ડિજિટલ દગો!
અરે! વર્ષા શું ગાંડા જેવી વાત કરે છે? હું તનેજ પ્રેમ કરું છું અને તારા સિવાય મારા જીવન માં બીજું કોઈ નથી. “મને તારા પર વિશ્વાસ નથી”.. હવે હું પહેલા જેટલી રૂપાળી નથી!.. ઉમર થઇ ગઈ. શરીર વધી ગયું એટલે હવે તને ક્યાંથી ગમું. અરે! વર્ષા તું શું વાત કરે છે. હું પહેલા પણ તનેજ પ્રેમ કરતો હતો અને આજે પણ તનેજ પ્રેમ કરું છું અને હંમેશા તનેજ પ્રેમ કરતો રહીશ. તારા સિવાય મારા જીવન માં બીજું કોઈ નથી. આ ઝગડો વર્ષા અને સોહમ વચ્ચે થઇ રહ્યો હતો. વર્ષા અને સોહમ ના લગ્ન એમના પરિવારવાળા એ બંને ની સહમતી થી સાત વર્ષ પહેલા કર્યા હતા. વર્ષા નાના ગામડાની હતી અને લગ્ન બાદ એ શહેર માં આવી હતી. સોહમ શહેર માં એક એમ.એન.સી માં નોકરી કરતો હતો.વર્ષા દેખાવ માં ખુબ જ સુંદર હતી સોહમ તો એને જોઈનેજ પાણી પાણી થઇ ગયો હતો. અને એની સાથે લગ્ન ની ઉતાવળ કરવા લાગ્યો હતો.
વર્ષા ને પણ સોહમ પસંદ હતો.સારો એવો પગાર શહેર ના પોસ વિસ્તારમાં બંગલો અને સુખી સંમ્પન પરિવાર અને સોહમ ના પિતા એની જ્ઞાતિ માં એક ઊંચું સ્થાન ધરાવતા હતા એટલે બંને પરિવાર એક બીજા ને સંબંધ માં બાંધવા માટે આતુર હતા.લગ્ન બાદ સોહમ અને વર્ષા ઘણી જગ્યા પર ફરવા ગયા. બંને એક બીજા ને ધીમે ધીમે ખુબ પ્રેમ કરવા લાગ્યા. પરંતુ, અમુક બાબત માં બંને ના મત અલગ હતા.સોહમ વર્ષા ને જીન્સ પહેરવા કહે તો વર્ષા ના પાડે એને જીન્સ જેવી વસ્તુ પસંદ નહતી એ ડ્રેસ અને સાડી જ પહેરતી.
સોહમ ને ગરબા રમવાનો ખુબ શોખ જયારે વર્ષા ને સોર બકોર અને વધુ ભીડ ભાળ વળી જગ્યા પર જવું પસંદ નહતું. સોહમ ને બહાર ફરવું, હોટલ માં જમવું વગેરે શોખ અને વર્ષા તો બસ એની કિતાબી દુનિયામાં ખોવાઈ જાય અને લગ્ન ના બે વર્ષ બાદ વર્ષા ગર્ભવતી થઇ અને એમના ત્યાં એક રાજકુમાર નો જન્મ થયો.આ બે વર્ષ દરમ્યાન વર્ષા અને સોહમ વચ્ચે શારીરિક રીતે અંતર વધી ગયું વર્ષા ને શારીરિક સહવાસ માંથી રુચિ ઓછી થઇ ગઈ.સોહમ એને ઘણી વાર મનાવતો પણ વર્ષા ને હવે એ પસંદ નહતું.સોહમ અને વર્ષા વચ્ચે હવે ઝગડાઓ દિવસે અને દિવસે વધી રહ્યા હતા.
દરેક નવરાતી માં સોહમ ઓફિસ થી વહેલો આવી અને એને લીધેલા નવા નવા ટ્રેડિશનલ કપડાં પહેરી અને ગરબા રમવા માટે જતો.વર્ષા ને ખબર હતી કે સોહમ ને ગરબા રમવા ખુબ ગમે છે પણ છેલ્લા બે વર્ષ થી એ અતિ ઉત્સાહિત જણાય છે એ એના વર્તન માં સાફ દેખાઈ રહ્યું છે.વર્ષા ઘણી વાર ચોરી છુપી થી એનો મોબાઈલ ચેક કરતી મેસેજ, એનું કોલ રેકોર્ડ, અને ફોટો ગેલેરી અને વોટ્સ અપ્પ મેસેજીસ અને આ બધી તપાસ છતાં એને સોહમ ના ફોન માં કઈ મળતું નહતું. સોહમ વર્ષા ને ઘણી વાર એનો મોબાઈલ ચેક કરતા જોઈ જતો અને બને વચ્ચે બોલા ચાલી થતી. સોહમ ઘણી વાર અને ટોકતો તારો આ શંકાશીલ સ્વભાવ બદલ. પણ વર્ષા ને સોહમ ના બદલેલા વર્તન અને એના વ્યવહાર થી શંકા દિવસે ને દિવસે વધતી જતી હતી.
સોહમ નવરાત્રી ના ચોથા નોરતે એ એને પસંદ નો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને પસંદ નું પરફ્યુમ લગાવી અને બહાર જવા માટે તૈયાર થયો. અને એને ગાડી ની ચાવી લીધી એ પાર્કિંગ માં પહોંચ્યો અને જોયું તો ગાડી માં પંચર હતી અને બીજી કાર એને પિતાજી લઈને ગયા હતા. એટલે સોહમ ફરી બંગલા માં ગયો અને એનું સિલ્વર કલર નું બુલેટ જે એને જીવથી પણ વહાલું હતું એની ચાવી લીધી અને શહેર થી દૂર આવેલા એવા એક પાર્ટી પ્લોટ માં જ્યાં ગરબા નું આયોજન હતું ત્યાં જવા માટે નીકળ્યો થોડો આગળ ગયો ત્યાં એને એના ફોન માં રિંગ વાગી એને બુલેટ ને સાઈડ માં ઉભું રાખી અને ફોન માં નજર કરી તો ડિસ્પ્લે પર નામ હતું પરમજીત.. અને એ મલકાયો અને એને ફોન રિસીવ કરી અને બોલ્યો બોલ મારી જાન.. શું જાન? કેટલી વાર મને કેટલી રાહ જોવડાવીશ.. સોહમ બોલ્યો અરે હું આજે બાઈક પર આવું છું. કેમ બાઈક? " કાર માં પંચર છે એટલે" ઠીક છે જલદી આવ હું તારી રોજ ની જગ્યા પર રાહ જોવું છું.
અને એ ફરી બુલેટ ચલાવા લાગ્યો અને મન માં વિચારતો હતો કે એ કેવો વર્ષા ને બેવકૂફ બનાવે છે પરમજીત એની પ્રેમિકા છે પણ એને વર્ષા ને એમ કીધું હતું કે પરમજીત એક પુરુષ છે અને એની ઓફિસ માં કામ કરે છે. પરમજીત નામ પણ એને કંફ્યુઝ કરે એવું હતું અને એ એનોજ ફાયદો લેતો હતો.પરમજીત અને સોહમ બંને એકજ ઓફિસ માં કામ કરે છે. પરમજીત છેલ્લા બે વર્ષથી સોહમ ની કંપની માં જોડાયેલી હતી અને એ સોહમ સાથે કામ કરતી હતી. કામ કરતા કરતા બંને વચ્ચે ની નજદીકી વધી ગઈ હતી અને ઓફિસ ની કેન્ટીન માં જન્મેલી મિત્રતા પરમજીત ના ઘરે એના બેડરૂમ સુધી પહોંચી ગઈ હતી. પરમજીત એકલી રહેતી હતી અને એનો પરિવાર બીજા રાજ્ય માં હતો. એટલે પરમજીત નું ઘર બંને ની મુલાકાત નું કાયમ માટે નું સ્થળ હતું.
સોહમ એમની દરરોજ ની મળવા ની જગ્યા પર પહોંચ્યો અને પરમજીત ને લઈને હાઇવે પર નીકળી ગયો એ ખુબ ઉતાવળ માં હતો એને આજે જલ્દી થી પાછા આવી અને પરમજીત સાથે અંગત ક્ષણો માણવી હતી.એ બંને એ શહેર થી દૂર આવેલા પાર્ટી પ્લોટ માં ગરબા ગાયા. એ લોકો શહેર થી દૂર ના પાર્ટી પ્લોટ માં આવતા એટલે સોહમ ને કોઈ ઓળખીતું મળી ના જાય. ગરબા નો આનંદ માણી અને એ લોકો પરમજીત ના ઘર તરફ નીકળી ગયા એ દિવસે સોહમ અને પરમજીત એ બંને ના સહવાસ નો આનંદ લીધો અને પરમજીત બોલી તું ક્યારે વર્ષા ને છુડાછેડા આપવાનો છે. જલ્દી કર પ્લીસ. મારા ઘરે થી મારા લગ્ન ની પ્રેસર વધતું જાય છે, અને હંમેશ ની માફક સોહમએ આજે પણ એની વાત ટાળી દીધી.
એ રાત્રે એ સવાર ના ચાર વાગે ઘરે આવેલો ઘરે આવી અને ઊંઘી ગયો બીજા દિવસે રવિવાર હતો એટલે એ મોડા સુધી સુવાનો હતો એ વર્ષા પણ જાણતી હતી એવામાં ઘર ની બહાર પોલીસ ની ગાડી આવી અને એ બંગલા નો દરવાજો ખોલી અને અંદર આવી રહ્યા હતા ત્યાં વર્ષા ની નજર એમના પર પડી અને એ બહાર દોડી ને આવી અને હાંફતી હાંફતી પૂછવા લાગી શુ થયું સાહેબ તો એ બોલ્યા. મેડમ આ બંગલો જી.જે.એક....... સિલ્વર બુલેટ ના મલિક સોહમ નું ઘર છેને? હા સાહેબ.. લો મેડમ આ અને એમ કહી અને પોલીસ વાળા એ ખીચા માંથી એક કાગળ કાઠી અને વર્ષા ના હાથ માં આપ્યું અને બોલ્યા દંડ ભરી દેજો કોર્ટ માં. પહેલા તો વર્ષ ને સમજાયું નહિ.
એને હાથ માં રહેલા કાગળ તરફ નજર કરી એ મેમો હતો હેલ્મેટ નહતું પહેરું એના માટે પણ એ મેમો ડિજિટલ ઇન્ડિયા માં સી.સી ટીવી કેમેરા દ્વારા લેવામાં આવેલો હતો અને ફોટા માં સોહમ અને એની પાછળ એને ચોંટી ને બેઠેલી પરમજીત સ્પષ્ટ દેખાઈ રહી હતી. વર્ષા મેમો આપવા પોલીસ વાળા પર ભડકી અને બોલી આ સ્ત્રી નો પહેલા શોધો એ મારા પતિ સાથે શું કરે છે? પોલીસ વાળા તો મેમો આપવા આવેલ હતા અને એમને ના નવી મુસીબત નો સામનો કરવો પડ્યો. એ લોકો એને પોલીસ સ્ટેશન આવાની સલાહ આપી અને ત્યાંથી નીકળી ગયા અને એમની પાછળ પાછળ વર્ષા એના દીકરા ને લઈને નીકળી ગઈ. અને મેમો કાગળ પર ફોટા નીચે લખતી ગઈ તને તારી નવી માશુકા મુબારક.....