Saraswati Chandra - Part 2 - Ch. 8 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 8

Featured Books
Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 8

સરસ્વતીચંદ્ર

ભાગ : ૨

ગુણસુંદરીનું કુટુંબજાળ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૮

કુમુદસુંદરી સુવર્ણપુરથી નીકળી

નવીનચંદ્ર સરસ્વતીચંદ્ર જ છે, ચંદ્રકાંત હવે તેને મુંબઇ લઇ જશે, તે પાછો મુંબઇનગરીમાં યશસ્વીપણે વર્તશે ઇત્યાદિ વિચારથી આનંદમાં આવેલી કુમુદસુંદરી પ્રાતઃકાળે એ સર્વ આશાનું ઉચ્છેદન કરવા સુવર્ણપુરમાંથી પણ જતો રહેતો એને જુએ અને પોતાને તે મૂંગે જોઇ રહેવું પડે એના જેવી વેદના બીજી કઇ ? બુદ્ધિધનના ઘરમાં અત્યંત ઉત્સવને ક્ષણે જ તેને આ ગુપ્ત ઘા પડ્યો અને સર્વના દેખતાં મૂર્છા ખાઇ તે ઢળી પડી હતી તે શોધ કઢાવું એવો તેણે નિશ્ચય કર્યો અને એ નિશ્ચય નિષ્ફળ થતો અટકાવવાનો જ હરભમજી વગેરે સવારોને તેણે મનહરપુરી મોકલ્યા હતા, કારણ પોતાને તે દિવસે મૂકી બીજે દિવસે નીકળવાનું હતું.

એ જવાની તે વાતથી કૃષ્ણકલિકા અને પ્રમાદધન પણ આનંદમાં આવ્યાં હતાં. પણ બુદ્ધિધને વાત જાણી, એવું જાણવાથી તેમના આ રંગમાં ભંગ પડ્યો; એટલું જ નહીં, પણ બુદ્ધિધને પોતાને કાંઇક શિક્ષા કરવા ધારી છે તે જાણી ગભરાટ વછૂટ્યો. નવીનચંદ્ર મદદ કરવાની ના કહીને ચાલ્યો ગયો જાણી ગભરાટ વધ્યો, અને સલાહ લેવાનું કોઇ ન મળતાં કૃષ્ણકલિકાને શોધી કાઢી તેની જ સલાહ લેવા ધાર્યું. કૃષ્ણકલિકાને સંદેશો મોકલી રાજેશ્વરમાં બોલાવી; એણે અક્કલ આપી કે કુમુદસુંદરી અને નવીનચંદ્રને આડો સંબંધ છે તે વાત મેં તમને કહી અને તે જાણવાથી કુમુદસુંદરીએ આ આરોપ ઊભો કર્યો છે એવું તમારે કહેવું. પ્રમાદધન ઘેર ગયો અને વિચાર સૂઝ્‌યો કે આ વાત કહીશું તે કોઇ માનશે નહીં. એ વાતને ટેકો આપવા શું કરવું તેનો વિચાર કરતાં કરતાં મેડીમાં ફર્યા કર્યુ અને ફરતાં ફરતાં “મર્મદારક ભસ્મ” બની ગયેલા કાગળોમાંનો એક કાગળ કુમુદસુંદરીએ ફાડી નાખેલો પણ તેના ઝીણા કટકા થયેલા તેમાં ચારપાંચ કટકા બાળી નાખવા રહી ગયેલા તે પોતાના ટેબલ નીચે પડેલા હાથ આવ્યા, તેને સાંધી વાંચી જોયા, નવીનચંદ્રના અક્ષર ઓળખ્યા, વાંચવા માંડ્યા, અને તે વાંચતાં એવું લખેલું નીકળ્યું કે

“હતી લક્ષ્મી ! હતા તાત ! હતી વ્હાલી ! હતો ભ્રાત !”

આટલું બેસતાંમાં પ્રમાદધન આનંદમાં આવી ગયો;- “વ્હાલી એવું નવીનચંદ્રે લખ્યું ! આથી શો બીજો પુરાવો ?” વળી ક્રોધ ચડ્યો; “વાહ વાહ ભણેલી ! મને ખબર નહીં કે નવીનચંદ્રની વ્હાલી તું હોઇશ !” આ વિચાર કરે છે એટલામાં કુમુદસુંદરી આવી પ્રમાદધનની મુખમુદ્રા ઉપર કંઇક નવો જ ફેર પડેલો જોઇ તે ચતુરા ચેતી ગઇ. એ કંઇ પૂછે એટલામાં તો પ્રમાદધન જ ધડૂકી ઊઠ્યો : “કેમ મારાં ડાહ્યાં અને શાણાં ભણેલાં ! તમે આવાં ઊઠ્યાં કે ?”

કુમુદસુંદરી અત્યાર સુધીના દુઃખમાં જડ બની ગઇ હતી, બેભાન જેવી થઇ ગઇ હતી, એ આ અપૂર્વ પુષ્પાંજલિના વરસાદથી ચમકી જાગી ઊઠી, જોઇ રહી, ધીરજ પકડી, અત્યંત નરમાશથી ધીરે પણ સ્થિર સ્વરે બે અક્ષર બોલી : “શું છે ?”

અધીરાની ધીરજ રહી નહીં, અને વધારે ખિજાઇને બોલ્યો : “શું છે-શું છે-શું ? આ પેલા નવીનચંદ્રની વ્હાલી થનારી તે તું ! નહીં કે ? વાંચ આ એને ફોડ આંખો !” કાગળના કટકા ધ્રૂજતી કુમુદ ઉપર ફેંક્યા.

ગરીબ બિચારી કુમુદસુંદરી ! એને બળતાંમાં ઘી હોમાયું. પડ્યા ઉપર પાટુ થયું. એના મોં ઉપરનું તેજ ઉતરી ગયું, તેના પગ ધ્રૂજવા લાગ્યા, પરસેવાનાં ઝોબેઝોબ વળી ગયા, નીચું જોઇ રહી અને આંખમાંથી ખરખર આંસુની ધારા ચાલવા લાગી. પળવારમાં પાંચસો વિચાર એના કુમળા દુઃખી મગજમાં તરવરી રહ્યા અને એના અંતઃકરણને વલોવવા લાગ્યા. “અરે ! હું સાચી વાત કોને કહું અને કોણ માનશે ? મારે કપાળે આ કાળી લીટી આવવી તે પણ બાકી રહી ! જૂઠું કેમ બોલું ? આમને કેમ છેતરું ! દમયંતીનો હાર ચોરાયો હતો તેના જેવી મારી દશા થઇ ! એથી પણ ભૂંડું થયું. ઓ સાચી વાત જાણનાર પરમેશ્વર ! હું સર્વ વાત તને સોંપું છું. તારે જે કરવું હોય તે કર-જે રસ્તે ગોળો ફેંકવા ધાર્યો હગોય ત્યાં પહોંચાડ. હું તો અપરાધી પણ નથી અને નિરપરાધી પણ નથી ! શું બોલું ?” કાંઇ પણ ઉત્તર દીધા વિના કાગળના કટકા પ્રમાદધનના હાથમાં પાછા મૂક્યા.

પ્રમાદધન વધારે ચિડાયો : “કેમ ! ખરી વાત માનવી છે કે નહીં ? બોલ !” કુમુદસુંદરીને એક લપડાક ચડાવી દીધી. એના ઉત્તરમાં-ઉત્તર દેતાં પહેલાં-કુમુદસુંદરીનાં આંસું જતાં રહ્યાં, પરસેવો બંધ થયો, ધ્રૂજતી રહી ગઇ, અને ગાલ પંપાળવો સરખો મૂકી દઇ, બેધડક આંખે પતિના સામું જોઇ એ બોલી : “શા વાસ્તે આટલો આંચકો ખાવ છો ? ધોલ મારીને કેમ અટકો છો ? ઓ મારા સરદાર ! આ પેલા ખૂણામાં તરવાર પડી છે તે મારે ગળે મૂકો. તમારી મારી વચ્ચે વ્યર્થ બોલાબોલી થાય તે શું કરવા જોઇએ ? તમારે હાથે હું મરીશ તો મારો મોક્ષ થશે. તમારે હાથે મરવાનું ક્યાંથી ?” જાતે જ તરવાર આણી પ્રમાદધનની પાસે મૂકી અને તેના આગળ ગળું નીચું કરી ઊભી- “રખે અટકતા ! મૂકો આ ગળા ઉપર તરવાર ! મારે ધન્ય ઘડી ને ધન્ય દહાડો કે આ વખત આવ્યો !”

ઉશ્કેરાયેલો પતિ પોતાનૈે મારી નાખશે એવો નિશ્ચય કરી, અને હું આ દુઃખના ભરેલા ભવસાગરમાંથી છૂટીશ એવું જાણી, પ્રતિપળે તરવારની ઘાની વાટ જોતી કુમુદ ગળું નીચું કરી રહી, અને થાકી ઊંચું જુએ છે તો પ્રમાદધન મળે નહીં. કુમુદસુંદરીની આવી ભયંકર સૂચનાથી આભો બની જઇ, સજડ થઇ જઇ, શું કરવું તે ન સૂઝતાં, કાગળના કટકા ખિસ્સામાં નાખી એ ચાલ્યો ગયો. વધારે બોલવા કે કરવાની તેની શક્તિ ન રહી. ગૂંચવાડામાં પડેલી, દુઃખમાં પડેલી, કુમુદ ખુરસી પર માથું ઊંધું નાખી રોતી રોતી બેઠી.

પ્રમાદધને કૃષ્ણકલિકાને શોધી કાઢી, હકીકત કહી, અને શિખામણ મળી કે હવે “કુમુદસુંદરી સાથે લાંબું કરવામાં માલ નથી, એને કહો કે તારી પરીક્ષા કરવા આટલું કર્યું હતું. તું બગડેલી નથી એવી મારી ખાતરી થઇ એવું કહો, એને વહાલા દેખાડો અને છેતરી પિયર મોકલી દ્યો, એ જાય એટલે આપણે બેનો કાંટો જશે, તમારા મનમાં મેલ રહ્યો એને લાગશે તો જવાનું બંધ રાખશે અને આપણે સાલ રહેશે, એ જાય તે પછી તમારા પિતા આગળ મારી બાબત ફરિયાદ આવે તો આ કાગળના કટકા બતાવતો અને કહેજો કે તમને કુમુદની નઠારી ચાલની ખબર પડી એટલે એણે આ તમારા સામે વાત ચલાવી. પણ એ બધું એના ગયા પછી કરજો.”

પ્રમાદધનને આ યુક્તિ ગમી, તેણે તે સાંગોપાંગ પાર ઉતારી. કુમુદસુંદરી છેતરાઇ, અને પિયરના અને સાસરાના સવારોની વચ્ચે ગાડી રાખી, તેમના રક્ષણમાં રહી, સરસ્વતીચંદ્ર નીકળ્યો હતો તે દિવસ વીતતાં અડધી રાત્રિ ગયા પછી છેક પાછલી રાત્રે નીકળી. સાસુ અને નણંદ તે પ્રસંગે વહુને ભેટ્યાં અને સર્વે પુષ્કળ રોયાં, બુદ્ધિધન ગળગળો થઇ ગયો, અને પ્રમાદધન વગર બાકી ઘરનાં સર્વ માણસ ઉદાસ જેવાં થઇ ગયાં. બુદ્ધિધનના ઘર આગળથી ગાડી ચાલી. “કુમુદસુંદરી, વહેલાં આવજો,” “ભાભી ! જોજો, પંદર દિવસથી વધારે એક દિવસ પણ રહેશો નહીં, હોં !” “બેટા ! પિયરમાંતો સૌને આનંદ થશે પણ મારું તો ઘર તમે આવશો ત્યાં સુધી સૂનું, હોં-” “બેટા-જરૂર વહેલાં આવજો, સાસુની દયા જાણજો,” “ભાભી સાહેબ, સંભાળ રાખજો ને વહેલાં આવજો,” આવા અને એ જાતના બીજા શોકમય શબ્દોથી, બુદ્ધિધનના નિઃશ્વાસથી, સૌભાગ્યદેવીનાં ડૂસકાંથી, અને અલકકિશોરીના મોટે સાદે રોવાથી, વીંધાયેલા અંધકારને પાછળ મૂકી સર્વના શોકને સમાસ આપતી રોતી રોતી બેઠેલી કુમુદસુંદરીના રથનાં ચક્રનો સ્વર અને સવારોના થોડાઓના પગના ડાબકાં અંધકારમાં સંભળાતા બંધ થઇ ગયા, તેની સાથેની મશાલોનો પ્રકાશ અદ્દૃશ્ય થયો, અને બાકી રહેલી રાત્રે ઊંઘવાનું મૂકી દઇ સુવર્ણપુરના નવા કારભારીના ઘરમાં સર્વ મંડળ ચતુર અને સુશીલ વહુના ગુણની વાતોની કીર્તનકથા કરવા મંડી ગયું, અને માત્ર પ્રમાદધનને નિરાંત વાળી, ઉલ્લાસ પામી ઘસઘસાટ ઊંઘી ગયો અને કૃષ્ણકલિકાના સ્વપ્નમાં પડ્યો.

કુમુદસુંદરીએ ગામ છોડ્યું ત્યાર પહેલાં તેના રથને રોકનાર માત્ર વનલીલા મળી. કૃષ્ણકલિકાને પ્રમાદધન મળ્યો હતો અને તેમની બેની વચ્ચે વાત થઇ હતી તે સર્વ એણે અકસ્માત્‌ સંતાઇ રહી છાનીમાની સાંભળી હતી અને કુમુદસુંદરીને કહું તો એને નકામું દુઃખ થશે એમ જાણી તથા પ્રસંગ ન મળવાથી એણે એ વાત એને કહી ન હતી, પરંતુ આખરે એ વાન પેટમાં રાખી શકી નહીં અને છેક મોડી રાત્રે વિચાર થયો કે જ્યારે કુમુદસુંદરીને નહીં કહું ત્યારે કોણ કહેશે ? આથી એણે બધી વાત કાગળ પર ચીતરી કાઢી અને પાછલી રાત્રે પોતાના ઘરની બારીએ જાગતી ઊભી રહી તે જ્યારે રથ અને સવાર આવતા દીઠા એટલે નીચે ઊતરી રથ ઊભો રખાવી બોલી કે “કુમુદબહેન, આ કાગળમાં સહેજ હકીકત લખી છે તેથી રજ ગભરાશો નહીં-ટપાલમાં કાગળ લખાય નહીં અને આ ગાડીમાં વાત થાય નહીં માટે આ કાગળ લખી આપ્યો છે તે નિરાંતે વાંચજો,” “તમારો સ્નેહ ભુલાવાનો નથી,” “મારે તમારા વિના વાત કરવાનું ઠેકાણું નથી,” “કાગળ હું લખીશ-તમે લખજો,” “વહેલાં આવજો,” “ધીરજ રાખજો,” “તમારા ગુણિયલને બોલાવજો,” “અરેરે, માયા જ ખોટી-પાછી જવાનું કરું છું પણ જવાતું નથી.” “તમારા ગુણો વડે અમે સૌ કાચે તાંતણે બંધાયેલાં છીએ,” “હાય, હાય, શું જશો જ !” આ અને એવાં અનેક કરુણ વાક્યો બોલતી રોતી વનલીલા કુમુદસુંદરીને ભેટી પડી. બે જણ રોયાં. “આ મારી વનલીલુડી-એક રાત તારી સાથે વાત કરવાની મળી હોત તો વરાળ કાઢત !-પણ હવે તો જે થયું તે ખરું” -“માયા રાખજે,” “રત્નનગરી અવાય તો આવજે,” વગેરે બોલતી કુમુદ ફરી ફરી ભેટી અને રોઇ, અને આખરે બે જુદાં પડ્યાં. વનલીલા રોતી રોતી ઘરમાં પેઠી; અને એણે આપેલા કાગળમાં લખેલા ભયંકર સમાચાર ન જાાણી, એમાં કાંઇ ગામગપાટા હશે એમ કલ્પતી કુમુદસુંદરીએ એ કાગળ નિશ્ચિત ચિત્તથી કમખામાં મૂક્યો. રથ ચાલ્યો. પિયરના, સરસ્વતીચંદ્રના, પ્રમાદધનના, સાસુસસરાના અને નણંદના, અનેક અનેક વિચારો કરતી બાળ હાલતા ખડખડતા રથમાં શરીર અને મન થાકી જતાં ઊંઘી ગઇ, ઊંઘમાં ને ઊંઘમાં થોડીથોડી વારે વારે જરીજરી રોવા લાગી. એનું નિર્દોષ અને દુઃખી ચિત્ત આ અનેક ખટપટથી ભરેલા દુષ્ટ સંસારમાંથી પળવાર વિરામ પામ્યું ન પામ્યું થયું. સ્વપ્ન સંસારે પણ એની નિદ્રાને શાંત થવા દીધી નહીં; છતાં સ્ત્રીજાતનો પક્ષ ખેંચી નિદ્રામાતાએ સર્વ ક્રૂર સ્વપ્નોને કુમળા મગજમાંથી હાંકી કાઢ્યાં, અને પવિત્ર દીકરીની ધડકતી છાતી ઉપર અદ્દૃશ્ય આશ્વાસક હાથ ફેરવવા લાગી.

અંધારી પાછલી રાત્રે તારાઓના પ્રકાશથી અને મશાલોના અજવાળાથી થતા પ્રકાશ વચ્ચોવચ, મધુરીમધુરી ટાઢ વાત હતી હતી તેનું સુખ અનુભવતું અને કુમુદસુંદરી જાગે નહીં માટે ધીમી ધીમી વાતો કરતું સવારોનું મંડળ રથની ચારે પાસ ચાલવા લાગ્યું. ગામનો દરવાજો છોડ્યો અને જંગલમાં માર્ગ ઉપર ચાલ્યાં. ક્રૂર માનવીઓથી થાકેલી બાળકીની દયા જાણતાં હોય તેમ ક્રૂર પશુઓ રાત પૂરી થવા આવતાં શાંત થઇ સંતાઇ જતાં હતાં, તેમના સ્વર બંધ પડ્યા હતા, અને કુમુદસુંદરીને માટે આખું જંગલ નિર્ભય થઇ જતું દેખાયું. ઝાડોનાં પાંદડામાં, ફૂલોની સુગંધમાં, સુકાતા ખખડતા ઘાસમાં, તળાવોમાં, નદીઓમાં, અને વિશાળ આકાશમાંથી આવતો શાંત ધીરો ઠંડો વાયુ રથના પડદાઓમાં પેસી, સ્વપ્નમાત્રને હાંકી કાઢી, ગરીબ કુમુદના નિદ્રાવશ હ્ય્દયની શાંતિ વધારવા અને અબળાની આશિષ લેવા લાગ્યો.