Saraswati Chandra - 2 Chapter - 1 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 1

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 1

સરસ્વતીચંદ્ર

ભાગ : ૨

ગુણસુંદરીનું કુટુંબજાળ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના

આજકાલ પૃથ્વી ઉપર એવો સમય આવ્યો છે કે કીર્તિ અમર કરવામાં સાધન દિવસે દિવસે શક્તિહીન થતાં જાય છે. માનવીની રુચિ કાલ ન હતી એવી આજ થાય છે, અને આજ નથી તેવી કાલ થશે. ભવિષ્યમાં એ રુચિને ક્યો પદાર્થ પ્રિય લાગશે એ વર્તમાનમાં કલ્પવું પણ કઠિન છે. પ્રતિદિવસે વધતી શોધોના આ સમયમાં શાસ્ત્રીય ગ્રંથો પણ આજના કાલ નિરુપયોગી થાય છે, તેમ અપૂર્વ ત્વરાથી નિત્ય નવી થતી રુચિના આ સમયમાં સ્વભાવે ક્ષણજીવી નવલકથાઓ દીર્ઘાયુ થાય અને લખનારને ભવિષ્યકાળ સાથે કીર્તિની સાંકળથી સાંધે એ ધારણાથી અનુભવનો બોધ વિરુદ્ધ છે. નાટકોને દૃષ્ટિમર્યાદામાંથી ખસેડી પાડી તેને સ્થળે માનવીના હાથમાં નવલકથાઓ ઊભરાવા લાગી છે, એ જ આનું દૃષ્ટાંત છે. ગ્રંથકારના હ્ય્દયમાં કીર્તિનો લોભ આમ નિષ્ફળ અને નિર્જીવ લાગે એ પણ વર્તમાનકાળની એક ઉત્સાહક દશા છે. માનનું મૂલ્ય તેના ઉપયોગીપણા ઉપર આધારે રાખે તો તે ઇષ્ટાપત્તિ છે, અને કીર્તિએ છોડી દીધેલાં આસન ઉપર તે ઇષ્ટાપત્તિની સ્થાપના થાય તો સાહિત્યનો ફલવિસ્તાર સ્થિર મહત્તા ભોગવે એ ઘણે અંશે સંભવિત છે. પરંતુ પાશ્ચાત્વ દેશની અવસ્થા અને આપણા દેશ પર પડતી તેની છાયા પ્રધાનભાગે એવી છે કે સંગીન ઉપયોગ ભૂલી બાહ્ય સુંદરતાની પ્રત્યક્ષ માયાથી માનવી મોહ પામે છે, અને આથી પ્રધાન વસ્તુને ઠેકાણે ગૌણ વસ્તુનું આવાહન થાય છે. ખરી વાત છે કે, રસના પ્રત્યક્ષ માયાની અંતર ત્તત્વ સ્વાદિષ્ટ બની માનવીના અંતરમાં વધારે પચે છે; અને તેથી નવો અવતાર ધરતા મનુષ્યના જીવનનો અને અન્ય પ્રાણીઓનો ભેદ વધારે વધારે સ્પષ્ટ થતો જાય છે. પરંતુ માયાનો લય ત્તત્વમાં થઇ જાય છે - માયા એ માત્ર તત્ત્વની સાધક છે - માયાનો લક્ષ્ય અંત તે જ તત્ત્વનો આરંભ હોવો જોઇએ - માયાનું અંતર્ધાન થતાં તત્ત્વનો આવિર્ભાવ થવો જોઇએ - માયાઅંડ ફૂટતાં તત્ત્વ-જીવ સ્ફુરવો જોઇએ : એ વાત ભૂલવી જોઇતી નથી. સુંદર થવું એ સ્ત્રીનું તેમજ નવલકથાનું લક્ષ્ય છે, પરંતુ એ લક્ષ્ય છે, પરંતુ એ લક્ષ્યની સંપત્તિ તે માત્ર કોઇ બીજા ગુરુતર લક્ષ્ય પામવાનું પગથિયું છે - એ પગથિયે ચડીને પછી ત્યાં અટકવાથી તે ચડવું નકામું થાય છે - હાનિકારક પણ થાય છે.

ત્યારે નવલકથાનું હાર્દ શું જોઇએ ? નવલકથા કોના હાથમાં જશે તેનો ઉપયોગ કોણ કેવી દ્રષ્ટિથી કરશે - તે જાણ્યાથી તેનું હાર્દ કેવું રાખીએ તો સફળબોધક થાય તે સમજાશે.

૧. સત્યશોધક વર્ગ માનસશાસ્ત્રના અભ્યાસને અર્થે જ નવલકથાઓ વાંચે છે.

૨. સારશોધક વર્ગ નવલકથામાંથી સુંદરતા આદિ પોતાને રચતાં તત્ત્વ શોધે છે. અને શેષભાગ પડતો મૂકે છે.

આ ઉભય વર્ગની સાથે પત્રવ્યહાર રાખવામાં ગ્રંથકારોને નવલકથા એ જ એક સાધન છે એમ નથી. અનેક આકારમાં તેમની સાથે સંબંધ કરાય છે; પરંતુ નવલકથાના લહાણામાં એ વર્ગ પણ ભાગ માગશે તે ભૂલવા જેવું નથી, કારણ વાંચનાર વર્ગમાં એ મુકુટમણિને સ્થાને છે. તેમની સંખ્યા ઘણી ઓછી હોય છે, પરંતુ તેમની પૂજનીયતા - તેમનું બ્રહવર્ચસ્‌ - સર્વમાન્ય છે.

૩. ત્રીજા વર્ગની સંખ્યા અગણ્ય છે. નવલકથા વાંચવાની વૃત્તિમાં નીચલાં કારણોમાંથી એક અથવા અનેક તેમને પ્રેરનાર હોય છે.

(ક) વાર્તાની રચનાનો જિજ્ઞાસારસ. આ રસ સર્વ બાળકોમાં હોય છે. સ્ત્રીઓનું તે લક્ષ્ય ગણાય છે, અને ચડતી અવસ્થામાં ઘણાંકમાંથી તે જતો નથી.

(ખ) મદન અને સ્ત્રીની વાર્તાઓને વશ થયેલાં ચિત્ત. આવાં ચિત્ત નવલકથાઓ જોઇ વિહ્યલ બની જાય છે, અને એવી કથાઓના અતિસંભોગથી અંતે નિર્વીય થાય છે.

(ગ) કથાઓ વાંચવાનું વ્યસન - અફીણ, દારૂ વગેરેના વ્યસન જેવું જ; તે છોડ્યું છૂટતું નથી.

(ઘ) શાસ્ત્રીય અને કઠીન ગ્રંથો વાંચતાં પડતો શ્રમ, ઘણાંક ભણેલાંઓ આળસુ હોય છે અને શ્રમ લેવાની તેમની અનિચ્છાને, વિદ્યાર્થી અવસ્થા છૂટતાં, વારનાર કોઇ હોતું નથી.

(ડ) શાસ્ત્રીય વિષયનું અસંસ્કારી રસેન્દ્રિય.

(ચ) નિરક્ષરતા અને નવરાશ.

ભણેલા તેમજ અભણ વર્ગનો મોટો ભાગ આ છેલ્લા વર્ગમાં આવી જાય છે અને તેથી જ નવલકથાઓ આજકાલ દિગ્વિજય પામી દેખાય છે. આ સર્વ વિચારી ભિન્ન ભિન્ન સર્વ આવા વાંચનારને જમે ઉધાર કરતાં સરવાળો હાનિ ન થાય અને લાભ એવી રચના કરવી એ એકેએક કથાકારનો ઉદ્દેશ હોવો જોઇએ. ને વાંચનારની રુચિ શોધી તેને અનુકૂળ પોતે થવું તેનાં કરતાં સદ્‌રુચિને જ અનુકૂળ થવાનું રાખી, બીજી રીતે પોતાની અભિષ્ટ સદ્‌રુચિ વાંચનારમાં ઉત્પન્ન કરવામાં વીર્યવાન ગ્રંથકારનું પુરુષત્વ સફળ થાય છે.

જિજ્ઞાસારસને દ્રવતો કરી મિષ્ટ વાર્તા ભેગો ઉપદેશ પાઇ દેવો; પરવશ થતાં જ સુમાર્ગે ચાલે એવાં પુરુષત્વહીન ચિત્તોને સન્મૂર્તિઓની ઉચ્ચ સુંદરતાનાં મોહપાશમાં નાંખી સદ્‌વૃત્તનાં ઘેનમાં ગતિમાન થવાનો આપવો; કથાના વ્યસનીને સુકથાની મદિરા પાઇ સત્કર્મના વ્યસનમાં પડવાનો માર્ગ દેખાડવો; આળક વિદ્ધાનોમં સત્પ્રતિભા જગાડવી; સૂચિત્રોના મિષ્ટ પરિપાકમાં શાસ્ત્રના સંસ્કારોનો મધુર મધુર સંભાર ભરવો; અવકાશવાળાના અવકાશરૂપ ભૂંગળામાં સન્મોહની ફૂંક મારવી; અને નિરક્ષરજનને તેના ગજા પ્રમાણે અક્ષરલભ્ય જીવનના રસિક કરવા : આ અને એવા ઘણાક કાવ્યકથાના ઉદ્દેશ આર્ય કથાકારોથી અજાણ્યા નથી અને યુરોપમાં પણ પ્રશસ્ત વર્ગમાં પ્રશસ્ત ગણાય છે. આપણા શાસ્ત્રકારો તો કહે છે જ કે આવી કથાઓ મિત્રનની પેઠે - સ્ત્રીની પેઠે - ઉપદેશ કરે છે.

સાધારણ વર્ગની આ સેવા દુસ્તર નથી એટલે સત્ય અને સારના શોધકોની સેવા ગહન છે; કારણ મનહર થવા કરતાં મનભર થવું એ વધારે સાધન અને શક્તિની અપેક્ષા રાખે છે. પંડિતવર્ગ દેખાતી કલ્પનામાંથી સત્ય ચાળી કાઢે છે અને તેમના હાથ તેમને યોગ્ય સદ્‌વસ્તુથી ભરવા એ જ્ઞાન શ્રીમંતની જ શક્તિથી બને એવું છે. જડ વ્યવહારમાં જ પળોટાયેલાં દેખાતાં કેટલાંક ચિત્ત અન્ય ચેતનને અગોચર રહેતાં સ્થાનોમાં પળવાર સંચાર પામી ઊંડી કવિતા અનુભવે છે; તેવાં ચિત્ત દેખીતા વ્યવહારગદ્યની વચ્ચોવચ હ્ય્દયનાં ગાન સાંભળવા ઉત્સુક થાય છે. તેમને તૃપ્ત કરવા એ પણ કોઇ શુદ્ધ કવિના પ્રાસાદિક મહિમાથી જ સાધ્ય છે. સંસારપંડિત મનુષ્યો નવલ કલ્પનાના મંડપ વચ્ચે કયો ઇતિહાસ, વરરાજા પેઠે, ઊભો છે તે સૂક્ષ્મ દ્રષ્ટિથી જુએ છે, અને કઇ નીતિ, કન્યા પેઠે, વરાવાની છે તે શોધે છે : ટૂંકમાં, માનવીના બ્રહ્માંડ જેવાં ચિત્તની હજારો હજારો વિગતો પંડિતવર્ગ નવલકથાઓમાં શોધે છે તે વીગતનું આ માત્ર દિગ્દર્શન જ છે. એ વર્ગને ક્વચિત્‌ પણ તૃપ્તિ અપાય તો તે મહાસંતોષની વાત છે.

નવલકથાનું શુદ્ધ હાર્દ આવું છે. કથાનું સ્વરૂપ માયિક હોવું જોઇએ તે ખરું, પરંતુ ગૌણ પક્ષે જ. હ્ય્દય વિના સ્વરૂપ નિર્જીવ છે - તેના ઉપભોગથી હાનિ જ છે.

આ નવલકથામાં હાર્દ અને સ્વરૂપ કેટલાં સચવાય છે તેની તુલના પરીક્ષકને જ હાથ થવી યોગ્ય છે. તથાપિ ગ્રંથકર્તાના કેટલાક વિશેષ ઉદ્દેશ સૂચક રૂપે અત્રે પ્રગટ કરવા તે પણ કથાની સંપૂર્તિ કરવા જેવું છે.

આ ગ્રંથમાં એકથી વધારે કથાઓની ફૂલગૂંથણી છે. ગ્રંથના નાયકનો સ્ફુટ આવિર્ભવ થતાં પહેલાં ઉપનાયક પ્રથમ ધ્યાન રોકે છે. આથી વાર્તાની સંકલનાનું ઐક્ય રાખવું એવો યુરોપ દેશમાં ચાલતો નિયમ તૂટે છે. છે, પરંતુ એક વાર્તાની વચ્ચે અનેક વાર્તા દર્શાવતા ઇશ્વરે રચેલા ઇતિહાસોનો નિયમ જળવાય છે. કૃત્રિમ નિયમો સાચવવા એ આ ગ્રંથનો પ્રધાન ઉદ્દેશ નથી. ઇશ્વરલીલાનું સદર્થે ચિત્ર આપવું એ જ પ્રયાસ છે.

માનવીના મલિન વિકારોથી આખું ધ્યાન રોકવું એ કેટલાક ગ્રંથનું કર્મ હોય છે. ઇશ્વરસૃષ્ટિમાં એ વિકારો પણ આવી જાય છે એ વાત ખરી છે; તદપિ તે વિકારોમાં આપણા જીવનની સમાપ્તિ થતી નથી, તે વિકારોના ચિત્ર જાણવાનાં સાધન વિદ્ધાન વર્ગને અન્યત્ર એટલે શાસ્ત્રીય ગ્રંથોમાં મળી આવે એમ છે, અને એમ છે એટલે મલિન ચિત્ર કાઢવાનું કંટાળા ભરેલું કામ આ કથામાં બનતા સુધી ઘણે અંશે દૂર રાખ્યું છે.

પૃથ્વી ઉપરના માનવીને ઊંચે ચડાવવું હોય તો નિસરણીનું છેક ઉપલું પગથિયું બતાવવું એ તેની હિંમત હરાવવા જેવું છે. પૃથ્વી જ બતાવવી એમાં ઉત્કર્ષ બતાવાતો નથી. આ કારણને લીધે ગ્રંથના પાત્ર ઉત્કૃષ્ટતમ કર્યાં નથી કે વાંચનાર તેમને કેવળ કાલ્પનિક ગણે અને અનુકરણનો વિચાર જ ન આવે. તેમ જ લોકવર્ગનાં કેવળ સાધારણ મનુષ્યો જ ચીતર્યા નથી કે ઉત્કર્ષને ઉત્સાહક પગથિયું જ જોવામાં ન આવે. આપણા સાધારણ વિચારો ક્ષમા કરવા યોગ્ય નિર્બળતા - તેથી ડગમગતાં, પરંતુ સ્થિર થવા, ઉત્કર્ષ પામવા, યત્ન કરતાં માનવીઓના ચિત્ર આપ્યાં છે. નિર્બળ માનવીમાં નિર્બળ માનવી પર સમભાવ ઉત્પન્ન થાય, અને તેમ કરતાં, સંસારસાગરમાં બાથોડિયાં મારવાના ઉપાય સૂઝે : એ માર્ગનું દિગ્દર્શન અત્રે ઇચ્છ્યું છે. તેમ કરવામાં મલિન માણસોનાં ચિત્ર શુદ્ધ ચિત્રોમાં કાળા લસરકા પેઠે ક્વચિત્‌ આણવાં પડ્યાં છે. કારણ અશુદ્ધિના અવલોકનથી શુદ્ધિના ગૌરવનું માટે સ્પષ્ટ થાય છે.

વિદ્યા, દ્રવ્ય, અધિકાર, સ્વતંત્રતા અને વિશુદ્ધિ : એ સર્વના પ્રકાશમાં, છાયામાં અંધકારમાં, તથા અધવચ રહેતાં મનુષ્યોની સ્થિતિઓ અને સંક્રાન્તિઓ દર્શાવવા યત્ન કર્યો છે કે સર્વ વાંચનારને કોઇ કોઇ પાત્ર ઉપર સમભાવ થાય અને અનુકરણ સારુ ઉપમાન મળે. માનવી માત્ર સારાસારની મેળવણી જેવું છે. આ જગતમાં સર્વ રીતે સારું જ અથવા સર્વ રીતે નરસું જ એવું કાંઇ નથી. એ મેળવણી અત્રે દર્શાવવામાં આવી છે અને તેમ કરવામાં અનુભાવક ઉપદેશ કરવો ઇચ્છ્યો છે.

વાર્તાનો સમય છેક સમીપનો અને પ્રદેશ આપણી ગુર્જર વસ્તીનો રાખેલો છે. એટલે હજી સુધી આપણા કાનમાં વાગતા ભૂતદશાના ભણકારા, વર્તમાન દશાનો પ્રત્યક્ષ પડદો, અને ભવિષ્યકાળમાં વિદ્યાર્થી થનાર અવસ્થાની, આજથી આપણી કલ્પના પર પડતી પ્રતિચ્છાયા એ સર્વનું મિશ્રણ કરવાથી શાસ્ત્રીય દેશોદ્ધારકોને કાંઇ સૂચના મળશે એવી કલ્પના છે.

આ વિનાના બીજા ઉદ્દેશ પરીક્ષકને જાતે પ્રકટ થશે તો જ તે સફળ છે એમ માની અત્રે કથવામાં નથી આવતા.

પ્રકરણ ૧

મનોહરપુરીની સીમ આગળ

મનોહરપુરી સુવર્ણપુરથી દસેક ગાઉને છેટે છે. પુરાતન કાળમાં એ એક મહાન નગરી હતી. વિદ્ધાન, સ્વતંત્ર અને પ્રતાપી રાજાઓનું તે રાજનગર હતું. કાળબળે તે રાજાઓને મ્લેચ્છ લોકે જીતી લીધા અને મનોહરપુરીની અવદશા થઇ જતાં ત્યાં આગળ માત્ર એક ગામડું રહી ગયું અને મનોહરિયું, મનોરિયું વગેરે ક્ષુદ્રનામોથી ઓળખવા લાગ્યું. આજએ ગામરત્નનગરીના રાજાના પ્રદેશમાં હતું, અને ઇતિહાસપૂજક ચિત્તવાળા કારભારી વિદ્યાચતુરને તે પ્રિય હોવાથી તેની સવિશેષ સંભાળ લેવામાં આવતી હતી. વિદ્યાચતુરનો જન્મ પણ એ જ ગામમાં હતો. વળી બીજાં પણ ઘણાંક કારણોને લીધે તેને મન એ ગામ પ્રિય લાગતું. વિદ્યાચતુરનું મોસાળ અને ગુણસુંદરીનું પિયર આ જ ગામમાં હોવાથી, તેમ જ બાલ્યાવસ્થા તથા યુવાવસ્થાનો આરંભ આ દંપતીએ આ જ ગામમાં ગાળેલો હોવાથી, મનોહપુરી ઉભયને મનોહર લાગતી અને ‘મનોહરપુરી’ નામનો તેમણે જીર્ણોદ્ધાર કર્યો હતો.

સર્વ કૃત્રિમ વૈભવ નષ્ટ થવા છતાં ઇશ્વરે આપેલી સુંદરતા આ ગામને છોડી ગઇ ને હતી અને તેને લીધે તેમ જ બીજાં કેટલાંક કારણોથી ઘણાક લોકોને એ સ્થળ પરિચિત અને પ્રિય હતું. સુવર્ણપુર, રત્નનગરી અને અંગ્રેજી રાજ્ય, એ ત્રણેના અધિકાર નીચેના પ્રદેશનું તે મધ્યસ્થાન હતું અને ત્રણે રાજ્યોની સીમ મનોહરપુરીની સીમ સાથે ભેટતી હતી. આ રાજ્યોની તેમ જ ઇશ્વરરચનાની સીમનું પણ તે મધ્યવસ્થાન હતું. પશ્ચિમમાં અર્ધ ગાઉને છેટે સમુદ્ર હતો તેથી પશ્ચિમપવનની લહેરો શીતળ તથા રમણીય થઇ ઉનાળાની દુઃસહતાને મનોહરપુરીમાંથી દૂર કરતી. ઉત્તરમાં સુંદરગિરિ નામના નાના પણ સુંદર પ્રર્વતનો આરંભ થતો. બીજી બે પાસ મોટાં વન હતાં. પૂર્વમાં આંબાનાં વન, અતિવિસ્તારી અસંખ્ય વડની ઘટાઓ, શેરડીનાં ખેતર ઇત્યાદિથી આ નાના ગામડાની દૃષ્ટિસીમા રોકાઇ ગઇ હતી. ઊંચાં અને લીલાંસૂકાં તાડનાં વન દક્ષિણ દિશામાં સુંદરતાની ધજાઓ પેઠે ફરકતાં હતાં અને તેમના લાંબાં તથા ફાટ્યાત્રુટ્યાં પાંદડાં પટાવાળા ધ્વજપટથી જુદી જાતનાં ન હતાં. ભદ્રાનદીની સુભદ્રા નામની શાખા પૂર્વમાંથી દક્ષિણમાં આવી ચૂકી ગતિથી ચાલતી સર્વ વનોમાંનાં પાંદડાં તથા ફળફુષ્યોને પોતાની છાતી ઉપર વહેતીવહેતી મંદ પણ સ્થિર ઝીણો સુસ્વર કરતી કરતી તાડના મૂળ આગળ સમુદ્રમાં ભળતી હતી. આ નદીને લીધે તાડના વનમાં બીજી વનસ્પતિ પણ ગૂંથાઇ ગઇ હતી. ચૈત્રના શુક્લપક્ષના આ સમયમાં ઊતરતા વસંત તથા આવતા ગ્રીષ્મનો સંધિ થતો હતો તે પ્રસંગે સુરંગિત માર તથા સુવાસિત કેરીઓથી ઊભરાતું આંબાનું વન અને ભરતી પામતો સમુદ્ર મનોહરપુરીની પૂર્વપશ્ચિમમાં સુંદરતાના ત્રાજવામાં તોળાતાં હતાં.

આંબાનાં વન અને તાડમાં વનને જુદાં પાડી સુર્વણપુરથી નીકળતો રસ્તો નદીની પેઠે ઉભય પાસનાં વનના તટ વચ્ચે વહેતો હતો અને મનોહરપુરી ભણી વળતો હતો.

ચારેપાસનાં વનોમાં સંતાઇ રહેલી સંધ્યાકાળે જ્યારે, ભય માત્ર તજી, બહાર નીકળી પડી, ગોળ સૂર્યને તાડનાં વનની પાછળ ગબડાવી પાડ્યો અને તે જ્યોતિનું તેજ અસ્ત થતું થતું પણ ઊંચા તાડનાં શિખર ઉપર ટકી રહેલું દેખાયું ત્યારે સંધ્યાકાળે શીતળ કરી દીધેલા રસ્તા ઉપર રગશિયું ગાડું ઘસડાતું હતું અને વિશ્રામસ્થાન પાસે આવ્યું જાણી થાકેલા બળદને જોર આવતું હતું. જે ગાડામાં બેસી સરસ્વતીચંદ્ર નીકળ્યો હતો તે જ આ ગાડું હતું. ગાડાવાળે એનો એ જ હતો, પણ અંદર સરસ્વતીચંદ્ર અથવા એના માથમાંનું કોઇ પણ માણસ ન હતું. ગાડાની સાથે ચાલનારો દંડી સંન્યાસી માત્ર અંદર ચડી બેઠો હતો. બનેલા બનાવ ન સમજનાર બળદને માથે માત્ર આ બે જણનો જ ભાર હતો.

ગાડાવાળો અને સંન્યાસી ગમ્મત કરતા ગપાટા મારતા હતા અને ગાડું ખખડતુંખખડતું બે વન વચ્ચેની ખીણો જેવા રસ્તા પર દોડતું હોય એમ ચાલતું હતું. સંન્યાસીના હાથમાંનો દંડ નિર્ભય સ્થિતિમાં ગાડાના પાંજરા પર આડો પડ્યો હતો અને તેની આકાશ ભણીની અણી લોહીવાળી થઇ હતી. ગાડાવાળો સ્વસ્થ હતો પણ સંન્યાસીના મનમાં કાંઇક શંકા હોય તેમ તેની આંખ સાવધાન રહેવાનો પ્રયત્ન કરતી ચારેપાસ કીકી ફેરવતી હતી.

ગાડાની પાછળ જે ત્રણ સવાર સુવર્ણપુર આગળથી ચાલતા હતા તે અત્યારે દેખાતા ન હતા. સરસ્વતીચંદ્રને ચાલ્યો જતો જોઇ કુમુદસુંદરીએ પોતાને તેડવા આવેલા સવારોમાંથી એ ત્રણ જણને કેટલીક સૂચના આપી સરસ્વતીચંદ્રની પાછળ મોકલ્યા હતા. અબ્દુલ્લા, ફતેહસંગ અને હરભમજી એવાં એ ત્રણ સવારનાં નામ હતાં.

ગાડું ચાલવા માંડ્યું ત્યારે તેની આગળ જે સ્વર તથા હોંકારા આવતાં હતા તે હાવે શાંત થઇ ગયા હતા અને તે સ્થળ ગાડું ક્યારનું વટાવી ચૂક્યું હતું. આંબાનું વન અંગ્રેજી સીમમાં હતું. તાડનું વન સુવર્ણપુરના રાજ્યની સીમમાં હતું, અને બેની વચ્ચેના રસ્તાનું મુખ મનોહરપુરની સીમમાં હતું. તે સીમમાં એક પૂર્વપશ્ચિમ રસ્તો હતો અને ત્યાં આગળથી દક્ષિણ ભણીનો રસ્તો બંધ થતો હતો - ભણી જતો હતો. ત્રણ દિશાના માર્ગ મળતા હતા ત્યાં આગળ આમ ત્રિભેટો થતો હતો. ગાડું ત્રિભેટા આગળ આવી અટક્યું તે સમયે અંધકાર આકાશમાંથી ઊતરી પડ્યો અને રાત્રિ પણ વિશ્વને ભેટી પડી. ચંદ્રમાં ડોકિયું કરી જતો રહ્યો ત્રિભેટાને મધ્યસ્થાને એક વડનું ઝાડ હતું તેની નીચં સંન્યાસીની ઇચ્છાથી ગાડાવાળાએ બળદ છોડ્યા અને બે જણ ગુપચુપ અંધારામાં વાતો કરવા લાગ્યા.

ગાડાવાળો : “ઠાકોર ! હવે મને જવા દો. આ તરભેટામાં ત્રણસો ભો. તમે તો છૂટા, પણ મારાં તો ઘરબાર જશે.”

સંન્યાસી : “હવે છાનો, છાનો ! પેલા હરભમના મારથી મારા જમણા પગનું હાડકું કળે છે તે મારાથી ચલાય એમ નથી ને મારે આ આંબાવાડિયાની પેલી પાર વીરપર જવું છે; તારા ગાડા વિના ત્યાં નહીં જવાય.”

ગાડાવાળો : “તે વીરપરમાં કિયો બાપ તમને સંઘરવાનો હતો જ ? રાણો ખાચર તમને ને મને બેને બાંધી સોંપી દેશે.”

સંન્યાસી : “ભા ! દીઠા નથી હજી સુરસંગના હાથ. આ હાથ આજ ભૂપસિંહની ગાદીને હલમલાવે છે ને બુદ્ધિધનને ઉજાગરા કરાવે છે. બે દિવસમાં જોઇ કે નહીં ઊથલપાથલ કરી છે તે ?”

ગાડાવાળો : “ત્યારે વીરપર જઇ શું કરશો ?”

સુરસંગ : “રાણા ખાચરની અમારે મોટી ઓથ છે. તારે એમના ભણીની બીક રાખવી નહીં. સરકારમાં એ ગમે તે બોલશે કાગળમાં ગમે તે લખશે, પણ સુરસંગનો વાળ વાંકો નહીં થવા દે.”

ગાડાવાળો : “ત્યારે પેલા વાણિયાબ્રાહ્મણ ગાડામાં બેઠા હતા તેનું શું કરશો ?”

સુરસંગે આ પ્રશ્નનો ઉત્તર ઉડાવ્યો એટલામાં છેટે અંધકારમાં રણશિંગું વાગ્યું. સુરસંગે ઉત્તરમાં શિયાળના જેવો વિચિત્ર સ્વર કર્યો. થોડીવારમાં કેટલાક પગનો ઘસારો સંભળાયો. સુરસંગ વડવાઇઓના મુખ આગળ ઊભો રહી ચલમ ફૂંકી તેમાંથી ભડકા કાઢવા લાગ્યો, અને થોડાંક માણસો આવ્યાં તેને સાથે લઇ વડ નીચે અસલ જગાએ આવી પાછો બેઠો. આવેલામાંથી એક માણસ ગાડાવાળાને લઇ આવતું જતું માણસ સાચવવાના નિમિત્તે વડવાઇ આગળ જઇ બેઠો એટલે બહારવટિયાઓ અંતઃકરણ ઉઘાડાં કરવા લાગ્યા.

તેમની પાસે હવે કોઇ પારકું માણસ ન રહ્યું. માત્ર સૌનાં માથાં ઉપર ડાળોનાં પાંદડાંમાં કોઇ બેઠું હોય તેમ જરાક ઘસારો થયો. સુરસંગે ચલમ સળગાવી ઊંચું જોયું અને કાન માંડ્યા પણ પરત પાછો વાતોમાં ભળ્યો.

ચલમમાં ભડકો થતો ત્યારે ઉપરની ડાળોમાં તે તેજનું પ્રતિબિંબ પડતું હોય તેમ આગિયા કીડાની પાંખના જેવો ચમકારો સ્પષ્ટ થતો હતો પણ તે પર કોઇનું ધ્યાન ખેંચાયું નહીં, અને ચારેપાસના અંધકારથી પેઠે નિષ્કંટક પરંતુ પવનથી હાલતાં ઉપરનાં પાંદડાંના સ્વરની પેઠે ધીમે સ્વરે બહારવટિયાઓની વાર્તાનો રસ કર્ણોપકર્ણ છાનોમાનો જામવા લાગ્યો.