01 - Sorthi Santo - Jesal Jagno Chorato in Gujarati Biography by Zaverchand Meghani books and stories PDF | 01 - Sorthi Santo - Jesal Jagno Chorato

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

01 - Sorthi Santo - Jesal Jagno Chorato

સોરઠી સંતો

(‘જેસલ જગનો ચોરટો’)

ઝવેરચંદ મેઘાણી



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

‘જેસલ જગનો ચોરટો’

એ જી જેસલ ! ગળતી એ માઝમ રાત :

એ...જાડેજા હો, ગળતી એ માઝમ રાત;

લાલ રે લુંગીની વાળેલ

કાળી રે કામળીની ભીડેલ ગાતરી હો જી.

એ જી જેસલ ! ખડક ખતરીસો લીધો હાથ,

એ...જાડેજા હો ! ખડગ ખતરીસો દીધો હાથ;

ખાતર દીધાં હરિને ઓરડે રે જી.

એ જી જેસલ ! તોળી રે ઘોડી ને તલવાર,

એ...જાડેજા હો, તોળી રે ઘોડી ને તલવાર;

ત્રીજી રે તોળાંદે કેરી લોબડી હો જી.

એ જી જેસલ ! તમે રે ચંપો ને અમે કેળ,

એ...જાડેજા હો, તમે રે ચંપો ને અમે કેળ,

એકી એ ક્યારામાં દોનું રોપિયાં હો જી.

એ જી જેસલ, તમે રે હીરો ને અમે લાલ,

એ...જાડેજા હો, તમે રે હીરો ને અમે લાલ;

એકી એ દોરામાં દોનું પ્રોવિયાં હો જી.

એ જી જેસલ, તમે રે પાણી ને અમે પાળ,

એ...જાડેજા હો, તમે રે પાણી ને અમે પાળ;

એકી એ આરામાં દોનું જીલતાં હો જી.

એ જી જેસલ, ગાયો રે તોળાંદે સતી નાર,

એ...જાડેજા હો, ગાયો રે સતી તોળાંદે નાર;

સતીએ ગાયો રે હરિનો ઝૂલડો હો જી.

ગળતી એ માઝમ રાત : મધરાત ગળતી હતી. ગગનના મધપૂડામાંથી ઘાટાં અંધારાં ગળતાં હતાં, અજવાળી બીજનું બાંકું નેણ ઘડીભર બતાવીને સાંજ, કોઈક બીકણ છોકરી જેવી ઝટપટ ભાગી ગઈ હતી. મધરાત ગળતી હતી.

એવા અંધારવીંટ્યા નેસડામાં એક માટીના મકાનની પછીતે (પાછલી ભીંતે) એક આદમી ઊભો હતો. કમર પર લાલ લુંગી લપેટી હતી. અંગ ઉપર કાળી કામળ ઓઢી હતી. અંધારા જોડે એકરસ બનતો એ લેબાસ હતો. કાળી માઝમ રાતનો એ કસબી હતો. અંદર અને બહાર, બધેય કાળાશ ધારણ કરીને માનવી કાળી રાતનો ગોઠિયો બન્યો હતો.

એના એક હાથમાં ઉઘાડું ખડગ હતું. બીજા હાથમાં ગણેશિયો (ચોરી કરવાનું ઓજાર) હતો. ખડગનો ખપ હતો માનીવને મારવા માટે’ ખતરીસાની જરૂર હતી દીવાલ ખોદવા માટે.

ખતરીસો કામે લાગ્યો. મકાનની દીવાલ ખોતરાવા લાગી. દીરે ધીરે માટી ઝરવા લાગી. ધીરે ધીરે - કોઈને કાને ન પડે એવો એ ખોતરકામનો અવાજ હતો.

થોડી વારે એ દીવાલની અંદર બાકોરું પડ્યું, જીવતા શરીરને કરકોલીને કીડીએ જાણે ધારું પાડ્યું, માનવીએ ખાતર દીધું (બાકોરું પાડ્યું). કોને ઘેર ? હરિને ઓરડે.

હરિની ઉપાસનાનું એ થાનક હતું. હરનાં ભજનિકો અંદર ભજન ગાતાં હતાં. ઘડગધારી આદમીને કાને, એ બાકોરા વાટે ગાનના સૂર રેડાયા. શબ્દ તો એ સમજતો નહોતો, સુરાવળનું એને ભાન નહોતું. પણ કોઈક ઝીણું મીઠું ગળું ગવરાવતું હોય ને પચીસ-ત્રીસ સ્ત્રી-પુરુષ-કંઠો જીલતા હોય, એવું એને સમજાણું. એણે મોં મલકાવ્યું, એ મલકાટ રાત દિવસ કોણ જોઈ શકે ? એના ખતરીસાએ ખોતરકામ આગળ ચલાવ્યું. એને ખબર નહોતી રહી, પણ ખતરીસો વચ્ચે વચ્ચે ે અંદરના આઘા ઓરડામાંથી ઊઠતા તાલ-સૂરોની સાથે એકતાલ બનીને ખોદકામ કરતો હતો. ખતરીસો કેમ જાણે ધણીનું કામ કરવાને બદલે વધુ ધ્યાન એ ભજનમાં દેતો હતો. ચોરને ચીડ ચડતી હતી. ખતરીસાના ટોચા તાલબંધી પડતા તે એને ગમતું નહોતું. ખતરીસાને શું કાન હતા ? ભજનના શબ્દો એ પકડતો હતો ? કેમ કહેવાય ? ભજનના શબદ તો આ હતા -

મારું મન મોહ્યું રે શૂરવીર સાધસેં

હાં રે હાં, જેને રુદિયે વસ્યા લાલ ગુંસાઈ . મારા વીરા રે !

હાલો રે ભાવે તમે હુઈ મલો રે

સાચે દિલે કરોને ઓળખાણું

મારા વીરા રે !

તોળી કહે,

આંખુંના ઉજાગરા મતે કાં કરો ?

નયણે નીરખી નીરખી જુઓ !

મારા વીરા રે !

આંજણુંનાં આંજ્યા રે ભૂલા કાં ભમો ?

હાથમાં દીવો લઈ કાં પડો કૂવે

મારી વીરા રે !

તોળી કહે,

કાલર ભૂમિમાં મત વાવીએં

અને ખાતર જોઈ જોઈ પોંખીએ

મારા વીરા રે !

જોત્યુંને અજવાળે દાન રૂડાં દીજીેં,

માણેક નમી નમી લીજે

મારા વીરા રે !

તોળી કહે,

સ્વાંતી નક્ષત્રે મેહુલા વરસિયા

એની નીપજે લેજો ગોતી

મારા વીરા રે !

વશિયલને અંગે વખડાં નીપજે

છીપ-મુખ નીપજે સાચાં મોતી

મારા વીરા રે !

તોળી કહે,

સાધુને ઘેર સતગુરુ પ્રોણલા

એની શી શી વગત્યું કીજે ?

અંગનાં ઓશીકાં, દલનાં બેસણાં

પણ ધોઈ પાહોળ લીજે

મારી વીરા રે !

તોળી કહે,

મનના માનેલા મુનિવર જો મળે

દલડાની ગુંજ્યું કીજે;

જાડેજાને ઘરે તોરલ બોલિયાં,

લા’વ તો સવાયો લીજે

મારા વીરા રે !

(અર્થ : મારું મન શૂરવીર સાધુઓ પર મોહ્યું છે. જેના રુદિયામાં પ્રભુ વસ્યા હોય તેવા સાધુ ઉપર.

ઓ મારા વીરાઓ ! આવો, ભાવથી સૌ મળો, સાચાં દિલની ઓળખાણ કરો.

સત્યની શોધમાં તમે નકામા ઉજાગરા - ઊંડા તત્ત્વાન્વેષણ - શા માટે કરો છો, ઓ ભાઈઓ ? નયનથી નીરખી તો જુઓ ! નેત્રોમાં જ્ઞાનનું આંજણ આંજેલું છે તોય કાં માર્ગ ભૂલો ? દીવો હાથમાં છે છતાં કાં અજ્ઞાનના કાવૂામાં ડૂબો ?

ઓ બાંધવો ! નબળી જમીનમાં બીજ ન વાવતા. સુપાત્રો જોઈ-તપાસીને જ તેનો સત્કાર કરજો. ભક્તિની જ્યોતને અજવાળે જોઈ-સમજીને દાન દેજો. અને માટીમાં વેરાયેલાં માણેકરૂપી માનવ-રત્નો નીચાં નમી નમીને વીણી લેજો.

સ્વાતિ નક્ષત્રમાં વરસેલા વરસાદે બે વસ્તુઓ નિપજાવી : વશિયલ (વાસુકિ) સાપના મોંમાં પડીને એણે વિષ પેદા કર્યું, છીપને મોંએ ટપકીને એણે મોતી મૂક્યાં : સજ્જનોની હૃદય-સીપલીમાં શિયળનાં મોતી સંચરાવ્યાં.

ઓ ભાઈઓ મારા ! જુગતેથી ગોતી લેજો. બધેય ભક્તિરસની એક જ સરખી નીપજ ન ગણી લેતા.

સાધુજનોને ઘેર સદ્‌ગુરુ પરોણા બને ત્યારે એની શી શી સરભરા કરીએ, હે વીરાઓ ? આ દેહનાં ઓશીકાં, દિલનાં આસન, અને અતિથિના પગ ધોઈને તેનું ચરણામૃત-પાન.

ને ઓ ભાઈઓ ! હૈયાની ગુપ્ત વાતો (ગુંજ્યું) કોને કહેવાય ? ખરેખરા મનમાન્યા ભક્તજન જડે તેને જ; જેનેતેને નહીં.

જીવનના સવાયા લહાવ તો એ રીતે જ લેવાય, હે વીરાઓ ! મારું મન તો શૂરવીર સાધુઓ પર જ મોહ્યું છે.)

ત્યાં ભજન પૂરું થયું અને આંહીં ખાતર પૂરું દેવાઈ રહ્યું. આખું એક ડોર સોંસરું નીકળી શકે એવડો મોટો કાપ માટીની ભીંતમાં પડી રહ્યો. અને ખગડવાળો માનવી અંદર પ્રવેશ્યો. એ ઘોડહાર હતી. અંધારામાં હીરા ઝગમગે એવી એ આંખો ચળકી. આંખોના અંગાર તાકી રહ્યા. એક જ પશુ : એક ઘોડી : એની લાદની પણ મીઠી સોડમ વાઈ. એ તો કાઠીની ઘોડી : પરગંધીલું જાનવર : જાનવરને પરાયા નરની બૂરી ઘ્રાણ આવી. ઘોડીએ ફરડકા નાખ્યા. એ જ ઘોડી -

એ જી જેસલ ! તોળી રે ઘોડી ને તલવાર

એ...જાડેજા હો ! તોળી રે ઘોડી ને તલવાર,

ત્રીજી એ તોળાંદે કેરી લોબડી હો જી !

ચોર જે ત્રણ વાનાંની ચોરી કરવા આવ્યો હતો એ જ માંયલું આ એક રત્ન : પોતાને ને એક કાઠિયાણીનો બોજ ઉપાડીને ગામ ગામના સીમાડા લોપે તેવી અજાજૂડ ઘોડી ! કામ પાકી ગયું. પ્રથમ તો એને છોડીે બહાર કાઢી બાંધી દઉં.

ચોર નજીક ચાલ્યો. ઘોડીએ ડાબલા પછાડ્યા. ઘોડી હીંહોટા ઉપર હીંહોટા મારવા મંડી.

આઘેરે ઓરડે, હરિને ઓરડે, એક દીપક જલતો હતો. બીજદિન અને થાવરવાર (શનિવાર)ની રાતના પાટની અખંડ ઘીની જ્યોતની આસપાસ કૂંડાળે બેઠેલાં ઉપાસકો એક ભજન પૂરું કરીને બીજા ભજનનો આદર કરવા પહેલાં વિરામ લેતાં હતાં.

“એલા, ઘોડી કેમ ફરકડા નાખે છે ? કોઈ એરુઝાંઝરું, જીવજંત તો નથી ના ? જઈને જુવો ને !”

ઓરડામાં કોઈક બોલ્યું. એક આદમી ઊઠ્યો. ચોરે જાણ્યું કે ભોગ લાગ્યા. સંતાવાનું સ્થાન નહોતું. ઘોડીને માટે ઘાસની પાથરેલી પથારી હતી. પથારીના ઘાસના પોલ નીચે આદમી લાંબો થઈને સૂઈ ગયો.

ઘોડીએ ઝોંટ મારી હતી. કાઠીની ઘોડીની ગરદનમાં કૌવતનો પાર નહોતો. એક-બે ઝોંટે ઘોડીએ પોતાને જ્યાં બાંધી હતી તે ખીલો જ ભોંયમાંથી ઊંચકાવી કાઢ્યો હતો. ખીલો લોઢાનો હતો.

માણસે આવીને આજુબાજુ નજર કરી. કોઈ નહોતું. ઘોડી ટાઢી પડતી હતી. એના અંગ પર પંપાળીને માણસે ઘોડીનો ખીલો ફરી વાર ભોયંમાં ધરબ્યો. એક મોટો પથ્થર લઈને ખીલા ઉપર ઠોક્યો. ખીલો ઊંડો ઊતરીને જડબેસલાક થઈ ગયો. માણસ ‘હરિને ઓરડે’ પાછો ગયો ને ત્યાં બીજું ભજન ઊપડ્યું :

હે વીરા ! નર સતિયારા તમે સાચું વોરો જીઃ

એવાં કૂડ ને કપડ મનનાં મેલો રે !

હે વીરા ! મનની માંડવીએ રૂડાં દાન ચુકવો જી;

એવા જમને દાણ દઈ પાછા ઠેલો રે !

હે વીરા ! વણજું કરોને વણજારા

મારા વીરાજી !

વીરા, માળાની જપતી વેપારી રે !

હે વીરા, ધરમ તણી તમે ધારણ બાંધો જી;

વો શેર સવાયો લીજે રે !

હે વીરા, ખમૈયાનો ખડિયો ને લોહીની લેખણ રે,

એવાં પુન્યનાં પાનાં ભરીએં જી

- હે વીરા૦

હે વીરા, મહાવ્રતીમાં મોટા સંત જી રે

એની પેઢીએ બેસીને પુન કીર્જિયેં જી રે !

હે વીરા, નિજિયારાં દાન અભિયાગતને દીજિયેં રે

વા લા’વ સવાયા લીંજિયેં રે !

હે વીરા, એના ધરમે અનેક નર ઓધરિયા જી,

ક્રોડ તેત્રીશ એણી પેરે સીધ્યા રે.

હે વીરા, પાંચ સાત ક્રોડ નવ બારા જી,

મોટા મુનિવરે મહાવ્રત લીધાં જી.

હે વીરા, જ્યોતુંને અજવાળે દાન રૂદાં દીજિયેં રે

એવી સફળ કમાયું કીજે રે;

હે વીરા, જાડેજાને ઘેરે સતી તોળલદે બોલિયાં રે;

આપણે લા’વ સવાયો લીજિયેં રે.

એક નારી ગવરાવે છે, ને અનેક નરનારીનું મંડળ જીલે છે. ગવરાવનારું ગળું જ્યોતમાં પણ જાણે પોતાના સૂર્યનું ઘી સીંચી રહ્યું છે. આંતરે ને આંતરે એના બોલ પડે છે -

હે વીરા મારા !

એ બોલ પાણીની ધાર સરીખા પડે છે. સાંભળનાર પુરુષોનાં કલેજાં ધોવાઈને પાવન થઈ રહ્યાં છે. નર તમામ વીરા છે નારીના : ને નારીનું સગપણ જાણે કે પુરુષની મોટેરી બહેનનું છે : બહેના બોલ ભાઈઓને ચેતાવે છે. કેવા ચિત-ચેતાવણ શબ્દો ! -

(અર્થ : ઓ ભાઈઓ મારા, સંસારમાં આતમ-ધનનું ઉપાર્જન કરનારા તમે ચકુર વેપારી બનજો. વણજનો સાચો વ્યવહાર ચૂકશો મા. નફા રળજો, પણ સવાયા જ; નહીં ઝાઝેરા કે નહીં ખોટના વેપાર. સાચા ઇનામથી વસ્તુઓ ખરીદજો. નામાં તમારે આતમ-ચોપડે સાચાં માંડજો. ક્ષમાનો ખડિયો ને લોખંડી મનોબળની લેખણ કરજો. પુન્યને પાને હિસાબ નોંધજો. તમારી કમાઈઓને સરફળ કરજો.)

ઘોડીની ઘાસ-પથારી નીચે લપાયેલો તસ્કર આ શબ્દો સાંભળતો હશે ? સમજતો હશે ? નહીં, નહીં, એની સુરતા તો બીજી જ વાતમાં લાગી રહી છે, એનું શરીર બીજી જ સમાધિમાં સેતિર બની રહ્યું છે. એ હલતો કે ચલતો નથી. એને જાણે કોઈ ભયાનક સંકલ્પે જકડી લીધો છે. એનાં રોમેરોમ કોઈ વેદનાથી વાંધાઈ ગયચાં છે. કાયા કપાઈ રહી છે. પણ કાયા બાપડી શી વિસાતમાં છે ? -

એ જી જેસલ !

તોળી રે ઘોડી ને તલવાર

ત્રીજી તોળાંદે કેરી લોબડી હો જી.

ત્રણેયને ઉપાડી ક્યારે ઘોડી પલાણું ? લઈને ગયા વગર કેમ રહું ? અંજાર શહેરમાં ભોજાઈ મે’ણાં બોલી છે : કચ્છની વસ્તીને સંતાપછ, તે જાને સોરઠના મૂછાળા સાંસતિયા કાઠીને ઘેર ! પાઉંપાટણ ગામના એ પ્રભુભક્તને ઘેરે તોળી કાઠિયાણી છે. તોલી નામની ઘોડી છે : કાઠીની તરવાર પણ ટીંગાતી હશે પરસાળમાં. જબરો છો તે જા પહોંચને ! પણ કાઠીની તરવારથી ચેતજે, જાડેજા !

કાઠીની તરવાર ! જોઈ લેજે, ભાભી ! એને પણ ઉપાડી લાવું. એની બાયડીનેય લઈ આવું. એની ઘોડીનેય પલાણી લાવું.

કાઠીનાં ત્રણેય નાક કાપી ન લઉં તો હું જાડેજા જેસલ નહીં.

હરિને ઓરડે જ્યોત ને થાળ પધરાવાયો. ત્યાં મૂર્તિ નહોતી. ન કોઈ દેવની, કે ન ઈશ્રની : હતી એકલી જ્યોત. જ્યોતનો પૂજક એ મહાપંથ ‘મોટો પંથ’ હતો. પ્રત્યેક નર પોાતની નારીને ભેળી લઈ આવતો. એકલાને ત્યાં પ્રવેશ નહોતો. અતિહીણાયેલા ને આજે તો સડી ગયેલા એ ‘મોટા પંથ’ની એક વાર આ બધી ખૂબીઓ હતી.

કોળીપાવળ (પ્રસાદ) વહેંચાયો. તમામને કોળિયો પહોંચી ગયો ? કોઈ બાકી ? ના ભાઈ, હવે કોઈ બાકી નથી રહ્યું. કોઈ નહીં.

“અરે હસે હશે એકાદ જણ,” કોળીપાવળ વહેંચનારે મક્કમપણે કહ્યું. “આંહીં થાળમાં એક જણનો કોળિયો હજી વધે છે.”

“તપાસી વળો.”

માણસો તપાસ કરે છે. આખા વાસમાં એકેય માનવી નથી. અરે પણ આ ઘોડી હજી કાં જંપતી નથી ? આ ફરડકા ને હીંહોટા શાના ? કોઈ ચોર તો છુપાયો નથી ના ? માણસો મશાલો લઈ લઈને દોડ્યા, ઘોડારની અંદર આ ભીનું શું છે ? પાણી નથી, આ તો લોહી લાગે છે. આ શી નવાઈ !

ઘાસ-પથારી ફેંકી નાખી. જુએ છે તો નીચે એક આદમી સૂતો છે. વિકરાળ આદમી : એનો એક પંજો ઘોડના લોઢાના ખીલાની નીચે છે : ખીલો પંજા સોંસરવો ભોયંમાં ખૂંત્યો છે. એ પંજામાંથી લોહીનું પરનાળું ચાલ્યું જાય છે તોય એ પંજાનો ધણી, તસ્કર નથી હલતો કે નથી ચલતો. એની આંકો ચળક ચળક સૌને નીરખી રહી.

ખીલો ખેંચી કાઢ્યો. માનવી ઊભો થયો. ભક્તજનો જોઈ રહ્યા. આ કોણ બેમાથાળો ? ચૂંકારોય કાં કરતો નથી ? ભગત સાંસતિયા ! સતી તોળલદે ! આવો આવો, કોક અતિથિ છે.

કાઠી અને કાઠિયાણી કશીય ઉતાવળ કર્યા વગર શાંત પગલે આવીને ઊભાં રહ્યાં. અજાણ્યો આદમી બોલ્યાચાલ્યા વિના ઊભો છે. એની નજર કાઠિયાણી પર ઠરી છે. આ તોળી ! આ પોતે જ કાઠિયાણી ! આવડાં બધાં રૂપ ! રૂપ માતાં નથી. રાત્રિનો ત્રીજો પહોર આ રૂપને ઝીલવા નાનો પડે છે.

“કોણ છો, નારાયણ ?” સાંસતિયે પ્રશ્ન કર્યો.

“રાજપૂત.”

“નામ ? ધરા ?”

“કચ્છ ધરા, ને નામે જેસલ જાડેજો.”

“જેસલ જાડેજો !” નામ સાંભળીને સૌએ એકબીજાની સામે જોયું. સો-સો ગાઉને સીમાડે જેનું નામ પડ્યે લીલાં ઝાડવાંય સલઘી ઊઠે છે તે જ આ અંજાર શહેરનો કાળ-ડાકુ જેસલ ! જગનો ચોરટો જેસલ !

“કેમ આવેલા ?”

“ચોરી કરવા.”

“શેની ચોરી ?”

“ત્રણ વાનાંની.”

“ગણાવશો ?”

“સાંસતિયા કાઠીની અસ્તરી તોળી, એની ઘોડી અને એની તરવાર.”

“હાથ આ શું થયું ?”

“સંતાણો, મતાાર જણે ઘોડીને ખીલો ધરબ્યો. નીચે મારો પંજો જરા આવી ગયો.”

“તોય તમે બોલ્યા નહીં ?? સળવળ્યા નહીં ?”

“નહીં, હું ચોર છું.”

સાંસતિયાએ તોળલદેની સામે નજર કરી. નજરે નજર વચ્ચે વાતો થઈ ગઈ. વાત બે જ જણાં સમજ્યાં. જુઓ છો સતી ? ચોરની એના કસબ સાથેની તલ્લીનતા જોઈ ? આવો ટેકીલા આદમી કેટલાક દીઠા ? હજારુંમાં એક ? ના, ના, લાખુંમાંય એક ગોત્યો જડે નહીં. આવા વજ્રદિલવાળાની સુરતા પોતાનું નિશાન બદલે તો ? હરિને મારગે ચડે તો ? તો કાંઈ મણા રહે ખરી ? તો આભે નિસરણી માંડે ને ?

જેસલ જાડેજો : કચ્છ ધરાનો કાળભૈરવ : હત્યાઓનો કરનારો : ગાભણીના ભાલ વછૂટી પડે એવી જેેની દયાહીન હાક : જેસલનો રાહ પલટે, તો લાખો માનવીની દુવા જડે : જેસલનું નિશાન તકાય, તો પ્રભુનેય પૃત્વી પર પડવું જોઈએ.

“આને કોણ પલટાવે ?” તોળલે કંથને કહ્યું.

“શૂરાને કોણ બીજું પલટાવે ? સતી હોય તે.”

તોળલ પતિના બોલનો મર્મ પામી ગઈ. કાઠીએ ફરીથી કહ્યું :

“સતી, જેલસજી તમને તેડું કરવા આવ્યા. તમારે વાસ્તે એણે આટલો બધો દાખડો કર્યો. ને આજ તો બીજની રાત છે. આજ જ્યોતની રાત છે. આજે અભિયાગત ખાલી હાથે પાછો કેમ વળશે, સતી ? અરે, કોઈ મારી તરવાર લાવો.”

જેસલને ખાતરી થઈ ચૂકી. આ પહાડની ટક સરખો કાઠી તરવાર મગાવે છે : હમણાં મારા કટકા કરશે.

“લ્યટો, જેસલ જાડેજા.” સાંસતિયે જેસલની નજીક જઈને તરવારનો પટો એને ખભે લટકાવી દીધો અને કહ્યું, “લ્યો, નારાયણ ! મારે તો હવે ખપની નથી રહી, પડી પડી કાટ ખાયછે. તમારી પાસે હશે તો જળવાશે. અને ઘોડી જોતી’તી તો આવીને માગવી નો’તી ? બહહુ મહેનત લીધી, બાપ ! એલા કોઈ ઘોડને માથે પલાણ માંડો. ને સતી ! જાવ, જાડેજા જેસલજી રોટલે-પાણીએ દુખી હશે. એની સાચવણ રાખજો. ને બેય જણાંને દિલ થાય તે દી પાછાં જ્યોતનાં ભજન ગાવા ચાલ્યાં આવજો.”

“ને, જેસલ જાડેજા !” સાંસતિયો જેસલ પ્રત્યચે ફર્યો : “એટલું એક ન ભૂલજો કે આંહીં ઠાકરના પ્રસાદમાં તમારા ભાગનો કોળિયો વધી પડ્યો હતો. લ્યો આરોગતા જાવ !”

કાળથી ડર્યો

પાપ તારાં પરકાશ જાડેજા !

ધરમ તારો સંભાળ જી;

તારી બેડલીને બૂડવા નહીં દઉં

તારી નાવડીને ડૂબવા નહીં દઉં

જાડેજા રે... એમ તોળલ કે’ છે જી.

હરણ હણ્યાં લખ ચાર તોળી રાણી !

હરણ હણ્યાં લખ ચાર જી,

વના મોરલા મારિયા,

મેં તો વનના મોરલા મારિયા,

તોળાંદે રે... એમ જેસલ કે’ છે જી. - પાપ તારાં૦

ફોડી સરોવર પાળ, તોળી રાણી

ફોડી સરોવર તણી પાળ જી !

ગોંદરેથી ગૌધણ વાળિયાં

મેં તો ગોંદરેથી ગૌધણ વાળિયાં

તોળાંદે રે... એમ જેસલ કે’ છે જી. - પાપ તારાં૦

લૂંટી કુવાંરી જાન તોળી રાણી !

લૂંટી કુંવારી જાન જી,

સાત વીસ મોડબંધા મારિયા

મેં તો સાત વીસ મોડબંધા મારિયા.

તોળાંદે રે... એમ જેસલ કે’ છે જી. - પાપ તારાં૦

જતા મથેજા વાળ તોળી રાણી !

જતા મથેજા વાળ જી

એટલા અવગણ મેં કયા૦

એટલા અવગણ મેં કયા૦

તોળાંદે રે... એમ જેસલ કે’ છે જી. - પાપ તારાં૦

પુણ્યે પાપ ઠેલાયા જાડેજા !

પુણ્યે પાપ ઠેલાયાજી.

તારી બેડલીને બૂડવા નહીં દઉં

તારી નાવડીને બૂડવા નહીં દઉં

જાડેજા રે.. એમ તોળલ કે’ છે જી. - પાપ તારાં૦

“કાઠિયાણી, બેસી જા બેલાડ્યે,” કાળભૈરવ જેસલે કાઠી-ગામ પાઉંપટણની સીમ બહાર જઈને તોળલને ઘોડી માથે પોતાની પાછળ બેસી જવા કહ્યું.

“જાડેજા !” તોળલે શાંતિથી કહ્યું : “ઘોડીને નાહક માર શીદ દેવો ? તમે તમારે હાંક્યે રાખો. હું પેંગડું પકડીને હાલી આવીશ.”

“મરી રહીશ, મરી.” જેસલે વિકરાળ હાસ્યું કર્યું.

“નહીં મરું. દણી જિવાનડારો છે, જાડેજા !”

“ધણી તારો ! જોયો જોયો. એવી વાણીમાં મને સમજ નથી પડતી. હાલ ત્યારે, પકડ પેંગડું, ને કાઢ દોટ.”

જાડેજાની રાંગમાં ભીંસાતી ઘોડીએ વેગ પકડ્યો, અને કાઠિયાણી તોળલ પણ પેંગડું પકડીને જેસલના જમણા પડકે સાથોસાથ દોટ કાઢવા લાગી.

પ્રભાતનાં, કેસરવરણાં કિરણો ફૂટ્યાં ત્યારે નાગની (નવાનગર)ની ખાડીને કાંઠે જેસલ જાડેજો, ઘોડી ને તોળલ, ત્રણેય પહોંચી ગયાં.

ધકા ઉપર ભિડાઈને મછવો ઊભો હતો. કચ્છ જનારાં ઉતારઓની કતાર લાગી ગઈ હતી. સૌએ આઘેથી આ ત્રણેયને નિહાળ્યાં.

“કોઈ જડસુ આદમી લાગે છે, જડસુ.” ઉતારુઓમાં વાતો ચાલી : “બાયડીને દોટ કઢાવતો ઘોડીની સાથોસાથ લેતો આવે છે.”

“એને જુઓ જુઓ ! બાઈને મહિના ચડતા લાગે છે !” નજીક આવતી ત્રિપુટીમાંથી તોળલના દેહની અવસ્થા પરખાઈ ગઈ.

“ઘાતકી લાગે છે.”

“બાઈ પણ બળૂકી દેખાય છે. જુઓને એની કદાવર કાયા.”

“ઈ જ લાગની હશે કાં તો.”

ઘોડેસવાર જ્યારે તદ્દન ઢૂકડો આવ્યો ત્યારે જ એનું બુકાની-બાંધ્યું મોં કેટલું ભયાનક છે તેની ખબર પડી. ઘોલર મરચાં આંજેલી જાણે આંખો હતી. કાળી ભમ્મર દાઢી હતી. માથે કાળાં જુલફાં હતાં. જુવાની આંટો લઈ ગઈ હતી.

ઘોડીએથી ઊતરીને એ સીધો વહાણ તરફ આવ્યો. તોળલ ઘોડને પંપાળતી ઊભી. એનો દેહ પસીને નીતરતો હતો. એની છાતી હાંફતી હતી. એના ગળામાં તુળસીના પારાની માળા હતી. વસ્ત્રો ગૂઢા રંગનાં હતાં.

ખલાસી લોકોએ વહાણ ઉપર ઘોડીને લઈ લેવા ગોઠવણ કરી. ચાર-છ જણા ઘોડીને દોરવા લાગ્યા. જબર જાનવર હતું. ચસ દીધો નહીં ત્યારે તોળલે કહ્યું : “ભાઈઓ, દાખડો કરો મા.”

અને એની દોરેલી ઘોડી આસાનીથી વહાણના વચલા ભાગમાં ઊતરી ગઈ.

જેસલ દાઝે અને ઈર્ષાએ ભરી આંખે આ કાઠિયાણીના ઘોડી ઉપરના કાબૂને જોઈ રહ્યો. પાંચ-સાત ગાઉ દોડતી આવેલી કાઠિયાણીનું કૌવત એની છાતીમાં ખટકતું હતું. મનમાં ને મનમાં એને થતું હતું કે ‘લાગ પડ્યે રાં... મારી ગળચી સોત દબાવી દ્યે એવી છે. ચેતતા રહેવાનું છે. જાણેશે કે સોરઠિયાણીનેય મળ્યો’તો માથાનો કાછેલો.’

મસાફરો સૌ વહામે ચડ્યા. જેસલે આગલી જગ્યા લીધી. તોળલ જરા ચેટી પણ જેસલની નજીક બેઠી. બીજાં ઉતારુઓ સંકોડાઈને ચુપચાપ બેઠાં. કાઠિયાવાડ-કચ્ચની વચ્ચે સફર કરતું જે વહાણ રોજેરોજ લોકોના કિલ્લોલનું ધામ બની જતું, તેમાં આજ છૂપી ધાક પડી ગઈ. ઉતારુઓ ત્રાંસી આંખે આ અજાણી જોડલી તરફ જોતાં હતાં. સુકાન પર બેઠેલો ખારવો સૌની સામે નાક-આંગળી કરીને સાવધાન કરતો હતો.

સંબોસબ સઢ મોકળા થયા, ખલાસીઓએ સામસામા સંકેત-શબ્દો આજે બનતી ચપકીદીથી સુણાવ્યા, ને વહાણ પોતાની માતાના પેટ સમી એ સમથળ ખાડીમાં રમતું સફરે ચડ્યું.

બુકાનીદાર જસલે બુકાની છોડી નાખી છે. એની આંગળીઓ ધીરે ધીરે પોતાની મૂછોને વળ ચડાવી અણીઓ વણી રહેલ છે. એના દિલમાં ગર્વ ગહેકે છે : ‘લઈ આવ્યો છું. મેં માગી તે ત્રણેય ચીજો ભગતડાએ શું મને ભલાઈએ કાઢી દીધી છે ? ના, ના જેસલ જાડેજાના તાપને નમ્યો છે ભગતડો. પણ આ સ્ત્રી ! આ કાઠિયાણી શી કરામત કરી રહી છે ? એના મોં સામે મીટ માંડતાં હું કેમ ખચકાઈ રહ્યો છું ? એના પેટની કાંઈ ખબર નથી.’

દરિયાના પેટની પણ કોઈને ગતાગમ નથી. ખાડીનાં પાણી એકાએક ઊકળી કેમ રહ્યાં છે ? આ વાવડો ક્યાંથી ઊપડ્યો ? મોજાં ફેણ પછાડીને કેમ ફૂંફાડવા લાગ્યાં ? ખલાસીઓની દોટાદોટ, સઢના સંકેલા, વહાણની ડામાડોળ, કૂવાથંભની માથાધૂણ્ય, આ શું થવા બેઠું ?

ખાડીનો અધગાળો કપાયો હતો. સામો કિનારો ને પાછલો કિનારો, બેઉ દેખાતા બંધ પડ્યા. દિશાઓને માથે ધૂંધળાં વાદળાંના પડદા પડી ગયા. પવને શિકાટો દીધા. પંચમહાભૂત પાગલ બન્યાં. મોજાંની ઝાલકો વહાણના તૂતકને ધોવા લાગી. ઉતારુઓ ભંડકમાં ઊતરી ગયાં. જહાજનું આખું માળખું હમણાં જાણે હચમચી જશે.

“અરે ભાઈ નાખુદા ! આ શો મામલો છે ?”

“ભાઈઓ, વહાણ ભેમાં છે. અલા ! અલા ! હે અલા !”

ખલાસીઓ ‘અલા’ પુકારે ત્યારે મોત સામે ઊભું સમજવું. ઉતારુઓના શ્વાસ ઊંચા ચડ્યા. વહાણવટીઓ વહાણમાં ભરેલો બોજ દરિયામાં વામવા (ફગાવવા) લાગ્યા. “ઉતારુઓ ! ભાઈઓ ! તમારા પણ માલથાલ દઈ દ્યો દરિયાલાલને ! વહાણ હળવું કરો.”

કડડડ ! કડેડાટી બોલી. તાવલેલ માનવી પથારીમાં લોચવા લાગે તેમ વહાણ દરિયાની ધગધગતી પથારીમાં લેટવા લાગ્યું. અને કાળી કાળી વાદળીઓનાં ઘમસાણ દેખાડી કાળનાં ડમરુ બજાવતો આભ ‘ખાઉં ! ખાઉં !’ એમ ખાઉંકારા સંભળાવી રહ્યો. ઉતારુઓમાં ચીસાચીસ ચાલી. રસાતળની ખાઈઓ ખુલ્લી થઈ.

મા છોકરાંને ગળે બાઝી પડી. પુરુષો બાયડીઓની સોડમાં લપાતા થયા. આંખો મીંચાવા લાગી. ભાઈઓ, બાઈઓ, અલા અલા પુકારો. આપણાં પાપનો બોજ, કોકના અધર્મનો ભાર, આ વહાણ ડુબાવે છે.

જેસલના હાથમાંથી મૂછના ચોરા છૂટી ગયા હા. એનું મોં ફિક્કું પડ્યું હતું. એ આમતેમ દોડતો હતો. એ ખલાસીઓને પૂછતો હતો, “આ શું છે ? અમને કેમ ચેતાવ્યાં નહીં, એઈ બેઈમાનો ! તમે જાણો છો હું કોણ છું ? હું તમારા કટકા કરી નાખીશ. તમારે મને મારી નાખવો છે શું ?”

“જુવાન, હવે તો અલા અલા કરો ! અટાણે મારી નાખવાની વાત હોય કે, દરબાર ?”

એવા બોલે જેસલને વધુ ઉશ્કેરાટ કરાવ્યો. પવન અને મોજાંના તમાચા જેસલના દેહ પર પડ્યા. એ વહાણને બાઝી પડ્યો. એની વીરતા ઓસરી ગઈ. રોજ રોજ મોતની સાથે રમનારો જાડેજો એ વખતે પોતે પીળો પડ્યો. એનો ખોફ લાઇલાજ બન્યો.

“મરવું પડશે ? - હેં હેં ? હેં ? જાનથી જાશું ! હેં ? હેં ? હેં ? કોઈ રીતે નહીં બચાય ? હેં - હેં - આ તો મારી નાખ્યા !”

જેસલ ઉતારુઓની સામે જોવા લાગ્યો, કોઈ શરણ આપી શકે ? એક જ પહોર પહેલાં ઉતારુઓએ જોયેલું વિકરાળ મોં લાચારી ધરી રહ્યું.

એકાએક તેણે તોળલને શોધી. આ તોળલ ! આ ઓરત ! આ કેમ મોતથી ડરતી નથી ? પ્રલયની સામે મોં કેમ મલકે છે એનું ?

“ઓય ! માર્યા !” પવન અને મોજાંની એક પ્રચંડ થપાટ, અને હલતો દાંત પડી જાય તેમ વહાણે પછડાટ ખાધી.

“વોય ! કાઠિયાણી ! બચાવ મને.” જેસલના મોંમાંથી કાયર શબ્દો પડ્યા. રુદન નીકળ્યું.

“જેસલ જાડેજા !” તોળલ હસી; “કચ્છના મોટા જોધાર ! મોત તમને ડરાવી શકે છે ? જાડેજા જેસલને મોતનો ભે !”

“તારે પગે પડું.” જેસલ લાચાર બન્યો.

“જેસલજી, પરભુને પગે પડો. ધણીનું નામ લ્યો.”

“ઓ મારા બાપ !” ઉતારુઓમાંથી કોઈકે નામ સાંભળતાં જ ફાળ ખાધી : “આ તો કચ્છ અંજારનો જેસલ !”

“જેસલ ! અરર ! જેસલિયો આ હોય ? આ મોતથી બીવે છે.”

“આવો બાયલો !”

“જેસલજી,” કાઠિયાણીએ કહ્યું, “સાંભળો છો ને ?”

“ઓ બાપ ! ઓ મા !” જેસલની જીભે બીજા બોલ નહોતા.

“પીટ્યો હત્યારો આપણી ભેળે ચડ્યો છે. એનાં પાપે વહાણ બૂડે છે. એનાં પાપે મારાં છોકરાં મરશે.” એક બાઈએ ચીસ પાડી.

“પીટ્યાનું સત્યાનાશ જાજો !” બીજી બાઈએ જેસલની સામે દાંચ કચકચાવ્યા.

“આ પાપીને કાઢો, કાઢો એને વહાણ બહાર.” ઉતારુઓએ ચીસ નાખી.

“એલા, નાખો એને દરિયામાં. ભલે બત્રીસો ચડે દરિયાપીરને.” લોકો ધસી આવ્યાં.

“ઓય ! બાપા ! મને નાખશો મા. તોળલદે ! બચાવો મને.” જેસલ હાથ જોડવા લાગ્યો.

તોળલ સૌની આડે આવી ઊભી. કહ્યું, “ઘડીક ખમો.” અને જેસલ તરફ વળી : “જેસલજી, વહાણ ઊગરશે, તોફાન હેઠું બેસશે, તમારાં કરમોનો બોજ ફગાવી નાખો દરિયામાં.”

“શી રીતે, તોળલદે ?”

“પાપ પરકાશી નાખો. ધરમને યાદ કરો. તમારો પાપબોજ ધણી પોતાની ખોઈમાં ઝીલશે.”

“ધરમ ! તોળલદે ! મેં ધરમ કર્યું નથી. એક પણ નથી કર્યું. મેં પાપ જ કર્યાં છે.”

“પરકાશી નાખો, જાડેજા ! તારી બેડલી નહીં બૂડવા દઉં. ઇતબાર આવે છે ? બોલો બોલો, જેસલજી, પોતાની જીભે જ કબૂલી નાખો. વહાણમાંથી ભાર હળવો કરો. જુઓ, બીજાં બધાંએ પોતાનાં પોટલાં વામી દીધાં. તમે તમારાં પોટલાં વામી દ્યો પાણીમાં.”

“ઓહ - ઓહ - તોળલદે, વનમાં મોરલા માર્યા છે, લખોમુખ હરણાં માર્યાછે. નિરપરાધી જીવડાંની હત્યા રી છે.”

“બસ ! હજી હજી કરકાશો. હોડી નહીં બૂડવા દઉં. મતે જીવશો. જીવવું વહાલું લાગે છે ને, જેસલ ! તમે જેના જાન લીધા છે એનેય એવું જ વહાલું હશે. એને યાદ કરો. એની માફી માગો, જાડેજા. બેડલી નહીં બૂડવા દઉં.”

“તોળી રાણી ! વોય - વોય - ભેંકાર કામાં કર્યાં છે મેં. મેં સરોવરોની પાળો ફોડી છે. લોકોનાં મોંમાંથી પાણી પડાવ્યાં છે. મેં ગોંદરે ગોંદરેથી ગાયો લૂંટી છે, હાંકી છે, તગડી છે, મારી છે, દૂઝણી ને ગાભણી ગાયોને મેં તગડી છે.”

“એનાં વાછરું કેવાં ભાભરતાં રિયાં હશે, જેસલજી !”

“ઓ મા ! ઓહ !”

“પરકાશો, પાપને હૈયામાંથી ઠાલવી નાખો. જુઓ, જુઓ જાડેજા, વાવડો કમતી થાય છે. મોજાંની થપાટો મોળી પડી છે. હાં જેસલજી, હરમત રાખો. પાપ પરકાશો ! બેડીને હું નહીં બૂડવા દઉં.”

“તોળી રાણી ! હવે તો ન કહેવાય તેવી વાતું યાદ આવે છે. મેં - મેં શું કર્યું છે કહું ? મેં કુંવારી જાનો લૂંટી છે, મેં ઘરેણાં માટે મોડબંધા વરરાજાઓને ઝાટકે માર્યા છે.”

“પરણવા જાતા’તા તેને ?”

“હા, હા, કોડભર્યા જાતા’તા તેમને. અને કેટલાને ? ગણાવું ! સાતવીસુંને - એક સો ઉપર ચાળીસને - ઓહ, મારી મા !” જેસલે આંખો મીંચીને ઉપર હાથ દાબી દીધા.

“જુઓ, જાડેજા. પાણીના પછાડા શમી જતા જાય છે. આભમાં ઉઘાડ થઈ રહેલ છે. તમારે પ્રતાપે દૃશ્ય નિર્મળ બનતી આવે છે. હજુય હોય એટલાં કબૂલ કરી નાખો. હોડીને નહીં બૂડવા દઉં.”

“તોળી રાણી ! શું શું કબૂલું ? મનેય સાંભરતાં નથી. મેં કેટલાં પાપ કર્યાં છે, કહી દઉં ? માનવીને માથે જેટલા મોવાળા છે, એટલાં પાપ મારે માથે છે. ગણ્યાં ગણાય નહીં, તોળલદે ! મને બચાવો.”

“રંગ છે, જેસલજી ! આખી જ પાપ-પોટલી હૈયેથી ઉતારી નાખી તમે. હવે વહાણને નહીં બૂડવા દઉં. જુઓ, નજર કરો, વહાણ સમથળ બન્યું છે. ને નીરખીને હસો, કે મુસાફરો બધાં કેવાં રાજી રાજી થયાં ! તમે એટલાં બધાંને જિવાડ્યાં. તમે જ જિવાડ્યાં, હો જેસલજી ! જુઓ આ નાનાં છોકરાં હસે છે. જુઓ, સૌ તમને દુઆ દે છે. જુઓ, મરણ કેવું ભેંકાર છે ! અને જીવન કેવું મીઠું ! જેમ બીજાને તેમ જ તમને તે, ખરું જેસલજી !”

જેસલ બીજું કાંઈ ન બોલી શક્યો. એનું માથું તોળલનાં ચરણોમાં નમીને સ્થિર થઈ ગયું.

નિંદાનાં નીર

વારે વારે કહું મારા દલડાની વાત

જાડેજા કરી લે ભલાયું, થોડાં જીવણાં

રે જેસલજી !

હળખેડ મેં તો હાલી માયો૦

પાદર લૂંટી પાણિયારી;

કાઠી રાણી, પાપ પ્રકાશ્યો ધણી આગળે

રે જેસલજી !

તોરણ આવ્યો મોડબંધો માયો૦

પીઠિયાળાની નૈ પાર.

કાઠી રાણી, પાપ પરકાશ્યો ધણી આગળે જી !

ચોવીસ વરસ સુધી ચોરિયું કીધી

અમારા અવગુણનો નૈ પાર,

કાઠી રાણી, પાપ પરકાશ્યો ધણી આગળે જી !

અંજાર શહેરના લોકોમાં અચરજ પ્રવર્તી ગયું. લૂંટારો જેસલ કોઈ બાઈને લઈ આવ્યો છે. એની આગળ બેઠો બેઠો ચોધાર રોયા કરે છે. દાઢીમૂછ અને માથું મુંડાવીને જેસલે તો ધોળાં લૂગડાં ધર્યાં છે. ગળે માળા પહેરી છે.

“તોળલ સતી ! બહુ પાપકામાં કર્યાં છે મેં - હું મોતને દેખી ગાભરો બન્યો ત્યારથી જ મને ખબર પડી ગઈ છે કે હું હિચકારો છું.”

“તો, જાડેજા, હવે ભલાયું કરી લ્યો. ને જેસલજી, રુદન કર્યે શો માલ છે ? ઓ મારા ભાઈ, ‘થોડાં જીવણાં એ જી !’ - જીવતર ટૂંકું છે.”

“સતી, શું કરું ?”

“સાહેબધણીને ભજો.”

“ક્યાં છે તારો એ સાહેબધણી ! હું એને ક્યાં ગોતું ?”

તારો મુંને સાહેબ બતાવ, તોળી રાણી !

કરી લે ભલાયું; થોડાં જીવણાં રે જેસલજી !

ચાલી આવે જોગીની જમા, જાડેજા !

તેમાં તો સાયબો મારો રાસ રમે, જેસલજી !

અવર બાવાને ભગવો ભેખ, જાડેજા !

સાયબાને પીતામ્બર પાંભઢી, જેસલજી !

હમણાં ચરે લખ ચાર જાડેજા !

તેમાં સાયબો મારો એકસીંગી, જેસલજી !

અવર રોઝાંને દો દો શીંગ, જાડેજા !

સાયબાને સોનેરી શીંગ, જેસલજી !

અવર રોઝાંને ખાવા ઘાસ, જાડેજા !

સાયબાને કસ્તૂરી કેવડો, જેસલજી !

બોલ્યાં બોલ્યાં તોળાંદે નાર, જાડેજા !

સતીએ ગાયો હરિનો ઝૂલડો રે જી !

“જેસલ જાડેજા ! મારો ધણી નથી કોઈ આભની અટારીએ, નથી કોઈ ગેબી જગ્યામાં. જુઓ, આ સાધુડાં અતિથિ આવે તેમાં મારો હરિ છે, એ હરણાં ચરે તેમાંય મારો હરિ છે.”

“હું એને શી રીતે પામું ?”

ફળે મુંજાં ભાઈડાનો ભાવ હાં રે હાં,

કાઢી રાણી તોરલ ! અને તારજો હો જી;

હાં રે હાં, જેસલ જગનો ચોલટો હો જી.

જેસલ ખાતો ચારે ખંડનો માલ;

હાં રે હાં, સંગત્યું કીજે જેસલ સંતની હો જી.

વસિયેં પુલા ભેળો વાસ હો જી

હાં હાં, કાઠી રાણી તોરલ અમને તારજો હો જી,

હાં રે હાં, કાઠીરાણી મુખથી અમને ઓચર્યાં હો જી.

જેસલ, કપડાં ધોઈ લાવ !

હાં રે હાં, ઈ રે મારગડે શૂરા મળે,સ

તેને પાછા વાળી ઘેર લાવ હાં હાં.

- કાઠી રાણી.

હાં રે હાં, જેસલ નથી પૂગ્યાં નીર સરોવરે જી.

નથી બોળ્યો નીરમાં રે હાથ;

હાં રે હાં અધવચ ઊજળાં હોઈ રિયાં,

તોળી તારો સાયબો બતાવ !

હાં રે હાં જેસલ જામૈયો રચાવો હો જી,

તેમાં વરણ તેડાવો અઢાર;

હાં રે હાં મોટા મોટા મુનિવર આવશે હો,

જેસલ રે’જો હુશિયાર -

હાં રે હાં, કળજગમાં જેસલ નિંદા ઘણી હો જી.

નિંદાની પડશે ટંકશાળ;

હાં રે હાં નિંદા સુખને સાધુ નિર્મળા હો જી.

જેસલ ઊતરે શિરભાર -

હાં રે હાં, જેસલને ઘરે ધણી મારો આવી મળ્યા,

સતી તોરલ કરે આરાધ;

હો રે હો જૂનો રે જાડેજો એમ બોલિયા,

તોળી તારો સાયબો સંચિયાત.

અંજારની વસ્તીનું અઢારે વરણ જોઈ રહ્યું. આ જેસલ જાડેજો ક્યાં જાય છે ? માથે ગાંસડી શેની છે ? ઓલી બાયડીનાં લૂગડાં ધોવા જાય છે આ તો ! આટલો બધો રાંક કેમ બની ગયો હશે ?

સરોવરની પાળે જેસલ તોળલના ઘાઘરા, સાડલા ને કપડાં ધુએ છે. લોકો એની નિંદા કરે છે.

“જેસલ જાડેજા,” તોરલ કહે છે : “શરમાશો નહીં. આ કળિયુગમાં તો નિંદાની ટંકશાળ પડશે. એ નિંદાના નીર થકી જ સાધુજનો નિર્મળા બને છે. એ નિંદાથી જ શિર પરનો ભાર ઊતરશે.” નિંદાતો નિંદાતો જેસલ નવાણે પહોંચ્યો - ન પહોંચ્યો ત્યાં તો દેહ એનો ઊજળો બની ગયો.

પ્રકૃતિનો દ્રોહ

વાયક આવ્યાં રે સંતો દા જણાં

ત્રીજું કેમ સમાય રે ?

પંથ ઘણો ને જાવું એકલું,

પાળા કેમ ચલાય રે ?

શબદુંના બાંધ્યા સંતો કેમ રે’વે હાં !

સાધ હોય ઈ સંતો કેમ રે’વે.

સોનલા-કટારી સતીએ કર ધરી,

પાળી માંડી છે પેટ,

કૂખ છેદી, કુંવર જલમિયો;

એ જી જન્મ્યો માઝમ રાત. - શબદુંના.

હીરની દોરીનો બાંધ્યો હીંચકો,

બાંધ્યો આબા કેરી ડાળ;

પવન-હીંચોળા હરિ મોકલે.

આતમ તારો ઓધરા. - શબદુંના.

બાઈ પાડોશણ મારી બે’નડી !

રોતાં રાખ્યે નાનાં બાળ;

અમારે જાવું ધણીને માંડવે,

તારા કે’ શું ઝાઝા રે જુવાર. - શબદુંના.

ત્યાંથી તોળી રાણી ચાલિયાં,

આવ્યાં વનરા મોજાર,

વનમાં વસે એક વાંદરી,

ઠેકે મોટેરા ઠેક રે. - શબદુંના.

ત્યારે તોળી રાણી બોલિયાં

સાંભરો વનરાના રાય !

ઉરે રે વળગાડી તારાં બચળાં

રખે રે ભૂલતી તું ચોટ. - શબદુંના.

મારાં રે બચળાં મારી ઉરમાં,

તોળી રાણી, તારાં તો સંભાળ;

કોળિયા અન્નને કારણે

પૂતર મેલ્યો આંબાની ડાળ. - શબદુંના.

પૂતર સંભાર્યો, પાનો ચડ્યો;

પ્રાણમાં વાધી છે પીડ,

થાન હતાં તે સતીનાં થરહર્યાં.

પડતાં છોડિયા છે પ્રાણ. - શબદુંના.

મોટ બાંધીને માથે ધર્યો,

ચાલ્યા ધણીને દુવાર,

એકલડા પંથ ન ઊકલે,

બેદલ થિયો મારો બેલી. - શબદુંના.

ગતમાં ઉથારી ગાંસડી;

ગત કાંઈ કરે છે આરાધ;

સામા મોહોલ મહારાજના

દીપક રચિયેલ ચાર. - શબદુંના.

તમારે જાગ્યે જામો જામશે;

બોલિયા જેસલ રાય

સાસટિયા કાઠીની વિનતિઃ

જાગો તોળલદે નાર. - શબદુંના.

સાંસતિયાનું ગામ તજ્યું ત્યારે જ તોળલને મહિના ચડતા હતા. નવ માસ પૂરા થવા આવ્યા છે. પ્રસવને ઝાઝી વાર નથી.

એવે ટાણે વાયક આવ્યાં. સંદેશો આવ્યો. પાંઉપટણથી ભક્ત સાંસતિયાનું તેડું આવ્યું : “જેસલજી ને તેળલદે, બેય જણાં ‘ગત્યમાં’ હાજરી આપવા વખતસર આવજો.”

નોતરું બેને જ આવ્યું. ત્રીજા જીવને સાથે કેમ તેડી જવાય ? એવી ગુપ્ત અને પવિત્ર એ ધર્મક્રિયા થવાની હતી. દીક્ષિતો સિવાયના કોઈથી દાખલ ન થવાય. તોળલ વિચારમાં પડ્યાં. મારા પેટમાં તો ત્રીજો જીવ સૂતો છે.

પછી છાનાંમાનાં -

‘સોનલા-કટારી સતીએ કર ધરી’ : પેટ પર કટાર ચલાવી, ગર્ભ ખોદીને પુત્રને બહાર કાઢ્યો. ઝાડની ડાળે ઘોડિયું બાંધીને બાળકને સુવાડી દીધું. પાડોશણને ભલામણ કરી : “બહેન, બાળકને સાચવજે. અમારે તો ધણીને દ્વાર જવું છે. તારો આભાર નહીં ભૂલું. ત્યાં હું વિશ્વના ધણીને તારા પણ નમસ્કાર કહીશ.”

જેસલને લઈને તોળલ ચાલી નીકળી. માર્ગમાં કજલીવન નામનું મોટું જંગલ આવ્યું. જંગલમાં વાંદરાં ઠેકે છે. એમાં એક વાંદરી પોતાના નાના બાળને પેટે વળગાડીને એક ઝાડ પરથી બીજે ઝાડે છલાંગો મારી રહી છે.

“અરે ! અરે ! અરે વનરાઈની રાણી !” તોળલથી બોલાઈ ગયું. “આમ ઠેકડા મારી રહી છો, પણ ક્યાંક તારું છોકરું પડી જશે. બાઈ, બરાબર સાચવજે તારા બાળકને !”

ઝાડની ડાળીથી વાંદરી જોઈને હસી : “બાઈ, અમે જો જાનવર : અમારે અક્કલ નહીં, તોય મેં તો મારા બાળને મારી છાતીસરસું રાખ્યું છે. પણ તું માનવી, તું આટલું ડાહ્યું માનવી, તને તારા પેટના બાળકની કેવીક સાચવણ છે તે તો એક વાર વિચાર ! તેં તો તારા બાળકને અંતરિયાળ, અનાથ દશામાં, પારકાની દયા પર છોડ્યો છે, અને તે પણ શા માટે ? ઉત્સવમાં એક કોળિયો મીઠું અન્ન મળવાનું છે તને, તેટલા જ સ્વારથ માટે ને !” એમ કહેતીક વાંદરી ઠેકાઠેક કરતી ઝાડ પછી ઝાડ વટાવી ગઈ. અને આંહીં તોળલને એ મહેણું કલેજામાં ખૂંતી ગયું. એને પુત્ર યાદ આવ્યો. દેહમાં પાનો ચડ્યો. છાતીમાં થરેરાટ ચાલ્યો. સ્તનોમાં ધાવણ ઊભરાયાં, છાતી ફાટફાટ થઈ રહી, તોળલને મૂર્છા આવી, મુડદા સરીખી બનીને એ ત્યાં પટકાઈ પડી.

જંગલમાં જેસલ મૂંઝાઈને ઊભો થઈ રહ્યો. કોઈ માનવી ત્યાં નહોતું. જેસલ તે દિવસે જીવન ધરીને બીજી વાર ડર પામ્યો. એક દિવસ ડર્યો હતો ખાડીના તોફાનમાં ઓરાયેલા વહાણની અંદર - ત્યારે તો એ બાયલો બની ગયો હતો. આંહીં કજલીવનમાં તો એ બાવરો, અજ્ઞાન, માવિહોણા બાળક જેવો બનીને ડર્યો. એણે તોળલના શરીરને ઢંઢોળી જોયું. તોળલના કાન પર એણે સાદ પાડ્યા :

“સતી ! જાગો, આંહીં અંતરિયાળ કાં સૂતાં ? તમ સરીખાં સમરથને આ શી નબળાઈ સતાવી રહી છે, સતી ! તમારામાંય શું સંસારી મોહમાયા સંતાઈ રહેલ છે, તોળલ ?”

તોરલના મૂર્છિત દેહ પાસે ઘૂંટણભેર બેઠેલા જેસલે ઊંચાં ઝાડવાં પર આંખો માંડી. સામે વાંદરાં બેઠાં બેઠાં મશ્કરીનાં દાંતિયાં કરી રહ્યા છે. સંતપણાના કેડા કેવા કઠોર, પાષાણી, અને કેવા કાંટાળા ! જેસલને જેવું શરીરબળનું ગુમાન હતું, તેવું જ અભિમાન તોળલનેય અંધી કરી બેઠું હતું, પેટ ચીરીને ગર્ભ કાઢી નાખ્યે જાણે કે પોતે બંધનમાંથી મોકળી બની ગઈ એવો એ ગુપ્ત મદ હતો. નહીં, નહીં, એ બંધનો છૂરીથી છેદી શકાતાં નથી. પ્રકૃતિ સામેનો એ દ્રોહ છે. સત્તા અને સામર્થ્યનો એ હુંકારો હતો. તોળલે થાપ ખાધી હતી.

તોળલદેના દેહને પોતાની પછેડીમાં નાખી, ગાંસડી બાંધી, ગાંસડી પોતાના માથા પર ઉપાડી જેસલે સાંસતિયાના ગામ તરફનો પંથ કાપવા માંડ્યો.

સજીવન કર્યા

શિર પર ગાંસડી, સાધુનો વેશ, આંખોમાં દડદડ આંસુડાંની ધાર, એવા દીદારે જેસલ જાડેજો સાંસતિયાના ઓરડે આવીને ઊભા રહ્યા. મુખમાં બોલ નથી. મતિ મૂંઝાઈ ગઈ છે.

ઓરડામાં જ્યોત જલે છે. ચોપાસ બેઠું મંડળ છે. ભજનની ઝૂક મચી છે. અતિથિને ભાળતાં જ ભજન વિરમી ગયું. આદમી એકદમ ઓળખાયો નહીં.

સાંસતિયાજી ઊભા થઈને પરોણાની પાસે આવ્યા. ઓળખ્યા. “કોણ, જેસલજી ? એકલા કેમ ? મોડું શાથી થયું ?”

જેસલન મોંમાંથી જવાબ ન નીકળ્યો. પ્રશાંત મુખમુદ્રા પર આંસુની ધારા જોર પકડવા લાગી.

“તોળાંદે ક્યાં છે ?”

જેસલે માથા પરની ગાંસડી ઉતારીને ધરતી પર જ્યોતની સામે મૂકી. ગાંઠ છોડી નાખી. તોળલનો બેભાન દેહ ધરતીને ઢાંકી ત્યાં પથરાઈ ગયો. છાતી તરબોળ હતી. સ્તનોમાંથી હજુય દૂધની ધારા ફૂટી રહી હતી. આખો દેહ કોઈ અજબ ઉશ્કેરાટથી હાંફી રહ્યો હતો.

“જેસલજી, આ શું થયું ?”

જેસલની જબાન ઊપડી નહીં.

“ફકર નહીં.” સાંસતિયે કહ્યું, “જતિ જેસલ ! ધીરજ ધરો. જન્મમરણના ઓરતા ન હોય.”

“મા ! મા, ઓ મા !” જેસલના મોંમાંથી પોકાર નીકળ્યા.

“સંતજનો !” સાંસતિયાએ કહ્યું, “જેસલજીના હાથમાં કોઈ એકતારો આપો.”

એક મોટો તુંબડાનો તંબૂરો જેસલના ખોળામાં મુકાયો. જાણે બેપાંચ વરસનો એક બાળક આવીને અંકમાં બેઠો હોય ને, એવી લાગણીએ જેસલના અંતરમાં જગ્યા લાધી.

“કાંઈક ગાશો ને, સંત ?”

“આવડતું નથી.”

“અજમાવી જુઓને, બાપ. જેસલજીને કંઠેથી તો સંજીવનીની સરવાણિયું ફૂટશે.”

સાંસતિયાએ મંજીરાનો ઝીણો ઝીણો રવ કાઢવા માંડ્યો. જેસલનાં આંગળાંએ એકતારાને બોલતો કર્યો. સૂતેલી તોળલ સામે એક ધ્યાન બનીને જેસલે કલેજું ખોંખાર્યું. સાંસતિયાએ સહુને સંજ્ઞા કરી દીધી, કે કોઈ ઢોલક કે ઝાંઝ બજાવશો નહીં. ઓરડામાં શાંતિની સુરાવળ બંધાઈ ગઈ. હવાના તંતુએ તંતુ જીવંત બન્યાં ને જેસલે આરાધ ઉપાડ્યો :

નહીં રે મેરુ ને નહીં મેદની

નો’તા તે દી ધરણી અંકાશ રે હાં,

ચાંદો ને સૂરજ જે દી દોઈ નો’તા

ધણી મારો તે દી આપોઆપ રે હાં.

પીર રે પોકારે મુંજાં ભાવરાં રે

સતી તમારો ધરમ સંભાળો રે હાં હાં હાં.

પોતાના પુન્ય વન્યા પાર નૈ રે

ગરુ વન્યા મુગતી ન હોય રે હાં હાં હાં.

કંકુવરણો રે સૂરજ ઊગશે

તપશે કાંઈ બાળોબાળ રે હાં.

ધરતીનાં દોઈ પડ ધ્રૂજશે

હોશે કાંઈ હલકાર રે હાં

હાં રે હાં હાં. - પીર રે પોકારે.

હાડ ને ચામ રોમરાઈ નહીં

નહીં કાંઈ રુદર ને માંસ રે હાં.

પિંડ પડમાં અધર રિયું,

નો’તા કાંઈ સાસ ને ઉસાસ રે હાં.

હાં રે હાં હાં. - પીર રે પોકારે.

નર રે મળ્યા હરિના નિજ્યાપંથી

એ જી મળ્યા મને સાંસતિયો સધીર રે હાં.

મૂવાં રે તોળલને સજીવન કયા૦

એમ બોલ્યા જેસલ પીર રે

હાં રે હાં હાં. - પીર રે પોકારે.

(પ્રભુનાં પ્રથમ પ્રાકટ્યનું આરાધન : ઓ ભજનિકો ! જે દિવસે ખલક નહોતી, નહોતા મેરુ (પહાડો), નહોતી આ પૃથ્વી; ધરણી નહોતી, આભ સુધ્ધાંય નહોતું, ચાંદો ને સૂરજ પણ નહોતા, તે દિવસે, એ શૂન્યમાં મારો ધણી વિશ્વંભર આપોઆપ સરજાયા હતા. ઓ મારા ભાઈઓ, ઓ સૂતેલી સતી, તમારો સ્વધર્મ સંભાળો. ખડી થઈ જા. જગતના મોહ તને સ્વધર્મ ચુકાવી રહ્યાં. શું પુત્ર ! શા સંબંધો ! પોતાના જ પુણ્ય વિના પાર આવવાનો છે કદી જન્મમરણના ફેરાનો ?

ને ફરી પ્રભુ પ્રકટશે : તે દિને લાલચોળ સૂરજ ઊગીને બ્રહ્માંડને બાળી નાખે તેવો તપશે. પૃથ્વીનાં પડ ધ્રૂજશે. બ્રહ્માંડ હલહલી ઊઠશે. માટે જેસલ પીર પુકાર કરે છે કે હે મારા જતિ ભાઈઓ ! હે સતી ! તમારો ધર્મ સંભાળો. પોતાનાં પુન્ય વગર પાર નથી.

આપોઆપ સરજાયેલા આ ખાવંદ ધણીનું સ્વરૂપ કેવું હતું તે કાળે ? નહોતાં હાડકાં, નહોતી ચામડી, રુધિર ને માંસ પણ નહોતાં. પંચમહાભૂતનું કોઈ કલેર નહોતું પહેર્યું ઈશ્વરે. અધ્ધર રહ્યું હતું એનું રૂપ, એને તો શ્વાસોચ્છ્‌વાસ પણ નહોતા.)

સૃજનનું મહિમા-ગીત જેસલજીના ગરવા સૂરે ગવાતું ગયું તેમ તેમ મૂર્છિત તોળલની રોમરાઈ સળવળવા લાગી. કલેવરમાં પ્રાણ પુરાતા થયા અને આંખો ઉઘાડી, આળસ મરડી, બેઠી થયેલી તોળલદેએ પોતાનાં વસ્ત્રો સંકોડ્યાં ત્યારે ભજનિકે આ સાચા જીવનદાતા નર સાંસતિયાના ધન્યવાદ ગાયા. ઓ હરિના નિજપંથી નર સાંસતિયા ! તમારે પ્રતાપે મૂએલી તોળલ સજીવન થઈ.

ઝીણા ઝીણા તંબૂર-સ્વરો સાથે તાલ લેતા સાંસતિયાના હાથમાં મંજીરાના સ્વર, માનવીના સૂર શાંત પડ્યા પછી પણ જાણે કે જીવનનું સ્તોત્ર રટતા હતા.

મુનિવર મળ્યા મુનિવરા

કચ્છથી જેસલજી ઉમાવો જી રે

મેવાડ માલો આરાધે;

મુનિવર મળ્યા મુવિરા,

ભોમિયા દોનું આગે;

એડો રે ઉમાવો જાડેજા કરી મળે,

મારા ભાઈલા ! ભાવે મળો હો જી !

માલે જેસલને પૂછિયું,

આપણે હોઈ ઓળખાણું;

હાથે પંજો દૈ દૈ મળ્યા,

ઈ તો સાધુની સાનું. - એડો રે.

ધીરે જોત્યા ધોરી તમે,

કૂવે કડવાં પાણી;

આરાધે અમૃત હુવાં,

ઈ તોળલ કાઠિયાણી. - એડો રે.

સાવ સોનાની ગરુની બાળંગી

તેમાં રૂપાંદે રાણી;

માગ્યા માગ્યા મે વરસાવિયા

ઈ માલા ઘેર આણી. - એડો રે.

જેસલે વાવી પારસ પીપળી

માલે વાવી જાળ;

પાંડુ પિયાળે પરઠિયું

ડાળ્યું વરમંડે જાય. - એડો રે.

*

કચ્છ અને મારવાડ બેઉ ધરા વચ્ચે એક અસીમ રણ તપે છે. ત્યાં ઝાડ નથી, મીઠું જળ નથી. એ લંબપંથા મારગ પર એક જ ઠેકાણે બે એકલવાયાં ઝાડવાં આજ પણ લીલાંછમ લહેરાય છે. એક પીપળી છે ને એક જાળ્ય છે. બાજુમાં એક વીરડો છે. વીરડામાં અખંડ જળઝરણું વહે છે. માણસનું મોત નીપજાવે એવા એ રણનાં કડવાં પાણી વચ્ચે આ મીઠાશ ક્યાંથી ? મોતને કેડે જીવન કોણે સરજાવ્યું ?

કહે છે કે એક દિવસ ત્યાં ચાર માનવીઓનો મિલાપ થયેલો. નરનારીનાં બે જોડલાં અંતરિયાળ ઓચિંતાં મળ્યાં હતાં.

“રામ રામ !”

“રામ !”

“ક્યાં રહેવું ?’

“આમ શીદ ભણી ?”

“કચ્છ ધરામાં જાયેં છયેં. ત્યાં જેસલ પીર અને સતી તોળી નામનાં બે સંતો થયાં છે એમ સાંભળ્યું, ને મન થયું કે દીદાર તો કરી આવીએ.”

“તમારે ક્યાં રહેવું ?” મરુ ધરીના માનવીએ પૂછ્યું.

“અમારે રહેવું કચ્છધરામાં. મેવાડમાં માલદેવજી ને રૂપાંદે નામના બે સંતો વધે છે તેની સુવાસ સાંભળીને મને થયું કે મિલાપ કરી આવીએ.”

સામેનાં બે સ્ત્રી-પુરુષ પ્રવાસીઓએ પણ સહેજ મોં મરકાવ્યાં.

બન્ને મુસાફરોએ પંજા લંબાવ્યા. સામેના બન્નેએ પણ પંજા મિલાવ્યા. એ પંજાના મિલનમાં અમુક મુકરર પ્રકારની સાન હતી. પંજાના મિલને જ પરસ્પરની પિછાન દીધી. ચારમાંથી કોઈને ફોડ પાડવાની જરૂર ન રહી.

“જેસલ પીર ! સંત માલદેવજી !” તોળલે હસીને કહ્યું : “તમ સરીખા દોનું નર આંહીં મનોમન સાક્ષીભૂત થઈને મેળાપ પામ્યા. આવા મેળાપનું સંભારણું આ ધરતીને હૈયે કાંઈક રાખીને જ જુદા પાડશો ને !”

“આંહીં રણમાં શું સંભારણું રાખીએ, હે તોળલ સતી !”

“પૂછીએ રૂપાંદે રાણીને.”

રૂપાંદે બોલ્યાં : “હરિનાં જન મળે તેમાંથી જગતને લાભ જડે, ભૂખ્યાંદુખ્યાં માનવીનો આશરો બંધાય, એવું કાંઈક સંભારણું.”

“આ ધરતીમાં વટેમાર્ગુ અને પંખીડાં જુગોજુગ યાદ કરે એવી કાંઈક એંધાણી રોપી જાવ, જેસલજી ને માલદેવજી !” તોળલે કહ્યું.

“તમે જ કહો.”

“જળ અને ઝાડવાં.”

પછી ચારેય જણાંએ રણની ધરા તપાસી. ઠેકાણે ઠેકાણે પૃથ્વી પર સૂઈને કાન માંડ્યા. જેસલે અને માલદેવજીએ એ ઝેરીલી ભૂમિના પેટાળમાં એક ઠેકાણે મીઠા જળની સરવાણીના સાદ પારખ્યા. આજુબાજુ બારીક પાંદડીઓવાળા લીલા કોંટા નિહાળ્યા અને રેત ખોદી. રેતમાં ભીનાશ દીઠી. પુરુષો બેઉ ખોદતા ગયા, સ્ત્રીઓ બેઉ ગાળ કાઢતી ગઈ. અને પછી ભેળો એકતારો હતો તે બજાવી ચારેય જણાંએ આરાધ ગાયો. જળ અને સંગીતના ત્યાં તાલ બંધાયા. બે ઝાડની ત્યાં રોપણક્રિયા કરી. જેસલે વાવી પીપળી ને માલે વાવી જાળ : એનાં મૂળ પાતાળે ગયાં, એની ડાળીઓ ગગને પહોંચી. હે સંતો ! આજે સૈકાઓ વીત્યા. પ્રવાસીઓ ત્યાં પાણી પીએ છે, એ ઝાડ-જોડલીની છાંયે પોરો ખાય છે. પશુ ને પંખીઓની પણ ત્યાં તૃષા છીપે છે.

રુદિયો રુવે

રોઈ રોઈ કેને સંભળાવું રે, જેસલજી કે’ છે,

ઊંડાં દુખ કેને સંભળાવું રે જાડેજો કે’ છે,

રુદિયો રુવે છે મારો ભીતર જલે.

અમે હતાં, તોળી રાણી ! ખારી વેલ્યે તુંબડાં,

તમ આવ્યે મીઠડાં હોય રે જાડેજો કે’ છે. - રોઈ.

અમે હતાં, તોળી રાણી ! ઊંડે જળ બેડલાં,

તમે રે ઉતારો ભવપાર, જાડેજો કે’ છે. - રોઈ.

કપડાં લાવો, તોળી રાણી, સાબુએ સુધારું,

નિંદા થકી ઊજળાં હોય, જાડેજો કે’ છે. - રોઈ.

તમે જાવ, તોળી રાણી, વડે સુંધે વાયકે,

તમ વિના દિનડા નવ જાય, જાડેજો કે’ છે. - રોઈ.

દોયલી વેળાની તોળી રાણી, ગાયત્રી સંભળાવો

સંભળાવ્યે મુગતિ હોય, જાડેજો કે’ છે. - રોઈ.

*

જેસલ અને તોળલનાં જીવન એકબીજામાં આવી રીતે ઓતપ્રોત બની ગયાં. જેસલ હીરો ને તોળલ લાલરંગી માણેક : ભક્તિના દોરમાં બેઉ પરોવાઈ ગયાં. જેસલ ચંપો ને તોળલ કેળ્ય : સતના ક્યારામાં બેઉ સજોડે રોપાઈ ગયાં. એને જેસલના ઉદ્દામ પ્રેમરૂપી જળ-હિલ્લોલ ફરતી સંયમની પાળ બનેલી તોળલ : જીવન-આરામાં બેઉ ઝૂલવા લાગ્યાં. અને એ પ્રેમ એટલે સુધી પહોંચ્યો કે બેઉએ એકીસાથે એક જ સમાધમાં બેસવાનો ઠરાવ કરી લીધો.

આખરે જુદાઈનો એક દિવસ આવી પહોંચ્યો. જેસલ અને તોળલને મેવાડના સંતમંડળમાંથી ‘વડાં વાયક’ આવ્યાં એટલે કે જ્યોતના પાટમાં હાજરી આપવા જવાનું નોતરું આવ્યું. બેઉએ ભેળા બેસીને પરિયાણ કર્યું : “જેસલજી ! છેલ્લુકી વારનાં જઈ આવીએ. પછી તો નિરાંતે પાછાં આવીને ભેળાં જ સમાશું.”

કંઈ બોલ્યા વગર જેસલ ચાલ્યા. પણ અંજારના ઝાંપા સુધી આવીને એણે કહ્યું : “સતી ! રુદિયો કહે છે કે હું ન આવું.”

“ભલે, જેસલજી ! રુદો રાખે તેમ રહેવું.”

જુદા પડતાં પડતાં જેસલ બાળક જેવો વ્યાકુળ બની ગયો. “અરે સતી ! રોઈ રોઈ હું કોને સંભળાવું ? મારા અંતરનાં ઊંડાં દુઃખ હું કોને સંભળાવું ? મારો રુદિયો રુવે છે. કલેજાના ભીતરમાં ઊંડાણે જાણે કોઈ આગ જલી ઊઠી છે. હું કડવી વેલે તુંબડા જેવો, તે તમારા મેળાપથી મીઠો બન્યો. હું મધસાગરે કોઈ ખડક સાથે અથડાઈ ભાંગી જતા, સુકાનીવિહોણા નાવ સરીખો, તેને તમે તારીને કિનારે લઈ આવ્યાં. જગતની નિંદાનાં જળથી મારો આત્મા ઓર વધુ ઊજળો બન્યો. ઘણા ઘણા લોકાપવાદ મારે માથે ચડ્યા તેની મને બીક નહોતી, ખેવના નહોતી પણ તમે મને તજી જેશો તો એકલા મારા દિવસો કેમ નીકળશે ?”

“જેસલજી ! હું વહેલી પાછી વળીશ.”

એમ કહીને તોળલે મેવાડનો માર્ગ લીધો.

સમાધ

બીજ દિન થાવરવાર,

વાયક આવ્યાં ગરવા દેવનાં એ જી.

દીપૈયા, વેલડિયું શણગાર,

દિને ઊગ્યે મંડપ મા’લીએં એ જી.

દરવાણી ભાઈ, દરવાજા ઉઘાડ !

અમારે જાવાં મંડપ મા’લવા એ જી.

કૂંચિયું કાંઈ રાજદરબાર,

દન રે ઊગ્યે તાળાં ઊઘડે એ જી.

તોરલે કીધો અલખનો આરાધ,

વણ રે કૂંચીએ તાળાં ઊઘડ્યાં એ જી.

ગત્ય-ગંગા કરું રે પરણામ :

તમે રે આવ્યાં ને જેસલ ક્યાં રિયાં એ જી.

જેસલને ઘેરે કાંઈ કામ,

અમને વળાવી પીર પાછા વળ્યા એ જી.

પૂછું હવે પંડિત વીર,

જ્યોતું રે ઝાંખી આજ કેમ બળે એ જી.

સતી તમે જાણસુજાણ,

સરગના સામૈયા જેસલ લઈ વળ્યા એ જી.

સતીએ સોનૈયો મેલ્યો પાટ

મોતીડે અલખ વધાવિયા એ જી.

દીપૈયા, વેલડિયું શણગાર,

દન ઊગ્યે અંજાર પૂગિયે એ જી.

ઝાંખાં દીસે અંજાર ગામનાં ઝાડ,

ઝાંખાં રે દીસે મંદિર માળિયાં એ જી.

પૂછું તને, ગોવાળીડા વીર,

જેસલને સમાણાં કેટલાં દન હુવા એ જી.

સતી તમે જાણસુજાણ,

જેસલને સમાણાં ત્રણ દન હુવા એ જી.

ઝાંખી દીસે ચોરાની ચોપાટ,

ઝાંખો રે દીસે જેસલનો ડાયરો એ જી.

ધરતી માતા, દિયો હવે મારગ,

અમારે જેસલને છેટાં પડે રે એ જી.

સાધુ ચાલ્યા કાશી ને કેદાર,

સતીએ ગાયો હરિનો ઝૂલણો રે જી.

(અર્થ : બીજનો દિવસ અને શનિવાર; એના ઉત્સવમાં જવા માટે વાયક (ુનિમંત્રણ) આવ્યાં. એ ભાઈ સારથિ દીપૈયા ! વેલ્યને શણગાર. રાતોરાત પહોંચવું જોશે. દિવસ ઊગતાં જ મંડપમાં પહોંચી જઈશ. (પણ મારવાડદેશ દૂર હોત, રાતે પહોંચાયું. શહેરના દરવાજા બંધ હતા.) હે ભાઈ દરવાન, દરવાજા ઉઘાડ. દરવાન કહે કે કૂંચી તો રાજદરબારમાં છે. તાળાં તો હવે સવારે ઊઘડશે. એટલે તોળલે અલખની આરાધના ગાઈ, તાળાં ઊઘડી પડ્યાં. ઉત્સવમાં પહોંચીને પાટમાં બેઠેલા ભક્તસમૂહને કહ્યું : ‘હે ગત્ય-ગંગા ! પ્રણામ કરું છું. સમુદાયે પૂછ્યું : હે સતી, જેસલજી ક્યાં ? હે ગત્ય-ગંગા ! જેસલજીને ઘેર કામ હતાં. પછી તોળલે જોયું કે પાટની જ્યોત ઝાંખી ઝાંખી બળવા લાગી. હે ભાઈ ! જ્યોત ઝંખવાય છે કેમ ? જવાબ મળ્યો, હે સતી ! તમે તો ચતુર સુજાણ છો. સમજી જાઓ. અંજારમાં જેસલજી સ્વર્ગપ્રયાણ કરી ગયા ! તોળલે તુરત પાટને વધાવી લઈ ફરી વેલ્ય સજ્જ કરાવી. માર માર વેગે રાતોરાત પંથકાપી પ્રભાતે અંજાર પહોંચ્યાં. ગામનાં ઝાડપાંદ ઝાંખાં જોયાં. મંદિરમાળિયાં નિસ્તેજ દીઠાં. સીમના ગોવાળને પૂછ્યું : હે વીરા ! જેસલજીને સમાત લીધે કેટલો કાળ થયો ? હે સતી ! ચોથો દિવસ થયો. હાય રે હા હા ! પૃથ્વી માતા ! મારગ દ્યો. મારે ને એને છેટું પડી ગયું.)

થાનકમાં પહોંચી. માણસો ચુપચાપ ઊભા હતા. જેસલજી નહોતા. કોઈને પૂછી ન શકી કે જેસલ ક્યાં છે. તાજી પૂરેલ સમાધ દીધી. સમાધને કાંઠે અબીલગુલાલ ને લોબાનના ધૂપ દીઠા. કેટલાય લોકોની આંખોમાંથી પાણી પડતાં હતાં. જેસલે લીધેલી એ સમાધ હતી.

પછી ધૈર્ય ધરીને પોતે ઊભાં રહ્યાં. સેવકોને કહ્યું : “તંબૂરો લાવો. મંજીરા લાવો.”

હાથમાં એકતારો લઈને તોળલ ઊભી થઈ. સમાધ ફરતી પ્રદક્ષિણા કરતી, નૃત્ય કરતી, બજાવતી એ ગાવા લાગી :

જાગો ! ઓ જાડેજા જેસલ ! તમારાં આપેલાં - સાથે સમાત લેવાનાં વચન સંભારીને વહેલા જાગો, વચનને ચૂકનાર માનવીને મુક્તિ નહીં મળે. ચોરાશીના ફેરામાં ભટકવું પડશે ! જાગો જતિ ! જાગો !-

જાડેજા રે, વચન સંભારી વે’લા જાગજો !

વચન ચૂક્યા ચોરાશીને પાર... જાડેજા હો !

વચન સંભારી વે’લા જાગજો !

જાડેજા રે, સો સો ગાઉ જમીં અમે ચાલી આવ્યાં રે,

આવતાં નવ લાગી વાર... જાડેજા હો !

એકવીસ કદમ ઠેરી રિયાં રે,

અમારા શિયા અપરાધ... જાડેજા હો !

વચન સંભારીને વે’લા જાગજો !

જાડેજા રે, તાલ તંબૂરો સતીના હાથમાં

સતીએ કીધો અલખનો આરાધ; જાડેજા હો !

જે દી બોલ્યા’તા મેવાડમાં

તે દીનાં વચન સંભાર... જાડેજા હો !

વચન સંભારીને વે’લા જાગજો !

જાડેજા રે, મેવાડથી માલો રૂપાંદે આવિયાં,

તેદુનાં વચનો કાજ;

ત્રણ દા’ડા ત્રણ ઘડી થઈ ગઈ;

સૂતા જાગો રે જેસલ રાજ... જાડેજા હો !

વચન સંભારી વે’લા જાગજો !

જાડેજા રે, માલો પારખ ને રૂપાંબાઈ પેઢીએ,

હીરા હીરા લાલ પરખાય;

નૂગરાં સૂગરાંનાં પડશે પારખાં;

વચન ચૂક્યો ચોરાશીમાં જાય... જાડેજા હો !

વચન સંભારી વે’લા જાગજો !

જાડેજા રે, કાલી કે’વાશે તોરલ કાઠિયાણી,

મૂવા નરને બોલ્યાનાં નીમ;

ધૂપ ધજા શ્રીફળ નહીં ચડે,

આવ્યો ખરાખરીનો ખેલ... જાડેજા હો !

વચન સંભારી વે’લા જાગજો !

જાડેજા રે, આળસ મરડીને જેસલ ઊઠિયા,

ભાંગી ભાંગી ભાયુંની ભ્રાંત;

પેલાં મળ્યાં રૂપાં માલદેને,

પછી કીધી તોળલસેં એકાંત... જાડેજા હો !

વચન સંભારી વે’લા જાગજો !

જાડેજા રે, કંકુકેસરનાં કીધાં છાંટણાં,

મોડિયો મેલ્યો સતીને માથ : જાડેજા હો !

કુંવારી કન્યાએ વાઘા પે’રિયા હો જી

લાગી લાગી વીવાની ખાત... જાડેજા હો !

વચન સંભારી વે’લા જાગજો !

જાડેજા રે, તોળલ રાણી મુખથી ઓચર્યાં હો જી

નદિયું સમાત્યું ગળાવ... જાડેજા હો !

સહુને વળાવી પાછાં વળ્યાં રે,

નવ વળ્યાં તોળાંદે નાર... જાડેજા હો !

વચન સંભારી વે’લા જાગજો !

ઓ જેસલ જાડેજા ! કૉલ આપેલો તે યાદ કરજો. મોતમાં પણ જુદા પડવાનું નથી એ તમારું વચન હતું. અને આજે રિસાઈને ચાલી નીકળ્યા ! મેં સો-સો ગાઉની મજલ કેમ કાપી તે તો વિચારો ! મારો એવો અપરાધ થયો, જેસલજી ! જાગો, જેસલ પીર ! સૂતા છો તે જાગો. નહીં તો આપણે નૂગરાં (ગુરુ વિનાનાં, અજ્ઞાની) કહેવાશું. નહીં તો કાઠિયાણી તોળલને લોકો કાલી (મૂરખી) કહેશે, અને એવી ફજેતી થશે આપણી સિદ્ધિઓની, કે આપણી સમાતને માથે પછીધૂપ, ધજા ને શ્રીફળ નહીં ચડે. જાડેજા ! જગતને પારખું કરાવો, કે આપણા જોગ નકલી નહોતા, આપણા નેહ તકલાદી નહોતા, આપણા કૉલ છોકરીઓના ખેલ નહોતા. આપણો આતમસંબંધ દુનિયાને દેખાડવાનો નહોતો. જાગો, જાડેજા !

તોળલના પડકારા સમાધની માટીને કંપાવવા લાગ્યા. માટી એની મેળે સરકવા લાગી. શબ્દ, સંગીત અને નૃત્યની ત્રેવડ ચોટ લાગી, બ્રહ્મરંધ્રમાં રૂંધાઈ રહેલા જેસલનો પ્રાણ નાડીએ પાછો વળ્યો. જેસલ આળસ મરડીને ઊભા થયા. એણે મેવાડથી આવેલાં રૂપાંદે-માલદે જોડે પંજા મિલાવ્યા. ને પછી તોળલ સાથે એકાંત-ચર્ચા કરી.

“જેસલ જાડેજા ! બસ, હવે આપણે માટે એક જ વાત બાકી રહી છે.જીવનમાં જે નથી થઈ શક્યું તે મૃત્યુને માંડવડે પતાવી લઈએ. લ્યો જેસલજી ! આવતા ભવનાં આપણાં પરણેતર ઊજવી લઈએ.”

તોળલે મસ્તક પર મોડિયો (પરણતી કન્યા માથે પહેરે છે તે) મૂક્યો. કુંવારી કન્યાની પેઠે વાઘા સજ્યા. બન્ને જણાંએ સામસામાં કંકુકેસરનાં છાંટણાં કર્યાં. અને પછી નવી બે સમાધ જોડાજોડ ગળાવી. વળાવવા ગયેલાં બીજાં બધાંય પાછાં વળ્યાં, ન વળ્યાં એક તોળલદે. એ તો જેસલજીની સાથે સમાયાં.

*

પીર કેવરાણા ભાઈ સીધ કેવરાણા

જેણે દલડામાં ભ્રાંતું ન આણી રે

અલ્લા હો ! જુગમાં સીધ્યાં જેસલ ને તોળી

બીજ રે થાવરનો જામો રચાવિયો

ધણી કેરો પાટ મંડાણો રે હાં;

માજમ રાતના હુઆ મસંદા ત્યારે

ચોરી થકી ઘેર આવ્યો રે.

- અલ્લા હો.

તોળીને ઘેર જામો રચાયો રે હાં;

ત્યારે કાઠીડે કીધી કમાણી,

તોળી ઘોડી લઈ સોંપ્યાં ત્યારે

સાયબાને રાખ્યા સંગાથી રે.

- અલ્લા હો.

ચોવીસ વરસ સુધી ચોરિયું રે કીધી રે હાં;

ઘણા જીવજંતને માર્યાં;

ધોળાં આવ્યાં ત્યારે ધણીને સંભાયા૦

મંદિર પધાર્યા મોરારિ રે.

- અલ્લા હો.

આ કળજગમાં ત્રણ નર સિદ્ધા રે હાં

જેસલ જેતો ને તોળી;

અંજાર શે’રમાં અજેપાાળ સીધ્યા

તોરલે ત્રણ નર તાર્યા રે.

- અલ્લા હો.

બીજ હતું તે સાધુમુખ વાવરિયું રે હાં;

વેળુ વાવીને ઘેર આવ્યાં;

એકમન રાખી અલખ આરાધ્યો

સાચાં મોતી ઘેર લાવ્યાં રે.

- અલ્લા હો.

ઊંચા ઊંચા મોલ ને તે પર આંબ્યાં નીર રે હાં;

નીચાં ગંગાજળ પાણી,

માલદે કોટવાળ ઉમા આરાધે

જેસલ તોળી નીરવાણી રે.

- અલ્લા હો.

ભજન

(જેસલને ખાડી ઉતારી કચ્છમાં લાવીને તોળલે બોધ દીધેલ તેનું ભજન)

જેસલ, કરી લે વિચાર,

માથે જમ કેરો માર,

સપના જેવો છે સંસાર

તોળી રાણી કરે છે પોકાર

આવોને જેસલરાય !

આપણ પ્રેમ થકી મળીએં જી

પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએં જી !

આવ્યો અમૂલખ અવતાર

માથે સતગુરુ અવતાર

જાવું ધણીને દુવાર

કાયા બેડી ઉતારે ભવપાર

આવોને જેસલરાય. - આપણ.

ગુરુના ગુણનો નહીં પાર

ભગતી છે ખાંડાની ધાર

નૂગરા કર્યા જાણે સંસાર

એનો એળે જાય અવતાર

આવોને જેસલરાય. - આપણ.

જીવની ગતિ ગુરુની પાસ

જેવી કસ્તૂરીમાં વાસ

ધણી તારા નામનો વિશ્વાસ

સેવકોની પૂરો હવે આશ

આવોને જેસલરાય. - આપણ.

છીપું સમુંદરમાં થાય

તેનીયું સફળ કમાઈ

સ્વાતના મેહુલા વરસાય

ત્યારે સાચાં મોતીડાં બંધાય

આવોને જેસલરાય. - આપણ.

મોતીડાં એરણમાં ઓરાય

માથે ઘણ કેરા ઘાય

ફૂટે તે ફટકિયાં કે’વાય

ખરાની ખળે ખબરું થાય

આવોને જેસલરાય. - આપણ.

ચાંદોસૂરજ વસે છે આકાશ

નવલખ તારા તેની પાસ

પવન પાણી ને પરકાશ

સૌ લોક કરે તેની આશ

આવોને જેસલરાય. - આપણ.

નવલાખ કોથળિયું બંધાય

તે તો ગાંધીડો કે’વાય

હીરામાણેક હાટોડે વેચાય

તે દી એનાં મૂલ મોંઘાં થાય

આવોને જેસલરાય. - આપણ.

નત્ય નત્ય ઊઠી નાંવા જાય

કોયલા ઊજળા ન થાય

ગુણિકાને બેટડો જો થાય

બાપ કેને કે’વાને જાય

આવોને જેસલરાય. - આપણ.

પ્રેમના પાટ પ્રેમના થાટ

ઝળહળ જ્યોતનું ઝળળાટ

આગળ નમન્યું જ્યાં થાય

આવોને જેસલરાય. - આપણ.

મનની માંડવિયું રોપાય

તન કેરા પડદા બંધાય

જતિ સતી મળી ભેળાં થાય

સતિયુંના પંજા જ્યાં મેળાય

આવોને જેસલરાય. - આપણ.

દેખાદેખી કરો રે મત ભાઈ

હાથમાં દીવડીઓ દરશાય

અંતરે અજવાળાં થાય

ચાર જુગની વાણી તોળલ ગાય

આવોને જેસલરાય. - આપણ.