હોમ સ્વીટ હોમ
સૃષ્ટિ ના સર્જનહાર હોવા છતાં કૃષ્ણ ને ગોકુળ અને રામ ને અયોધ્યા યાદ આવતા જ આંખ માં આંસુ આવી જાય તેનું જ નામ ઘર. જેના પ્રત્યે ભગવાન ખુદ પણ અનાસક્ત ન થઇ શકે તે એટલે જ તો ઘર. આ જ સ્વર્ગ છે. દુનિયાની સારામાં સારી શાંતિ અને ખૂબ જ સ્વતંત્રતા પૂર્વક ની મોજ ઘરે જ તો આવે છે. ભુતકાળ ની સૌથી મજાની ક્ષણો આ જ ચાર દિવાલો વચ્ચે જ છુપાયેલી છે.
દરવાજો ખોલતા જ બધો થાક બહાર રહી જાય એનું નામ એટલે ઘર.
હમણાં જ ક્યાંક એક વાક્ય વાંચેલું, પણ ખરેખર ખૂબ જ ગમી ગયું કે,
“સૌથી સુખદ યાત્રા હંમેશા ઘર તરફ જ લઇ જતી હોય છે.”
છે ને ખૂબ જ સરસ, હાં દુનિયા માં ગમે તે ખૂણામાં જાઓ પણ પછી ઘરે પાછા ફરવાનો પણ આનંદ હોય છે. અને એટલે જ તો બધા કહેતા હોય છે કે ‘ગમે તેવી સ્ટાર કેટેગરી ની હોટેલ માં હોઈએ પણ સાચી મજા તો ઘરે આવ્યા પછી જ આવે છે. કારણ કે, આપણો શ્વાસ તે ઘર માં વણાયેલો હોય છે. દરેકે દરેક વસ્તુ ખૂબ જ રીતે જોડાયેલી હોય છે. ખાસ કરીને આપણા પરિવાર ના લોકો.
આજે ૨૧મી સદી ચાલી રહી છે, અને જિંદગી પણ 4G ની સ્પીડ પર જ ચાલી રહી છે, ઉભા રહેવા માં દરેક ને એવું લાગી રહ્યું છે કે, પાછળ રહી જવાય, પણ થાય પણ શું વાસ્તવિકતા ખરેખર એવી જ છે, વિદ્યાર્થી થી લઈને જોબ કે બિઝનેસ કરતા દરેક માણસ પર કામ કરી ને દેખાડવા નું ટેન્શન હોય છે. ત્યારે ઘર એક જ એ જગ્યા છે જ્યાં તમે શાંતિ નો શ્વાસ લઇ શકો, તમે તમારા પોતાનાં ટાઈમીંગ્ઝ સેટ કરી ને કામ કરી શકો. ઘર એ જગ્યા છે જ્યાં વન્ડરફૂલ વસ્તુ ઓ થાય છે, જ્યાં તમે કમ્ફર્ટ ફિલ કરી શકો છો, જ્યાં શારિરીક જ નહી પણ માનસિક શાંતિ પણ હોય છે.
ઘર એટલે શું ? 3/4 BHK ના લક્ઝરીયસ મકાનો ? ના, ઘર એટલે કે જ્યાં લાગણીઓ ના તાર એકબીજાઓ થી જોડાયેલા છે, ઘર નો કોઈ સદસ્ય બહાર હોય ત્યાં સુધી અપૂર્ણતા જ લાગ્યા કરે. ઘર એટલે કે, એ જગ્યા કે જ્યાં તમારી વાતો ને સાંભળવામાં આવે છે, જ્યાં ક્યારેય પણ કોઈ પણ કામ પડતું મૂકી ને, કોઈ નવા કામ ની શરૂઆત કોઈ ના પણ ડર વિના જ શરૂ કરી દેવાય છે, જ્યાં ખુલા દિલે હસી શકાય છે, અને ત્યાંજ કોઈ મુશ્કેલી હોય તો દિલ હળવું કરવા માટે ખભો મળી રહે છે. ક્યારેક કોઈ લાંબી ટ્રીપ પરથી કે ઘણા દિવસો પછી ઘરે આવતા હોઈએ ત્યારે માઈલસ્ટોન માં આપણા ગામ તરફ નો માઈલ જેટલો ઘટતો જાય તેમ જ સ્મિત વધતું જાય છે, આ છે ઘર. જ્યાં આપણા અને માત્ર આપણા જ લોકો છે, એ સેફ્ટી ઝોન છે, કોઈ આપણ ને જ્યારે ખોટો રસ્તો પકડ્યો હોય ત્યારે વોર્ન કરવા પણ લાલ જંડી લઈને આવી જાય છે.
આ જિંદગી માં બધી જ વસ્તુ ઓ માં ઘસારો લાગી રહ્યો છે, દિવસો ઘટી રહ્યા છે સાથે સાથે બધું જ હાથ માંથી છુટી રહ્યું છે, પણ સાથે રહી જાય છે યાદો નો સરસ મજાનો ખજાનો, જેમાં ડાર્ક અને લાઈટ બધી જ રંગીન યાદો છે, મહત્વ ના વર્ષો માં જ્યારે ભણવા થી કંટાળો આવતો ત્યારે મમ્મી પોતાની ગમતી સીરીયલ કે કામ પડતું મૂકી ને બાજુમાં બેસતી અને મોટીવેટ કરી જતી, મમ્મી ના હાથ ની રસોઈ, પપ્પા નો બહાર થી ગરમ પરંતુ અંદર થી નરમ સ્વભાવ, ક્યારેક બહાર થી આવવામાં મોડું થાય તો બધા રાહ જોઈને બેઠા હોય અને સૌથી વધુ ચિંતા માં મમ્મી જ હોય છે આવા તો કેટલાયે લાગણી ભર્યા કિસ્સાઓ ઘરે જ તો બનતા હોય છે, એટલે જ ઘર દુનિયાની કોઈ પણ જગ્યા થી અલગ પડી આવે છે, અને આ બધા ની સાથે જ આખા પરિવાર સાથે લાગણી નું મેનેજમેન્ટ કરતાં મમ્મી-પપ્પા.
એક ૧૪-૧૫ વર્ષ ના છોકરા ને સ્કૂલ માં વેકેશન હોવાથી તેમના પપ્પા એ તેમણે પૂછ્યું, “બેટા, ક્યાં જવું છે તારે આ વેકેશન માં ?” તે છોકરા ને ક્રિકેટ રમવું ખૂબ જ ગમતું હતું, જ્યારે તેમના પપ્પા ને ક્રિકેટ માં કોઈ જ રસ ન હતો. તે છોકરા એ કહ્યુ, “પપ્પા મારે ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે જવું છે” ત્યારે તેમના પપ્પા એ હસતા મોઢે હાં પાડી દીધી. તે તેના સંતાન ને ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે લઇ ગયો. આની પાછળ તેમનું આખું અઠવાડિયું ગયું અને કેટલાય રૂપિયાનો ખર્ચો થયો, પણ તેના સંતાન સાથેની યાદો અને સંબંધો ગાઢ બનાવવા માટે આ અનુભવ અત્યંત ફળદાયક પુરવાર થયો.
આ પછી છેલ્લા દિવસે તેમના પપ્પા ને કોઈએ પૂછ્યું, “શું તમને ખરેખર ક્રિકેટ ની રમત આટલી બધી પસંદ છે ? તમે કેટલો સમય આ માટે રોકાયા !
ત્યારે તેમણે જવાબ આપ્યો કે, “ના, મને રમત એટલી નથી ગમતી, પણ મારો દીકરો એટલો બધો ગમે છે.”
આ જ હોય છે ઘર ના સદસ્યો ની લાગણી, ઘર એ એ જગ્યા છે જ્યાં હેપીનેસ જ હોય છે, પણ જે ત્યાં ખુશી થી નથી રહી શકતો તે ક્યાંય બહાર પણ હેપીનેસ શોધી નથી શકતો.
ઘણી બધી બર્થ ડે પાર્ટી, સરપ્રાઈઝ પાર્ટી અને બસ ક્યારેક એમ જ મોજ થી પાર્ટી, શિયાળા ની ઠંડી માં ડ્રોઈંગરૂમ માં સાથે બેસીને ટેમ્પરેચર ની વાતો કરતો આખો પરિવાર, દિવાળી ના દિવસે આખા જ કોઈક અલગ જ ખુશી આ બધી જ વસ્તુઓ ઘર ની ચાર દિવાલો વચ્ચે રોજ ઉજવાતી જ રહે છે, અને નવી નવી યાદો બનતી જ જાય છે, એટલે જ ઘર માં ખુશહાલી ફેલાવવી જોઈએ, બધા સાથે પ્રેમ થી વાર કરવી જોઈએ. તાડૂક્યા વિના પણ સમજાવી ને વાત ને વધુ સારી રીતે કહી શકાય છે.
આજે ક્યાંક ઘર નું મકાન માં રૂપાંતર થઇ ગયું છે. કારણ કે, બધા કોઈ ને કોઈ વસ્તુ પાછળ દોડી રહ્યા છે, કોઈ સાથે બેસતું નથી, કારણ કે અપેક્ષાઓ પૂરી થતી નથી. પરંતુ એક વાત સમજવા જેવી છે કે, જ્યારે પર્વત માંથી નદી બહાર નીકળે છે ત્યાર પછી તે ક્યારેય પાછી જતી નથી, તે પાણી ને જવું તો હોય જ છે, ફરી નાચવું હોય છે, પણ અંતે તેને સમુદ્ર ભેગું જ થઇ જવું પડે છે. આપણે પણ તે પાણી જેવાં જ છીએ, આપણે અત્યારે દોડી રહ્યા છીએ પણ ખુશી થી નહી, જે મળ્યું છે તેને એક્સેપ્ટ કરી ને નહી, બસ ઉદાસી થી. પણ મળ્યું છે તેમાંથી આપણે એક્સેપ્ટ કરીએ તેવું બનાવવા ની આવડત તો હોય છે ને આપણામાં, જેમ કે મોહમ્મદ માંકડ કહે છે કે, ફૂલ માંથી સરસ મજાનો બુકે બનાવવાની આવડત હોય તે જ સુખી થઇ શકે.
તમે તમારા ઘર ને તમારા સપના નું ઘર બનાવી શકો તેમ છો, સપનાનું એટલે સુખ-સગવડતા વાળું પછી પહેલા જ્યાં બધા સાથે મળીને આ લાઈફ નું દરેક ડગલે સેલીબ્રેશન કરતા હોય.
Love begins at home, and it is not how much we do. But how much love we put in that action.