Kidioni L.O.C in Gujarati Children Stories by Nayana B Mehta books and stories PDF | કીડીઓની એલ ઓ સી

Featured Books
Categories
Share

કીડીઓની એલ ઓ સી

કીડીઓની એલ ઓ સી

નયના મહેતા

કીડીઓનું મોટુંમસ ટોળું .એમાં ત્રણ મોટી કીડીઓ ય દોડાદોડ કરે.એક તો જાણે કીડીઓની રાણી હોય પણ બીજી બે ?એ બેનપણીઓ હશે .આપણે એની શી પંચાત? ત્રણે ખુબ ટેન્શનમાં હોય એવું તેમના રઘવાટ પરથી ચોખ્ખું લાગતું હતું. વાત કીડીઓની એલ ઓ સી ની છે .

એલ ઓ સી એટલે કે “ લાઈન ઓફ કંટ્રોલ”.આમ તો આવા ચાળા માણસોએ શોધેલાં પણ માણસોનાં મોઢે અવાર- નવારઆ શબ્દો સાંભળ્યાં

એટલે કીડીઓની રાની ‘લીમીરાણી’ને આ એલ ઓ સી વાળો વિચાર બહુ ગમી ગયો.એણે કીડીઓના બન્ધારણમાં એક કાયદો ઉમેરી દીધો .પોતાની પૂરી કીડીજાતી માટે ઘડેલો એ કાયદો આ પ્રમાણે હતો.

“માણસોનાં ઘરોમાં કારણ વગર કીડીઓએ જવું નહિ.દર તો બનાવવું જ નહિ.ઘણી બહાર કે આજુબાજુ દર કરો તો વાંધો નહિ.” વળી નોંધ કરી, ‘બાગ-બગીચા,ઝાડનાં થડમાં,મૂળ પાસે ,ખેતરાઉ ખુલ્લી જમીનમાં ....મન પડે ત્યાં દર કરવાં અને મુક્તમને ફરવું.’ આવી ચોક્ખી સુચના છતાં અવળચંડી કીડીઓ માણસોનાં ઘરમાં ઘૂસવાની પેરવીમાં જ રહેતી.ચીકી એમાં એક્કો હતી.એ માણસોનાં ઘરમાં ઘુસવા તક શોધતી.માણસોની પ્રિય ગળી –ગળી ચીકી એણે બહુ જ ભાવે.ગમે ત્યાંથી એ ચીકી શોધી કાઢે .એટલે એનું નામ ‘ચીકી’ પડી ગયું.

માણસના ઘરની બાલ્કનીની આજુબાજુ એ ફર્યા કરે.અંદર કંઈ ભાવતી વસ્તુ દેખાઈ નથી કે ચીકી ઘરમાં ઘૂસી જાય.પછી પાછળ બીજીઓ પણ ઘૂસે..

સુરભીના ઘરની બાલ્કનીની બહાર કીડીઓનું દર હતું. ઘરમાં સુરભી એનો નાનો ભાઈ કણ્વ એમના મમ્મી પપ્પા સાથે રહે. કણ્વને બધાં મુન્નો કહેતાં.એમના મમ્મી-પપ્પા જોબ કરે. ઘરમાં સુરભી અને મુન્નો બે જણા જ હોય. મુન્નાને ભૂખ લાગી હતી.

‘દીદી મને ભૂખ લાગી, કૈક ખાવાનું આપને.’મુન્નો બોલ્યો.

‘હજી થોડી વાર પહેલા તો જમ્યો છે અને એટલી વારમાં ફરી ભૂખ લાગી? જમતી વખતે રમત-રોળીયાં કરે છે ને સરખું જમતો નથી.પછી આખો દિવસ ભૂખ–ભૂખ કર્યા કરે છે. ઘરમાં કઈ નાસ્તો નથી. બેઠો રહે હવે છાનોમાનો.’ સુરભીએ ખીજાઈને કહ્યું .

‘એ એ એ ...’મુન્નાભાઈ તો રડવા માંડ્યા.’

સુરભીને યાદ આવ્યું ,એક ડબ્બામાં બિસ્કીટ છે. એણે કહ્યું , ‘બિસ્કીટ ખાઇશ? સરસ ગળ્યા ગ્લુકો બિસ્કીટ છે.’

‘હા આપ જલ્દી .’ મુન્નાએ હા પાડતા કહ્યું. સુરભીએ ડબ્બામાંથી બે બિસ્કીટ આપ્યાં. મુન્નાભાઈ તો રાજીરાજી થઇ ગયા. હરતા જાય, ફરતા જાય ને ખાતા જાય. છેલ્લે અડધું બિસ્કીટ એના હાથમાંથી પડી ગયું. ત્યાં થોડું ભીનું હતું. સુરભી ત્યાંથી પસાર થઇ. એનો પગ નીચે પડેલા બિસ્કીટ પર પડ્યો. સુરભી તો સરરરર કરતી લપસી. એતો સારું હતું કે રસોડાનું પ્લેટફોર્મ પકડી લીધું એટલે બચી ગઈ પણ સુરભીને લપસતા જોઈ મુન્નો ખડખડાટ હસી પડ્યો. સુરભીએ એની સામે ડોળા કાઢ્યા. એ બહાર જઈને કચરો ભરી લેવાની સુપડી અને ઝાડુ લઇ આવી. બિસ્કીટનો ભૂકો વાળીને ભરી લીધો. બાલ્કનીમાં એ કચરો નાખવા ગઈ ત્યાં ગેસ પર રાખેલું દૂધ ઉભરાતું હોય તેવું લાગ્યું. સુપડી કચરાની ડોલ પાસે નીચે જ રાખી, એ જલ્દી ગેસ પાસે દોડી. દૂધ બચી ગયું. સુરભી બીજા કામમાં પરોવાઈ ગઈ. બહાર નીચે પડી રહેલી સુપડી કચરાની ડોલ પર ઢાંકવાનું ભૂલી ગઈ.

ચીકીએ નીચે પડેલી સુપડીમાં મીઠો-મધૂરો ખોરાક એટલે કે બિસ્કીટનો ભૂકો જોયો. એણે તો બીજી કીડીઓને પણ ઉજાણી કરવા. બોલાવી લીધી.પછી કીડીઓ તો સંદેશો એકબીજાને પહોચાડવામાં કેવી કુશળ? તરત જ અનેક કીડીઓ ત્યાં ભેગી થઇ ગઈ. સુપડી પર ચડવા કેવો સરસ ઢાળ, એટલે ચડતા વાર શી? કીડીઓના ઝુંડ-ના-ઝુંડ સુપડી પર ચડી ગયાં.ખવાય એટલો બિસ્કીટનો ભૂકો ખાય ને વધારાનો મોમાં પકડી દરમાં લઇ જાય.બધીઓને મનમાં થાય.

’બિસ્કીટનો ભૂકો તો ભાઈ વાહ કેવો મીઠો ,પાછો હલકો ફૂલ જેવો! પટ દઈને મોમાં પકડી લેવાય.લઇ જવાનું પણ કેવું સહેલું! કીડીઓને તો જલસા પડી ગયા.

મોમાં બિસ્કીટના કણ પકડીને હારબંધ દોડતી કીડીઓને જોઈ બીજી નવી કીડીઓ પણ આ ‘મિશન બિસ્કિટ’ માં જોડાતી ગઈ. પરિણામે સુપડી પર કીડીયારું ઉભરાઈ ગયું. બિસ્કીટનો ભૂકો તો જાણે કીડીઓની ઢગલી જેવો લાગે!

બીજી તરફ પોતાના વિસ્તારની કીડીઓ દેખાતી ન હતી એટલે કીડીરાણી લીમી ચિંતા કરવા લાગી. એને થયું ‘બધીઓ ગઈ ક્યાં? મનમાં વિચાર આવ્યો, ’ક્યાંક પાછી બધીઓ માણસોના ઘરમાં તો નથી ઘૂસી ને?’ લીમીરાણીએ સુરભીના ઘરની બાલ્કનીમાં જોયું તો લીમીનો ડર સાચો પડ્યો.

લીમીરાણી દૂરથી બધો તમાશો જોઈ રહી. એ આખી પરિસ્થિતિ પામી ગઈ. ભૂતકાળમાં આ રીતે ભેગી થયેલી કીડીઓને માણસના ઘામાંથી બહાર કાઢતાં જેટલી મુશ્કેલી પડેલી તેના અનુભવ ને લીધે એણે પોતાની બે સખીઓને પણ મદદમાં લીધી. ત્રણે ધસમસતી પેલી સુપડી પર ચડેલી કીડીઓ પાસે આવી. બધીઓને બહાર નીકળી જવા સમજાવવા લાગી પણ અહી કોણ સાંભળે? કોઈને બિસ્કીટ સિવાય કઈ દેખાતું હોય તો ને.

‘લાલચ ચીજ બહુ બૂરી. મારે ને માર પણ ખવરાવે.’

ઝનુનપૂર્વક બિસ્કીટ ખાતી ને પાછું મોમાં ભરાય તેટલું ભરી દરભેગું કરતી ઘાંઘી બનેલી કીડીઓ બિસ્કીટ પર ખરેખરી તૂટી પડી હતી. લીમીરાણી અને એની મદદે આવેલી કીડીઓ એડી-ચોટીનું જોર લગાવી બધીઓને બહાર કાઢવા મથતી હતી. મોમાં ખાવાનું લઇ બાલ્કનીની બહાર જતી ચીકીએ જોયું તો, સુરભી કોઈ કામે બાલ્કનીમાં આવી. ઘણીબધી કીડીઓને જોઈ તે ઘરમાં જઈને એક લાંબી નળી જેવું કંઇક લાવી. ચીકી એકદમ સજાગ થઇ ગઈ. એ સમજી ગઈ કે દાળમાં કંઈક કાળું છે. એ તરત બધી કીડીઓને ચેતવવા લાગી.

’સાવધાન..સાવધાન..જરા થોભો. જલ્દી બહાર નીકળો ‘પણ જે થવાનું હતું તે થઈને જ રહ્યું. ’ફસ્સ્સ્સ...’ અવાજ સાથે પેલી નળીમાંથી એક જોરદાર વાવાઝોડું આવ્યું. પાછી એમાથી ભયંકર વાસ પણ આવી. સુપડીમાંનું કીડીઓનું ટોળું વેર-વિખેર થઇ ગયું! લીમીરાણી, તેની સહાયક કીડીઓ ઉપરાંત બીજી પણ થોડી કીડીઓ સુસવાટાને લીધે ઉડીને થોડે દૂર ફેંકાઈ ગઈ. લીમીરાણી પછડાટના લીધે બેભાન થઇ ગઈ. જાગી ત્યારે ગભરામણ થતી હતી.ઉલટી થશે, એવું પણ લાગતું હતું. વળી એણે જોયું તો પોતાની પ્રજાનો મોટો ભાગ નાશ પામ્યો હતો! પોતે હજુ ભાગે તે પહેલા સુરભીએ સાવરણી વડે બહાર પડેલી કીડીઓને પણ મરેલી કીડીઓ ભેગી, સુપડીમાં ભરી લીધી અને કચરા ડોલમાં ઠાલવી દીધી. પાછી સુપડી ડોલ ઉપર ઢાંકી દીધી. ડોલની અંદર લીમીરાણી અને બાકીની કીડીઓની ગુંગળામણનો પર નહિ. એતો ભલું થાજો ભગવાનનું કે, તરત નગરપાલિકાની મોટી કચરાગાડી આવી.

સુરભીએ કચરાડોલ ઊંચકીને તે કચરાગાડીમાં જીવ લઇ લેશે, એવું ઠાલવી, એટલે સહુને જીવનદાન મળ્યું. હવે જગ્યાની મોકળાશ હતી. પેલી દવાની વાસ પણ ઓછી થઇ ગઈ હતી,વળી આ ગાડીમાં કીડીઓ માટેનું ખાવાનું પણ ઘણુંબધું અને ભાતભાતનું હતું. લીમીરાણીએ જરાય સમય ગુમાવ્યા વગર વટહુકમ બહાર પાડ્યો’ ’ખબરદાર, એક પણ કીડીએ હવે ખાવાનું લેવા જવાનું નથી. હમણાં જ અરજન્ટ મીટીંગ રાખી છે.’

થોડીવારમાં હાદસામાંથી બચેલી બધી કીડીઓની મીટીંગ ભરાઈ. મીટીંગમાં લીમીરાણીએ ભાષણ કર્યું, ’જોયુંને..કાયદો તોડવાથી શું થાય છે તે? જોયુંને આપણી બધી બહેનો આજે મારી ગઈ? કાયદા આપણા ફાયદા માટે જ હોય છે. એલ ઓ સી ના કાયદામાં ચોખ્ખું કહેલું છે ને કે, માણસોનાં ઘરમાં નહિ ઘૂસવાનું તો પછી કેમ બધીઓ અંદર પેઠેલી? ઓછી મહેનતે વધુ લાભ લેવામાં જીવનું જોખમ થયુંને? હવે કાયદાનું મહત્વ સમજીને એની હદમાં રહેતાં શીખો..આજે તો બચી ગયાં પણ દર વખતે નહિ બચો. ભાષણ પૂરું થયું એટલે લીમીરાણીએ જોયું તો દૂર બેઠેલી ચીકી પોતાને ગિલ્ટી લાગતું હોવાથી સંકોચાઈને બેઠી હતી, તે નજરે પડી. લીમીએ એની સામે ડોળા કાઢ્યા ને એને લઢી નાખતા બોલી,’ ચીકી, તું તો બહુ ચબરાક છે. તેં કેમ કોઈને ચેતવી નહિ? ચીકી ખરેખર જ ચબરાક અને હાજરજવાબી હતી. તે તરત ગાવા લાગી.

‘કીડીઓને કાનમાં મેં કીધી’તી વાત.સાંભળી નહિ એમાં મારો શું વાંક?’