Part-4-Narsinh Mehta in Gujarati Poems by MB (Official) books and stories PDF | Part-4-Narsinh Mehta

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

Part-4-Narsinh Mehta


નરસિંહ મહેતા



COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as

NicheTech / MatruBharti. MatruBharti / NicheTech has exclusive digital publishing

rights of this book.Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.મહીડું મથવાને ઊંઠ્‌યા જશોદારાણી

૨.મારી હુંડી સ્વીકારો મહારાજ રે

૩.મારે રે આંગણિયે

૪.મીઠડા બોલા નાથ રે

૫.મેહુલો ગાજે ને માધવ નાચે

૬.મેહેલ પીતાંબર, અંબર માહરૂં

૭.મોરના પીંછડાંવાળો રે

૮.મોહ્યુંરે લટકે

૯.રાત રહે જ્યા હરે, પાછલી ખટ ઘડી

૧૦.રાધિકા સુંદરી !

૧૧.રામસભામાં અમે રમવાને

૧૨.રાય રણછોડને નમું કર જોડીને

૧૩.રૂમઝુમ રૂમઝુમ નેપૂર વાજે

૧૪.વહાલા મારા વૃંદાવનને ચોક

૧૫.વહાલાને જોતાંયે મહારી

૧૬.વા વાયા ને વાદળ ઉમટ્‌યા

૧૭.વારી જાઉં રે સુંદર શ્યામ! તમારા લટકાને

૧૮.વાહાલાજી તમોરે નહાનડીઆ

૧૯.વૈકુંઠ ઢૂંકડું રે

૨૦.વૈષ્ણવ જન

૨૧.શરદપૂનમ તણો દિવસ આવ્યો

૨૨.શરીર શોધ્યા વિના સાર નહીં

૨૩.શીખ કરી શંકરે

૨૪.શેરી વળાવી સજ્જ કરૂં

૨૫.સફલ રજની હુઈ

૨૬.સમરને શ્રી હરિ

૨૭.સમીરે સાંજના સોડમાં સુતા

૨૮.સાંભળો કામની કૃષ્ણ કાયર કહે

૨૯.સુખ દુઃખ મનમા ન આણિયે

૩૦.હજી ન ધરાયો

૩૧.હરિ તણું હેત

૩૨.હરિરસ ગાવા ને જે મળે ખાવા

૩૩.હળવે હળવે હળવે

૩૪.હાં રે દાણ માગે કાનુડો

૩૫.હારને કાજે નવ મારીએ

૩૬.હિંડોળે હિંચે મારો વહાલો

૩૭.હું રંગરાતી ને છું મદમાતી

૩૮.હે કાનુડા તોરી ગોવાલણ

મહીડું મથવાને ઊંઠ્‌યા જશોદારાણી

મહીડું મથવાને ઊંઠ્‌યા જશોદારાણી;

વિસામો દેવાને ઊંઠ્‌યા સારંગપાણી. - મહીડું. ૧

માતા રે જશોદા તારૂં મહીડું વલોવું;

બીશો માં માતાજી ! ગોળી નહીં ફોડું. - મહીડું.૨

ધ્રૂજયો મેરૂ રે એને ધ્રાસકો લાગ્યો;

રવૈયો કરશે તો નિશ્ચે હું ભાગ્યો. - મહીડું. ૩

વાસુકિ ભણે; ‘મારી શી પેર થાશે ?

મારૂં નેતરૂં કરશે તો જીવડો જાશે.’ - મહીડું. ૪

રત્નાકર કહે; ‘મુજ રતન નથી,

ઠાલો વલોવશે મુને ગોકુળપતિ.’ - મહીડું. ૫

બ્રહ્‌મા ઈંદ્રાદિક વળતાં લાગ્યા રે પાય;

‘નેતરૂ મૂકો તમે ગોકુળા રાય !’ - મહીડું. ૬

જશોદાજી કહે; ‘હું તો નવનિધ પામી,

ભક્તવત્સલ મળ્યો નરસિયાનો સ્વામી.’ - મહીડું. ૭

મારી હુંડી સ્વીકારો મહારાજ રે

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગ્િારધારી

મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગ્િારધારી

રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ

ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયાં નરસિંહ રૂપ

પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

ગજને વ્હાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખ

સાચી વેળાના મારા વ્હાલમા રે, તમે ભક્તોને આપ્યાં ઘણાં સુખ રે;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

પાંડવની પ્રતિજ્જ્ઞા પાળી, વળી દ્રૌપદીનાં પૂર્યાં ચીર,

નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે, તમે સુભદ્રાબાઈના વીર રે;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

ચાર જણા તીરથવાસી ને, વળી રૂપિયા સો સાત,

વહેલા પધારજો દ્વારિકા રે, એને ગોમતી નાહ્યાની ખાંત રે;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર,

બેટો બેટી વળાવિયાં રે, મેં તો વળાવી ઘર કેરી નાર રે;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

ગરથ મારૂં ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર,

સાચું નાણું મારો શામળો રે, મારે દોલતમાં ઝાંઝપખાજ રે;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની માંહ્ય,

આ શહેરમાં એવું કોણ છે રે, જેનું શામળશા એવું નામ

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

નથી બ્રાહ્‌મણ નથી વાણિયો, નથી ચારણ નથી ભાટ,

લોક કરે ઠેકડી, નથી શામળશા શેઠ એવું નામ રે

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

તીર્થવાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગરની બહાર,

વેશ લીધો વણિકનો રે, મારૂં શામળશા શેઠ એવું નામ રે

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ,

રૂપિયા આપું રોકડા રે, મારૂં શામળશા એવું નામ રે;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

હુંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધા કામ

મહેતાજી ફરી લખજો, મુજ વાણોતર સરખાં કાજ રે;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

મારે રે આંગણિયે

મારે રે આંગણિયે, કોણે પંચમ ગાયો;

ધસમસ્યા આવીને વહાલે, પાલવડો સ્હાયો. મારે રે..

પીતાંબર હાર ગળે, મૂગટ શોભતો;

મદે રે ભર્યો રે પ્રભુ, માનની મોહંતો. મારે રે..

વાંસલડી વાઈને વહાલે, મોહ પમાડી;

પ્રેમશું પાતળિયે વહાલે, હૃદિયાશું ભીડી. મારે રે..

મંદરિયામાં આવી વહાલે, માંડયો વિહાર;

ભણે નરસૈયો પામી, પૂરણ આધાર. મારે રે..

મીઠડા બોલા નાથ રે

મીઠડા બોલા નાથ રે, આવો મારા મીઠડા બોલા નાથ રે;

એક ઘડી એકાંતે આવો તો, કહું મારાં મનડાં કેરી વાત રે. આવો.

આજ આનંદ મારે અતિ ઘણો, વહાલે પ્રેમે સહાયો મારો હાથ રે;

તરીયાં તોરણ મારે દ્વારે બંધાવું, મંગળ ગવરાવું સારી રાત રે. આવો

વૃંદા તે વનની કુંજગલનમાં, સહુ સખીઓની સાથ રે;

નરસૈયાચા સ્વામી સંગે રમતાં, હવે તો હુવો પરભાત રે. આવો

મેહુલો ગાજે ને માધવ નાચે

મેહુલો ગાજે ને માધવ નાચે,

રૂમઝૂમ વાગે પાયે ઘૂઘરડી રે,

તાલ પખાજ વજાડે રે ગોપી,

વહાલો વજાડે વેણુ વાંસલડી રે. મે.

પહેરણ ચીર, ચરણા ને ચોળી,

ઓઢણ આછી લોબરડી રે;

દાદુર, મોર, બપૈયા બોલે,

મધુરી શી બોલે કોયલડી રે. મે.

ધન્ય બંસીવટ, ધન જમુનાતટ,

ધન્ય વૃંદાવનમાં અવતાર રે;

ધન્ય નરસૈયાની જીભલડીને,

જેણે ગાયો રાગ મલ્હાર રે..મેહુલો ગાજે ને માધવ નાચેપ.

મેહેલ પીતાંબર, અંબર માહરૂં

મેહેલ પીતાંબર, અંબર માહરૂં, સુરજ ઉગ્યો સુઈ ક્યમ રહીએ;

અમ ઘર સાસુ નણંદ જૂઠી વસે, કંથ પૂછે ત્યારે શુરે કહીએ.

સાવજ શબ્દ કરે અતિ સુંદર, દીપક તેજ તો ક્ષીણ થાએ;

કંઠથી કુસુમનો હાર કરમાઈયો, બાહેર રાગ પંચમ ગાયે.

તું તારે મંદિરે, પ્રેમશું પોઢીઓ, માહરે મંદિર દૂર જાવું;

લોકની લાજ, લોપીરે લક્ષ્મીવર, હું રે વળતી હવે નહીં રે આવું.

ધેન દોહોવી ઘેરરે, વાછરૂ વલવલે, મહીરે વલોવવું આજ માહારે;

કંઠથી બાહર કાઢિ કમલાપતિ, કાલ આવે હવે કોણ તારે.

સુરત સંગ્રામની, શાંતિજ હુઈ, રહીરે ઉજાગરી, શીશ નામી;

નરસિંહાચો સ્વામી સુખસાગર પોઢિયો, વિરહની વેદના ત્યારે વામી.

મોરના પીંછડાંવાળો રે

મોરના પીંછડાંવાળો

મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો

મોરના પીંછડાંવાળો

મુગટ છે એનો રે રૂપાળો કાનુડો ઓલ્યો

મોરના પીંછડાંવાળો

મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો

મોરના પીંછડાંવાળો

માથે મુગટ એણે પહેર્યું પીતાંબર

ગુંજાનો હાર રઢિયાળો રે કાનુડો ઓલ્યો

મોરના પીંછડાંવાળો

મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો

મોરના પીંછડાંવાળો

ખંભે છે કામળી ને હાથમાં છે લાકડી

મીઠી મીઠી મોરલીવાળો રે કાનુડો ઓલ્યો

મોરના પીંછડાંવાળો

મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો

મોરના પીંછડાંવાળો

નરસૈયાંના નાથને નજરે નિહાળતાં

આવે છે ઉરમાં ઉછાળો રે કાનુડો ઓલ્યો

મોરના પીંછડાંવાળો

મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો

મોરના પીંછડાંવાળો

મોહ્યુંરે લટકે

મોહ્યુંરે લટકે, મારૂં મન મોહ્યુંરે લટકે.

ગાતર ભગ કીધાં ગ્િારધારી, જેમરે માર્યાં ઝટકે; મારૂં મન.

વેણ વજાડી વહાલે મારે વનમાં, રગતણે કટકે; મારૂં મન.

મન મારૂં મોળીડેરે અટક્યું, પેલે પીતાંબર પટકે; મારૂં મન.

નરસઈના સ્વામીની સંગે રમતાં, રસ વાધ્યો ચટકે; મારૂં મન.

રાત રહે જ્યા હરે, પાછલી ખટ ઘડી

રાત રહે જ્યા હરે પાછલી ખટ ઘડી

સાધુ પુરૂષને સૂઈ ન રહેવું;

નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ,

‘એક તું’ ‘એક તું’ એમ કહેવું પ રાત

જોગ્િાયા હોય તેણે જોગ સંભાળવા,

ભોગ્િાયા હોય તેણે ભોગ તજવા;

વેદિયા હોય તેણે વેદ વિચારવા,

વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા પ રાત

સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા,

દાતાર હોય તેણે દાન કરવું;

પતિવ્રતા નારીએ કંથને પૂછવું,

કંથ કહે તે તો ચિત્ત ધરવું પ રાત

આપણે આપણા ધર્મ સંભાળવા,

કર્મનો મર્મ લેવો વિચારી;

નરસૈંના સ્વામીને સ્નેહથી સમરતાં

ફરી નવ અવતરે નર ને નારી પ રાત

રાધિકા સુંદરી !

રાધિકા સુંદરી ! સકલ શિરોમણી, વેઠ્‌ઠલા - વલ્લહી માન માગું,

ક્ષણુએક નાથને બાથ અળગી કરો, મેલ મમ નાથને પાય લાગું. - રાધિકા. (૧)

અજિત તેં જિતિયો, અબંધ તે બાંધિયો નેહભર શામ-શુ કેલિ કરતા,

તા હરૂં ચલણ દીસે ઘણુંઘર વિષે, સમુદ્રતનયા હિંડે અંક ભરતા - રાધિકા. (૨)

પુરૂષને પુરૂષનો સ્નેહ શું કામનો ? નારીને પુરૂષનો સંગ રૂડો,

જેની માયા વિષે વિશ્વ બૂડી રહ્યું, તેહ હરિ રાધિકા સંગ બૂડયો - રાધિકા. (૩)

છેલ ચંચળ ! અહંકાર નવ કિજિયે, જાય અહંકાર ત્ જોત જોતાં,

ભણે નરસૈયો : ’મેલ મમ નાથને, નીકળશે કાદવ કોઠી ધોતા’ - રાધિકા. (૪)

રામસભામાં અમે રમવાને

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં

પસલી ભરીને રસ પીધો રે, હરિનો રસ પુરણ પાયો.

પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો,

બીજે પિયાલે રંગની હેલી રે,

ત્રીજો પિયાલો મારાં રોમે-રોમે વ્યોપ્યો,

ચોથે પિયાલે થઈ છું ઘેલી રે પરામ સભામાં

રસ બસ એકરૂપ રસિયા સાથે,

વાત ન સુઝે બીજી વાટે રે,

મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે

તે મારા મંદિરીયામાં મ્હાલે રે પ રામ સભામાં

અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં

અખંડ સૌભાગી અમને કીધાં રે,

ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી

દાસી પરમ સુખ પામી રે પ રામ સભામાં

રાય રણછોડને નમું કર જોડીને

રાય રણછોડને નમું કર જોડીને, સારા કરો શ્રી હરિ! ચરણે આવ્યો,

તન-મન-પ્રાણને સમર્પ્યાં ધર થકી, શરણ આવે તેનો હાથ શાવો. - રાય. ૧

નાગરી નાતે તો કીધી છે ઠેકડી, તીરથવાસીએ જાણ્‌યું સાચું,

નરસૈંયો ભક્ત તે કોટિધ્વજ જાણિયો, તમ વિના કૃષ્ણજી ! કેને જાચું ? - રાય. ૨

જો નકારશો તમો દાસની હુંડી તો લોકમાંહે ઉપહાસ થાશે,

મારૂં તો એહમાં કામી નહીં વણસશે,પણ તાહરા ભક્તની લાજ જાશે. - રાય. ૩

ન-કાળજો વણજ મેં કીધો છે વિઠ્‌ઠલા! રાખજો લાજ તો શરમ રહેશે,

જો હૂંડી પાછી ફરી આવશે, તો ભક્તવત્સલ તને કોણ કહેશે ? - રાય. ૪

આધીન દાસ છું, શામળા ! શ્રી હરિ ! દીનબંદુ દીનાનાથ કહાવો,

નામ -પ્રતાપથી અધમ જન ઉદ્ધર્યાં, તે માટે દાસ કરે છે દાવો. - રાય. ૫

રૂમઝુમ રૂમઝુમ નેપૂર વાજે

રૂમઝુમ રૂમઝુમ નેપૂર વાજે,

તાળી ને વળી તાલ રે;

નાચંતા શામળિયો-શ્યામા,

વાધ્યો રંગ રસાળ રે ... રૂમઝુમ રૂમઝુમ

ઝાલ ઝબૂકે રાખલડી રે,

મોર-મુગટ શિર સોહે રે;

થેઈ થેઈ થેઈ તહાં કરતી કામા,

મરકલડે મન મોહે રે ... રૂમઝુમ રૂમઝુમ

કોટિકલા તહાં પ્રગટ્‌યો શશિયર,

જાણે દિનકર ઉદિયો રે;

ભણે નરસૈંયો મહારસ ઝીલે,

માનિની ને મહાબળિયો રે ... રૂમઝુમ રૂમઝુમ

વહાલા મારા વૃંદાવનને ચોક

વહાલા મારા ! વૃંદાવનને ચોક કે વહેલા પધારજો રે લોલ;

ગોકુળ ગામ તણી વ્રજનાર કે વેગે બોલાવજો રે લોલ.

અમને રાસ રમ્યાના કોડ કે નાથ-સંગ બેલડી રે લોલ;

લેવા મુખડાના મકરંદ કે મળી તેવતવડી રે લોલ.

રૂડું જમનાજી કેરૂં નીર કે તટ રળિયામણો રે લોલ;

રૂડો બંસીવટનો ચોક કે ચંદ્ર સોહામણો રે લોલ.

મળિયો વ્રજવનિતાનો સાથ કે તાળી હાથ શું રે લોલ;

માનિની મદમત્ત ભીડે બાથ કે કોમળ ગાત શું રે લોલ.

ફરતી ગાન કરે વ્રજનાર કે વચમાં શ્રીહરિ રે લોલ;

કંકણ-ઝાંઝરનો ઝમકરા કે ઘમકે ઘૂઘરી રે લોલ.

જોવા મળિયા ચૌદે લોક કે ઈન્દ્ર ત્યહાં આવિયા રે લોલ;

રૂડાં પારિજાતકના પુષ્પે કે પ્રભુને વધાવિયાં રે લોલ;

બ્રહ્‌મા રૂદ્ર ધરે એનું ધ્યાન કે પાર પામે નહીં રે લોલ;

નાચે નરસૈંયો રસમગ્ન કે જોઈ લીલા નાથની રે લોલ.

વહાલાને જોતાંયે મહારી

વહાલાને જોતાંયે મહારી, ભૂખલડી ભાંગી;

ઘરમાં રહીને શું રે કરૂં માહારી, આંખલડી લાગી. વહાલાને-ટેક

શામળી સુરતે મન, મોહીને લીધું;

કાંઈક શામળિયે વહાલે, કામણ કીધું. વહાલાને.

સંસારીનું સુખ હું તો, તજીને બેઠી;

મધુરી મૂરતી મારે, પાંજરીએ પેઠી. વહાલાને

સોનાની સાંકળીએ મુને, બાંધી રે તાણી;

મનડાની વાતો રે પેલે, મોહનિયે જાણી. વહાલાને.

તુજ મુજ વચ્ચે વહાલા, અંતર નથી;

નરસૈયાના સ્વામીની લોકે, કથની કથી. વહાલાને.

વા વાયા ને વાદળ ઉમટ્‌યા

વા વાયા ને વાદળ ઊંમટ્‌યાં,

ગોકુળમાં ટહુક્યા મોર,

મળવા આવો સુંદીરવર શામળિયા.

તમે મળવા તે ના’વો શા માટે

નહીં આવો તો નંદજીની આણ ... મળવા.

તમે ગોકુળમાં ગોધન ચોરંતા,

તમે છો રે સદાના ચોર ... મળવા.

તમે કાળી તે કામળી ઓઢંતા,

તમે ભરવાડના ભાણેજ ... મળવા.

તમે વ્રજમાં તે વાંસળી વાજંતા,

તમે ગોપીઓના ચિત્તના ચોર ... મળવા.

મહેતા નરસિંહના સ્વામી શામળિયા,

એમને તેડી રમાડયા રાસ ... મળવા.

વારી જાઉં રે સુંદર શ્યામ! તમારા લટકાને

વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને.

લટકે ગોકુળ ગૌ ચારીને, લટકે વાયો વંસ રે,

લટકે જઈ દાવાનળ પીધો, લટકે માર્યો કંસ રે ... વારી જાઉં.

લટકે જઈ ગોવર્ધન ધરિયો, લટકે પલવટ વાળી રે,

લટકે જઈ જમુનામાં પેસી, લટકે નાથ્યો કાળી રે ... વારી જાઉં.

લટકે વામન રૂપ ધરીને, આવ્યા બલિને દ્વાર રે,

ઉઠ કદંબ અવની માગી, બલિ ચાંપ્યો પાતાળે રે ... વારી જાઉં.

લટકે રઘુપતિ રૂપ ધરીને, તાતની આજ્જ્ઞા પાળી રે,

લટકે રાવણ રણ મારીને, લટકે સીતા વાળી રે ... વારી જાઉં.

એવા લટકા છે ઘણેરા, લટકા લાખ કરોડ રે,

લટકે મળે નરસૈંના સ્વામી, હીંડે મોડામોડ રે ... વારી જાઉં.

વાહાલાજી તમોરે નહાનડીઆ

વાહાલાજી તમોરે નહાનડીઆ, અમોરે નહાંનડલાં, સરખે સરખી જોડ મળી;

પેહેલું આલિંગન દો મારા વાહાલા, પછે અમો દેઈશું લળીઅલળી.

સુંદરીઓનો સ્વભાવ છે એવો, પીયુને મળવા હિંડે ઘણું;

આલિંગન એણીપેર દો મહારા વાહાલા, રખે હમ દેખે હક જણ.

તમે નહાના હું હજી નહાની, નણદી આઘાં પાછાં કરે;

સાસુને ઘેર એ લાડકડીરે, તે અમ વારી કેમ વરે.

શું કરે સાસુ શું કરે નણદી, જેહના હદેમાં હું રે વસ્યો;

નરસિંહાચા સ્વામી મુજશું રમતાં, સંસારમાં તેને ભેય કશો.

વૈકુંઠ ઢૂંકડું રે

વૈકુંઠ ઢૂંકડું રે મારા હરિજન હદે હજૂર. ટેક

દુરિજનિયાને દૂર દીસે છે, પ્રેમીજનને ઉર. વૈકુંઠ૦

કામ, ક્રોધ, મદ, લોભ, નિવારી, કાઢે પાપનું મૂળ,

પુણ્‌યપંથે પગ ધરે, દૂર કરી માયા મમતા શૂળ. વૈકુંઠ૦

રટે જિહ્‌વાએ નામ રામનું, ભૂખ્યાને દે અન્ન,

પરનારી માતા પેખે, પથ્થર લેખે પરધન. વૈકુંઠ

પીડે નહિ કદી પર આત્માને, મારે નિજનું મન,

ભણે નરસૈંયો પ્રિય કરી માને હરિ એવા હરિજન. વૈકુંઠ૦

વૈષ્ણવ જન

વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે

પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે

સકળ લોકમાં, સહુને વંદે, નિંદા ન કરે કેની રે

વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે

સમ દ્રષ્ટીને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે

જીહ્‌વા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે

રામ નામ શું તાળી લાગે, સકળ તિરથ તેના તનમાં રે

વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે

ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર તાર્યા રે

- નરસિંહ મહેતા

શરદપૂનમ તણો દિવસ આવ્યો

શરદપૂનમ તણો દિવસ આવ્યો તિંહા, રાસ-મરજાદનો વેણ વાહ્યો;

રૂકમણિ આદિ સહુ નાર ટોળે મળી, નરસૈંયે તહાં તાલ સાહ્યો. -શરદ. ૧

પુરૂષ પુરૂષાતન લીન થયું માહરૂં, સખીરૂપે થયો મધ્ય ગાવા;

દેહદશા સૌ ટલી માંહે રહ્યો ભળી, દૂતી થઈ માનિનીને મનાવા. -શરદ. ૨

હાવને ભાવ રસભેદના પ્રીછિયા, અનુભવતા રસબસ રે થાતાં;

પ્રેમે પીતાંબર આપિયું શ્રીહરિ, રીઝિયા કૃષ્ણજી તાલ વા’તાં. -શરદ. ૩

વ્રજ તણી આદ્યલીલાનું દરશણ હવું, અરૂણ ઉદયે શંખનાદ કીધો;

રૂકમણિ આદિ સહુ નારી ત્રપત થઈ, રામાએ કંઠથી હાર દીધો. -શરદ. ૪

’ધન્ય ધન્ય તું’ એમ કહે શ્રીહરિ, ’નરસૈંયો ભક્ત હું-તુલ્ય જાણો;

વ્રજ તણી નારી જે ભાવ-શુ ભોગવે, તેહને પ્રેમ-શુ સહેજે માણ્‌યો.’ -શરદ. ૫

શરીર શોધ્યા વિના સાર નહીં

શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે, પંડિતો પારા નહીં પામો પોથે,

તાંદુલ મેલીને તુસને વળગી રહ્યો, ભૂખ નહીં ભાંગે એમાં થાળે હાથે. - શરીર. ૧

રસનાના સ્વાદમાં સરવ રીઝી રહ્યાં, વિગતિ ગુરૂજ્જ્ઞાન વિના રે ગૂંથે,

વાણી વિલાસમાંરંગા ન લાગ્યો રૂદે, પરહરી વસ્ત્રને વળગ્યો ચૂંથે. - શરીર. ૨

શબ્દ સંચ્યા ઘણા, સકલ વિદ્યા ભણ્‌યા, આધ્યાત્મ ઉચરે એ જ પોતે,

પ્રપંચ પંડમાં રહ્યો, અહંકાર નવ ગયો, અનંત જુગ વહી ગયા એમ જોતે - શરીર. ૩

શાસ્ત્ર કીધાં કડે, તોયા રજનીમાં આથડે, અંધ થૈ સંચરે શૈલ્ય ઓથે,

ભણે નરસૈયો જે ભેદ જાણી જુઓ, મેં તો રચી કહ્યું પાડા ચોથે - શરીર. ૪

શીખ કરી શંકરે

શીખ કરી શંકરે, હરખી કહ્યુ શ્રીવરે; ’ભૂતળે જઈ ગુણ મારા ગાજે,

ભૂતળે જન જે રસિક છે હરિ તણા, તે હને એ રસ તું રે પાજે - શીખ. ૧

માસ એક રાખીને વિદય કર્યોદાસને, આવીને ભાભીને લાગ્યો પાયે,

શ્રી હરિ-હર હુંને જે મળ્યાં સાંભળો; ’માત - મારી! તે તારી કૃપાએ -શીખ. ૨

નિત્ય કીર્તન કરે, તાળ કરમાં ધરે, દેશમાં દાસની વાત વાગી,

ગામ ગામે થકી. હરિજન આવતાં, દર્શન કરવાએ લ્હાર લાગી. - શીખ. ૩

ભાઈ ભોજાઈ અકળાઈને એમ કહે; ’ હવે તમો અમ થકી દૂર રહીએ’,

મહેતાજી પછે તહાં કહે નિજનારને; ’નગર જૂનાગઢ માંહે જઈએ.’ - શીખ.૪

શેરી વળાવી સજ્જ કરૂં

આપ. શેરી વળાવી સજ્જ કરૂં, ઘરે આવો ને !

આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને.

આપ. ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને;

દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો નેપ શેરી..

આપ. દાતણ દેશું દાડમી ઘરે આવો ને

દેશું કણેરી કાંબ, મારે ઘરે આવો નેપ શેરી..

આપ. નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને,

દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો નેપ શેરી..

આપ. ભોજન દેશું લાપશી ઘરે આવો ને !

દેશું દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવો નેપ શેરી..

આપ. રમત-દેશું સોગઠી ઘરે આવોને,

દેશું દેશું પાસાની જોડ, મારે ઘરે આવો નેપ શેરી..

આપ. પોઢણ દેશું ઢાલિયા, ઘરે આવોને,

દેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો નેપ શેરી..

આપ. મહેતા નરસૈયાના સ્વામી શામળિયા,

હાં રે અમને તેડી રમાડયા રાસ, મારે ઘેર આવો નેપ શેરી..

સફલ રજની હુઈ

સફલ રજની હુઈ આજની અભિનવી, પલંગ બેસાડી વાહાલે હાસ્ય કીધું;

કર દર્પણ ધરી વદન અવિલોકવા, પ્રેમનું ચુંબન ગાલે કીધું.

કુસુમના ટોડર કંઠ ભૂષણ ધરી, ભૂજ ભીડી ભુધરે હ્ય્દયા સાથે;

સુરત સંગ્રામશું હું એને જઈ ભડી, જીત્યો યદુનાથ દ્વય બાહુ બાથે.

મદનના સૈન્યશું માન માગ્યું ઘણું, જુદ્ધ જીત્યું રણ હાથ આવ્યું;

ચૌદ ભુવનતણો નાથ મેં વશ કર્યો, અજિત જીત્યાતણું બિરદ કહાવ્યું.

જેમ ગજયુવતિ માતંગ મદગલીતા, સુંદરી સેજ હરિસિંહ આવ્યો;

નરસિંહાચા સ્વામી સુભટ સુરાસુર, કેસરી કાન સાહી નચાવ્યો.

સમરને શ્રી હરિ

સમરને શ્રી હરિ, મેલ મમતા પરી,

જોને વિચારીને મુળ તારૂં;

તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો,

વગર સમજે કહે મારૂં મારૂં ... સમરને

દેહ તારો નથી જો તું જુગતે કરી,

રાખતા નવ રહે નિશ્ચે જાયે,

દેહ સંબધ તજે નવ નવા બહુ થશે,

પુત્ર કલત્ર પરિવાર વહાવે ... સમરને

ધન તણું ધ્યાન તું અહોનિશ આદરે,

એ જ તારે અંતરાય મોટી,

પાસે છે પિયુ અલ્યા કેમ ગયો વિસરી,

હાથથી બાજી ગઈ થયા રે ખોટી ... સમરને

ભરનિંદ્રા ભર્યો, રૂંધી ઘેર્યો ઘણો,

સંતના શબ્દ સુણી કાં ન જાગે,

ન જાગતા નરસૈંયો લાજ છે અતિ ઘણી,

જન્મોજનમ તારી ખાંત ભાંગે ... સમરને

સમીરે સાંજના સોડમાં સુતા

સમીરે સાંજના સોડમાં સુતાં, નણદલીએ સાદ કીધો રે;

હવું પ્રભાત પીયુ થયો ઘેલો, ઉંઘરેટો જઈ સૂતોરે.

હરિનું પીતાંબર સેજે રહ્યુંરે, પાલટીને પટફૂલ ગયો;

ક્યમ કદી વનજાઉરે મહી વેંચવા, દુરિજન લોકબોલ કહ્યો રે.

દીઠડે ડાઢ ગળે, અસતીઆ બહુ બળે, તો અભિમાન શું કરીએ;

નરસિંહાચો સ્વામી ભલે મળિયો, ભવસાગર ઉતરીએરે.

સાંભળો કામની કૃષ્ણ કાયર કહે

સાંભળો કામની કૃષ્ણ કાયર કહે, તાહરા મંદિરથકો નહીરે જાઉં;

અવર કો નાર નહીં તૂજ સારખી, જેહને ફૂલ કરી હું બંધાઉં.

તું વનવેલડી, હું વનમાળી, સીંચવે સમર્થ દ્રષ્ટિ કરૂં;

તુજ પાસલે રાખું શીતલ પાણિ ધરી, પ્રેમની વાડ કરૂં.

સાંભળો સુંદરી એમ કહે શ્રીહરિ, જેની ફૂલમાળા કરી હું રે બાંધ્યો;

ચૌદ ભુવનતણાં બંધન છોડવું, મેં જાણ્‌યું તે મોહની મંત્ર સાધ્યો.

માન તું માનની, માન માગી કહું, નહીં તજું મંદિર બોલ દીધો;

નરસિંહાચો સ્વામી, સર્વે રસ લહ્યો, સુરત સગ્રામ આધીન કીધો.

સુખ દુઃખ મનમા ન આણિયે

સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં

ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં... સુખદુઃખ

નળરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;

અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી... સુખદુઃખ

પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી;

બાર વરસ વન ભોગવ્યાં, નયને નિંદ્રા ન આણી... સુખદુઃખ

સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;

રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી... સુખદુઃખ

રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી;

દશ મસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લુંટાણી... સુખદુઃખ

હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી;

તેને વિપત્તિ બહુ રે પડી, ભર્યાં નીચ ઘેર પાણી... સુખદુઃખ

શિવજી સરખા સતા નહીં, જેની પારવતી રાણી;

ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી... સુખદુઃખ

એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે;

જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે... સુખદુઃખ

સર્વ કોઈને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી;

ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈયાના સ્વામી... સુખદુઃખ

હજી ન ધરાયો

હજી ન ધરાયો રંગ તે રમતાં, ચાર પોહોર નીશા નિકર નિમગતાં-

અધર સુધારસ પીજી પીજી પીધિરે, કેસરી કામને મેં પુંઠડી ન દીધીરે.

પીન પયોધર પાખર કીધીરે, સુરતસંગ્રામે હું વઢતી સૂધીરે.

નખ શીખા લગે તાકી તાકી મૂકીરે, કેસરી કામશું વઢતી ન ચૂકીરે.

ઉદ્યો દિવાકર રજની વીતીરે, નરસિંહાચા સ્વામી સંગમ જીતીરે.

હરિ તણું હેત

હરિ તણું હેત તને ક્યમ ગયું વીસરી, પશુ રે ફેડીને નરરૂપ કીધું,

હડ ને છડ કરી સહુ તને હાંકતું, આજ વધારીને માન દીધું.

ઘાંચીનું ગાળિયું કંઠથી ટાળિયું, નેત્રના પાટા શ્રીનાથે છોડયા,

તે તણાં ચરણને નવ ભજ્યો કૃતઘ્‌નિ, તેં ન ગુણ પાડના હાથ જોયા.

પગ ઠોકી કરી માગતો મૂઢ મતિ, ઘાસ પાણી કરી શબ્દ ઝીણા,

આજ ગોવિંદ ગુણ ગાઈને નાચતાં, લાજ આવે તને કર્મહીણા.

લાંબી શી ડોક ને કાંકોલ ચાવતો, ઊંંટ જાણી ઘણો ભાર લાદે,

આજ અમૃત જમે હરખે હળવો ભમે, વૈકુંઠનાથને નવ આરાધે.

પીઠ અંબાડી ને અંકુશ માર સહી, રેણું ઉડાડતો ધરણી હેઠો,

આજ યુવા ચંદન અંગ આભ્રણ ધરી, વેગે જાય છે તું વે’લ બેઠો.

અન્ન ને વસ્ત્ર ને ભૂષણ સર્વ જે તેહનો તુજને હતો ઉધારો,

નરસૈયાંના સ્વામીએ સર્વ સારૂં કર્યું, તે પ્રભુને તમે કાં વીસારો.

હરિરસ ગાવા ને જે મળે ખાવા

હરિરસ ગાવા ને જે મળે ખાવા, હરિની ઈચ્છાનો સંતોષ લાવી,

કરમચા ભોગ તે ભોગવ્ય છૂટકો, નીપજે સર્વથા હોય ભાવી. - હરિરસ. ૧.

ઘેર દારા એક સુંદરી સાધવી, હરિ-જશ તેહને અધિક વહાલા,

નહીં કોઈ વેધ-વિચાર મનમાં ધરે, ન લહે, પરપંચ અસ્ત્રીના ચાલા - હરિરસ. ૨.

એક છે પુત્રને એક પુત્રી થઈ, જેનું મામેરૂં કરશે લક્ષ્મીનાથ,

સુત તણુ નામ તે દાસ શામળ ધર્યું, વુહવામાં કૃષ્ણજી રહેશે સાથે. - હરિરસ. ૩.

દ્વાદશ વરસ થયા છે કુંવરને, કામિની આવી ઊંભી કંથ પાસે,

’આપણું ઘર તે આદ્ય મોટુ સદા, નિર્ધન વિહવા કેમ થાશે ? ’ - હરિરસ. ૪.

’દુઃખ મ ધર ભામિની ! વાત સુણ કામિની, પૂરશે મનોરથ કૃષ્ણકામી

ધ્યાન ધર કૃષ્ણનુ, રાખ મન પ્રસન્ન તું સહાય થાશે નરસૈયાનો સ્વામી.’ - હરિરસ. ૫.

હળવે હળવે હળવે

હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે;

મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.

કીધું કીધું કીધું મુને કાંઈક કામણ કીધું રે,

લીધું લીધું લીધું મારૂં મન હરીને લીધું રે.

ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે,

ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઈ ફૂલી રે,

ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે,

જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.

પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે,

મળિયો મળિયો મળિયો, મુને નરસૈંયાનો સ્વામી રે.

હાં રે દાણ માગે કાનુડો

હાં રે દાણ માંગે કાનુડો દાણ માંગે

હાં રે તારી મોરલીના બોલ વાગે ... કાનો દાણ માંગે.

હાં રે કાન કિયા મુલકનો સૂબો,

હાં રે મારા મારગ વચ્ચે ઊંભો ... કાનો દાણ માંગે

હાં રે કાન કિયા મુલકનો રસિયો,

હાં રે મારા મારગ વચ્ચે વસિયો ... કાનો દાણ માંગે

હાં રે કાન કિયા મુલકનો દાણી,

હાં રે મારી નવરંગ ચુંદડી તાણી ... કાનો દાણ માંગે

હાં રે કાન કિયા મુલકનો મહેતો,

હાં રે મારા મારગ વચ્ચે રહેતો ... કાનો દાણ માંગે

હાં રે કાન જળ જમુનાને આરે,

હાં રે એમાં કોણ જીતે કોણ હારે ... કાનો દાણ માંગે

હાં રે કાન નથી સાકર નથી મેવા,

હાં રે ખાટી છાશમાં શું આવ્યો લેવા ... કાનો દાણ માંગે

હાં રે મહેતા નરસિંહના સ્વામી મુરારિ,

હાં રે તમે લૂંટો મા દા’ડી દા’ડી ... કાનો દાણ માંગે

હારને કાજે નવ મારીએ

હે જી વ્હાલા ! હારને કાજે નવ મારીએ,

હઠીલા હરજી અમને,

માર્યા રે પછી રે મારા નાથજીસ બહુ દોષ ચડશે તમને...

એવા હારને કાજે નવ મારીએ...

હે જી વ્હાલા ! અરધી રજની વીતી ગઈસ હાર તમે લાવોને વ્હેલા,

માંડલિક રાજા અમને મારશેસ દિવસ ઊંગતાં પહેલાં...

એવા હારને કાજે નવ મારીએ...

હે જી વ્હાલા ! નથી રે જોતો હીરાનો હારલોસ વેગે તમે ફૂલડાંનો લાવો,

દયા રે કરીને દામોદરાસ દાસને બંધનથી છોડાવો...

એવા હારને કાજે નવ મારીએ...

હે જી વ્હાલા ! કાં તો રે માંડલિકે તું ને લલચાવિયોસ કાં તો ચડિયલ રોષો,

કાં તો રે રાધાજીએ તું ને ભોળવ્યોસ કાં તો મારા કરમનો રે દોષો...

એવા હારને કાજે નવ મારીએ...

હે જી વ્હાલા ! દાસ રે પોતાનો દુઃખી જોઈનેસ ગરૂડે ચડજો ગિરધારી,

હાર રે હાથોહાથ આપજો રેસ મ્હેતા નરસૈંના સ્વામી...

એવા હારને કાજે નવ મારીએ...

હિંડોળે હિંચે મારો વહાલો

હિંડોળે હિંચે મારો વહાલો, હિંચંતાં રંગ લાગ્યો રે;

શામાને શામળિયા સાથે લાજતણો ભય લાગ્યો રે. હિંડોળે..

શામાને સોહાવે દંપતી, રસિયાશું રસ વાધ્યો રે;

લેહેરી લેતાં અંગસમાગમ, વીચંતડો વર લાધ્યો રે. હિંડોળે..

દીનોનાથ હિંડોળે હિંચે, ફૂલ્યો મદન મદમાતો રે;

નરસૈયાનો સ્વામી ભલે મળિયો, માનુનીમાં રંગરાતો રે. હિંડોળે..

હું રંગરાતી ને છું મદમાતી

હું રંગરાતી ને છું મદમાતી, શામળિયા સંગ હીછું રે,

કોડ ભર્યો અતિ કુંવર નંદનો, આલિંગન દેઈ સીંચું રે. હું રંગરાતી..

હીંડોળે હિંચે મારો વહાલો, હિચંતાં કેલિ કીજે રે;

ઘુમરડી ઘુમાવે ગોકુલપતિ, લહાવો લડસડ લીજે રે. હું રંગરાતી..

અલ જઈએ અલવેશર સાથે, વિલસત જમના માનુ રે;

લેહેરી લેતાં અંગ સમાગમ, અધરપાન કીધું છાનું રે. હું રંગરાતી..

હિંડોળે હુલરાવું તમને, હેતે કરીને ગાઉ રે;

નરસૈયાના સ્વામી સંગે રમતાં, કાનજીને કંઠે વિટાઉ રે. હું રંગરાતી..

હે કાનુડા તોરી ગોવાલણ

હેં કાનુડા તોરી રે ગોવાલણસ મોરલીએ લલચાણી રે,

હેં કાનુડા તોરી ગોવાલણ...

હરખેં મેં તો ઈંઢોણી લીધીસ ભરવા હાલી હું તો પાણી રે;

ગાગર ભરોંસે ગોળી લીધીસ આરાની હું અજાણી રે

હેં કાનુડા તોરી ગોવાલણ...

ગાય ભરોંસે ગોધાને બાંધ્યોસ દોહ્યાંની હું અજાણી રે;

સવાછરૂં ભરોંસે છોકરાંને બાંધ્યાસ બાંધ્યા છે બહુ તાણી રે...

હેં કાનુડા તોરી ગોવાલણ...

રવાઈ ભરોંસે ઘોસરૂં લીધુંસ વલોવ્યાની હું અજાણી રે;

નેતરાં ભરોંસે સાડી લીધીસ દૂધમાં રેડયાં પાણી રે...

હેં કાનુડા તોરી ગોવાલણ...

ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છેસ ઘેલી હું રંગમાં રે’લી રે;

ભલે મળ્યા મેતા નરસિંહના સ્વામીસ પૂરણ પ્રીત હું પામી રે...

હેં કાનુડા તોરી ગોવાલણ...