Ekbandh Rahashy - 26 in Gujarati Fiction Stories by Ganesh Sindhav (Badal) books and stories PDF | અકબંધ રહસ્ય - 26

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

અકબંધ રહસ્ય - 26

એકબંધ રહસ્ય

ભાગ - 26

Ganesh Sindhav (Badal)

કૃષિ યુનિવર્સીટીના અભ્યાસનું પરિણામ જાહેર થયું. એમાં વિભા અને સુમન બંને ઉત્તીર્ણ થયા. એ બંને વનવાસી ઉત્કર્ષ સંસ્થામાં જોડાયા. વિભા લુસડિયા એના કાકાના ઘરે રહીને આવ-જા કરતી. સુમને એના દાદા-દાદી સાથે રહેવાનું રાખ્યું હતું.

વિભા અને સુમનના પ્રેમ સંબંધનો ખ્યાલ વિઠ્ઠલભાઈને હતો જ. એથી એમણે સામેથી સુમનને કહ્યું, “વિભા સાથે તારે લગ્ન કરવા હોય તો મને કે તારા પપ્પાને કોઈ હરકત નથી. તારી મમ્મી અને તારા નાના-નાની અમારી પર આક્ષેપ મૂકશે કે તને અમે અહીં બોલાવીને આદિવાસી છોકરી સાથે લગ્ન કરાવ્યાં. તમેન મા દીકરાને અમે છૂટા પડાવ્યાં. તારી મમ્મીનો એકમાત્ર તું જ સહારો છે. એ અમે ઝૂંટવી લીધો.”

“હું તને વિભા સાથે લગ્ન કરવાની સલાહ એટલા માટે આપું છું કે વિભા અને તું બંને અહીં સાથે કામ કરો છો. તમારી વચ્ચે મનમેળ છે. તમે લગ્ન કર્યા વિના સાથે રહી શકતા નથી. એ કારણે બંને હિઝરાયા કરો છો. આથી તમારા કામમાં ભલીવાર આવતો નથી. તમારા બંનેની માનસિક સ્થિતિનું નિરીક્ષણ કર્યા પછીથી મને લાગે છે તમારે વેળાસર લગ્ન કરી લેવા જોઈએ.”

સુમન કહે, “વિભા સાથે મારા લગ્ન થાય એની મંજુરી મારી મમ્મી કદીયે નહીં આપે. એણે જાણ કર્યા વિના હું લગ્ન કરું અને જયારે જાણશે ત્યારે એ આપઘાતનો રસ્તો લેશે. લગ્ન કરીને એના આશીર્વાદ લેવા અમે રતનપર જઈએ ત્યારે એ મને અને વિભાને ઘરમાં પ્રવેશવા નહીં દે.”

વિઠ્ઠલભાઈ કહે, “તું એક તરફી વિચાર કરે છે. વિભાને પણ એના મા-બાપ છે. એ વિભાને તારી સાથે લગ્ન કરવાની છૂટ આપશે જ એવું તેં શા માટે માની લીધું છે ? એમને એમ હોય કે આપણી ભણેલી હોંશિયાર રૂપાળી દીકરીને પરજ્ઞાતિમાં શા માટે આપવી જોઈએ ? આપણા દેશની જ્ઞાતિપ્રથાના કારણે હજારો પ્રેમી યુગલો આપઘાત કરે છે. પરદેશમાં જ્ઞાતિપ્રથા ન હોવાથી પ્રેમીઓના આપઘાત થતા નથી. તું તારી મમ્મીને વિગતે પત્ર લખીને અહીં આવવાનું નિમંત્રણ આપ. તારા લગ્નની તમામ વિધિ એના હાથે થશે. નાના-નાનીને પણ સાથે લાવે. કદાચ એ આવે પણ ખરી.”

સુમને એની મમ્મીને પત્ર લખ્યો.

વહાલી મમ્મી,

તમે જૂનાગઢ આવ્યાં હતાં ત્યારે આખો દિવસ આપણી સાથે ફરી હતી તે વિભા સાથે લગ્ન કરવાનું મેં નક્કી કરી લીધું છે. અહીં સંસ્થામાં જ લગ્ન રાખ્યાં છે. લગ્નની તમામ વિધિ તારા હાથે થશે. મારા લગ્નમાં નાના અને નાની ખાસ હાજરી આપે એવો મારો આગ્રહ છે. આ ઉપરાંત તારી શાળામાંથી કોઈ આવે તો એમને લેતી આવજે.

મમ્મી, હું જાણું છું કે તને અમારા આ લગ્ન મંજુર નથી. તારી પસંદગીની ચંદા સાથે લગ્ન કરવાની મેં ના પાડી હતી તેથી તારું દિલ દુભાયું છે. આ પછી તેં મને કાગળ લખ્યો નથી. આથી મને ખ્યાલ આવે છે કે તું મારાથી નારાજ છે.

મમ્મી, મારી તમામ ભૂલો માફ કરીને તારે આવવું જ પડશે. મને અને વિભાને તારા હાથે પોંખીશ ત્યારે અમને લગ્ન થયાં જેવું લાગશે. મારો આ પત્ર વાંચીને તને આઘાત લાગશે એનો મને ખ્યાલ છે. તું તારા એ આઘાતને દૂર હડસેલીને અહીં સમયસર પહોંચી જજે.

ઓગસ્ટની ૧૬મી તારીખે જન્માષ્ટમીના શુભ દિવસે લગ્નનું મુહુર્ત છે. તારે બે-ત્રણ દિવસ વહેલા આવવું જરૂરી છે. અહીં સંસ્થાનું મહેમાનગૃહ મોટું છે. એમાં બધાને રહેવાની વ્યવસ્થા થશે.

લિ. તારો પુત્ર સુમન

સુમનનો પત્ર વાંચીને જયાને હાર્ટ એટેક આવ્યો. સ્થાનિક ડોક્ટરોની સલાહથી એણે તાત્કાલિક શહેરના દવાખાનામાં દાખલ કરી. ચાર પાંચ દિવસ રાખ્યા પછી એને રતનપર જવાની રજા મળી. ડોકટરે જે દવા લખી આપી હતી તે લઈને સંપૂર્ણ આરામની સૂચના આપી.

સુમનને એના નાનાનું પોસ્ટકાર્ડ મળ્યું, એમાં એમણે લખ્યું હતું,

ચિ. સુમન,

તારી ટપાલ અમને મળી છે. હાલમાં તારી મમ્મીની તબિયત ઠીક નથી. એથી એ તારા લગ્નમાં આવી શકશે નહીં. એ ન આવે તો અમારાથી પણ અવાશે નહીં. તમે લગ્નની વિધિ પતાવી દેશો.

લિ. તારા નાના

રમેશભાઈ

વિભાને એના પપ્પા એમ.આર. ભગોરાનો પત્ર મળ્યો, એમાં એમણે લખ્યું હતું,

ચિ. વિભા,

તેં અને સુમને લગ્ન કરવાનું નક્કી જ કર્યું છે તો તમે તમારી રીતે લગ્ન કરી લ્યો. ચોમાસાની આ સીઝનમાં મારાથી હેડક્વાર્ટર છોડવું મુશ્કેલ છે. તારી મમ્મી એકલી આવી શકે તેમ નથી. લુસડિયા કાકાને પણ જાણ કરીશ નહીં. હાલમાં એ ખેતીના કામમાં વ્યસ્ત હશે. આ પત્રથી લગ્ન માટે હું મારી શુભેચ્છા મોકલું છું. તમને મારા આશીર્વાદ છે.

લિ. તારા પપ્પા અને તારી મમ્મી

જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે શામળાજીનો મેળો જામ્યો હતો. યુવક પોતાની ભાવિ પત્નીને પાનનું બીડું આપે ને એ સ્વીકારે તો એ લગ્ન માટેનો સંકેત છે. યુવતીઓ સખીઓની આડસે ઊભી રહીને પોતાના મનના માણીગરનું નિરીક્ષણ કરે ને એના મનમાં વસે એટલે એ પાનના બીડાંનો સ્વીકાર કરે. આ રીતે કેટકેટલા યુગલોનું જોડાણ આ મેળામાં થતું રહે છે.

આ દિવસે સુમન અને વિભા શામળાજીમાં આવેલી હરિશ્ચંદ્રની ચોરીએ પહોંચ્યા. સ્થાનિક પંડિતને હાજર રાખીને બંનેએ એકબીજાને હાર પહેરાવ્યા. ફોટા પડાવ્યા. પતિ-પત્ની સંસ્થાએ પહોંચ્યાં. વિઠ્ઠલભાઈ અને રેવાબાના આશીર્વાદ લીધા. સુરેશ અને રઝિયાએ સુમન વિભાને વધાવી લીધા.

દવાનો ડોઝ લઈને જયા ઊંઘતી હતી. એને સપનું આવ્યું. લગ્ન મંડપમાં વિરમ બેઠો હતો. એની બાજુમાં બનીઠનીને એ પોતે બેઠી હતી. વહુએ સુમનના ગળામાં હાર પહેરાવ્યો. ને એની ઊંઘ ઊડી ગઈ.

ડોકટરે સૂચના આપી હતી કે જયાની રૂમમાં જઈને કોઈએ બોલવું નહીં. આમ છતાં એની મા મધુ ઓસરીમાં બેસીને કકળાટ કરતી હતી એ જયા સાંભળતી હતી.

ભોળિયા સુમનને એના બાપ પાસે જવાની મેં ઘસીને ના પડી હતી. એમને (રમેશ પટેલને) મારાથી પુગાતું નથી. રામપુરાની જમીનની લાયમાં એને એના દાદા પાસે મોકલીને શું લાતો કાઢ્યો ? ભણાવી ગણાવીને મોટો કર્યો, એ સુમન હાથથી ગયો. એની બીમાર માની ખબર લેવાનો એને સમય નથી. મુવા નાખોદિયાએ સુમનને ગોંધી રાખ્યો હશે. જૂનાગઢવાળી આદિવાસીની છોડીએ સુમન પર કામણ કર્યું હશે. જો એમ ન હોત તો એ અહીં આવ્યા વિના રહેત નહીં.

મધુનું બોલવું સાંભળીને રમેશ પટેલે એને કહ્યું, “તું અહીંથી દૂર જા. તારો ઘાંટો જયાના રૂમ સુધી પહોંચે છે. એને નિરાંતે ઊંઘવા દે.”

આ સમયે જ સુમન આવ્યો. એ એની મમ્મીના મળ્યો. એણે પૂછ્યું, “મમ્મી, તને શું થયું છે ?” બાજુમાં ઊભેલા રમેશભાઈએ કહ્યું, ‘તું એને બોલાવીશ નહીં. ડોકટરે એને સંપૂર્ણ આરામ કરવાનું કહ્યું છે.’ આ સમયે આંગણે જીપનો અવાજ આવ્યો, એમાં વિરમ હતો. એ જયાની રૂમમાં ગયો. ખાટલામાં સૂતેલી જયાને એણે પૂછ્યું, “આમ, અચાનક તને શું થયું ?” જયાએ હળવેથી કહ્યું, “હાથના કર્યા હૈયે વાગ્યાં.” એણે સુમનને નજીક બોલાવ્યો. એના માથે હાથ મૂક્યો.