે છે તેમાં કોઈ એવું બુદ્‌ધિમાન નથી કે મારી ચાલને પારખે. જે રાજા પાસે બુદ્‌ધિમાન મંત્રી નથી હોતા તેનો જલદી વિનાશ થાય છે.’

કાગડો પોતાનો માળો બનાવવાને બહાને ગુફાની આજુબાજુ સૂકી લાકડીઓ લાવવા લાગ્યો. બે-ત્રણ દિવસ રહીને એણે ઘૂવડના રાજાને માહિતી આપી કે કાગડાઓની સંખ્યા કેટલી છે ? તેઓ કયા વૃક્ષ પર રહે છે ?

ઘૂવડોએ કહ્યું, ’તો તો આપણી સંખ્યા તેમનાથી વધુ છે. માટે હવે હુમલો કરવો જોઈએ.’

કાગડાએ કહ્યું, ’જરા ધીરજ રાખો. હજી ઘણી માહિતી મારે મેળવવાની છે. અને તેમને મારવાનો ઉપાય પણ શોધવાનો છે.’

ઘૂવડોને હવે કાગડા પર પૂરો વિશ્વાસ બેસી ગયો કે આ કાગડો આપણો જ થઈ ગયો છે. એટલે તેની ગતિવિધિ પર કોઈએ ધ્યાન ન આપ્યું.

કાગડો બનતી ઝડપે સૂકી લાકડીઓ ભેગો કરતો રહ્યો.

’હે કુમારો ! બુદ્‌ધિમાન મંત્રીઓ શક્ત્રુઓનો વિનાશ કરે છે. અને રાજ્યને આબાદ રાખે છે. વળી શત્રુપક્ષના માનવીનો કદી વિશ્વાસ ન કરવો.’

અને એક દિવસ ઊંડતો ઊંડતો એ પોતાના રાજા પાસે પહાડ પર પહોંચ્યો.

’મહારાજ ! આપણી તરકીબ સફળ થઈ છે. મેં ઘૂવડોનો નાશ કરવાની યોજના તૈયાર કરી નાખી છે. તમે જલદી મારી સાથે ચાલો.’

રાજા પોતાના મંત્રીઓ સાથે એ વૃદ્ધ કાગડા સાથે ઘૂવડોની ગુફા પાસે આવ્યો. કાગડાએ પોતાની ચાલ સમજાવીને સૂકી લાકડીઓ બતાવી. પછી બધા વૃદ્ધ કાગડાના કહેવાથી અગ્નિ શોધવા નીકળ્યા. રાજાને એક સળગતી લાકડી દેખાઈ. તેણે તે ઉપાડી અને ઘુવડની ગુફા આગળ ફેંકી.

ધીરે ધીરે સૂકી લાકડીઓ સળગવા લાગી. અને એ આગ ગુફામાં પણ પ્રસરી ગઈ. ધુમાડાથી ગુંગળાતાં ઘૂવડો અને તેનો રાજા બખોલોમાંથી બહાર નીકળ્યાં તે સાથે જ બળીને ભડથું થઈ ગયાં.

મંત્રીઓ બીજા કાગડાઓને પહાડ પરથી બોલાવી લાવ્યાં અને ફરી કાગડાઓ પોતાના અસલ નિવાસસ્થાન પર શાંતિથી રહેવા લાગ્યાં.

કાગરાજે પેલા વૃદ્ધ કાગડાને મુખ્ય મંત્રી બનાવી અનેક ભેટો આપી.

***

લોભી પારધી

તમસપુર નગરની બહાર એક વિશાળ સરોવર આવેલું હતું. તેની ચારે તરફ મીઠાં ફળવાળાં વૃક્ષો હતાં. વિશાળ છાયા કરતાં વડ-લીમડો-પીપળો જેવાં વૃક્ષો પણ હતાં. ઠેક ઠેકાણે સુગંધી પુષ્પોના છોડ હતાં. સરોવરમાં લાલ અને શ્વેત કમળનાં પુષ્પો તથા રંગબેરંગી માછલીઓ શોભામાં ઓર વધારો કરતાં. સરોવરની આવી સુંદર શોભા કોઈને કેટલીયે જાતનાં પંખીઓએ ત્યાં પોતાનો નિવાસ કર્યો હતો. વળી એ પ્રદેશ રાજાના સિપાહીઓથી રક્ષાયેલો હોવાથી ત્યાં સસલાં, હરણ, વાંદરાં જેવાં પ્રાણીઓ પણ નિર્ભયપણે વિચરતાં.

સરોવરના કિનારે એક વૃક્ષ પર એક હંસ રહેતો હતો. તેને એક માછલી સાથે દોસ્તી થઈ ગઈ. બન્ને રોજ સરોવરને કિનારે મળતાં અને જાતજાતની, ભાત ભાતની વાતો કરતાં.

એક વાર એક પારધીએ આ હંસને જોયો. એને એ હંસ ખૂબ ગમી ગયો. કેવો રૂપાળો હંસ છે ! એનું મન લલચાઈ ગયું. એ જાળ લઈને રોજ છાનોમાનો એ સરોવર પાસે ફરવા લાગ્યો. એક વાર હંસ અને માછલી વાતો કરી રહ્યાં હતાં. ત્યારે સિપાહીઓની નજર ચૂકવીને એણે હંસને જાળમાં ફસાવી પકડી લીધો. આથી હંસ ગભરાઈ ગયો, માછલી પણ ગભરાઈ ગઈ. તેણે પારધીને કહ્યું, ’ભાઈ ! આ હંસને શું કામ પકડયો છે ?’

’પૈસા માટે. આ રૂપાળા હંસને વેચીશ તો મને બહુ પૈસા મળશે.’

’ભાઈ ! તું હંસને છોડી દે. હું તને એક મોતી આપું છું. તેના પૈસા હંસ કરતાં વધારે ઊંપજશે.’

’સારૂં, હું હમણાં જ આવી.’ કહી માછલી પાણીમાં સરકી ગઈ. અને તરત જ પાછી ઉપર આવી. એણે પારધીના હાથમાં એક મોતી મૂક્યું.

પારધીએ હંસને છોડી મૂક્યો. હંસ પાંખો ફફડાવતો વૃક્ષ પર જઈને બેસી ગયો. એ હજી ધ્રૂજી રહ્યો હતો. પારધી ગયો. પછી એ ધીરેથી નીચે ઊંતર્યો અને પોતાને બચાવવા બદલ માછલીનો આભાર માન્યો. પહેલી વાર હંસને લાગ્યું, ’સારો અને સાચો મિત્ર મુશ્કેલીમાં કામ આવે છે.’

આ તરફ પારધી નગરમાં એક ઝવેરીને ત્યાં ગયો. અને પેલું મોતી બતાવ્યું. ગુલાબી ઝાંયનું આવડું મોટું ચોખ્ખું મોતી જોઈને ઝવેરી અજાયબ થઈ ગયો. તેણે પારધીને સો સોનામહોર આપી. અને કહ્યું, ’જો તું આમાનું બીજું મોતી લઈ આવશે તો હું તને પાંચસો સોનામહોર આપીશ.’

પારધી સો સોનામહોર જોઈને અજાયબ થઈ ગયો. અને પાંચસો સોનામહોરની વાત સાંભળીને તો એને ચક્કર જ આવી ગયા.

બીજે દિવસે એ ઊંપડયો ફરી જાળ લઈને સરોવર કિનારે. લપાતો છુપાતો એ હંસને ફસાવવાનો લાગ જોયા કરતો હતો. હંસ સરોવર કિનારે બેઠેલો હોવો જોઈએ. અને તે સમયે કોઈ માણસ કે ચોકિયાત હોવો ન જોઈએ. માંડ માંડ એક દિવસ એવો મોકો મળી ગયો. એણે જાળ નાખી અને હંસ ફરી સપડાયો. ફરી માછલીએ કહ્યું, ’તું હંસને છોડી મૂક.’

પારધીએ કહ્યું, ’તેં પહેલાં આપેલું એવું મોતી મને આપ. તો જ હું આ હંસને છોડીશ.’

માછલી કહે, ’ભાઈ ! તને પહેલાં કેવું મોતી આપેલું તે મને કેવી રીતે યાદ હોય ! મારી પાસે તો જાતજાતનાં મોતી છે.’

પારધી કહે, ’તું મારી રાહ જોજે. હું હમણાં જ આવ્યો.’ એ તો દોડતો ઝવેરી પાસે આવ્યો અને કહે, ’શેઠજી ! પેલું મોતી આપો હું એની જોડનું બીજું મોતી લઈ આવું.’

’પણ ભાઈ ! હું તારો વિશ્વાસ કેવી રીતે કરૂં ? તું મને સો સોનામહોર પાછી આપી દે. હું તને મોતી આપી દઈશ.’

’સારૂં’ કહીને પારધી ઘરે દોડયો. સો સોનામહોર લાવીને ઝવેરીના હાથમાં મૂકી. ઝવેરીએ પેલું મોતી પાછું આપ્યું અને કહ્યું, ’બન્ને મોતી લઈને જલદી પાછો આવજે.’

’હા શેઠજી !’ કરીને એ દોડયો સરોવરની પાળે. પછી માછલીને કહ્યું,

’લે, આ મોતી ! આવું બીજું મોતી જોઈએ છે. વળી આ મોતી પાછું લાવવાનું ભૂલતી નહિ. બન્ને મોતી એક સરખાં રંગના અને કદનાં જોઈએ.’

’જો, ભાઈ ! તું આ હંસને પહેલાં છોડી દે. પછી જ હું મોતીની જોડ લઈ આવું.’

લોભમાં ભાન ભૂલેલા પારધીએ હંસને છોડી દીધો. હંસ પાંખો ફફડાવતો દૂર દૂર ઊંડી ગયો. અને માછલી મોતી લઈને ગઈ તે ગઈ. ફરી દેખાઈ જ નહિ.

ત્યાં જ એક સિપાહી આવ્યો અને કહેવા લાગ્યો,

’તું ક્યારનો અહીં બેઠો બેઠો શું કરે છે ? મને તારી દાનત સારી લાગતી નથી. ચાલ, તો ઊંભો થા.’ ત્યાં જ સિપાહીની નજર તેણે સંતાડેલી જાળ પર પડી. એની આંખો ચમકી ઊંઠી. એ સમજી ગયો કે આ પારધી છાનોમાનો જાળ લઈને અહીં પંખીઓને પકડવા આવ્યો લાગે છે.’

સિપાહીએ બીજા સિપાહીઓને બોલાવ્યા અને પારધીને પકડી લીધો. પારધીને બહુ અફસોસ થયો. જો એણે સો સોનામહોર લઈને સંતોષ માન્યો હોત તો આજે પકડાયો ન હોત.

બીજે દિવસે એને ન્યાયલયમાં રજૂ કરવામાં આવ્યો. ત્યાં એને ચાર વર્ષની જેલ થઈ. જેલની ચક્કી પીસતાં પીસતાં પણ એને પેલું મોતી યાદ આવી રહ્યું.

હંસ દૂર ઝાડ પર બેસીને એનો તાલ જોતું હતું. સિપાહી એને પકડી ગયા. એટલે હંસે હાશ કરી અને સીધો તે સરોવરની પાળે આવ્યો. તેનો ફફડાટ સાંભળીને માછલી પણ સપાટી પર આવી અને બોલી, ’હંસ ! હવે તું આભાર ન માનતો. તને મદદ કરવી એ મારો મિત્રધર્મ છે.’ બન્ને હસી પડયાં.

’હે કુમારો ! સારા અને સાચા મિત્રો જ દુઃખમાં મદદ કરે છે. અને લોભી જ વધુ ગુમાવે છે.’

***

વાંદરાની સલાહ

રત્નપુર નગરના રાજાને ઘોડા પાળવાનો ખૂબ શોખ હતો. એના ઘોડારમાં દેશ દેશના કીમતી ઘોડાઓ હતા. એ બધા ઘોડા રાજાને ખૂબ વહાલા હતા.

આ રાજાનો એક કુંવર હતો. એકનો એક. બધાનો લાડકો. તેને ઘેંટા ને વાંદરાં પાળવાનો શોખ હતો. ધોળાં ધોળાં રૂના ઢગલા જેવાં અલમસ્ત ઘેટાં તેણે પાળ્યાં હતાં. અને વાંદરાનું તો આખું ઝુંડ તેના બગીચામાં હતું. અને વાંદરાં પણ જેવા તેવા નહિ. તાલીમ પામેલાં કુંવર આવે એટલે સલામ કરે. કુંવર સાથે જાતજાતની રમતો રમે. કુંવરને ખુશ કરવા જાત-જાતના ખેલ કરે.

રાજાએ એક વિશાળ જગા આ લોકો માટે અલગ કાઢી હતી. ત્યાં એક તરફ ઘોડાર અને બીજી તરફ વાંદરાં અને ઘેટાં રહેતાં. ઘોડાર સામે જ રાજાનું રસોડું હતું.

હવે એક ઘેટું બહુ તોફાની હતું. તે લાગ મળે ત્યારે આ રસોડામાં ઘૂસી જતું અને જે મળે તે ખોરાક ખાઈ જતું. એના બગાડથી રસોઈયા ખૂબ ગુસ્સે થતા. કુંવરનું ઘેટું એટલે એને મારી તો ન નખાય. પરંતુ મેથીપાક તો બરાબર આપતા.

પરંતુ ઘેટાને એની જરાય પડેલી નહિ. તે તેનું તોફાન ચાલુ જ રાખતું. હવે તેનું આ તોફાન બુઢ્‌ઢો વાંદરો જોતો. એક દિવસ એણે પોતાના પરિવારને ભેગું કર્યું અને કહ્યું, ’જુઓ આપણે આનંદથી રહીએ છીએ. કુંવરજી આપણને સારો સારો ખોરાક આપે છે. પણ એક બહુ મોટું જોખમ આપણા માટે ઊંભું થયું છે.’

’શું ?’ બધાં વાંદરાં પૂછવા લાગ્યાં.

’પેલું તોફાની ઘેટું ઘણી વાર રાજાના રસોડામાં ઘૂસી જાય છે. જો કોઈ વાર રસોઈયો વધારે ખિજવાઈ જશે તો એને સળગતું લાકડું મારશે. એટલે તેના વાળ સળગી ઊંઠશે. હવે રસોડાની સામે જ ઘોડારનો દરવાજો છે. ઘેટું ગભરાઈને એ ઘોડારમાં ઘૂસી જશે. આથી ત્યાંનું ઘાસ સળગી ઊંઠશે. અને ઘાસ સળગી ઊંઠશે તો ઘોડા દાઝી જશે. ઘોડા રાજાને બહુ વહાલા છે. એટલે તરત જ ઘોડાને બચાવવા વૈદો આવશે. વૈદો ઘોડાના દાઝેલા ભાગ પર લગાડવા વાંદરાનાં હાડકાંનું તેલ મંગાવશે. તાત્કાલિક વાંદરાં ક્યાંથી મળે ? એટલે રાજા આપણને મરાવી નાખશે અને આપણાં હાડકાંનું તેલ કઢાવશે. અને એમ આપણો નાશ થશે. માટે એવો કોઈ બનાવ બને તે પહેલાં જ આપણે અહીંથી ભાગી જવું જોઈએ.’

લગભગ બધાં જવાંદરાં આ વાત સાંભળીને હસી પડયાં. એક જુવાન વાંદરો બોલ્યો : ’દાદા ! તમારી તો સાંઠે બુદ્‌ધિ નાઠી લાગે છે ! તમે તો બહુ જ લાંબા લાંબા વિચાર કરો છો. અને આપણી જિંદગી છે ટૂંકી. માટે હાલ જે સુખસાહ્યબી મળી રહી છે તેને ભોગવો અને શાંતિથી ઊંંઘી જાઓ.’

’નહિ. હું બહુ વિચારીને કહું છું. હું આજે જ અહીંથી ભાગી જાઉં છું. તમે આવો... ન આવો એ તમારી મરજીની વાત છે. પરંતુ હું તમને ચેતવી દઉં છું કે આવી વાત બનવાની શક્યતા છે જ.’

બધાં જ વાંદરાંએ બુઢ્‌ઢા વાંદરાની મશ્કરી કરી. અને કોઈએ તેની વાત ન માની. દુઃખી હૃદયે બુઢ્‌ઢો વાંદરો ત્યાંથી ભાગી ગયો.

બીજે દિવસે કુંવરે જોયું તો બુઢ્‌ઢો વાંદરો ન મળે. તેણે રાજાને કહ્યું. બધાંએ બહુ શોધ કરી પણ એ વાંદરો ન મળ્યો તે ન જ મળ્યો.

દિવસો વીતવા લાગ્યા.

એમ કરતાં દશેરાનો દિવસ આવ્યો. રાજ્યમાં મોટો ઉત્સવ ઊંજવાતો હતો. આજે રાજાની સવારી નીકળવાની હતી. અને ત્યાર પછી રાજમહેલમાં મોટો ભોજન સમારંભ હતો. રસોઈયાઓ રાતથી જાતજાતની વાનગીઓ બનાવી રહ્યા હતા. એક તરફ ખીર બનાવીને ઠંડી કરવા મૂકેલી હતી. રાજાને ખીર બહુ જ ભાવતી. એમાં જાતજાતના તેજાના નાખવામાં આવ્યા હતા. બધા ઉતાવળે ઉતાવળે રસોઈ બનાવતા જતા હતા. બધા જ પોતાની ધૂનમાં હતા.

પેલું તોફાની ઘેટું ત્યાં આવ્યું. તેણે જોયું તો પોતાના આગમન તરફ કોઈનું લક્ષ ન હતું. એણે રસોડામાં નજર કરી તો ખીર જોઈ એના મોંમાં પાણી આવ્યું. અને ધીરેથી સરકીને એ ખીર પાસે પહોંચી ગયું અને ખીર ચાટવા લાગ્યું.

અચાનક પૂરી તળી રહેલા રસોઈયાની નજર એ ઘેટા પર પડી. ઘેટાએ રાજાની ખીર બગાડી એટલે રસોઈયો ક્રોધથી લાલચોળ બની ગયો. ગુસ્સાથી એણે ચુલામાંથી સળગતું લાકડું ખેંચી કાઢ્‌યું અને ઘેટા પર છૂટું માર્યું. સળગતા લાકડાનો સ્પર્શ થતાં જ ઘેટાના વાલ સળગી ઊંઠ્‌યા. તે ભાગ્યું. અને સીધું સામે ના ખુલ્લા દરવાજામાંથી ઘોડારમાં ઘૂસી ગયું. અને આળોટીને પોતાના શરીરની આગ ઠારવા માંડયું. તેના શરીરની આગ તો ઓલવાઈ ગઈ પરંતુ ઘાસ સળગવા લાગ્યું.

ઘેટું તો ભાગી છૂટ્‌યું. હવે રસોઈયાને પણ ખ્યાલ નહિ કે ઘેટું સળગીને ઘોડારમાં ઘૂસી ગયું છે. વળી ઘોડારમાં પણ તે સમયે કોઈ ન હતું. બધા ઘોડાઓને વહેલા નવડાવીને પોતે તૈયાર થવા ગયા હતા. એટલે ધીરે ધીરે ઘાસ વધારે સળગવા લાગ્યું અને જોતજોતામાં આખું ઘોડાર સળગી ઊંઠ્‌યું. ઘોડારના માણસો દોડતા આવ્યા અને ઝડપથી બધા ઘોડાઓને છોડવા લાગ્યા છતાં ઘણા ઘોડા દાઝી ગયા.

આ તો રાજાના પ્રિય ઘોડાઓ હતા. એટલે તાબડતોબ રાજવૈદને બોલાવવામાં આવ્યા.

વૈદે કહ્યું, ’તાત્કાલિક વાંદરાંનાં હાડકાંનું તેલ જોઈએ. તે લગાડવાથી તરત જ ઘોડાઓને આરામ થશે.’

હવે તેલ માટે વાંદરાંનાં ઘણાં હાડકાં જોઈએ. તે હાડકાં ક્યાંથી લાવવાં ? એટલે રાજાએ રાજનાં વાંદરાંઓને મારી નાખવાનો હુકમ આપ્યો. તરત જ બધાં વાંદરાંઓને મારી નાખવામાં આવ્યાં.

આમ બુઢ્‌ઢા વાંદરાએ કરેલી આગાહી સાચી પડી. બધાં વાંદરાંઓનો નાશ થઈ ગયો.

૦ ૦ ૦

થોડો સમય વીત્યો એટલે બુઢ્‌ઢા વાંદરાને પોતાનો પરિવાર યાદ આવ્યો. એને તેઓ વગર ગમતું ન હતું. અને તેઓની ચિંતા પણ ખૂબ થતી હતી. તે લોકોએ એની વાત મશ્કરીમાં કાઢી નાખી હતી, તે વાતનું એને બહુ દુઃખ હતું. આથી તે લપાતો છુપાતો રાજાના રસોડા પાસે ગયો, જ્યાં એ પોતાના પરિવાર સાથે રહેતો હતો.

ત્યાં જઈને એણે જોયું તો પોતાના પરિવારનો એકે વાંદરો ન દેખાયો. પેલા તોફાની ઘેટાં પર દાઝવાનાં નિશાન હતાં. અને ઘોડારમાં ઘણા ઘોડાનાં શરીર પર પણ દાઝેલાનાં નિશાન આછાં આછાં દેખાતાં હતાં. તે બધી વાત સમજી ગયો. તેની વાત સાચી પડી હતી. રાજાએ ઘોડા ખાતર પોતાના પરિવારનો નાશ કરી નાખ્યો હતો.

આથી વાંદરો રડી પડયો. તેને બહુ જ દુઃખ થયું. પરંતુ બનવાકાળ બની ગયું. હવે શું થાય ? વાંદરો ધીરે ધીરે પાછો ચાલ્યો ગયો. હવે એને રાજાના રાજ્યમાં રહેવાનો કંટાળો આવ્યો. એટલે એ જંગલમાં ચાલ્યો ગયો. જંગલમાં એ આગળ ને આગળ વધતો ગયો. એમ કરતાં કરતાં એ એક તળાવને કિનારે આવ્યો. કિનારાના એક વૃક્ષ પર એ શાંતિથી બેઠો. અને એણે પહેલાં આજુબાજુની જગ્યાનું નિરીક્ષણ કર્યું. પછી એણે જમીન પર જોયું તો બધાનાં પગલાં તળાવની અંદર જતાં હતાં. પણ કોઈ પગલાં પાછાં વળતાં દેખાતાં ન હતાં. એટલે એને આશ્ચર્ય થયું. એને થયું કે, આ તળાવમાં ચોક્કસ વસ્તુ લાગે છે. પગલાં અંદર તરફ જાય છે તો બહાર કેમ વળતાં નથી ! જરા વાર એણે વિચાર કર્યો. એને જોખમ લાગ્યું. એણે તળાવમાં જઈને પાણી પીવાનું માંડી વાળ્યું. પણ તરસ તો ખૂબ લાગેલી. ગળું તરસથી સુકાતું હતું. હવે શું કરવું ? આથી એણે આજુબાજુ નજર કરી. તો એને બે-ત્રણ કેળનાં ઝાડ દેખાયાં. એના મનમાં એક યુક્તિ સૂઝી. એણે કેળનું એક મોટું પાન તોડયું. તેની ભૂંગળી બનાવી. અને એ ભૂંગળીનો એક છેડો તળાવના પાણીમાં ડુબાડયો. અને એના બીજા છેડેથી હવા ખેંચવા લાગ્યો. આથી પાણી સીધું એના મોંમાં આવી ગયું. આ રીતે એણે ઝાડ ઉપર બેઠા બેઠા જ પાણી પીધું.

હવે એ તળાવમાં એક રાક્ષસ રહેતો હતો. તે પાણીમાં છુપાઈ રહેતો. અને જ્યારે કોઈ પ્રાણી પાણી પીવા આવે એટલે એને પકડીને ખાઈ જતો. આ એનો રોજનો ક્રમ હતો.

આજે પણ એ પાણીમાં છુપાઈને આ વાંદરાને જોઈ રહ્યો હતો. વાંદરાનું માંસ તો એનું પ્રિય ભોજન હતું. એટલે એ ખૂબ ખુશ થઈ ગયો હતો. અને વાંદરો ક્યારે પાણી પીવા તળાવની પાળ પર આવે, ક્યારે પોતાનું મોં પાણીમાં બોળે તેની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ વાંદરાએ કેળના પાનની ભૂંગળી બનાવી પાણી પીધું, ત્યારે એ આશ્ચર્યચકિત બની ગયો. તે વાંદરાની અક્કલ પર આફરીન થઈ ગયો. આવું બુદ્‌ધિશાળી પ્રાણી એણે એની જિંદગીમાં જોયું ન હતું.

એ ખુશ થઈને પાણીની સપાટી પર આવ્યો અને બોલ્યો : ’હે વાનર ! હું તારા પર બહુ ખુશ છું. મેં તારા જેવું બુદ્‌ધિશાળી પ્રાણી મારી જિંદગીમાં જોયું નથી.’

વાંદરો તો એને જોઈ ચમક્યો. એને તળવમાં જતાં પગલાંનું રહસ્ય સમજાઈ ગયું. એને થયું, ઉતાવળ કરી જો એ પાણી પીવા ગયો હોત તો એ પણ રાક્ષસના મોંમાં પહોંચી જાત. એ કંઈ બોલ્યો નહિ. એણે રાક્ષસ સમે જોઈને પ્રણામ કર્યાં.

’હે વાનર ! હું તારા પર ખુશ છું. આથી તને આ હીરાનો હાર ભેટ આપું છું. તેનો તું સ્વીકાર કર.’

’રાક્ષસરાજ ! સાચું કહું ? મને તમારો ભય લાગે છે. એટલે હું તમારી નજીક કેવી રીતે આવું ?’ વાંદરાએ નમ્રતાથી કહ્યું.

રાક્ષસ હસી પડયો. અને બોલ્યો, ’તારો ભય સ્વાભાવિક છે. વાંધો નહિ. તું આ હાર ઝીલી લે.’ કહીને એણે હર વાંદરા તરફ ફેંક્યો, વાંદરાએ એ હાર સ્ફૂર્ત્િાથી ઝીલી લીધો. અને ગળામાં પહેરી લીધો. વાંદરાએ જોયું તો તે અતિ મૂલ્યવાન મોટા મોટા હીરાનો બહુમૂલ્ય હાર હતો.

તેણે રક્ષસને કહ્યું, ’રાક્ષસરાજ ! આ હાર તો ઘણો કીમતી છે. મેં તમારો અવિશ્વાસ કર્યો તે બદલ મને ક્ષમા કરો.’ અચાનક વાનરના મનમાં એક વિચાર આવ્યો. અને તે તેણે અમલમાં પણ મૂકી દીધો.

’રાક્ષસરાજ ! મારા પર એક કૃપા કરશો ?’

’કહે.’

વાનરે પોતાના પરિવારના નાશની આખી વાત રાક્ષસને કરી. પછી ઉમેર્યું, ’હું રાજા સામે બદલો લેવા માગું છું. આ હારની લાલચમાં એ રાજાના પરિવારને હું અહીં લઈ આવીશ. અને તમારે હવાલે કરી દઈશ. પરંતુ કૃપા કરી તમે મને જોઈને બહાર દેખાતા નહિ.’

’સારૂં.’ રાક્ષસ તો ખુશ ખુશ થઈ ગયો. માનવ માંસ તો એને અતિપ્રિય હતું.

વાંદરો તો ઊંપડયો રાજા પાસે. સીધો દરબારમાં પહોંચી ગયો અને રાજાને પ્રણામ કરી ઊંભો રહ્યો. રાજા અને એનો કુંવર આ બુઢ્‌ઢા વાંદરાને જોઈને ખુશ થઈ ગયા. ત્યાં જ રાજાની નજર વાંદરાના ગળા પર પડી. તેના ગળામાં ઝળહળતા હારને જોઈને રાજા નવાઈ પામ્યો. અને બોલ્યો, ’હે વાનર ! તારા ગળામાં બહુમૂલ્ય હાર દેખાય છે. તે તને ક્યાંથી મળ્યો ?’

વાંદરો મનોમન ખુશ થઈ ગયો. જે રીતે વાત શરૂ થવી જોઈએ, એ જ રીતે વાત શરૂ થઈ હતી. તેણે ગળામાંથી હાર કાઢીને રાજાના હાથમાં મૂક્યો અને કહ્યું, ’મહારાજ ! હું આ હાર આપને બતાવવા આટે જ આવ્યો છું. આપ એનું મૂલ્ય કરાવો.’

રાજાએ એ હાર રાજ્યના મુખ્ય ઝવેરીને આપ્યો. ઝવેરીએ હાર જોઈને કહ્યું, ’મહારાજ ! આ હારના બધા જ હીરા એટલા કીમતી છે કે આ હારની કિંમત સામે આપના રાજ્યનો ભંડાર છે તેવા દશ ભંડારો જોઈએ. તોય કિંમત ઓછી કહેવાય.’

રાજા ચકિત બની ગયો. અને વાંદરાને પૂછ્‌યું, ’તને આ હાર ક્યાંથી મળ્યો ?’

’મહારાજ ! આ હાર હું તમને ભેટ આપવા આવ્યો છું.’

રાજા ખુશ થઈ ગયો. તેણે એ હાર પહેરી લીધો. પછી વાંદરો બોલ્યો : ’મહારાજ ! આ હાર એક ગુપ્ત જગ્યાએથી મળ્યો છે. જો આપને આવા બીજા કીમતી હાર જોઈતા હોય તો મારી સાથે ગુપ્ત-ખંડમાં આવો. હું તમને બાકીની વાત કરૂં.’

રાજા તૈયાર થઈ ગયા. તેમણે સભા બરખાસ્ત કરી અને વાંદરા સાથે ગુપ્તખંડમાં પ્રવેશ્યા. વાંદરાએ કહ્યું, ’મને એક દિવસ સપનું આવ્યું કે, આપણા રાજ્યની બહાર પશ્ચિમ દિશામાં એક ગાઢ જંગલ છે. તેમાં એક તળાવ છે. તેમાં મોટો ખજાનો છે. આથી હું સવારે ઊંઠીને ચાલી નીકળ્યો. આપણા રાજ્યની સરહદ વટાવી હું પશ્ચિમ તરફ ગાઢ જંગલમાં પ્રવેશ્યો. ત્યાં એક તળાવ હતું. હું એ તળાવ પાસે આવ્યો અને જ્યાં પાણી પીવા ગયો ત્યાં એક દેવ દેખાયા. તેણે કહ્યું, ’હે વાનર ! તેં આ જળને સ્પર્શ કર્યો એટલે મારે તને કંઈક આપવું જોઈએ. માટે તું અંદર આવ.’ હું હિંમત રાખીને તળાવમાં પ્રવેશી ગયો. ત્યાં સુંદર ભવન હતું. તે દેવ મને ભંડારમાં લઈ ગયા. ત્યાં અનેક પ્રકારનાં રત્નો, આભૂષણો, સુવર્ણ, ચાંદી વગેરેના ચરૂ ભરેલા હતા. તે દેવે એક ચરૂમાંથી આ હાર કાઢી મને આપ્યો. પછી મને આંખો મીંચી દેવા કહ્યું. મેં આંખો ખોલી તો હું તળાવની બહાર હતો. હું ઝડપથી આપની પાસે આવી પહોંચ્યો છું. અને મેં આપને આ રહસ્યની વાત કહી સંભળાવી છે. હે પ્રભુ ! હવે આપ જલદી આપના પરિવાર સાથે તે તળાવ પાસે આવો. હું આપને રસ્તો બતાવીશ.’

રાજા ખુશ ખુશ થઈ ગયો. તેને થયું, હવે હું અખૂટ સંપત્તિ મેળવી શકીશ. અને તેમાંથી શસ્ત્રો-સૈનિકો ખરીદી મારૂં રાજ્ય મોટું કરીશ. આગળ જતાં હું ચક્રવર્તી રાજા બનીશ.

રાજાએ પોતાના પરિવારને, મુખ્ય મંત્રીઓને અને સ્વજનોને સાથે લીધા. અને બધા ઘોડા પર બેસી વાંદરા સાથે નીકળ્યા.

થોડા સમયમાં તેઓ તળાવ પાસે આવી પહોંચ્યા. વાંદરાએ રાજાને એક વૃક્ષ નીચે ઊંભો રાખ્યો. અને બાકીના બધાંને એક પછી એક અંદર જવા ખ્યું. ધનની લાલસામાં વાંદરો જેમ કહેતો આવ્યો તેમ રાજા અને તેના સ્વજનો કરતાં ગયાં. પછી લાંબો સમય વીતી ગયો. છતાં કોઈ પાછું આવ્યું નહિ. એટલે રાજાએ વાંદરાને પૂછ્‌યું, ’હે વાનર ! કેમ કોઈ પાછું ન ફર્યું ? હવે હું જાઉં ?’

’નહિ રાજન્ ! તમે ન જશો. અને ગયેલા છે તેમાંથી કોઈ પાછું આવવાનું નથી. તમે મારા નિરપરાધી પરિવાર-સ્વજનોનો નાશ કર્યો એટલે મેં તમારા પરિવાર-સ્વજનોનો નાશ કર્યો. આમ આપણો હિસાબ સરભર થઈ ગયો. હવે કદી કોઈ નિર્દોષને મારશો નહિ. પછી એ માનવ હોય કે પશુ-પંખી.’

આમ કહીને વાંદરો છલાંગ મારતો દૂર દૂર ચાલ્યો ગયો.

’હે કુમારો ! તમારે પણ એ જ વાત શીખવાની છે કે, કદી કોઈ નિર્દોષ-નિરપરાધી માનવી, પશુ-પંખી કે કોઈ પણ જીવને મારવો નહિ.’

***

વાઘનો ખજાનો

રતનપુર ગામમાં એક બ્રાહ્‌મણ રહેતો હતો. સવારથી સાંજ સુધી એ ભિક્ષાવૃત્તિ કરતો. પરંતુ કુટુંબનું પૂરૂં નહિ કરી શકતો. બાળકોને ખવડાવ્યા પછી બ્રાહ્‌મણ અને બ્રાહ્‌મણી અડધુંપડધું ખાઈને સૂઈ જતાં. કોઈ પ્રસંગ હોય ત્યારે જ તેઓને ભરપેટ જમવા મળતું.

પોતાની દરિદ્રતાથી બ્રાહ્‌મણ ખૂબ જ કંટાળી ગયો હતો. આથી તેણે પરગામ જવા વિચાર કર્યો. બ્રાહ્‌મણીને પણ થયું કે, પરગામ જવાથી જગ્યા બદલાશે અને કદાચ નસીબનું પાંદડું ફરે તો બે પૈસા પતિ કમાઈ લાવશે.

સારૂં મુહૂર્ત જોઈને બ્રાહ્‌મણ ચાલી નીકળ્યો. ચાલતાં ચાલતાં એ એક જંગલમાં આવ્યો. ત્યાં એક મોટું પિંજરૂં પડેલ હતું અને અંદર એક વાઘ આંટા મારી રહ્યો હતો. વાઘની નજર બ્રાહ્‌મણ પર પડી. તે મસ્તક ઝુકાવી બ્રાહ્‌મણને કહેવા લાગ્યો :

’પ્રણામ ! મહારાજ ! ક્યાં જઈ રહ્યા છો ?’

’બાજુના શહેરમાં.’ બ્રાહ્‌મણે જવાબ આપ્યો.

’મારૂં એક કામ ન કરો ?’

’શું ?’

’એક શિકારી મને આમાં પૂરી ગયો છે. હવે એ આવવાની તૈયારીમાં જ હશે. એ આવશે એટલે મને મારી નાખશે. તમે દયા કરીને આ પિંજરૂં ખોલી નાખો, જેથી હું મારા પ્રાણ બચાવી શકું.’

’ના, ભાઈ ! તારૂં પિંજરૂં ખોલું અને તું બહાર નીકળ્યા પછી મને જીવતો છોડે કે ?’ બ્રાહ્‌મણે જવા માટે પગ ઉપાડયો.

’અરે, મહારાજ ! મારી પૂરી વાત તો સાંભળો !’

બ્રાહ્‌મણ અટકી ગયો.

’તમે મને છોડશો તેના બદલામાં હું તમારો જીવ લઉં એવો નગુણો નથી. મારી પાસે એક ખજાનો છે. તે હું તમને આપી દઈશ.’

ખજાનાની વાત સાંભળી બ્રાહ્‌મણના પગ અટકી ગયા.

તેને થયું, ખજાનો મળી જાય તો આગળ જવું મટશે.

શાંતિથી મારૂં કુટુંબ ખાઈ-પીને લહેર કરશે અને એ માટે આ વાઘને આ પિંજરામાંથી બહાર કાઢવાનું જોખમ તો ઉઠાવવું જ રહ્યું. એ પીગળી ગયો.

એણે કહ્યું, ’સારૂં. હું તને બહાર કાઢવા તૈયાર છું. પણ પછી તું મને મારી તો નહિ નાખે ને ?’

’મારો વિશ્વાસ કરો, ભૂદેવ ! બ્રહ્‌મહત્યાનું પાપ વહોરીને હું કયા ભવે છૂટવાનો હતો !’

લાલચને વશ થયેલા તે બ્રાહ્‌મણે લાંબો વિચાર ન કર્યો અને પિંજરાનું બારણું ખોલી નાખ્યું. તે સાથે જ વાઘ બહાર કૂદી પડયો. પિંજરૂં નાનું હોવાથી તેનું શરીર જરા અકડાઈ ગયું હતું. એટલે બહાર નીકળીને એણે બે-ત્રણ આળસ મરડી. અને પછી એણે બ્રાહ્‌મણ સામે જોયું. પેટમાં કકડીને ભૂખ લાગી હતી. સામે માનવદેહ હતો. હવે કેમ રહેવાય ! વાઘે શિકારી નજરે બ્રાહ્‌મણ સામે જોઈ તરાપ મારવાની તૈયારી કરી.

બ્રાહ્‌મણ તેની આંખ જોઈને સમજી ગયો કે, વાઘ તેના પર કૂદવાની તૈયારી કરે છે. ’અરે ભાઈ ! મને તારી નિયત બદલાયેલી લાગે છે. તું મને મારી તો નહિ નાખે ને ! મને પહેલાં ખજાનો બતાવ.’

’મહારાજ ! હું બહુ ભૂખ્યો છું. મને ક્ષમા કરો. તમે સામે છો એટલે હવે મને કંઈ યાદ આવતું નથી. બસ ભૂખ યાદ આવે છે.’

બ્રાહ્‌મણે વિચાર્યું, આ વાઘ પર વિશ્વાસ કરીને મેં ઘણી ભૂલ કરી. પણ હવે શું થાય ? આ નિર્જન જંગલમાં કોઈ છે નહિ જે મારી મદદ કરે. ત્યાં એની નજર એક શિયાળ પર પડી. તે એ બન્નેને આશ્ચર્યથી જોઈ રહ્યું હતું. એના મનમાં આશા જાગી. એણે શિયાળને બૂમ મારી : ’ઓ શિયાળભાઈ ! જરા અહીં આવો ! અમારો એક ન્યાય કરી આપો ને !’

વાઘ ચમક્યો. શિયાળ ! ચાલો બે ભોજન મળશે. તેણે પણ શિયાળને આવકાર આપ્યો. શિયાળ નજીક આવ્યું. એટલે બ્રાહ્‌મણે પોતાની વાત કરી અને કહ્યું, ’શિયાળભાઈ ! અમારો ન્યાય કરો. આ વાઘે મને વાત થયા મુજબ ખજાનો આપવો જોઈએ ને !’

શિયાળ સમજી ગયું કે, આ વાઘે બિચારા આ ગરીબ બ્રાહ્‌મણને ફસાવ્યો છે. એને બચાવવો જોઈએ. શિયાળે કહ્યું, ’અરે ભૂદેવ ! તમારી મતિ ફરી ગઈ લાગે છે ! તમે બન્ને મને બનાવતા લાગો છો. આટલા નાના પિંજરામાં કંઈ આ વાઘ સમાઈ શકે !’

વાઘને થયું, ’કમાલ છે ! હું આ પિંજરામાં હતો એ વાત સ્વીકારવા જ શિયાળ તૈયાર નથી !’ વાઘ જરા મૂર્ખ હતો. એ કહે,

’અરે ! મૂર્ખ શિયાળ ! હું તને હમણાં જ બતાવું છું કે હું આ પિંજરામાં કેવી રીતે હતો ? કહીને વાઘ પિંજરામાં ઘૂસ્યો. તે જ ક્ષણે શિયાળે બ્રાહ્‌મણને ઈશારો કર્યો. અને તે જ ક્ષણે બ્રાહ્‌મણે પિંજરાનો દરવાજો બંધ કરી દીધો. વાઘ એકદમ ઉછળ્યો. પણ પિંજરાના બંધ દરવાજા સાથે અથડાઈને નીચે પડયો.

’વાઘમામા ! હવે હું માનું છું કે, તમે આ પિંજરાંમાં સમાઈ શકો છો.’

’તો હવે મને બહાર કાઢોને !’

બ્રાહ્‌મણ કહે, ’ના, ભાઈ ! મારે ખજાનોયે જોઈતો નથી અને તને બહાર પણ કાઢવો નથી. તારા જેવો દગાબાજ તો પિંજરામાં જ સારો.’ પછી બ્રાહ્‌મણે શિયાળનો આભાર માન્યો અને બન્ને ચાલતાં થયાં.

વાઘ પોતાની મૂર્ખાઈ પર પિંજરામાં પંજા પછાડવા લાગ્યો.

’હે કુમારો ! અજાણી જગ્યાએ ભયનો સો વાર વિચાર કરવો. એવું અવળું સાહસ ન કરવું જે આપણા માટે ઘાતક બની જાય.’

***

શિયાળ ફાવ્યું

ઘોર જંગલમાં ઘણાં હિંસક પ્રાણીઓ રહેતાં હતાં. એમાં એક વાર એક દીપડો શિકાર માટે જઈ રહ્યો હતો.

રખડી રખડીને થાક્યો, પણ એકે શિકાર ન મળ્યો. ત્યાં અચાનક એની નજર એક મરેલાં હરણ પર પડી. એ જોઈને એના મોંમાં પાણી આવી ગયું. આમે હરણનું માંસ તો તેને ખૂબ જ ભાવતું. તે તો રાજીનું રેડ બની ગયું. અને દોડયું, હરણ પાસે. પરંતુ એ હરણ પાસે પહોંચ્યું ત્યાં જ એક રીંછ પણ હરણ પાસે પહોંચી ગયું. બન્ને સાથે જ હરણ પાસે પહોંચી ગયા.

દીપડો કહે, ’હરણ મેં પહેલાં જોયું અને હું પહેલો એની પાસે પહોંચ્યો છું. માટે એ મારૂં ભોજન છે. માટે રીંછડા, તું ભાગ !’

રીંછ કહે, ’અરે દીપડા, હરણને મેં પહેલાં જોયું. હું પહેલાં એની પાસે પહોંચ્યો અને તું શાનો હક કરે છે ? તું ભાગ અહીંથી !’

આમ રીંછ ને દીપડો ઝગડવા માંડયા. ઝગડતાં ઝગડતાં બન્ને મારામારી પર આવી ગયાં. અને એવા લડયાં, એવા લડયાં કે લોહીલુહાણ થઈ ગયાં. બન્ને એક તરફ ઢળી પડયાં. લડવાની તો શું, ઊંભા થવાની પણ બન્નેમાં શક્તિ ન હતી. બન્ને પડયા પડયા હાંફી રહ્યાં હતાં.

ત્યાંથી એક શિયાળ નીકળ્યું. તેણે જોયું તો એક મરેલું હરણ પડયું હતું. તેની એક બાજુ ઘાયલ રીંછ પડયું છે અને બીજી બાજુ ઘાયલ દીપડો. બન્ને લોહીલુહાણ થઈને હાંફતાં હાંફતાં પડયાં છે. એ સમજી ગયું કે આ હરણ માટે બન્ને લડીલડીને ઢસ થઈ ગયાં છે. ખસવાનીયે શક્તિ બન્નેમાં બચી ન હશે. શિયાળ તો ધીરેથી હરણ પાસે ગયું અને તેને મોંથી પકડી ખેંચવા લાગ્યું. તે દૂર સુધી હરણને ખેંચતું લઈ ગયું. ન તો એને રીંછ રોકી શક્યું કે ન તો દીપડો એને રોકી શક્યો. બન્ને લાચાર બનીને શિયાળને જતું જોઈ રહ્યાં. પોતાના પ્રિય ભોજનને જતું જોઈ રહ્યાં.

’હે કુમાર ! બેની લડાઈમાં ત્રીજો ફાવે તે આનું નામ.’

***

સમજુ વાંદરો

એક શિકારી શિકાર કરવા નીકળ્યો. પહેલાં કદી શિકારે ગયેલો નહિ. એટલે જોખમનો ખ્યાલ નહિ. એકલો એકલો જ નીકળી પડયો.

ત્યાં એણે એક હરણ જોયું. એને એણે બંદૂક ઉઠાવી જ્યાં નિશાન લેવા જાય છેવ ત્યાં હરણ ભાગ્યું. એ તો દોડયો હરણની પાછળ. હરણ આંખના પલકારામાં ક્યાંનું ક્યાં નાસી ગયું.

શિકારી હરણને શોધતો શોધતો આગળ ગયો. ત્યાં અચાનક નજીકથી જ વાઘની ગર્જના સંભળાઈ. આખું જંગલ ધ્રૂજી ઊંઠ્‌યું. અને શિકારી પણ ધ્રૂજી ઊંથ્યો. ગભરાટમાં ને ગભરાટમાં હાથમાંથી બંદૂક પડી ગઈ. ત્યાં તો સામેની ઝાડીમાં વાઘનું માથું દેખાયું.

શિકારીના તો હોશકોશ ઊંડી ગયા. એ દોડીને એક ઝાડ પર ચઢી ગયો. વાઘ કૂદ્યો પણ એને પહોંચ્યો નહિ. તે પહેલાં શિકારી ઝાડ પર ઊંંચે ચઢી ગયો હતો. શિકારને છટકી ગયેલો જોઈને વાઘે તો ગર્જના પર ગર્જના કરવા માંડી. પણ હવે શું થાય ! ગર્જના કરવાથી શિકાર થોડો મોંમાં પડવાનો હતો.

કંટાળીને વાઘ તો ઝાડ નીચે જ આંટા મારવા લાગ્યો. હવે એટલી જગ્યામાં એ ઝાડ એકલું જ હતું. એની આજુબાજુ થોડા અંતર સુધી બીજું કોઈ ઝાડ ન હતું. હવે એ ઝાડ પર એક વાંદરો પણ હતો. શિકારીને લીધે એ પણ ફસાઈ ગયો. વાંદરો પણ નીચે ઊંતરવા જાય તો વાઘ તેનો કોળિયો જ કરી નાખે. અને નીચે ઊંતર્યા સિવાય તો બીજે કશે જવાય નહિ. આથી વાંદરો અકળાયો અને ઝાડ પર કૂદાકૂદ કરવા લાગ્યો.

વાઘે વાંદરાને જોયો એટલે વાઘે કહ્યું,

’વાંદરાભાઈ ! તમે અકળાઓ નહિ. હું તમને નહિ ખાઈ જાઉં. ફક્ત એક કામ કરો. પેલા માણસને નીચે ફેંકી દો.’

’એ મારો શિકાર છે એને લઈને ચાલ્યો જઈશ. પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જજો.’

વાંદરો કહે, ’એ માણસે મારૂં કાંઈ બગાડયું નથી કે એ મારો ખોરાક નથી. પછી મારે એવું પાપ શા માટે કરવું જોઈએ ?’

શિકારી પણ વાંદરાને કહેવા લાગ્યો : ’વાંદરાભાઈ, રખે એવું કરતા ! મને વાઘના મોંમાં ધકેલીને તારા હાથમાં શું આવવાનું છે ! માટે મને ધક્કો નહિ મારતો.’

વાંદરાએ કહ્યું, ’તું ગભરાઈશ નહિ. હું તને ધક્કો નહિ મારીશ.’

ધીરે ધીરે રાત વીતવા લાગી. વાંદરાને પણ ઊંંઘ આવે અને શિકારીને પણ ઊંંઘ આવે. જો ઝોકું આવી જાય તો બન્ને નીચે પડે અને વાઘનો શિકાર બની જાય.

એટલે કહ્યું, ’આપણે વારા બાંધીએ. પહેલાં હું ઊંંઘી જાઉં છું. તું મારૂં ધ્યાન રાખજે. અડધી રાત પછી તું ઊંંઘી જજે અને હું જાગીશ. હું તારૂં ધ્યાન રાખીશ.’

વાંદરો કહે, ’સારૂં.’ અને પેલો શિકારી ઊંંઘી ગયો. વાઘે વાંદરાને ફરી સમજાવ્યો : ’વાંદરાભાઈ ! આ માણ્‌સની જાત બહુ કપટી અને નિષ્ઠુર હોય છે. તમે નકામો એનો પક્ષ લો છો. તમે એને નીચે ફેંકી દો. એથી હું મારા રસ્તે પડું અને તમે પણ છૂટા થાઓ. ઘરે તમારી વાંદરી અને બચ્ચાંઓ તમારી વાટ જોતાં હશે.’

’ના, એવું મારાથી ન થાય. એ બિચારો મારા ભરોસે ઊંંઘે છે. મારાથી એને દગો ન દેવાય.’ વાંદરાએ તો ઘસીને ના પાડી દીધી. અને વાંદરો જાગતો જ બેસી રહ્યો.

અડધી રાત વીતી એટલે વાંદરાએ શિકારીને જગાડયો અને કહ્યું, ’હવે તું જાગ. હું ઊંંઘી જાઉં છું.’

શિકારીએ કહ્યું, ’સારૂં.’ વાંદરો તો નચિંત બનીને ઊંંઘી ગયો.

ત્યાં વાઘે કહ્યું, ’એ માણસ ! તું આમ ને આમ ઝાડ પર ક્યાં સુધી બેસી રહેશે ? અને હું તો અહીંથી ખસવાનો જ નથી. ગમે એટલા દિવસ જાય ને ! હું તો અહીં જ રહેવાનો છું. પરંતુ જો તું આ વાંદરાને ધક્કો મારીને નીચે ફેંકી દેશે તો હું એનો શિકાર કરીને ચાલ્યો જઈશ ! એટલે હુંય છૂટો અને તુંય છૂટો.’

પહેલાં તો શિકારીએ ના પાડી પણ જેમ જેમ સમય જવા લાગ્યો, તેમ તેમ એને કંટાળો આવવા લાગ્યો. વાઘ પણ એને સમજાવી રહ્યો હતો. આથી શિકારી પીગળી ગયો.

એણે તો વાંદરાને ધક્કો માર્યો. વાંદરો ઊંંઘમાં ગબડી પડયો પણ બીજી જ ક્ષણે જાગીને વૃક્ષની નીચેની ડાળ પકડી લીધી. એટલે જમીન પર પડતા રહી ગયો. આમ વાંદરો છેલ્લી ઘડીએ બચી ગયો.

વાઘના મોંમાં આવેલો શિકાર પાછો ચાલ્યો ગયો. એણે વાંદરાને કહ્યું, ’જોયું, વાંદરાભાઈ ! તમે જે માણસ પર વિશ્વાસ રાખ્યો, જેને મારા મોંમાંથી બચાવી રહ્યા છો તે કેવો કપટી છે ! હવે આગળ પાછળનું કંઈ પણ વિચાર્યા વગર એને નીચે ફેંકી દો. એટલે હું માર રસ્તે પડું.’

વાંદરો કહે, ’ના ! એ ભલે કપટી રહ્યો. મારાથી એવું નથાય. તમે બીજો શિકાર શોધવા ઊંપડો. તમારૂં અહીં કંઈ જ વળવાનું નથી.’

વાંદરાએ તો શાંતિથી ના પાડી દીધી. અને પછી શિકારી સામે જોયું. શિકારી તો ભોંઠો પડીને નીચું જ જોઈ ગયો.

કંટાળીને વાઘ ચાલ્યો ગયો. એટલે વાંદરાએ પણ જવાની તૈયારી કરી. એણે કહ્યું, ’માણસ ! તારો સ્વભાવ સુધાર. કદી આવું કપટ ન કરવું. એનાથી કોઈક વાર મોટી મુશ્કેલીમાં આવી જશે. તું સવાર પડે પછી જ નીચે ઊંતરજે.’ કહીને વાંદરાએ છલાંગ મારી અને નીચે ઊંતરી દોડતો સામેનાં વૃક્ષો પર ચાલ્યો ગયો.

શિકારી મનમાં પસ્તાતો ચૂપચાપ બેસી રહ્યો.

’હે કુમારો ! કદી કપટ કરવું નહિ. ઉપકાર ઉપર અપકાર કદી ન કરવો, ચાહે ગમે તે લાભ કેમ ન મળતો હોય !’

***

સાપની કપટવિદ્યા

મૈકલ પર્વત પર એક નાગ રહેતો હતો. શરીરે તે બળવાન અને લાંબો હતો. આથી તે લાંબો કાળ સુધી સુરક્ષિત રહીને જીવ્યો.

સમય જતાં ઘરડો થયો. હવે તેનામાં શિકાર કરવાની શક્તિ અને અપળતા ઘટી ગઈ હતી. દાંત પણ તૂટી ગયા હતા. આથી તે ધારેલો શિકાર કરી શકતો ન હતો.

ભૂખ્યો ભૂખ્યો તે વધુ અશક્ત બનવા લાગ્યો. તેને થયું, આમને આમ તો હું મરી જઈશ. જીવતાં રહેવા માટે મારે કંઈક તો કરવું જ જોઈએ. એટલે તે વિચારવા લાગ્યો. અચાનક તેને એક યુક્તિ સૂઝી આવી.

તે તો આનંદમાં આવી ગયો અને પહાડથી સડસડાટ નીચે ઊંતરવા લાગ્યો. એ એક તળાવને કિનારે પહોંચ્યો. જ્યાં દેડકાઓનું મોટું રાજ્ય હતું. પુષ્કળ દેડકાંઓ ત્યાં રહેતાં હતાં. એને જોતાં જ બધાં જ દેડકાં તળાવમાં ભાગી ગયાં. પરંતુ એ કોઈ દેડકાં પાછળ દોડયો નહિ.

એણે એક ઝાડ નીચે આસન જમાવ્યું અને ચૂપચાપ દેડકાંઓની ગતિવિધિ જોવા લાગ્યો.

થોડી વાર થઈ એટલે દેડકાંના રાજાએ બહાર ડોકું કાઢ્‌યું તો નાગ દૂર એક ઝાડ નીચે ચૂપચાપ બેસી રહ્યો હતો. ધીરે રહીને તે બહાર નીકળ્યો. અને સલામત રહેવાય એ રીતે અંતર રાખીને નાગ પાસે પહોંચ્યો. નાગે દેડકાને જોયો છતાં તે હાલ્યો નહિ. તેમ એની આંખોને પણ હલાવી નહિ. જાણે દેડકાને જોતો જ નથી !

દેડકાને નવાઈ લાગી. તેને થયું, આ નાગની બુદ્‌ધિ ભ્રષ્ટ થઈ ગઈ હશે ? અથવા તે આંધળો થઈ ગયો હશે ? ધીરે ધીરે એ વધુ નજીક આવ્યો. છતાં તેણે સલામત અંતર તો રાખ્યું જ. અને નાગને બૂમ મારીઃ

’એ નાગરાજ ! આમ ચૂપચાપ કેમ બેઠા છો ?’

’ભાઈ ! મારા હાથે બહુ મોટું પાપ થઈ ગયું છે. એટલે હું ઢીલો થઈ ગયો છું. મને બ્રાહ્‌મણે શાપ આપ્યો છે.’

’શાપ !’ દેડકાને આશ્ચર્ય થયું. તે નાગની વધુ નજીક કૂદ્‌યો.

’દેડકાભાઈ ! મારા કરમની શું કથની કરૂં ! હું મારા સ્વભાવ અનુસાર એક ઉંદરનો શિકાર કરવા દોડયો પરંતુ ઉંદર પણ જીવ લઈને ભાગતો હતો. તે એક ઘરમાં પેસી ગયો જે બ્રાહ્‌મણનું હતું. ઘરમાં બ્રાહ્‌મણના ચાર-પાંચ છોકરાંઓ રમતાં હતાં. ઉંદરની પાછળ હું પણ ઘરમાં પ્રવેશ્યો. ઉંદર હાથવેંતમાં હતો એટલે મેં પણ દોટ મૂકી. ઉંદર છોકરાઓ વચ્ચેથી ભાગ્યો. અને હું પણ તેની પાછળ ભાગ્યો, પરંતુ છોકરાંઓને એકદમ ખ્યાલ ન આવ્યો કે, હું ઘરમાં દોડી રહ્યો છું. છોકરાંઓ પણ દોડાદોડી કરી રહ્યાં હતાં. તેમાં એક છોકરાનો પગ મારા પર પડયો અને ગુસ્સે થઈ મેં તેને ડંખ માર્યો.

તે દરમિયાન ઉંદર ભાગી ગયો હતો. હવે મને ભૂલનો ખ્યાલ આવ્યો. મને થયું, માણસો મને શોધી મારી નાખશે. એટલે હું પણ દોડતો ભાગી ગયો. પરંતુ મારા ઝેરથી પેલો છોકરો તરત મરી ગયો. ઘરનાં બધાં રોકકળ કરવા લાગ્યાં. કોઈ છોકરાના બાપને બોલાવી લાવ્યું. એનો બાપ સાચો કર્મકાંડી બ્રાહ્‌મણ હતો. એટલે મને શાપ આપ્યો કે, ’હે નાગ ! તેં મારા દીકરાનો જીવ લીધો છે એટલે તું દેડકાંની સવારી બની જા. દેડકાં તારા પર સવારી કરશે તો જ તારી સદ્‌ગતિ થશે.’

’બસ ! ત્યારથી હું ઢીલા પગે આવીને અહીં બેઠો છું. ભલા ! મારા પર દેડકાં થોડી સવારી કરવાના હતાં ! મારો કોણ વિશ્વાસ કરે ? મને લાગે છે કે મારી દુર્ગતિ જ થવાની છે. મારો મરણકાળ નજીક છે. એટલે મને બહુ ચિંતા થઈ રહી છે.’

નાગની કરૂણ કથા સાંભળી દેડકો પીગળી ગયો. તેને થયું, ’હું મારી પ્રજાને હુકમ કરીશ તો બધાં આ નાગ પર સવારી કરશે. અને એનો શાપ ઊંતરી જશે. પરંતુ વાત સાચી... નાગનો વિશ્વાસ કોણ કરે ?’

દેડકો તો તળાવમાં ગયો અને બધાંને નાગની વાત કરી અને બધાંને નાગની વાત કરી. બધાં ગભરાઈ ગયાં... ના, ભાઈ ! નાગનો શાપ ઊંતરવાનો હોય તો ઊંતરે આપણે શા માટે જીવ જોખમમાં નાખવો જોઈએ ?

પરંતુ બે-ત્રણ દેડકાં સાહસિક હતાં. તેમને થયું, આજે મરો કે કાલે મરો... એમાં શું ફેર પડવાનો છે ! નાગ પર સવારી કરવાની કેટલી મજા આવે ! આપણે સાહસ કરીને નાગ પર સવારી કરવા જઈએ. તેમણે પોતાની વાત દેડકા રાજાને કરી.

રાજા પણ ખુશ થયો કે ચાલો, મારા રાજ્યમાં બહાદૂરો છે ખરા ! તેણે કહ્યું, ’તમે મરજીવા છો. જો તમે નાગની સવારી કરી પાછા આવશો તો હું તમારૂં બહુમાન કરીશ.’

ત્રણે દેડકાં ખુશ થઈ ગયાં.

દેડકાનો રાજા ત્રણે દેડકાંને લઈને ઊંપડયો નાગ પાસે અને કહ્યું, ’હે નાગરાજ ! મારા આ ત્રણ દેડકાં તમારા પર સવારી કરશે.’

નાગ તો ખુશ થઈ ગયો અને બોલ્યો, ’તમારો આભાર ! દેડકાભાઈ !’ કહીને એણે ત્રણેને પોતાના પર ચઢી જવા કહ્યું. નાગ સરકવા માટે લાંબો થયો એટલે ત્રણે દેડકાં તેના પર કૂદીને બેસી ગયાં. નાગ સરકવા લાગ્યો. દેડકાંનો રાજા તેમને જતાં જોઈ રહ્યો. દૂર દૂર ફરીને નાગ પાછો આવ્યો. એટલે ત્રણે દેડકાં ઊંતરી પડયાં. અને પોતાના રાજા સાથે તળાવમાં ગયા. ત્યાં રાજાએ ત્રણ દેડકાનું બહુમાન કર્યું. ત્રણે દેડકાં તો છાતી ફુલાવીને પોતાને નાગની સવારી કરવામાં કેવી મજા આવી, રસ્તામાં શું શું જોયું તેનું રોચક વર્ણન કરવા લાગ્યાં.

પછી તો બધા જ દેડકાં નાગની સવારી કરવા તૈયાર થઈ ગયાં. દેડકાના રાજાએ નાગને પૂછ્‌યું, ’નાગરાજ ! અમારે ત્યાં ઘણાં દેડકાં તમારી સવારી કરવા તૈયાર થઈ ગયાં છે. તેમને બેસાડશો ?’

’હા... હા... કેમ નહિ ? તમે તો મારા પર મહા ઉપકાર કરી રહ્યા છો. હું બધાંને બેસાડીને રોજ ફેરવીશ !’

રાજાએ તળાવમાં જઈને કહ્યું, ’જેને નાગની સવારી કરવી હોય એ નાગ પર બેસી જાય.’

પછી તો પૂછવું શું ? બધા જ કૂદતાં કૂદતાં ભાગ્યાં અને નાગ પર બેસવા પડાપડી કરવા લાગ્યાં. નાગ ધીરેથી એમાંના બે-ત્રણ દેડકાંને ગળી ગયો. કોઈને એ વાતની ખબર ન પડી. નાગ તો સરકવા લાગ્યો. બધાને ફરવાની બહુ જ મઝા આવી. જે રહી ગયા તે નિરાશ થઈને પાછા આવ્યાં. નાગને પણ બહુ મઝા આવી. એને તો વગર મહેનતે ભરપેટ ખોરાક મળી ગયો.

ઘણા દિવસ સુધી આ ક્રમ ચાલ્યો. અચાનક દેડકાંઓના રાજાને થયું, દેડકાંઓની વસતી સારી એવી ઘટી ગઈ છે. અહીં કોઈનો ઉપદ્રવ નથી તો વસતી કેમ ઘટી ગઈ છે ? તે ચિંતામાં પડી ગયો. ગમે તેમ તોયે એ રાજા હતો. રાજ્યના રક્ષણની જવાબદારી એના પર હતી. વિચાર કરતાં કરતાં એને નાગ યાદ આવ્યો. વસતી ઘટવા માટે એ નાગ તો કારણભૂત નહિ હોય ?

બીજે દિવસે બધાં દેડકાં નાગ પર સવારી કરવા તૈયાર થયા ત્યારે એ એક ઝાડ પાછળ સંતાઈ ગયો અને નાગની ગતિવિધિ ધ્યાનથી નિહાળવા લાગ્યો.

નાગ પર બેસવા માટે બધા દેડકાં પડાપડી કરતાં હતાં. ધીરેથી નાગ એના મોં પાસે આવેલા દેડકાને ગળી ગયો. એમ એણે ત્રણ-ચાર દેડકાં ખાધાં. કોઈ દેડકાઓનું એ તરફ ધ્યાન ન હતું. બધાં જ નાગ પર બેસવા માટે પડાપડી કરતાં હતાં.

દેડકાંઓનો રાજા ધ્રૂજી ગયો. ફરીથી બધાં દેડકાં પાછાં આવ્યાં. રાજાએ ધીરેથી બધાંને કહ્યું, ’આપણે બહુ બની ગયાં છીએ. આ નાગ ઢોંગી છે. મૂરખ બનાવીને આપણને ખાઈ રહ્યો છે...’

ત્યાં જ એક દેડકી બોલવા લાગી : ’મહારાજ ! મારો દીકરો કેટલા વખતથી નથી મળતો.’ તો કોઈ બોલ્યું, ’મારો પતિ ગુમ થયો છે.’ આમ એકી અવાજે કેટલાંય દેડકાં પોતાના સ્વજનો ગુમ થયાની ફરિયાદ કરવા લાગ્યાં.

દેડકારાજાને બહુ દુઃખ થયું. તેણે બધાંને આશ્વાસન આપ્યું અને કહ્યું, ’હવે એ નાગ નજીક કોઈ જશો નહિ. તે ભૂખ્યો-તરસ્યો પોતાની મેળે જ ભાગી જશે.’

બીજે દિવસે કોઈ દેડકો તળાવમાંથી બહાર સવારી કરવા ન આવ્યો. એટલે નાગ સમજી ગયો કે, પોતાના કપટની જાણ દેડકાંઓને થઈ ગઈ છે. હવે અહીં કશો ખોરાક મળવાનો નથી. હવે મારે બીજા તળાવની શોધમાં જવું જોઈએ.

આમે રોજ ભરપેટ ભોજન મળતું હતું. એટલે એ શક્તિશાળી બની ગયો હતો. એ ધીરેથી સરકીને ચાલ્યો ગયો.

દેડકાંનો રાજા છાનોમાનો તેની ગતિવિધિ નિહાળી રહ્યો હતો. તેને જતો જોઈને રાજાએ નિરાંતનો શ્વાસ લીધો.

’હે કુમારો ! આ દુનિયા કપટી લોકોથી ભરેલી છે. માટે ચેતીને ચાલવું. ઝડપથી કોઈનો વિશ્વાસ કરવો નહિ.’

***

સિંહને ઉઠાડયો

એક ખેડૂત કસબામાંથી ખરીદી કરીને પોતાને ગામ જઈ રહ્યો હતો. એણે પોતાનાં બાળકો માટે જલેબી બંધાવી હતી. રસ્તે ચાલતાં ચાલતાં એને જલેબી ખાવાનું મન થયું. એણે તો ચાલતાં ચાલતાં જ પછેડીના છેડે બાંધેલું જલેબીનું પડીકું ખોલ્યું અને અંદરથી એક જલેબી કાઢી. પણ તેની સાથે બીજી જલેબી ચોંટી રહેલી તે નીચે ધૂળમાં પડી ગઈ તેનો અફસોસ કરતો કરતો આગળ ચાલવા માંડયો. હવે ત્યાં ઝાડ પર બેઠેલી એક સમડીએ પેલી જલેબી જોઈ. અળસિયું સમજીને એણે ઝપટ મારી જલેબીને ચાંચમાં પકડી અને ઊંડવા માંડી. અને બાજુના જંગલમાં ઘુસી ગઈ. ત્યાં એક ઝાડ પર બેસીને એ જલેબી ખાવા ગઈ. પણ એને ભાવી નહિ. એટલે એણે નીચે ફેંકી દીધી અને એ પાછી ઊંડીને દૂર ક્યાંક નીકળી ગઈ.

હવે બે-ત્રણ માખીઓ એ જલેબી પર બેઠી અને તેનો મીઠો રસ ખાવા લાગી. ત્યાં જ ત્યાં એક સિંહ આવ્યો અને એ જલેબીના ટુકડા પર જ લાંબો થઈ બેસી ગયો. જલેબીના ટુકડા એના દેહ નીચે દબાઈ ગયા.

માખીઓએ સિંહને કહ્યું, ’મહારાજ ! આપના શરીર નીચે અમારો ખોરાક દબાઈ ગયો છે. જરા ઊંઠો ને !

’શું ? તમારે ખાતર હું ઊંઠું ? જા...જા હવે ! બીજું કંઈ ખાઈ લો.

’મહારાજ ! એ અમારૂં ભાવતું ભોજન છે. માંડ માંડ આ જંગલમાં મળ્યું છે. અમને ખાવા દોને !’ માખીઓએ તો સિંહને વિનંતી કરી.

’અરે, બે ટકાની માખીઓ, શું કચકચ કરો છો ! ઘડીક જંપવાયે દેતાં નથી. ભાગો અહીંથી. નહિ તો તમારા બાર વગાડી દઈશ.’ સિંહ તો ગુસ્સે થઈ ગયો અને માખીઓને ઉડાડી મૂકી પણ માખી જેનું નામ. તેઓને થયું, આ સિંહ એના મનમાં સમજે છે શું ? અભિમાન તો રાજા રાવણનુંય નથી રહ્યું. ત્યારે આ તો સિંહ છે. એને બતાવી આપવું જોઈએ કે, તું માને છે એવાં તુચ્છ અમે નથી. ભલે અમારૂં શરીર નાનું રહ્યું.

અને માખીઓ તો સિંહના નાક પર, મોં પર જઈને બેઠી. એક માખી સિંહના કાનમાં ગણગણવા લાગી. સિંહ માથું હલાવી હલાવીને કંટાળ્યો... પછી નાક ઘસવા લાગ્યો... કાન ઘસવા લાગ્યો... મોં ઉઘાડબંધ કરવા લાગ્યો... પણ માખી ધીરજથી લાગી જ રહી. સિંહને હેરાન કરતી જ રહી. સિંહ અત્યંત કંટાળી ગયો અને થાકી ગયો.

ન તો માખી ભાગી જતી હતી... ન તો મરતી હતી... એણે માખીઓને કહ્યું, ’ભાઈસાબ ! બહુ થયું. લો હું હાર્યો અને ઊંઠ્‌યો. ખાઓ તમારાં બત્રીસ પકવાન.’ કહીને સિંહ ઊંભો થયો અને એ જગ્યા છોડીને ચાલતો થયો.

માખીઓ તો આનંદથી નાચી ઊંઠી. અને ફરી જલેબી ખાવા મંડી પડી.

’હે કુમારો ! નાના માણસો પણ કોઈ વાર પોતાની વિશિષ્ઠ શક્તિને લીધે વધુ શક્તિશાળી ઠરે છે. માટે તેમની શક્તિને ઓછી ન આંકવી.’

***

સોનાની ચરક

એક ગરીબ શિકારી હતો. તે જંગલી પંખી-પ્રાણીઓનો શિકાર કરતો અને પોતાનું તથા પોતાના કુટુંબનું પેટ ભરતો. એક વાર એ સાંજ સુધી રખડતો રહ્યો પણ એને ક્યાંય કોઈ શિકાર ન મળ્યો. એ ખૂબ થાકી ગયો. હવે એનામાં ચાલવાનીયે શક્તિ રહી ન હતી. કંટાળીને એ એક ઝાડ નીચે લાંબો થઈને સૂઈ ગયો. અને ચારે તરફ જોવા લાગ્યો કે, કોઈ પંખી એના હાથમાં આવી શકે એમ છે ! ત્યાં અચાનક એક નાનકડું પંખી એણ ઉપરની ડાળ પર બેઠેલું જોયું. દેખાવમાં તો એ કાબર જેવું નાનકડું જ હતું. પણ એનો રંગ સોના જેવો ચળકતો હતો. ત્યાં જ એ ચરક્યું તે સીધું શિકારીના પગ પર પડયું. અને તે ચરક તરત જ સોનું બની ગઈ. શિકારીએ આશ્ચર્યથી તે ગઠ્‌ઠાને ઊંંચકીને જોયું તો તે સોનું જ હતું.

શિકારીને થયું, આ પક્ષીને પકડું તો મારૂં દળદર ફીટી જાય. એણે તો પેલા સોનાનો ગઠ્‌ઠો લંગોટીને છેડે વીંટી દીધો. અને ત્વરાથી એ પંખી પર જાળ નાખી. નસીબ યોગે પંખી જાળમાં ફસાઈ ગયું. શિકારી તો પંખીને લઈને ઘરે આવ્યો. એક પિંજરામાં પંખીને પૂર્યું. અને પેલો સોનાનો ગઠ્‌ઠો લઈને બાજુના નગરમાં ગયો. અને એક સોનીને ત્યાં પેલો ગઠ્‌ઠો બતાવ્યો. સોનીએ કહ્યું, ’આ તો ચોખ્ખું સોનું છે.’ અને એણે એના પૈસા આપ્યા.

શિકારી તો ખુશ થઈ ગયો. એ પૈસામાંથી એના કુટુંબે તે દિવસ પેટ ભરીને ખાધું. છતાં ઘણા પૈસા વધ્યા.

હવે શિકારીને વિચાર આવ્યો કે, જો હું રોજ રોજ સોનું વેચવા જઈશ તો બધાને મારા પર શંકા પદશે અને હું અભણ માણસ રાજના માણસોના હાથમાં ફસાઈ જઈશ. તેઓ માનશે કે મેં ક્યાંકથી મોટી ચોરી કરી છે. કારણ કે આ પક્ષીની ચરક સોનાની છે એવું કોઈ માનશે નહિ. અને રાજા મને કાળકોટડીમાં પૂરી દેશે. કોઈને પક્ષી બતાવીશ તો તે બળજબરીથી મારી પાસેથી પક્ષી લઈ લેશે. એના કરતાં હું મારી જાતે જ રાજાને આ પક્ષી ભેટ આપું એટલે રાજા મારા પર ખુશ થશે અને મને મોટું ઈનામ આપશે.

આમ વિચારીને શિકારી બીજે દિવસે રાજાના દરબારમાં ગયો. તેણે પ્રણામ કરીને રાજાને કહ્યું,

’હે મહારાજ ! આ પક્ષીની ચરક સોનાની બની જાય છે. આવા આ અદ્‌ભૂત પક્ષીને હું તમારે ચરણે ભેટરૂપે ધરૂં છું. તો તમે સ્વીકાર કરો.’

રાજાને અને દરબારમાં બધાને જ નવાઈ લાગી. કોઈએ એવું કદી સાંભળ્યું ન હતું.

રાજાએ પંખીનું પાંજરૂં હાથમાં લીધું અને આમતેમ ફેરવીને જોવા માંડયું.

ત્યાં જ રાજાનો મંત્રી બોલ્યો, ’મહારાજ ! આ માણસ તમને છેતરવા આવ્યો લાગે છે. પક્ષીની ચરક કદી સોનાની બનતી હશે ! એને એમ કે, આવું એકાદ પક્ષી મહારાજને ભેટ ધરી આવું એટલે મહારાજ મોટું ઈનામ આપશે.’

’નહિ, નહિ, મહારાજ ! હું તમને છેતરતો નથી. મારી વાત તદ્દન સાચી છે.’ શિકારી ઉતાવળથી બોલી ઊંઠ્‌યો. ’એ ચરકે ત્યારે તમે પરીક્ષા કરજો.’

પણ મંત્રી પોતાની વાત વારંવાર કરવા લાગ્યો. રાજા આવા પક્ષી બદલ એક જંગલી માણસને શિરપાવ કે ઈનામ આપે એ મંત્રીથી સહન થાય એમ ન હતું. એ બહુ ઈર્ષાળુ હતો.

રાજાને પણ મંત્રીની વાત સાચી લાગી. એટલે એણે પંખીને પિંજરામાંથી કાઢીને ઉડાડી મૂક્યું. પંખી દરબારમાં લટકાવેલા ઝુમ્મર પર બેઠું અને ચરક્યું. બધાએ આતુરતાથી તેની ચરક પર નજર ઠેરવી. અને બધા સ્તબ્ધ બની ગયા.

સાચે જ તે પક્ષીની ચરક સોનું બનીને ચમકી રહી હતી. રાજાએ ઉત્સુકતાથી ઊંઠીને તે ચરક હાથમાં લીધી તો તે સોનાનો ગઠ્‌ઠો હતો.

ત્યાં જ પક્ષી બોલ્યું, ’હે રાજન ! હું આ સોનાની ચરક બતાવવાની હોંશિયારી મારવામાં આ શિકારીની જાળમાં ફસાયું, એટલે હું મૂરખ અને તેં ધીરજ ન રાખી, મંત્રીના કહેવાથી મને ઉડાડી મૂક્યું, એટલે તું પણ મૂરખ.’ કહીને પક્ષી ઊંડી ગયું અને જરા વારમાં તો દેખાતું બંધ થઈ ગયું.

પક્ષીને છોડી મૂકવા બદલ રાજાને ઘણો પસ્તાવો થયો. છતાં તેણે શિકારીને મોટું ઈનામ આપ્યું.

મંત્રી માથું ઊંચું જ ન કરી શક્યો.

’હે કુમારો ! દરેક કાર્યમાં ધીરજ રાખવી. કોઈ નિર્ણય ઉતાવળે ન લેવા. નહિ તો રાજાની જેમ પક્ષી ગુમાવવાનો વારો આવે.’

***

મુનિ અને ઉંદરડી

નદીને કિનારે એક મુનિ નાનકડી ઝૂંપડી બાંધીને રહેતા હતા. આકરી તપસ્યાને કરીને અંતે તેમણે અનેક સિદ્‌ધિઓ મેળવી હતી. આસપાસના વિસ્તારોમાં મહાન તપસ્વી તરીકે તેમની નામના હતી. એક દિવસ સવારે તેઓ ગંગાસ્નાન કરીને સૂર્યને અંજલી આપી રહ્યાં હતા ત્યારે તેમની ઉપર આકાશમાં એક બાજ પોતાના તીક્ષ્ણ નહોરવાળા પંજામાં એક ઉંદરડીને પકડીને લઈ જતો હતો. મુનિએ તે જોયું.

તરફડતી ઉંદરડીને જોઈને તેમને દયા આવી, એટલે તેમણે નદીમાંથી એક પથ્થર ઉઠાવીને પેલા બાજ તરફ ફેંક્યો, પથ્થર વાગતાં તેના પંજામાંથી ઉંદરડી છૂટી ગઈ અને તે મુનિથી થોડેક દૂર જમીન પર પડી. ઉંદરડીએ કિનારે આવી રહેલા મુનિને આજીજી કરીને કહ્યું, “ભગવન, આપ મને આપની સાથે લઈ જાઓ, મને અહીં જ મૂકીને જશો તો બીજુ કોઈ પ્રાણી પક્ષી મારી નાખશે.”

મુનિને ઉંદરડીની વાત સાચી લાગી. ઉંદરડી પર દયા આવી. તેમને થયું કે આ ઉંદરડીને પોતાની સાથે ક્યાં ફેરવવી? એ વિચારે તેમણે ઉંદરડીને પોતાના તપોબળથી અને મંત્રસિદ્‌ધિથી કન્યા બનાવી દીધી અને તેને પોતાની કુટીરમાં લઈ ગયા, પોતાની પત્નીને તેમણે કહ્યું, “લો આ કન્યા, આપણે કોઈ સંતાન નથી તેથી આ કન્યાને દીકરી તરીકે ઉછેરો.” મુનિપત્ની દીકરી પામીને ખુશ થઈ ગયાં. કન્યા પણ મુનિ અને મુનિ-પત્નીને માતાપિતા માની તેમની સેવા કરવા લાગી.

આમ કરતાં કન્યા મોટી થઈ ગઈ. એક દિવસ ઋષિપત્નીએ કહ્યું, “સ્વામી, હવે આને પરણાવવી જોઈએ, આને માટે સારામાં સારો વર શોધી કાઢવો જોઈએ.”

મુનિએ કહ્યું, “આપણી આ પુત્રીને હું સૂર્યદેવને અર્પણ કરવા ઈચ્છું છું. એમના જેવો તેજસ્વી અને પ્રભાવશાળી બીજો કોણ છે?” આમ વિચારીને તેમણે સૂર્યદેવનું ધ્યાન ધર્યું, આવાહન કર્યું. સૂર્યદેવ આવ્યા. મુનિએ કન્યાને બોલાવીને સૂર્યદેવ બતાવ્યા, પછી પૂછ્‌યું, “બેટા તને આ પતિ તરીકે સ્વીકાર્ય છે?”કન્યા નાક ચડાવતા બોલી, “ઊંંહું, આ તો બહુ જ ગરમ અને દઝાડે એવો છે, પિતાજી મારા માટે આનાથી પણ શ્રેષ્ઠ હોય તેવો વર શોધી લાવો.”

મુનિએ વિચાર્યું, “સૂર્ય કરતાંય વાદળ મહાન છે કારણકે એ સૂર્યને ગમે ત્યારે ઢાંકી દઈને ઝાંખો પાડી દે છે.” મુનિએ વાદળનું આહવાન કર્યું, વાદળ કન્યા સામે હાજર થયું, કન્યા તેને જોઈને મોઢા પર અણગમો લાવીને બોલી, “આ તો કાળો અને પોચટ છે.”

મુનિએ વિચાર્યું, “વાદળ કરતાંયે બળિયો પવન છે, એ ગમે ત્યારે આવીને બધું હતું ન હતું કરી નાંખે છે.” આથી મુનિએ પવનને કન્યા સામે હાજર કર્યો. તેમણે પવનને બતાવી દીકરીને પૂછ્‌યું, “દીકરી, શું આ તને પસંદ છે?” પણ કન્યા તો પવન સામે જોઈ મોં ચડાવતા બોલી, “આ તો બહુ જ ચંચળ છે, એનું તો કંઈ ઠામ ઠેકાણું ય ન મળે.”

મુનિએ તપોબળથી પહાડને પ્રગટ કર્યો, કેમ કે પહાડ એવો સ્થિર છે કે ગમે તેવો પવન પણ તેને હલાવી શક્તો નથી. પણ તેને જોતા જ કન્યા બોલી, “આ તો કદરૂપો અને લૂખો-સૂકો છે, આવા બેડોળને તો હું નહિં જ પરણું.”

મુનિએ પહાડને પૂછ્‌યું, “પર્વતરાજ, તમારા કરતાંય વધારે તાકાતવાન કોઈ છે ખરૂં ? ત્યાં તો પહાડ બોલ્યો, “મારાથી વધુ તાકાતવાન તો ઉંદર છે, એ મારા મજ્બત દેહને પણ ચારે બાજુથી ખોદીને કાણાંવાળો બનાવી દે છે.”

મુનિએ અંતે ઉંદરનું આવાહન કર્યું, એટલે તે ઝટપટ ત્યાં આવી ગયો. કન્યા તો ઉંદરને જોતા જ રાજી રાજી થઈ ગઈ. મુનિ કંઈ પૂછે એ પહેલા જ તે બોલી ઉઠી, “પિતાજી મને તો આ જ વર ગમે છે, કેટલો ચપળ, રૂપાળો અને જોરાવર છે.”

મુનિ પણ સમજ્યા કે વ્યક્તિને ગમે તેટલું ઉત્તમ મળે પણ તે પોતાના મૂળ સ્વભાવને ત્યજીને શ્રેષ્ઠનો સ્વીકાર કરી શકે નહીં. મુનિએ કન્યાને ઉંદરડી બનાવી દીધી અને મૂષકરાજ સાથે પરણાવીને વિદાય કરી.

***

સિંહ અને સસલું (ભાગઃ૨)

મધ્ય ભારતમાં નંદનવન નામે એક જંગલ આવેલું હતું. તે જંગલનો રાજા સિંહ હતો. તે સિંહ પોતાને તો ફાવે તેમ તે જંગલના કાયદા ઘડતો.તેને થયું કે "હું રાજાપઅને શિકાર કરવા જાતે જાઉં, એ તો બરોબર ન કહેવાય." તેથી તેણે કાયદો કર્યો કે રોજ જંગલના એક પ્રાણીએ વારાફરથી તેના પાસે આવવાનું અને તેનો ખોરાક બની જવાનું. બધા પ્રાણીઓને પણ થયુ કે આમેય રોજ આટલા બધાને મારે છે. તરો જ સિંહનો ભોગ બનીને દરેકે ભયમાં જીવવું તેના કરતા દરેક ઘરમાંથી રોજ એક જ જણે જવું. આમ નક્કી થયું. સિંહને તો જલસા પડી ગયા.

રોજ વારા ફરથી એક પછી એક પ્રાણીનો ક્રમ આવવા માંડયો. વારા પ્રમાણે એક વાર ચતુર સસલાનો વારો આવ્યો. સસલાને જરાયે ન ગમ્યું. આમ પણ મરવા જવું કોને ગમે? પણપ તે લાચાર હતો. તે વિચારવા લાગ્યો આમાંથી ઉગરવાનો કોઈ ઉપાય શોધવો જોઈએ જેથી બધાને બચાવી શકાય. પણપશું? એમ વિચારતો વિચારતો તે સિંહ પાસે પહોંચ્યો ત્યારે થોડુ મોડું થઈ ગયું હતું. ભૂખથી પીડિત સિંહ ગુસ્સાથી આંટા મારતો હતો.

સસલાને જોતા જ તેણે ત્રાડ પાડીપ”કેમ આટલું મોડું?” સસલું કહે,”રસ્તામાંપ.” સિંહ વચ્ચે જ કહે,”હવે એ બધી વાર્તા રહેવા દે..મારા દાદા મૂરખ હતા ને પોતાનો જીવ ગુમાવ્યો હતોપ.હું મૂરખ નથી. તને કૂવામાં બીજો સિંહ દેખાયોપઅને એવી બધી વાર્તામાં ચાલાકીમાં હું નહીં ફસાઉંપ”

સસલુ કહે, ”હા,નામદારપ.મને યે એ ખબર છે. અને એ માટે હું દિલગીર છું. મારે તો મારા દાદાએ આપના દાદા સાથે કરેલ છેતરપિંડીનું પ્રાયશ્વિત કરવું છે અને હું તમને મૂરખ બનાવી શકું એવી મારી હેસિયત કયાં છે?”

સિંહ થોડો શાંત અને ખુશ થયો.પછી કહે,”તો મોડું કેમ થયું?”

સસલુ કહે, ”આ તો હું આવતું હતું..ત્યાં તળાવ ને સામે કિનારે એક વૃધ્ધ સિંહ અને તેની પત્ની મળ્યા. રાજાજી શું સુંદર સિંહણપ!! યુવાન સિંહણ અને એ ઘરડો સિંહપ..!!! સિંહણને એ ખૂબ હેરાન કરે છેપપણ બિચારી કોને કહે? બાકી નામદાર,એ તો આપ જેવા સિંહની રાણી તરીકે જ શોભે હોં!!”

કહી સસલાએ તો સિંહણના એટલા બધા વખાણ કર્યા અને કહ્યું કે તમે જ એને આ લુચ્ચા સિંહના ત્રાસમાંથી છોડાવી શકો તેમ છો. સિંહ ને તો પોતાના વખાણ સાંભળી પોરસ ચડયો,”મારા રાજયમાં એ સિંહણ દુઃખી થાય એ કેમ ચાલે? ચાલ, મને બતાવપ.”

સસલું તો સિંહને નદી કિનારે લઈ ગયું. એને તો સામે કોઈ દેખાયું નહીં. સસલું કહે,” સિંહણને લઈ ગયો લાગે છે. બહુ સરસ છે ને એટલે બહુ બહાર જ નથી નીકળવા દેતો બિચારીને!!”

સિંહ કહે ,”એમ? તો હવે શું કરવું?” સસલું કહે,”અરે,એ સિંહ બિચારો છે વૃધ્ધ.તમારી એક ઝાપટનો જ ઘરાક છે. અને આ કંઈ ઉંડો કૂવો થોડો છે? છીછરૂં તળાવ છેપએક છલાંગ મારશો ને સીધા સામે કિનારેપતમારા જેવાને વાર કેટલી?”

સિંહ ને તો આવી ગયો જુસ્સો. વળી તે હમણાં બહુ બહાર નીકળતો ન હોવાથી તેને ખબર પણ નહોતી કે હમણાં આ તળાવ માં કેટલો કાદવ જમા થયો હતો કે જરાક પગ મૂકશે અને ડૂબી જશે. સિંહે તો વગર વિચાર્યે એવો જોશથી કૂદકો માર્યો તળાવ માંપ.હવે તળાવમાં એટલો કાદવ હતો કે સિંહરાજા તો કાદવમાં ફસાઈ ગયાપઅને જેમ બહાર નીકળવાનું જોર કરે તેમ વધારે ને વધારે ફસાતો જાય. છેવટે સિંહ એમાં જ ફસાઈ ને કાદવમાં જ ડૂબી ને મરી ગયો.

સારઃ ક્યારેય પોતાના વ્ચખાણ સાંભળીને પોરસાઈ ન જવું.

***

‘ના, હું તો ગાઈશ જ!’

ઘણાં સમય પહેલાં એક ધોબી પાસે એક ગધેડો હતો. ધોબી આખો દિવસ એ ગધેડા પાસે સખત કામ કરાવતો અને રાતના સમયે એને છૂટો મૂકી દેતો. રાત્રે તે ગધેડો અહીં તહીં ચરીને પોતાનું પેટ ભરતો.

એક રાત્રે એ ગધેડાને એક શિયાળ મળ્યું. બન્ને વચ્ચે દોસ્તી થઈ ગઈ. શિયાળે ગધેડાને કહ્યું, ‘ચાલ આજે હું તને સરસ મજાની જગ્યા બતાવું. ત્યાં આપણને ધરાઈને ખાવાનું મળશે.’

શિયાળ ગધેડાને એક ખેતર પાસે લઈ ગયું. જુવારના ખેતરના એક ખૂણે કાકડીના વેલા પથરાયેલા હતા વેલ પર કૂણી કૂણી કાકડીઓ ઉગી હતી. . ખેતરની વાડમાં એક છીંડુ હતું એમાંથી બંને અંદર પેઠા. આવી સરસ તાજી કાકડીઓ જોઈને ગધેડાના મોઢામાં તો પાણી આવવા લાગ્યું. ગધેડાએ ધરાઈને કાકડી ખાધી.

કાકડી ખાઈને ગધેડો ગેલમાં આવી ગયો. તેને ગાવાની ઈચ્છા થઈ આવી. તેણે શિયાળને કહ્યું, ‘ભાઈ શિયાળ, આજે કેવી રૂપાળી સરસ મજાની પૂનમની રાત છે, આકાશમાં ચાંદો ય કેવો સુંદર લાગે છે ! આવા મજાના વાતાવરણમાં હું ગાઉં અને તું સૂર પૂરાવ તો કેવું ?’

શિયાળ કહે, ‘અરે ગધેડાભાઈ, હાથે કરીને ઉપાધી શીદને વહોરી લેવી? આપણે અત્યારે ચોરની જેમ આ ખેતરમાં છાનામાના પેઠા છીએ. એટલે મૂંગા રહેવામાં જ મજા છે. તમે ગાશો કે તરતજ રખેવાળ તમારો ઉંચો સૂર સાંભળી જાગી જશે. અને આપણા બાર વાગી જશે.’

ગધેડો બોલ્યો, ‘મૂર્ખ, તું તો જંગલી જ રહ્યો. સંગીતના રસને તું શું સમજે?’

શિયાળે ગધેડાને ન ગાવા માટે ઘણુંય સમજાવ્યો, પણ હવે ગધેડો તેની હઠ લઈને બેઠો હતો. તે કહે, ‘ના હું તો ગાઈશ જપ’

ગધેડો ગાવાનું શરૂ કરે એ પહેલાં ચતુર શિયાળ બોલ્યું, ‘ગધેડાભાઈ, તમે ઘડીવાર થોભો. હું પેલા ઝાંપા પાસે ઉભો રહી રખેવાળનું ધ્યાન રાખું છું. પછી તમે નિરાંતે ગાઓપ.’

શિયાળ વાડીની બહાર નીકળી ગયું. હવે ગધેડો ડોક ઉંચી રાખીને મોટે મોટેથી ગાવાનું શરૂ કર્યું, ‘હોંપ ચીપ. હોંપ. ચીપ’ એના ભૂંકવાનો અવાજ સાંભળીને ખેતરનો રખેવાળ દોડી આવ્યો. તેણે પોતાની જાડી ડાંગ વડે ગધેડાને મારી મારીને અધમૂવો કરી નાંખ્યો. પછી તેના ગળે વજનદાર પથરો બાંધીને તે ચાલ્યો ગયો.

થોડીવાર પછી ગધેડો મહામહેનતે ઉભો થયો. તે ગળે લટકાવેલ મોટા પથરા સાથે લંગડાતો લંગડાતો ખેતરની બહાર આવ્યો. શિયાળે પૂછ્‌યું, ‘ગધેડાભાઈ, આ શું થયું?’

ગધેડો હવે શું બોલે ? તેને હવે સમજાઈ ગયું હતું કે તેણે શિયાળની સલાહ માનીને ગાવાનું માંડી વાળ્યું હોત તો આ દશા ન થાત.

સારઃ કોઈ પણ કર્ય કરતાં પહેલાં પરિણામનો વિચાર કરવો અને આપેલી સલાહનો ઉદ્દેશ્ય સમજવો.

સિંહ અને ઉંદર

મધ્ય ભારતમાં નંદનવન નામે એક મોટું જંગલ હતું. તેમાં એક સિંહ રહેતો હતો. તે જંગલનો રાજા હતો. તે આખો દિવસ આરામ કરતો અને રાત્રે શિકાર કરતો. પોતાનું પેટ ભરાઈ જાય પછી કોઈ જીવને ન મારે.

એક દિવસ બપોરના સમયે સિંહ પોતાની ગુફામાં આરામ કરતો હતો. એ સમયે ત્યાં એક ઉંદર આવી ચઢ્‌યો અને પોતાના સ્વભાવ મુજબ ખોરાક માટે આમતેમ દોડાદોડી કરવા લાગ્યો. અન્ન શોધવામાં તે એટલો બધો તલ્લીન હતો કે એને તે પણ ભાન ન રહ્યું કે આ સિંહની ગુફા છે અને પોતે સિંહના શરીર પર દોડાદોડી કરે છે.

સિંહ પોતાના શરીર પર અચાનક સળવળાટ થતાં જાગી ગયો અને જોયું તો એક ઉંદર તેના શરીર પર દોડાદોડી કરતો હતો. તેણે જરા ઘુરકિયું કર્યું, અને ઉંદર ભાગી ગયો. થોડીવાર પછી પાછો ફરીથી સિંહના શરીર ઉપર દોડવા લાગ્યો. છેવટે સિંહ ગુસ્સે થઈ ગયો અને તરાપ મારીને ઉંદરને પોતાના પંજામાં દબાવી દીધો. ઉંદર બિચારો ધ્રૂજવા લાગ્યો. તે સિંહને કરગરવા લાગ્યો ” હે મહારાજ! મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હું હવે તોફાન નહિ કરૂં. હું તો નાનકડું પ્રાણી છું મને મારીને તમારીએ ભૂખ ભંગશે નહીં. મારો આટલો ગુનો માફ કરશો તો હું તમારો ઉપકાર જિંદગીભર નહિ ભૂલું. કોઈ આપત્તિના સમયે હું તમને જરૂર કામ આવીશ.”

સિંહ તેની વાત સાંભળી હસવા લાગ્યો. તેને થયું કે,આ નાનકડો ઉંદર મને શું મદદ કરવાનો? છેવટે સિંહે ઉંદરને છોડી મૂક્યો. પછી ઉંદર ફરી સિંહની ગુફામાં જવાની હિંમત કરતો નહિ.

થોડા દિવસ પછી અચાનક એક દિવસ સિંહ શિકાર કરીને પોતાની ગુફા તરફ આવી રહ્યો હતો. એ ગુફા નજીક આવ્યો ત્યાં જ શિકારીએ બિછાવેલ જાળમાં ફસાઈ ગયો. સિંહે જાળમાંથી બહાર નીકળવા ખૂબ જ ધમપછાડા કર્યા, ગર્જનાઓ કરી, પણ તે બહાર આવી શક્યો નહિ. જેટલો તે જાળમાંથી છટકવા પ્રયત્ન કરતો તેટલો વધુ ફસાતો.

સિંહની ગર્જનાઓ સાંભળીને ઉંદર પોતાના દરમાંથી બહાર આવ્યો અને જોયું તો સિંહ જાળમાં ફસાઈ ગયો હતો. તે સિંહની પાસે આવ્યો અને બોલ્યો” મહારાજ! તમે ચિંતા ન કરો. હું હમણાં તમારી આ જાળ તોડી નાખું છું.”

આમ કહી ઉંદર તો પોતાના તીક્ષ્ણ દાંત વડે જાળ કાપવા મંડી પડયો. થોડી જ વારમાં તો ઉંદરે આખી જાળ કાપી નાખી અને સિંહ જાળમાંથી મુક્ત થઈ ગયો. સિંહ નાનકડા ઉંદરના કામથી ખૂબ રાજી થઈ ગયો. તે આજ સુધી ઉંદરને તુચ્છ ગણતો હતો. આજે તેને સમજાઈ ગયું કે એ તુચ્છ ઉંદરે એનો જીવ બચાવ્યો હતો. તેણે ઉંદરનો ખૂબ આભાર માન્યો. ત્યાર પછી બંને મિત્રો બની ગયા.

વિષ્ણુ શર્મા આ કથાનો બોધ અપતાં કહે છે ” આ સંસારમાં કોઈને પણ તુચ્છ ન ગણવા. ક્યારેક તુચ્છ કે નાના માણસો પણ આપણું ઘણું મોટું કાર્ય કરી આપે છે.”

***

મગર અને શિયાળ

એક હતી નદી. એમાં એક મગર રહે. એક વાર ઉનાળામાં નદીનું પાણી સાવ સુકાઈ ગયું. ટીપુંય પાણી ન મળે. મગરનો જીવ જાઉં જાઉં થવા લાગ્યો. મગર હાલીયે ન શકે ને ચાલીયે ન શકે.

નદીથી દૂર એક ખાડો હતો. એમાં થોડુંક પાણી રહ્યું હતું. પણ મગર ત્યાં જાય શી રીતે ? ત્યાંથી એક કણબી જતો હતો. મગર કહે : "એ કણબીભાઈ, એ કણબીભાઈ ! મને ક્યાંક પાણીમાં લઈ જા ને ! ભગવાન તારૂં ભલું કરશે." કણબી કહે : "લઈ જાઉં તો ખરો, પણ પાણીમાં લઈ જાઉં ને તું મને પકડી લે, તો ?" મગર કહે : "છટ્‌ છટ્‌, હું તને પકડું ? એવું બને જ કેમ ?"

પછી કણબી તો એને ઉપાડીને પેલા ખાડા પાસે લઈ ગયો ને પાણીમાં નાખ્યો. પાણીમાં પડતાંની સાથે જ મગર પાણી પીવા લાગ્યો. કણબી એ જોતો જોતો ઊંભો રહ્યો, એટલામાં મગરે પાછા વળીને કણબીનો પગ પકડયો. કણબી કહે : "તેં નહોતું કીધું કે તું મને ખાઈશ નહિ ? તો હવે મને કેમ પકડે છે ?" મગર કહે : "જો, હું તો કંઈ તને પકડત નહિ. પણ મને ભૂખ એટલી બધી લાગી છે કે ખાધા વિના મરી જઈશ. એમાં ઊંલટી તારી મહેનત નકામી જાય ને ? આઠ દિવસનો તો ઉપવાસી છું." કહી મગર કણબીને પાણીમાં ખેંચવા લાગ્યો. કણબી કહે : "જરા ઊંભો રહે. આપણે કોઈની પાસે ન્યાય કરાવીએ."

મગરે મનમાં વિચાર્યું : ભલે ને જરા ગમ્મત થાય ! એણે તો કણબીનો પગ મજબૂત પકડી રાખ્યો ને બોલ્યો : "પૂછ - તું તારે ગમે તેને પૂછ !" એક ઘરડી ગાય ત્યાંથી જતી હતી. કણબીએ એને બધી વાત કહીને પૂછ્‌યું : "તું જ કહે ને, બહેન ! આ મગર મને ખાય છે, એ તે કાંઈ ઠીક કહેવાય ?" ગાય કહે : "મગરભાઈ ! તમ તમારે ખાઈ જાઓ કણબીને. એની જાત જ ખરાબ છે. દૂઝણાં હોઈએ ત્યાં સુધી રાખે, ને ઘરડાં થયાં કે કાઢી મૂકે, કેમ કણબા ! સાચી વાત ને ?" એટલે મગર કણબીને જોરથી ખેંચવા લાગ્યો. કણબી કહે : "જરા વાર થોભ. બીજા કોઈને આપણે પૂછીએ."

ત્યાં એક લૂલો ઘોડો ચરતો હતો. કણબીએ બધી વાત એને કહીને પૂછ્‌યું : "કહે ભાઈ ! આ કાંઈ સારૂં કહેવાય ?" ઘોડો કહે : "મહેરબાન ! સારૂં નહિ ત્યારે શું ખરાબ ? મારી સામું તો જો ? મારા ધણીએ આટલાં વરસ મારી પાસે ચાકરી કરાવી ને હું લંગડો થયો એટલે મને કાઢી મૂક્યો ! માણસની જાત જ એવી છે ! મગરભાઈ, ખુશીથી ખાઈ જા એને."

મગર તો પછી કણબીનો પગ વધારે જોરથી ખેંચવા લાગ્યો. કણબી કહે : "જરાક થોભી જા. હવે એક જ જણને પૂછી જોઈએ. પછી ભલે તું મને ખાજે." ત્યાંથી નીકળ્યું એક શિયાળ. કણબી કહે : "શિયાળભાઈ ! મહેરબાની કરીને જરા અમારો એક ન્યાય કરશો ?" દૂરથી શિયાળે કહ્યું : "શું છે, ભાઈ ?" કણબીએ સઘળી વાત કરી. શિયાળ એકદમ સમજી ગયું કે મગરનો વિચાર કણબીને ચટ કરી જવાનો છે. એટલે તે બોલ્યું : "હેં કણબી ! ત્યાં કોરી જગ્યાએ તું પડયો હતો ?" મગર કહે : "ના રે ના ! ત્યાં તો હું પડયો હતો." શિયાળ કહે : "હં હં, મને બરાબર સમજાયું નહોતું. ઠીક, પછી શું થયું ?" કણબીએ વાત આગળ ચલાવી. શિયાળ કહે : "શું કરૂં ? - મારી અક્કલ ચાલતી નથી; કાંઈ સમજાતું નથી. ફરીથી બરાબર કહે. પછી શું થયું ?" મગર જરા ચિડાઈને બોલ્યો : "જો, હું કહું છું. આ જો, હું ત્યાં પડયો હતો." શિયાળ જરા માથું ખંજવાળતું વળી બોલ્યું : "ક્યાં ? કેવી રીતે ?" મગર તો વાત કહેવાના તોરમાં આવી ગઈ. એણે કણબીનો પગ છોડયો અને પોતે ક્યાં ને કેવી રીતે પડી હતી તે બતાવવા લાગી.

તરત શિયાળે કણબીને ઈશારો કર્યો કે, ભાગ ! કણબી ભાગ્યો ને શિયાળ પણ ભાગ્યું. પછી ભાગતાં ભાગતાં શિયાળ બોલ્યું : "મગરભાઈ, હવે સમજાયું કે તમે કેવી રીતે પડયા હતા તે ! કહો જોઈએ - પછી શું થયું ?" મગર તરફડતો પડયો રહ્યો ને શિયાળ ઉપર ખૂબ દાંત પીસવા લાગ્યો.

***

સમળી મા

એક હતો વાણિયો. એને હાથે એક ગૂમડું થયું.

વાણિયો રોજ વૈદ પાસે જાય અને દવા કરે પણ કેમે કરીને ગૂમડું ફૂટે નહિ.

એક વર વાણિયો વૈદ પાસે જતો હતો ત્યાં રસ્તામાં એને એક સમળી મળી.

સમળી કહે : ’વાણિયાભાઈ, વાણિયાભાઈ ! આ તમારે હાથે શું થયું છે ?’

વાણિયો કહે : ’જુઓને બહેન ! આ કેટલાય દિવસથી ગૂમડું થયું છે. ફાટતુંયે નથી ને ફૂટતુંયે નથી. કોણ જાણે કેવીય જાતનું છે.’

સમળી કહે : ’અરે, એમાં તે શું છે ? ગૂમડું હું ફોડી આપું; પણ એમાંથી જે નીકળે ઈ મારૂં.’

વાણિયો મનમાં વિચાર કરવા લાગ્યો કે ગૂમડાંમાંથી તે વળી શું નીકળવાનું હતું ! પાક નીકળશે અને પરૂ નીકળશે, એમાં સમળી કાંઈ કાટી ખાશે નહિ. એમ ધારીને એણે કહ્યું : ’ઠીક, જે નીકળે તે તમારૂં. એક વાર મારૂં દુઃખ મટાડો !’

સમળીએ ચાંચ મારી ઝટ દઈને ગૂમડું ફોડી નાખ્યું. ત્યાં તો એમાંથી એક દીકરી નીકળી. રૂપાળી રંભા જેવી.

દીકરી આપતાં વાણિયાનો જીવ ન ચાલ્યો. પણ કરે શું ? સમળી સાથે વચને બંધાયો હતો.

છેવટે કોચવાતા મને વાનિયાએ સમળિને દીકરી આપી.

સમળી તો દીકરીને એના માળામાં લઈ ગઈ. મોટા બધા માળામાં સમળીએ એને રાખી.સમળીએ એનું નામ રંભા પાડયું.

સમળી તો રંભાને કાંઈ રાખે ! રોજ નીતનવાં ખાવાનાં લઈ આવે, પહેરવા ઓઢવાનાં ને લૂગડાં-ઘરેણાં લઈ આવે, ને રાજી રાજી રાખે. રંભાને કોઈ વાતની મણા નહિ.

એક વાર રંભા કહે : ’મા ! મને ચંદનહાર પહેરવાની હોંશ થઈ છે.’

સમળી કહે : ’ઠીક દીકરી ! તો કાલે ચંદનહાર લઈ આવું. પણ વખતે લાવતા લાવતા બે દિ’ મોડુંય થઈ જાય. ચંદનહાર તો કોક રાજાને ઘેર કે મોટા નગરશેઠને ત્યાં હોય. મોડી આવું તો મૂંઝાઈશ નહિ.’

સમળી તો ચંદનહાર લેવા ઊંડી. એક દિવસ થયો, બે દિવસ થયા, ત્રણ દિવસ થયા, પણ ક્યાંય ચંદનહાર હાથ ન આવે. ચંદનહાર ક્યાંકથી મળે ત્યારે સમળી પાછી આવે ને ?

રંભા તો માળામાં બેઠી બેઠી સમળી માની રાહ જુએ છે. આજ આવશે, કાલ આવશે, એમ કરતી વાટ જોતી બેઠી છે. ત્યાં તો એક રાજાનો કુંવર શિકારે નીકળેલો તે માળા પાસે આવ્યો. રંભાને જોઈને એ તો ખુશખુશ થઈ ગયો. રંભાને તો એ પોતાને મહેલ લઈ ગયો.

ચોથો દિવસ થયો ત્યાં તો સમળી ચંદનહાર લઈને આવી.

પણ માળામાં રંભા તો ન મળે !

સમળી કહે : ’રંભા ક્યાં ગઈ હશે ?’

ઘણા સાદ પાડયા પણ રંભા આવી નહિ. સમળી તો રોવા માંડી. ખૂબ ખૂબ રોઈ, ધ્રૂસકે ધ્રૂસકે રોઈ પણ રંભા ક્યાંથી આવે ? એ તો રાજાના કુંવર સાથે મહેલમાં રમતી’તી, ખાતી’તી ને મજા કરતી’તી.

સમળી તો રોઈ રોઈને થાકી. પછી કહે ’ચાલ, ક્યાંક ગોતું !’

સમળી તો ઊંડી.

દરેક ઘરને છાપરે જઈને બેસે ને બોલે : ’મારી રૂપાળી બાને, મારી રાધિકા બાને, કોણ હરી ગયું ? કોણ જીતી ગયુંન્ક ? કોણે દીધા વનવાસ ?

સમળી ગામોગામ ફરે અને છાપરે છાપરે બેસીને બોલે. એમ કરતાં કરતાં જે ગામમાં રંભા હતી તે ગામમાં સમળી આવી અને રાજાના મહેલની જ ઉપર બેસીને બોલી : ’મારી રૂપાળી બાને, મારી રાધિકા બાને, કોણ હરી ગયું ? કોણ જીતી ગયું ? કોણે દીધા વનવાસ ?

હીંડોળા ઉપર બેસીને રંભા ખટક ખટક હીંચકતી હતી. એને કાને સમળીનો અવાજ આવ્યો.

રંભા કહે : ’સાંભળો તો ખરાં, એલા, કોણ બોલે છે ?’

ત્યાં તો સમળી ફરી બોલી : ’મારી રૂપાળી બાને, મારી રાધિકા બાને, કોણ હરી ગયું ? કોણ જીતી ગયું ? કોણે દીધા વનવાસ ?

રંભા કહે : ’અરે, આ તો મારી બા જ બોલે છે !’

દાસીઓ કહે : ’ના રે, બા ! એ તો છાપરે બેઠેલી સમળી છે.’

રંભા કહે : ’ખરેખર, એ મારી બા જ છે. એને અહીં લાવો.’

પછી માણસોએ છાપરે ચડીને સમળીને પકડીને મહેલમાં આણી.

દીકરીને જોઈને સમળી તો રાજી રાજી થઈ ગઈ. મા-દીકરી ભેટી પડયાં. પછી રંભાએ સમળીને માટે સોનાનું પાંજરૂં કરાવ્યું ને એમાં એને રાખી.

મા-દીકરી રોજ સુખ દુઃખની વાતો કરે છે, ને ખાય - પીએ ને મજા કરે છે.

***

સોનબાઈ ને બગલો

એક હતી સોનબાઈ. રૂપ રૂપનો અવતાર. એક વાર સોનબાઈ બહેનપણીઓ સાથે ધૂળ લેવા ગઈ. સોનબાઈ ખોદે ત્યાં સોનું નીકળે. બીજી છોકરીઓ ખોદે ત્યાં ધૂળ નીકળે. બધી છોકરીઓ સોનબાઈ ઉપર તો ખારે બળવા લાગી. બધી છોકરીઓ પોતપોતાના સૂંડલા માથે ચડાવી સોનબાઈને એકલી મૂકીને ચાલી ગઈ.

સોનબાઈ તો એકલી રહી. સૂંડલો ચડાવવા ઘણી મહેનત કરે પણ કેમે કર્યો ચડે જ નહિ. ત્યાં તો એક બગલો નીકળ્યો. સોનબાઈ કહે, ’બગલા, બગલા ! આ જરા સૂંડલો ચડાવને !’

બગલો કહે, ’તું મને પરણ તો તને સૂંડલો ચડાવું.’

સોનબાઈએ ’હા’ પાડી ને બગલે સૂંડલો ચડાવ્યો. સૂંડલો લઈ સોનબાઈ ઘર ભણી ચાલી એટલે બગલો વાંસે વાંસે ચાલ્યો. સોનબાઈએ તો ઘરે આવીને પોતાની માને બધી વાત કહી.

મા કહે, ’હવે ઘરમાંથી ક્યાંય બહાર જઈશ નહિ. જો બહાર જઈશ તો વખતે બગલે ઉપાડી જશે.’

બહાર ઊંભો ઊંભો બગલો આ વાત સાંભળી ગયો. એ તો ખૂબ ખિજાયો. એણે બધા બગલાને બોલાવ્યા ને કહ્યું, ’આ નદીનું પાણી પી જાઓ.’ ત્યાં તો બધા બગલા પાણી પીવા માંડયાં. ઘડીકમાં નદી સાવ સુકાઈ ગઈ.

બીજો દિવસ થયો ત્યારે સોનબાઈનો બાપ ભેંસો લઈને નદીએ પાણી પાવા ગયો. જઈને જુએ તો નદીમાં કાંકરા ઊંડે ! એણે તો કાંઠે ઊંભેલા પેલા બગલાને કહ્યું :

’જળ મેલો ને આબક બગલા

જળ મેલો ને ચાબક બગલા

ઘોડા ઘોડારમાં તરસ્યા મરે છે,

ગાય ગવરી તરસી મરે છે.’

બગલો કહે, ’તમારી દીકરી સોનબાઈને મારી સાથે પરણાવો તો જળ મેલું. બાપે તો હા પાડી એટલે બગલાએ નદીમાં જળ મેલ્યું. નદી પાછી હતી એવી પાણીવાળી થઈ ગઈ.

સોનબાઈને તો બગલા સાથે પરણાવી. સોનબાઈને પાંખે બેસાડીને બગલો તો એના ઘરે લાવ્યો. પછી તો સોનબાઈ ને બગલો સાથે રહે. બગલો પોતે દાણા ચણી આવે; સાથે બીજા લેતો આવે અને સોનબાઈને આપે.

એમ કરતાં કરતાં સોનબાઈને તો દીકરો અવતર્યો. સોનબાઈ તો રાજની રેડ થઈ ! એક દિવસ સોનબાઈના બાપે વિચાર કર્યો - ચાલને કોકને મોકલું ને ખબર કઢાવું કે સોનબાઈને ત્યાં સુખ છે કે દુઃખ ?

બાપે તો સોનબાઈના ભાઈને મોકલ્યો. સોનબાઈનો ભાઈ તો સોનબાઈ પાસે આવ્યો. ભાઈબહેન મળ્યાં ને ખુશી થયાં. ત્યાં તો બગલાને ચણીને આવવાનો વખત થયો.

સોનબાઈ કહે, ’ભાઈ ! તું આ ડામચિયામાં સંતાઈ જા. બગલો આવે છે તે તને દેખશે તો મારી નાખશે.’

ભાઈ તો ડામચિયામાં સંતાઈ ગયો. સોનબાઈએ બે ગલૂડિયાં પાળ્યાં હતાં. તેમાંથી એક ઘંટી હેઠળ પૂર્યું, બીજાને સાવરણી સાથે બાંધી ઘરમાં રાખ્યું અને પોતે બારણાં પાસે જઈને આડી બેઠી. ત્યાં તો બગલો આવ્યો અને કહે, ’બારણાં ઉઘાડો.’

સોનબાઈ તો કાંઈ બોલી નહિ; પણ સોનબાઈનો છોકરો બોલ્યો :

’બાપા, બાપા !

મામલિયો ડામચિયામાં,

નાનું ગલૂડું ઘંટી હેઠ,

ને મોટું સાવરણીએ.’

બગલો બહારથી કહે, ’સોનબાઈ ! આ છોકરો શું કહે છે ?’

સોનબાઈએ અંદરથી જ કહ્યું : ’એ તો અમસ્તો લવે છે.’

ત્યાં તો છોકરો ફરી બોલ્યો :

’બાપા, બાપા !

મામલિયો ડામચિયામાં,

નાનું ગલૂડું ઘંટી હેઠ,

ને મોટું સાવરણીએ.’

બગલો કહે, ’બારણાં ઉઘાડો. પણ સોનબાઈએ બારણું ઉઘાડયું નહિ. બગલો તો પાછો ચણવા ચાલ્યો ગયો.

પછી ડામચિયામાંથી મામો નીકળ્યો ને એની સાથે સોનબાઈ દીકરાને લઈને પોતાને પિયર ચાલી ગઈ. પાછળથી બગલો આવી જુએ તો કોઈ ન મળે.